Showing posts with label જનાવર. Show all posts
Showing posts with label જનાવર. Show all posts

Wednesday, March 08, 2017

કૂતરાઓના સારા દિવસ જાય છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૮-૦૩-૨૦૧૭

દેશમાં દિવસે દિવસે પ્રાણીઓ માટે સહાનુભુતિ વધી રહી છે. ખાસ કરીને કૂતરાઓ માટે. કુતરા પાળવાના નવા નિયમો આવી ગયા છે જેનાથી ઘરમાં કુતરા રાખતા લોકોને માથે જવાબદારી વધી છે. જેમ કે કુતરાને હવે એસીમાં રાખવા પડશે. ડોગ ઓનરે પાંજરા રાખવા પડશે, બેલ્ટ પહેરાવી ડોગ વોક કરાવવો પડશે અને ટોમી જો પોટી કરે તો એ ઉપાડવી પડશે. અમને થાય છે કે મુનસીટાપલી આમ તો શહેરમાં રખડતા કૂતરાની પાલક કહેવાય એ હિસાબે મુનસીટાપલીએ પણ કૂતરાઓ માટે રેનબસેરા ટાઈપ જ નહિ પરંતુ નવી ગાઈડલાઈન્સ અનુસાર એસી શેલ્ટર ઉભા કરવા જોઈએ. ડોગ પાર્ક પણ ઉભા કરવા જોઈએ. જોકે ઉપર દર્શાવેલા અન્ય કામ મુનસીટાપલી કરે એ કામ રેતીમાંથી ઘી કાઢવા જેવું અઘરું છે.

વચ્ચે એક સર્વેક્ષણ થયું હતું તેમાં અમદાવાદમાં દર ૨૫ નાગરિકે કરડવા કે પાછળ પડવા માટે એક શ્વાનની સગવડ મુનસીટાપલીએ કરી છે. આ હિસાબે દરેક સોસાયટી કે ફ્લેટને ઓછામાં ઓછા ૫-૬ કુતરા એલોટ થયા છે. આમ તો આ એલોટમેન્ટમાં મુનસીટાપલીનો કોઈ હાથ નથી. એના માટે કોઈ કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો નથી થયા. આમ પણ કૂતરા દીઠ ૨૫ નાગરિકની ફાળવણી કરેલી છે એટલે કરડવામાં સફળતાનો દર ઉંચો રહેતો હોઈ શ્વાન વર્ગને સંતોષ છે. કૂતરાઓએ પણ સમરસતાપૂર્વક પોતપોતાના વિસ્તાર માર્ક કરી લીધા છે. જે લોકોને દેશમાં અસહિષ્ણુતા અંગે ફરિયાદ હોય એમણે કુતરાનું અમદાવાદ મોડેલ જોઈ લેવું જોઈએ.

અમદાવાદમાં તો ‘દેખ બિચારી કુતરીને કોઈ જાતા ન મારે લાત...’ હિસાબે નિર્ભય થઈને કુતરા કુતરીઓ સ્વૈરવિહાર અને વિહાર ઉપરાંત એમની પ્રકૃતિ અને કુદરતી રીતે જે કરવાનું હોય એ કરે છે. વેલેન્ટાઈન ડેમાં કપલ્સને જાહેરમાં પ્રેમ કરતા જોઈ અમુક અડબંગ દળના કાર્યકરો ટામેટા ફેંકે છે. જોકે કૂતરાઓ જાહેરમાં જે ઈચ્છે એ કરી શકે છે. તેમના ઉપર કોઈ ટામેટા ફેંકતું નથી, અને ઇન ફેક્ટ જો ફેંકે તો એ ખુશી ખુશી ઝીલી અને ખાઈ લે. આ અંગે આપણે આપણા કાન ઢોર જેટલા લાંબા હોય કે ન હોય, આંખ આડા કાન કરવા જ પડે છે. મુનસીટાપલી હજુ શહેરીજનો માટે જનસુવિધાઓ ઉભી કરવા ઝઝૂમી રહી છે ત્યારે કૂતરાઓ માટે ટોઇલેટ બનાવે તેવી અપેક્ષા રાખવી વ્યવહારિક નથી. અને બનાવે તો પણ જે રીતે માણસો માટે સરકારી પૈસાથી બનાવેલા સંડાસોનો ઉપયોગ લોકોએ બેડરૂમ કે પાનના ગલ્લા તરીકે કરવાનો શરુ કર્યો છે એ જોતા કૂતરાઓ માટે ઉભી કરેલી સુવિધાનું ભવિષ્ય કલ્પી શકાય છે. આમ પણ પરાપૂર્વથી કૂતરાઓ સ્વતંત્ર છે જ, આ સંજોગોમાં, અને દુરના ભવિષ્ય સુધી રહેશે તેવું ચારેતરફ દેખાઈ રહ્યું છે.

આપણા દેશવાસીઓ ‘દુઈ રોટી ઔર એક લંગોટી સે હમ ખુશ હૈ રે ભૈયા ...’ ટાઈપના લોકો છે. આપણે ત્યાં આ બે રોટીમાંથી પણ કૂતરા માટે કાઢવાનો મહિમા છે. તો સામે કૂતરા પણ આપણી સાથે રહીને આપણા જેવા સંતોષી થઇ ગયા છે. તમે વિચારો કે એક કૂતરો આપણી પાસે શું માંગે છે? થાંભલો જ ને? તો એની વ્યવસ્થા પણ સરકાર કરે જ છે ને! હકીકતમાં ગામેગામ ટોઇલેટ અને વીજળી પહોંચાડવાની યોજનાના લાભાર્થીઓમાં આઝાદી પહેલાંના સમયથી થાંભલા વગર ટળવળી રહેલા દૂર-સૂદુરના ગામોના કૂતરાઓનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લા પરથી ૧૮૦૦૦ ગામોમાં વીજળીના થાંભલા નાખવાની જે જાહેરાત કરી હતી એને સૌથી વધુ શ્વાન વર્ગે આવકારી હશે.

આપણે ત્યાના કૂતરાઓમાં એક દૂષણ સર્વ વ્યાપી છે અને એ છે અમથા અમથા દોડાદોડી કરવાનું. કોઈપણ જાતના પ્રયોજન વગર દોડવું એ શક્તિનો વ્યય છે, પછી એ શ્વાનશક્તિ કેમ ન હોય! તો શ્વાનશક્તિને યોગ્ય દિશામાં વાળવાની પહેલ મહારાષ્ટ્ર સરકારે કરી છે. અગાઉ મુંબઈ સરકારે ૧૮૮૭ના જુગાર પ્રતિબંધક ધરામાં ઘોડાની રેસ સાથે કૂતરાની રેસનો પણ સમાવેશ કર્યો હતો. એ પછીથી ‘ડોગ રેસકોર્સીસ લાઈસન્સિંગ એક્ટ ૧૯૭૨’ પણ અસ્તિત્વમાં છે અને નજીકના ભૂતકાળમાં એમાં સુધારા કરીને લાઇસન્સ ધરાવતા રેસકોર્સ પર કૂતરાની રેસ યોજવા આડેના અવરોધો દૂર કરાયા છે. આ બધું કહેવા પાછળનો અમારો આશય એટલો જ કે ગુજરાતના કુતરા મહારાષ્ટ્ર રેસમાં ભાગ લેવા જાય તો અહીં જે શાંતિ થઇ તે ખરી!

કરડવાની બાબતમાં આપણા કૂતરાઓની પરિસ્થિતિ સારી છે. અમેરિકામાં ૩૨ કરોડની વસ્તી સામે સાત કરોડ કૂતરા છે. એટલે કરડવા માટે આપણા એક એક કૂતરાને ૨૫ ઓપ્શન મળે છે તો અમેરિકન કૂતરાને ફક્ત ૬.૪ માણસ મળે છે. આમાં રાઉન્ડ અપ કરો તો પણ ગણીને સાત માણસ મળે. એમાં પણ નાની ઉમરના તો એટલું ફાસ્ટ ભાગતા હોય કે મોં પણ ન પહોચે. બાકી હોય એમ કોર્ટ કેસો અને વળતરની બીકે એનો માલિક એને કોઈને કરડવા પણ ન દે તો ધૂળ પડી એના કૂતરત્વમાં! પણ આ સિવાય આપણા કૂતરાઓએ હરખાવા જેવું નથી કારણ કે એમને ત્યાં કૂતરાઓ માટેના, સ્પા, ફાઈવ સ્ટાર હોટલ, હોસ્પિટલો અને ક્લબો પણ હોય છે. કૂતરાં માટે ખાસ બ્યુટીશીયનો પણ હોય છે અને કૂતરીઓની બ્યુટી કોન્ટેસ્ટ પણ થાય છે! એમના માટે ખાસ ડોગ ફૂડ લાવીને ખવડાવવામાં આવતું હોય છે. એમને ઠંડી ન લાગે એ માટે કપડા પણ ફેરવવામાં આવતા હોય છે. અમુક સનકી લોકો કૂતરા માટે મિલકત પણ છોડી જતા હોય છે. એટલે કૂતરું નહિ તો કૂતરાની પૂછડી રૂપે સરકારે આ દિશામાં થોડું કામ કરવાનો નિર્ધાર જાહેર કર્યો છે એનો અમને આનંદ છે, ભલે અમે એના લાભાર્થી નથી.

મસ્કા ફન
અધીર: કૂતરાનો સંઘ કાશીએ શું કામ જતો હશે?
બધિર : કાશીમાની કૂતરીને પરણવા!

Wednesday, February 08, 2017

વાંદરું એટલે વાંદરું

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૮-૦૨-૨૦૧૭

ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે થોડા વર્ષો પૂર્વે આપણે વાંદરા હતા. કાળક્રમે માણસ બન્યા. આ શારીરિક દેખાવની વાત છે. હજુ આપણે માણસ બન્યા છીએ કે કેમ એ અંગે કોઈ ચિંતક અથવા બૌદ્ધિકનો અભિપ્રાય લેવો હિતાવહ છે કેમ કે ઈતરજનોનો અન્યો બાબતનો અભિપ્રાય હંમેશા સાપેક્ષ હોય છે. ફ્લેટમાં રહેતા હશે એમને ઉપરના માળે રહેતા પરિવારના છોકરાઓ વિશેનો, ટીચર્સને વિદ્યાર્થીઓ વિષેનો, ગર્લફ્રેન્ડસને બોયફ્રેન્ડસ વિષેનો, પ્રજાનો રાજકારણી વિશેનો અને સ્ત્રીઓને પુરુષો વિષેનો અભિપ્રાય પૂછો તો સૌનો જવાબ ‘વાંદરા જેવા’ એવો હોઈ શકે. વાંદરાઓ પણ જેમને વાંદરાની કક્ષામાં મુકે એવા કેટલાક લોકો બીજાને વાંદરા સમજતા હોય છે. અને વાંદરા તો સાવ વાંદરા જેવા જ હોય છે. બાકી વાંદરા કેવા હોય એ તો સૌને ખબર છે, પણ એમની અમુક ખાસિયતો માણસમાં કેવી રીતે રહી ગઈ છે એ સમજવાનો પ્રયાસ હજુ ચાલુ છે.

ઉત્ક્રાંતિમાં વાનરો પ્રાઈમેટ શ્રેણીના વંશજો ગણાય છે જેમાંથી કાળક્રમે આધુનિક માનવો ઉતરી આવ્યા. વૈજ્ઞાનિકો પ્રાચીન અવશેષો તપાસીને આપણા શારીરિક બંધારણનો કયો હિસ્સો વાનરોને મળતો આવે છે એ સંશોધન કરતા હોય છે. અમારા મતે આપણામાંના જ અમુક નમૂનાઓ એનો સીધો પુરાવો છે જે કદાચ વૈજ્ઞાનિકોના ધ્યાન બહાર છે. 
 
વાંદરાં સ્વભાવે બહુ ચંચળ હોય છે. સ્થિર રહેવું એની પ્રકૃતિ નથી. એ ક્યારે શું કરશે એ પણ ધારવું મુશ્કેલ છે. અમારી સોસાયટીના ટેનામેન્ટસની કમ્પાઉન્ડ વોલ સળંગ છે, અને એની ઉપરથી અવારનવાર વાંદરાઓની લંગાર ડાંફો ભરતી જતી હોય છે. એ વાંદરાં છે અને ઉંચો કૂદકો મારી શકતા હોય છે છતાંય એ કમ્પાઉન્ડ વોલ પર મુકેલા કુંડા ગબડાવવાનું ચુકતા નથી. એ દીવાલ સીધી સટ હોવા છતાં બાજુમાં જો કોઈ ટુ-વ્હીલર પડ્યું હોય તો એના પર સાઈડ કિક મારીને પાછા કૂદીને દીવાલ પર આવવું એ એમનો પસંદગીનો વ્યાયામ છે! રોજ કેટલાય વાહનો આ કારણસર પડી જતા હશે. માણસ પાસે પૂર્વજોનું DNA કરાવતું હશે કે બીજું કંઈ પણ શાંતિથી બેઠેલાને સળી કરવાની ટેવ મનુષ્યોમાં પણ જોવા મળે છે.

