Monday, August 29, 2011

ટોપી પાછળ ટીકા

| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત, વાતની વાત | અધીર અમદાવાદી | ૨૮-૦૮-૨૦૧૧ |
અમદાવાદમાં આજ કાલ હેલ્મેટ બોલે તો ટોપાઓનું અને દેશભરમાં ટોપીઓનું માર્કેટ ખુલ્યું છે. હેલ્મેટ પહેરવાના નિયમના ચુસ્ત અમલની અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ફક્ત જાહેરાત થઇ તેનાથી ડરનાં માર્યા લોકોએ હેલ્મેટ ઉર્ફે ટોપો ખરીદવા ધસારો કર્યો છે. તો બીજી તરફ અણ્ણા હઝારેનાં જન લોકપાલ બિલ સંબંધિત આંદોલને જોર પકડતા અણ્ણા પહેરે છે તેવી ટોપીની ડિમાંડ વધી ગઈ છે. આ અણ્ણા પહેરે છે તે ટોપીને ગાંધી ટોપી કહે છે, પણ ગાંધીજી પોતે આવી ટોપી પહેરતા હતાં કે કેમ? એ લાખ રૂપિયાનો સવાલ છે. ના, કેબીસીમાં પૂછાયેલો હોય એવો લાખ રૂપિયાનો આ સવાલ નથી. અમે તો ગાંધીજીને ખાલી ફોટામાં જોયા છે. મોરારજી દેસાઈ, જવાહર લાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીનાં ટોપી પહેરેલા ફોટા પણ અમે જોયા છે, પણ ગાંધીજીનો આવી અણ્ણા ટાઈપ ટોપી પહેરેલો એક પણ ફોટો જોયો નથી ! તમે જોયો છે ?

એક જમાનામાં ગાંધી ટોપી સન્માનનીય હતી, અને એ ટોપી ગાંધીવાદી હોવાનું પ્રતિક ની ગઈ હતી. ટોપી પહેરતો હોય એ ગાંધી ચીંધ્યા માર્ગે ચાલે છે એમ મનાતું હતું. પછી કદાચ દરેક શહેરમાં ગાંધી રોડ બન્યા હોય એ કારણે કે ગમે તે અન્ય કારણે આ ગાંધી ટોપી ભુલાતી ગઈ. મોરારજીભાઈ દેસાઈ પછી છેલ્લા ત્રણ દાયકામાં કોઈ વડાપ્રધાને ગાંધી ટોપી પહેરી નથી. ભૂતપૂર્વ વડાપ્રધાન વી.પી. સિંઘ ટોપી પહેરતા પણ એ ટોપીમાં પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હોઈ એ ટોપી એમણે છોડવી પડી હતી. અને આટલા વર્ષો પછી અણ્ણા હઝારે ગાંધી ટોપીને પાછી ચલણમાં લાવ્યા છે. ઈશ્કીયા ફિલ્મમાં ગાળો બોલનાર અભિનેત્રી વિદ્યા બાલનથી લઈને આમ જનતા સુધીનાં આઈ એમ અણ્ણા લખેલી ટોપી હવે ગર્વથી પહેરે છે. પણ ટોપીથી જે લોકોનો ગાંધી ચીંધ્યા માર્ગે ચાલતા હોવાનો ઈજારો હતો એ લોકો નારાજ થઇ ગયા છે, અને અણ્ણા ની ટોપી પાછળ ટીકા કરવા લાગ્યા છે!  

પહેલાના સમયમાં તો ટોપી પહેરે તે ગાંધીજીનો અનુયાયી ગણાતો હતો એટલે ખાદીની ટોપીઓનું માર્કેટ ગરમ હતું. હવે તો ગરીબોનું કલ્યાણ કરનાર મોટા મોટા નેતાઓ ડીઝાઈનર કપડાં પહેરી ફરે છે, એટલે આજકાલ એવાં કપડાં ફેશનમાં છે. સદાબહાર ફિલ્મ અભિનેતા દેવ આનંદ પણ જાતજાતની ફેશનેબલ ટોપી પહેરવા માટે જાણીતા હતાં. દેવ આનંદની ફંટુશ ફિલ્મ માટે સંગીતકાર આર. ડી. બર્મને માત્ર નવ વરસની ઉંમરે મેરી ટોપી પલટ કે ગીત કમ્પોઝ કરી ટોપી એ માત્ર વસ્તુ નહિ પરંતુ એમાં પણ જીવ છે એવી કલ્પના કરી હતી. અને ત્રિદેવ ફિલ્મમાં તીરછી ટોપી વાલે ગીત દ્વારા ટોપી ભૂલમાં વાંકી પહેરાઈ જાય તો પણ એને સ્ટાઈલમાં ખપાવી દેવાનો ઉચ્ચ પ્રયાસ પણ થયો હતો.

