Sunday, October 16, 2011

સ્વર્ગનું મોડર્નાઇઝેશન


મુંબઈ  સમાચારી | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાતને વાતની વાત | ૧૬-૧૦-૨૦૧૧ | અધીર અમદાવાદી |

એક સમયે ધર્મશાળા જેવી સરકારી ઓફિસો હવે ફાઈવ સ્ટાર બની ગઈ છે. પોલીસ સ્ટેશન્સનાં ઓટલા આજકાલ પિકનિક કરાય એટલા સારા હોય છે. નેતાઓ હવે ડીઝાઈનર કપડાં અને આંટીઓ ને અન્કલ્સો આજકાલ જીન્સ ટીશર્ટ પહેરીને ફરે છે. અખાડાઓને બદલે જીમ આવી ગયાં છે. શિક્ષકો કારમાં ફરે છે. સચિવાલયમાં કર્મચારીઓ કામ કરે છે. રાજકીય રીતે સરકારો બદલાયા કરે છે, એમની કામ કરવાની ઢબ બદલાઈ છે, વ્યવહારના ધોરણો બદલાયા છે. આ બધું ધરતી પર. પણ ઉપર સ્વર્ગમાં વર્ષોથી એની એ જ મિનિસ્ટ્રી છે અને એજ જૂની પુરાણી રીતભાત. ચિત્રગુપ્ત ચોપડા લખે છે, યમરાજા પાડા પર બેસી ફરે છે, માથે શિંગડાવાળા યમદૂતો જીવ લે છે, વરુણ દેવ એ જ જુનું વોટર રિસોર્સિસ, નારદજી કમ્યુનિકેશન, ને વિશ્વકર્માજી બાંધકામ ખાતું સંભાળે છે. વર્ષોથી સ્વર્ગમાં કોઈ ફેરફાર નથી થયો. અરે ઇન્દિરાજી, મોરારજી, જગજીવન રામ, ચરણ સિંહ જેવા ધુરંધર રાજકારણીઓ  ઉપર ગયા ત્યારે તો ઘણાંને હતું કે ઇન્દ્રાસન જરૂર ડોલશે. પણ એવું થયું હોય તેવાં સમાચાર નથી. 

ગયાં અઠવાડિયે એપલ કોમ્પ્યુટર અને આઈફોન જેવી પ્રોડક્ટનાં સર્જક સ્ટીવ જોબ્સ અવસાન પામ્યા. આ સ્ટીવ જોબ્સ જેવાઓ જ્યારે સ્વર્ગમાં જશે તો એ સ્વર્ગમાં નવી ટેકનોલોજી દાખલ કરશે એવી આશા અમુક લોકો સેવી રહ્યા છે. જો આવું થાય તો સૌથી વધારે ફાયદો નારદજીને થશે. કમ્યુનિકેશન માટે રૂબરૂ બધે હડીઓ કાઢતાં નારદજી પછી આઈફોન ધારણ કરી ફરતાં થઈ જશે, અને એમનાં દ્વારા જ્યારે ત્યારે થતી પૃથ્વીલોકની સફરનો ખર્ચો પણ બચી જશે. જવા આવવામાં જે સમય વ્યતિત થતો હતો તે બચી જવાથી ફોન પર એ વધુ જનસંપર્ક કરી શકશે. જોકે આમ થવાથી એકંદરે ડખાઓ વધી જશે એવો ભય પણ રહ્યો છે.

સ્વર્ગનું કમ્પ્યુટરાઈઝેશન થવાથી સૌથી વધારે રાહત ચિત્રગુપ્તને થશે. એમનાં ચોપડા કોમ્પ્યુટરાઈઝડ થઈ જવાથી કોઈનો પણ હિસાબ જોવો હશે તો ખાલી નામ અને યુનિક આઈડી નાખવાનું રહેશે. પછી એક બટન દબાવતાં વ્યક્તિનાં નામ સાથે એનો લેટેસ્ટ ફોટો જોવાં મળશે. પાપ પુણ્યના આંકડાઓનું આંકડાકીય પૃથ્થક્કરણ પણ ઘડીના છઠ્ઠા ભાગમાં થઈ જશે. આમ, વ્યક્તિએ આજદિન સુધી સરેરાશ કેટલાં પુણ્ય કે પાપ કર્યા એ પાપ અને પુણ્યનો તફાવત ખાલી સંખ્યામાં નહિ, પરંતુ પાપ અને પુણ્યની ગુણવત્તાના ધોરણે રીપોર્ટ કરવામાં આવશે, અને એ પણ સુપર કોમ્પ્યુટર દ્વારા. આમ હિસાબની રાહ જોતાં લોકોની ભીડનો જલ્દી નિકાલ થવાથી સ્વર્ગ-નર્કની બોર્ડર પર વેઇટિંગ રૂમમાં રાહત થશે. આ ઉપરાંત ચિત્રગુપ્તની ઓફિસ પેપરલેસ થવાથી સ્વર્ગમાં પહેલાં ચોપડા મૂકવા વાપરતા કબાટો અને ઘોડા દૂર થવાથી ઘણી જગ્યા છૂટી થશે, જે ઊંચા ભાવે બિલ્ડરોને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડ પર ડેવલપ કરવા પણ આપી શકાશે.

