Wednesday, April 26, 2017

ડોન્ટોપેડાલોજી એટલે બફાટનું સાયન્સ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૬-૦૪-૨૦૧૭
એન્ડી વોરહોલ કરીને એક અમેરિકન આર્ટીસ્ટ થઇ ગયા જેમણે કળા, સેલિબ્રિટી કલ્ચર અને વિજ્ઞાપન વિષય પર કામ કર્યું છે. એમનું એક ફેમસ ક્વોટ છે કે ‘ભવિષ્યમાં દરેક માણસ પંદર મિનીટ માટે વર્લ્ડ ફેમસ બનશે’. અત્યારે ભારતમાં જ લાખોની સંખ્યામાં આવા સોશિયલ મીડિયા સેલીબ્રીટીઝ છે જે એક ટ્વીટ કે પોસ્ટને કારણે ફેમસ થયા હોય. બાકીના કેટલાય પોતાના પતિ, પત્ની, મા-બાપને કારણે જાણીતા થયા હોય. પરંતુ આપણે આવા પંદર મિનીટ ફેમ વાળા નહીં, ગણમાન્ય સેલીબ્રીટીઝની વાત કરવાની છે જેમના બફાટ વડે આપણને કોમેડી શો કરતાં વધારે મનોરંજન મળે છે. તણાવભરી આ જીંદગીમાં આવા સેલીબ્રીટીઝ સ્ટ્રેસબસ્ટર તરીકે કામ કરે છે. આમિરની ફિલ્મ જોવા સાડી ત્રણસો રૂપિયાની ટીકીટ લેવી પડે છે, પરંતુ ૧૫-મિનીટ સેલિબ્રિટી કિરણનો બફાટ મફતમાં સાંભળવા મળે છે. પૃથ્વી પરથી ડાયનોસોર કે ગોલ્ડન દેડકા લુપ્ત થઈ ગયા છે, પણ બફાટ કરતા સેલીબ્રીટીઝ ક્યારેય લુપ્ત નહીં થાય એટલું આશ્વાસન છે. 
 
સેલિબ્રિટી અને બફાટ વચ્ચેનો સંબંધ લેંઘા-નાડા જેવો છે. લેંઘા વગરના નાડા ન હોય, એમ બફાટ વગર સેલિબ્રિટી પણ ન હોય. શાહરૂખ, સલમાન, આમીરથી માંડીને સોનમ કપૂર સુધીના દાખલા તો ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી મળી આવશે. વર્ષો પહેલા ગાવસ્કરે હિન્દી ફિલ્મો માટે ‘મેડ બાય એસીઝ, ફોર ધ માસીઝ,’ કોમેન્ટ કરી હતી. હિન્દી ફિલ્મોના હીરો-હિરોઇન્સ વર્ષોથી બાફતા આવ્યા છે. હમણાં જ સોનમ કપૂરે હિંદુ, મુસ્લિમ, સીખ ઈસાઈ શબ્દો આપણા રાષ્ટ્રગીતમાં આવે છે એવું લખ્યું હતું. સોનમ કપૂરની પાછળ ટ્વીટરની ટ્રોલ સેના પાછળ પડી છે. જોકે આલિયા ભટ્ટને સોનમના છબરડાથી ખુબ રાહત થઈ છે. આલિયાએ કોફી વિથ કરનમાં પૃથ્વીરાજ ચૌહાણને પ્રેસિડેન્ટ જાહેર કર્યા એ પછી હજારોની સંખ્યામાં આલિયા ભટ્ટ જોક્સ બન્યા હશે. હવે સોનમ કપૂરનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયાના ઉત્સાહી કીડાઓ વધારે મહેનત ન કરવી પડે એટલે આલિયાવાળા જોક્સ જ સોનમ કપૂરનું નામે માર્કેટમાં વહેતા મૂકી રહ્યા છે! 



