Wednesday, July 27, 2016

રજનીકાંત : ધ રજનીકાંત

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૭-૦૭-૨૦૧૬
 
બસ કંડકટરમાંથી આટલા સફળ કલાકાર થવું એ સ્વપ્ન છે. પણ એવું થયું છે અને એ માટે તમિલભાષી લોકોને બે હાથે સલામ કરવા પડે. હાસ્તો, સ્ટાર્સ પંખાઓને લીધે છે. સાઉથમાં જ ફિલ્મસ્ટાર્સના મંદિર બને છે. રજનીકાન્તની લોકપ્રિયતા કરતાં વધારે જો કંઈ વધારે હોય તો એ છે એમના ફેન્સનું ગાંડપણ. આ લોકો ફિલ્મના પોસ્ટર્સને દૂધ ચઢાવે છે. એ પણ ભેંસનું ! 
 
એ હવે ખુબ જાણીતું છે કે અમુક કંપનીઓએ રજનીસરની નવી ફિલ્મ રીલીઝ થઈ એ દિવસે રજા જાહેર કરી હતી. જોકે તામિલનાડુમાં જયારે એક માજી ફિલ્મ એક્ટ્રેસ મુખ્યમંત્રી છે ત્યારે આ દિવસે સરકારી રજા કેમ જાહેર ન કરવામાં આવી તે બાબતે અમને ખુબ આશ્ચર્ય થાય છે. કદાચ આની પાછળ સ્ત્રી સહજ ઈર્ષ્યા કામ કરતી હોય એવું પણ બને. અમને તો લાગે છે કે હવે આ ખાન, કુમાર, અને કાંન્તોની ફિલ્મ રીલીઝ થાય ત્યારે રજા જાહેર કરી બધાને ઘેર ઘેર ટીકીટ વિતરણ કરી એક જ દિવસમાં એમના વકરાનો ટાર્ગેટ પૂરો કરી આપવો જોઈએ અને ઇન્કમટેક્સમાં વિશેષ રજની સેસ નાખી સરકારે રોકડી પણ કરી નાખવી જોઈએ.

રજનીકાંતની ડિક્સનરીમાં ‘ઈમ્પોસીબલ’ શબ્દ સ્પેસ સાથે ‘આઈ એમ પોસીબલ’ એવી રીતે છપાયેલો છે. એક વાયકા એવી છે કે રજનીસર બોલતા શીખ્યા ત્યારે જે કાલીઘેલી વાણી બોલતા હતા એ ઘણા દેશોએ ભાષા તરીકે અપનાવી છે. અમે જયારે ગાઉન પહેરેલા આરબો કે ચૂંચી આંખવાળા ચીનાઓને બોલતા સાંભળીએ છીએ ત્યારે આ વાતમાં દમ હોય એવું લાગે છે. સર જયારે બોલે છે ત્યારે બંને હાથની તર્જની અને મધ્યમા આંગળી ભેગી કરીને લમણા પાસે રાખીને હલાવે છે, જાણે કે into inverted commas માં ન બોલતા હોય એમ!

સૃષ્ટિના સર્જન માટે કારણભૂત બિગબેંગ એ રજનીસરને બાળપણમાં ઉટાંટિયું થયું હતું ત્યારે ખાધેલી ઉધરસ હતી. રજનીસર કાગળની બોટ લઈ ગયા વર્ષે ઘરની બહાર નીકળ્યા એમાં ચેન્નાઈમાં ભારે વરસાદ પડ્યો અને ઠેરઠેર પાણી ભરાયા હતા. રજનીસર ચેન્નાઈના દરિયાકિનારા પાસેથી પસાર થતાં હતા તો સુનામી એમના પગ પખાળવા પહોંચી ગયું હતું. એમના છીંક ખાવાથી બંગાળના અખાતમાં વાવાઝોડા આવવાની ઘટના તો અનેકવાર બની છે. બિગબેંગથી શરુ કર્યા બાદ અત્યારનો સમય રજનીસર માટે અલ્પવિરામ છે અને શાસ્ત્રોમાં જેનું વર્ણન કર્યું છે તે પ્રલય એ પૂર્ણવિરામ છે. હાલમાં એ જે કરી રહ્યા છે એને શાસ્ત્રોમાં લીલા કહે છે. રજનીસર પ્રગટ ઈતિહાસ સ્વરૂપ છે અને એનો અનુભવ શ્રી અમિતાભ બચ્ચનને પણ થયેલો છે. એ ‘ખુશ્બુ ગુજરાતકી’નું શુટિંગ કરવા ગિરનાર ગયા ત્યારે ત્યાં એમણે અશોકના શિલાલેખમાં ‘અમિતભાઈ, રજનીસરને મારી યાદી આપજો’ એવું વાંચ્યું હતું અને બચ્ચન સરે રૂબરૂમાં રજની સરને યાદી પાઠવી હતી એવું છેલ્લાથી ત્રીજા પાને આવતી ફિલ્મી ન્યુઝની બોક્સ આઈટમ સિવાય પણ છપાયું હતું.