કૂદાકૂદી અને વાંદરું એકાબીજાના પર્યાય છે. કુદકો મારવાની પ્રક્રિયા આમ સરળ દેખાય છે પરંતુ છે ઘણી અઘરી. આમ તો વિમાનના ટેકઓફ-લેન્ડીંગ જેવું જ હોય છે, ફેર એટલો જ કે આમાં પાયલોટે વગર વિમાને આ પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. વિમાનની જેમ જ ટેકઓફ અને લેન્ડીંગ વચ્ચેની સફર હવામાં કરવાની હોય છે. સવાલ મહાવરાનો છે. પ્રેક્ટીસ કરો તો તમે પણ કૂદકો મારી શકો છો. જોકે આમાં જગ્યા-૧ કે જ્યાંથી તમારે કુદકો મારવાનો છે તે જો કુદવા માટે સાનુકુળ આધાર ન પૂરો પાડે તો કુદકો મારવાનો પ્રયત્ન લપસવા કે પડી જવામાં પરિણમે છે. એવી જ રીતે જો જગ્યા-૨ એટલે કે લેન્ડીંગ પોઈન્ટ જો તમને સ્વીકારવામાં પુરતુ મજબુત ન હોય તો ભોં ભેગા થઈ જવાની શક્યતાઓ અનેકગણી વધારે હોય છે. આ ઉપરાંત જગ્યા-૧ થી જગ્યા-૨ સુધી પહોંચવા માટે જરૂરી થ્રસ્ટ ન મળ્યો હોય કે યોગ્ય દિશા ન પકડાય તો જગ્યા-૨ ને બદલે જગ્યા-૩ પર પહોંચી જવાય છે. આ વાત રાજકારણમાં પક્ષપલટાના સંદર્ભમાં પણ એટલી જ સાચી છે. નોકરી બદલનારને પણ આવા અનુભવ થાય છે. રાજીનામું આપ્યા પછી ગંતવ્ય સ્થાને બેઠેલ રૂપાળી એચ.આર. એક્ઝીક્યુટીવ કાગળ આપવામાં ઠાગાઠૈયા કરે ત્યારે ભલભલાને લાગી આવે છે !

ટેનીસ સ્ટાર રોજર ફેડરરને કટોકટીના સમયે ટ્રિક શોટ મારીને પોઈન્ટ લેતા જોઇને આપણે અચંબો પામીએ છીએ, પણ એક વાંદરાને કલાબાઝી કરતા જોઇને બીજા વાંદરાંને અચંબો પામતા જોયા નથી. એનું કારણ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે शाखा-मृगस्यशाखाया: शाखांगन्तुंपराक्रम: - અર્થાત એક શાખા પરથી બીજી શાખા ઉપર (કૂદીને) જવું એ વાનર માટે પરાક્રમ નથી. શાખાઓ ઉપર મૃગની ચપળતાથી ગતિ કરવી એ એમની પ્રકૃતિ છે. એટલે જ તો એમને શાખામૃગ કહ્યા છે. એમ જ સિદ્ધુ પાજી અટ્ટહાસ્ય કરે, અનુ મલિક ફટીચર શાયરી કરે, મહેશ ભટ્ટ બગલ વલુરતા વલુરતા વિવાદાસ્પદ કોમેન્ટ કરે કે વાંદરું કૂદકો મારે એમાં કોઈને નવાઈ લાગતી નથી.

એ લોકો કૂદવા સાથે ગુલાંટ પણ ખાઈ શકતા હોય છે. વાંદરાંની આ સપરીવર્તુત્પ્લવનકળાનું મનુષ્યોના જીવનમાં વિશેષ સ્થાન છે. વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે એવું કહેવાય છે. વૃદ્ધ મનુષ્યોમાં ઘણીવાર આ ગુણ જોવા મળે છે, અલબત્ત અભિધેયાર્થમાં નહિ પણ તત્ત્વાર્થમાં. ફેર એટલો છે કે કૂદતી વખતે કે ગુલાંટ મારતી વખતે સંતુલન જાળવવા માટે કુદરતે વાનરોને લાંબુ પૂછડું આપ્યું છે અને એથી જ ગુલાંટ મારવાની કળા એ મોટી ઉંમર સુધી જાળવી શકે છે. જ્યારે ઉત્પ્લવનકળા અજમાવવા જતા પટકાયેલ વૃદ્ધ મનુષ્ય હાંસીને પાત્ર બને છે. ઘણીવાર એમના કઢંગી અવસ્થાના ફોટા ટ્વિટર પર આવી જવાથી મોટી ઉંમરે ફરી લગ્ન કરવા પડતા હોય છે કે પાછલી ઉંમરમાં અચાનક જ આધેડ વયના સંતાનો ફૂટી નીકળતા હોય છે. આવી ઘટનાઓ સોશિયલ મીડિયામાં ઉત્સવની જેમ ઉજવાતી હોય છે.

આમ છતાં નર-વાનર વચ્ચે સરખામણી થાય તો આપણે બેશક ચઢીયાતા છીએ કેમ કે એમની પાસે ટેકનીક નથી. એથલેટીક્સ અને જીમ્નાસ્ટીક્સથી લઈને રાજકારણ સુધી આપણે એ સિદ્ધ કરેલું છે. ઉત્ક્રાંતિના ક્રમ મુજબ પણ નરો વાનરો કરતા અનેક રીતે ચઢીયાતા છે જ, પણ કહે છે વાનરોનો છે કુદવાનો અંદાજ જ કૈંક ઔર!

મસ્કા ફન
અડીયલ સાંઢ જેવા મુછાળાને લગ્ન પછી ગવરી ગાય જેવો બનાવી દેવામાં આવે એ પણ એકજાતનું જલ્લીકટ્ટુ જ છે, અને એના પર પ્રતિબંધ મુકાવો જોઈએ!

Wednesday, January 25, 2017

હરણ મર્યું કઈ રીતે ?

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૫-૦૧-૨૦૧૭
આદિકાવ્ય રામાયણના જમાનાથી હરણ ચર્ચામાં રહ્યું છે. એકદા શ્રવણકુમાર સરોવરમાંથી પાણી ભરી રહ્યો હતો એનો અવાજ મૃગયા માટે નીકળેલા રાજા દશરથને હરણ પાણી પીતું હોય એવો લાગ્યો અને એમણે શબ્દવેધી તીર માર્યું જે શ્રવણકુમારને વાગ્યું. પછી વિરહમાં વિલાપ કરતા શ્રવણકુમારના મા-બાપે દશરથને પુત્ર વિરહનો શ્રાપ આપ્યો અને આમ હરણના કારણે આખી રામાયણ થઇ. એ પછી नभूतपूर्व न कदापि वार्ता हेम्न: कुरङ्ग: न कदापि दृष्ट| અર્થાત ભૂતકાળમાં સુવર્ણ મૃગ જોયું નહોતું કે એના વિષે સાંભળ્યું પણ નહોતું છતાં પ્રભુ કાંચનમૃગ પાછળ દોડ્યા હતા અને સીતાજીનું હરણ થયું હતું. ત્યારથી લઈને ‘પછી હરણની સીતા થઇ કે નહિ?’ પૂછનારા માજી સુધીનાને આ હરણે પરેશાન કર્યા છે. હરણનો છેલ્લો શિકાર સલમાન છે. ન્યાયની દેવીની આંખો પર તો પટ્ટી બાંધેલી છે શું થયું એ તો અનુમાનનો જ વિષય છે, પણ સલમાન પર હરણના શિકારનો આરોપ મુકાયો અને એ નિર્દોષ છૂટી ગયો છે. હરણ મર્યું છે, બંદૂકની ગોળીથી મર્યું છે, પરંતુ એ ગોળી સલમાને નથી છોડી? તો થયું શું હતું ? એઝ યુઝવલ આ મામલામાં સોશિયલ મીડીયાના અમારા જેવા નવરેશોએ ઝંપલાવ્યું અને આખી ઘટનામાં ખરેખર શું બન્યું હશે એ અંગે અનેક થીયરીઓ બહાર આવી છે. 

૧) શોલેમાં ગબ્બર સિંઘે જે ત્રણ ગોળીઓ હવામાં છોડી હતી એમાંની એક ગોળી અબજો પ્રકાશવર્ષ દૂર ‘પીકે’વાળા આમીર ખાનના અવકાશયાન પર અથડાઈને પૃથ્વી તરફ પાછી આવી અને એ પેલા હરણને વાગી. યોગનુયોગ એ વખતે શુટિંગ માટે ત્યાં સલમાન હાજર હોય છે જેના લીધે એ નિર્દોષ જીવ આ મામલામાં સંડોવાઈ ગયો. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે પીકે રાજસ્થાનના રણમાં મોજે મંડાવા, જીલ્લો ઝૂનઝૂનુના પાદરમાં એ ગોળી શોધવા માટે જ ઉતર્યો હતો. એણે હરણના શરીરમાંથી કાઢેલી ગોળી પર ચોંટેલી અવકાશયાનના બોડી પેઈન્ટની પોપડીઓ ઓળખી બતાવી હશે એટલે સલમાન નિર્દોષ છૂટ્યો અને ગબ્બરનું ઓલરેડી અવસાન થઈ ગયેલ હોઈ કેસ સી સમરી ભરી ફાઈલ કરવામાં આવ્યો હશે.

૨) એક થીયરી એવી ચાલે છે કે સલમાન એના આગામી પિકચરમાં શુદ્ધ શાકાહારીનો રોલ કરવાનો હોય છે. એ માટે એ ઘાસ ખાવાની પ્રેક્ટીસ કરવા જંગલમાં ગયો હોય છે. આ તરફ સલમાન શર્ટ કાઢીને હંમેશની જેમ પુશ અપ્સ કરતા કરતા ઘાસના કોળિયા ભરતો હોય છે ત્યારે હરણના ટોળેટોળા એને જોવા ભેગા થાય છે. ત્યાં હરણીઓ, અને અમુક હરણ પણ ભાઈને ટોપલેસ જોઇને એક્સાઈટ થઈ જાય છે. આમ સલમાન વચ્ચે અને ચારે તરફ હરણ ગોઠવાઈ જાય છે, અને સલમાન ગીત ગાવાનું શરુ કરે છે. હરણ પણ કોરસમાં ડાન્સ કરવા લાગે છે. ગીત જયારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે મરનાર હરણના કાકાના શીંગડામાં લઘુશંકાએ ગયેલા ફોરેસ્ટ ગાર્ડની રાઈફલ ભરાઈ જાય છે અને એમાંથી ગોળી છૂટે છે. પછી શું થયું એ તો તમને બધાને ખબર જ છે. હરણના કાકા સામે ચાર્જશીટ ફાઈલ થઈ શકી નહિ કારણ કે ઓળખપરેડમાં વિટનેસ અનેક હરણમાંથી મજકુર હરણના કાકા કયા એ ઓળખી બતાવી શક્યું નહિ. એકંદરે સૌએ ખાધું પીધું અને રાજ કીધું.

૩) એ દિવસ રવિવાર હતો. સલમાન જંગલમાં એક ગીતના શુટિંગ માટે ગયો હોય છે. જ્યાં શુટિંગ થવાનું હતું તે જગ્યા પાસે જ હરણની વસાહત હતી. એ વસાહતનો ચોકીદાર પોતાની સર્વિસ રાઈફલ સાફ કરતો હતા. એ વખતે શુટિંગ માટે ગીતનો એકનો એક અંતરો ‘જગ ઘૂમ્યા’ વારંવાર વાગતો હતો એનાથી એમનું માથું ઘૂમી ગયું હતું. આ માથાના દુખાવાના કારણે જ એ રાઈફલ સાફ કરતા પહેલા ગોળી કાઢવાનું ભૂલી ગયા. પછી શું થયું એ તો તમને બધાને ખબર જ છે. ચોકીદાર સામે બેદરકારીથી રાઈફલ સાફ કરવા માટે એફ.આઈ.આર. પણ ફાઈલ થઈ. સલમાન, ફિલ્મના ડાયરેક્ટર, મ્યુઝીક ડાયરેક્ટર અને ગીતકારનું નામ પણ ગુના માટે ઉશ્કેરણી બદલ ફરિયાદમાં સહઆરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું. જોકે અંતે સૌ નિર્દોષ છૂટી ગયા. કારણ કે ગીતની ધૂન ઉઠાવેલી હતી. નામદાર કોર્ટે ઓરીજીનલ ધૂન બનાવનારને પકડવા પોલીસને નિર્દેશ આપ્યા છે.

૪) હરણ જિંદગીથી કંટાળી ગયું હતું. એને જમવામાં રોજ ઘાસ ખાવું પડતું હતું. ઘાસ ખાલી બે પ્રકારના હતા, લીલું ઘાસ અને પીળું ઘાસ. જંગલમાં વાઘ, સિંહ નહોતા, દીપડા સિવાય કોઈ રાની પશુ નહોતા. એમ છતાં ઘાસ ખાતી વખતે હરણા સતત ફફડતા હતા કે કોઈ મોટું પ્રાણી, જેમ કે માણસ, શિકાર કરવા ન આવી જાય. જંગલમાં કોઈ પ્રાઈવસી નહોતી કારણ કે ગમે ત્યારે ડિસ્કવરી અને બીજી ચેનલ્સ શુટિંગ કરવા આવી ચઢતા. જંગલમાં જંગલના કાનુન હતા અને પુરાવાને અભાવે મોટાભાગના ગુનેગારો છૂટી જતા હતા. બીજા જંગલથી એવા પણ ખબર આવ્યા હતા કે પ્રાણીઓ માટેનો ઘાસચારો નેતાઓ ખાઈ જાય છે. આ સંજોગોમાં હરણને જીવન પોતાના શીંગડા કરતા પણ વધારે બોજરૂપ લાગતું હતું. એવામાં વ્યથિત હરણને એકવાર ઝાડને ટેકવીને ઉભેલી એક રાઈફલ પડેલી દેખાઈ. આવેશમાં આવીને એણે રાઈફલ ડુંટી પર તાકી અને પાછલા પગે એની ટ્રીગર દબાવી. આગળ શું થયું એ તો તમને સૌને ખબર છે જ!

