Wednesday, March 08, 2017

કૂતરાઓના સારા દિવસ જાય છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૮-૦૩-૨૦૧૭

દેશમાં દિવસે દિવસે પ્રાણીઓ માટે સહાનુભુતિ વધી રહી છે. ખાસ કરીને કૂતરાઓ માટે. કુતરા પાળવાના નવા નિયમો આવી ગયા છે જેનાથી ઘરમાં કુતરા રાખતા લોકોને માથે જવાબદારી વધી છે. જેમ કે કુતરાને હવે એસીમાં રાખવા પડશે. ડોગ ઓનરે પાંજરા રાખવા પડશે, બેલ્ટ પહેરાવી ડોગ વોક કરાવવો પડશે અને ટોમી જો પોટી કરે તો એ ઉપાડવી પડશે. અમને થાય છે કે મુનસીટાપલી આમ તો શહેરમાં રખડતા કૂતરાની પાલક કહેવાય એ હિસાબે મુનસીટાપલીએ પણ કૂતરાઓ માટે રેનબસેરા ટાઈપ જ નહિ પરંતુ નવી ગાઈડલાઈન્સ અનુસાર એસી શેલ્ટર ઉભા કરવા જોઈએ. ડોગ પાર્ક પણ ઉભા કરવા જોઈએ. જોકે ઉપર દર્શાવેલા અન્ય કામ મુનસીટાપલી કરે એ કામ રેતીમાંથી ઘી કાઢવા જેવું અઘરું છે.

વચ્ચે એક સર્વેક્ષણ થયું હતું તેમાં અમદાવાદમાં દર ૨૫ નાગરિકે કરડવા કે પાછળ પડવા માટે એક શ્વાનની સગવડ મુનસીટાપલીએ કરી છે. આ હિસાબે દરેક સોસાયટી કે ફ્લેટને ઓછામાં ઓછા ૫-૬ કુતરા એલોટ થયા છે. આમ તો આ એલોટમેન્ટમાં મુનસીટાપલીનો કોઈ હાથ નથી. એના માટે કોઈ કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો નથી થયા. આમ પણ કૂતરા દીઠ ૨૫ નાગરિકની ફાળવણી કરેલી છે એટલે કરડવામાં સફળતાનો દર ઉંચો રહેતો હોઈ શ્વાન વર્ગને સંતોષ છે. કૂતરાઓએ પણ સમરસતાપૂર્વક પોતપોતાના વિસ્તાર માર્ક કરી લીધા છે. જે લોકોને દેશમાં અસહિષ્ણુતા અંગે ફરિયાદ હોય એમણે કુતરાનું અમદાવાદ મોડેલ જોઈ લેવું જોઈએ.

અમદાવાદમાં તો ‘દેખ બિચારી કુતરીને કોઈ જાતા ન મારે લાત...’ હિસાબે નિર્ભય થઈને કુતરા કુતરીઓ સ્વૈરવિહાર અને વિહાર ઉપરાંત એમની પ્રકૃતિ અને કુદરતી રીતે જે કરવાનું હોય એ કરે છે. વેલેન્ટાઈન ડેમાં કપલ્સને જાહેરમાં પ્રેમ કરતા જોઈ અમુક અડબંગ દળના કાર્યકરો ટામેટા ફેંકે છે. જોકે કૂતરાઓ જાહેરમાં જે ઈચ્છે એ કરી શકે છે. તેમના ઉપર કોઈ ટામેટા ફેંકતું નથી, અને ઇન ફેક્ટ જો ફેંકે તો એ ખુશી ખુશી ઝીલી અને ખાઈ લે. આ અંગે આપણે આપણા કાન ઢોર જેટલા લાંબા હોય કે ન હોય, આંખ આડા કાન કરવા જ પડે છે. મુનસીટાપલી હજુ શહેરીજનો માટે જનસુવિધાઓ ઉભી કરવા ઝઝૂમી રહી છે ત્યારે કૂતરાઓ માટે ટોઇલેટ બનાવે તેવી અપેક્ષા રાખવી વ્યવહારિક નથી. અને બનાવે તો પણ જે રીતે માણસો માટે સરકારી પૈસાથી બનાવેલા સંડાસોનો ઉપયોગ લોકોએ બેડરૂમ કે પાનના ગલ્લા તરીકે કરવાનો શરુ કર્યો છે એ જોતા કૂતરાઓ માટે ઉભી કરેલી સુવિધાનું ભવિષ્ય કલ્પી શકાય છે. આમ પણ પરાપૂર્વથી કૂતરાઓ સ્વતંત્ર છે જ, આ સંજોગોમાં, અને દુરના ભવિષ્ય સુધી રહેશે તેવું ચારેતરફ દેખાઈ રહ્યું છે.