તામિલનાડુમાં તો લોકો એવું માને છે કે રજ્નીસરને ચેન્નાઈથી ન્યુયોર્ક જવું હોય તો એ જમીન ઉપરથી ફક્ત સો ફૂટ ઉંચો હવામાં કૂદકો મારીને નિરાંતે ચિરૂટ પેટાવે છે. દરમ્યાનમાં પૃથ્વી અડધું ચક્કર ફરી જાય અને નીચે ન્યુયોર્ક આવે એટલે સર અમેરિકાની ધરતી પર પગ મૂકી બીજું કામ ચિરૂટની રાખ ખંખેરવાનું કરે છે. ઉત્તર ધ્રુવ પર સૌ પહેલાં રોબર્ટ પિયરી પહોંચ્યો કે ફ્રેડરિક કૂક એ બાબતે વિદ્વાનોમાં મતભેદ છે, પણ બન્ને ત્યાં પહોંચ્યા ત્યારે એમણે ત્યાં એક લુંગી-બનિયાનધારી માણસને બીચ ચેર બેસીને ‘પોલર બેર’ને ઈડલી ખવડાવતો જોયો હતો એવું પશ્ચિમી લોકોમાં ચર્ચાય છે! એ માણસ રજનીસર હતા એ બાબતે ભારતીયોમાં કોઈ મતભેદ નથી.

રજનીકાન્તની ફિલ્મો દર વખતે નવા રેકોર્ડ કરે છે. સર પોતાના જ જુના રેકોર્ડ તોડે છે. હવે તો રજનીસરની મુવીને ક્રિટિક રેટ નથી કરતાં, સર રજની પોતે ક્રિટિકને રેટ કરે છે. લોકો ભૂત, પીશાચ, ‘પીકે’ જેવા એલિયન્સ અને કોમ્પ્યુટર વાઈરસને દૂર રાખવા માટે એમની ફિલ્મની ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની ટીકીટ જેમાં ગડી વાળીને નાખી હોય એવા તાવીજો પહેરવાનું ક્યારે ચાલુ કરે છે એ જ જોવાનું રહે છે! એ પછી એમની ફિલ્મની ટીકીટની ભસ્મનો ઉપયોગ પુત્રપ્રાપ્તિ માટે અને અસાધ્ય ગણાતા રોગોની સારવાર માટે કરવા માંડે ત્યારે સાઇકીયાટ્રીમાં ‘રજનીફેઈન સિન્ડ્રોમ’ની સારવાર માટે સંશોધન શરુ કરવાનો સમય થઇ ગયો કહેવાય, આ રીસર્ચ માટેના લાખો ‘સેમ્પલ’ માત્ર સાઉથમાંથી મળી રહેશે.

સોશિયલ મીડિયામાં જયારે જયારે રજનીકાંતની ચર્ચા ચાલતી હોય ત્યારે વચમાં નરેશભાઈ(કનોડિયા)ને લાવવાનો વણલખ્યો રિવાજ છે. નરેશભાઈ ગુજરાતી રજનીકાંત છે. અમુકનો તો એવો દાવો છે કે જે કોઈ ના કરી શકે એ રજનીકાંત કરી શકે છે, અને જે રજનીકાંત ન કરી શકે તે નરેશભાઈ કરી શકે છે. સોશિયલ મીડિયા પર વહેતી વાત મુજબ એક દિવસ વહેલી સવારે રજનીસરના ઘર પાસે પચ્ચીસ લ્હાય બમ્બાઓ ઉભા હતા, કહે છે કે આગલી સાંજે નરેશભાઈએ એમને નડિયાદની ભાખરવડી ચખાડેલી! જોકે સોશિયલમાં તો આવું ધુપ્પલ બહુ ચાલતું હોય છે પણ આવું બન્યું હોય તો નરેશભાઈના પ્રસંશક તરીકે અમને લગીરે નવાઈ ન લાગે કારણ કે અમે ગુજરાતી છીએ. અમને રજનીકાન્તની ફિલ્મ વિષે બે પૈસાની ય ઇન્તેજારી નથી. અમને તો ઈંતજારી છે ‘વટનો કટકો’ તામિલ ભાષામાં બને અને રજનીકાંત ફૂંકથી એમના (નકલી) જુલ્ફા ઉડાડતા ઉડાડતા ‘અલ્યા રાસ્કલીયા ...’ બોલે અને પબ્લિક એમની નવી સ્ટાઈલ પર ફિદા થઇને થીયેટર આગળ લાઈનો લગાડી દે!

