Sunday, October 30, 2011

નવા વરસે કંઇક નવું કરજો


| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૩૦-૧૦-૨૦૧૧| અધીર અમદાવાદી |
નવા ઉત્સાહ અને નવા ઉમંગ લઈને નવું વરસ આવી ગયું છે. પણ આ નવા વરસમાં તમે એ જૂનાં સગાઓને ઘેર જઈ એ જૂનાં મઠીયા અને ઘૂઘરા ખાઈ, મઠીયા અને ઘૂઘરા કોણે બનાવ્યા એની એ વાતો સાંભળી, જૂની પત્ની સાથે એ જૂનાં ઘરે પાછાં પાર્ક થઇ ગયા હશો. અને હવે આવતીકાલથી જૂની પત્નીના હાથની ચા પી, લંચ બોક્સમાં ભાખરા ભરી, જૂની નોકરીમાં જૂનાં ખડ્ડુસ બોસ અને કચકચિયા સહકર્મચારીઓ સાથે નવા વરસની ઘરેડમાં લાગી જશો. ભલા માણસ, એ તો વિચારો કે ગયા વરસે પણ નવું વરસ બેઠું હતું પણ આખા વરસમાં તમે કશું નવું કર્યું ખરું?

નથી કર્યું ? શું તમે પણ! હવે બદલી કાઢો. પત્ની સિવાય બીજું બધું જ બદલી કાઢો. પત્ની બદલવાની સલાહ એટલા માટે નથી આપતો કારણ કે જો આમ બદલી કાઢવાની ચોઈસ તમારી પત્ની પાસે હોત તો એણે તમને ક્યારના બદલી કાઢ્યા હોત! માટે જેમ એ તમને સુખેદુખે નભાવે છે એમ તમે પણ એને નભાવી લો.

તો નોકરી બદલી કાઢો. એકદમ ફાલતું કંપની છે. તમારા જેટલા ક્વોલિફાઈડ દોસ્તો કરતાં તમને વીસ ટકા ઓછો પગાર મળે છે. અને ઓફિસમાં તમને બેસવાની જગ્યા પણ કેવી સાંકડી આપી છે. ચારે તરફ ફાઈલોના ઢગલા વચ્ચે તમે ઉકરડામાં ભુંડ બેઠું હોય તેમ બેઠેલા હોવ છો. અને ઓફિસમાં પટાવાળો પણ ત્રણ વાર બેલ મારો ત્યારે એક વખત આવે છે. બહારગામ ઉઘરાણીનું કામ હોય તો બોસ તમને મોકલે છે. અને તમારો ખડ્ડુસ બોસ. એને તો ગોળીએ દેવા જેવો છે નહિ? તમે એક લેટર ટાઈપ કરો એમાં પચાસ ભૂલો કાઢે. એમાં પાછી ‘આ તેંતાલીસ ભૂલો તો દર વખતે થાય છે’ એમ કહી તમને એ ધમકાવે છે. તમે મોડા આવો એ દિવસે તમે ખુરશીમાં સેટ થાવ એ પહેલા એ તમને રિમાંડ ઉપર લે છે અને ને તમે જે દિવસે વહેલા જવા માંગતા હોવ એ દિવસે તમને ઓવર ટાઈમ કરવા કહે છે.

હા એ અલગ વાત છે કે તમને બે વાર રીફ્રેશર કોર્સ કરવા છતાં હજુ કમ્પ્યુટર જોઈએ તેટલું આવડતું નથી. એટલે તો તમને ફાઈલોનાં ઢગલાનો નિકાલ કરવાનું કામ સોપાય છે. અને તમારા હથોડાછાપ સ્વભાવને લીધે ઉઘરાણીના કામમાં તમને મોકલે છે. એ જોતા આ જે પગાર મળે છે તે તમારા બોસને તો વધારે લાગે છે. એટલે નોકરી છોડવાનું વિચારવામાં કશું ખોટું નથી, પણ બીજી મળે ત્યાં સુધી આ છોડવું ડહાપણ ભર્યું નહિ લેખાય હો.

તો આ વરસે તમે ફ્લૅટ તો ચોક્કસ બદલી કાઢો. તમારો બહેરો પડોશી ફૂલ વોલ્યુમ પર ટીવી મૂકે છે તે કઈ રીતે ચલાવી લેવાય? અને બારણું ખુલ્લું હોય તો ડોકિયા કરવાની કુટેવ તો (તમારા સહિત) લગભગ બધાને છે. દૂધવાળો મોડો આવે છે અને છાપાવાળો વહેલો, એમાં પેલા હર્ષદીયો તમારું છાપું તમારા કરતાં પણ પહેલા વાંચી નાખે છે. કચરા લેવાવાળો કાયમ તમે દાઢી કરતાં હોવ અને તમારી પત્ની ન્હાવા ગઈ હોય ત્યારે આવે છે. ચૌદ નબરવાળા સાત જણ ભેગા થઇ ચૌદ જણનું પાણી વાપરી નાખે છે. એમાં વોચમેનને બુમો પાડી પાણી ચાલુ કરવા કહેવું પડે છે. અને રો મોડું થઇ જાય છે. પાછો ફ્લેટ છે જુનો અને લીફ્ટ વગરનો છે એટલે વેચવા જતા મોકાની જગ્યાએ છે એમ છતાં રૂપિયા ઓછા ઉપજે એમ છે. અને નવો ફ્લેટ લેવા સાઈઠ લાખનું બજેટ થાય તે ક્યાં તમને પોસાય એવું છે?