બ્રિટનના પ્રિન્સ ફીલીપે બફાટ માટે ડોન્ટોપેડાલોજી શબ્દ શોધ્યો છે. ડોન્ટોપેડાલોજી એટલે ડાચું પહોળું કરીને પોતાના જ પગ પોતાના મોઢામાં મુકવાનું વિજ્ઞાન. ફિલિપ પોતે જ ઘણીવાર આવું કરી ચુક્યા છે. નાઈજીરિયાના પ્રેસિડેન્ટ ફિલિપને મળ્યા ત્યારે એ ટ્રેડીશનલ ડ્રેસમાં હતા, ફીલીપે એ જોઇને કહ્યું કે ‘અરે વાહ, તમે તો સુવા જતા હોવ એવું લાગે છે’. ચીનમાં બ્રિટીશ એક્સચેન્જ સ્ટુડન્ટસની મુલાકાત વખતે ફીલીપે કહ્યું કે ‘તમે આમની સાથે લાંબુ રહેશો તો તમે પણ ચુંચા થઇ જશો’. ચીન વિષે બોલતાં આખાબોલા ફિલિપે એકવાર કહ્યું હતું કે ‘જો ચાર પગ હોય પણ એ ખુરશી ન હોય, જો બે પાંખો હોય ઊડી શકતું હોય પણ એરોપ્લેન ન હોય, અને જો એ તરી શકતું હોય પણ સબમરીન ન હોય તો ચાઈનીઝ એને જરૂર ખાઈ જાય’. જોકે ચીન ભારત સાથે બદતમીઝી કરી રહ્યું છે ત્યારે અમને આખાબોલા ફિલિપના આ બફાટમાં સેન્સ ઓફ હ્યુમર જ દેખાય છે! આપણે પણ ચીન વિષે આવી મજાક કરીએ જ છીએ ને? હમણાં જ જાણીતી કોફીશોપના ફ્રીઝમાં વંદા દેખાયા પછી જયારે ઘરાકે વિડીયો બનાવવાની કોશિશ કરી ત્યારે કોફીશોપના બચાવમાં કોકે લખ્યું હતું કે ‘ચાઈનામાં તો કોફીશોપમાં વંદા ન દેખાય તો ઘરાક ફરિયાદ કરે છે’. અને એમ તો અમે પણ અમદાવાદમાં રખડતા કૂતરાની સમસ્યાના સમાધાન માટે મુનસીટાપલીને ચીન સાથે એમઓયુ કરવાની જ સલાહ આપી હતી ને? એમાં ખોટુંય શું છે?

બફાટ માટે અંગ્રેજીમાં બ્લર્ટીંગ શબ્દ પણ વપરાય છે. ગુજરાતીમાં ભાંગરો વાટવો શબ્દ પ્રયોગ છે. બફાટ બુફે જેવો હોય છે. એ જાતે કરવાનો હોય છે, કોઈ પીરસવા ન આવે. બફાટની રેસીપી કૈંક આવી હોય છે. સૌથી પહેલા કોઈ કરંટ ટોપિક શોધી કાઢો. એમાં થોડું અજ્ઞાન ઉમેરો. એને ડફોળાઈના તાપ પર પકવવા દો, પરંતુ વધારે નહીં. જ્ઞાન લાધે એ પહેલા એને સોશિયલ મીડિયા પર કે ઇન્ટરવ્યુમાં પીરસી દો.

બફાટ કરવા માટે તમારી પાસે અફાટ અજ્ઞાન હોવું જરૂરી છે. સામાન્ય બુદ્ધિ ઝાડ પર મૂકી વાત કરવાથી ઉત્તમ પરિણામ મળે. અભણ હોવ તો શ્રેષ્ઠ. જોકે અભણ હોવ અને આત્મવિશ્વાસનો અભાવ હોય તો પાછું ન ચાલે. બફાટ કરવા માટે બહિર્મુખ હોવું પડે જેના માટે આત્મવિશ્વાસ જરૂરી છે. હવે એમ ના પૂછતાં આત્મવિશ્વાસ ક્યાંથી આવે? એ સફળતાથી આવે. હવે એમ ન પૂછશો કે સફળ કઈ રીતે થવું? એ અમારો વિષય નથી. એ મેનેજમેન્ટ ગુરુ અને ચિંતકોનો વિષય છે. છતાં પણ સોનમ-આલિયા-તુષારને જુઓ તો ખબર પડશે કે ઉપરવાળાની દયા હોય તો તમે ફિલ્મી ખાનદાનમાં જન્મ લો પછી તમે આપોઆપ હીરો કે હિરોઈન બની જાવ છો. પછી બફાટ કરવાની અફાટ તકો મળી રહે છે.

બફાટ કર્યા પછી શું? સૌથી પહેલું તો એની જાહેરમાં ચર્ચા થાય છે. સોશિયલ મીડિયા પર ફીરકી લેવાય છે. પછી સેલિબ્રિટી એના ખુલાસા અને ચમચા બચાવ કરે છે. પણ એક ટ્વીટથી જે આબરૂ નામના ડેમમાં ભગદાળું પડ્યું હોય તે આલિયાએ બનાવ્યા એવા ‘જીનીયસ ઓફ ધ યર’ પ્રકારના કડીયાકામથી રીપેર નથી થતું. તોયે આવા થાગડ-થીગડને વખાણનાર સમદુખિયા બોલીવુડમાં મળી આવે છે.

તમને થશે કે અમે બોલીવુડની પાછળ પડ્યા છીએ અને અવારનવાર ભાંગરો વાટનાર રાજકારણીઓ વિષે કેમ નથી લખતા? હવે એટલા નીચા લેવલ પર પણ અમે નથી જવા માંગતા!

મસ્કા ફન
અમારે તો રોજ બુક ડે જ હોય છે.
અમે સેવ મમરા, ચવાણું, મમરી બધું બુકડે બુકડે જ ખાઈએ છીએ ...

