Thursday, July 27, 2017

"વિટામીન શી"માં વિટામીન સી એટલે કે કોમેડી ભારોભાર છે !

વિટામીન શીનો પ્રીમિયર ૨૬/૦૭ બુધવારના રોજ અમદાવાદ સિનેપોલીસ ખાતે થઈ ગયો.

વિટામીન સી સામાન્ય રીતે ખાટું હોય છે જયારે સૌના વ્હાલા આરજે ધ્વનિતની વિટામીન શી ફિલ્મ ખટમીઠી છે. ફિલ્મ એક ઇન્સ્યોરન્સ વેચવા મથતા સીધાસાદા જીગરની છે જેના જીગરજાન મિત્રો એને વિટામીન શીની કમી છે એમ કહી ભેખડે ભેરવે છે. અહીં ભક્તિ ઉર્ફે શ્રુતિની એન્ટ્રી થાય છે જે એના પાત્ર અનુસાર થોડીક સીરીયસ છે (એની સીરીયસતા ડ્રેસિંગમાં પણ દેખાય છે!), પરંતુ વાસ્તવમાં પ્રીમિયર દરમિયાન ‘છોકરી’ ગીત (https://youtu.be/oGKawaXm6C4) વખતે એ ઠુમકા મારવા લાગે, એટલું એ ગીત મઝાનું છે અને ‘છોકરી’ પણ એટલી રમતિયાળ છે! અને પછી તો માછલીઓ ઉડે અને પતંગીયાઓ તરે (https://youtu.be/LaIBoiuXbwI) એવું બધું થવા લાગે છે. તે થાય જ ને ભાઈ, રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે !

ફિલ્મમાં વિટામીન ઈ ભરપુર છે, ઈ ફોર એન્ટરટેઈનીંગ. વિટામીન શી કરતા સી ફોર કોમેડીમાં જોર છે અને ઓડીયન્સનો ભરપુર રિસ્પોન્સ મળે છે, ફિલ્મમાં વિટામીન જી- જી ફોર ગીતો રઈશ મનીઆરના મનને ગમી જાય તેવા છે. ફિલ્મમાં વિટામીન એમ મઝાનું છે, એમ ફોર મ્યુઝીક એ એમ ફોર મેહુલ સુરતીએ આપ્યું છે અને સુપર કુલ છે; ટાઈટલ રૅપ સોંગ ફન્ની છે તો છોકરી ગીત નાચવાનું મન થઈ જાય એવું છે કોરીઓગ્રાફી પણ ધમાલ છે, જયારે પ્રેમની મસ્તી ભીની મોસમમાં ભીના કરે તેવું અને મને જે સૌથી વધુ ગમ્યું તે પ્રેમનો અહેસાસ એકદમ ટચ્ચ કરી જાય એવું છે. ફિલ્મમાં આશિષ કક્કડ સોલીડ વિટામીન પી ફોર પરફોર્મન્સ આપે છે જયારે મિત્ર વિપુલ ઠક્કર પણ સરપ્રાઈઝ આપે છે! ફિલ્મમાં વિટામીન એલ ફોર લોકેશન્સ ઠીક છે, વિટામીન સી ફોર કેમેરા અને વિટામીન ઈ ફોર એડીટીંગ હજુ સારું થઈ શકત. પણ વિટામીન શીમાં ડી ફોર ડાયલોગ્સમાં કોમેડીના ભારોભાર ચમકારા છે. પણ વિટામીન શીમાં વિટામીન એસ બોલે તો સ્ટોરી ક્યાં છે ધ્વનિતભાઈ? છે? યાર ટેસ્ટ કરાવો તો કદાચ સ્ટોરીના ટ્રેસ ડિટેકટ થાય !
કેટલા મિર્ચી ? અરે ધ્વનિતના ફેન્સ માટે ૪/૫, મસ્ટ સી, જોવાય અને જેમ અમે ભરપુર વરસાદમાં જોઈ આવ્યા એમ તમે પણ જોઈ જ આવજો. અને ધારો કે હું ના કહું તો આંટીઓ અને ગર્લ્સો ક્યાં રોકાવાની છે યાર! બાકી ગુજરાતી ફિલ્મ વિટામીન શીને આપણા તરફથી ૩.૨૫/૫, ધ્વનિતભાઈ તમે પણ એમ બે-બે રેટિંગ આપો જ છો ને?