અને છેલ્લે બદલવા જેવી છે પલ્લુ ઉર્ફે પલ્લવીને. એની સાથે મેસેજની આપ-લે અને બોસ બહાર ગયા હોય ત્યારે ઓફિસનાં ફોન ઉપરથી ચાલુ ઓફિસે વાત કરવી તો તમને ઘણી ગમે છે. એને તમારો એન્ગ્રી મિડલએજ-મેન સ્વભાવ અને અમિતાભ જેવો ઘેરો અવા ગમે છે, અને તમને એની શોલેની બસંતી છાપ બકબક. ફોન તમે કર્યો હોય ને ફોન પતે પછી તમને યાદ આવે કે મુદ્દાની વાત તો કરવાની રહી ગઈ. પણ પલ્લુ અવાર નવાર છૂટાછેડા લઇ લેવા દબાણ કરે છે એ તકલીફ છે. પણ સારું થયુ પલ્લુ યાદ આવી ગઈ. નોકરી બદલાશે તો પછી રો જતાં આવતાં પલ્લુને મળવાનું ક્યાંથી થઇ શકશે?

પણ ખુબ લાંબો વિચાર કર્યા પછી તમને એવું લાગવા માંડ્યું છે કે બદલવા જેવું તો આ બનિયાન છે. જેમાં તમે બાંય સમજી હાથ નાખવા જાવ છો તે બાંયને બદલે બાકોરું નીકળે એટલા તો મોટા કાણા પડી ગયા છે. એની લંબાઈનું માપ દરજી લે તો ચારે બાજુએથી જુદું નીકળે છે. પણ યાર, આમ જો તમે ઢીલા પડશો તો ગંજી સિવાય કશું બદલી નહિ શકો. તમારી પોતાની બુરાઈઓ અને મજબુરીઓ જોયા કરશો તો જીંદગીમાં તમે કશું નહિ કરી શકો. યાર, પ્રાણને પ્રકૃતિ સાથે જાય એ નાતે આપણે ન બદલાઈ શકીએ તો શું થયું, આપણી આસપાસનું બધું બદલી કાઢવું જોઈએ! મન મક્કમ કરો. નવા વરસમાં કૈક નવું કરો.  

અનબ્રેકેબલ સંકલ્પો


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૩૦-૧૦-૨૦૧૧ | અધીર અમદાવાદી |

ગુજરાતી નવું વરસ આવે એટલે નૂતન વર્ષે નવાં કપડાં પહેરી લોકો નવાં સંકલ્પો કરે છે. પણ કદાચ નવું નવ દાડા કહેવત આ સંકલ્પવીરોએ સાંભળી નહિ હોય એટલે જ કદાચ બેસતાં વરસે કરેલા ઘણાં સંકલ્પો નવ દાડા પણ ટકતા નથી. પણ અનુભવી અને જ્ઞાની લોકો અનબ્રેકેબલ સંકલ્પ કરે છે. એ પુરા ભલે ન થાય, પણ તુટતા નથી. ચોંકી ગયા ને? આ બેસતાં વરસે સંકલ્પો કરવા અને કરેલા સંકલ્પો પાળવાની માયાજાળમાંથી લોકો કઈ રીતે બચે છે તેની વાત.

અનુભવી લોકો કહે છે કે વજન ઉતારવાનો સંકલ્પ કરતી વખતે આંકડાની માયાજાળમાં પડવું નહિ. જેમ કે પહેલી માર્ચ ૨૦૧૨ના રો મારું વજન બોત્તેર હશે, આવો સંકલ્પ કદી ભૂલમાં પણ ન કરવો. કોઈ પરાણે સંકલ્પ કરાવે તો છટકવાનો રસ્તો ખુલ્લો રાખી સંકલ્પ કરવો, જેમ કે ત્રણ મહિનામાં વજન દસ કિલો ઘટાડી નાખીશ એવું કહેવું. હવે એવું બને કે તમારા વજનને કાબુમાં લાવવાના જાલિમ મનસુબા ધરાવનારનું ખુદનું વજન ત્રણ મહિનામાં વધી ગયું હોય, અને શરમના માર્યા એ તમને પૂછે નહિ! અને આમ ન થાય અને ત્રણ મહિના પછી એ હિસાબ માંગે તો ભોળા થઈ કહેવું હા,વજન ઘટાડવાનું શરુ કરીશ એટલે ત્રણ મહિનામાં ચોક્કસ ઘટાડીશ, યાર એક વાર શરુ તો કરવા દે. અને તું શિયાળામાં અડદિયો ને સાલમપાક બનાવીને ખવડાવે પછી વજન કઈ રીતે ઘટે? ઉનાળો આવવા દે, તને પૂછ્યા વગર હું શરુ કરી દઈશ, તારે કહેવું પણ નહિ પડે બસ!. આમાં પાછું પૂછ્યા વગર ખાસ બોલવાનું! આમ ઉનાળા સુધી નિરાંત થઈ જશે.