પણ ફેશન સિવાય પણ આ ટોપી ઘણી ઉપયોગી છે. અમે જોયું છે કે કૂકડાની લડાઈમાં હારેલા કૂકડાના પીંછા જેવા વાળ ગોઠવવા અમુક ટાલીયા લોકો કાંસકો સાથે લઇ ફરે છે. આવા લોકો ટાલ છુપાવવા માટે ટોપીનો ઉપયોગ કરી શકે છે. ટોપી પહેરનારનો વાળને કલપ કરવાનો ખર્ચો બચી જાય છે. જો ઘરમાં ટોપી પહેરો તો પત્નીના હાથમાં ખેંચવા માટે પહેલા ટોપી આવે છે, વાળ નહિ. ટોપી પહેરીને ઝાડ નીચે પર બેઠેલાં પક્ષીઓની ચિંતા કર્યા વગર ઉભું રહેવાય છે. અને જો યુપીએના નેતાઓ ટોપી પહેરતા હોત તો બી.કે. હઝારેને જેલમાં નાખ્યાં પછી ઊભા થયેલા લોકજુવાળથી એમનાં માથાના વાળ જે અધ્ધર થઇ ગયા છે, કમસેકમ દેખાત તો નહિ !

આ ટોપી કાળક્રમે આઉટ ઓફ ફેશન થઇ ગઈ હતી. અને પછી કોઈને ઉલ્લુ બનાવવાનાં કાર્ય માટે ટોપી આપવી જેવો શબ્દ પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. અને જે ટોપી આપે તેને ટોપીબાજના બિરુદથી નવાજવામાં આવવા લાગ્યો. ઇલેક્શન આવે એટલે નેતાઓ પોતાની જાદુઈ હેટમાંથી અનેક વાયદાઓ કાઢી આપે છે બદલામાં પ્રજા નેતાઓને મત આપે છે. આ વાયદાઓ પુરો કરવાનો સમય આવે એટલે નેતાઓ, કે જે હવે મંત્રી બની ગયા હોય છે તે, પ્રજાને ટોપી આપે છે. પ્રજા ટોપી મળવાથી ગુસ્સે થાય છે. પર અબ પછતાયે ક્યા કરે જબ વોટિંગ મશીન મેં પડ ગયા વોટ!

અમે નાના હતાં ત્યારે ઘણી વખત ટોપીવાળા અને વાંદરાંની વાર્તા વાંચી હતી. તમે પણ વાંચી હશે, તો પણ ફરી વાંચો. આળસુ ટોપીવાળો રોજની ટેવ મુજબ ભર બપોરે ઝાડ નીચે સુતો હોય છે. આ ઝાડ પર બહુ ખેપાની વાંદરાં બેઠા હોય છે. મોકો જોઈ આ વાંદરાં પોટલાંમાંથી ટોપીઓ ઉડાવી ઝાડ પર ટોપી પહેરીને  બેસી જાય છે. ટોપીવાળો જાગીને જુએ છે તો ટોપીઓ દિસે નહિ, એટલે છેવટે સીબીઆઈ કે મીડિયાની મદદ વગર એ શોધી કાઢે છે કે આ તો નાલાયક વાંદરાઓનું કારસ્તાન છે. પછી ટોપીવાળો શું યુક્તિ કરે છે અને ટોપીઓ કેવી રીતે પાછી મેળવે છે તે ઘણું રસપ્રદ છે. આ વાર્તામાં ઊંઘતો ટોપીવાળો એ તો આપણે એટલે કે પ્રજા છીએ, ટોપી એટલે આપણી મહેનતનાં કમાયેલા રૂપિયા છે, ઝાડ એ સ્વીસ બેન્ક છે. અને વાંદરાં કોણ છે એ કહેવાની જરૂર તો અમને નથી લાગતી. પણ અંતે ખાધું પીધું અને રા કીધું જેવી સુખદ અંતવાળી આ વાર્તામાં ટોપીવાળાને ટોપીઓ પાછી મળશે કે કેમ એ અબજો રૂપિયાનો સવાલ છે!