Wednesday, April 19, 2017

અવાજ કે ઘોંઘાટ ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૯-૦૪-૨૦૧૭


દુનિયાનો સૌથી મોટો અવાજ સન ૧૮૮૩માં ક્રાકાતોઆ જ્વાળામુખી ફાટવાથી થયો હતો. કદાચ એ દિવસની માનવજાત આ રેકોર્ડ તોડવા પ્રયત્નશીલ છે. સામાન્ય રીતે અનિચ્છનીય, અણગમતા, શ્રવણશક્તિ માટે હાનીકારક કે પછી કોઈ પ્રવૃત્તિને ખલેલ રૂપ અથવા પ્રતિકૂળ હોય એવા અવાજને ઘોંઘાટ ગણવામાં આવે છે. એમાં કોઈ ચોક્કસ સૂર હોતો નથી. હાથીની પાછળ કૂતરા ભસે એ કૂતરાઓ દ્વારા થતો ઘોંઘાટ ગણાય છે, પરંતુ કુતરું બુદ્ધિજીવી હોય તો એ ઘોંઘાટ વિરોધનો સુર બની જાય છે. એમ તો આજના બોલીવુડના સંગીતમાં સૂર પકડવો મુશ્કેલ હોઈ ઘોંઘાટ જ ગણાય પણ એફ.એમ. સ્ટેશનો માટે એ રોજીરોટી છે. પવનના સૂસવાટા અને વરસાદની ગાજવીજ એ કુદરતી ઘોંઘાટ છે જેની ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. જયારે ખખડી ગયેલી જાહેર બસોના મરણાસન્ન એન્જીનોની ધંધાણાટી, વિમાનની ઘરઘરાટી, હોર્ન, ભીડનો કોલાહલ, ધર્મના નામે લાઉડસ્પીકર પર ચીસો પાડતા અધર્મીઓ, માઈક ઉપર ભૂંડના ચિત્કાર જેવા અવાજમાં ગવાતા ગીતો વગેરે માનવસર્જિત ઘોંઘાટના પ્રકાર છે. આવો ઘોંઘાટ મનુષ્ય અને પ્રાણી સૃષ્ટિ માટે હાનીકારક છે.

કેટલાક પ્રકારના ઘોંઘાટ ઓડીયેબલ સ્પેક્ટ્રમમાં ન આવતા હોવા છતાં એને ઘોંઘાટ ગણવામાં આવે છે. જેમ કે માણસના મનમાં ચાલતા વિચારોના ઘમાસાણને પણ ઘોંઘાટ ઠરાવવામાં આવ્યો છે. જેની અંદરનો આ ઘોંઘાટ કાબૂમાં હોય એ કવિ કે ફિલસૂફ ગણાય છે જયારે બાકીના મનોચિકિત્સકોને ઘરાકી કરાવે છે. રાજકારણીઓની વિચિત્ર તથા અસંબદ્ધ નિવેદનો એક પ્રકારનો ઘોંઘાટ જ છે. સોશિયલ મીડિયામાં અશિષ્ટ ભાષામાં વ્યક્ત થતા પરસ્પર વિપરીત મતો એ નવતર પ્રકારનો ઘોંઘાટ છે જેની ઉપર કોઈ નિયંત્રણ નથી.

આમ તો ઘોંઘાટ ડેસિબલમાં મપાય છે પરંતુ અમુક શિક્ષિકાઓને આ માપ વિષે જાણકારી ન હોવાથી ‘આ ક્લાસ છે, શાકમાર્કેટ નથી’ કહેવા પ્રેરાય છે. મતલબ કે શાકમાર્કેટમાં થતો હોય એટલો અવાજ ત્યાં થતો હશે. બની શકે. ભાવ માટે રકઝક કરીને ’૨૦ના કિલો આપવા હોય તો બોલ’ કહીને પાછળ જોયા વગર ચાલી જતી સ્ત્રીને બોલાવવા ‘લો પચ્ચીસના કિલો આલું’ અને ઘરાક થોડી વધારે આગળ જાય એટલે વધુ જોરથી ઘાંટો પાડીને ‘લો ૨૦ના લઈ જાવ હેંડો’ બોલાવે છે. ભાવ પાડીને ચાલી જનારી રસ્તામાં આનાથી સારા ભીંડા આનાથી સારા ભાવમાં નહીં મળે એવી ખાતરી ન થાય ત્યાં સુધી બુમ સાંભળતી જ ના હોય એવું કરે છે. અમે સ્કુલમાં ભણતા ત્યારે અમારા સાહેબ ‘શેરબજાર નથી’ પ્રકારની સરખામણી કરતા. એ વખતે શેરબજારમાં ઘાંટા પાડીને હાથ ઉલાળીને સોદા થતા. શિક્ષિકા અને શિક્ષકો દ્વારા અપાતા ઉદાહરણો બદલાય નહીં ત્યાં સુધી જેન્ડર ઇક્વાલિટી આવશે નહીં તેવું અમને જણાય છે.