સંકલ્પો કરાવનારને માવા મસાલા અને સિગારેટ છોડાવવાનો સંકલ્પ લેવડાવવાનો બહુ ઉદ્યમ હોય છે. એમાં ખાનારની દશા પેલી દુર્યોધન જેવી જાનામિ ધર્મમ્.. જેવી હોય છે. આ ખોટું છે એ ખબર હોવાં છતાં એને છોડી નથી શકતો. આમાં છોડનાર તો મન મક્કમ કરીને છોડી દે છે, નબળા મનના સંકલ્પ કરે છે. તો અમુક અવળા ચોંટે છે. પત્ની છોડાવવા મથતી હોય તો એને કહેશે કે પહેલાં તું ટીવી જોવાનું બંધ કર, તારા લીધે છોકરાં ટીવી સામે ચોંટી જાય છે.  કે પછી ઇમોશનલ બ્લેક મેઈલિંગ કરશે, જો, હું છોડી તો દઉં છું, પણ ગઈ વખતે પછી બાઈક ચલાવતા ચક્કર આવ્યાંતા યાદ છે ને? જો કે આ વખતે તો વિમાની રકમ વધારી છે એટલે વાંધો નથી. અને આમ છતાં જો પેલી માને તો, પછી જા સિગારેટ નહિ પીવું આજથી અને પેલી ખુશ થઈને જતી રહે એટલે, તારી હાજરીમાં હવે નહિ ફૂંકુ એમ ‘નરો વા કુંજરો વા વાળી કરી દે. આમ એકંદરે એ સિગરેટ ઉપર મેન્થોલની પીપરમીન્ટનાં ખર્ચા વધારે છે!

આપણે લોકો પોતાનાં અંતરાત્મા કે પત્નીનાં અવાજને વશ થઈને અઘરા સંકલ્પો કરી બેસીએ છીએ, પછી એ તૂટે એટલે પોતાની નજરમાં જ પડી જવાય છે. ઓશો મજાકમાં કહે છે કે આમ ગ્લાનિર્મ્ય થવા કરતાં એવાં સંકલ્પ કરવા જે પાળી શકાય, જેમ કે આ બેસતાં વરસથી હું બીડી પીવાની ચાલુ કરીશ. અમારા જેવી સંકલ્પ પાળવામાં કાચી પડતી પેઢીઓ માટે આ અકસીર ઈલાજ છે. અમને થોડા સંકલ્પો સુઝે છે, તમને જે યોગ્ય લાગે તે અપનાવી શકો છો. પતિઓ પોતપોતાની પત્નીઓને ઉલ્લુ બનાવવાનો અને વિદ્યાર્થીઓ કોલેજ બંક કરીને મહિનામાં ઓછામાં ઓછા ચાર પિક્ચર જોવાનો સંકલ્પ કરી શકે. કર્મચારીઓ અઠવાડિયામાં એક દિવસ ગુલ્લી અને બે દિવસ વહેલા નીકળી જવાનો સંકલ્પ કરી શકે. અને પોલીસ ‘આ મહિનામાં ઉપરની આવક પચીસ હજાર સુધી પહોંચાડવી’ એવો સંકલ્પ કરે તો સંકલ્પો સાચાં જ પડે. અને આમ સંકલ્પ સિદ્ધ થવાથી માનસિક શાંતિ પણ મળે. 

ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ વર્ષ નિમિત્તે ઘણાં સંકલ્પો લેવાયા હતાં. આ સંકલ્પોનું પછી શું થયું એ જાણવા મળતું નથી. આ સંકલ્પો જો એમઓયુ હોત તો કદાચ એનાં આંકડા પણ કરોડો અબજોમાં રમતાં હોત. સંકલ્પો અને એમઓયુ લોકો ઉત્સાહની ભરતી આવે એટલે કરી નાખે છે ને પછી એમાંથી છટકી જાય છે. આપણે આ નવા વરસે સંકલ્પો અને એમઓયુનાં આંકડાની માયાજાળમાં પડીએ અને જે કરવું છે તે કરી દેખાડીએ.

-બકા

સનમ, સજની, સજનવા કે બોલાવું બકા,
કસમ શબ્દકોશની તને જ હું ચાહુ બકા !