હજી તો ઘણું ટ્રોલિંગ થશે, પરંતુ આવી બાબતોમાં સલમાન રીઢો થઇ ગયો છે. વનના મોરલા અને ‘લખ ચાર’ હરણનો શિકાર કરી ચુકેલો જેસલ જાડેજો તો સતી તોરલ સમક્ષ પોતે કરેલા પાપનો એકરાર કરીને નિર્મળ બની ગયો હતો, પણ સલમાન તો એમાંથી પણ ગયો!

મસ્કા ફન

ચાલવા અને હાલી નીકળવા વચ્ચે ઘણો ફેર છે.
હાલી નીકળવાથી કેલરી બળતી નથી.

Note: Images on this blog are not same as that published in newspaper.

Sunday, October 04, 2015

મચ્છર એક, ગુણ અનેક

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૪-૧૦-૨૦૧૫
 
વિશ્વમાં દર વર્ષે ૭૦ કરોડ લોકોને મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. મચ્છરમાં પણ એનાફિલીસ મચ્છરની માદા ખતરનાક છે, જેના કરડવાથી મેલેરિયા થાય છે. મેલેરિયા, ફાલ્સીપારમ, ડેન્ગ્યું, ચીકન ગુનિયા, એન્સીફ્લાઈટીસ વગેરે જેવા સાંભળવાથી ડરી જવાય તેવા રોગ અઢી મીલીગ્રામ વજનનું મચ્છર કરડવાને લીધે થાય છે. નાના પાટેકરે તો એક ફિલ્મમાં મચ્છરને કારણે માણસ હિજડો બની જાય છે એવી પણ થિયરી રજૂ કરી હતી, જેને વૈજ્ઞાનિક માન્યતા તો નહોતી મળી પણ લોકપ્રિયતા જરૂર મળી હતી. હિન્દી ફિલ્મોમાં વેક્યુમ ક્લીનરથી ડિલીવરી, ત્રણ ભાઈઓનું લોહી હાથમાંથી નીકળી ઉપર લટકતી બોટલમાં ગુરુત્વાકર્ષણનાં નિયમોની ઐસીકીતૈસી કરીને પહોંચી જાય અને ત્યાંથી, લેબમાં ક્રોસ-મેચ કર્યા વગર, ડાયરેક્ટ બુઢીયાને ચડાવવામાં આવે તેવી ઘટનાઓ બની છે, જેને પ્રેક્ષકોએ હરખભેર, સપરિવાર ફિલ્મ જોવા જઈ સમર્થન આપેલું છે.
 
મચ્છરની ઉત્પત્તિ પાણીમાં થાય છે. છતાં એ જળચર નથી. એમ તો મચ્છર હવામાં ઉડે છે અને ઈંડા મુકે છે પણ એ પક્ષી નથી. મચ્છર ગણગણે છે પણ એ ગાયક કે ગાયિકા નથી. એ કરડે છે પણ કુતરું નથી. મચ્છરના કરડવાથી હડકવા નહિ, પણ હડકવાનો પ્રાસ જેની સાથે બેસે છે તેવો મેલેરિયા થાય છે. મચ્છર ભેજવાળી, કાળી અને અંધારી જગ્યામાં વધુ જોવા મળે છે, અને મચ્છરનો ત્રાસ અંધારી આલમનાં ત્રાસ કરતાં જરા પણ ઓછો નથી. અંધારી આલમની હડફેટે ચઢો તો તમારી નેટવર્થનું ધોવાણ થાય છે, મચ્છરની અડફેટે ચઢો તો લોહીમાં પ્લેટલેટસ અને તમારી સંપત્તિનું ધોવાણ થાય છે, અને આ કાર્યમાં સફેદ ડગલા પહેરેલા ડોકટરો દૂતનું કામ કરે છે.

મચ્છર જન્મી, મોટા થઈને બે મુખ્ય કામ કરે છે. ગણગણવાનું અને કરડવાનું. ગણગણવા માટે મચ્છર કાનની આસપાસ આવે છે. એ એકલાં એકલાં કે ખૂણામાં ભરાઈને ગીત ગાતાં હોય તો પણ અમે જોવા કે સાંભળવા ગયા નથી, અથવા બીજાં કોઈએ આવો અભ્યાસ કર્યો હોય તો અમે એ અભ્યાસનો અભ્યાસ નથી કર્યો. એક મચ્છર ગણગણતો હોય ત્યારે બીજા મચ્છર સંગતમાં તબલા કે મંજીરા વગાડતા હોય છે એવું યુરોપની કોઈ યુનીવર્સીટીનો સંશોધક જાહેર કરશે તો અમે માનવા તૈયાર છીએ કારણ કે ‘યુરોપીયનો એટલે યુરોપીયનો’ (લાભુ મેરાઈ, મુ. શાહબુદ્દીનભાઈ ફેઈમ). મચ્છર ગુજરાતી ગરબા કે હિન્દી ફિલ્મી ગીતો કરતાં વેસ્ટર્ન મ્યુઝિકમાં મહારત ધરાવે છે તેવું મચ્છરનાં ગણગણવા અને ઇલેક્ટ્રિક ગીટારનાં અવાજની સામ્યતાને લીધે લાગે છે. ટૂંકમાં અમારા સંશોધન પરથી અમે ચોકસાઈપૂર્વક માત્ર એટલું જ કહી શકીએ છીએ કે મચ્છરને કાનમાં વાત કરવાની ટેવ છે. કાનમાં ખાનગી વાત થતી હોય છે, જેને અંગ્રેજીમાં ગોસિપ કહે છે, જે માટે મહિલાઓ કુખ્યાત છે. આમ મહિલા મચ્છરો કરડે છે, અને મચ્છર ગોસિપ કરે છે એ બેઉ મચ્છરોમાં પણ મહિલાઓનાં વર્ચસ્વ તરફ ઈશારો કરે છે. રૂડયાર્ડ કિપલિંગે પણ એક કવિતામાં કહ્યું છે કે ‘The Female of the Species is More Deadly than the Male.’ અમને પણ આ વાતમાં અસ્થમા એટલે કે દમ લાગે છે.

મચ્છર કરડવાથી તાવ આવે છે. તાવ ટાઢ વાઈને આવે છે. ટાઢ ચઢવાથી દાઢી કકડે છે. જાણે મચ્છરને દાંતથી ભચડી ન નાખવાનો હોય! મેલેરિયાની દેશી અને વિદેશી બધી દવાઓ કડવી હોય છે, અને એ ખાનારની જીભ સહિત જીવન કડવું થઈ જાય છે. જોકે જેની જીભ પહેલેથી કડવી હોય તેવા આખાબોલા લોકોને મેલેરિયા થાય ત્યારે જ તેમની જીભ કડવી છે એ ખબર પડે છે. ચીકન ગુનિયા થવાથી સાંધાનાં દુખાવા થાય છે અને સામાન્ય રીતે પચાસની ઉંમરે જે રીતે ચાલતા હોય છે તેમ છમાં પાંચ, છને પાંચ સ્ટાઈલમાં કોઈપણ ઉંમરે ચાલતાં જોવા મળે છે.

ઘરમાં એક જણને તાવ આવે એટલે ઘરમાં બ્યુગલો, રણભેરી, પીપૂડા આવું કશું વગાડ્યા વગર સંગ્રામના મંડાણ થઈ જાય છે. એ પછી જે કરડતાં નથી કે મેલેરિયા માટે જવાબદાર નથી તેવા નર મચ્છર પણ સૂકાં ભેગું લીલુંનાં ધોરણે હડફેટે ચઢે છે. ગુજ્જેશો સ્પોર્ટ્સમાં જરાય આગળ પડતા નથી, છતાય મચ્છરના પ્રતાપે દરેક ઘરમાં રેકેટ, અને તે પણ પાછાં ચાઇનીઝ, વસાવેલાં જોવા મળે છે. નવરાત્રી વગર ઘરમાં પછી તાળીઓ પડે છે, અને જો ઘરનો પુરુષ ઉત્સાહી જીવ હોય તો આજુબાજુમાંથી લીમડાની ડાળી તોડી લાવી ઘરમાં ધુમાડો કરી મચ્છર સહિત ગરોળી, વંદા, અને અન્ય મનુષ્યોનું જીવન દુષ્કર કરી મુકે છે.

પશુ-પક્ષીઓને ભગાડવા માટે આમ તો જુદી જુદી રીતો અપનાવવામાં આવે છે. એમાં પ્રાદેશિક ફેરફાર પણ હોઈ શકે. તમે તમિલનાડુમાં જઈને ગાયને હિયો હિયો ... કહીને હાંકવા જાવ તો ગાય તમારી સામે તાકી રહે એવું બને. આપણે ત્યાં પ્રાણીઓની પ્રકૃતિ પ્રમાણે, મોટે ભાગે દૂરથી જ; હોડ, હઇડ, હટ્ટ, ત્રો ત્રો, બપ્પો બપ્પો, છૂ...છૂ..., ડચડચ... એવા વિધવિધ અવાજો કરી ભગાડવાનો રીવાજ છે. કમનસીબી એ છે કે હટ્ટ... કહેવાથી પાંચસો કિલોની ભેંશ હટી જાય છે પણ માખી કે મચ્છરને હટ્ટ... કહીને કે ડચકારા બોલાવીને ઉડાડી શકતા નથી. એમ થતું હોત તો આપણે ત્યાં મચ્છર અગરબત્તીના બદલે ડચકારા બોલાવવાના મશીનો પોપ્યુલર હોત. તો કરવું શું? સામાન્ય રીતે આવા જટિલ પ્રશ્નોનાં જવાબ શાસ્ત્રોમાં મળે છે, પણ મચ્છર ભગાડવા માટે શાસ્ત્રો ફેંદવાની વિદ્વાનોએ મનાઈ કરી છે. એમની વાત પણ સાચી છે. તમને મચ્છર કરડવા માટે ટાંપીને બેઠું હોય ત્યારે પોથી ફેંદવાને બદલે એ જ પોથી મચ્છર ઉપર ઝીંકવાથી વધુ સારા પરિણામો મળે છે, એવું ગમે તે બાબ્ભઈ કે બચુભ’ઈ તમને કહી શકશે. ●

મસ્કા ફન

દિલકો દેખો ચેહેરા ના દેખો (રૂપાળી છોકરી કાર્ડિયોગ્રામ લેતા ડોક્ટરને)

Sunday, May 31, 2015

સિંહ સામો મળે ત્યારે

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૩૧-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી |

તમે જતાં હોવ અને સિંહ સામો મળે તો તમે શું કરો ? જવાબ એ છે કે પછી જે કરવાનું હોય એ સિંહે કરવાનું હોય. આ જોક બહુ જુનો છે. જોકમાં તમે ક્યાં જાવ છો એ અધ્યાહાર રાખ્યું છે. ધારો કે તમે પ્રાણી સંગ્રહાલયમાં સિંહના પાંજરા પાસેથી જતાં હોવ તો તમારે જોવા સિવાય કશું કરવાનું નથી હોતું. હા, ફોટો જરૂર પાડી શકો. સિંહ પણ કશું નથી કરતો. આ પાંજરે પુરાયેલા સિંહની વાત થઈ. પણ તમે જો સાસણ-ગીરનાં જંગલમાં જાવ તો ત્યાં પણ આ જોક ખોટો પડે. ત્યાં સિંહ સામો મળે અને એને આપણામાં લેશમાત્ર પણ રસ ન હોય. એ આપણી સામું પણ ન જુવે. એને તો હરણ, સાબર, નીલગાય, ભેંસ જેવા પ્રાકૃતિક ભોજનમાં રસ પડે. માણસ નામનાં જંકફૂડમાં નહીં. અમે ગીર ગયા ત્યારે સિંહ સાથે સેલ્ફી લેવાની કોશિશ પણ કરી હતી, પણ સિંહે સેલ્ફી પડાવવામાં ખાસ રસ ન દાખવ્યો. કદાચ એટલે જ એ સિંહ છે.
બ્રાઝીલીયન ફૂટબોલ ફેન

અત્યારે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને એક ગુજરાતી પ્રાઈમ મીનીસ્ટર છે. હાલની સરકારમાં ગુજરાતના ગૌરવ એવા સિંહને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાનાં પ્રયાસો શરુ થયા છે એવું જાણવા મળે છે. એવું મનાય છે કે સિંહ કારણ વગર હુમલો નથી કરતો, પણ વાઘને એવું નથી હોતું. સિંહ ભૂખ્યો ન હોય તો શિકાર નથી કરતો. વાઘને એવો બાધ નથી. આમ એકંદરે સિંહ વધુ વિશ્વાસપાત્ર છે, જયારે વાઘ દગાખોર છે. હમણાં એક ભાઈ બિચારા વાઘના પાંજરા ઉપર ચઢી ફોટો પાડવા જતાં પાંજરામાં પડી ગયા અને વાઘનો શિકાર બની ગયા. કોઈ ફોટો પાડે તો એ થેંક યુ કહેવાનો રીવાજ છે, પણ વાઘમાં એટલી સેન્સ હોત તો જોઈતું’તું જ શું? એટલે જ વાઘ હજુ સુધી રાષ્ટ્રીય પ્રાણી કેમ છે, એ આશ્ચર્યની વાત છે.

