Sunday, May 31, 2015

સિંહ સામો મળે ત્યારે

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૩૧-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી |

તમે જતાં હોવ અને સિંહ સામો મળે તો તમે શું કરો ? જવાબ એ છે કે પછી જે કરવાનું હોય એ સિંહે કરવાનું હોય. આ જોક બહુ જુનો છે. જોકમાં તમે ક્યાં જાવ છો એ અધ્યાહાર રાખ્યું છે. ધારો કે તમે પ્રાણી સંગ્રહાલયમાં સિંહના પાંજરા પાસેથી જતાં હોવ તો તમારે જોવા સિવાય કશું કરવાનું નથી હોતું. હા, ફોટો જરૂર પાડી શકો. સિંહ પણ કશું નથી કરતો. આ પાંજરે પુરાયેલા સિંહની વાત થઈ. પણ તમે જો સાસણ-ગીરનાં જંગલમાં જાવ તો ત્યાં પણ આ જોક ખોટો પડે. ત્યાં સિંહ સામો મળે અને એને આપણામાં લેશમાત્ર પણ રસ ન હોય. એ આપણી સામું પણ ન જુવે. એને તો હરણ, સાબર, નીલગાય, ભેંસ જેવા પ્રાકૃતિક ભોજનમાં રસ પડે. માણસ નામનાં જંકફૂડમાં નહીં. અમે ગીર ગયા ત્યારે સિંહ સાથે સેલ્ફી લેવાની કોશિશ પણ કરી હતી, પણ સિંહે સેલ્ફી પડાવવામાં ખાસ રસ ન દાખવ્યો. કદાચ એટલે જ એ સિંહ છે.
બ્રાઝીલીયન ફૂટબોલ ફેન

અત્યારે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને એક ગુજરાતી પ્રાઈમ મીનીસ્ટર છે. હાલની સરકારમાં ગુજરાતના ગૌરવ એવા સિંહને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાનાં પ્રયાસો શરુ થયા છે એવું જાણવા મળે છે. એવું મનાય છે કે સિંહ કારણ વગર હુમલો નથી કરતો, પણ વાઘને એવું નથી હોતું. સિંહ ભૂખ્યો ન હોય તો શિકાર નથી કરતો. વાઘને એવો બાધ નથી. આમ એકંદરે સિંહ વધુ વિશ્વાસપાત્ર છે, જયારે વાઘ દગાખોર છે. હમણાં એક ભાઈ બિચારા વાઘના પાંજરા ઉપર ચઢી ફોટો પાડવા જતાં પાંજરામાં પડી ગયા અને વાઘનો શિકાર બની ગયા. કોઈ ફોટો પાડે તો એ થેંક યુ કહેવાનો રીવાજ છે, પણ વાઘમાં એટલી સેન્સ હોત તો જોઈતું’તું જ શું? એટલે જ વાઘ હજુ સુધી રાષ્ટ્રીય પ્રાણી કેમ છે, એ આશ્ચર્યની વાત છે.

સિંહ જંગલનો રાજા કહેવાય છે. પણ જંગલમાં દરેક સિંહની અલગ ટેરીટરી હોય છે એ અલગ વાત છે. પોતાની ટેરીટરી છોડી બીજાની હદમાં ઘૂસવું સારી મેનર્સ નથી ગણાતી. સિંહની જેમ જ કૂતરાં અને પોલીસમાં હદનો વિવાદ ભારે હોય છે. મોડી રાત્રે ટુ-વ્હીલર પર જતાં હોવ અને કૂતરું પાછળ પડે તો હડકવાના ઇન્જેક્શનથી બચવા તમારે સદરહુ કૂતરાની હદની બહાર નીકળી જવાનું, બસ. નવી ટેરીટરીનાં કૂતરાં ભસવાને બદલે કદાચ તમારું ચાટીને સ્વાગત કરે એવું પણ બને. ટેરરીસ્ટ આવું જ કરે છે. આ હદનાં સંદર્ભમાં પોલીસ વિભાગની તારીફમાં એક વાત સાંભળી છે. પોલીસને જો નદીમાંથી લાશ મળે તો જે તરફ લાશ મળી હોય તે તરફના પોલીસકર્મીઓ વગર ફરિયાદ લીધે, ઓન ડ્યુટી છે કે ઓફ ડ્યુટી એની પરવા કર્યા વગર, પોતાની હદમાંથી લાશને બીજા પોલીસ સ્ટેશનની હદમાં પહોંચાડી આવે છે. એ પણ કોઈપણ પ્રકારની ક્રેડીટ લીધા વગર. કોણે કીધું પોલીસ માણસ નથી?

જોકે સિંહ ડીગ્નીટીનું પ્રતિક છે. સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ નથી ખાતો. સિંહ દિવસમાં એકવાર શિકાર કરી ખાય છે અને પછી એ પચે ત્યાં સુધી પડ્યો રહે છે. સિંહોમાં સેલીબ્રીટી સિંહના ડાયેટીશીયન નથી હોતાં કે જે દિવસમાં છ-સાત વખત થોડું-થોડું જમવાની હિમાયત કરે. પરણ્યા પહેલા ઘણાં પુરુષો પોતાને સિંહ માનતા હોય છે. સ્પાઈસી અને અવનવું ખાવા-પીવાના શોખીન એવા આ ફાસ્ટફૂડમથ્થાને ભોગેજોગે પત્ની જો હેલ્થ કોન્શિયસ મળે તો સૂપ-સલાડ ને ઘાસફૂસ ખાતાં થઈ જાય છે. કોલેજકાળમાં પ્રોફેસરોને અને નોકરીકાળમાં કર્મચારીઓ કે મેનેજમેન્ટને ડારતો માણસ ઘેર બે પગ વચ્ચે પૂંછડી દબાવીને, મોબાઈલનું ચેટ અને કોલ-લીસ્ટ ડીલીટ કરીને આવે છે. માણસ સિંહ નથી. માણસ પોતાની સત્તા અને સંપત્તિનાં બળે જોર કરે છે. નામ પાછળ સિંહ લખાવનાર તો ઘણાં મળશે.

આમ તો સિંહ કાચું માંસ ખાય છે. કદાચ સિંહણોને રાંધતા નહિ આવડતું હોય. સામાન્ય રીતે શિકાર પણ સિંહ જ કરતો હોય છે, અને સિંહણ એમાંથી જયાફત ઉડાડે છે. અમે સાસણ ગયા ત્યારે સિંહોએ એક હરણનો શિકાર કર્યો એ અમે નજરે જોયું. એમાં હુમલો કરવાનું કામ એક સિંહે કર્યું જયારે હરણને દબોચ્યા બાદ સિંહણો ખાવા પહોંચી ગઈ હતી. ચાર સિંહણ હતી, પણ અંદર-અંદર ઝઘડો કર્યા વગર હરણને ખાઈ ગઈ. સિંહ માટે પણ કોઈ સિંહણ માનીતી કે અણમાનીતી હોય એવું અમારા ધ્યાનમાં ન આવ્યું. સિંહને પણ કદાચ એવા પંગા લેવા પોસાતાં નહિ હોય કારણ કે એને રહેવાનું જંગલમાં છે, અને જંગલમાં રહીને સિંહણ સાથે વેર બાંધવાનું એને મુનાસીબ નહિ લાગતું હોય.

તાજેતરમાં થયેલી વસ્તી ગણતરીમાં ગીરનાં સિંહોની સંખ્યામાં છેલ્લાં પાંચ વરસમાં ૨૭ ટકા જેટલો વધારો થયો છે. વિરોધ પક્ષ આ બાબતે ગુજરાત સરકારનો કાન ખેંચી શકે એમ છે કે ‘સરકાર વસ્તી વધારો ડામવામાં નિષ્ફળ ગઈ છે’, લોકો તો આમેય અડધું જ વાંચે છે ! એ જ રીતે કેન્દ્રમાં પણ કોઈ સિંહોના આ વસ્તી વધારાને ગુજરાત મોડલની નિષ્ફળતા તરીકે મુલવી શકે છે. જોકે આવું હજુ થયું નથી તે બતાવે છે કે વિરોધ પક્ષ સાવ ખાડે નથી ગયો.

---

અને છેલ્લે પંચતંત્ર પ્રેરિત વાર્તા. ઉંદર ઊંઘતા સિંહની ઉપર-નીચે ચડઉતર કરતો હતો. ઉંદરને આમ કરવાનું ખાસ પ્રયોજન હતું. ઉંદર સમાજમાં બીજા ઉંદરો આ જોઇને ઉંદરનો સિંહ સાથે કેવો ઘરોબો છે એ જોઈ અંજાઈ જતાં હતા. આમ તો સિંહ આળસુ હોય છે. પણ આ ઉંદરડાએ એની ઊંઘ હરામ કરી નાખી હતી. જાગીને સિંહે ઝાપટ મારીને ઉંદરને પકડી લીધો. ઉંદર ઉંદર હતો, દાઉદ નહોતો એટલે સહેલાઈથી પકડાઈ પણ ગયો. પકડાયા પછી ઉંદરને થયું કે સાલું આ તો વટ મારવામાં જાન જશે. એટલે એ સિંહને કાલાવાલા કરવા લાગ્યો. સિંહે ઉંદરને છોડી મુક્યો. અને ચેતવણી આપી કે જરૂર પડ્યે જો કામમાં નહિ આવે તો એને ગમે ત્યાંથી શોધીને કોઈ કેસમાં ફીટ કરી દેવામાં આવશે. જંગલની પોલીસ આ માટે કુખ્યાત હતી. એ લોકો ખોવાયેલા હરણના બચ્ચા શોધી નહોતાં શકતા પણ બિલ્ડરો અને નેતાઓના પોલીટીકલ વિરોધીઓને શોધવામાં અને એમના વિરુદ્ધ કેસ ફીટ કરવામાં એમની માસ્ટરી હતી. બસ પછી તો જંગલમાં ઈલેકશન આવ્યા. ઉંદરોનાં લીડર એવા પેલા ઉંદરે સમાજમાં હાકલ કરી અને સિંહ ફરી જંગલના રાજા તરીકે ચૂંટાઈ આવ્યો. આમ ઉંદરે સિંહે કરેલા ઉપકારનો બદલો વાળ્યો. બદલામાં ઉંદરને અનાજ અને ખાદ્ય બોર્ડનો ચેરમેન પણ બનાવવામાં આવ્યો. પછી ખાધું, પીધું, અને રાજ કીધું. 
--
કોમેન્ટ્સ આવકાર્ય ....

