Wednesday, July 20, 2016

આધે ઇધર જાઓ આધે ઉધર જાઓ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૦-૦૭-૨૦૧૬
 
બાળક જન્મથી લઈને વૃદ્ધ થઈને એ મરે ત્યાં સુધી અનેક વિટંબણાઓ વચ્ચે એ અડધું-પડધુ જીવે છે. વન પ્રવેશ પહેલાનાં પચાસ વર્ષ પૈકી અડધી જિંદગી કુંવારા તરીકે મોજમઝા માટે હોય છે. એવું કહેવાય છે કે પુરુષની જીંદગીમાં સ્ત્રી આવે ત્યાં સુધી એ અધુરો હોય છે. લગ્ન પછી પહેલા એ અધમુઓ, અને છેવટે પુરો થઈ જાય છે. લગ્ન કરવાથી પુરુષની શારીરિક ચરબી વધે છે અને માનસિક ચરબી ઉતરી જાય છે. પત્નીને અર્ધાંગીની કહે છે. અંગ્રેજીમાં એના માટે બેટર હાફ શબ્દ છે. આ બેટર અને શારીરિક ચરબીના કારક બટરમાં એક માત્રનો જ ફેર છે. બટર અને ઘી ખાવાથી શરીરના અધવચ્ચે આવેલા પ્રદેશ કે જે પહેલા પેટ તરીકે ઓળખાતો હતો એ ફાંદ તરીકે ઓળખ પામે છે. કજીયાળી, કર્કશા, કે કુશંકા-શંકા કરતા હાફને બેટર હાફ કહી સંબોધનાર સામેવાળા પાત્રને બટર લગાડતો હોય એવું પ્રતીત થાય છે. પુરુષને એમ કોઈ બેટર હાફ તરીકે એટલું સંબોધતું નથી. આમ છતાં પુરુષોના જીવનમાં બેટર હાફ અને આપણા જીવનમાં અડધાનું મહત્વ અનેરું છે.

હિન્દી ફિલ્મોના ગીતકારો અડધાથી પ્રભાવિત હોય એમ જણાય છે. જેમ કે ફિલ્મ ‘નવરંગ’માં કવિ ભરત વ્યાસજી લખે છે - ‘આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ના જાયે તેરી મેરી બાત આધી, મુલાકાત આધી...’. બાકી હોરર ફિલ્મ હોય કે લવસ્ટોરી, હિન્દી ફિલ્મોમાં ઘણા કાર્યક્રમો અડધી રાત્રે જ ચાલુ થતા હોય એવું જરૂર લાગે. ‘લમ્હે’માં શ્રીદેવીની ‘મોરની’ પણ બગીચામાં અડધી રાત્રે જ મંડાણી હતી ને! ‘ઉત્સવ’માં સુશ્રી રેખાજીનો આખો દા’ડો મેકઅપ કરવામાં જતો હશે કે બીજું કંઈ, પણ એ અડધી રાત્રે ગાય છે ને કે ‘મન કયું બહેકા રે બહેકા આધી રાત કો, બેલા મહેકા રે મહેકા આધી રાત કો...’ ‘બેન્ડ બાજા બારાત’ના ‘આધા ઈશ્ક’ ગીતમાં અમિતાભ ભટ્ટાચાર્ય લખે છે – ‘આધા ઈશ્ક, આધા હૈ આધા હો જાયેગા ...’! જબરુ લાવ્યા! જાણે ઈશ્ક નહિ પણ દાઢી હોય, જે અડધી કરી નાખી હોય અને બાકીની જાણે રંછોડભ’ઇ આવીને કરી જવાનો હોય!

એક સંસ્કૃત સુભાષિતમાં અડધાનું મહત્વ સમજાવ્યું છે:

सर्वनाशे समुत्पन्ने अर्धम् त्यजति पण़्डितः।
अर्धेन कुरुते कार्यम् सर्वनाशोहि दुःसहः।।