Wednesday, July 26, 2017

પાણી ઉર્ફે ભેજ ઉર્ફે હવાઈ જવાની ઘટના ઉર્ફે સુરસુરિયું


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૬-૦૭-૨૦૧૭

દેશમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ખેડૂતો અતિવૃષ્ટિની ચિંતામાં છે. એન્જીનીયરો પોતે બનાવેલા સ્ટ્રક્ચર કઈ ભૂલને કારણે હજુ ઊભા છે તે અંગે દ્વિધામાં છે. વિધાર્થીઓ સાંબેલાધાર વરસાદ છતાં કોલેજમાં રજા ન પડવાને લીધે દુ:ખી છે. પણ આ બધામાં સૌથી મોટી સળગતી એટલે કે હવાયેલી સમસ્યા છે નાસ્તા હવાઈ જવાની. આ સમસ્યા એવી છે કે મમ્મીએ પ્રેમથી બનાવેલા પૌંવાના ચેવડાનો ફાકડો મારો તો મોમાં થર્મોકોલના દાણા ચાવતા હોવ એવી ફીલિંગ આવે અને પછી ચહેરા ઉપર હવાઈઓ ઉડવા લાગે. કવિઓ કહે છે તેમ આવો ભેજ આંખોમાં હોય ત્યાં સુધી બરોબર, પણ રાત્રે સુતી વખતે ખબર પડે કે એકના એક લેંઘામાં ભેજ રહી ગયો છે; અને એ ભેજ લેંઘો પહેરી શરીરની ગરમીથી સૂકવવાની કોઈ સલાહ આપે, ત્યારે સાલું લાગી આવે!
Source: Zee 24X7
કવિઓ ભલે આંખોના ભેજની વાત કરતા હોય છે. પરંતુ આંખના ડોક્ટર્સ એમ કહે છે કે કોમ્પ્યુટર કે મોબાઈલ સામે સતત તાકી રહેવાથી ડ્રાય આઈઝની તકલીફ થાય છે. હવે ધારો કે કોઈ પ્રેમીજન પોતાના પ્રિયપાત્રના સંદેશાની પ્રતીક્ષામાં સતત મોબાઈલ-કોમ્યુટર સામે ચોંટી રહે અને એમ થવાથી એને ડ્રાય આઈઝની તકલીફ થાય. પરંતુ અંતે પ્રિયપાત્રનો હકારાત્મક અથવા કોઈ પણ પ્રકારનો સંદેશ ન આવતા આંખમાં ભેજ વળે તો એ અગાઉ ઉભી થયેલ સુકી આંખની સમસ્યાનો ઉકેલ બની જાય છે. આમ વિરહ અને રીજેકશન ભેજના કારક ગણી શકાય જે આંખના ડોકટરોનો ધંધો બગાડે છે!

કોઈ પણ પદાર્થમાં રહેલા પાણીની માત્રા કરતાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે વાતાવરણનો ભેજ વસ્તુમાં પ્રવેશે છે. આને હવા લાગી જવાની ઘટના પણ કહે છે. છિદ્રાળુ પદાર્થ આ રીતે ભેજ શોષી લે એનાથી પદાર્થના આકાર, ઘાટ કે સ્વરૂપમાં બદલાવ આવે છે. ભેજ લાગવાથી કઠણ વસ્તુ નરમ પડે છે. દાખલા તરીકે શેકેલો પાપડ. તાજો શેકેલો પાપડ સ્વભાવથી એક શૂરવીર સમાન હોય છે જે તૂટી જાય છે પણ વળતો નથી. પણ, એ જ પાપડ હવાઈ જાય પછી એનો ગર્વ ચૂરચૂર થઇ જાય છે અને એ પોતે શરદીના પેશન્ટના રૂમાલ જેવો લફડફફડ થઇ જાય છે. આમ તો તાજા હવાયેલા પાપડના ટેસ્ટમાં હવાઈ જવાથી કોઈ ફેર નથી પડતો, છતાં, આવો પાપડ ત્યજ્ય બની જાય છે. ખાસ કરીને હોટલમાં રૂપિયા ખર્ચીને જમવા જઈએ ત્યારે. ઘરના હવાયેલા પાપડ બહુધા ખવાઈ જાય છે. આવી જ રીતે ચામાં ઝબોળેલું બિસ્કીટ, ચટણીમાં બોળેલો ફાફડો, ચોમાસું ચાખ્યું હોય એવો ફટાકડો અને પત્નીની ઉલટતપાસ પછી પતિ ઢીલા થઈ જાય છે.

હવાઈ જવામાં બહારના ભેજ વડે અંદરથી ભીના થવાની વાત આવે છે. કાર્યક્રમ સંચાલકોને દરેક કાર્યક્રમ અંદરથી ભીનો કરતો હોય છે. એટલું સારું છે કે આપણને મળતા ભાવભીના આમંત્રણથી કે કાર્યક્રમની શરૂઆતમાં જે ભાવભીનું સ્વાગત થાય છે તેનાથી કદી હવાઇ જવાતું નથી. એવી જ રીતે વરરાજાને પોંખવાની વિધિ વખતે ગોર મહારાજ જાનૈયા અને વરરાજા પર પાણી ઉડાડતા હોવા છતાં એ હવાઇ જતા નથી. જોકે પરણ્યા પછી કડકમાં કડક વરરાજા હવાઈ જતા હોય છે એ જુદી વાત છે.

હવાઈ જવાની ઘટનાને પાણીથી લાગતા ભેજ અને ભીનાશ સાથે સીધો સંબંધ છે. એન્જીન ઓઈલ, હાંડવા-ઢોકળા ઉપર નાખતા તેલ કે માથામાં નાખવાના તેલના ભેજ વિષે કોઈ દિવસ સાંભળ્યું નથી. એને કોઈ સુંઘતું પણ નથી. કોઈ સદ્યસ્નાતા સૌમ્યા કે સલોનીના વાળની ભીનાશ ઉપર કવિઓ કવિતા ઘસી શકે પણ મણીકાન્તા બહેને માથામાં કરેલી તેલચંપી ઉપર કોઈ કવિએ એક ચોપાઈ પણ લખી હોય એવું અમારી જાણમાં નથી.