Sunday, August 28, 2011

ચુંબન સંહિતા


| અભિયાન  | હાસ્યમેવ જયતે | અધીર અમદાવાદી | ૨૦-૦૮-૨૦૧૧ |

એક રમૂજ આજ કાલ બહુ ચાલે છે. એક વાર ટ્રેઈનનાં ટુ-ટાયર એસી કૉમ્પાર્ટમેન્ટ મિકા સિંઘ, બાબા રામદેવ, રાખી સાવંત અને એક ડોશી એમ આ ચાર જણા સાથે મુસાફરી કરતાં હતાં. એવામાં ટ્રેઈન એક ટનલમાંથી પસાર થઇ ને ડબ્બામાં અંધારું થયું. અંધારાનો લાભ લઇ બાબા રામદેવે મોઢેથી ચુંબન જેવો અવા કર્યો, અને મિકાને એમણે ખેંચીને એક લાફો ઠોકી દીધો. હવે ટ્રેઈન ટનલમાંથી બહાર નીકળી ત્યારે બધાં વિચારમાં પડી ગયા. ડોશી વિચારે કે આ રાખી ઘણી સ્વમાની સ્ત્રી કહેવાય કે મિકાએ ચુંબન કર્યું ને રાખીએ ઝાપટ મારી દીધી. રાખી વિચારે કે મિકાએ ભૂલથી ડોશીને ચુંબન કરી દીધું એમાં એને ઝાપટ પડી, લાગનો છે. અને દુઃખી બિચારો મિકો વિચારે કે આ બાબો મઝા કરી ગયોને હાળી ઝાપટ આપડ ને પડી! જો કે આ ઘટના પછી ફરી એકવાર મિકા અને રાખી એક પાર્ટીમાં મળી ગયાં હતાં, અને મિકાએ ટ્રેઈન વાળી ઘટનાનો બદલો કઈ રીતે વાળ્યો હતો તે વિષે કહેવાની અમને જરૂર નથી જણાતી!

■■■
પશ્ચિમમાં ચુંબન એટલે બે વત્તા બે એમ ચાર હોઠ થાય તેટલી સરળ વાત છે. પણ અહિ ઘર આંગણે મૂછનું ચલણ વધારે હોવાથી ચુંબનથી નાજુક અને મજબૂત એમ દરેક પ્રકારની સ્ત્રીઓને કદાચ ભાલા ભોંકાતા હશે કે ગમે તે હોય, ચુંબનને જાહેરમાં અથવા તો જાહેરમાં ચુંબનને, કે બંને ને, હજી પણ ઘૃણાની દ્ગષ્ટિએ જોવામાં આવે છે, અને ખુબ આનાકાની સાથે કરવામાં આવે છે. વર્ષો સુધી તો હિન્દી ફિલ્મોમાં હીરો-હિરોઈનનાં હોઠ એકાદ ફૂટ જેટલા નજીક પહોંચે એટલે ચુંબનનાં દ્રશ્યને બદલે ફૂલ પર ભમરો બેસતો હોય તેવું દ્રશ્ય આવી જતું. અને એ પછીના સીનમાં હીરોને ખુશખુશાલ મુદ્રામાં અને સ્ત્રીને ભાગતી બતાવતા. આ ઘણું સૂચક છે. આમાં ભમરાને તો રસ મળતો હશે એ નક્કી, પણ ફૂલને કેવું ફિલ થતુ હશે તે કોઈ મુછાળાની કિસ પછી ભાગતી સ્ત્રીને ઊભી રાખીને પૂછો તો ખબર પડે! જોકે આજકાલ હિન્દી ફિલ્મોમાં મૂછધારી હીરો સાથે કિસિંગ સીન તો કમલ હાસન (હે રામ) જેવા અપવાદ બાદ કરો તો ગણતરીનાં જોવા મળે. બાકી શશિ (સત્યમ શિવમ સુન્દરમ), વિનોદ ખન્ના (દયાવાન), આમિર (રાજા હિન્દુસ્તાની), માધવન (ગુરુ), હ્રીતિક (ધૂમ-), ઈમરાન (અનેક !) જેવા હિન્દી ફિલ્મોના ટોપ ચુંબન દ્રશ્યો ન-મુછીયાઓને ભાગે આવ્યા છે. તો મુછ્ધારીઓ કાલ સવારે સલુનમાં લાઈન લગાવી દો, અથવા તો પછી ફિલ્મ પ્રોડ્યુસર્સ વિરુદ્ધ મોરચો કાઢો!