કોને કેવા પ્રશ્નો ન પૂછાય ?



કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૩૧-૦૫-૨૦૧૫

લગ્ન વિષયક વાત ચાલતી હોય એમાં છોકરાં કરતાં છોકરીનો પગાર વધારે હોય એવા લગ્નોમાં બેઉ તરફથી વાંધો પડે એવા દાખલા જોવા મળે છે. એટલે જ સ્ત્રીને ઉંમર તો નહિ જ, હવે પગાર પણ પૂછવો જોઈએ નહિ. એવી જ રીતે પુરુષો પણ ઉંમર-સભાન થઈ ગયા છે. અત્યાર સુધી શાકવાળી કોઈ બેનને માસી કે માજી કહે તેમાં એ માસી કે માજી તે શાકવાળીનો કાયમ માટે બહિષ્કાર કરે તેવી ઘટનાઓ બનતી હતી. હવે પુરુષો શાક લેવા જાય છે, અને એમાં કોઈ એમને કાકા કહે તો આવા જ રીએક્શન આવે છે. કોઈ મિડલ એજ કાકા જેવા લાગતાં કાકાને તમે કાકા કહો તો કાકાને સખ્ખત લાગી આવે છે. ઘણીવાર તો એ મૂળ વાત ભૂલી કાકા કહેવા માટે એ કાકા લડવા ઉતરી આવે છે. કેમ પુરુષોને પણ સ્વમાન હોય કે નહિ?


અમને તો લાગે છે કે આ પૂછવાનો રીવાજ જ ખોટો છે. અમેરિકા જેવું રાખવું. કશું ખરીદવું હોય તો ભાવ વેબસાઈટ બતાવે. ક્યાંય જવું હોય તો રસ્તો જીપીએસ બતાવે. ક્યાંય પૂછવા ઊભા જ નહીં રહેવાનું. આપણે ત્યાં તો એડ્રેસ પૂછવા પાનનાં ગલ્લે જવાનું અને જરૂર હોય કે ન હોય, માત્ર વિવેક ખાત્ર બે પડીકી કે સિગારેટ લેવાનાં. એમાં ગલ્લાવાળો ‘ખબર નથી’ કહી દે એટલે દસ રૂપિયા પડી જાય! પૂછતાં ભલે પંડિત થવાતું હશે, પણ તમે પંડિત થઈ ગયા હોવ તો કોઈ વિશેષ લાભ નથી મળતાં. હા, તમે કાશ્મીરના હોવ તો વાત અલગ છે.

‘તમે કિયા તે ગામના ગોરી રાજ ...’ આ પ્રશ્ન ગુજરાતી ફિલ્મ જગતમાં પુછાયેલ સૌથી લોકપ્રિય અને કૌન બનેગા કરોડપતિનાં ગુજરાતી વર્ઝનનાં પહેલા રાઉન્ડમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. આમાં ગોરીને રાજ કેમ કહે છે એ સવાલનો કોઈ દેખીતો ઉત્તર નથી. પાછું એ જમાનામાં ફેસબુક નહોતું કે જેમાં ગોરી કયા ગામનાં મૂળ વતની છે અને હાલ ક્યાં સ્થાયી થયેલ છે તે જાણી શકાય. બાકી અત્યારે તો ફેસબુક ફાળિયાવાળા સુધી પહોંચી ગયું છે. બીજો આવો જ પ્રશ્ન શોલેમાં અમિતાભ હેમાજીને બહુ નિર્દોષ ભાવે પૂછે છે, કે ‘તુમ્હારા નામ ક્યા હૈ બસંતી?’ આમાં જયભાઈનો બસંતીની ખીલ્લી ઉડાડવાનો ઈરાદો સ્પષ્ટ જાહેર થાય છે. આ જ અમિતાભ ફિલ્મ ગ્રેટ ગેમ્બ્લરમાં નીતુ સાથે ઈશ્ક ફરમાવતાં ગાય છે કે ‘તેરા ક્યા નામ હૈ ...’ આમ ગુજરાતી ફિલ્મ હોય કે હિન્દી, હિરોઈનમાં મીઠું ઓછું હોય એવું ધારી લેવામાં આવતું હતું, જે પુછાયેલા પ્રશ્નોની ક્વોલીટી પરથી જણાય છે.

આજકાલ કોઈને કમરનો ઘેરાવો અને વજન વિષે પૂછવું પણ અવિવેક ગણાય છે. સરકારી કર્મચારી અને પરિણીત ગુજ્જુભાઈ બંનેમાં ફાંદ તો ગુરૂત્તમ અસાધારણ અવયવ ગણાય. ગુજ્જેશની ફાંદના વિકાસ પાછળ નિરાંત પાક્કી સરકારી નોકરીની હોય કે પછી છોકરી મળ્યાની હોય, પણ ફાંદ હવે માત્ર આપણા શરીરનો જ નહિ પણ આપણા લોકજીવનનો ભાગ બની ગઈ છે. આજકાલ દાઢી રાખનારાં કરતાં ફાંદ રાખનારાની સંખ્યા વધી ગઈ છે. કમનસીબે દાઢીની જેમ ફાંદ આસાનીથી ટ્રીમ કરાવી શકાતી નથી આવા ફાંદેશો હાંસીપાત્ર પણ બનતા હોય છે. જેમની ફાંદ વધી ગઈ હોય એ પાર્ટી અને શુભ પ્રસંગોમાં આપોઆપ ચર્ચાનું કેન્દ્ર બની જતા હોય છે. આમાં પણ સ્ત્રી વર્ગ તરફ પક્ષપાત રાખવામાં આવે છે. કોઈ અકળ કારણસર સ્ત્રીના કમરના ઘેરાવાને ફાંદ નથી કહેવામાં આવતો. ફાંદાળા પુરુષને પાંચ માણસ વચ્ચે વજન પૂછી શકાય છે, પણ એંશી કિલોની ગજગામિનીને ‘અરે! ફીટ લાગે છે, જીમ જવાનું શરુ કર્યું કે શું?’ એવું પૂછવાનો રીવાજ છે!

અમુક સવાલો અમુક વ્યક્તિઓને પૂછતાં પહેલા હજારવાર વિચાર કરવો. જેમ કે સલ્લુ મિયાંને એસએમએસમાં વિવેક ઓબેરોયે શું લખ્યું હતું એ ન પૂછાય. અમારા પ્રિય જમરૂખ એટલે કે એસઆરકેને એક્ટિંગ એટલે શું એ ન પૂછવું. આલિયા ભટ્ટને ગાયને કેટલા પગ હોય છે એ પણ ન પૂછવું. એની ગાય બે પગવાળી પણ નીકળે. વિરાટ કોહલીને વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનનું કારણ ન પૂછાય. ચેતન ભગતને ડાન્સ કેટલાં પ્રકારનાં હોય એ ન પૂછાય. માધુરીને એ ફોટા પડાવવા તથા વોટર પ્યુરીફાયર અને વાસણ માંજવાનો પાવડર વેચવા સિવાય બીજું શું કામ કરે છે એ ન પૂછાય. છેલ્લે ડૉ. નેને ઇન્ડીયામાં શું કરે છે એ પણ ન પૂછાય.

બીજા કોને શું ન પુછાય? દરમાં આંગળી નાખી દીધા પછી ‘આ કોનું દર છે?’ એ ન પૂછાય. કામવાળાને કેટલા ઘેર કામ કરે છે એ ન પૂછાય. પાડોશીને વર્ષે કેટલા ઘઉં ભરો છો એ ન પૂછાય. કવિને ઘર કઈ રીતે ચલાવો છો એ ન પૂછાય. લેખકને તમે કયા લેખકને વાંચો છો, એ ન પૂછાય. ડોકટરોને વિદેશ પ્રવાસનો ખર્ચો કોણે સ્પોન્સર કર્યો તે ન પૂછાય. નેતાને પાંચ વરસ ક્યાં હતાં એ ન પૂછાય. ઉદ્યોગપતિને ગડબડવાળી ફાઈલ કઈ રીતે પાસ કરાવી એ ન પૂછાય. પોલીસવાળાને અનાજ-કરિયાણા અને શાકભાજીના ભાવ ન પૂછાય. મજનુંને હાડકા કેમ કરતાં ભાંગ્યા એ ન પૂછાય. વિદ્યાર્થીને કઈ રીતે પાસ થયો એ ન પૂછાય. પત્નીને બહારગામથી ફોન કરીને તારા માટે શું લાવું એમ ન પૂછાય. પતિને ‘તને ભૂખ લાગી છે?’ એવું ન પૂછાય. યુવાન છોકરીને કોનો ફોન હતો એ ન પૂછાય. છોકરાને કેટલી છોકરીઓએ રીજેક્ટ કર્યો છે એ ન પૂછાય. સૌથી છેલ્લે બેંગકોક રીટર્નને ત્યાં શું કરી આવ્યો એ ન પૂછાય.