સિંહ જંગલનો રાજા કહેવાય છે. પણ જંગલમાં દરેક સિંહની અલગ ટેરીટરી હોય છે એ અલગ વાત છે. પોતાની ટેરીટરી છોડી બીજાની હદમાં ઘૂસવું સારી મેનર્સ નથી ગણાતી. સિંહની જેમ જ કૂતરાં અને પોલીસમાં હદનો વિવાદ ભારે હોય છે. મોડી રાત્રે ટુ-વ્હીલર પર જતાં હોવ અને કૂતરું પાછળ પડે તો હડકવાના ઇન્જેક્શનથી બચવા તમારે સદરહુ કૂતરાની હદની બહાર નીકળી જવાનું, બસ. નવી ટેરીટરીનાં કૂતરાં ભસવાને બદલે કદાચ તમારું ચાટીને સ્વાગત કરે એવું પણ બને. ટેરરીસ્ટ આવું જ કરે છે. આ હદનાં સંદર્ભમાં પોલીસ વિભાગની તારીફમાં એક વાત સાંભળી છે. પોલીસને જો નદીમાંથી લાશ મળે તો જે તરફ લાશ મળી હોય તે તરફના પોલીસકર્મીઓ વગર ફરિયાદ લીધે, ઓન ડ્યુટી છે કે ઓફ ડ્યુટી એની પરવા કર્યા વગર, પોતાની હદમાંથી લાશને બીજા પોલીસ સ્ટેશનની હદમાં પહોંચાડી આવે છે. એ પણ કોઈપણ પ્રકારની ક્રેડીટ લીધા વગર. કોણે કીધું પોલીસ માણસ નથી?

જોકે સિંહ ડીગ્નીટીનું પ્રતિક છે. સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ નથી ખાતો. સિંહ દિવસમાં એકવાર શિકાર કરી ખાય છે અને પછી એ પચે ત્યાં સુધી પડ્યો રહે છે. સિંહોમાં સેલીબ્રીટી સિંહના ડાયેટીશીયન નથી હોતાં કે જે દિવસમાં છ-સાત વખત થોડું-થોડું જમવાની હિમાયત કરે. પરણ્યા પહેલા ઘણાં પુરુષો પોતાને સિંહ માનતા હોય છે. સ્પાઈસી અને અવનવું ખાવા-પીવાના શોખીન એવા આ ફાસ્ટફૂડમથ્થાને ભોગેજોગે પત્ની જો હેલ્થ કોન્શિયસ મળે તો સૂપ-સલાડ ને ઘાસફૂસ ખાતાં થઈ જાય છે. કોલેજકાળમાં પ્રોફેસરોને અને નોકરીકાળમાં કર્મચારીઓ કે મેનેજમેન્ટને ડારતો માણસ ઘેર બે પગ વચ્ચે પૂંછડી દબાવીને, મોબાઈલનું ચેટ અને કોલ-લીસ્ટ ડીલીટ કરીને આવે છે. માણસ સિંહ નથી. માણસ પોતાની સત્તા અને સંપત્તિનાં બળે જોર કરે છે. નામ પાછળ સિંહ લખાવનાર તો ઘણાં મળશે.

આમ તો સિંહ કાચું માંસ ખાય છે. કદાચ સિંહણોને રાંધતા નહિ આવડતું હોય. સામાન્ય રીતે શિકાર પણ સિંહ જ કરતો હોય છે, અને સિંહણ એમાંથી જયાફત ઉડાડે છે. અમે સાસણ ગયા ત્યારે સિંહોએ એક હરણનો શિકાર કર્યો એ અમે નજરે જોયું. એમાં હુમલો કરવાનું કામ એક સિંહે કર્યું જયારે હરણને દબોચ્યા બાદ સિંહણો ખાવા પહોંચી ગઈ હતી. ચાર સિંહણ હતી, પણ અંદર-અંદર ઝઘડો કર્યા વગર હરણને ખાઈ ગઈ. સિંહ માટે પણ કોઈ સિંહણ માનીતી કે અણમાનીતી હોય એવું અમારા ધ્યાનમાં ન આવ્યું. સિંહને પણ કદાચ એવા પંગા લેવા પોસાતાં નહિ હોય કારણ કે એને રહેવાનું જંગલમાં છે, અને જંગલમાં રહીને સિંહણ સાથે વેર બાંધવાનું એને મુનાસીબ નહિ લાગતું હોય.

તાજેતરમાં થયેલી વસ્તી ગણતરીમાં ગીરનાં સિંહોની સંખ્યામાં છેલ્લાં પાંચ વરસમાં ૨૭ ટકા જેટલો વધારો થયો છે. વિરોધ પક્ષ આ બાબતે ગુજરાત સરકારનો કાન ખેંચી શકે એમ છે કે ‘સરકાર વસ્તી વધારો ડામવામાં નિષ્ફળ ગઈ છે’, લોકો તો આમેય અડધું જ વાંચે છે ! એ જ રીતે કેન્દ્રમાં પણ કોઈ સિંહોના આ વસ્તી વધારાને ગુજરાત મોડલની નિષ્ફળતા તરીકે મુલવી શકે છે. જોકે આવું હજુ થયું નથી તે બતાવે છે કે વિરોધ પક્ષ સાવ ખાડે નથી ગયો.

---

અને છેલ્લે પંચતંત્ર પ્રેરિત વાર્તા. ઉંદર ઊંઘતા સિંહની ઉપર-નીચે ચડઉતર કરતો હતો. ઉંદરને આમ કરવાનું ખાસ પ્રયોજન હતું. ઉંદર સમાજમાં બીજા ઉંદરો આ જોઇને ઉંદરનો સિંહ સાથે કેવો ઘરોબો છે એ જોઈ અંજાઈ જતાં હતા. આમ તો સિંહ આળસુ હોય છે. પણ આ ઉંદરડાએ એની ઊંઘ હરામ કરી નાખી હતી. જાગીને સિંહે ઝાપટ મારીને ઉંદરને પકડી લીધો. ઉંદર ઉંદર હતો, દાઉદ નહોતો એટલે સહેલાઈથી પકડાઈ પણ ગયો. પકડાયા પછી ઉંદરને થયું કે સાલું આ તો વટ મારવામાં જાન જશે. એટલે એ સિંહને કાલાવાલા કરવા લાગ્યો. સિંહે ઉંદરને છોડી મુક્યો. અને ચેતવણી આપી કે જરૂર પડ્યે જો કામમાં નહિ આવે તો એને ગમે ત્યાંથી શોધીને કોઈ કેસમાં ફીટ કરી દેવામાં આવશે. જંગલની પોલીસ આ માટે કુખ્યાત હતી. એ લોકો ખોવાયેલા હરણના બચ્ચા શોધી નહોતાં શકતા પણ બિલ્ડરો અને નેતાઓના પોલીટીકલ વિરોધીઓને શોધવામાં અને એમના વિરુદ્ધ કેસ ફીટ કરવામાં એમની માસ્ટરી હતી. બસ પછી તો જંગલમાં ઈલેકશન આવ્યા. ઉંદરોનાં લીડર એવા પેલા ઉંદરે સમાજમાં હાકલ કરી અને સિંહ ફરી જંગલના રાજા તરીકે ચૂંટાઈ આવ્યો. આમ ઉંદરે સિંહે કરેલા ઉપકારનો બદલો વાળ્યો. બદલામાં ઉંદરને અનાજ અને ખાદ્ય બોર્ડનો ચેરમેન પણ બનાવવામાં આવ્યો. પછી ખાધું, પીધું, અને રાજ કીધું. 
--
કોમેન્ટ્સ આવકાર્ય ....

Sunday, May 10, 2015

ગાય યુનિવર્સીટી

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૦-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી | 

અમને એ જાણી ઘણો આનંદ થયો છે કે કાશ્મીરમાં ગાયને પરીક્ષા પ્રવેશપત્ર અપાયું છે. એવું કહી શકાય કે કાશ્મીરમાં નવી સરકાર આવતા જ ગાયનાં સારા દિવસો આવી ગયા છે. વર્ષો પહેલાં ઈન્દિરાજીનાં સમયમાં કોંગ્રેસનું ચૂંટણી પ્રતિક ગાય-વાછરડું હતાં એ વાત જાણવાજોગ. મૂળ વાત એ છે કે ગાય હવે પરીક્ષા આપશે. ગાયને આગળ જતાં ડીગ્રી પણ અપાશે. ગાય હ્યુમન સાયકોલોજી તો જાણતી જ હોય છે, હવે સાયન્સ અને ટેકનોલોજી પણ ભણશે. 
 
આજકાલ દરેક વગદાર માણસનું જમીન, ઇન્ડસ્ટ્રી અને યુનીવર્સીટીમાં રોકાણ હોય છે. સરકાર પણ આજકાલ જાતજાતની યુનીવર્સીટી ખોલે છે. ધારો કે સરકાર ભવિષ્યમાં ગાય યુનીવર્સીટી શરુ કરે તો હવે નવાઈ નહીં લાગે. કદાચ કાશ્મીરમાં ગાયને પ્રવેશપત્ર અપાયું તે ગાય યુનીવર્સીટી પાયલોટ પ્રોજેક્ટનો હિસ્સો પણ હોઈ શકે!

જેને પ્રવેશપત્ર અપાયું છે તે ક્ચીર ગાયનો માલિક અબ્દુલ રશીદ ભટ છે, અને એણે પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીઝ માટેની પ્રવેશ પરીક્ષા માટે ફી ભરી ગાયનાં નામ અને ફોટા સાથેનું પ્રવેશપત્ર મેળવ્યું છે. પ્રવેશપત્રમાં કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશનની ઓટોમેટેડ સહી પણ છે. સામાન્ય રીતે ધોરણ દસ પાસ હોય તે જ આ પરીક્ષામાં બેસી શકે છે. આ જોતાં કાશ્મીર બોર્ડનું કોમ્પ્યુટર ગાયને દસ પાસ જેટલી ભણેલી તો માને જ છે. હવે અબ્દુલ ગાયને પરીક્ષા અપાવવા માટે તત્પર છે. તમે આ વાંચતા હશો ત્યારે (દસમી મે ૨૦૧૫) અબ્દુલ ગાયને લઈને પરીક્ષા કેન્દ્ર પહોંચી ગયો હશે, અને કદાચ ગાયની બેઠક વ્યવસ્થા ચકાસતો હશે. અબ્દુલની ગાયનાં ભણતરમાં (ઓમર) અબ્દુલ્લાને એટલો રસ પડ્યો કે એમણે ગાયને ‘બેસ્ટ ઓફ લક’ પણ વિશ કર્યું છે.

અહીં તો એક જ ગાય છે એટલે વાત જુદી છે, બાકી સૌ પરીક્ષાર્થી ગાયો જ હોય તો ગમાણ એ જ પરીક્ષા ખંડ બની રહે. અથવા પરીક્ષા ખંડ ગમાણ બની જાય. અમદાવાદમાં તો ગાયો ચોખ્ખી જગ્યા શોધીને, ખાસ કરીને રોડ સ્વીપર મશીનથી ચોખ્ખા કરેલા રસ્તા વચ્ચે, બેસે છે. આવામાં બોર્ડ તેમની પરીક્ષા રોડ વચ્ચે પણ લઇ શકે છે. આમેય આપણે ત્યાં રોડ વચ્ચે વાહન ચલાવવા સિવાય ઘણું ન થવા જેવું થાય છે. પણ આમ થવાથી ટ્રાફિક માટેના સીસીટીવી કેમેરા પરીક્ષાર્થીઓ ઉપર નજર રાખવામાં પણ વાપરી શકાય અને આ કાર્ય હેતુ આપણે ત્યાં જે ટેબ્લેટ લગાડવામાં આવે છે તેનો ખર્ચ પણ બચે. ગાયોને રસ્તા વચ્ચે બેસી પેપર લખવામાં તકલીફ ન પડે એ માટે ‘નો હોર્ન’ નાં પાટિયા પણ મારી શકાય અથવા રોડને ‘સાઈલેન્સ ઝોન’ જાહેર કરી શકાય.

હમણાં ગુજરાતમાં પોલીસ ખાતાની પરીક્ષામાં ખુદ પોલીસવાળા ચોરી કરતાં પકડાયા હતા. જોકે આ સમાચારથી લોકોને ખાસ નવાઈ નથી લાગી. પછી એ લોકોનું શું થયું? એમને નોકરીમાંથી કાઢી મુક્યા કે નહિ? તે જાણવામાં કોઈને રસ પણ નથી. પણ ગાય પરીક્ષા આપે અને ચોરી કઈ રીતે કરે એ બાબતમાં લોકોને ચોક્કસ રસ પડે. આમ તો આપણે જોયું છે કે બે ગાયો ભેગી થાય તો ખાવાનામાં માથું મારવાને મુદ્દે એકબીજા તરફ શીંગડા ઉલાળતી જોવા મળે છે. આમ ગાયો પરીક્ષામાં એકબીજાની ઉત્તરવહીમાંથી ચોરી કરે તેવી શક્યતા નહિવત જણાય છે. આ ઉપરાંત બીજો પણ એક પ્રશ્ન થાય કે શું ગાય કાપલી બનાવે? બનાવે તો એ ક્યાં સંતાડે? એમાં નિરીક્ષક જો ગાય કરતાં વધારે સ્માર્ટ હોય તો એ પકડી પાડે. આ સંજોગોમાં ગાય ચોક્કસ કાપલી ખાઈ જાય એવું અમારું માનવું છે. આમાં ગાયને એક કાંકરે બે પક્ષી થાય, કાપલીનો નિકાલ પણ થઇ જાય અને ભોજન પણ થાય. જોકે પછી પોદળો કરે ત્યારે કાપલીના અવશેષો પુરાવા તરીકે ભેગા કરવામાં આવે કે કેમ તે અત્યારથી કહેવું અઘરું છે. પોદળાથી યાદ આવ્યું કે જો નિરીક્ષક નિસર્ગોપચારમાં માનનાર હોય તો પરીક્ષા ખંડમાં જ લોટો લઈને ગોમૂત્ર એકઠું કરી લે એવું પણ બને. આમ થાય તો ગાયને ચોક્કસ સહાનુભુતિ મળે.