ભારતના પ્રખ્યાત ઓફ સ્ક્રીન ચુંબનનાં દ્રશ્યોની વાત કરીએ તો પદ્મિની કોલ્હાપુરેનું પ્રિન્સ ચાર્લ્સને, રીચાર્ડ ગેરેનું શિલ્પાને, કરિનાનું શાહિદ કપૂરને અને મિકાનું રાખી સાવંતને ચોડેલું ચુંબન ઘણાં વિખ્યાત થયાં છે. વિદેશમાં તો લગ્ન થાય એટલે ત્યાને ત્યાં વર-કન્યા એક બીજાને ચુંબન આપે છે. જેમ પ્રિન્સ વિલિયમે કેટ ને લગ્ન પછી આપ્યું હતું. આપણા ત્યાં તો લગ્ન પતે એટલે વર-કન્યા જમવા બેસે છે! જેવી જ્યાંની પ્રાયોરીટી. એ બાબતમાં આપણે પ્રેક્ટીકલ કહેવાઈએ. બાકી, આપણા ત્યાં ચુંબન એ ખાનગીમાં આપવા-લેવાની વસ્તુ છે. એટલે ભલે ભારતની માથાદીઠ ચુંબનની એવરે અન્ય વિકસિત દેશોની સરખામણીમાં નીચી ભલે હોય પણ ચુંબનમાં રહેલો રોમાંચ લગીરેય ઓછો નથી હોતો. 

વિદેશમાં તો સૌથી લાબું ચુંબન લેવા અંગેના વિક્રમ રચાય છે. છેલ્લો રેકોર્ડ એક થાઈ કપલના નામે છેતાલીસ કલાક ચોવીસ મિનીટ અને નવ સેકન્ડનો છે. જો કે ભારતમાં જે દિવસે આવી સ્પર્ધા થાય તે દિવસે આવી સ્પર્ધા પોતે એક વિક્રમ બની જશે. જો કે વિક્રમ માટે ચુંબન કરવું એ વ્યક્તિગત રેકોર્ડ માટે રમતા ક્રિકેટર જેવું કંટાળાજનક હોય છે. પાછું કિસ દરમિયાન ખાવા પીવા અને બીજી દૈનિક ક્રિયાઓ કરવાની છૂટ હોય છે, એટલે કિસ ચાલુ હોયને પેલી કોલ્ડ્રીંક પીતી હોય. ક્રિકેટમાં ખેલાડી લાંબી રમતમાં થાકે કે દોડી ન શકે તો રનર રાખે છે, પણ કિસના રેકોર્ડ કરવામાં સબ્સ્ટિટયૂટ ન ચાલે. આની સરખામણીમાં ઓફિસમાં થતાં ચુંબન ૨૦-૨૦ ક્રિકેટ મેચ જેવા તોફાની હોય છે. ટેબલ ટેનિસની રમતની જેમ ચુંબનની ક્યારેક સામસામે આપ લે થતી જોવા મળે છે. (ફિલ્મ વિરાસતમાં અનિલ-તબ્બુનું ગીત યાદ આવે છે?) તો ચુંબન દુરથી ગોળાફેંકની જેમ ફેંકવામાં પણ આવતાં હોય છે, જેને ફ્લાયિંગ કિસ હે છે. અને અમુક ચુંબન એકતરફી હોય છે, એમાં લેનાર બેન સરકારી ઓફિસમાં અરજી સ્વીકારવા બેઠા હોય એમ એમનું ધ્યાન ક્યાંક બીજે ફરતું હોય છે, અને આવનાર અરજી નાખે એટલે યંત્રવત એ થપ્પો મારી દે છે!