મસ્કા ફન
નાતની વાડીમાં ડી.જે. નાઇટ ન કરાય.

Wednesday, May 27, 2015

તનુ વેડ્સ, મનુ રીટર્નસ

Credit: India Times
સરકારી યોજનાની સફળતાનો જેટલો પ્રચાર થાય છે એટલી એ ખરેખર સફળ હોતી નથી. તનું વેડ્સ મનુનું પણ કૈંક એવું જ છે. લોકોએ હવા પૂરી પૂરીને ટીડબ્લ્યુએમને એટલે અધ્ધર ચડાવી દીધી છે કે અમારે સીટમાં થોડા અધ્ધર થઈને જોવી પડી! એકંદરે કંગનાની એક્ટિંગ અને છૂટાછવાયા ડાયલોગનાં ચમકારા સિવાય ફિલ્મમાં કંઈ લેવા જેવું ની મલે ! મને ખબર છે કે આ વાંચનાર ઘણા અન્ય રીવ્યુ વાંચીને અંજાઈ ગયા હશે, અને સહેલાઈથી મારી વાત નહિ માને.

એ બધું છોડો ચાલો થોડી ફિલ્મની વાત કરીએ. ઉપર ટાઈટલમાં અલ્પવિરામ ધ્યાનથી જુઓ. તનું પરણે છે અને મનુ લીલા તોરણે પાછો ફરે છે. આવું અમે સમજ્યા હતા, ફિલ્મનું ટાઈટલ વાંચીને. આ અમારી ગલતફહેમી હતી. રીટર્નસ બીજા ભાગના સંદર્ભમાં છે. પહેલા ભાગમાં છેલ્લે તનુ મનુને પરણે છે. આજકાલની ફિલ્મોમાં હિરોઇન્સ પરણવા બાબતે સટ્ટો કરી શકાય એ હદે અનિશ્ચિત હોય છે, જનરલી પહેલા જેની સાથે એનું નક્કી થાય એ સગપણ તૂટે એ ક્રમ અતુટ છે. એમાં ફિલ્મની છેલ્લી દસ મીનીટમાં નક્કી થાય કે એ કોને પરણશે. આવી કન્ફ્યુજડ વ્યક્તિ લગ્ન કરે તો એમાં ‘પોબ્લેમ’ આવે જ ને ? ફિલ્મમાં છેવટે ઘીના ઠામમાં ચોખ્ખું ઘી પડે છે કે ડાલડા એ અહીં જાહેર કરવું યોગ્ય નથી.

તનું-મનુના પહેંલા ભાગથી તનુજા ત્રિવેદી ઉર્ફે તનું પીઅક્કડ અને વંઠેલ છે. આપણા ગુજ્જુઓને મફતની દારુ મળે તો છાકટા થતાં તમે જોયા હશે. ફિલ્મમાં હિરોઈન દારુ પીવે અને સેક્સની વાતો છૂટથી કરે એમાં ગુજ્જુઓ જ નહિ ઘણાં ક્રિટીક્સ અભિભૂત થઈ જાય છે. તો ગુજ્જુ ક્રિટીક્સની તો વાત જ ન કરાય. ફરી મૂળ વાત પર આવીએ. આગળના ભાગમાં એ છેલ્લા રીલમાં મનોજ શર્મા ઉર્ફે મન્નુને પરણે છે જેને એ શર્માજી કરીને સંબોધે છે. ફિલ્મ સર્ટીફીકેટથી લઈને છેલ્લે ક્રેડીટ ટાઈટલ્સ સુધી જોવા છતાં સ્ટોરીના અમુક ઝોલ ઝીલાતાં નથી એમાંનો એક ઝોલ પાગલખાનામાં મનુની ભરતીનો છે.

બન્નો તેરા સ્વેગર ગીત કુસુમ એટલે કે બીજી કંગના કે અમુક સીનમાં જેના ગળા ઉપર પહેલી કંગના જેવો જ મસો હોય છે તેનાં ઉપર ફિલ્માવાયેલ છે. હિમાચલમાં જન્મેલી કંગનાએ હરયાણવી એથ્લેટનો ડબલ રોલ એટલો ઓથેન્ટિક કર્યો છે કે એના અમુક ડાયલોગ સમજવા માટે કોઈ તાઉને ફિલ્મ જોવા ભાડે કરીને સાથે લઈ જવો પડે! ફિલ્મનાં સ્વેગર ગીતનું સુપર માર્કેટિંગ થયું છે. કુસુમ લોઅર મિડલ ક્લાસની બતાવી છે અને સ્વેટર પહેરીને ફરે છે. એનામાં કશું સેક્સી નથી હોતું, સ્વેટર પણ નહિ. આમાં શર્માજી કેમ મોહી પડ્યા એમાં આપણે પડવા જેવું નથી પણ ગીત-ઘોંઘાટ સાંભળવો ગમે એવો છે.

ફિલ્મના અમુક ડાયલોગનાં મેમે માર્કેટિંગવાળાએ ફરતા કર્યા છે જેવા કે ‘ક્યા શર્માજી હમ થોડે બેવફા ક્યા હુએ આપ તો બદચલન હો ગયે’ સારો ડાયલોગ લખાઈ ગયો છે, એટલે સીટયુંએશનમાં બેસે કે ન બેસે, ફીટ કરાવી તાળીઓ ઉઘરાવી લીધી છે. આપણી પબ્લિક પણ આંખમાં માછલી તરાવતા અને હથેળીમાં દરિયો ખેડાવી હવાનાં હલેસા મારતાં કવિઓને દાદ આપે છે, એમ અહીં પણ દાદ આપે છે. બાકીના થોડા ઘણાં ડાયલોગ સારા છે, સપોર્ટીંગ રોલ મઝાના છે. કંગનાને કદાચ એવોર્ડ પણ મળશે. પણ ફિલ્મના જુઠ્ઠા વખાણ કરનારાને કોઈ એવોર્ડ નહિ મળે! સારું સારું બહુ સેન્ટી ના થાવ. જોવાય એવી તો છે, જાવ જોઈ આવો ! n

Sunday, May 24, 2015

ભાસ્કર બેનરજી અને કચકચિયા બુ્ઢ્ઢાઓ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૪-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી |

પીકુ ફિલ્મમાં અમિતાભ ભાસ્કર બેનર્જી નામનાં કચકચિયો બુ્ઢ્ઢાનો રોલ
કરે છે. ભાસ્કર બેનરજી બંગાળી મિશ્રિત હિન્દી અંગ્રેજી બોલતો, હોમિયોપેથીમાં માનનાર, ભેજાગેપ, આખાબોલો ટીપીકલ બંગાળી છે, પણ ફોર અ ચેન્જ ક્લીન શેવ્ડ નથી. બંગાળણ જયાજીને પરણનાર અમિતાભજી ઓથેન્ટિક બંગાળી બોલે એ સ્વાભાવિક છે. ભાસ્કર બેનરજી દિલ્હીમાં ટૂંકું નામ ધરાવતી દીકરી પીકુ (દીપિકા) સાથે રહે છે. પીકુ આર્કિટેક્ટ છે અને બેનરજી સાથે રહીને બંગાળી સિવાયની ભાષાઓમાં પણ કચકચ કરતાં શીખી ગઈ છે. ભાસ્કર બેનરજીની જિંદગી કબજિયાતની આસપાસ ગોઠવાયેલી છે. રોજ એક કરતાં વધારે વખત સંડાસનાં આંટા મારવા અને એ પછી એના મૌખિક અને લેખિત (મેસેજ) રીપોર્ટ નોકર-ચાકર અને ઓળખીતાં-પાળખીતાને આપવાનો શોખ ધરાવે છે. બેનરજીએ સારી એવી એનર્જી પોટી ક્રિયા અંગે સંશોધનમાં બગાડી છે, છતાં એની મૂળભૂત શંકાનું સમાધાન થયું નથી. અમારા મતે આનું મુખ્ય કારણ એ છે કે ભાસ્કર બેનરજીએ સૌરાષ્ટ્રના ગાંઠિયા ખાવા સિવાય કબજિયાતના બધા જ ઉપાય કર્યા છે, જે કારગત નથી નીવડ્યા. ટૂંકમાં થીયોરેટીકલી એને કબજિયાતનો ઉપાય માલુમ છે. આમ છતાં કોઈ નવા ઉપાય બતાવે તો તે અપનાવવા માટે ઓપન માઈન્ડેડ છે, કારણ કે મોશન બાબતે એ ખુબ ઈમોશનલ છે. આ મુદ્દે એ પીકુનું ઈમોશનલ એક્પ્લોઈટેશન પણ કરે છે. પીકુ મુવી ખડખડાટ હસાવવાથી લઈને ઝળહળિયા સુધીની સફર કરાવી દે છે. અમિતાભના ચાહક તરીકે અમારા માટે પીકુ એક યાદગાર ફિલ્મ બની રહેશે.  

પણ વાત સિત્તેરે પહોંચેલા બુ્ઢ્ઢાઓની કરવાની છે. બુ્ઢ્ઢેશો પોતાનાં મત સાથે સૌ સહમત હોય એવું એ ઝંખતા હોય છે. આનું કારણ એ છે કે આખી જિંદગી પોતાના મા-બાપ, કુટુંબની જવાબદારીઓ, નોકરીની લાચારીઓ, અને નાણાકીય અગવડો ભોગવ્યા બાદ એને બાકી રહેલી જિંદગી એમને પોતાની રીતે જીવવી હોય છે.