સિત્તેરના દાયકામાં શોર્ટ વેવ પર રેડિયો સિલોન પરથી પ્રસારિત થતો કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’ સંભાળતી વખતે કે બીબીસીના સમાચાર સંભાળતી વખતે એમાં ઘોંઘાટથી ખલેલ પડતી પણ એને ગણકાર્યા વગર પબ્લિક લાગેલી રહેતી. દૂરદર્શન પાપાપગલી ભરતું હતું ત્યારે પિક્ચર અને અવાજમાં આવતો ઘોંઘાટ દૂર કરવા માટે તોતિંગ એન્ટેનાને વારે ઘડીએ ફેરવવું પડતું. એના માટે ઘરમાં ત્રણ-ચાર જણાનો સ્ટાફ ખડે પગે તૈયાર રહેતો. ક્રિકેટ મેચમાં રસ ધરાવતા પાડોશીઓ પણ આ શ્રમયજ્ઞમાં આહૂતિ આપતા. ઝૂઝારુ યુવાનોએ આવા પ્રસંગોએ ધાબામાં ટાઢ-તાપ વેઠીને ઉઠાવેલી જહેમત આગળ જતા પ્રણય અને અંતે પરિણયમાં ફેરવાઈ હોય એવી ઘટનાઓ ભલે ઇતિહાસમાં નોંધાઈ ન હોય પણ બની છે ખરી.

સંશોધન એવું કહે છે કે પુરુષો કરતા સ્ત્રીઓ વધારે અવાજ કરે છે. એવું મનાય છે કે સ્ત્રીઓ દિવસના ૨૦,૦૦૦ શબ્દો બોલે છે જયારે પુરુષો ૭૦૦૦. એક જોક મુજબ સ્ત્રીઓ પોતાનો બોલવાનો ક્વોટા પુરુષનો ક્વોટા પૂરો થાય પછી વાપરવાની શરૂઆત કરે છે. એક અન્ય પ્રચલિત જોક મુજબ નાયગ્રા ધોધની મુલાકાતે ગયેલા સ્ત્રીઓના એક ટોળાને ગાઈડ સમજાવતો હોય છે કે ‘નાયગ્રા ધોધ એટલો પ્રચંડ છે કે ધોધ પરથી જો ૨૦ સુપરસોનિક વિમાનો એક સાથે પસાર થતા હોય તો ધોધના અવાજમાં આ વિમાનોનો અવાજ દબાઈ જાય, અને લેડીઝ, તમે જો હવે થોડીવાર શાંત રહો તો આપણે ધોધનો અવાજ સાંભળીએ!’ જેમને આ વાત જોક લાગે તેમણે બપોરે રેસ્ટોરન્ટમાં કિટી પાર્ટી ચાલતી હોય ત્યારે લંચ લઈ ખાતરી કરી લેવી.

ભારતમાં લગ્નએ ઘોંઘાટનું કારક છે. લગ્ન માટે એવું કહેવાય છે કે વાસણ હોય તો ખખડે પણ ખરા. પણ અમે અહીં લગ્ન પ્રસંગે થતાં ઘોંઘાટ તરફ અંગુલિનિર્દેશ કરીએ છીએ, નહીં કે લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે થતાં. વરઘોડામાં મોટા અવાજે વાજિંત્રો, ઢોલ, ડીજે દ્વારા ગીતો વગાડવામાં આવે છે જેથી વરરાજાને કદાચ છેલ્લે છેલ્લે પાછા ફરવાનો વિચાર મનમાં આવે તો એ કહી શકે નહીં. આશ્ચર્યજનક બાબત એ છે કે ખોખરી સાઉન્ડ સીસ્ટમ અને અતિ ખરાબ ગાયકી થકી ઉત્પન્ન થતા ઘોંઘાટમાં વરઘોડામાં વરની બહેન અને ભાઈબંધોને ગરબા અને ડાન્સ કરતા રોકી શકાતાં નથી. ઉલટાનું રૂ. દસ-દસની નોટો ઉડાડીને વગાડનારને વધુ ઘોંઘાટ કરવા માટે પ્રોત્સાહન આપવાની પ્રથા છે. કન્યા ‘પધરાવવા’ની ઘડીએ પણ ગોર મહારાજ સિગારેટના ખોખા પરની સ્ટેચ્યુટરી વોર્નિગ જેવો ‘સા..વ..ધા..ન..’નો પોકાર પાડે ત્યારે કન્યા પક્ષ દ્વારા ઘોંઘાટ કરીને એને દબાવી દેતા હોય છે.

આપણી આ માનવ જાત જ એટલી વિચિત્ર છે કે દિવાળીમાં ૫૫૫ બોમ્બની વાટ ચાંપીને પછી કાન પર હાથ ઢાંકીને ઉભી રહે છે. ભાઈ, ધડાકાથી તારા કાનના પડદા હાલી ઉઠે છે તો જખ મારવા બોમ્બ ફોડે છે? આ પાકિસ્તાન પણ કંઇક આવું જ કરે છે ને?