મસ્કા ફન
પ્યુન : રજની સર, ટેબલ નીચેથી બહાર નીકળો, નરેશભાઈ ગયા.

Wednesday, July 20, 2016

આધે ઇધર જાઓ આધે ઉધર જાઓ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૦-૦૭-૨૦૧૬
 
બાળક જન્મથી લઈને વૃદ્ધ થઈને એ મરે ત્યાં સુધી અનેક વિટંબણાઓ વચ્ચે એ અડધું-પડધુ જીવે છે. વન પ્રવેશ પહેલાનાં પચાસ વર્ષ પૈકી અડધી જિંદગી કુંવારા તરીકે મોજમઝા માટે હોય છે. એવું કહેવાય છે કે પુરુષની જીંદગીમાં સ્ત્રી આવે ત્યાં સુધી એ અધુરો હોય છે. લગ્ન પછી પહેલા એ અધમુઓ, અને છેવટે પુરો થઈ જાય છે. લગ્ન કરવાથી પુરુષની શારીરિક ચરબી વધે છે અને માનસિક ચરબી ઉતરી જાય છે. પત્નીને અર્ધાંગીની કહે છે. અંગ્રેજીમાં એના માટે બેટર હાફ શબ્દ છે. આ બેટર અને શારીરિક ચરબીના કારક બટરમાં એક માત્રનો જ ફેર છે. બટર અને ઘી ખાવાથી શરીરના અધવચ્ચે આવેલા પ્રદેશ કે જે પહેલા પેટ તરીકે ઓળખાતો હતો એ ફાંદ તરીકે ઓળખ પામે છે. કજીયાળી, કર્કશા, કે કુશંકા-શંકા કરતા હાફને બેટર હાફ કહી સંબોધનાર સામેવાળા પાત્રને બટર લગાડતો હોય એવું પ્રતીત થાય છે. પુરુષને એમ કોઈ બેટર હાફ તરીકે એટલું સંબોધતું નથી. આમ છતાં પુરુષોના જીવનમાં બેટર હાફ અને આપણા જીવનમાં અડધાનું મહત્વ અનેરું છે.

હિન્દી ફિલ્મોના ગીતકારો અડધાથી પ્રભાવિત હોય એમ જણાય છે. જેમ કે ફિલ્મ ‘નવરંગ’માં કવિ ભરત વ્યાસજી લખે છે - ‘આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ના જાયે તેરી મેરી બાત આધી, મુલાકાત આધી...’. બાકી હોરર ફિલ્મ હોય કે લવસ્ટોરી, હિન્દી ફિલ્મોમાં ઘણા કાર્યક્રમો અડધી રાત્રે જ ચાલુ થતા હોય એવું જરૂર લાગે. ‘લમ્હે’માં શ્રીદેવીની ‘મોરની’ પણ બગીચામાં અડધી રાત્રે જ મંડાણી હતી ને! ‘ઉત્સવ’માં સુશ્રી રેખાજીનો આખો દા’ડો મેકઅપ કરવામાં જતો હશે કે બીજું કંઈ, પણ એ અડધી રાત્રે ગાય છે ને કે ‘મન કયું બહેકા રે બહેકા આધી રાત કો, બેલા મહેકા રે મહેકા આધી રાત કો...’ ‘બેન્ડ બાજા બારાત’ના ‘આધા ઈશ્ક’ ગીતમાં અમિતાભ ભટ્ટાચાર્ય લખે છે – ‘આધા ઈશ્ક, આધા હૈ આધા હો જાયેગા ...’! જબરુ લાવ્યા! જાણે ઈશ્ક નહિ પણ દાઢી હોય, જે અડધી કરી નાખી હોય અને બાકીની જાણે રંછોડભ’ઇ આવીને કરી જવાનો હોય!

એક સંસ્કૃત સુભાષિતમાં અડધાનું મહત્વ સમજાવ્યું છે:

सर्वनाशे समुत्पन्ने अर्धम् त्यजति पण़्डितः।
अर्धेन कुरुते कार्यम् सर्वनाशोहि दुःसहः।।