તમને તો ખબર જ છે કે અમારામાં ભારોભાર કુતુહલ ભર્યું છે. એટલે અમને વિચાર આવે છે કે જો ગાય માટે જ પરીક્ષા લેવાય તો તેમાં કયા વિષય હોય અને એમાં કેવા પ્રશ્ન પુછાય ? પર્યાવરણમાં તો પ્લાસ્ટિક ખાવાથી કયા રોગ થાય અને પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાન વિષે પ્રશ્નો હોઈ શકે. ગાયને ગણિત ભણાવવામાં આવે તો એ કેવું હોય? જેમ કે બે ગાય ત્રણ દિવસમાં દસ કિલો ઘાસ ખાય, તો એક ગાય એક દિવસમાં કેટલું ઘાસ ખાય? તમે ગણવા ન બેસતાં. આ પ્રશ્ન ગાયના કેલીબરનો છે! મનુષ્યોની પરીક્ષામાં ગાય ઉપર નિબંધ પૂછવામાં આવે છે. ગાય માટેની પરીક્ષામાં મનુષ્યો પર નિબંધ પુછાતાં હશે. જેમાં તેઓ મનુષ્યના લક્ષણો જેવા કે હાથ, પગ, વાળ અને પહેરવેશ વિષે લખી શકે. આ ઉપરાંત મનુષ્યોની ગાય સંબંધિત આદતો જેમ કે ‘લે ગાય ગાય ગાય ...’ કહીને ગાયને બોલાવી દોઢસો કિલોના શરીરને એક રોટલી ધરવા જેવી વાતોથી માંડીને મુનસીટાપલીનાં ઢોર-ત્રાસ નિવારણ ખાતાં અને એ ખાતાના કામદારોનાં ત્રાસ અને અમાનવીય વર્તન સંબંધિત વ્યથા રજુ કરી શકે.

પછી તો ગાયોનાં પણ કોચિંગ ક્લાસ ચાલુ થશે. ગાયોના મા-બાપ ગાયોને આ ક્લાસમાં લેવા મુકવા દોડાદોડ કરશે. કોક રખડું ગાયને પરાણે ભણાવવા મા-બાપ એની પાછળ એંઠવાડ ખાઈને પડી જશે. અંતે ગાયો પણ સ્ટ્રેસમાં આવી જશે. ગાયો ટેન્શનમાં અભ્યાસની ચોપડીઓ ચાવી જશે. મા-બાપ નબળી ગાય, એટલે બગાઈઓ વાળી નહિ, પણ અભ્યાસમાં નબળી હોય એવી ગાયોના એડમીશન માટે નેતાઓની ઓળખાણ લગાડશે, ડોનેશન આપશે, અને ગમે તેમ કરી ગાયોને પ્રવેશ અપાવશે.

જોકે વધુ એક સવાલ એ ઉભો થાય છે કે ધારો કે એક વખત ગાય એન્ટ્રન્સ એક્ઝામ આપી પણ દે અને મંત્રીઓના પુત્રોની જેમ એ એકઝામમાં પાસ પણ થઇ જાય. ભણીગણીને ગાયને ડિપ્લોમા એનાયત પણ થાય. પણ પછી એ સર્ટીફીકેટનું ગાય કરે શું ? છેવટે તો એણે દૂધ જ આપવાનું ને ?

આપણા પુરાણમાં એવું લખ્યું છે કે ગાયનું પુંછડું પકડી પુણ્યશાળી વૈતરણી પાર ઉતરી શકે છે. એટલે હવે બની શકે કે ગાયધણી પોતે અભણ રહે અને ગાયને ભણાવે અને એના જ્ઞાનનો લાભ લે. ગાયને આપણે માતાનો દરજ્જો આપ્યો છે. ઘડપણમાં ડોહા-ડોહીને અલગ કાઢવાની પ્રથા જયારે શરુ થઈ છે એ સમયે ગાયને ભણાવવાનો આ તુક્કો અમને ખોટો નથી લાગતો.

Sunday, February 01, 2015

ગાર્ડ ઓફ ઓનરમાં લાલિયો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૧-૦૨-૨૦૧૫ | અધીર અમદાવાદી |
અમેરિકા જેવા સશક્ત દેશના પ્રેસિડેન્ટને અપાયેલ ગાર્ડ ઓફ ઓનર સમારંભમાં ઓબામાને આવવાની ઘડીઓ ગણાતી હતી ત્યારે એક કુતરું ઘૂસી ગયું. હવે આ અનામી કુતરાનું લાલિયો નામાભિધાન થઈ ચૂક્યું છે. આ ઘૂસણખોર લાલિયો ઓબામા માટે પાથરેલ રેડ કાર્પેટ પર પોતાનાં પુનિત પગલાં પાડી આવ્યો હતો. એટલે જ લાલિયો દેશ-વિદેશમાં પોપ્યુલર થઈ રહ્યો છે. ફેસબુક પર લાલિયાનાં નામે એક પેજ પણ શરુ થયું છે જેને ઢગલાબંધ લાઈક્સ મળી રહ્યાં છે.

આમ તો લાલિયો એક રખડતું કુતરું હતું. આપણે જાણીએ જ છીએ કે સિંહ અને કુતરાઓમાં પણ બાંધકામ અને પોલિસ વિભાગની જેમ હદ હોય છે. પોતાની હદની બહાર નીકળે તો બીજી હદનાં કૂતરા એને પડકારે છે. પડકાર કેટલો મજબુત છે તેનું વિશ્લેષણ કરી એ હદમાં કેટલે સુધી અંદર ઘૂસવું એ નક્કી કરે છે. પણ અહીં ગાર્ડ ઓફ ઓનર જ્યાં રખાયું હતું તે રાષ્ટ્રપતિ ભવન તો સેનિટાઈઝ થયેલું હોવાથી લાલિયાને સામે કોઈ પડકાર મળ્યો નહીં હોય, એટલે એ આસાનીથી અંદર ઘૂસી ગયું. કતારબદ્ધ સૈનિકો તો પોતાની જગ્યાએથી હાલી શકે નહી એટલે કુતરું આમથી તેમ થોડીવાર દિશાહીન થઈ ભટકતું રહ્યું અને પછી પાલિકા કર્મીઓ તેને માનભેર લઈ ગયા હતા.

મહાનુભવોનાં પ્રસંગોમાં આમંત્રણ મળે તે માટે ઘણાં લોકો પ્રયાસ કરતાં હોય છે. આ માટે પોતે ભૂતકાળમાં કોઈ હોદ્દા પર ટૂંકાગાળા માટે પણ રહ્યા હોય તે આગળ ધરી ઘણાં આમંત્રણ વાંચ્છતા હોય છે. આમ છતાં પ્રવેશ ન મળે તેમ હોય ત્યારે કોઇપણ રીતે ઘૂસી જનારા પણ હોય જ છે. એમને ગેટ ક્રેશર્સ કહે છે. ૨૦૦૯માં વ્હાઈટ હાઉસમાં ડૉ. મનમોહન સિંઘનાં માનમાં રાખેલા સ્ટેટ ડીનરમાં ત્રણ જણા આવી રીતે વગર આમંત્રણ મળ્યે ઘૂસી ગયા હતા. અમેરિકામાં આ ઘણું હિંમતનું કામ ગણાય છે. એમનાં ઉપર ખોટી માહિતી આપવાનો (મિસ-રીપ્રેઝન્ટેશન) કેસ થયો હતો. ત્યાં જોકે ભારતીય સિક્યોરીટી નહીં હોય. પણ લાલિયાએ અહીં ભારત અને અમેરિકન બંને સિક્યોરીટીને ચેલેન્જ કરી ઘૂસી ગયો હતો. એ પણ કોઈપણ પ્રકારના મિસ-રીપ્રેઝન્ટેશન વગર. નરી હિમ્મતના જોરે. લાલિયાની આ હિંમતને ચારે તરફથી બિરદાવવામાં આવી રહી છે અને અમુક લોકો આને ૨૦૦૯માં ભારતના વડાપ્રધાનનાં ફંક્શનમાં ગેટ ક્રેશિંગનાં જવાબ તરીકે પણ જોઈ રહ્યાં છે.

જોકે ઓબામાના આગમન પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં આવી જ રીતે જો કોઈ આમ માણસ ઘૂસ્યો હોત તો ચોક્કસ એને ગોળી મારવામાં આવી હોત. પણ કૂતરાને ગોળી મારવામાં ન આવી, એ કૂતરાનું નસીબ બતાવે છે. આમેય કુતરો જે જગ્યાએ ઘૂસ્યો ત્યાં ઘૂસવાની હિંમત ભાગ્યે જ કોઈ કરે. એટલે જ દિલ્હીનાં ચૂંટણી માહોલમાં આ કૂતરાને વિરોધ કરવા કોઈ અસંતૃષ્ટ રાજકીય પક્ષે મોકલ્યું હોય, એ એન્ગલ પર પણ પોલિસ કામ કરી રહી છે. કૂતરાને સ્થળ પરથી પાલિકાની સ્પેશિયલ ડોગ વાનમાં લઈ જવામાં આવ્યો હતો જે ઘટના પણ બ્રેકિંગ ન્યૂઝ તરીકે લાલિયાના ક્લોઝપ્સ સાથે વાન દ્રષ્ટિમર્યાદાથી ઓઝલ થાય ત્યાં સુધી લૂપમાં ચેનલો પર બતાવવામાં આવી હતી. બિન-સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ભવનમાં સુરક્ષાના ઇન્ચાર્જ પોલિસ ઓફિસરે લાલિયાને પકડીને એન્ટ્રી કર્યા વગર પોતાની સમક્ષ હાજર કરવાનું ફરમાન કર્યું છે કારણ કે આ કૂતરાની હાજરીને પગલે પગલે એ ઓફિસર સહિત ઘણાની નોકરી જોખમમાં મુકાઈ છે. જોકે જીવદયા માટે કામ કરતી સંસ્થાઓ લાલિયા ઉપર નજર રાખી રહી છે.

જોકે પોલિસ જ શું કામ? લાલિયાની સૂઝ અને હિંમત પર તો અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ વારી ગઈ છે. ઓબામા જ્યાં જવાના હોય ત્યાંની અમેરિકન સિક્રેટ એજન્સીઓ દ્વારા પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. આ સંજોગોમાં લાલિયાએ જે કામ કર્યું છે તે અમેરિકન સિક્રેટ સર્વિસના ઇતિહાસમાં કાળા ધબ્બા સમાન છે. આવામાં અમેરિકન એજન્સીએ આ કુતરું પોતાને સોંપવા દિલ્હી મુનસીટાપલી પાસે માંગ કરી છે. એવું મનાય છે કે અમેરિકન સિક્રેટ સર્વિસ લાલિયાને પોતાની ડોગ સ્કવોડમાં મહત્વનું સ્થાન આપશે. શક્ય છે કે ઓસામા જેવા ઓપેરેશન પાર પાડવા લાલિયા જેવા બહાદુર અને ઘૂસણખોર કૂતરા કામ આવે તેવી આ એજન્સીની ગણતરી હોય. બીજી તરફ પાકિસ્તાનની સિક્રેટ સર્વિસ લાલિયાનું અપહરણ ન કરી જાય એ માટે લાલિયાને સુરક્ષા કવચ પણ પૂરું પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

જે હોય તે પણ આ કૂતરાની બહાદુરી પર કૂતરા સમાજને પણ ગર્વ થયો છે. અગામી મહિનાની ચૌદમી તારીખે કૂતરા સમાજની લાલિયા વાડી ખાતે લાલિયાનો સન્માન સમારંભ યોજાશે. આ જગ્યાએ અગાઉ એરપોર્ટ અને સ્ટેડિયમમાં ચાલુ મેચે ઘુસેલા કુતરાઓનું સન્માન થઈ ચૂકેલું છે. આ સમારંભમાં લાલિયાને સન્માન પત્ર, ગ્લુકોઝ બિસ્કીટનો ડબ્બો અને હાડકું એનાયત કરવામાં આવશે. એક અગ્રણી ઉદ્યોગપતિનાં પેટ કૂતરા સ્ટફીએ લાલિયાનો દિલ્હી-અમદાવાદ-દિલ્હી જવા-આવવાનો ખર્ચો સ્પોન્સર કર્યો હોવાનું પણ જાણવા મળે છે. એરપોર્ટ પર સ્થાયી કૂતરાઓએ લાલિયાનાં આગમન સમયે ભસીને વિરોધ નહી કરે તેવી લેખિત બાંહેધરી આપી છે.

એવું પણ જાણવા મળે છે કે લાલિયાની આત્મકથા “લાલિયો ધ બ્રેવ ડૉગ’ નાં હકો માટે એક લીડિંગ પબ્લિશિંગ હાઉસે ઓફર કરી છે. પણ ઓફર કોને કરી છે તે હજુ જાણવા નથી મળતું. લાલિયાની બાયોગ્રાફી લખવા માટે ઘણાં જાણીતાં લેખકોએ રસ બતાવ્યો છે. લાલિયાની વાત બહાર આવશે તો એનાં જન્મથી લઈને સંઘર્ષ, રોજિંદી દિનચર્યા, કયા કયા ફંકશન્સમાં પગલા પાડ્યા, કેવા મહાનુભવોનાં વેહિકલની પાછળ દોડ્યો, કેટલી ટેરીટરી સર કરી, પોલીટીકલ આઈડીયોલોજી ઉપરાંત રોમાંસ અને લગ્ન વિષે અનેક અજાણી વાતો જાણવા મળશે. તમારી કોપી પ્રિ-ઓર્ડર કરવા આજે જ અમને લખો!