આપણા દેશવાસીઓ ‘દુઈ રોટી ઔર એક લંગોટી સે હમ ખુશ હૈ રે ભૈયા ...’ ટાઈપના લોકો છે. આપણે ત્યાં આ બે રોટીમાંથી પણ કૂતરા માટે કાઢવાનો મહિમા છે. તો સામે કૂતરા પણ આપણી સાથે રહીને આપણા જેવા સંતોષી થઇ ગયા છે. તમે વિચારો કે એક કૂતરો આપણી પાસે શું માંગે છે? થાંભલો જ ને? તો એની વ્યવસ્થા પણ સરકાર કરે જ છે ને! હકીકતમાં ગામેગામ ટોઇલેટ અને વીજળી પહોંચાડવાની યોજનાના લાભાર્થીઓમાં આઝાદી પહેલાંના સમયથી થાંભલા વગર ટળવળી રહેલા દૂર-સૂદુરના ગામોના કૂતરાઓનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લા પરથી ૧૮૦૦૦ ગામોમાં વીજળીના થાંભલા નાખવાની જે જાહેરાત કરી હતી એને સૌથી વધુ શ્વાન વર્ગે આવકારી હશે.

આપણે ત્યાના કૂતરાઓમાં એક દૂષણ સર્વ વ્યાપી છે અને એ છે અમથા અમથા દોડાદોડી કરવાનું. કોઈપણ જાતના પ્રયોજન વગર દોડવું એ શક્તિનો વ્યય છે, પછી એ શ્વાનશક્તિ કેમ ન હોય! તો શ્વાનશક્તિને યોગ્ય દિશામાં વાળવાની પહેલ મહારાષ્ટ્ર સરકારે કરી છે. અગાઉ મુંબઈ સરકારે ૧૮૮૭ના જુગાર પ્રતિબંધક ધરામાં ઘોડાની રેસ સાથે કૂતરાની રેસનો પણ સમાવેશ કર્યો હતો. એ પછીથી ‘ડોગ રેસકોર્સીસ લાઈસન્સિંગ એક્ટ ૧૯૭૨’ પણ અસ્તિત્વમાં છે અને નજીકના ભૂતકાળમાં એમાં સુધારા કરીને લાઇસન્સ ધરાવતા રેસકોર્સ પર કૂતરાની રેસ યોજવા આડેના અવરોધો દૂર કરાયા છે. આ બધું કહેવા પાછળનો અમારો આશય એટલો જ કે ગુજરાતના કુતરા મહારાષ્ટ્ર રેસમાં ભાગ લેવા જાય તો અહીં જે શાંતિ થઇ તે ખરી!

કરડવાની બાબતમાં આપણા કૂતરાઓની પરિસ્થિતિ સારી છે. અમેરિકામાં ૩૨ કરોડની વસ્તી સામે સાત કરોડ કૂતરા છે. એટલે કરડવા માટે આપણા એક એક કૂતરાને ૨૫ ઓપ્શન મળે છે તો અમેરિકન કૂતરાને ફક્ત ૬.૪ માણસ મળે છે. આમાં રાઉન્ડ અપ કરો તો પણ ગણીને સાત માણસ મળે. એમાં પણ નાની ઉમરના તો એટલું ફાસ્ટ ભાગતા હોય કે મોં પણ ન પહોચે. બાકી હોય એમ કોર્ટ કેસો અને વળતરની બીકે એનો માલિક એને કોઈને કરડવા પણ ન દે તો ધૂળ પડી એના કૂતરત્વમાં! પણ આ સિવાય આપણા કૂતરાઓએ હરખાવા જેવું નથી કારણ કે એમને ત્યાં કૂતરાઓ માટેના, સ્પા, ફાઈવ સ્ટાર હોટલ, હોસ્પિટલો અને ક્લબો પણ હોય છે. કૂતરાં માટે ખાસ બ્યુટીશીયનો પણ હોય છે અને કૂતરીઓની બ્યુટી કોન્ટેસ્ટ પણ થાય છે! એમના માટે ખાસ ડોગ ફૂડ લાવીને ખવડાવવામાં આવતું હોય છે. એમને ઠંડી ન લાગે એ માટે કપડા પણ ફેરવવામાં આવતા હોય છે. અમુક સનકી લોકો કૂતરા માટે મિલકત પણ છોડી જતા હોય છે. એટલે કૂતરું નહિ તો કૂતરાની પૂછડી રૂપે સરકારે આ દિશામાં થોડું કામ કરવાનો નિર્ધાર જાહેર કર્યો છે એનો અમને આનંદ છે, ભલે અમે એના લાભાર્થી નથી.

મસ્કા ફન
અધીર: કૂતરાનો સંઘ કાશીએ શું કામ જતો હશે?
બધિર : કાશીમાની કૂતરીને પરણવા!

No comments:

Post a Comment