અર્થાત જ્યારે સર્વનાશ સમિપ હોય ત્યારે વિદ્વાનો પોતાની પાસે જે કાંઇ હોય એમાંથી અડધુ ત્યજી દે છે અને બાકી વધ્યુ હોય એનાથી કામ ચલાવે છે કારણ કે એ જાણે છે કે સર્વનાશ દુસહ્ય હોય છે. અમે પણ પંડિત છીએ અને એટલે જ ટીવી ઉપર જ્યારે જમરુખનું મુવી આવતું હોય તો એ અડધુ-પડધુ જ જોઇએ છીએ, ટીકા કરવા માટેસ્તો, જેથી આખા મગજનું સત્યાનાશ થતું અટકે. ફિલ્મ અડધી પતે ત્યારે ઈન્ટરવલ એટલે જ આવે છે. ઉભા થઈને બાકીનો કલાક-દોઢ કલાક બચાવી શકાય. અમુક જૂની લાંબી ફિલ્મોમાં તો ઇન્ટરવલરૂપી બે-બે મોકા આપતા હતા. જોકે લાઈફમાં ઇન્ટરવલ નથી આવતો. શોલે પણ લાંબી ફિલ્મ હતી. એમાં અસરાનીનો એક ડાયલોગ બહુ ફેમસ થયો હતો. ‘આધે ઇધર જાઓ આધે ઉધર જાઓ, બાકી કે મેરે પીછે આઓ...’ આમાં સિપાઈઓ બેકી સંખ્યામાં જ હતા એટલું સારું હતું સીન માટે. હિંદી ફિલ્મમાં બતાવવામાં આવતી સ્લેપ-સ્ટિક કોમેડીમાં અડધી મૂછ વડે હસાવવાના પ્રયત્નો થતા રહ્યા છે. શોલેમાં જ જેલરનો જાસૂસ હરીરામ નાઇ કો’ક કેદીની અડધી મૂછ ઉડાડીને જેલરને બાતમી આપવા દોડી જાય છે. 
 
કોન્ટ્રકટરો કામ અડધું મુકીને બીજે લાગી જવા માટે પંકાયેલા છે. આમ કરવામાં એમને આનંદ આવતો હશે કે કેમ એ ખબર નથી, પરંતુ આ કમ્પલ્સિવ ડીસઓર્ડર જરૂર છે. ઘેર કામ કરવા આવતો કારીગર સતત ત્રણ દિવસ કામ કર્યા પછી ચોથા દિવસે સવારે જો કામ પર દેખાય તો અમને રીતસરનો આઘાત લાગે છે, અને દરવાજો ખોલ્યા પછી બે-પાંચ મિનીટ તો મૂઢની જેમ અવાચક થઈને ઉભા રહી જઈએ છીએ. પછી ખબર પડે કે એ તો એના સામાનમાંથી લેલું કે પટ્ટી લેવા માટે આવ્યો છે. જુના સમયમાં રાજા-મહારાજાઓ કારીગરોને જીવતા ચણાઈ કેમ દેતા હશે કે એમના હાથ કેમ કાપી નાખતા હશે તેનો ખુલાસો આ અડધું કામ છોડીને જતાં કારીગરો પાસેથી આપણને મળે છે. પરંતુ આપણને ખબર જ છે કે જે સત્તામાં હોય એ ઈતિહાસ લખાવે છે અને કારીગરો કદી સત્તામાં આવ્યા નથી. મતલબ કે સત્તામાં આવ્યા પછી એ કારીગર નહિ કીમિયાગર બની જાય છે.

મહાભારતની લડાઈના એક મહત્વના યોદ્ધા એવા દ્રોણને નિષ્ક્રિય કરવા યુધિષ્ઠિર અર્ધસત્ય બોલે છે. સાવ જુઠ્ઠું બોલવાનું એમનું ગજું નહોતું. અત્યારે તો ચારેબાજુ અર્ધસત્ય બોલાતું સાંભળવા મળશે. ‘હું રસ્તામાં જ છું, બસ પહોંચું જ છું’ કહે તો એનો મતલબ એ તમે જ્યાં નિર્ધારિત સમયે પહોંચી ચુક્યા છો તે સ્થાનની અને સામેવાળી વ્યક્તિના ગંતવ્ય સ્થાનની વચ્ચે એ ગમે ત્યાં હોઈ શકે છે. હમણાં જ અમે લો ગાર્ડન પાસે એક સ્ટોરમાં હતા ત્યાં એક ભાઈ પર ફોન આવ્યો અને એમણે ઠંડા કલેજે ‘હું એસજી હાઈવે પર ટ્રાફિકમાં છું, હજુ અડધો કલાક થશે’ એવું કહ્યું. અમે એમની તરફ અહોભાવથી જોતા રહ્યા. તમે જોજો, કેટલી વારમાં પહોંચશો એના જવાબમાં પણ અડધો કલાક ખુબ લોકપ્રિય છે. આમ અડધાનું માહત્મ્ય મહાભારત કાળથી અત્યાર સુધી એટલું જ છે. અને હા. તમે આ લેખ અડધો નહિ, આખો વાંચ્યો એ બદલ આભાર!

મસ્કા ફન
અડધા ભરેલા ગ્લાસમાં કયું પ્રવાહી છે એ જાણવામાં જેને રસ હોય એ રસિયો ગુજરાતી !