મસ્કા ફન

અક્કીને ‘રુસ્તમ’ માટે નેશનલ એવોર્ડ મળ્યો એનાથી અમોને ઘોડાની રેસમાં ગધેડું ફર્સ્ટ આવ્યું હોય એટલો આનંદ થયો છે.

Wednesday, April 12, 2017

દસમો રસ કેરીનો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૨-૦૪-૨૦૧૭

ઉનાળો આવી ગયો છે. બહાર ગરમી અને પાણી માટે રાડો પડવા લાગી છે. ઘરોમાં બિચારી કેરીનું કચુમ્બર કે છુંદો થવા લાગ્યા છે. હજુયે અમુક ઘરોમાં છુંદા અને અથાણા નાખવામાં આવે છે, જે સાવ નાખી દેવા જેવા નથી હોતા.ચૂસીને કેરી ખાવાનો જમાનો ગયો એવો અફસોસ કરનારા ટુકડા કરેલી આફૂસને કાંટાથી ખાય છે.

જેમની આર્થિક સ્થિતિમાં કસ હોય એ ઘરમાં રસ બનાવે છે. શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત બીભત્સ, અને શાંત આ નવ રસ લાગણીઓ વ્યક્ત કરે છે. કેરીનો રસ એ દસમો રસ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે "वाक्यम् रसात्मकम् काव्यम्" અર્થાત રસયુક્ત વાક્ય જ કાવ્ય છે. પરંતુ અમે કહીએ છીએ કે "रसात्मकम् भोजनम् महाकाव्यम्" અર્થાત (કેરીના) રસવાળું ભોજન મહાકાવ્ય છે, જે ઘી, સુંઠ, પાતરા, ઢોકળા જેવા ખાદ્ય અલંકારોથી સુશોભિત થાય છે.

રસ જેનો નીચોડ છે તેવી કેરીની અનેક જાતની મળે છે. જેમ કે સસ્તી કેરી, મોંઘી કેરી અને હેસિયત બહારની કેરી. કેરીને હિન્દીમાં આમ કહે છે, પણ આ આમ આમ આદમી અને ઔરતો માટે પોસાય એવી રહી નથી. કેસર કેરીનું બોક્સ હોય તો એમાં ઉપરની તરફ મોટી કેરીઓ અને નીચેની તરફ નાની કેરીઓ ગોઠવેલી મળે છે. બિલ્ડરો જેમ સુપરબિલ્ટ અપ એરિયાને નામે ગોલમાલ કરતા હોય છે, તેમ ખાસ કરીને કેસર કેરીના વેપારીઓ કિલોના બદલે બોક્સના ભાવે કેરીઓ વેચી ગોલમાલ કરતા હોય છે. સુંદરી, પાયરી, બદામ, લંગડો, આફૂસ, કેસર, રાજાપુરી વગેરે નામની કેરી બજારમાં મળે છે. કેરીમાં નામ પ્રમાણે ગુણ હોય પણ ખરા અને ન પણ હોય. જો નામ પ્રમાણે ગુણ હોય તો ફિક્કી કેરી, મોળી કેરી, ખાટ્ટી કેરી, મોટા ગોટલાવાળી જેવા નામ પણ હોત. 
 
ઉતાવળે આંબા નથી પાકતા પણ કાચી કેરીમાં કાર્બાઈડનું પડીકું મુકો એટલે જલ્દી પાકે છે. હવે એ સસ્તા મેડ ઇન ઇન્ડિયા કાર્બાઈડના પડીકાની હરીફાઈમાં ચાઇનીઝ કેમિકલ આવી ગયા છે. ચાઇનીઝ સફરજન, કીવી અને તડબુચ આવે છે, પરંતુ હજુ ચાઈનાવાળા આપણા માર્કેટમાં કેરી ઘુસાડી નથી શક્યા. ઘણીવાર એવું લાગે છે કે આ ભેળસેળ, ગુટખા, કાર્બાઈડ પાવડર આ બધું વસ્તી વધારા સામેના ઉપાયો જ છે. કેરી પાકે એટલે એનો રંગ લીલામાંથી પીળો અને કેસરી થાય છે. અમુક રાજકીય વિચારસરણી ધરાવનારા આમ છતાં પાકી કેરી ખાય છે. જો એમનો વિરોધ પાકો હોય તો એમણે પાકી કેરીનો પણ વિરોધ અને ત્યાગ કરવો જોઈએ.