હવાઈ જવાની ઘટના ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના નિયમ સિવાય પણ બને છે. વ્યક્તિ કે વસ્તુ અપેક્ષિત કરતાં ઉતરતી કક્ષાની કામગીરી અથવા દેખાવ કરે ત્યારે તેને હવાઈ ગયેલ જાહેર કરવામાં આવે છે. આમાં વાસ્તવિક રીતે ભેજની હાજરી હોવી જરૂરી નથી. દાખલા તરીકે આઈપીએલમાં કરોડોની કિંમતે હરાજી થયેલ ખેલાડી રમે નહીં ત્યારે એ હવાઈ ગયો કહેવાય છે. બોલીવુડના સ્વઘોષિત ‘ભાઈ’ ઉર્ફે સલમાન ખાનની ‘ટ્યુબલાઈટ’ ઇદના મોકા ઉપર રીલીઝ કરી હોવા છતાં બોક્સ ઓફીસ પર હવાઈ ગઈ હતી! ચાલુ મહિનામાં જ ચીનના મહત્વાકાંક્ષી રોકેટ લોંગ માર્ચ-૫નું સુરસુરિયું થઇ ગયું! એમ જ ટીનએજ હાર્ટથ્રોબ ગણાતા રણબીર કપૂરની ‘રોકેટ સિંઘ’ પણ હવાઈ ગઈ હતી. મિસ્ટર ઇન્ડિયાનો દુશ્મન મુગેમ્બો પોતે હવા હવાઈનો આશિક હતો, પણ હવા હવાઈ બનતી શ્રીદેવીને એવી હવા લાગી ગઈ કે ‘ચાંદની’ અને ‘લમ્હે’ સિવાયની પછીની બધી ફિલ્મો હવાઈ ગઈ. છેલ્લે ૨૦૧૨માં ‘ઈંગ્લીશ વિન્ગ્લીશ’ ચાલી પણ પાછી હમણાં આવેલી ‘મોમ’ હવાઈ ગઈ!

તમે હવાઈ ટાપુની ટુર પર જાવ ત્યારે તમે સાચેસાચ હવાઈ ગયા કહેવાવ. રોજીંદી ઘટમાળના ચકરાવે ચઢીને હવાઈ ગયેલો માણસ હવાઈ મુસાફરી કરીને હવાઈ જાય પછી, એટલે કે હવાઈ ટાપુ પર વેકશન ગાળ્યા બાદ, તરોતાજા થઈને પાછો આવે છે. વર્ષો પહેલાં નાની મેશની ડબ્બી જેવડો ‘હવાઈ’ નામનો એક ફટાકડો આવતો હતો. જામનગરમાં હવાઈ ચોક નામની જગ્યા છે જ્યાં સ્વાદિષ્ઠ ઘૂઘરા આપણી નજર સામે જ તળીને ગરમાગરમ સર્વ કરે છે એટલે હવાઈ જવાનો સવાલ જ નહિ! આમ છતાં મનુષ્યની કિસ્મતમાં કંઈનું કંઈ હવાયેલું લખાયેલું જ હોય છે. જરા જુઓ તો તમારા હાથમાં છે એ છાપું તો ક્યાંક વરસાદમાં હવાયેલું નથી ને?

મસ્કા ફન ઘણીવાર ઊંટ પહાડને પણ ઊંટ જ સમજતું હોય છે. પણ એ ઊંટનો પ્રોબ્લેમ છે.

Wednesday, July 19, 2017

આપણે આળસુ નથી જ

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૯-૦૭-૨૦૧૭

એક તાજા સંશોધન મુજબ ભારતીય પ્રજા ખુબ આળસુ છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનીવર્સીટી દ્વારા સ્માર્ટફોન ધારક લોકોના ફોન એપ્લીકેશનમાં રેકોર્ડ થતા ડેટાને આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે. સાત લાખ લોકોના સર્વેમાં ભારતીયો રોજના માત્ર ૪૨૯૭ સ્ટેપ ચાલવા સાથે ૩૯માં ક્રમે આવે છે. અમેરિકન યુનીવર્સીટી, અને એ પણ સ્ટેનફોર્ડમાં કોઈ રીસર્ચ થાય તો એને ચેલેન્જ ન જ કરી શકાય. પરંતુ અમને લાગે છે કે ભારતીયોને આળસુ કહેવાને બદલે સ્માર્ટ ફોન, નેટવર્ક કનેક્શન અને ફોનમાં આવી હેલ્થ એપ ઇન્સ્ટોલ કરી હોય એવા ભારતીયો આળસુ છે એવું કદાચ કહેવું હોય તો હજી કહી શકાય. બાકી આપણે ત્યાં પસ્તીવાળા, શાકની લારીવાળા, ગરીબી રેખાની નીચે જીવનારા, વાહન ન ધરાવનારા, નોકરિયાતો, સ્કુલે જતા વિદ્યાર્થીઓ, માનતા માનનારા અને પદયાત્રા કરનારા આવા કૈંક લોકો ચાલે છે, અને રોજના પાંચ-દસ કિલોમીટર તો રમતરમતમાં ચાલી નાખે છે. આવા લોકોને પૂછ્યા વગર કોઈ જ્હોન, જેમ્સ કે જેક્સન ભ’ઈ રીસર્ચના નામે પરબારું જ ભારતીયોને આળસુ કહી જાય તે કઈ રીતે ચલાવી લેવાય?