Wednesday, July 13, 2016

ફેટ ટેક્સ જ નહિ, પાન ખાઈને પિચકારી મારવા પર પણ ટેક્સ લાગવો જોઈએ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૩-૦૭-૨૦૧૬

કેરાલામાં ફાસ્ટ-ફૂડ જંક ફૂડ ઉપર ફેટ ટેક્સ લગાડવામાં આવ્યો છે અને એ પણ એકદમ તગડો. હવે કેરાલામાં જાડા થવું મોંઘુ પડશે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી ઘણા લેખકો અને ઉદ્યોગપતિઓ મુંબઈમાં સેટલ થયા છે, જયારે બાકીના પીવા માટે દીવ, દમણ અને આબુ જાય છે. આ ઉપરથી રસિયાઓમાં ‘દીવ, દમણ અને આબુ, જરાય નથી આઘુ’ એવી કહેવત પણ પ્રચલિત થઈ છે. પણ આ રીતે જ જંકફૂડ મોંઘુ થવાથી કેરાલીયનો હિજરત કરીને જાય છે કે પછી સાત્વિક અને ઓછા ટેક્સવાળા ભોજન તરફ વળે છે તે હાલ કહેવું મુશ્કેલ છે. હકીકતમાં અમને કેરાલીયનો સ્ટેનો-ટાઈપીંગ, પંક્ચર અને નર્સિંગ વ્યવસાયમાં વધુ હોય છે એટલી ખબર છે, બાકીની કોઈ ખાસિયત અમને માલુમ નથી. મતલબ કે એનો અમે અભ્યાસ કર્યો નથી. 

આમ તો જાતજાતના ટેક્સ દુનિયામાં વર્ષોથી લગાડવામાં આવે છે. રશિયાના પીટર ધ ગ્રેટે દાઢી પર ટેક્સ લગાડ્યો તો જેથી કરીને ત્યાના લોકો યુરોપના લોકોની જેમ ક્લીન શેવ બોલે તો ચીકના દેખાય. આપણે ત્યાં ૨૦૧૯ સુધી તો કમસેકમ આવો ટેક્સ લાગે તેવી શક્યતા નથી તેથી દાઢીવાળા નચિંત રહે. બ્રિટનમાં ૧૯૬૦ સુધી પત્તા રમવા ઉપર ટેક્સ હતો. આપણે ત્યાં આવું થાય તો જન્માષ્ટમી પર ઘણા લોકો કામ પર જવાનું શરુ કરી દે. અંગ્રેજોએ તો મીઠા ઉપર પણ ટેક્સ નાખ્યો હતો જેને કારણે આપણને દાંડી સત્યાગ્રહ, ગુજરાતી ટેક્સ્ટબુક પર દાંડીકુચનાં ફોટા અને આ સંબંધિત કવિતાઓ પણ મળી.

પણ અહીં વાત ફેટ ટેક્સની છે. શું ભારતમાં કુપોષણની સમસ્યા નથી? વિરોધપક્ષ જયારે વિરોધપક્ષમાં હોય ત્યારે આ સમસ્યા અંગે હો હા કરે છે તો પ્રજા જાતે ખાઈને વજન વધારે તો એમાં ટેક્સ નાખી એમને રોકવાની શી જરૂર છે? શું જાડા થવું એ આપણો મૂળભૂત અધિકાર નથી? શું બર્ગર અને પીઝા જ ખરાબ છે, સમોસા અને દાલવડા નહિ? શું આ ટેક્સના કારણે જાડા સાથે પાતળા પણ હોમાઈ નહિ જાય? આવા અનેક સવાલો ઉભા થાય છે. એમાય આ ટેક્સ દરખાસ્ત જે ૧૦૦% બિલ બનાવતી હોય એ ટાઈપના ફૂડ-જોઈન્ટસને અનુલક્ષીને બનાવી હોય એવું જણાય છે, જે બિલ વગર વેચે છે એમને તો બખ્ખાં ચાલુ જ રહેશે.