જોકે હકીકત એવી છે કે દુનિયાની કોઈપણ અભેદ્ય જગ્યાએ, આમંત્રણ હોય કે ન હોય, અમુક લોકો મોકો જોઈને ઘૂસી જાય છે. વખત જતાં આ ઘૂસણખોરી આવડત તરીકે ઓળખાય છે. પછી આવા લોકોનું સમાજ સન્માન કરે છે. એમની સાથે ફોટાં પડાવવામાં લોકો ગૌરવ અનુભવે છે. એમનાં નામે એવોર્ડ અને સ્કોલરશીપ અપાય છે. પણ જેમ કહ્યું છે કે નદીનું મૂળ અને ઋષિનું કુળ ન પુછાય, એમ આવા લોકોનું પૂર્વજીવન ખાનગી રહે તેમાં જ સાર છે!

Sunday, January 18, 2015

ગધેડાઓને પણ એવોર્ડ મળે છે

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૮-૦૧-૨૦૧૫ | અધીર અમદાવાદી |

આ સમાચાર વાંચીને અમારું રોમરોમ પુલકિત થઈ ઉઠ્યું છે. સમાચાર જ એવા છે. જે લોકોએ ફેસબુક પર અમારું પ્રોફાઈલ પિક્ચર જોયું છે એ આ વાત વધારે સારી રીતે સમજી શકશે. વાત જ એવી છે. વિચિત્ર રીતે વિરોધ પ્રદર્શિત કરવા માટે જાણીતાં કન્નડનાં વટલ ચલુવલી પક્ષનાં નેતા વટલ નાગરાજે બે ગધેડાઓનું રાજ્યોત્સવ એવોર્ડથી સંયુક્ત સન્માન કર્યું. ગધેડાઓને પ્રસંગોચિત નવડાવી-ધોવડાવી, હારતોરા કરી, સ્થળ પર લાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ગધેડાઓ પર ગુલાબનાં ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. એ પછી ગધેડાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. નાગરાજના કહેવા મુજબ ગધેડા અતિ ઉપેક્ષિત પ્રાણી છે, એમની કદર થવી જોઈએ.

મઝાની વાત તો એ છે કે આ એવોર્ડ માટે કોઈ એપ્લીકેશન મંગાવવામાં

નહોતી આવી. કોઈ એપ્લીકેશન સ્વીકારવામાં પણ નહોતી આવી. એવોર્ડ વિજેતાને નક્કી કરવા કોઈ પ્રકારની જ્યુરી પણ નહોતી બેસાડવામાં આવી. છતાં એવોર્ડ અપાયો. એ પણ ગધેડાને. એક નહીં, બે બે. આ સંયુક્ત સન્માન ગધેડાઓએ મૂંગે મોઢે સ્વીકારી લીધું કે હોંચી હોંચી કરીને વધાવી લીધું તે સમાચારમાં જાણવા નથી મળતું. અમે ઈન્ટરનેટનાં માધ્યમથી નાગરાજનો મોબાઈલ નંબર શોધી ફોન પણ જોડ્યો પણ તેમણે વાત ન કરી. પણ હકીકત એ છે કે ગધેડાંને એવોર્ડ અપાયો. જોકે ગધેડાને એવોર્ડ અપાય એ ઘટના ફિલ્મી એવોર્ડની છેલ્લા કેટલાંક વર્ષોની તવારીખ જાણનાર માટે આશ્ચર્યજનક નથી. કારણ કે ફિલ્મી એવોર્ડ આજકાલ ગધેડાઓને જ અપાય છે. એ પણ ગધેડા જેટલી કાળી મજુરી કર્યા વગર, માત્ર રૂપિયાનાં જોરે!

દુનિયાભરમાં ગધેડાઓનાં હાર્ડવર્કિંગ હોવાં બાબતે વિદ્વાનો કે અન્ય લોકોમાં કોઈ મતભેદ નથી. સૌ માને છે કે ગધેડા સખત મજુરી કરે છે. પાકિસ્તાનમાં તો ગધેડાગાડી પર એટલું વજન લાદવામાં આવે છે કે ગાડી ઘણીવાર પાછળ નમી પડે અને ગધેડું હવામાં ઊંચકાઈ જાય છે. ગધેડાની કદર નથી થતી એ પણ કદાચ સાચું છે. કારણ કે આટલા મહેનતુ પ્રાણી હોવાં છતાં અક્કલ વગરના માણસને ગધેડો કહેવામાં આવે છે. જેમ કે “ઘરડો ગધેડો થયો તો પણ આટલું નથી આવડતું?”, “ગધેડાને તાવ આવે એવી વાત કરે છે”, જેવા નિષ્ઠુર શબ્દપ્રયોગો ગધેડાંને અન્યાયકારી છે.

જોકે એવોર્ડ મેળવનાર ગધેડા ભાગ્યશાળી ગણાય કે નહી એ વિષયે વિદ્વાનોમાં મતભેદ છે. અમુકનું માનવું છે કે ગધેડાને શાલની શું જરૂર? શાલનું ગધેડા શું કરશે? કે પછી ગધેડા ખરેખર શાલ ઓઢવા પામશે કે કેમ? કે પછી કુંભાર કે કુંભાર-ભાર્યા શાલ વાપરશે? આમ શાલ ઓઢાડીને સન્માન કરવું એ સાહિત્યમાં સામાન્ય ઘટના છે. લગનમાં પણ વેવાઈનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. જ્ઞાતિનાં સમારંભોમાં મુખ્ય મહેમાન એવા જ્ઞાતિના અગ્રણીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે છે. આ બધાં લગભગ ઘરડાં હોય છે. ઘરડાં લોકોને શાલ ઉપયોગી પણ થાય. પણ ગધેડાંને શાલનો શો ઉપયોગ?

એવોર્ડ સમારંભ પહેલાં ગધેડાને નવડાવવામાં પણ આવ્યા હતાં. આ ઘણી આવકારદાયક વાત છે. સામાન્ય રીતે હાથી, ઘોડા, અને કૂતરાને આવી વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે. ગધેડાને એનો માલિક નવડાવતો હોય, કે એને નવડાવવા માટે માણસ રાખ્યો હોય એવું અમે જોયું કે સાંભળ્યું નથી. તો પછી ગધેડાં ગંધાય છે એવી ફરિયાદ શું કામ કરવી? ગધેડાને ધનતેરસનાં દિવસે રંગવામાં આવે છે. એ પણ આટલા ગોરા-રૂપાળા પ્રાણીનાં શરીર પર સાવ હલકા રંગોથી ઢંગધડા વગરના ચીતરડા કરવામાં આવે છે. ગધેડાને શેમ્પુ કરો, મેનીક્યોર-પેડીક્યોર કરો એ પછી ફરિયાદ રહે તો અમને જાણ કરજો!

જેમ ગુલાબને કોઇપણ નામ આપવાથી એની ખુશ્બુમાં ફેર નથી એમ ગધેડાને ગર્દભ, ગધ્ધો, રાસભ, વૈશાખનંદન, શંખકર્ણ, લંબકર્ણ, શીતલાવાહન કહેવાથી એનાં ગર્દભત્વમાં ફરક નથી પડતો. એને તો હું ભલોને મારું કામ ભલું. એ ખોટી ગોસિપમાં પડતો નથી. હા, ક્યારેક ગુસ્સે ભરાય તો બરાડા પાડે એ અલગ વાત છે, પણ આજકાલ તનાવભરી શહેરી લાઈફમાં કોણ પોતાનો ટેમ્પર નથી ગુમાવતું? ખરેખર તો ગધેડો ખુબ જ પરિપક્વ અને ડાહ્યું પ્રાણી છે. ગાયની જેમ એ રસ્તા ઉપર વાહનચાલકોને નડતો નથી. વાઘ અને દીપડાની જેમ એ માણસો પર હુમલો નથી કરતો. વાંદરાની જેમ એ ધાબે મુકેલા છુંદા નથી ખાઈ જતો. કૂતરાની જેમ એ આપણી બાઈક પાછળ દોડતો નથી.

ગધેડાનો સ્વભાવ અડિયલ છે એવી એક સામાન્ય ફરિયાદ છે. પણ એકલા ગધેડાં જ અડિયલ હોય છે? તમારી આજુબાજુ નજર નાખશો તો તમને ગધેડાં પણ પ્રેમાળ લાગશે. લાગણીશીલ લાગશે. શરૂઆત ઘરથી જ કરજો. અમદાવાદના પ્રખ્યાત સીજી રોડ પર લોકો ચાલુ વાહને વિન્ડો શોપિંગ કરતાં હોય છે. પછી ઇચ્છા થાય ત્યાં વાહન ઉભું કરી દે. ખરેખર ગધેડાં તો સાયન્ટીફીક કારણોસર અડીયલ હોય છે. એમને જ્યાં જોખમ જણાય ત્યાં એ અટકી જાય છે. જોખમ વ્યક્તિથી હોય કે પરિસ્થિતિથી. જો ગધેડાં અડિયલ ન હોત અને કહ્યા મુજબ વર્તન કરતાં હોત તો એમની સરખામણી પતિ સાથે ન થાત?

એનાં અદ્વિતીય અવાજ અને વિનાસંકોચ લાગણી વ્યક્ત કરવા માટે આળોટવાને કારણે ગધેડાને ઘણી ખ્યાતિ મળી છે. જોકે શેરડી ખાવા જતાં શિયાળ અને ગધેડાની વારતામાં ગધેડાને ખુબ અન્યાય પણ થયો છે. કથિત વાર્તામાં ચોરીછૂપે શેરડીના ખેતરમાં શેરડી આરોગ્યા બાદ ગધેડું આળોટે છે અને ભૂંકે છે જેનાં કારણે ખેડૂત જાગી જાય છે અને ગધેડાને ફટકારે છે. સૌથી પ્રથમ તો શિયાળ અને ગધેડું શેરડી ખાય એ વાત જ માન્યામાં આવે એવી નથી. તમે કોઈએ ગધેડાને શેરડી ખાતો જોયો હોય તો એનો ફોટો અમને ચોક્કસ ઈ-મેઈલ કરજો. આમ છતાં શેરડીના ખેતરવાળી વાતમાં જો ગધેડાએ આળોટી અને ભૂંકીને પોતાની ખુશાલી વ્યક્ત કરી એમાં ખોટું શું છે? એટલું પણ વાણી કે પ્રાણી-સ્વાતંત્ર્ય આપણે એમને ન આપી શકીએ? આ ઉપરાંત અન્ય પ્રશ્ન એ ઉભો થયા છે કે ગધેડાનાં બોલવાને ભૂન્કવું કહેવું તે શું યોગ્ય છે? વાઘ અને સિંહ ત્રાડ પાડે કે ગર્જના કરે, પોપટ બોલે અને કોયલ ટહુકે, ઘોડો હણહણે પણ કૂતરાને ભાગે ભસવું અને ગધેડાને માટે ભૂન્કવું શબ્દો પ્રયોજનાર ભાષાશાસ્ત્રીઓમાં ગધેડાં બાબતે વૈજ્ઞાનિક સમજનો અભાવ જણાય છે.

Compilation of Donkey related cartoons by Mahendra Shah
Compilation of Donkey as subject matter cartoons by Mahendra Shah (USA)

વૈજ્ઞાનિકો અને અભ્યાસુઓ ગધેડાને કદી અન્ડરએસ્ટીમેટ નથી કરતાં કારણ કે લગભગ ૪૫૦૦ વર્ષ પહેલાં જયારે ગધેડાને પાલતું બનાવવામાં આવ્યા હતાં ત્યાર પછીના સમયમાં કોઈની પાસે ગધેડાં હોય એ સ્ટેટ્સ સિમ્બલ ગણાતું હતું, જેમ અત્યારે અમુક કાર ગણાય છે. ગધેડાં પરના અનેક ટેસ્ટથી સાબિત થયું છે કે ગધેડાઓ પોતાનાં કદ અને વજનના અન્ય પ્રાણીઓની સરખામણીમાં અડધું ખાય છે અને લગભગ બમણું કામ આપે છે. પાછો ગધેડાઓનો ડાયટ પ્લાન એની સરખામણી સૌથી વધું જેની સાથે થાય છે એ ઘોડા કરતાં વધારે ફ્લેક્સિબલ છે. ખોરાકમાં એ લીલા પાંદડા અને અનાજને બદલે સુકું ઘાસ ખાઈ ચલાવી લે છે. ગધેડાની ઊંચાઈ ઓછી હોવાથી એનાં પર સામાન લાદવામાં સરળતા રહે છે. ભલે ગધેડાં દુનિયામાં ડફોળાઈનાં પ્રતિક મનાતા હોય, તેઓ ઇન્ટેલીજન્ટ હોય છે. ગધેડાઓ અંદર અંદર હરિફાઈમાં નથી ઉતરતા અને ટીમ-વર્કમાં માને છે. એકવાર એને વિશ્વાસ બેસી જાય પછી એની પાસેથી ધાર્યું કામ લઈ શકાય છે. ગધેડાના આટલા ગુણ વાંચીને એવું નથી થતું કે આટલા સારા તો કર્મચારીઓ પણ નથી હોતાં ? n

Sunday, November 16, 2014

ભેંસ પે ચર્ચા


મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | 
| ૧૬-૧૧-૨૦૧૪ | અધીર અમદાવાદી |