અમારા મતે સરેરાશ ભારતીય ખંતીલો અને મહેનતુ છે. અમારા રમેશકાકાનો જ દાખલો લો. એમને સ્કૂટર બહુ વહાલું હતું. સવારે આંગણામાં પડેલા સ્કૂટર ઉપર તડકો આવે કે તરત એને ખસેડીને છાંયડામાં મૂકી આવતા અને બપોર પછી એની ઉપર તડકો આવે એટલે પાછું એને ઢસડીને સવારવાળી જગ્યાએ મૂકી દેતા. આમ ખસેડા-ખસેડીમાં વગર પેટ્રોલે સ્કૂટર એટલું ચાલતું કે એની એવરેજ બીજા કરતા ડબલ આવતી! અને આ તો સ્કૂટરની એવરેજની વાત થઇ, કાકાની એવરેજ કેટલી હશે એ વિચારો! આ જ રમેશકાકા આઠ આના બચાવવા માટે બસમાંથી એક સ્ટેન્ડ વહેલા ઉતરી જતા અને બાકીનું ચાલી નાખતા. બીજું, એમની ઉપર કોઈ પણ ટપાલ આવે એટલે કાકા પહેલા ટપાલ ટીકીટ ઉપર પોસ્ટનો સિક્કો વાગ્યો છે કે નહીં તે ચેક કરે અને ન વાગ્યો હોય તો કવર પાણીમાં બોળી, સાચવી રહીને ટીકીટ ઉખાડે, એને છાપાની વચ્ચે મૂકી અને સૂકવે અને પછી ફરી વાપરે. આવા ઉદ્યમી રમેશકાકા ભારતના લગભગ દરેક ખાનદાનમાં મળી આવશે.

સમસ્યાનો અંત ન આવે ત્યાં સુધી વાતનો તંત ન મુકવાનો ખંત આપણા લોહીમાં છે. દા. ત. રીમોટ કામ કરતુ બંધ થાય ત્યારે સેલ બદલવાનું સહેલું કામ કરવાને બદલે આમ ભારતીય નાગરિક પહેલા તો રીમોટ હથેળીમાં પછાડી ફરી ચાલુ કરી જોશે. શક્ય છે હથેળીમાંથી સંપાત ઉર્જા થકી રીમોટ ચાલુ પણ થઈ જાય! આમ એક દિવસ નીકળી જાય, અને પછી બીજા દિવસે ફરી રીમોટ પોતાની જાત બતાડે એટલે ફરી સેલ બદલવાના સહેલું કામ કરવાને બદલે સેલ બહાર કાઢી એની જગ્યા અદલબદલ કરી જોશે. આમ ને આમ અઠવાડિયું ખેંચી કાઢી સેલ સાવ ડેડ થઈ જાય પછી સેલ બદલવાનું કાર્ય હાથ પર ધરાય છે. આમાં બચત કરતા દેશની સંપત્તિનો ખોટો બગાડ ન થાય એ હેતુ મુખ્ય, પછી ભલે આપણને રીમોટ પછાડવાની અને સેલ અદલબદલ કરવાની મહેનત પડે. ખુબ જ તિક્ષ્ણ હાસ્યવૃત્તિ ધરાવતા મરમી હાસ્યકાર મિત્ર સાઈરામ દવે કહે છે કે આપણે ત્યાં ગેસના બાટલા જો ટૂથપેસ્ટની ટ્યુબ જેવા મટીરીયલના બનતા હોત તો આપણી પ્રજા વેલણથી ગેસના બાટલા ય દબાવી જુએ એવી છે. જે બે દિવસ વધુ ચાલ્યો એ. આ સિવાય ગંજી, જુના વાહન, ટ્યુબલાઈટ, ચંપલ અને મિનરલ વોટરની ખાલી બોટલો જેવી કેટલીય આઈટમો ચલાવવા માટે આપણી પ્રજા જે મહેનત કરે છે તેને રિસર્ચમાં સ્થાન મળવું જોઈએ જેને બદલે આવા સરસર જુઠા ઇલ્જામ લગાવે છે તે ચલાવી ન જ લેવાય. આ પ્રજાને આળસુ કહે તેને બે લાફા ચોડી દેવાની મહેનત પણ કરી જ લેવી જોઈએ, ભલે પછી લોકો એને ‘ઇનટોલરન્સ’ કહે.

આપણા શહેરીજનોને ધંધે લગાડેલા રાખવામાં આપણા અખબાર અને એફ.એમ. રેડિયો ચેનલોનો મોટો ફાળો છે. લગભગ દરેક ઘરમાં સવારની ચા સાથે પહેલું કામ ઘરમાં આવતા અખબારમાંથી ફ્રી ગીફટની કૂપનો કાપીને ફોર્મમાં ચોંટાડવાનું કરે છે. કૂપન કાપ્યા પછી પણ નીચેના પાનાઓમાં પડેલા બાકોરા વાળી જગ્યામાંનું લખાણ પણ લોકો આસાનીથી વાંચી લે છે. સવારે એટલા માટે કે સાંજે છાપું ફરી હાથમાં આવે કે ન પણ આવે. આ દરમિયાન એફ.એમ.રેડિયો પર શ્રોતાઓ માટેની કોન્ટેસ્ટ શરુ થાય એટલે પબ્લિક ફોન, એસ.એમ.એસ. કે વોટ્સેપ મેસેજ કરીને ફિલ્મની કપલ ટીકીટસ કે રેસ્ટોરાંના ગીફ્ટ વાઉચર ‘પાડવા’ની પ્રવૃત્તિમાં લાગી જાય છે. કમનસીબે આ બધા પાછળ જે મહેનત કરવી પડે છે એ કોઈ જોતું જ નથી.