ઉતાવળે આંબા જ નહીં, છૂંદો પણ નથી પાકતો. ઘરનો છુંદા-શોખીન પુરુષવર્ગ ‘છૂંદો ખાવો હોય તો કેરી છીણવી પડશે’ જેવા તાલિબાની અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોથી વિપરીતતથા ગૃહમાં બહુમતી વગર પસાર કરેલા ઘરના કાયદા સામે, જીભના ચટાકાને કારણે શરણે આવે, ત્યારે ઘરમાં છૂંદો બને છે. રજાના દિવસે, રાજાપુરી કેરીને છીણી,આ ક્રિયા દરમિયાન થોડી કેરી પેટમાં પધરાવી, મીઠું નાખી ખટાશ ઉતારી, ખાંડ મરચું નાખી ઉપર સફેદ પાતળું મલમલનું કપડું બાંધી, તપેલા ધાબે ચઢાવવામાં આવે છે. આ પછીનું અઠવાડિયા રોજ વાદળ અને વાંદરાની ચિંતા વચ્ચે રોજ તપેલા ઉપર-નીચે કરીને છૂંદો બને પછી સ્વાભાવિક છે કે ઘેર જમવા આવનાર દરેકને ‘જાતે બનાવ્યો છે’ કહી આગ્રહ કરી કરીને ખવડાવવામાં આવે. આપણા દેશમાં જાતે બનાવેલી અને ઘેર બનાવેલી આઈટમ્સ આપોઆપ ઉચ્ચ ગુણવત્તા કે ટેસ્ટની હોય એવું માનવામાં આવે છે.

જે ઘરોમાં સારા ટેસ્ટનું શાક નથી બનતું ત્યાં કેરીના અથાણાનો ઉપાડ વધારે થાય છે. મહેમાન તમારા ઘેર અથાણું શોધતા હોય તો તમારે એમ ન સમજવું કે મહેમાનને તમારું અથાણું બહુ ભાવી ગયું છે, પરંતુ કદાચ દમ આલુના શાકમાં દમ નથી. આને ફીડબેક ગણી લેવો જોઈએ. રેસ્ટોરન્ટમાં પંજાબી ખાવા જનાર ભાગ્યે જ અથાણાથી પોતાની પ્લેટ ચીતરે છે. હા, અમદાવાદની જાણીતી બ્રાંડના ચના-પૂરી ખાવા જાવ અને એકસોને ચાલીસ રૂપિયા ખર્ચવા છતાં વિરાટ પુરીના પ્રમાણમાં ચના ચપટી જ આપવામાં આવે, ત્યારે પ્લેટમાંથી ચણા સાફ કર્યા બાદ વધેલી પૂરી અથાણા સાથે પુરી કરવાનો વારો આવે છે એ અલગ વાત છે. ઘરમાં જોઈએ તો દાળ કે શાક ખૂટે તો તેની અવેજીમાં અથાણું વપરાય છે. એટલે જ અથાણું એ ગુજરાતી ગૃહિણીઓની કોઠાસૂઝ છે.

--

મહાનુભવોનો કેરી પ્રેમ જાણીતો છે. ટાગોરના ઉત્કૃષ્ટ લખાણનું કારણ પણ આંબો છે એ ભાગ્યે જ કોઈને ખબર હશે. ટાગોરની આ કવિતા વાંચશો તો ખબર પડશે;

ओ मंजरी, ओ मंजरी, आमेर मंजरी

क्या तुम्हारा दिल उदास है

तुम्हारी खुशबू में मिल कर मेरे गीत

सभी दिशाओं में फैलते हैंऔर लौट आते हैं

સુફી કવિ આમીર ખુસરો પણ કેરી પર વારી જઈને કેરીને ફ્ક્ર-એ-ગુલશન નામ આપ્યું છે. ચાંદની ચોકના બલ્લીમારાં વિસ્તારની ગલી કાસીમ જાન જેના કારણે મશહૂર છે એ મિર્ઝા ગાલિબના નામે કેરી વિશેની એક રમુજ જાણીતી છે. ગાલિબને ખાવા માટે કેરી આપ્યા પછી પૂછવામાં આવ્યું કે ‘આમ કે સાથ કુછ ખાસ ચાહિયે?’ ત્યારે ગાલિબે કહ્યું કે ‘જબ આમ હૈ તો ખાસ કા ક્યા કામ હૈ!’ અહી ગુજરાતીઓ ગાલિબથી જુદા પડે છે. આપણે ત્યાં કેરીના રસમાં ઘી નાખવામાં આવે છે. રસ વાયડો ન પડે એ માટે એમાં સુંઠ નાખવાનો પણ રીવાજ છે. સાસરે જમવામાં રસ સાથે બપડી (બેપડી) રોટલી, વાલની દાળ, અળવીના પાનના પાત્રા કે ખમણ-ઢોકળા ન હોય તો જમાઈઓ પત્નીને પિયર મુકીને જતા રહ્યા હોય એવી ઘટનાઓ બનેલી છે. જોકે આજે કોઈ જમાઈ એવું કરે તો એના છોકરાં રખડી પડે.

મસ્કા ફન


“જો તમને નાસાવાળા મંગળ પર જવા સ્પોન્સર કરે તો મંગળ પર જઈને તમે શું કરો?”

“ગરબા, ગુજરાતી બીજું શું કરે?”