સુરતમાં પ્લેન સાથે ભેંસ અથડાઈ. આ વાતની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. તો અમે કેમ રહી જઈએ? અમે તો પોતે ભેંસપીડિત છીએ. આ ૧૧૦ ટકા સત્યઘટના છે. બે વખત અમને ભેંસે ધ્વસ્ત કર્યા છે. એ પણ સુરતમાં જ. પહેલી વખત રાત્રે ઉધના-મગદલ્લા રોડ ઉપર અમે જતાં હતાં. જવાનું હતું ઉધના દરવાજા પાસેના થિયેટરમાં મુવી જોવા. એ વખતની સુરત રીજીયોનલ એન્જીનીયરીંગ કોલેજનાં યંગ પ્રોફેસર કમ દોસ્ત સાથે રાત્રે સાડા આઠે બાઈક પર રમરમાટ જતાં હતાં. ભેંસનું કરવું તે એક ભેંસને પણ કલાક, મીનીટ અને સેકન્ડના હિસાબે એ જ સમયે રોડ ક્રોસ કરવાની ઈચ્છા થઈ. જે અમને ભેંસથી માત્ર સાડા પાંચ ફૂટનાં અંતરે રહ્યા હોઈશું ત્યારે ખબર પડી. પછી તો બ્રેક મારી. બાઈક સ્કીડ થઈ. ભેંસ સાથે ટક્કર ટળી, પણ બંનેને સરસ મઝાનું છોલાઈ ગયું. બીજી વખત હજીરા સાઈટ પરથી રાત્રે સુરત પાછાં આવતા હતાં. એ વખતે અમે શાપુરજી પાલોનજીમાં એન્જીનિયર હતાં. કંપનીનું ફોર વ્હીલર હતું. મોડું થયું હતું એટલે અમે અને ડ્રાઈવર બે જ જણા હતાં. આ વખતે ભેંસનું આખું ઝુંડ રોડ ક્રોસ કરતું હતું. જે ડ્રાઈવર કરતાં અમને પહેલાં દેખાયું. એમાં એક-બે ભેંસ ઉલળી પડી. ઝટકો વાગવાથી અમારા ઢીંચણમાં બેઠો માર વાગ્યો એટલે અઠવાડિયું ઊભા રહેવામાં અમને તકલીફ પડી. ત્યારે અમને એવો વિચાર આવ્યો હતો કે ભેંસ પર ચારેબાજુ રીફલેકટર લગાડવાની જરૂર છે. અથવા કાળા પ્રાણીઓને રસ્તા પર નીકળવા માટે પ્રતિબંધ મુકાવો જોઈએ. પણ અમે યોગ્ય સ્તરે રજૂઆત ન કરી શકાય એટલે આજે ભેંસ પ્લેન સાથે અથડાતી થઈ ગઈ !

હિન્દી ચેનલ્સની ભાષામાં કહીએ તો ‘ભેંસકી ઘટનાસે એરપોર્ટ કી  સિક્યોરીટી પર કઈ સવાલ ખડે હુએ હૈ’. જો ભેંસ ઘૂસી શકે તો કંઈ અને કોઈપણ પણ ઘૂસી શકે છે. કાલે ઉઠીને તમે પ્લેન બોર્ડ કરતાં હોવ ત્યારે નિસરણી પાસે કોઈ ભિખારી પણ ‘ભગવાન તમારી યાત્રા સલામત રાખે’ બોલતો સામે મળે. અને આમ ભેંસક ઘટનાઓ બનતી રહી તો આવા આશીર્વાદ આપતાં ભિખારીઓને રૂપિયા આપનારા પણ મળી આવશે. અથવા ટ્રેઈનમાં બને છે એમ, વિમાનમાં બોર્ડીંગ કરોને રૂપિયા ઉઘરાવવા કિન્નરો દેખા ‘દે’. અને જો ખારી સિંગ કે ભૂંસું-નમકીન વેચવાવાળા ફૂટી નીકળે, તો સુરતીઓને નવાઈ તો ન જ લાગે, બલ્કે આનંદ થાય.

જો લેન્ડિંગ વખતે પ્લેન ભેંસ સાથે અથડાયું હોત તો સો-દોઢસોનાં રામ રમી ગયા હોત. યમની સવારી પાડા ઉપર આવે છે. પણ અહીં પાડો નહીં ભેંસ અથડાઈ છે. એટલે જ સવાલ ઉઠ્યો છે કે ભેંસ જ કેમ અથડાય છે? પાડો કેમ નથી અથડાતો? કે પછી ભેંસ અને યમરાજના પાડા વચ્ચે સાંઠગાંઠ છે? બધાં અખબાર અને ચેનલો પર સમાચાર જોતાં કોઈ એક પણ જગ્યાએ પાડાનો ઉલ્લેખ નથી. અમે સમાજશાસ્ત્રી નથી. અમે પશુવિજ્ઞાની પણ નથી. કાયમ અકસ્માતો ભેંસ દ્વારા જ કેમ થાય છે એ અમારી સમજની બહાર છે. અને કોઈ અમને સમજાવશે નહીં ત્યાં સુધી એ અમારી સમજમાં આવશે પણ નહીં.

પણ એરપોર્ટ ઓથોરીટી હવે શું કરશે એ મોટો સવાલ છે. ભેંસ અથડાવવાથી પ્રાઈવેટ કંપનીએ સુરતની ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. જેમ પાકિસ્તાનમાં બોમ્બ ધડાકાનાં પગલે ક્રિકેટ ટીમો પોતાનો પાક પ્રવાસ રદ કરે છે એમ જ. આ ઘટનાને પગલે ઓથોરીટીએ હેલીકોપ્ટર ઉડાડી ભેંસોનું હવાઈ નિરીક્ષણ શરુ કર્યું છે. આટલા મોટા એરપોર્ટની બાઉન્ડ્રીનું રક્ષણ કરવું અને એમાં બાકોરા ન પડવા દેવા એ તો એમનાં માટે અશક્ય જ લાગે છે. એટલે કદાચ નજીકના ભવિષ્યમાં એરપોર્ટ ઓથોરીટી ભેંસોને ડચકારા બોલાવીને ભગાડી શકે તેવા માણસો ભરતી કરશે. આમાં વધારે પગાર કે ભથ્થાની લાલચમાં જો મુનસીટાપલી સ્ટાફ ચાલુ નોકરીમાંથી રાજીનામું આપી આમાં જોડાશે તો પાછાં હતાં ત્યાંનાં ત્યાં ઘાટ થશે.

અત્યારે તો ભેંસ ઘૂસી જાય પછી બાઉન્ડ્રીને તાળા મારવા જેવી કવાયત ચાલી રહી છે. પશુપાલકો માટે આવી ઘટનાઓ ભેંસ આગળ ભાગવત જેવી છે, કારણ કે એમનાં માટે કાળા અક્ષર ભેંસ બરાબર છે. જોકે આ પશુપાલકોની પણ એક વોટબેંક છે, એટલે એમની ભેંસને ડોબુ કહેવાની ભૂલ આપણાથી ન થાય. એટલું સારું છે કે એમણે એરપોર્ટ ઓથોરીટીને એમ નથી પૂછ્યું કે ‘મેરી ભેંસ કો ટક્કર કયું મારી’. જોકે એરપોર્ટમાં ઘુસ્યા સિવાય આજુબાજુમાં ઘાસ મળતું હોવાં છતાં પાળેલી ભેંસ અંદર ઘૂસી એ પશુપાલકોનાં ભરોસાની ભેંસ પ્લેન સાથે અથડાય એવું થયું. પણ ગઈ ભેંસ રનવે પર ત્યારથી તંત્ર હંમેશની મુજબ ચોંકી ઉઠ્યું છે, એટલે ભેંસ એનાં શીંગડા સહિત પશુપાલકોને ભારે જરૂર પડશે. અમારા જેવા ઉત્સાહીઓએ આ ઘટના પશ્ચાત ભેંસ સુરતની ભાગોળે, છાશ છાગોળે ને ફેસબુક પર ધમાધમ મચાવી દીધી હતી. જોકે અમારા જેવા ભેંસાસુર અવાજે બુમો પાડે એ ભેંસ આગળ બિન વગાડવા જેવું નકામું છે.  

આપણે ત્યાં સ્ટેડીયમમાં કૂતરા ઘૂસી જાય છે. વડોદરા શહેરમાં મગરો ઘૂસી જાય છે. દિલ્હીની ઓફિસોમાં વાંદરા ઘૂસી જાય છે. નારોલના ઘરોમાં ગટરના પાણી ઘૂસી જાય છે. ગાંધીનગર પાવર પ્લાન્ટ નજીક રહેતા લોકોના ઘરમાં રાખ ઘૂસી જાય છે. ખારી નદીમાં કેમિકલયુક્ત પાણી ઘૂસી જાય છે. જમાલપુરમાં પીવાના પાણીમાં ગટરના પાણી ઘૂસી જાય છે. આપણાં ત્યાં ઘૂસવું એ એક કલ્ચર છે. ઘણાં લોકો ‘ઘૂસ’ કહેવડાવવામાં ગર્વ લે છે. ‘ફલાણા ભાઈ તો ભારે ઘૂસ છે, ગમે ત્યાં ઘૂસી જાય’! એમાં આ ગાય-ભેંસ ને વાંદરા-કૂતરાં ગમે ત્યાં ઘુસતા થઈ ગયાં છે.

વિખ્યાત એક્ટર અને કોમેડીયન ગ્રાઉચો માર્ક્સ કહે છે કે જો તમે જતાં હોવ અને તમારા રસ્તામાં કાળી બિલાડી આડી ઉતરે તો એમ સમજવું કે એ પ્રાણી ક્યાંક જાય છે. એ જ્યાં જતું હોય ત્યાં જાય, એ કંઈ આપણને પૂછીને નથી જવાનું. અને આપણે ના પાડીએ કે પ્રતિબંધ મુકીએ તો એ રોકાવાનું નથી. આપણે ગમે ત્યાં જઈએ રસ્તામાં એક નહીં, અનેક પ્રાણીઓ આડા ઉતરશે જ. એટલે જે કરવાનું છે એ આપણે કરવાનું છે. પણ પ્રજા તરીકે આપણે સરકાર ભરોસે છીએ. સરકાર કરે તે ખરું! સરકાર રાખે તેમ રહીએ. સરકાર તારી માયા! 

Sunday, August 31, 2014

VIP ભેંસ


 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૩૧-૦૮-૨૦૧૪

યુપીના રાજકારણમાં નંબર-૨ ગણાતાં આઝમ ખાનની ભેંસો પણ આજકાલ સમાચારમાં છે. અત્યાર સુધી કોઈના કોઈ કારણોસર આઝમ ખાન હેડલાઈનમાં રહેતા હતાં. થોડા સમય પહેલાં તેમની સાત સાત ભેંસો ચોરાઈ ગઈ હતી. પછી મળી પણ આવી. એ ભેંસોને શોધવા માટે પોલીસે સ્નીફર ડોગ્ઝ પણ કામે લગાડ્યા હતાં. હવે નવું ભેંસ પ્રકરણ શરુ થયું છે. બન્યું એવું છે કે માનનીય મંત્રીશ્રીએ પંજાબથી પાંચ ભેંસો ખરીદી. તેમને પંજાબથી યુપીના સહરાનપુર થઈને ખાનસાહેબના વતન રામપુર સુધી લઈ જવામાં આવી રહી હતી ત્યારે, યુપી પોલીસે એ ટ્રકને એમની હદમાં એસ્કોર્ટ કરી. એટલું જ નહીં સાહેબની ભેંસોને વીઆઈપી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી. રાતવાસા દરમિયાન ભેંસોને મચ્છર ન કરડે એ માટે પોલીસના પરગજુ ભાઈઓએ તાપણું કર્યું! ભેંસો મુસાફરીમાં થાકી ગઈ હશે એમ ધારી એમનાં માટે કંસારનાં આંધણ ચડાવ્યા! અમને તો એ ભેંસોના જન્માક્ષરમાં રસ છે. કેવા નસીબ લઈને જન્મી હશે નહીં?



જોકે, ભેંસને આ સન્માન મળ્યું એનાથી અમે તો ખુશ છીએ. જરા વિચારો કે ભેંસે સમાજને કેટલું બધું આપ્યું છે અને સામે સમાજે ભેંસને શું આપ્યું? આઝાદી પછીની મોટામાં મોટી ગણાતી શ્વેત ક્રાંતિની પાયાની ઈંટ ભેંસ ગણાય છતાં આપણે એને ‘ડોબું’ કહીને નવાજી છે. હા, એને ‘ડોબું’ કહેવાની મનાઈ જરૂર ફરમાવી છે પણ એ ફક્ત ચોક્કસ ધર્મ પાળતી વ્યક્તિની ભેંસને જ. ‘ભેંસ આગળ ભાગવત’, ‘અક્કલ બડી કે ભેંસ?’, ‘ગઈ ભેંસ પાણી મે’ - આવા રુઢિપ્રયોગો ભેંસનો સંદર્ભ લઈ પ્રયોજાય છે! બાકી હોય એમ ‘ધોકે ડોબું દોહવા દે, ધોકે છોકરું છાનું રહે’ જેવા હિંસક જોડકણા પણ બનાવાયા છે! આટલું ઓછું હોય તેમ ઓવરવેઈટ કે અશ્વેત સ્ત્રીને ભેંસ સાથે સરખાવવામાં આવે છે. કેમ? ભેંસ તરફી કોઈ બોલનાર નથી એટલે?