પછી તો યમરાજનાં ડિપાર્ટમેન્ટમાં પણ ધરખમ ફેરફારો થશે. યમ પોતે પાડાને બદલે ફરારી કે એસયુવી લઈને નીકળશે. યમદૂતોનાં માથે શિંગડાને બદલે એમના વાળમાં જેલ નાખીને પંક સ્ટાઈલમાં ઊભા કરેલા હશે. એમની આંખોની આસપાસ જોકે હજુ પણ ડાન્સ શોના સ્પર્ધકો જેવો મેકઅપ કરેલો હશે. આ યમદૂતો પાસે પર્સનલ આઈ-પેડ સ્ટાઈલનું નાનું કોમ્પ્યુટર હશે, જેમાં બુકીઓ વાપરે છે તેવો પ્રોગ્રામ લોડ કરેલો હશે જેમાં યમદૂતને કોની કોની વિકેટ ક્યારે પાડવાની છે તે અંગેની ફોટા સાથેની સચોટ માહિતી આપેલી હશે. એમનાં વાહનો ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમથી (જીપીએસ) સજ્જ હશે. જેમ વિમાન યાત્રામાં એક્ઝીક્યુટીવ અને ઇકોનોમી (થરૂરનો કેટલ ક્લાસ) હોય છે, એમ સ્વર્ગ સુધીની યાત્રામાં પાપ-પુણ્યની કાચી બેલેન્સ શીટ જોઈ યોગ્યતા મુજબ અપ્સરાઓ જીવાત્માઓને બેઠક આપશે.
અન્ય ફેરફારોની સાથે સ્વર્ગ ખાતે મનોરંજન વિભાગમાં પણ ધરમૂળથી ફેરફાર થશે. અત્યાર સુધી તો નાચગાન જોવાં કાયમ ઇન્દ્રના દરબારમાં જવું પડતું હતું, તે હવે ખાસ વાઈબ્રન્ટ સ્વર્ગ જેવા પ્રસંગે જ જવાનું થશે. બાકીના સમયે સ્વર્ગ પ્લસ ચેનલ ૨૪ X ૭ અવનવા મનોરંજન કાર્યક્રમો પ્રસારિત કરશે. વયમર્યાદા વટાવી ચુકેલ નર્તકીઓને સન્માનભેર અન્ય કામમાં વાળવામાં આવશે. ઉર્વશી અને રંભા પણ પોતે શો કરવાનું બંધ કરી રીયાલીટી શોમાં જજ બની જશે. ઇન્દ્રનાં દરબારમાં આમ તાજી હવા આવવાથી સ્વર્ગના ટીઆરપી ઊંચા આવશે. જો કે નર્કમાં તો પૃથ્વીલોક પર ચાલતી સાસ-બહુ ટાઈપની સિરીયલસ, ફિક્સ કરેલા રીયાલીટી શો, અને નર્ક પ્રીમિયર લીગની કંટાળાજનક મેચિઝ અને દરેકના દિવસમાં પાંચ વખત રીપીટ ટેલીકાસ્ટ જ બતાવવામાં આવશે!

આમ, સ્વર્ગ અને નર્કમાં ધરખમ ફેરફારો થવાથી ત્યાંના જુનાં જોગીઓ, નગરસેવકો અને કર્મચારીઓમાં રોષ ફેલાઈ જવાની શક્યતા છે. એવું પણ બને કે કર્મચારીઓ ભગવાન વિષ્ણુ આગળ રજુઆતો કરે કે ‘આ ઉમરે અમે ક્યાંથી આ બધું શીખીએ?’. જોકે ભગવાન વિષ્ણુની મુત્સદ્દીગીરીથી ‘સ્વર્ગમાં નવી ટેકનોલોજીનો અમલ હયાત કર્મચારીઓને તાલીમ આપ્યા બાદ કરવો’ એવો ઠરાવ થશે. આ ઉપરાંત કર્મચારીઓને ખાસ તાલીમ ભથ્થું આપવું એવું પણ ઠરાવવામાં આવશે. સ્વર્ગમાં તો નિવૃત્તિની વયમર્યાદા જેવું કશું ન હોવાથી ઉમરલાયક કર્મચારીઓને તાલીમ આપવામાં વર્ષો નીકળી જશે. હાસ્તો, પાડા પર સવારી કરનારને પાંચ ગીયરવાળું વાહન એમ બે દિવસમાં થોડું આવડી જાય? આમ તાલીમના ડખામાં ફેરફારો ટળી જશે. અને ફેરફારો ટળશે તો સ્વર્ગમાં ઇલેક્શનનું કોઈ નામ નહિ લે, અને વેતન વધારાથી સંતૃષ્ટ કર્મચારીઓ હયાત સરકારને સમર્થન આપશે. આમ, સ્વર્ગ પર એજ જુનાં ચહેરાઓ ખાઈ, પી ને રાજ કરશે.

No comments:

Post a Comment