ગુજરાતે આમાંથી ધડો લેવો લઇને રંગ, કોળાનો પલ્પ અને હલકી ગુણવત્તાની ખાંડ નાખીને બનાવવામાં આવતા કહેવાતા ‘ટોમેટો’ સોસ પર ‘કેરબા’ દીઠ (જી, એ ‘સોસ’ પોલીપ્રોપીલીનના કાર્બોયમાં ડીલીવર થાય છે!) એની કીમત જેટલો ટેક્સ લેવામાં આવશે તો પણ લોકો હોંશે હોંશે આપશે કારણ કે એક સોસ ભરેલા એક કાર્બોયની કિંમત છે માત્ર રૂપિયા ૮૦/-! એ સાથે ખમણ, ભજીયા અને સમોસા સાથે પીરસાતી ચટણી પર પણ કટોરી દીઠ ટેક્સ નાખવો જોઈએ પછી ભલે લારીવાળો એ મફતમાં આપતો હોય. અમે તો કહીએ છીએ કે દાલવડા સાથે અપાતા એક એક તળેલા મરચા પર ટેક્સ નાખીને તીખું કરી દો. ઉત્તરાયણ પર ઊંધિયા-જલેબી અને દશેરા પર ખવાતા ફાફડા-જેલેબી ઉપર ટેક્સ નાખો. લોચો, ખીચું, પોંક અને ઘારી પર ટેક્સ નાખશો તો તો એ ટેક્સના રૂપિયાથી સુરતમાં એકોએક રસ્તો ફ્લાય ઓવરમાં ફેરવી નાખી શકાશે કારણ કે ખાવા-પીવાની વાટમાં પૈહાનું મોં જુવે એ બીજા, હુરટી લાલાઓ નહિ.

અને જો જંકફૂડ ખાવાની ટેવ હાનીકારક હોય તો બીજી અનેક હાનીકારક ટેવો પર પણ ટેક્સ નાખવો જોઈએ. જેમ કે પાનની પિચકારી મારવા પર. આ ટેક્સ લાગે, અને સારી રીતે અમલમાં મુકાય તો ખાલી સૌરાષ્ટ્રમાંથી જ એટલા રૂપિયા મળે કે એ રૂપિયામાંથી સૌરાષ્ટ્ર કચ્છમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવી જાય. જાહેરમાં ખણવા ઉપર ટેક્સ કે પેનલ્ટી લગાડવામાં આવે તો પણ ઘણી આવકની શક્યતા ઉભી થાય. પીળા દાંત ઉપર ટેક્સ લગાડવામાં આવે તો રાજ્યમાં નવી હજારો ડેન્ટલ કોલેજો ખોલવી પડે અને શિક્ષણ માફિયાઓ કે જે એન્જીનીયરીંગ કોલેજોમાં સંખ્યા ન મળવાથી હતાશ થયા છે, તેમના જીવનમાં આશાની જ્યોત પ્રગટે.

અમને લાગે છે કે કેરાલાની સરકારે ફેટ ટેક્સ નાખીને કરવેરાના ક્ષેત્રે નવી ક્ષિતિજો ખોલી છે. આજે રેસ્તરાંવાળા દ્વારા સર્વ કરવામાં આવતા ખોરાકમાંની ચરબીને ટેક્સના દાયરામાં લાવવામાં આવી છે કાલ ઉઠીને કમર ઉપરની ચરબીને પણ ટેકસેબલ બનાવી શકાય. જેમ કે એરલાઈન્સમાં ખેંખલી અને વજનદાર લોકો એક જ ભાવે હવાઈ સફર કરે છે. આ બાબતે અમારું સૂચન એ છે કે પુખ્ત વયની વ્યક્તિનું ૬૦ કિલોગ્રામ સુધીનું વજન ટેક્સ ફ્રી રાખીને વધારાના દરેક કિલો દીઠ ટેક્સ લાગુ કરી શકાય. આ સંજોગોમાં અમારે પણ ટેક્સ ચૂકવવો પડે એમ છે અને અમે એ રાજીખુશીથી ભરવા તૈયાર છીએ એ વાચકોની જાણ સારું અમે જાહેર કરીએ છીએ.

આવો ટેક્સ લાગુ પાડવા પાછળનો આશય પ્રજા બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાતા અટકે એવો છે. આ સારું કહેવાય. લોકો ચરબીવાળો ખોરાક ખાય એનાથી ખરાબ કોલેસ્ટેરોલ વધે અને એનાથી હૃદય રોગની તકલીફ થાય એવો તર્ક છે. જોકે લાખો રૂપિયા ખર્ચીને ડૉકટર બનતા અને કરોડો રૂપિયા ખર્ચીને કાર્ડિયોથોરાસિક સર્જન બનતા વ્યક્તિઓ અને એમના ડૉકટર પપ્પાઓ વિષે કંઈ વિચાર્યું નથી. મેડિકલ કાઉન્સિલ અને એથિક્સની અવગણના કરીને રેડિયો પર ડાયાબિટીસ સંબંધિત જાહેરાતો આપતા હોસ્પિટલ્સ, અને એ હોસ્પિટલ્સ પર નભતા લોકો વિષે કોઈ વિચાર કર્યો નથી. યુદ્ધ જેવી પરિસ્થિતિ વખતે એરલીફ્ટ કરવા પડતા ભારતીયોમાં કેરાલાની નર્સોનું પ્રમાણ સૌથી ઊંચું હોય છે. કુવેત, લિબ્યા કે યેમેન હોય, આ હકીકત છે. ત્યારે કેરાલા જ આવા કાયદા લાવે તે આશ્ચર્યજનક ન કહેવાય?