આમ તો મિડલ એજથી જ મનુષ્યોમાં હેલ્થ-સ્કેર થવા લાગે છે. અમોલ પાલેકરે ‘મેરી બીવી કી શાદી’ ફિલ્મમાં આવા એક હાઈપોકોન્ડ્રીઆકનો રોલ કરેલ. બગીચામાં ચાલવા આવતા જે બુ્ઢ્ઢાઓને તમે જુઓ છો તેમાંના મોટા ભાગનાં ડર કે ડોકટરના પ્રિસ્ક્રીપ્શનથી ચાલવા આવે છે. ડોકટરે કીધેલ ‘ચાલીસ મિનીટ ચાલશો નહિ તો નહિ ચાલે’ વાક્યની અસર શબ્દશ: બસંતીને ગબ્બરે કીધેલ ‘જબ તક તેરે પેર ચલેંગે ઇસકી સાંસ ચલેગી’ જેવી થાય છે. આરોગ્ય અંગે આ બુ્ઢ્ઢાઓને બે ભાગમાં વહેંચી શકાય ૧) જેમને સીરીયસ તકલીફ છે અને છતાં બિન્દાસ્ત જીવે છે અને ૨) જેમને કોઈ તકલીફ નથી છતાં મરતાં મરતાં જીવે છે. એક કે જેમને ના પાડી હોય એ બધું બાળકની જેમ કરે છે. ગળ્યું અને તળેલું ખાવાની ના પાડી હોય ત્યારે સલાડ છોડીને ગુલાબ જાંબુ પર એ પહેલો હાથ મારે. ચાલવાનું કીધું હોય તો ઘરમાં બેસી રહે. આંખોની તકલીફ હોય તોયે કાર ચલાવે, અને ટાંટિયા ભમતાં હોય તોયે મંદિર જાય. હાર્ટની તકલીફ હોય તોય પ્રવાસો ગોઠવે અને એવા જ કોક પ્રવાસમાં કુટુંબીજનોને ‘ચાલો તીર્થસ્થાનમાં દેહ પડ્યો એટલું સારું છે’ એવું આશ્વાસન લેતાં મૂકી પરલોકના પ્રવાસે ચાલ્યા જાય છે.

જેમ ધરતીકંપ પછી ઘર ટેકનીકલી સુરક્ષિત હોય છે તેઓ પણ પોતાના ઘરમાં સૂતાં પણ ડરે છે, તેમ પોતાનાં કોક ન નિકટના દોસ્તારની ટીકીટ વહેલી ફાટી ગઈ હોય એનાં આઘાતમાં બીજા પ્રકારના બુ્ઢ્ઢાઓ પોતે સાજાનરવા હોય તો પણ વૈરાગ્યમય જીવન વ્યતીત કરે છે. ‘સાંજે આઠ પછી નથી જમતો’, ‘ડ્રાઈવિંગ બંધ કરી દીધું છે’, ‘બહાર જતાં ડર લાગે છે’, ‘હવે ઉંમર થઈ ગઈ,’ ‘પાકા ઘડે કાંઠલા ન ચઢે’ આવું બધું રીટાયર થયાના છ મહિનામાં બોલતાં થઈ જાય છે. રોજ કલાકો છાપામાં મ્હોં નાખીને બેસી રહેનાર આવા વડીલોને તિવારીઓ, બાબાઓ અને બાપુઓ, કે પછી ઇન્ડીયન પોલીટીકલ લીગના એવરગ્રીન સીનીયર સિટીઝનો જાણે દેખાતાં જ નથી !

બુ્ઢ્ઢાઓની એક ખાસિયત છે એમની કચકચ. એમની ફરિયાદો સાચી પણ હોય અને ખોટી પણ હોય. આખો દિવસ ન્યૂઝ ચેનલ જોઈ લોહી બાળે અને પછી હિમોગ્લોબીન ઓછું થઈ ગયાની ફરિયાદ કરે. ડેન્ટીસ્ટને દાંત કઈ રીતે કાઢવોથી લઈને કુરિયર ડીલીવર કરનારને કયા સમયે ડીલીવરી કરવા અવાય એ બાબતે લેકચર આપે. એમની ફરિયાદો પણ ઇનોવેટીવ હોય, જેમ કે ‘મારી એકસરસાઈઝ સાયકલમાં કોણે પંચર પાડ્યું?’ પાછું એમને બધું ટાઈમ-ટુ-ટાઈમ જોઈએ, ક્યાંય જવાનું ન હોય તોયે. એમને દહીંથી કબજીયાત, છાશથી ઓડકાર અને દુધથી ઝાડા થાય, પણ દિવસમાં છ વખત ચા પીવાથી કશું ન થાય ! ઘરમાં કોઈ મહેમાન આવે તો એને આવાં વડીલો ધરાર ચા પીવા આગ્રહ કરે, અને પછી રસોડા તરફ ‘એક રકાબી મારી પણ ભેગી મૂકજે’ ઓર્ડર પાસ ઓન કરે.

ઘડપણમાં યાદશક્તિ નબળી પડે છે. જોકે મેડીકલી ઉંમર થાય એટલે શોર્ટ ટર્મ મેમરી પર વધારે અસર થાય છે, પણ લોંગ ટર્મ મેમરી જળવાયેલી રહે છે. આનો સૌથી વધુ ભોગ નજીકના બને છે. ઘરડાં અગાઉ કહેલી વાત ભૂલી જઈ, એની એ વાત, એના એ વ્યક્તિને, અથ થી લઈ ને ઇતિ સુધી, દરવખતે એક સરખાં ઉત્સાહ સાથે કરે છે. પણ ચૌદમી વખત સાંભળનાર વાત એટલા જ ઉત્સાહથી વાત ન સાંભળે, તો પાછું એમને લાગી આવે છે. ચશ્માં ખોવાઈ જતાં આખું ઘર માથે લેતાં આ ભૂલકણા કાકાઓ એફડી રીન્યુ કરાવવાની અને હયાતીના સર્ટીફીકેટ જમા કરાવવાની ડ્યુ ડેટ કદી નથી ભૂલતાં, એટલું એમના વારસદારોનું સદભાગ્ય છે!

લાચારી અને ખુદ્દારી સાથે જીવનાર વૃધ્ધોના અઢળક દાખલા આપણી આસપાસ જોવા મળશે. સિત્તેર વર્ષે પિસ્તાલીસના દીકરાને ધોલ મારનારા પણ અમે જોયાં છે. એટલે આ તો ઉદાહરણ છે, આવા કાકાઓ પાસેથી ખુમારી શીખવાની છે, ધોલ મારવાનું નહીં. પણ આવા કાકાઓને મળવું આનંદદાયક બની રહે છે. એમણે ઈસ્ત્રી ટાઈટ જીન્સને ટીશર્ટ પહેર્યું હોય. નવરાશનો ઉપયોગ કરીને વાળ સરસ કપાવેલ અને કલપ કરાવેલ હોય. હીપ-પોકેટમાં કાંસકો તો હોય જ પાછો. સ્માર્ટ ફોન હોય અને એ વાપરતાં પણ આવડતું હોય. પંચ્યાશી ટકા ટાલ ધરાવનાર મારા પપ્પા બ્યાંસી વરસ જીવ્યા ત્યાં સુધી વાળમાં ડાઈ કરતાં/કરાવતાં. પાછલા વર્ષોમાં એમની સાથે રોજ કોઈક નાની મોટી રકઝક થતી, છતાં એ ગયા પછી જે શૂન્યાવકાશ પડ્યો છે એ હજી ભરાયો નથી. ભાગ્યે જ કોઈ એવું હશે જેને પીકુ જોઇને બાપનાં ઘડપણમાં સાથે વીતાવેલો સમય નજર સમક્ષ તરવર્યો ન હોય ને એ યાદ કરી આંખમાં ઝળઝળિયાં ન આવ્યા હોય.

તમે એકવાર ચાઈના જાજો રે .....

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૪-૦૫-૨૦૧૫
 

આપણા લોકગીત હોય, ફિલ્મી ગીત હોય કે નાટકના ગીત હોય એમાં નાયિકા ક્યારેક કયારેક નાયકને ધંધે લગાડતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે ‘અરુણોદય’ નાટકનું પ્રભુલાલ દ્વિવેદી એ લખેલું ગીત ‘તમે જો જો ના વાયદા વિતાવજો, પિયું પહેલી પેસેન્જરમાં આવજો...’ લો કે પછી ફિલ્મ ‘સોન કંસારી’નું કવિ અવિનાશ વ્યાસે લખેલું ‘છેલાજી રે, મારે હાટુ ...’ લો કે પછી ‘તમે એકવાર મારવાડ જાજો રે મારવાડા ...’ એ લોકગીત લો. આ ત્રણેય ગીતમાં પીયુજી, છેલાજી અને મારવાડા તરીકે જે પાર્ટીઓને સંબોધવામાં આવી છે તે તમામને ગીત ગાનાર મહિલા અમુક ચોક્કસ ચીજ-વસ્તુઓ લાવવાની વરધી આપતી જણાય છે. એમાં પહેલા ગીતવાળા પીયુજી પાસે તો એ જમાના પ્રમાણે હેર ઓઇલના હેન્ડબીલ, સિલ્કની બોર્ડરવાળા ઉંચી જાતના કપડા ઉપરાંત પેરિસના હર્મોનીયમનો ઓર્ડર છે જે ખરીદ્યા પછી પહેલી પેસેન્જર ટ્રેન પકડવાની એમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. એ પછીના ગીતમાં છેલાજીએ પાટણના પટોળા વહોરતા આવવાનું છે. એમણે કઈ રીતે આવવાનું છે એની કોઈ સૂચના નથી. પણ અત્યારના પટોળાનો ભાવ જોતાં છેલાજીએ જીપડા પાછળ લટકી કે શટલીયું જ પકડીને આવવું પડે એવી વકી છે. જયારે મારવાડાની હાલત વધારે ખરાબ છે. એણે તો મારવાડ, જામનગર, ઘોધા, ચિત્તળ અને છેલ્લે પાટણ સુધીનો આંટો મારીને મહેંદી, લહેરિયું, ઘૂઘરા, ચૂંદડી અને પટોળા લેતા આવવાના છે. આમાંથી પટોળા માટે તો છેલાજીને કહી દે તો એ બે વધારે લેતો આવે, પણ બાકીના માટે તો એણે જાતે જ ધક્કો ખાવો જ પડે. અને સીધી વાત છે, ધંધો લઈને બેઠા હોવ તો ધક્કો ખાવો ય પડે!
 