Wednesday, April 05, 2017

આઝાદી મનગમતા વસ્ત્રો પહેરવાની

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૫-૦૪-૨૦૧૭


ભારતમાં આઝાદી મળ્યાના સુડતાલીસ વર્ષ પછી બૌદ્ધિકોએ જાણે ફરી આઝાદી માટે સંઘર્ષ શરુ કર્યા હોય એવું વાતાવરણ ઊંભું કર્યું છે. આ બૌદ્ધિક એટલે કોણ? બૌદ્ધિક એ છે જે પોતે શુદ્ધ શાકાહારી હોય અને ગાયનું માંસ ખાવાની આઝાદી માટે લઢે. બૌધિક પોતે લેંઘા-ઝભ્ભા પહેરતો હોય પણ બેસણામાં સ્કર્ટ પહેરીને ફરતી છોકરીના હકની વાત કરે તે. પોતે કલીનશેવ્ડ હોય પણ દાઢીવાળાઓના હક્ક માટે લઢે તે. બૌદ્ધિક એટલે એનઆરઆઈ ચડ્ડા પહેરીને ફરે તો એને સ્વતંત્રતા ગણે, પરંતુ કોઈ હેતુ કે ગણવેશ તરીકે ચડ્ડી પહેરનારની ટીકા કરે તે. જે સૌને લાતાલાતી કરતો હોય પણ જાહેરમાં અશ્લીલ રીતે ચુમ્માચાટી કરનારના હક વિષે ચર્ચા કરે તે. બૌદ્ધિક એટલે પોતાના વિષે કોઈ ઘસાતું બોલે તો એને ‘ઇનટોલરન્સ’ ગણાવે પણ બાકીનો સમય વાણી-સ્વતંત્રતાના વિષય પર પ્રવચનો કરતો ફરે તે. વનવેમાં ગાડી ઘુસાડી પોતે સામા પ્રવાહે તરે છે એવું જે માનતો હોય, અને બહુમતીથી નેતા ચૂંટનાર પ્રજાને ડફોળ ગણનાર પણ બૌદ્ધિક જ ગણાય! 
--
આ માહોલ વચ્ચે આપણા લોકલ બૌદ્ધિકોને ઝંપલાવવાનું મન થાય એવા સમાચાર આવ્યા છે. ન્યુઝીલેન્ડની ડ્યુનેડીન નોર્થ ઇન્ટરમિડીયેટ સ્કૂલના સંચાલકોએ સ્કૂલમાં છોકરીઓને છોકરાઓ પહેરે છે એવા ટ્રાઉઝર અને છોકરાઓને છોકરીઓ પહેરે છે એવા સ્કર્ટ પહેવાની આઝાદી આપી છે. કહે છે કે છોકરીઓએ આ માટે લડત આપી હતી અને છેવટે છોકરા-છોકરી વચ્ચેનો ભેદ ભૂંસી નાખવાના હેતુથી સ્કૂલના સંચાલકોએ એમની આ માગણી માન્ય રાખીને બંનેને આ ખાસ પ્રકારના ટ્રાન્સ ડ્રેસિંગની છૂટ આપી છે. આ ફક્ત શોખ પૂરો કરવાની નહિ, પરંતુ પહેરવેશ પસંદ કરવાની આઝાદી વિષે વાત છે. આપણે ત્યાં વિદ્યાર્થીઓની આવી કોઈ માગણી સરકાર દબાવી દે એટલી વાર છે, પછી આપણા બૌદ્ધિકો છોકરાઓને સ્કર્ટ તો શું ચણીયા-ચોળી પહેરવાની પણ આઝાદી અપાવવા સક્રિય થશે જ એની અમને ખાતરી છે. અમને લાગે છે કે ન્યુઝીલેન્ડની સ્કૂલના વિદ્યાર્થીઓએ દિલ્હીની જે.એન.યુ.ના વિદ્યાર્થીઓનો ટેકો માંગ્યો હોત તો એ લોકો એ ખુશી ખુશી આપ્યો હોત. એટલું જ નહિ પણ એના માટે યુનીવર્સીટીમાં પોસ્ટરો લગાડીને ત્યાંના પ્રૌઢ વિદ્યાર્થીઓએ સરઘસો પણ કાઢ્યા હોત. કંઈ નહિ તો છેવટે ‘હમ શરમિંદા હૈ ...’ જેવા સુત્રો તો ચોક્કસ પોકાર્યા હોત. કારણ કે કોઈ કલ્પનામાં પણ વિચારી ન શકે એ પ્રકારની આઝાદીઓ માંગવાની અને એ માટે ઉગ્ર લડતો ચલાવવાની ત્યાં પરંપરા છે. આપણા ઘણા બૌધિકો એમની ક્રાંતિકારી વિચારસરણીના પ્રશંસક છે. અને આપણે ત્યાં વાંદરાને દારૂ પાવાની પણ આઝાદી છે. થોડા સમય પહેલા ‘એ.આઈ.બી. નોકઆઉટ’ નામનો કાર્યક્રમ થયો હતો જેમાં કરણ જોહર જેવા ફિલ્મમેકર અને રણવીરસિંહ તથા અર્જુન કપૂર જેવા સ્ટાર્સે ઉઘાડી ગાળોથી ભરપૂર ‘મનોરંજન’ પીરસ્યું હતું, જેમાં કરણ જોહર અને આલિયા ભટ્ટની મમ્મીઓ ઉપરાંત ખુદ આલિયા, દીપિકા અને સોનાક્ષીએ પ્રોત્સાહક હાજરી પણ આપી હતી! એ વખતે પણ કેટલાક બૌદ્ધિકો ‘વિદેશમાં તો આવું બધું સામાન્ય છે’ એવી દલીલ સાથે બહાર આવ્યા હતા. Some mothers do ‘ave ‘em! આ હાહાહા ... મેરા દેશ બદલ રહા હૈ. એ પહેલા સમલૈંગિકો વચ્ચેના લગ્નને માન્યતા આપતા અમેરિકાની સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટને બિરદાવવા માટે આપણા દેશના આ પ્રકારના લગ્નોના હિમાયતીઓએ જશ્ન મનાવ્યો હતો! અને જે રીતે જેએનયુ વાળી ઘટના પછી આપણા અમુક ‘હેર-બ્રેઈન્ડ’ ન્યુઝ એન્કરોએ આવી વંધ્યાદુહિતૃ પ્રકારની આઝાદીના સમર્થનમાં ટીવી ડીબેટ ચલાવી હતી એ જોતાં ભવિષ્યમાં ન્યુઝીલેન્ડની સ્કૂલ જેવા જેવા મનોરંજક દ્રશ્યો આપણને ઘેર બેઠા જોવા મળે તો નવાઈ નહિ. એક દિવસ તમારી સામે તમારો જ કુળદીપક મીની સ્કર્ટ, બે ચોટલા અને હોઠ પર લીપ્સ્ટીક લગાવીને ‘હેય ડે....ડ ... આમ લૂકિંગ કૂલ ... એંહ ...’! કરતો ઉભો રહે તો નવાઈ ન પામતા.