અને ખાલી ચાલવાની વાત હોય તો દેશમાં એવું તો કેટલુય ચાલે છે. આ દેશમાં એકના ડબલ કરવાવાળા ચાલે છે, સોનું પ્રેશરકુકરમાં મૂકી ચમકાવી આપનારા ચાલે છે, ભ્રષ્ટ્રાચાર અને કૌભાંડ કરનારા ચાલે છે, બાબા-બાપુ-સ્વામી-ગુરુ-આચાર્ય સૌ ચાલે છે, ચાઈનાનો માલ ચાલે છે અને જાપાનનો પણ ચાલે છે, સોનું પણ ચાલે છે અને પિત્તળ પણ ચાલે છે, નક્કર પણ ચાલે છે અને નક્કામાં માણસોય ચાલે છે. છેલ્લે આપણા દેશમાં ડીમોનીટાઈઝેશનમાં સગેવગે ન કરાય એવી આપણી વચ્ચે ફરતી કેટલીય નોટોને જરા યાદ કરો; જે ગઈકાલે ચાલતી હતી, આજે ચાલે છે, અને આવતીકાલે પણ ચાલતી રહેશે. આટલું બધું ચાલે છે અને આ ભુરિયાઓ કહે છે કે આપણે ચાલતા નથી! માય ફૂટ ચાલતા નથી!

મસ્કા ફન
વરસાદ પડે એટલે અન્ડરપાસમાં પાણી ભરાઈ જાય છે. મુનીસીટાપલીએ સમજીને અન્ડરપાસ થોડા ઊંચા ના બનાવવા જોઈએ ?

Wednesday, July 12, 2017

એવરીથીંગ ઈઝ ફેર ઇન લવ, વોર, પોલીટીક્સ એન્ડ એડવરટાઈઝમેન્ટ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૨-૦૭-૨૦૧૭

बड़ी बड़ी बातें ...
અવસાન પામીને લીફ્ટમાં યમલોક ભણી જઈ રહેલા લચ્છુરામને યમદૂતે જણાવ્યું કે:

‘ભાઈ આમ તો તમે ધંધામાં ચોરી જ કરી છે, ધાણાજીરુંમાં લાકડાનો વ્હેર અને મરચામાં રંગ ભેળવ્યો છે, પરંતુ તમે રોજ દુકાન સાફ કરીને નીકળેલું અનાજ પક્ષીઓને ખાવા નાખતા હતા એટલે યમરાજાએ તમને સ્વર્ગ કે નર્ક એ બેમાંથી જ્યાં જવું હોય ત્યાં જવાની ચોઈસ આપવાનું કહ્યું છે’

‘એમાં શું ચોઈસ શેઠ. સ્વર્ગમાં જ જવું છે આપણે, હવે તો આપણી પાસે જીએસટી નંબર પણ છે” લચ્છુરામે જવાબ આપ્યો, જાણે જીએસટી એક નંબર નહીં સ્વર્ગની ટીકીટ હોય.

પણ જરા આ ફિલ્મ તો જોઈ લો, સ્વર્ગ અને નર્ક વિષે તમે બહુ જુના પુસ્તકોમાં વાંચ્યું હશે, અત્યારે બધું બદલાઈ ગયું છે.’

‘એમ? તો બતાવો.’

યમદૂતે બટન દબાવ્યું એટલે લીફ્ટનો અરીસો એલઈડી સ્ક્રીનમાં બદલાઈ ગયો અને ત્યાં નરકની ફિલ્મ ચાલુ થઈ. એમાં સુંદર મઝાનો ડિઝાઈનર ગેટ હતો. અંદર સરસ લેન્ડસ્કેપ કરેલું હતું. ક્લબહાઉસ હતું જ્યાં લચ્છુથી મહિના પહેલા પહોંચેલા ભેરૂમલ રૂપાળી સ્ત્રીઓ સાથે બેસીને પત્તા રમતા હતા. જાતજાતની ગાડીઓ વ્યવસ્થિત પાર્ક થયેલી હતી. સિક્યોરીટી ગાર્ડ હતા અને સીસીટીવી કેમેરા લાગેલા હતા. ઘરમાં વીટ્રીફાઈડ ટાઈલ્સ લાગેલા હતા. યમદૂતે ચેનલ ચેન્જ કરી એટલે સ્વર્ગનું દ્રશ્ય આવ્યું. જ્યાં સરકારી એરલાઈન્સની એરહોસ્ટેસ જેવી અપ્સરાઓ પાણીના નળ પર પાણી ભરવા પોતાનો વારો આવે એની રાહ જોતી અંદર અંદર ગપ્પા મારતી અને અટ્ટહાસ્ય કરતી હતી. મકાનો જૂની ડિઝાઈનના હતા અને મુનસીટાપલી ક્વાટર્સની જેમ મરમ્મતના અભાવે તિરાડોવાળા અને ફલોરિંગ બેસી ગયું હોય એવા હતા. ગટરો ઉભરાતી હતી. રોડ પર ભુવા પડેલા હતા અને ‘કામ ચાલુ છે’એવા બોર્ડ મારેલા હતા પણ ખરેખર કામ ચાલુ નહોતું. કામ ચાલુ હતું.