આ વાત યાદ એટલા માટે આવી કે પહેલાંના જમાનામાં કોઈ બહારગામથી આવતું હોય તો એની પાસે લોકો જાતજાતની વસ્તુઓ મંગાવતા. હજી પણ રીવાજ ચાલુ છે અને આ જ કારણથી અમુક NRI પાર્ટીઓ અગાઉથી જાણ કર્યા સિવાય જ ટપકી પડતી હોય છે. થોડા સમય પહેલા બાબાભાઈ બેંગકોકથી આવ્યા ત્યારે આપણે આપણે એક સારી તક ચૂકી ગયા. પણ નિરાશ થવાની જરૂર નથી. આપણા સાહેબ અત્યારે ચીન અને મોંગોલિયાના પ્રવાસ ઉપર છે. ત્યાં એમને એક ઘોડો પણ ભેટ તરીકે મળી ચુક્યો છે. એટલે પ્રેટ્રોલના ભાવ વધારાને કારણે તમે એકટીવા કે ગાડી વેચી દીધી હોય તો સાહેબને વહેલી તકે કહેવડાવી દેજો.

બાકી ચાઈનાથી શું મંગાવવું એ મોટો સવાલ છે. આના બે કારણો છે, પહેલું કારણ એ કે ચીનની દીવાલ સિવાય ચાઈનાની કોઈ વસ્તુઓ ટકાઉ નથી. એટલે સુધી કે આપણે ત્યાં હવે બિનટકાઉ ચીજ-વસ્તુઓને ચાઇનીઝ કહેવાનો રીવાજ પડી ગયો છે. ચાઇનીઝ મોબાઈલ, બેટરી, રમકડા વગેરે ટકાઉ હોતાં નથી, પણ એ સસ્તા હોવાને લીધી લોકો ખરીદતા હોય છે. એમ તો રામલાઓ પણ બહુ ટકતા નથી અને મોંઘા પણ પડે છે. એટલે ચીનથી રામલા મંગાવી શકાય. કમસેકમ એ સસ્તા તો પડે જ, ઉપરાંત એમને હોળી અને સાતમ-આઠમ જેવું કશું હોય નહિ એટલે રજાઓ પણ ઓછી પાડે. ઉપરથી નવરા પડે ત્યારે ચાઇનીઝ રાંધી આપે એ જુદું. સામે બોનસ તરીકે આપણા ઘરની ભીંતો પર અને બારી-બારણાની તિરાડોમાં ફરતું એમનું કરિયાણું મફતમાં લઇ જવાની એને છૂટ આપવી પડે!

ચીન રમતગમતમાં ખુબ આગળ છે અને ઓલમ્પિકમાં પણ ખાસાં મેડલ જીતે છે. ચીનમાં માર્શલ આર્ટનું પણ બહુ ચલણ છે. માર્શલ આર્ટ જાણતા ચીના દીવાલ પર આસાનીથી ચઢી જતા હોય છે. મોટા મોટા કુદકા મારી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચી જતા હોય છે. આવી જાણકારી આપણે ત્યાં ખુબ કામમાં આવે. અમદાવાદમાં જે રીતે ભુવા પડે છે અને ચેઈન સ્નેચિંગ થાય છે એ જોતાં આપણી પ્રજાને લોંગ જંપ-હાઈજમ્પ અને માર્શલ આર્ટ શીખવવા માટે ચાઇનીઝ કોચ અને માર્શલ આર્ટસના માસ્ટર્સ લાવવામાં આવે તો પોલીસ ખાતાનો ઘણો ભાર હળવો થાય અને મુનસીટાપલીનો પણ જાન છૂટે. જસ્ટ વિચારો કે માર્શલ આર્ટ જાણતી નારણપુરાની પંજાબીધારી કાકીની ચેઈન લુંટવા બાઈક પર આવનાર ચોરના હાથ-પગ તો કાકી છુટા કરી જ આપે પણ સાથે સાથે પેલો આખા દિવસની કમાણી પણ મુકતો જાય એવું કરી આપે.

આપણે ત્યાં ચાઇનીઝ ફૂડ એટલું બધું લોકપ્રિય અને સસ્તું છે કે એ લારીઓ પર મળે છે. આ બધું વગર એમઓયુ કર્યે આવી જ ગયું છે. હવે તો ત્યાં ન મળતી હોય એટલી ચાઇનીઝ વેરાઈટીઝ આપણે ત્યાં મળે છે. એટલે ચીની પ્રમુખ જીનપિંગે આપણા સાહેબને ‘ઓલું લાવજો, પેલું લાવજો ...’ ના કહ્યું હોય તો પણ વળતા વહેવારે સાહેબ અહીંથી ચાઈનીઝ સમોસા, ચાઈનીઝ ભેળ, ચાઈનીઝ પાત્રા અને ચાઈનીઝ પિત્ઝા-બર્ગર બનાવનારા કારીગરોને સાથે લઇ જઇ શક્યા હોત અને ભારતની વિકાસની ભૂખ તથા ભૂખના લીધે થયેલા વિકાસની ઝલક બતાવી શક્યા હોત.

સાહેબને સંગીતનો પણ શોખ છે. અહીં એમણે ઘણા લોકોનું બેન્ડ બજાવ્યુ છે. છેલ્લે એ જાપાન ગયા ત્યારે ‘સોપ્રાનો’ તરીકે ઓળખાતી વાંસળી અને ડ્રમ બજાવી ચુક્યા છે. મોંગોલિયાની મુલાકાત વખતે એમણે ‘મોરીન ખુર’ તરીકે ઓળખાતું બે તારવાળી સારંગી જેવું વાદ્ય પણ વગાડ્યું હતું. આ હિસાબે એમની પાસે કોઈ ચાઇનીઝ વાજિંત્ર મંગાવી શકાય, પણ તકલીફ એટલી જ કે એમના દરેક વાદ્યમાંથી એક જ સૂર નીકળે એવો એમનો આગ્રહ હોય છે એટલે એ નકામું પડે.

મસ્કા ફન
શમા શોપિંગ કરે અને પરવાના પેમેન્ટ કરે !

Sunday, May 17, 2015

નુડલ્સ પણ સેવ છે


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૭-૦૫-૨૦૧૫

કોર્ટે કહી દીધું છે કે બે મીનીટમાં તૈયાર થતી એક ચોક્કસ બ્રાન્ડની નુડલ્સ ઘઉં કે મેંદાની સેવ ગણી તેના પર સેલ્સ ટેક્સ કે વેટ ન લેવો. ૧૯૮૬થી અત્યાર સુધી આ સેવ પર સેલ્સ ટેક્સ નહોતો લાગતો. સરકાર હવે વેટ વસુલવા માંગે છે. સરકારનું કહેવું છે કે નુડલ્સ સેવ નથી. આ હુકમથી સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ ઓછો મળશે. સરકાર અપીલ કરે અને કોર્ટના આ હુકમથી વિપરીત ચુકાદો ન આવે ત્યાં સુધી નુડલ્સ એ સેવ રહેશે. હવે સેવ-ટામેટાનાં શાકમાં સેવ તરીકે એ કાયદેસર રીતે વાપરી શકાશે. જો કોઈ કાઠીયાવાડી ધાબુ આમ કરતુ હશે તો આરોગ્ય વિભાગ એની સામે કાયદેસર પગલાં લઈ શકશે નહિ, અને એ કહેવાતું સેવ-ટામેટાનું શાક જપ્ત પણ નહીં કરી શકે.

જોકે આ આખી વાત એ પ્રશ્ન ઉભો કરે છે કે સેવ કોને કહેવાય? સેવ કેવી હોય? આપણે જુદી જુદી જાતની સેવ ખાઈએ છીએ. સેવ ઘઉં, મેંદા, ચોખા, અને ચણાના લોટની બને છે. ભેળમાં નખાય છે એ નાયલોન સેવ છે. જોકે કોટન સેવ જેવું કશું બજારમાં મળતું નથી. હોત તો એ નાયલોન સેવ કરતાં ચોક્કસ મોંઘી હોત એટલું ખાતરીપૂર્વક કહી શકાય. નાયલોન સેવ પાતળી હોય છે. એનાથી જાડી રતલામી સેવ હોય છે. જે ઘરમાં ફિક્કી અને ખરાબ દાળ બનતી હોય તો એમાં રતલામી સેવ નાખી દાળનો ટેસ્ટ એન્હેન્સ કરી શકાય છે. રતલામી સેવ તીખી હોય છે. બિન-રતલામી સેવ એજ સાઈઝની હોય છે અને ઓછી તીખી હોય છે, જે સેવ-ટામેટાનાં શાકમાં વપરાય છે. જેમ કાળી ધોળી રાતી ગાય દૂધ તો સફેદ જ આપે છે અને એ દૂધમાંથી પેંડા, બરફી, બટર, ચીઝ વગેરે બને છે, એમ જ ચણાનો લોટ પણ સેવ, ભજીયા, ગોટા, ગાંઠીયા, ફાફડા એવા જુદા જુદા રુપ ધારણ કરી શકે છે. ચણાનો લોટ ઈશ્વરની જેમ એક છે, પણ જુદાજુદા ધર્મોમાં વર્ણવ્યા મુજબ એનાં સ્વરૂપ જુદાજુદા છે.