બદલાતા સમય સાથે આપણા ડ્રેસિંગમાં આમૂલ પરિવર્તન જોવા મળે તો નવાઈ ન પામતા. ડેસ્ટીનેશન વેડિંગના કન્સેપ્ટ હેઠળ બીચ પર લગ્નો થાય અને અણવર એન્ડ બોય્ઝો બીકીની પહેરીને બેસે, અને કન્યા પક્ષે બેનપણીઓ ઉર્ફે ગર્લ્ઝો કેડિયા-ફાળિયા પહેરીને ચોરીમાં હાકોટા-પડકારા કરતી જોવા મળી શકે છે. વરરાજા પાનેતરમાં અને કન્યા સુટ-બુટમાં હોય. કોલેજ કન્યાઓ તો જીન્સ ટી-શર્ટ તો વરસોથી પહેરે જ છે, પણ છોકરાઓ પંજાબી, લેગીન્ગ્સ અને કુર્તી, કે પછી રજનીશજીના અનુયાયીઓ પહેરતા એવા ગાઉન રોજીંદા પહેરતા થાય તે હજુ જોવાનું બાકી છે. અમુક સ્ટોર્સના ડિસ્પ્લે જોઈ ઘરમાં પહેરવાના તથા આંતરવસ્ત્રોમાં તો આપણે અમેરિકા સાથે સ્પર્ધા કરી શકીએ એવું જણાય છે, પરંતુ લુંગીમાં વર્ટીકલ અને હોરિઝોન્ટલ ઓપનીંગ હજુ આવવાના બાકી છે, અફકોર્સ સાથળથી નીચેના ભાગમાં. બસ, સરકાર આ પ્રકારની કોઈ હિલચાલનો વિરોધ કરે એટલી જ વાર છે, બાકીનું આપણા વિચક્ષણ બૌધિકો સંભાળી લેશે!

આપણે ત્યાં આવી ચિત્ર-વિચિત્ર માંગણીઓ થતી આવી છે પરંતુ અત્યાર સુધી એને હસી કાઢવામાં આવતી હતી. પણ હવે એને આઝાદી નામના વાઘા પહેરાવીને મેદાનમાં ઉતારવામાં આવે છે. આ બધામાં નવાઈ સ્ત્રીઓની ચિત્ર-વિચિત્ર ફેશનની નથી, નવાઈ પુરુષો મેદાનમાં આવી ગયા એની છે. એટલે જ આવનારા દિવસોમાં આપણા દેશમાં ક્રાંતિ થાય તેવું અમને દેખાય છે. જોકે હાલ આ ક્રાંતિમાં જોડાવવાની અમારી લેશમાત્ર ઈચ્છા નથી. તમારે જોડાવું હોય તો જાવ પહેલા સ્કર્ટ ખરીદી લાવો જાવ, ગુલાબી કલરનું!

મસ્કા ફન

ઘણીવાર ભૂંગળીના બંને છેડે ગધેડા હોય છે!