લચ્છુરામ કહે ‘બસ બસ આવા સ્વર્ગમાં ન જવાય, આપણે નર્ક જ સારું’

’ભલે ત્યારે’ યમદૂતે કહ્યું અને નર્ક આવતા દરવાજો ખોલી લચ્છુરામને ઉતારી દીધો. લચ્છુરામે આંખો ચોળી, માખીઓ ઉડાડી, પેન્ટમાં ઘુસી ગયેલા વંદા ખંખેર્યા અને કાદવ કીચડમાં સંભાળીને આગળ વધ્યો. ત્યાં સામે દરવાન બીડી પીતો હતો એને પૂછ્યું કે:

’એલા અંદર લીફ્ટમાં બતાવ્યું હતું એ નર્ક ક્યાંથી જવાય?’

’આ એ જ નર્ક છે, તમે જે લીફ્ટમાં જોઈ એ તો નર્કની એડવરટાઈઝ હતી’.

--

સોળમી સદીના ઈંગ્લીશ લેખક જ્હોન લીલી એ જયારે ‘યુફ્યુઅસ – ધ એનેટોમી ઓફ વિટ’માં ‘ઓલ ઇસ ફેર ઇન લવ એન્ડ વોર’ સૂત્ર આપ્યું ત્યારે એને ખબર નહિ હોય કે આપણી એડ ઇન્ડસસ્ટ્રી એને આટલી ગંભીરતાથી લેશે. અબ તો આલમ યે હૈ કી પોલીટીક્સ, સ્પોર્ટ્સ, ફિલ્મ અને સાહિત્યના ક્ષેત્રમાં પડેલા હર ઐરા ગૈરા નથ્થુ ખૈરા એનો ગેરલાભ લેતા થઇ ગયા છે. ઉપર જણાવ્યુ એ તો માત્ર એક ઉદાહરણ છે બાકી આપણા વિરલાઓએ કંઈ બાકી રાખ્યું નથી.

હમણાં ટીવી પર આવતી ડીશ-વોશિંગ બારની જાહેરાત જોઇને રીતસર અમે ચોંકી ઉઠ્યા. આમ તો ચોંકી ઊઠવાનું અમારા સ્વભાવમાં નથી. કૂતરાઓ ચોકી ઉઠે તો એમના કાન ઊંચા થઈ જાય છે. અત્યારે જે રીતના સમાચારો સોશિયલ મીડિયા અને વોટ્સેપ પર શેર થાય છે એ જોઈ સાંભળીને કાન ઊંચા થઈ જાય તો કાન ઊંચા જ રહે. પણ વાત જાહેરાતની છે. આ ડીશવોશરમાં પહેલેથી લીંબુ તો હતું જ. હવે એમાં ફુદીનો ઉમેરાયો છે! બસ હવે પાણીપુરીનો મસાલો નાખે પછી તો એના ગ્રાહકોમાં ભૈયાઓનો પણ ઉમેરો થાય! જાહેરાતમાં કંઈ પણ શક્ય છે. બાકી લેમન ડ્રીંકમાં લેમન નથી હોતું પણ વોશિંગ પાવડરમાં હોય છે. આમ પણ ફાફડા અને ગાંઠીયામાં ધોવાનો સોડા ખાઈખાઈને આપણા પેટો ધોબીઘાટના પથ્થર જેવા મજબૂત થઇ ગયા છે એટલે ઉનાળામાં સનસ્ટ્રોક લાગે તો પાણીમાં વોશિંગ પાવડરનું સેશે ઘોળીને પી જાવ તો પણ કોઈ તકલીફ ન થાય! ત્યારે શું વળી! અને ફુદીનો સાબુમાં નખાય તો પછી વાસણ ધોવામાં જે પહેલા વપરાતી તે રખિયા, માટી, અને આમલી નો શો વાંક? એય ઠપકારો. પછી ‘જો વતનકી મીટ્ટીસે ધુલે બર્તન મેં ખાયે, વહી સચ્ચા દેશભક્ત કહલાયે...’ એવું કંઈ જોડી કાઢીને સાબુના ભાવે માટી પણ ખપાવી શકાય.

ટીવી જાહેરાતના આલમમાં તો અત્યારે જ્યાં જુઓ ત્યાં ‘પાડો ચઢ્યો પેંપળે ને લબલબ લેંબા ખાય’ જેવો ઘાટ છે. જે બિસ્કીટ માણસો કરતા કૂતરાને વધારે ખવડાવવામાં આવે છે, તે બિસ્કીટ ખાઈને છોકરાં જીનીયસ બને છે એવું આપણને કહેવામાં આવે છે! પૂ. રવિશંકર મહારાજે કહ્યું હતું કે ‘ઘસાઈને ઉજળા બનો’. આની સામે વન પ્રવેશ કરી ગયેલો શાહરૂખ ઉર્ફે અમારો પ્રિય જમરૂખ ઘરડે ઘડપણે આપણને ફેરનેસ ક્રીમ ઘસીને ઉજળા થવાની ફોર્મ્યુલા બતાવે છે! સૈફ પાસે કામ નથી એટલે એ દીવાલો રંગે છે. ઠીક છે એ નવરો બેઠો નખ્ખોદ વાળે એના કરતા ધોળે એ સારું. પણ એ જ જૈફ અલી ખાન પાછો અમુક ગંજી પહેરવાથી તમે ૧૦૦ મીટરની દોડમાં નાચતા કૂદતા પ્રથમ આવી શકો છો એવું ટીવી કોમર્શીયલમાં સમજાવે છે! એક એડમાં ટીનેજર્સનો હાર્ટથ્રોબ ગણાતો રણવીરસિંઘ ને ગંજી પહેરવાથી જાણે બગલમાં એરકંડીશન મુકાવ્યું હોય એવું ફિલ કરે છે ! અમારું તો સૂચન છે કે મિનિસ્ટર સાહેબો અને સરકારી બાબુઓને એસીના બદલે બબ્બે જોડી ગંજી અપાવી દેવા જોઈએ. જે ઈલેક્ટ્રીસીટી બચી એ.