છોકરી જો લિપસ્ટિક લગાડતી હોય તો એના ચુંબનમાં સ્વાદ પણ ભળે છે. કપડાં પર લાગેલ લિપસ્ટિકનાં ડાઘા ગુટખાનાં ડાઘા કરતાં આસાનીથી નીકળી જાય છે. પણ છોકરાનાં કપડાં પર જો લિપસ્ટિકના ડાઘા જડે તો ઘરમાં ઘણી હો હા થાય છે, ખાસ કરીને છોકરો પરણેલો હોય તો. એટલે આપણા ત્યાં લિપસ્ટિકની કંપનીઓના શેર ઘણું ખરું નીચે જોવા મળે છે.

ભારતમાં તો ભાગ્યે જાહેરમાં ચુંબન લેવાય છે, મોટે ભાગે તો ચોરીછૂપીથી જ લેવાય. આપણાં ત્યાં વસ્તી એટલી બધી છે કે મુંબઈ જેવા શહેરમાં ચુંબન માટે બહાર તો ઠીક, ઘરમાં પણ પ્રાઈવસી મળે નહિ. અમદાવાદની વાત અને જાત અનુભવ કહું તો જાહેર સ્થળોએ માણસ ન હોય તો કૂતરા કે ગાય તો અવશ્ય હોય પછી નિરાંતે ચુંબન ક્યાંથી લેવાય ? ગાય-કૂતરાથી પ્રાઈવસી ભંગ થાય, એટલે એ જોવે એ કારણે  નહિ, પણ છોકરીઓ બિચારી ડરી ન જાય? હવે વિચારો કે કૂતરું આજુબાજુ આંટા મારતું હોય કે ગાય તમારી બાઈક નીચે પડેલા કાગળ કે મકાઈનું છોતરું ખાવા માથું નીચું કરે અને તમે બાઈક પર સાંકડ-માંકડ આગળ પાછળ ગોઠવાયેલા હોવ, રસ્તે જતાં આવતાં બાઈક ધારીઓ વાંકા-ચુકા ચલાવીને હેડ લાઈટ જાણી જોઈને તમારી તરફ નાખતા હોય, ત્યારે હોઠ ચુંબન લેવા જાય ત્યાં પેલી ઉછળે ને ? અને હોઠને બદલે આંખ કે વાળ મ્હોમાં આવે!

આ ગાય કૂતરા ઉપરાંત જાહેર સ્થળોની બીજી અનેક બબાલ હોય છે. એક તો માખીઓ આપણે ત્યાં સર્વત્ર હોય છે, જે તમારું ધ્યાન વિચલિત કરી દે. એટલે કલાક આડી અવળી વાતો કર્યા પછી પેલી માંડ માંડ તૈયાર થઇ હોય ત્યાં ફરીથી આખી સિસ્ટમ રીસ્ટાર્ટ કરવી પડે! અમદાવાદમાં તો અટીરા જેવી એકાંત વાળી જાહેર જગ્યાએ બાઈક પર બેઠા હોવ તો પાછો પેલો બેલ્ટ કે ઘડિયાળ વેચવાવાળો વચ્ચે આંટો મારી જાય, અને માખીની જેમ તમને એ જલ્દી છોડે નહિ. આ ઉપરાંત એકાંત જગામાં મળતાં પ્રેમીઓને નકલી પોલીસ પણ નડે છે. નડે નહિ, પાછું તોડ પણ કરે. આ બધી મુસીબતમાંથી  પાર ઉતરો ત્યારે ચુંબનનો વારો આવે, ત્યાં સુધીમાં બહેનને મમ્મીને કીધેલ સમયે પાછાં પહોંચી જવાની ઉતાવળ થઇ આવી હોય અને એકંદરે ભાઈના મૂડનું મોસાળ પક્ષ એક થઇ ગયું હોય!  