ડિક્સનરીમાં સેવ એટલે લાંબી સળી જેવી વાનગી એવો અર્થ આપેલ છે. આ રીતે જોઈએ તો ચણાના લોટમાંથી બનતી સેવને પણ સેવ ન કહેવાય કારણ કે એ લાંબી સળી જેવી નથી હોતી. મતલબ કે એ સળી જેવી હોય છે, પણ લાંબી તો નથી જ હોતી. નાયલોન સેવ તો સળી જેવી નહિ, લચ્છા જેવી હોય છે. નુડલ્સ મશીનમાં બને છે અને એનું ગૂંચળું વાળીને ચોસલાબંધ બનાવવામાં આવે છે. આ રીતે જોઈએ તો રોટલી ઘઉંના લોટની પાતળી વણીને થતી ગોળ વાનગી છે અને કાયદામાંથી છટકવું હોય તો રોટલી ચોરસ, લંબચોરસ અથવા અષ્ટકોણ આકારની બનાવી શકાય. જોકે ઘણી જગ્યાએ રોટલી ગોળ નથી જ બનતી અને આનું કારણ એ છે કે વેકેશનમાં રોટલી વણતા શીખવે એવા કોઈ કોચિંગ ક્લાસ નથી હોતાં. એમાં છોકરાં આજકાલ રૂપિયા ખર્ચ્યા સિવાય કશું શીખવામાં માનતા નથી. પણ આ આડ વાત થઈ.
 
નુડલ્સ માત્ર બે મીનીટમાં બને છે. એક અંદાજ મુજબ બીલ ગેટ્સ બે મીનીટમાં લગભગ પચ્ચીસ લાખ રૂપિયા કમાય છે. એવી અફવા બજારમાં ચાલે છે કે આઇપીએલમાં કરોડોમાં વેચાયેલા અમુક ક્રિકેટરો નુડલ રંધાય એટલી વારમાં આઉટ થઈ જાય છે એ કારણે નુડલ્સ બનાવતી કંપની એમને કંપનીના બ્રાંડ એમ્બેસેડર બનાવવા તલનુડલ છે. એક મજાક એવી ચાલે છે કે પત્ની નુડલ નથી કે એ બે મીનીટમાં તૈયાર થઈ જાય, માટે ખોટી કીકો મારવી કે ખાવી નહિ. અમે માનીએ છીએ કે પત્નીને નુડલ સાથે સરખાવવી જ હોય તો નુડલનાં ગૂંચવાડા તરફ નજર દોડાવવી જોઈએ.

અમારા કઝીનના ત્યાં છત્રીસ જાતની કઢી બને છે. ગમે તેટલા પ્રયત્નો કરે છતાં ભાભી બે વખત એકસરખી કઢી નથી બનાવી શકતાં. આમ જોવા જાવ તો કઢીમાં પાણી, ચણાનો લોટ, દહીં અને મસાલો જ હોય છે છતાં. આ રીતે જુઓ તો નુડલ્સ જલ્દી બને છે અને એનાં સ્વાદમાં વણજોઈતું વૈવિધ્ય નથી આવતું. નુડલ્સની પોપ્યુલારીટીનું કારણ એને રાંધવામાં પડતી સગવડ છે. એક તો એ રાંધવામાં માત્ર પાણીની જરૂર પડે છે. બીજું કે એમાં મસાલાનું પેકેટ તૈયાર આવે છે. ઘણાં તો આ મસાલો શાકમાં પણ નાખે છે જેથી શાકનો સ્વાદ સહ્ય બને. એ પણ પાછું ડાઈનીગ ટેબલ પર, રાંધનારની જાણ બહાર. અમે આને થાળીમાં વઘાર કરવો કહીએ છીએ. રસોઈ પીરસાઈ જાય પછી થાળીમાં જ વાનગીઓ પર મીઠું, મરી, ચાટ મસાલા. સાલસા, દહીં, સોસ, ખાંડ, ચટણી વગેરે નાખી વાનગીને ખાવા યોગ્ય બનાવવાની ક્રિયાને થાળીમાં વઘાર કરવો કહે છે.

એક સમયે ઘેંશ રાંધવી સૌથી સહેલી ગણાતી હતી. જે કન્યા ઘેંશ રાંધવામાં પણ લોચા મારતી હોય એની મમ્મીને સાસુઓ મન મુકીને ચોપડાવતી. આજે ઘેંશનું સ્થાન ઇન્સ્ટન્ટ નુડલ્સે લીધુ છે. પહેલા કહેવત હતી 'આવડે નહીં ઘેંશ અને રાંધવા પેસ' પણ હવે કહેવું પડે કે 'આવડે નહીં મેગી ને રહું સૌના ભેગી'. આવા કેસ ફલેટે-ફલેટે મળી આવે. સરકાર જો એવો નિયમ કરે કે લગ્નના જમણવારમાં કન્યાને રાંધતા આવડતી હોય એવી જ વાનગીઓ જ પીરસી શકાશે, તો એ દિવસ દુર નથી કે આપણે ત્યાં મેગીના જમણવારો ય થવા માંડે !

મસ્કા ફન

કમસેકમ ફાસ્ટ ફૂડ તો ફાસ્ટ બનાવ બકા ...

પત્નીને પિયર મોકલવાની કળા

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૭-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી |
-
કૌશલે ભોળા થઈને કૌશલ્યાને કહ્યું ‘હું શું કહું છું, મમ્મી-પપ્પા આ વખતે ભાઈના ત્યાં લંડન તો નથી જવાના ને ઉનાળામાં?’

હકીકત એ હતી કે ડોહાએ પોતે કહ્યું’તુ કે, ‘કૌશલકુમાર આ વખતે કીર્તિભઈની છોકરીના લગન છે મે એન્ડમાં, અને પછી જુનની ચોવીસમીએ જ્ઞાતિના ફંકશનમાં હાજરી આપવી પડે એવી છે, કારોબારીમાં છું એટલે, એટલે આ વખતે આ ગરમીમાં અહીં જ રહેવું પડશે, શું થાય?’ પણ કૌશલ કોલેજ કાળ દરમિયાન નાટકમાં ભાગ લેતો હતો એ આખી વાત કૌશલ્યાએ ડિસ્કાઉન્ટ કરી નાખી હતી.

કૌશલ્યા: ‘મારે વાત તો થઈ નથી, પણ જવાના હોત તો મને મમ્મીએ કહ્યું જ હોત’.

કૌશલે સોગઠી મારતાં ચહેરા પર માસુમિયત જાળવીને જવાબ આપ્યો: ‘તો ઠીક, મેં કીધું મમ્મીની તબિયત નરમ ગરમ રહે છે ને આમ લંડન દોડાદોડ કરે એ સારું નહિ’.

કૌશલ્યા : ‘સાચે મમ્મી બહુ વિક થઇ ગયા છે, અને પપ્પા જ્ઞાતિની પંચાતમાંથી ઊંચા નથી આવતા’

કૌશલ મનમાં વિચારે છે કે, ભૂતકાળમાં એકવાર સસરાને પોતે પંચાતીયા કીધા હતા એમાં ઘરમાં કેવું યુદ્ધ ખેલાઈ ગયું હતું. પણ એવું મનમાં લાવ્યા વગર, કૌશલકુમાર ઉર્ફે કેકે આગળ ચલાવે છે. ‘શું કરે પપ્પા પણ? રીટાયર થયા પછી એમને રૂપિયાની ભલે જરૂર ન હોય, પણ કોઈ પ્રવૃત્તિ તો જોઈએ ને?’

કૌશલ્યા: ‘પણ મમ્મી એકલી પડે છે એનું શું? આખો દિવસ બિચારી સીરીયલો જોયા કરે છે’.

મમ્મીની રોવાધોવાની સીરીયલ જોવાનાં ગાંડપણ વિષે ટીકા કર્યા બાદ અઠવાડિયા સુધી રોજ કોબીનું બાફેલું શાક ખાવું પડ્યું હતું તે કૌશલને યાદ આવી ગયું. પણ એને પણ અવગણીને કૌશલે આગળ ચલાવ્યું.

કૌશલ: ‘હા, સાચેજ, મમ્મી એકલી પડી ગઈ છે. પણ શું થાય? તું પણ જઈ શકે એમ નથી આ વખતે’.

કૌશલ્યા : ‘કેમ? હું જઈ જ શકું એમ છું.’

કૌશલ : ‘એટલે તું ચોક્કસ જઈ શકે, પણ આ તો તું પેલા ડ્રાઈવિંગ ક્લાસ જોઈન કરવાનું વિચારતી હતી એટલે મેં કીધું’.

કૌશલ્યા : ‘ડ્રાઈવિંગ તો ગમે ત્યારે શીખાશે, મને લાગે છે હું જઈ જ આવું. પણ ટીકીટ મળશે ને?’

કૌશલ મનમાં વિચારી રહ્યો. આને દસ વરસથી ડ્રાઈવિંગ શીખવાડું છું. પાંચ-દસ કિમી. ચલાવીને પછી બહાના કાઢી ઓટો કે સ્કુટી પર નીકળી પડે છે. છેવટે કંટાળીને ક્લાસ ભરવાનું નક્કી થયું હતું.

કૌશલ : ‘હા, એ પણ છે, ડ્રાઈવિંગ ક્લાસ તો બારેમાસ ચાલુ જ હોય છે, અને ટીકીટ તો ગમે તેમ કરીને કરાવી દઈશ. નહિ થાય તો ફ્લાઈટમાં જજે, બીજું શું’.