એક રીતે જોઈએ તો ગાયને બોલીવુડની દીપિકા જેવું સ્થાન મળ્યું છે જ્યારે ભેંસને આપણે સોનાક્ષીની કક્ષાએ રાખી છે. બંને કરોડો કમાઈ આપે છે, પણ સોનાક્ષીની જેમ જ ભેંસને પણ પુરતો જશ મળતો નથી. રસ્તા પર ટ્રાફિક જામ કરતી અને લોકોને શીંગડે ચડાવતી દીપિકા, સોરી ગાયને બધા પૂજે છે, એનું પૂછડું પણ આંખે અડાડે છે. જ્યારે ભેંસ હમેશા ઉપહાસનો વિષય રહી છે. સમજોને કે બંને સરખા કમ-ટેલેન્ટેડ હોવા છતાં લોકોએ દીપિકાને ચગાવી મારી છે એવું જ. આ હિસાબે ખરેખર તો યુ.પી. પોલીસનું સન્માન થવું જોઈએ એના બદલે ટીકા થઇ રહી છે, જે દુખદ છે.


આમ જુઓ તો ભેંસ પાસેથી ઘણું શીખવા જેવું છે જેમ કે, નિર્ભયતાથી આગળ વધવાનું! કવિ નર્મદની ‘ડગલું ભર્યું તે ના હટવું ના હટવું...’ પંક્તિને દરેક ભેંસે પોતાનાં જીવનમાં આત્મસાત કરેલી જણાય છે. એક વાર એ રોડ પર પગલું માંડી દે પછી નાની સાયકલ હોય કે મોટી ટ્રક, કોઈ એને રોકી શકતું નથી. એનો રૂઆબ એટલો કે ભલભલા વાહને ઉભા રહીને એને માન આપવું પડે છે. આવો રુતબો ફક્ત આર.ટી.ઓ.ના અધિકારીઓને જ સુલભ છે એવું કહેવાય છે.


થોડા સમય પહેલાં અમે એવાં સમાચાર વાંચ્યા હતાં કે બન્ની પ્રદેશની ભેંસોની કિંમત અઢી લાખ રૂપિયા છે. કેટલાક રાજકીય પક્ષો દ્વારા દોરવાયેલા લોકો એવું કહે છે કે ભેંસ કરતાં તો નેનો લેવી સારી પડે! પણ એમની માન્યતા એમને મુબારક. ખોટા પ્રચારથી ભરમાશો નહિ. નેનો સામે ભેંસના જે ફાયદા અમને દેખાયા છે એની પર જરા નજર નાખશો એટલે દૂધનું દૂધ અને પેટ્રોલનું પેટ્રોલ થઇ જશે. પહેલું તો ભેંસ એ ગ્રામ્ય વિસ્તારની BRTS છે - ભેંસ રીલાયેબલ ટ્રાન્ઝીટ સીસ્ટમ. બીજું, એમાં પેટ્રોલની જરૂર પડતી નથી. એને ચલાવવા માટે લાઈસન્સની કે પીયુસી કઢાવવાની જરૂર પડતી નથી. એને રોંગ સાઈડમાં પણ ચલાવી શકાય છે. સીટ બેલ્ટ બાંધ્યા વિના ભેંસ ચલાવો તો પણ પોલીસ તમને ચલણ આપી નથી શકતો. આ ઉપરાંત ટર્નીંગ રેડિયસથી લઈને ગ્રાઉન્ડ ક્લીઅરન્સ સુધી ભેંસ ટેકનીકલી સુપીરીયર છે. આ ઉપરાંત ભેંસ દૂધ તો આપે જ છે!  


સમગ્ર રીતે જોતાં અમને એવું લાગે છે કે આઝમ ખાનની ભેંસો માટે સહરાનપુર પોલીસે જે પણ કંઈ કર્યું તે બદલ એમને શેણી-વિજાણંદ એવોર્ડથી નવાજવા જોઈએ. જોકે એમને ભેંસોની આવભગત માટે સમય ઓછો પડ્યો હશે બાકી એમણે ભેંસોને નવડાવી, ધોવડાવી, ખરી-ક્યોર, શીંગડા-ક્યોર કરવા ઉપરાંત પુંછડાને શેમ્પુ કરીને એવી તૈયાર કરી હોત કે ખુદ ખાન સાહેબ એને ઓળખી ન શકત. આમ પણ સંસ્કૃતમાં ભેંસને महिषी કહે છે જેનો બીજો અર્થ ‘રાજરાણી’ એવો થાય છે. તો ફિર ઇતની ખાતિરદારી તો બનતી હૈ ભીડુ ... n


મસ્કા ફન

નાડું બાંધતા પહેલાં એની મજબુતાઈ ચકાસો એને ‘નાડી પરીક્ષણ’ ન કહેવાય!


Wednesday, August 28, 2013

પૂંછડું કે વાઈપર ...

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૫-૦૮-૨૦૧૩ | અધીર અમદાવાદી |




હમણાં અહિં અમદાવાદમાં ગાયોનો ઉપદ્રવ વધ્યો છે. આમ તો આખું વરસ કંઈ ઓછો નથી હોતો, આ તો ખાલી માત્રાની વાત છે. રસ્તે જતાં હોઈએ, જમણી બાજુ ડીવાઈડર હોય, ડાબી બાજુ પાણી ભરાયેલા હોય, ખાડા હોય, લારીઓ ઊભેલી હોય, કે કીડી-મકોડાની જેમ માણસો ચાલ્યા જતાં હોય અને એવામાં આગળ ગાય જતી દેખાય. વરસાદ ઝરમર ચાલતો હોય એટલે એક તરફ આપણી કારનું વાઈપર ચાલુ હોય અને એવામાં કારનાં આગળના કાચમાંથી દેખાતી ગાય એનું પૂંછડું વાઈપરની જેમ હલાવતી જણાય. એકવાર તો વરસાદ બંધ હતો અને આમ જતો હતો ત્યાં આવી રીતે ગાય જતી દેખાઈ બે ઘડી તો અમને ભ્રમ થયો કે આ કારનું વાઈપર પાછું કેમ ચાલુ થઈ ગયું? આપણે ભલે ગાયથી ત્રસ્ત હોઈએ પણ ચોખ્ખા રોડ પર પૂંછડું હલાવતી ને બિન્દાસ મહાલતી ગાયો પોતાની મસ્તીમાં મસ્ત હોય છે.

એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી અનેક કષ્ટસભર વૈતરણી નદી પાર કરવામાં જેમણે પુણ્ય કર્યાં હોય તેઓ ગાયનું પૂંછડું પકડીને તરી જાય છે. આપણું શહેર પણ ચોમાસામાં આ મીની-વૈતરણી જેવું જ થઈ જાય છે. એમાં વધુ પાણી ભરાયું હોય અને ગાડી બંધ પડી જાય ત્યારે આવી ગાય સર્વિસ મળે તો કેવી મઝા આવે?’ એવા વિચારો અમને અચૂક આવે છે, પણ આપણે કદાચ એટલાં પુણ્ય નહીં કર્યાં હોય. જોકે પૃથ્વીલોક પર આ ગાયોને હાંકવા માટે એનું પૂછડું મરડવામાં આવે છે એ અલગ વાત છે. આજકાલ તો ગોવાળો બાઈક લઈને ગાયોના ધણને હાંકતા હોય છે. બાકી જુનાં સમયમાં તો હાંકનારા પૂંછડી અમુક રીતે આમળી ગાયોને દિશાસૂચન પણ કરતાં જોવા મળતાં.

અમુક ગાયનું પૂછડું શ્રદ્ધાથી માથે અડાડતા પણ જોવા મળે છે. આવું કરનાર જોકે સંસારથી પરવારી ચૂક્યા હોય છે. બાકી કોઈ બ્યુટી પાર્લર જતી યુવતી કે માથે મોંઘી ડાઈ કરાવતી અર્બન વામા કદી ગાયનું પૂછડું માથે ન ચઢાવે. બીજું કે ગાયનું પૂંછડું માથે અડાડવામાં એક પ્રકારની નિર્ભયતા જોવા મળે છે, કારણ કે ગાય કદી લાત મારતી નથી. કદાચ કુદરતે એનાં પગમાં પાછળ પ્રહાર કરી શકે એવી શક્તિ નથી આપી. કોઈ ધર્મમાં જો ગધેડાને પવિત્ર ગણવામાં આવતું હોય તો પણ કોઈ ગધેડાનું પૂછડું માથે ન ચઢાવે તે પણ એટલી જ ચોક્કસ વાત છે. 

પૂંછડી તો કૂતરાની પણ મસ્ત હોય છે. સોનાક્ષીની કમર જેવી કરવેશીયસ. પણ માણસ જાત, એની પણ પંચાત કૂટે છે. ટુ-વ્હીલર પર જતાં હોવ તો વાઈપરની માફક પૂંછડું હલાવતી ગાય કે ભેંસ પાસેથી પસાર થાવ તો ગોબર-મઢયા પૂંછડાની ઝપટમાં આવો તો શર્ટ બગડી શકે છે. પણ કૂતરાની આસપાસમાં પસાર થતાં હોવ તો એની પૂંછડીથી તમને કોઈ જોખમ નથી. તોયે માણસ જાત વાતો કરે કે કૂતરાની પૂંછડી બાર વરસ જમીનમાં દાટી દો તો પણ સીધી ન થાય. પણ વિચારવાનું એ છે કે આપણે કૂતરાની પૂછડી બાર વરસ જમીનમાં દાટવી શું કામ પડે? અને ધારો કે એકવાર તમે દાટી તો પછી બાર વરસ કૂતરું શું કરે? ત્યાંનું ત્યાં ઊભું રહે? એને ખવડાવે કોણ? આવા અનેક સવાલો ઊભા થાય. અને સૌથી મોટો સવાલ તો જીવદયાનો છે. બિચારાં કૂતરાની આવી દશા કરાય? મને તો કૂતરા માટે આવું હીણપતભર્યું વિચારનાર પર એવો ગુસ્સો આવે છે કે એનો એક હાથ પકડીને જમીનમાં દાટી દઉં!

ખુશાલી વ્યક્ત કરવા ભગવાને કૂતરાને પૂંછડી આપી છે. કૂતરું ભોજન મળવાની આશામાં કે પછી માલિકને જોવા માત્રથી આનંદમાં આવી જઈ પૂંછડી હલાવી ખુશી વ્યક્ત કરે છે. આમ કૂતરા સ્વભાવે સાલસ અને પારદર્શક સ્વભાવના હોય છે. એની પૂંછડી હાલતી જોઈને આપણને એનાં મનમાં શું ચાલે છે એ ખબર પડી જાય છે. કૂતરો જ્યારે ડરી જાય ત્યારે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ભાગે છે. હિન્દીમાં એટલે જે દુમ દબાકે ભાગનાજેવા મહાવરા પ્રચલિત થયા છે. પણ આમાં પણ અમને કૂતરાની પારદર્શકતા જ દેખાય છે. બાકી માણસોને તો ઘણીવાર ખુશાલી વ્યક્ત કરવા શબ્દો નથી મળતાં’, આવામાં જો આપણી પૂંછડી લુપ્ત ન થઈ હોત તો ઘણી સવલત રહેત.   

કૂતરાની વાતથી યાદ આવ્યું કે અમે જ્યારે જ્યારે ફેસબુક પર ઉપરાછાપરી બે ચાર સ્ટેટ્સ કૂતરાને લગતા મૂકીએ એટલે બધાં તરત પૂછે છે: કેમ અધીરભાઈ કૂતરાની પાછળ પડી ગયા? હમણાં મિત્ર મિતેશભાઇએ પણ આવો જ પ્રશ્ન કર્યો હતો. પણ અમારો ૬૨ રૂપિયા ભાવવાળો મિલિયન ડોલર સવાલ એ છે કે શું માણસ કૂતરાની પાછળ પડવા માટે સક્ષમ છે ખરો? અમે તો મોટે ભાગે કૉર્પોરેશનની કૂતરા પકડવાની ગાડીના સ્ટાફ સિવાય કોઈને કૂતરા પાછળ પડેલા જોયા નથી. હકીકતમાં સદીઓથી કૂતરા જ માણસોની પાછળ પડતાં આવ્યાં છે અને હવે એ માત્ર માણસો જ નહીં, વાહનોની પાછળ પણ પડે છે. પણ વાહનોને કરડ્યા વગર  જવા દે છે. જોકે આ આડવાત થઈ.

જોકે નાના છોકરાઓ કે જેમને કૂતરાની વિકરાળતાનો અનુભવ નથી તેમને કૂતરાની પૂંછડી ખેંચતા જોવા મળે છે. પણ વાંદરાની પૂંછડી ખેંચતો કોઈ મરદનો બચ્ચો કે મરદની બચ્ચી હજુ અમારા જોવામાં નથી આવી. ન અમે એવા ફોટા ફેસબુક ઉપર જોયા. હા, વાંદરા સમાજના નાના નાના બચુડીયાઓ બુઢીયા પ્રકારના વાંદરાઓની સળી કરતાં જરૂર જોવા મળે છે.

ગાય-ભેંસ સિવાય પૂંછડીનો જો કોઈ સુંદર ઉપયોગ કરતું હોય તો એ આપણા પૂર્વજો વાંદરા છે. એ તો જાણીતું છે કે વાંદરાને પૂંછડી બેલેન્સ જાળવવામાં મદદ કરે છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના ચક્કરમાં આવીને માણસની પૂંછડી જતી રહી છે. બાકી આપણી પાસે પૂંછડી હોત તો આ પેટ્રોલના ભાવ વધે એમાં આપણને કોઈ વાંધો ન આવત. એક ઝાડથી બીજા ઝાડ, અને કમ્પાઉન્ડ વોલો ઠેકતા ઠેકતા મોજથી ઓફિસ પહોંચી જાત. પણ માણસને પૂછડું હોત તો એ વાંદરો ન કહેવાત?
--
by Adhir Amdavadi
Your comment will be appreciated....