મસ્કા ફન
એકજ સૂરમાં રડનારા વચ્ચે મિત્રતા થવી સ્વાભાવિક છે.
(આ વિધાનને મહાઠગબંધન સાથે કોઈ લેવાદેવા નથી)

--
પ્રતિભાવ આપ્યો ? ક્યારેક તો લખો !

Wednesday, July 05, 2017

પાણી જીવન છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૫-૦૭-૨૦૧૭
 
પાણી જીવન છે એટલે જ આપણે નદીઓને માતાનું સ્વરૂપ આપ્યું છે. જોકે દરિયામાં ખારું પાણી હોવા છતાં એને આપણે ફૂવા, માસા, સસરા, સાળો કે જમાઈ જેવું કોઈ નામ નથી આપ્યું. અનેક સંસ્કૃતિઓ નદીકાંઠે વિકસી હોવાનું સંશોધનોમાંથી બહાર આવ્યું છે. આનાથી એવું ફલિત થાય છે કે આપણા પૂર્વજો આળસુ હતા અને જ્યાં ખાવા-પીવાનું મળે ત્યાં વસી જતા હશે. અત્યારે મંગળ અને બીજા ગ્રહો-ઉપગ્રહો પર જે મિશન જાય છે તે “ત્યાં પાણી છે કે કેમ?” એ પહેલા શોધે છે. ગુજરાતીઓ અને કદાચ અન્ય પર્યટકો ફરવા જાય તો હોટલમાં પહેલા બાથરૂમ ચેક કરે છે. યજ્ઞયાગાદીમાં હાથમાં લઈને અંજલિ આપવામાં વપરાતું હોય કે કોઈને નવડાવી દેવામાં, પાણી વગર ચાલતું નથી. રાજકોટ જેવા વિસ્તારના પાણીના પ્રશ્ન કેટલીય પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં કેટલાય વર્ષોથી છપાય છે. જ્યાં સુધી જુના પ્રશ્નો સળગતા હોય ત્યાં સુધી નવા પ્રશ્નો શોધવા જવાની જહેમત કોણ ઉઠાવે?

ચોમાસામાં શ્રીકાર વરસાદ થાય ત્યાં સુધી તો ઠીક છે પણ આભ ફાટે ત્યારે રસ્તા સરોવરત્વ પામે છે. સંસ્કૃતમાં કહ્યું છે એ પ્રમાણે आकाशात पतितं तोयं यथा गच्छति सागरम् અર્થાત જેમ આભમાંથી પડેલું પાણી સાગરમાં જાય છે એમ વરસાદનું પાણી, ઝભલા થેલીઓ અને ગુટખાની પડીકીઓથી રૂંધાયેલી હોય તેવી ગટર તરફ વહી જાય છે. આ વહેણમાં ‘ગુજરાતનો નાથ’ની મંજરી જેવી કોઈ મુગ્ધાને ઉતાવળે ફીણ રૂપી વસ્ત્રને ખેંચતી જતી (विकर्षन्ती फेनं वसनमिव) તરુણીના દર્શન થઇ શકે. રસ્તે ભરાયેલા પાણીમાં વાહનોમાંથી ઝમેલા ઓઈલથી કાળા થયેલા પાણીમાં ઋજુ હૃદયના કવિઓને જળની યમુનત્વ પામવાની અભીપ્સાના દર્શન થાય તો એમનો વાંક નથી. એ સમયે માથા ઉપર પેન્શનના પેપર્સ ભરેલી પ્લાસ્ટિકની થેલી મૂકીને કેડ સમાણા પાણીમાં જતા વૃદ્ધમાં વિચારકોને યમુના પાર કરતા વાસુદેવના દર્શન થઈ શકે છે. આ વાંચીને અમારામાં તમને કોઈ વિચારકના દર્શન થાય તો ભાવથી આશકા લઇ, ઘંટ વગાડી અને પ્રસાદી લેતા જજો.