આટલું ઓછું હોય તેમ, ચુંબન પછી અમુક છોકરીઓને ચક્કર આવી જાય. ભારતમાં જો કોઈ સ્ત્રી એમ કહે કે ચુંબન કરવાથી મને ચક્કર આવે છે, તો એની વાત હસી કાઢવી નહિ. ગુટખા અને તમાકુ ચાવવાના શોખીન ઘણાં પુરુષોએ એટલે ચુંબન માટે ક્યાં તો જબરજસ્તી કરવી પડે છે ક્યાં તો ચુંબન વગર ચલાવવું પડે છે. કામસૂત્રના દેશ ભારતમાં દાંત સાફ રાખવાએ પણ ચુંબનની જેમ પ્રાથમિકતામાં નથી આવતું. ચુંબન એ પ્રેમનું પ્રવેશદ્વાર કહેવાય છે, પણ આપણી પ્રજા તો પ્રવેશદ્વાર સિવાય શોર્ટ કટ વાપરી ઘુસવામાં વધારે કાબેલિયત ધરાવે છે. 

ડેટનો જ્યાં મહિમા છે તેવાં દેશોમાં ચુંબન કરવા અંગે અને ચુંબનમાં શું ન કરવું તે અંગે માર્ગદર્શક લેખો લખાયા છે. ભારતમાં અને ગુજરાતમાં ઘણાં નીવડેલા લેખકો ચોકઠાં એજમાં પહોંચી ગયાં હોવાથી આ અંગે દેશી સાહિત્યનો અભાવ વર્તાય છે. અને આ વિષય પર લખવા યુવાન લેખકો તત્પર હોય છે, પણ એમને જેટલો ચુંબનનો અનુભવ હોય છે, એટલો લખવાનો હોતો નથી માટે એ પાછાં પડે છે.

પણ છતાં થોડી ટીપ્સ અમે અહિ આપી દઈએ છીએ. ચુંબન કરનારે એ ધ્યાન રાખવાનું હોય છે કે ચુંબનની ક્રિયામાં નાકથી નાકનું હેડ-ઓન કોલીઝન(ટકરાવ) નથી કરવાનું હોતું (એસ્કિમોમાં જોકે એ માન્ય છે!), તેવી રીતે ચુંબન કરતી વખતે રણ મેદાનમાં યોદ્ધાઓ તલવારોનો ટકરાવ કરે તે રીતે દાંત અથડાવવાનાં નથી હોતા. લસણ કે ડુંગળી ખાધા પછી ચુંબન કરવાનો શાસ્ત્રમાં બાધ છે, જોકે બંને જણે એ ખાધું હોય તો એમાં છુટછાટને અવકાશ છે. આવા કિસ્સામાં ચુંબન પછી મને મુકીને તેં ભાજીપાઉં ખાધી છે ને લુચ્ચા? જેવા છણકા પણ છોકરી કરી કે. મોટે ભાગે સાંજ કે રાતના અંધારામાં થતાં ચુંબનમાં ઘડિયાળમાં બાર વાગ્યા હોય એ સ્થિતિમાં બે જણનાં ચહેરા હોય તો સારી રીતે ચુંબન થઇ શકતું નથી. કદાચ નાનો કાંટો બાર પર અને મોટો કાંટો બે પર હોય એ ચુંબન અંગેની આદર્શ સ્થિતિ કહી શકાય. જો કે બારને દસ વાગ્યા હોય એ સ્થિતિમાં જો સગા-વ્હાલા, મા-બાપ કે છોકરીનો ભાઈ જોઈ જાય તો પછી સાચેસાચ બાર વાગી જવાની ભરપુર શક્યતા રહેલી હોય છે.  

વિદેશમાં ચુંબન સહ છે. ત્યાં કોલેજમાં, રોડ પર, કે રેસ્ટોરાંમાં ચુંબન દ્વારા પ્રેમ વ્યક્ત કરી શકાય છે. આપણા ત્યાં જો છોકરો છોકરી હાથ પકડીને જતા હોય તો હજુ પણ જતાં આવતાં લોકો પાછળ વળી વળીને જુવે છે, જાણે કે પોલીસ કોઈ આરોપીને હાથકડી બાંધીને લઇ જતો ના હોય! તો ઘણી છોકરીઓને હજુ પણ કિસ કરવાથી પ્રેગ્નન્ટ થઇ જશે તેવો ભય સતાવે છે. એટલે કદાચ ભારતમાં ફ્લાઇંગ કિસ વધારે વપરાય છે. પણ આ ફ્લાઇંગ કિસ એ ચૂંટણીના મેનિફેસ્ટો જેવી હોય છે, જે જોવામાં આનંદ આપે છે પણ હાથમાં કે મ્હોમાં કશું આવતું નથી!