મસ્કા ફન

વર અને વરસાદને કદી જશ ન મળે.

Wednesday, July 06, 2016

ઘર અને હોટલ વચ્ચે ફેર છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | 06-07-2016
 
એવું જાણવા મળ્યું છે કે હ્રિતિક રોશનના ઘરમાં બ્રેકફાસ્ટ અને જમવામાં મેન્યુ સીસ્ટમ દાખલ કરવામાં આવી છે. મતલબ કે તમારે કયો નાસ્તો કરવો એ ચોઈસ મળે છે. આ સાંભળીને સ્વાભાવિક છે કે રોજ નાસ્તામાં ચાને ભાખરી કે બટાકા પૌંઆ અને લંચમાં રોટલી-દાળભાત-શાક અને ડીનરમાં ભાખરી-શાક ખાવા પામતા લોકો ડઘાઈ જાય. ટ્રાન્સફરેબલ જોબમાં તમને ધાર્યું પોસ્ટીંગ મળી શકે છે, સારા ટકા લાવો તો તમને મનગમતી કોલેજમાં એડ્મિશન મળી શકે છે, પણ ઘર એ જગ્યા છે જ્યાં નાસ્તા-ભોજનમાં તમને ચોઈસ આપવાનો રિવાજ નથી. આપણે ત્યાં નાનપણથી જ છોકરાઓને ‘જા બહાર જઈ ને જો, લોકોને બે ટંક રોટલા નથી મળતા’, ‘હોસ્ટેલમાં જઈશ તો શું કરીશ?’ અને છોકરીઓને ‘સાસરે જઈશ તો શું કરીશ?’ જેવા અઘરા પ્રશ્નો પૂછી જે મળે છે તે ખાઈ લેવા માટે માનસિક તૈયાર કરવામાં આવે છે.

પણ ધારો કે ઘરમાં હોટેલ જેવું વાતાવરણ અને અનુકુળતા સર્જવામાં આવે તો? ધારો કે તમે સાંજે ઘેર જાવ તો રિસેપ્શનિસસ્ટની જેમ પત્ની તમારું હસીને સ્વાગત કરે તો? એ પણ વરસમાં ૩૬૫ દિવસ! ધારો કે તમે સવારે બ્રેકફાસ્ટ કરવા ઈચ્છો તો તમને આલું પરાઠાથી માંડીને ઈડલી સંભાર અને જ્યુસ, ચા-કોફી (અને કોર્નફ્લેક્સ પણ ખરા જ!) જેવા ઓપ્શન્સ મળે તો? જો તમે સંયુક્ત ફેમિલીમાં રહેતાં હોવ ને તમને તમારા બેડરૂમની બહાર ‘ડુ નોટ ડીસ્ટર્બ’ બોર્ડ’ મારવાની સગવડ મળે તો? સાબુ ચપતરી બની જાય અને એનાથી ન્હાતી વખતે બગલમાં કાપા પણ પડવા માંડે એ પહેલા સાબુ બદલી દેવામાં આવે તો? શેમ્પુની બોટલમાં પાણી નાખવાને બદલે નવી સમયાન્તરે નવી બોટલ મુકવામાં આવતી હોય તો? રોજ પલંગની ચાદર-ઓશિકાના ગલેફ બદલી નાખવામાં આવતા હોય તો? તમને પણ બચ્ચનના પેલા ‘જહાં ચાર યાર ...’ ગીતમાં આવે છે એમ ‘ભૂલે સે મૈ યે કિસકે ઘર આ ગયા યાર?’ થાય કે નહિ? અને અતિશય હરખનો માર્યો માણસ ગાંડો થઇ જાય તો એના છોકરાં રખડી ના પડે? 
 