---

નર્સરીમાં દાખલ કરેલા બાળકને ઘરમાં તૈયાર કરો ત્યારથી એનો કકળાટ ચાલુ થઈ જાય. એને મુકવા જાવ કે વાનમાં બેસાડો ત્યારે તો ભેંકડા ચાલુ થઈ જાય છે. પત્નીને પિયર જવાની દરખાસ્ત પતિ તરફથી મુકવામાં આવે તો એના રીએક્શન પણ ધમાકેદાર હોય છે. સફળ પતિ એ છે, જે પત્નીને પિયર જવા પ્રેરે છતાં પેલીને ખબર નથી પડતી કે આખા આયોજનમાં ક્યાંય વિઘ્ન ન આવે તે માટે પોતાનો સગ્ગો પતિ વિઘ્નહર્તાનો રોલ કરી રહ્યો છે.

આ માટે પિયર જવાની ડેટસ અને કોઈ અન્ય સામાજિક પ્રસંગની તારીખોની અથડામણ, ટ્રેઈન-પ્લેનનું બુકિંગ, જ્યાં જવાની છે ત્યાં એ તારીખોમાં ઘર ખુલ્લું હોવું જેવી અનેક બાબતોનું સફળ કો-ઓર્ડીનેશન કરવું પડે છે. ફ્લાઈટ કે ટ્રેઈનનું શીડ્યુલ સહેજે અટવાય નહિ એ માટે પંદર દિવસ પેલ્લાથી હવામાન ખાતાની આગાહીઓ જોતા હોય, પોતાને ઓફીસમાંથી રજા મળશે નહિ એ વાત ની ખાતરી કરાવવા એક મહિનાથી ઓવરટાઈમ કરીને મોડા ઘરે પધાર્યા હોય અને ઘરે આવીને સતત બોસની બુરાઈ કરી હોય. જેથી પિયરે મુકવા કે લેવા જવાની જવાબદારીમાંથી છટકી શકાય। ખાવા-પીવામાં તકલીફ પડશે એ પ્રશ્નના હાલ સ્વરૂપે છેલ્લા અઠવાડિયામાં ‘મને તો એમેય પેટ માં ગરબડ છે હમણાં 3-4 દિવસ તો દહીં-ખીચડી જ જમી લઈશ’ ના નાટક!! આમ પતિની મેનેજરીયલ સ્કીલ્સ કાબિલેદાદ હોય છે, પણ એને દાદ આપનારનું મ્હોં બંધ રાખવા પાછા વિશેષ પ્રયાસો કરવા પડે છે. ટૂંકમાં જે માણસ પત્નીને પિયર મોકલવામાં સફળ થાય તે થોડા દિવસ બુદ્ધ બની જાય છે. બાકી, સોક્રેટીસો તો ચૌરે અને ચૌટે અથડાય જ છે!

પત્ની પિયર જાય એ દુઃખી થવાની ઘટના છે કે ખુશીની, તે ચર્ચાનો વિષય હોઈ શકે. આ અંગે અમે મહિલાઓ સાથે ઘર્ષણમાં ઉતરવા તૈયાર પણ નથી. એટલે જ સિક્કાની બીજી બાજુ વિષે પણ લખવું જરૂરી છે. ઘણાં પતિ એવા હોય છે કે જેમનાથી શેક્યો પાપડ પણ ભાંગતો નથી. ખીચડી તો દુર ચા પણ બનાવતા એમને આવડતી નથી. એટલે પત્ની પિયર જાય ત્યારે જાતમહેનત કરવામાં એમને કોઈ જાતનો રસ નથી હોતો. પત્નીની ગેરહાજરીમાં જરૂરી કામમાં જેવા કે દૂધ લેવું અને ગરમ કરવું, વાસણ સાફ કરવા, કપડાં ધોવડાવવા અને ઈસ્ત્રી કરાવવા અનિવાર્ય હોય છે. પણ કપડા ઇસ્ત્રીમાં આપવા જેટલા સામાન્ય કામમાં મહાશય સાફસૂફી માટે રાખેલા કટકા અને ફાટેલી ચાદરોને પણ જોયા વિના ઇસ્ત્રીમાં આપી દે છે. આવા કામોમાં ભોગેજોગે જો પુરુષ આવડત ધરાવતો હોય તો તે પત્નીની સફળતાની નિશાની છે. પણ ખેદ સાથે કહેવું પડે છે કે પત્નીઓ આમાં પણ મહદઅંશે નિષ્ફળ ગયેલી જણાય છે. મમ્મીઓને તો પોતાના ચિરંજીવીને આવી કળા આપવાનું જરૂરી જણાયું જ નથી.

પત્ની પિયર જાય એટલે જોકે વાત પૂરી થતી નથી. હવે કંઈ એ દિવસો નથી કે જયારે જન્મ-મરણના સમાચાર પણ ટેલીગ્રામથી કે પાડોશીના ફોન પર આપવા પડતાં હતાં. હવે તો ટ્રેઈન પ્લેટફોર્મ છોડે એ પહેલા વોટ્સેપ પર મોનીટરીંગ ચાલુ થઈ જાય છે. ‘હજુ પ્લેટફોર્મ પર જ ઉભો છે ઓફીસ નથી જવું?’ હોંશિયારપૂરમાં જન્મેલી પત્નીએ વોટ્સેપ પર બે બ્લુ ટીક જોઈ જાણી લીધું હતું કે પાર્ટી જો ડ્રાઈવ કરતી હોત તો બ્લુ ટીક જોવા ન મળત! પણ એને કઈ રીતે કહેવાય કે પેટની ગડબડ બતાવવા બે દિવસથી ખીચડી ખાઈને કંટાળી ગયો છું, અને પ્લેટફોર્મ ઉપર જ ઉજવણીની શરૂઆત કરી દીધી છે?

હવે પત્નીના પિયર બીજા શહેરમાં હોતા નથી, હોય તો છોકરાંના ભણતરને કારણે ડગલે ને પગલે એ પિયર જતી નથી, અને પિયર જાય તો એ ઝાઝું ટકતી નથી. આમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના લીધે પત્ર લખવા અને જવાબ મેળવવાનો રોમાંચ સાવ જતો રહ્યો છે, એટલે સુધી કે હવે કવિઓના વિરહ ગીતોની ક્વોન્ટીટી અને ક્વોલીટી પહેલાના જેવી નથી રહી. પુરુષો સ્વનિર્ભર બને અને ઘરનું કામકાજ શીખે એ હેતુથી નહીં તો એમનામાં રહેલા કવિને ઉજાગર કરવા માટે પણ પત્નીઓએ પિયર જવું જોઈએ. શું કો છો? n

Sunday, May 10, 2015

આંખના ઉલાળા અને પાયલના ઝણકાર વગરનો મેળો – પુસ્તક મેળો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૦-૦૫-૨૦૧૫

સદીઓથી મેળા આપણા લોકજીવનનો ભાગ રહ્યા છે. માત્ર ગુજરાતમાં જ વર્ષે દહાડે ભવનાથ, શામળાજી અને અંબાજીના મેળા સહીત દોઢ હજાર જેટલા મેળા ભરાય છે. બીજા ધાર્મિક મેળાઓમાં દર બાર વર્ષે ભરાતો કુંભ મેળો પ્રખ્યાત છે. વેકેશનમાં આનંદ મેળાઓ યોજાય છે. જુદા જુદા સમાજો જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરીને લગ્નેચ્છુકોને ડાળે વળગાડે છે. ચોમાસા પહેલાં સરકાર કૃષિમેળાનું આયોજન કરે છે. અમદાવાદમાં છેલ્લા થોડા વર્ષોથી પુસ્તક મેળો ભરાય છે. મુનસીટાપલીના પુસ્તકમેળામાં ધાર્મિક મેળાના બ્રાન્ડ એમ્બેસેડર ગણાય એવા દિગંબર સાધુઓ તો જોવા ન મળ્યા પણ પુસ્તકોના આ સરોવરમાં પીંછા પલાળ્યા વગર મોજથી તરી રહેલા મુલાકાતી રૂપી બતકો સારી એવી સંખ્યામાં જોવા મળ્યા.

પહેલાંના મેળા અને આધુનિક મેળામાં ઘણો ફેર છે. હિન્દી ફિલ્મોને આધાર ગણીએ તો પહેલાના જમાનાના મેળામાં બાળકો મા-બાપથી છુટા પડી જવાની ઘટનાઓ ઘણી બનતી. આ છુટા પડેલા બાળકો મોટા થઈને ડાકુ કે પોલીસ ઇન્સ્પેક્ટર બને તે પછી એમનું મા-બાપ સાથે મિલન થતું. આજે તો ટેણીયું છૂટું પડે તો ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને પપ્પાને કહી દેશે કે ‘હું ફૂડ કોર્ટ ઉપર છું અહીં આવી જાવ’. એ જમાનામાં મેળાની સીઝનમાં તમને એક પણ ડાકુ નવરો નહોતો મળતો કારણ કે એ સમય બહારવટિયાઓ અને ડાકૂઓ માટે ‘ધંધે ટેમ’ ગણાતો. કાળા ખમીસ અને ધોતિયા-સાફામાં સજ્જ ડાકૂઓ ઘોડા ઉપર સવાર થઈને આવતા અને વેપારીઓ અને ગ્રામજનોને લૂંટતા. આજકાલ પુસ્તક મેળામાં અમુક નવતર પ્રકારના બહારવટિયાઓ આવે છે. મોંઘાં બ્રાન્ડેડ કપડામાં કે પછી ખાદીના કપડામાં સજ્જ થઈને લક્ઝરી કારોમાં આવતા આ બહારવટિયા સંબંધ કે હોદ્દાની અણીએ સ્ટોલવાળા પાસેથી મોંઘાં પબ્લિકેશનો ગીફ્ટમાં પડાવતા જાય છે. હજી પણ પુસ્તક મેળાઓ ઊંડો વાંચનરસ પણ પ્રમાણમાં ઓછી ખરીદ શક્તિ ધરાવતા અદના વાચકોના સહારે જ ટકી રહ્યા છે એ હકીકત છે.