અર્થાત જ્યારે સર્વનાશ સમિપ હોય ત્યારે વિદ્વાનો પોતાની પાસે જે કાંઇ હોય એમાંથી અડધુ ત્યજી દે છે અને બાકી વધ્યુ હોય એનાથી કામ ચલાવે છે કારણ કે એ જાણે છે કે સર્વનાશ દુસહ્ય હોય છે. અમે પણ પંડિત છીએ અને એટલે જ ટીવી ઉપર જ્યારે જમરુખનું મુવી આવતું હોય તો એ અડધુ-પડધુ જ જોઇએ છીએ, ટીકા કરવા માટેસ્તો, જેથી આખા મગજનું સત્યાનાશ થતું અટકે. ફિલ્મ અડધી પતે ત્યારે ઈન્ટરવલ એટલે જ આવે છે. ઉભા થઈને બાકીનો કલાક-દોઢ કલાક બચાવી શકાય. અમુક જૂની લાંબી ફિલ્મોમાં તો ઇન્ટરવલરૂપી બે-બે મોકા આપતા હતા. જોકે લાઈફમાં ઇન્ટરવલ નથી આવતો. શોલે પણ લાંબી ફિલ્મ હતી. એમાં અસરાનીનો એક ડાયલોગ બહુ ફેમસ થયો હતો. ‘આધે ઇધર જાઓ આધે ઉધર જાઓ, બાકી કે મેરે પીછે આઓ...’ આમાં સિપાઈઓ બેકી સંખ્યામાં જ હતા એટલું સારું હતું સીન માટે. હિંદી ફિલ્મમાં બતાવવામાં આવતી સ્લેપ-સ્ટિક કોમેડીમાં અડધી મૂછ વડે હસાવવાના પ્રયત્નો થતા રહ્યા છે. શોલેમાં જ જેલરનો જાસૂસ હરીરામ નાઇ કો’ક કેદીની અડધી મૂછ ઉડાડીને જેલરને બાતમી આપવા દોડી જાય છે. 
 
કોન્ટ્રકટરો કામ અડધું મુકીને બીજે લાગી જવા માટે પંકાયેલા છે. આમ કરવામાં એમને આનંદ આવતો હશે કે કેમ એ ખબર નથી, પરંતુ આ કમ્પલ્સિવ ડીસઓર્ડર જરૂર છે. ઘેર કામ કરવા આવતો કારીગર સતત ત્રણ દિવસ કામ કર્યા પછી ચોથા દિવસે સવારે જો કામ પર દેખાય તો અમને રીતસરનો આઘાત લાગે છે, અને દરવાજો ખોલ્યા પછી બે-પાંચ મિનીટ તો મૂઢની જેમ અવાચક થઈને ઉભા રહી જઈએ છીએ. પછી ખબર પડે કે એ તો એના સામાનમાંથી લેલું કે પટ્ટી લેવા માટે આવ્યો છે. જુના સમયમાં રાજા-મહારાજાઓ કારીગરોને જીવતા ચણાઈ કેમ દેતા હશે કે એમના હાથ કેમ કાપી નાખતા હશે તેનો ખુલાસો આ અડધું કામ છોડીને જતાં કારીગરો પાસેથી આપણને મળે છે. પરંતુ આપણને ખબર જ છે કે જે સત્તામાં હોય એ ઈતિહાસ લખાવે છે અને કારીગરો કદી સત્તામાં આવ્યા નથી. મતલબ કે સત્તામાં આવ્યા પછી એ કારીગર નહિ કીમિયાગર બની જાય છે.

મહાભારતની લડાઈના એક મહત્વના યોદ્ધા એવા દ્રોણને નિષ્ક્રિય કરવા યુધિષ્ઠિર અર્ધસત્ય બોલે છે. સાવ જુઠ્ઠું બોલવાનું એમનું ગજું નહોતું. અત્યારે તો ચારેબાજુ અર્ધસત્ય બોલાતું સાંભળવા મળશે. ‘હું રસ્તામાં જ છું, બસ પહોંચું જ છું’ કહે તો એનો મતલબ એ તમે જ્યાં નિર્ધારિત સમયે પહોંચી ચુક્યા છો તે સ્થાનની અને સામેવાળી વ્યક્તિના ગંતવ્ય સ્થાનની વચ્ચે એ ગમે ત્યાં હોઈ શકે છે. હમણાં જ અમે લો ગાર્ડન પાસે એક સ્ટોરમાં હતા ત્યાં એક ભાઈ પર ફોન આવ્યો અને એમણે ઠંડા કલેજે ‘હું એસજી હાઈવે પર ટ્રાફિકમાં છું, હજુ અડધો કલાક થશે’ એવું કહ્યું. અમે એમની તરફ અહોભાવથી જોતા રહ્યા. તમે જોજો, કેટલી વારમાં પહોંચશો એના જવાબમાં પણ અડધો કલાક ખુબ લોકપ્રિય છે. આમ અડધાનું માહત્મ્ય મહાભારત કાળથી અત્યાર સુધી એટલું જ છે. અને હા. તમે આ લેખ અડધો નહિ, આખો વાંચ્યો એ બદલ આભાર!

મસ્કા ફન
અડધા ભરેલા ગ્લાસમાં કયું પ્રવાહી છે એ જાણવામાં જેને રસ હોય એ રસિયો ગુજરાતી !

1 comment:

  1. Sache ma adhirbhai tamaro lekh vanchvama b maja aave ane knowledge pan vadhare 6... Baki adadha no lekh moj valo hato... Ava bija lekh ni rah joishu...

    ReplyDelete