પણ ‘દિલકો બહલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ ...’. આ સગવડ હ્રીતિકને મળી છે તો તમને પણ મળી શકે છે. અને હોટેલ કે રેસ્તરાં જેવી સર્વિસ ઘરે જ મળવા માંડે પછી તો કેવા જલસા પડે! એવું બને કે તમારી પત્નીને જાણ કર્યા સિવાય તમે રાત્રે નવ વાગે તમારા ફ્રેન્ડઝને તમારા ઘરે પિત્ઝા ખાવા માટે ઘરે બોલાવો છો અને પંદર-વીસ મીનીટમાં જ પાંચ છ લઠિંગા હલ્લા ગુલ્લા કરતા આવીને તમારા ડ્રોઈંગ રૂમમાં આવીને ગોઠવાઈ જાય છે. તમારી મસ્તી ચાલતી હોય ત્યાં જ પત્ની-પ્રેરિત હાઉસમેઈડ ઠંડા પાણીના ગ્લાસ ‘સર્વ’ કરી જાય છે! થોડી વાર પછી સ્માઈલ સાથે એ ફરી પ્રગટ થાય છે અને પૂછે છે ‘શું લેશો?’ તમે પણ જાણો છો કે ઘરમાં ‘ભાખરી-શાક’ બની ગયા છે છતાં બેફિકરાઈથી ‘સાત ડબલ ચીઝ પિત્ઝા વિથ કોક’નો ઓર્ડર આપો છો. ફરી સ્માઈલ સાથે એ બધાને પૂછે છે ‘બીજું કંઈ?’ ત્યારે તમે એની સામું પણ જોયા વગર ‘પહેલાં બધા માટે ગાર્લિક બ્રેડ’ એવું કહીને જવાનો ઈશારો કરો છો અને એ કિચનમાં અંતર્ધ્યાન થાય છે.

બધા ડાઈનિંગ ટેબલ પર વાતો કરતા કરતા ગોઠવાવ છો અને થોડી જ વારમાં હાઉસમેઈડ આવીને ગાર્લિક બ્રેડ સાથેની ડીશીસ, સોસ અને ટેસ્ટ મેકર્સ સર્વ કરી જાય છે. પછી પિત્ઝાનું રાઉન્ડ આવે છે. આ દરમ્યાન તમારી પત્ની થોડા છેટે ઉભા ઉભા નાની નાની બાબતો પર દેખરેખ રાખી રહી છે. તમે બધા કોઈ વિદેશી કંપનીના ફૂડ જોઈન્ટને પણ ભુલવાડે એવા ચટાકેદાર પિત્ઝા પર તૂટી પડો છો! છેલ્લે ફિંગર બાઉલ આવે છે. તમે આંગળા ધોઈને લૂછવા માટે નેપકીન ઉપાડવા જાવ છો ત્યાં જ એ નેપકીન નીચે પડી જાય છે. તમે એ નેપકીન લેવા નીચા નમો છો અને ધબ્બ ...! તમે પલંગ પરથી નીચે પડો છો!

પૂરું બોસ! પછી જાગી જવાનું!

તમે પણ શું યાર! અમે જરા કલ્પનાનું ગધેડું છુટ્ટું મુક્યું તો તમે તો મંડ્યા તબડીક તબડીક કરવા! જરા વિચારો તો ખરા કે આવું હોતું હશે? કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના? ઘર એ ઘર છે એનું તમને ભાન હોવું જ જોઈએ. હોટેલમાં તો હાઉસ કીપિંગ રૂમ એટેન્ડન્ટસ, વેઈટરો અને રસોયાઓને પગાર મળતો હોય છે. એમાં સ્માઈલો આલવાના અને તમારી સાથે વિવેકથી વાત કરવાનું પણ આવી જાય. જરા વિચારો કે ઘરે નાસ્તા અને ડીનર પછી ટીપ આપવી ફરજીયાત હોત તો? તમને મોજા અને અન્ડરવેર ધોવાના ૯૦ રૂપિયા બીલ પોસાવાનું છે? મહીનાનું ચાદરો, ગલેફો અને બ્લેન્કેટસ ધોવાનું લોન્ડ્રી બીલ જોઇને તો તમે ઉંદરની જેમ બીલમાં જ ભરાઈ જાત! વાત કરો છો.

અહીં બીજી એક વાત સમજીલો કે હ્રીતિકને આ લહાવો ચારસો કરોડ રૂપિયા ખર્ચ્યા પછી મળ્યો છે. બાકી સુઝેન ઘરમાં બેઠી હોત તો એના ઘરમાં પણ આપણી જેમ ભાખરી-શાક કે દાળ-ભાત-રોટલી-શાક બનતા હોત અને ડુગ્ગુ પણ નીચી મુંડીએ છએ આંગળીએ સબડકા ભરી ભરીને દાળ પીતો હોત સમજ્યા? એટલે જ નીદા ફાઝલીજીએ કહ્યું છે કે – ‘कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता कहीं ज़मीन तो कहीं आसमान नहीं मिलता | તમારી પાસે વધારાના ચારસો કરોડ પડ્યા છે? તો આવા સપના જોજો !

મસ્કા ફન
પહેલો વરસાદ
સાઈલન્સરમાં ભરાયેલું
પાણી કાઢવા
બાઈકને આગલા ટાયરથી
મહામહેનતે
ઊંચું કરી
એ બોલ્યો:
"એની જાતનું કોણ 
વરસાદ વરસાદ કરતું હતું?"