ભલે ઉનાળામાં ચોમેર પાણીની બુમો પડતી હોય, પણ પાણી પ્રમાણમાં જ ખપે છે. ખાસ કરીને દાળમાં નાખો ત્યારે. જેમ કે સારી પંજાબી દાળને ‘દાલ અમીરી’ કહેવામાં આવે છે. પરંતુ દામોદર કે અન્ય કોઈ આળસુ શેફ નવેસરથી દાળ બનાવવાના કંટાળાને કારણે દાળમાં પાણી ઠપકારે એટલે એ ‘દાલ ગરીબી’ બને છે. એનાથી વધુ પાણી પડે તો એ ‘દાલ ફકીરી’, અને છેલ્લે ‘દાલ ભીખમંગી’ બની જાય છે. જે દાળમાં દાળનો દાણો પણ ન હોય એવી પારદર્શક દાળને ‘દાલ મનમોહન’ કહે છે. કવિઓ જ્યારે ઝાકળ કે મૃગજળના પાણીથી દાળ બનાવે ત્યારે ‘દાલ ખયાલી’ બને છે જે ખયાલી પુલાવ અને ઈશ્કની ઈડલી સાથે ખાઈ શકાય છે. આવી જ રીતે “છાંટો” પાણી કરવામાં પણ પ્રમાણ જાળવીને પાણી નાખવાનું હોય છે સિવાય કે એક ‘એક ચૂહે પે સૌ સૌ બિલ્લે’ જેવો ઘાટ હોય. આ રસીયાઓને જ સમજાશે. પાણીપુરીમાં પણ જેટલું ભરી શકાય એટલું પાણી જ ભરાય. એમાં છલકાતું આવે બેડલું ને મલકાતી આવે નાર ના ચાલે. નાર પાણીથી છલકતી પુરીથી નહિ પણ મફત મસાલા પૂરીથી મલકે છે એ વાતની પાણીપુરીવાળા ભૈયાને પણ ખબર હોય છે.

પરિસ્થિતિ પ્રમાણે પાણીના રંગ, આકાર, પ્રકાર, સ્વાદ, ઉપયોગ અને સ્વરૂપમાં બદલાવ આવે છે. થીજેલું પાણી બરફ છે. આલ્પ્સના ઢોળાવો પર વરસતો રૂના પૂમડા જેવો સફેદ બેસ્વાદ બરફ ગોળાની લારીમાં ગુલાબી, ફાલસા કે નારંગી રંગ અને સ્વાદ તો ધારણ કરે જ છે ઉપરાંત રૂપગર્વિતાઓના અધરોના ચસચસતા ચુંબનો પામીને વધુ મિષ્ટ બને છે! જોકે અમે કોઈના એઠા બરફગોળા ચાખવા નથી ગયા. આ તો માનુનીઓની વાત આવે ત્યારે આવું બધું લખવાનો રીવાજ છે એટલે વધારીને લખ્યું છે. પાણીમાં અપાર શક્તિ છે. વિશાળ જળરાશીને ડેમ વડે અવરોધીને જળવિદ્યુત પેદા કરાય છે તો ગર્લફ્રેન્ડની આંખમાં પ્રગટેલું એક અશ્રુબિંદુ એના બોયફ્રેન્ડ પાસે અણધાર્યા સાહસો કે ખર્ચા કરાવી શકે છે. આને તજજ્ઞો હાઈડ્રો પાવર પણ કહે છે. પાત્ર સાથે પાણીનો ઉપયોગ પણ બદલાય છે. સામાન્ય રીતે તગારામાં ભરેલું પાણી વાસણ-કપડા ધોવાના, ડોલમાં ભરેલું પાણી નહાવામાં, પ્યાલામાં ભરેલું પાણી પીવાના અને કટોરીમાં ભરેલું પાણી દાઢી કરવાના કામમાં લેવાતું હોય છે. લોટા મલ્ટીપરપઝ હતા, પરંતુ ‘જહાં સોચ વહાં શૌચાલય’ની ઝુંબેશ પછી હવે લોટામાનું પાણી અર્ઘ્ય આપવાના કામમાં જ વપરાય છે.

પાણી તારે છે તો પાણી મારે પણ છે. ચેમ્પિયંસ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની હાર એટલી શરમજનક હતી કે ડૂબવા માટે સમંદર પણ નાનો પડે. એ મેચ દરમ્યાન વરસાદ પડે એવી આજીજી કરોડો લોકોએ કરી હશે પણ કમનસીબે માગ્યા મેહ વરસતા નથી એ કહેવત સાચી પડી. કહે છે કે બુંદ સે બિગડી હૌજ સે નહિ સુધરતી પણ વુમન્સ વર્લ્ડ કપમાં બુંદ જેવી ગણાતી આપણી મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ટીમ સામે પાણી બતાવ્યું છે. હવે તો ફાળો કરીને પણ આપણા ભડવીરોને ઢાંકણીઓ મોકલવાની જરૂર છે.

પાણીદાર માણસને પણ પાણીની જરૂર પડે છે. કાઠીયાવાડનું માણસ પાણીદાર ગણાય છે પણ ત્યાં પીવાના પાણીની કાયમ તંગી રહેતી. ‘સૌની’ યોજના દ્વારા પાઈપલાઈનથી એ કમી પૂરી કરવામાં આવી રહી છે. આ ધીંગી ધરાને એક જમાનામાં પાણી ચડાવેલી તલવારો લઈને પાણીદાર ઘોડા ઉપર નીકળેલા યોધ્ધાઓ ધમરોળતા! પણ એ પાણી જુદું હતું. એની કિંમત અનમોલ હતી. આજે તો પાણી રૂ. ૨૦/-ની (GST પહેલાની કિંમત) પ્લાસ્ટીકની બોટલમાં સમાઈ ગયું છે.

મસ્કા ફન
'જબ હેરી મેટ સેજલ' એ 'દાદા હો દીકરી' ફિલ્મની રિમેક નથી - જસ્ટ જાણ સારું.