આનંદ મેળામાં મોતનો કૂવો હોય છે. પુસ્તક મેળામાં પણ આવા મોતના કૂવા જેવા પ્રકાશનો હતા જે વાંચીને આપણું મગજ ચકરાવે ચઢે. પુસ્તક મેળામાં અન્ય મનોરંજક કાર્યક્રમો જેવા કે નાટકો, કવિ સંમેલનોનું મફત આયોજન કરવામાં આવ્યું હતું. મફત શબ્દ અમદાવાદીઓને બદનામ કરવા માટે વાપરવામાં આવે છે, પણ આ મેળામાં મફતનો લાભ લેવા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવ્યા હતા. પુસ્તક મેળામાં અમારા સહિત ઘણાં કવિ-લેખકો પણ રખડતા જોવા મળ્યા હતાં. આયોજકોએ એમના માટે ખાસ એક ઓથર્સ કૉર્નર એટલે કે લેખકોનો ખૂણો પણ રાખ્યો હતો. આ ખૂણામાં નામી-અનામી લેખકો તેમના કેપ્ટીવ ઓડીયન્સ સાથે પધાર્યા હતાં. એમને સાંભળીને ઘણાંએ એવું સૂચન કર્યું હતું કે આ લેખકોએ થોડા વર્ષો ખૂણો પાળવો જોઈએ.

હું તો ગઈ’તી મેળે .... ગુજરાતી ગીત સુપર પૉપ્યુલર છે. નાયિકા આ ગીતમાં પોતાના મેળાનુભવો વર્ણવે છે. એના મેળામાં આંખના ઉલાળા અને ઝાંઝરના ઝણકાર હોય છે. મેળામાં હૈયા મળે છે, જોબનના રેલામાં હૈયું તણાઈ જાય છે, વગેરે વગેરે. બુક ફેરમાં આવું કંઈ નહોતું. અહીંતો આંખના ઉલાળા કરનારને તાણી જવા માટે ખાસ બાઉન્સરો રાખ્યા હતા! અહીં દસ ટકા ડિસ્કાઉન્ટમાં પુસ્તકો વેચાય છે. સ્ટૉલ વચ્ચેના પેસેજમાં સ્નેહમિલન સમારંભ થાય છે. અમદાવાદી આવી ગરમીમાં કોઈને ઘેર બોલાવવાને બદલે એસી કન્વેન્શન હોલમાં મળવાનું બારોબાર પતાવી દે છે. એ પછી ફૂડકોર્ટ તરફ ધસારો થાય છે. ટૂંકમાં બુકફેર પર આવું કોઈ સુંદર ગીત રચાય એવી શક્યતા નહિવત્ છે. છતાંય કોઈ કવિ કે કવયિત્રી બુક-ફેરની પ્રશસ્તિમાં ગીત ઘસડી નાખે તો કંઈ કહેવાય નહિ.

અમદાવાદનો પુસ્તક મેળો અને એમાં સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરવાની હિમાયત કરનારા કાળા બિલ્લાં લગાડીને જાગૃતિ આણતાં ફરતાં જોવા મળ્યા હતા. જોકે બિલ્લાં લગાડી ફરનારા સાહિત્ય પ્રેમીઓ કોઈ એક પોલીટીકલ આઈડીયોલોજીનાં અથવા કોઈ એક આઈડીયોલોજીનાં વિરોધી હોય એવું વધારે લાગ્યું. અમને પણ રસ છે કે અકાદમી સ્વાયત્ત થાય. અમને આશા છે કે અકાદમી સ્વાયત્ત થશે એટલે દરેક સાહિત્યપ્રેમીની લાઇબ્રેરીમાં એક-એક હજાર પુસ્તક જમા થશે. અથવા બની શકે કે કવિ-લેખકો એકબીજાની ટાંટિયા-ખેંચ બંધ કરી દેશે.

લોકમાન્ય તિલકે કહ્યું છે કે “હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં એની મેળે જ સ્વર્ગ રચી દશે.” પણ અમને લાગે છે નરકની લાઇબ્રેરીમાં છાપ્યા પછી વેચાતાં કે વંચાતા ન હોય તેવા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવતાં હશે, જે નર્કજનોને સજા તરીકે વાંચવા પડતાં હશે. જો આદરણીય તિલકજીની પુસ્તકોમાં સ્વર્ગ રચવાની શક્તિવાળી વાત માની લઈએ તો પુસ્તક મેળામાં સ્વર્ગ સમું વાતાવરણ હોવું જોઈએ. કમનસીબે પુસ્તક મેળામાં પણ લોકો આ દુનિયામાં આવે છે એમ ખાલી હાથ આવતા અને ખાલી હાથ જતાં જોવા મળ્યા! આ માનસિકતા નહિ બદલાય તો આ પ્રકારના મેળા ટૂંક સમયમાં જ ઓક્સિજન ઉપર આવી જશે એ નક્કી જાણજો. 

મસ્કા ફન

પુસ્તક મેળામાં બે પ્રકારનાં લેખકો જોવા મળ્યા. એક જેમને વાચકો શોધતા હતાં, અને બીજા જે વાચકોને શોધતા હતાં !

ગાય યુનિવર્સીટી

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૦-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી | 

અમને એ જાણી ઘણો આનંદ થયો છે કે કાશ્મીરમાં ગાયને પરીક્ષા પ્રવેશપત્ર અપાયું છે. એવું કહી શકાય કે કાશ્મીરમાં નવી સરકાર આવતા જ ગાયનાં સારા દિવસો આવી ગયા છે. વર્ષો પહેલાં ઈન્દિરાજીનાં સમયમાં કોંગ્રેસનું ચૂંટણી પ્રતિક ગાય-વાછરડું હતાં એ વાત જાણવાજોગ. મૂળ વાત એ છે કે ગાય હવે પરીક્ષા આપશે. ગાયને આગળ જતાં ડીગ્રી પણ અપાશે. ગાય હ્યુમન સાયકોલોજી તો જાણતી જ હોય છે, હવે સાયન્સ અને ટેકનોલોજી પણ ભણશે. 
 
આજકાલ દરેક વગદાર માણસનું જમીન, ઇન્ડસ્ટ્રી અને યુનીવર્સીટીમાં રોકાણ હોય છે. સરકાર પણ આજકાલ જાતજાતની યુનીવર્સીટી ખોલે છે. ધારો કે સરકાર ભવિષ્યમાં ગાય યુનીવર્સીટી શરુ કરે તો હવે નવાઈ નહીં લાગે. કદાચ કાશ્મીરમાં ગાયને પ્રવેશપત્ર અપાયું તે ગાય યુનીવર્સીટી પાયલોટ પ્રોજેક્ટનો હિસ્સો પણ હોઈ શકે!

જેને પ્રવેશપત્ર અપાયું છે તે ક્ચીર ગાયનો માલિક અબ્દુલ રશીદ ભટ છે, અને એણે પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીઝ માટેની પ્રવેશ પરીક્ષા માટે ફી ભરી ગાયનાં નામ અને ફોટા સાથેનું પ્રવેશપત્ર મેળવ્યું છે. પ્રવેશપત્રમાં કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશનની ઓટોમેટેડ સહી પણ છે. સામાન્ય રીતે ધોરણ દસ પાસ હોય તે જ આ પરીક્ષામાં બેસી શકે છે. આ જોતાં કાશ્મીર બોર્ડનું કોમ્પ્યુટર ગાયને દસ પાસ જેટલી ભણેલી તો માને જ છે. હવે અબ્દુલ ગાયને પરીક્ષા અપાવવા માટે તત્પર છે. તમે આ વાંચતા હશો ત્યારે (દસમી મે ૨૦૧૫) અબ્દુલ ગાયને લઈને પરીક્ષા કેન્દ્ર પહોંચી ગયો હશે, અને કદાચ ગાયની બેઠક વ્યવસ્થા ચકાસતો હશે. અબ્દુલની ગાયનાં ભણતરમાં (ઓમર) અબ્દુલ્લાને એટલો રસ પડ્યો કે એમણે ગાયને ‘બેસ્ટ ઓફ લક’ પણ વિશ કર્યું છે.

અહીં તો એક જ ગાય છે એટલે વાત જુદી છે, બાકી સૌ પરીક્ષાર્થી ગાયો જ હોય તો ગમાણ એ જ પરીક્ષા ખંડ બની રહે. અથવા પરીક્ષા ખંડ ગમાણ બની જાય. અમદાવાદમાં તો ગાયો ચોખ્ખી જગ્યા શોધીને, ખાસ કરીને રોડ સ્વીપર મશીનથી ચોખ્ખા કરેલા રસ્તા વચ્ચે, બેસે છે. આવામાં બોર્ડ તેમની પરીક્ષા રોડ વચ્ચે પણ લઇ શકે છે. આમેય આપણે ત્યાં રોડ વચ્ચે વાહન ચલાવવા સિવાય ઘણું ન થવા જેવું થાય છે. પણ આમ થવાથી ટ્રાફિક માટેના સીસીટીવી કેમેરા પરીક્ષાર્થીઓ ઉપર નજર રાખવામાં પણ વાપરી શકાય અને આ કાર્ય હેતુ આપણે ત્યાં જે ટેબ્લેટ લગાડવામાં આવે છે તેનો ખર્ચ પણ બચે. ગાયોને રસ્તા વચ્ચે બેસી પેપર લખવામાં તકલીફ ન પડે એ માટે ‘નો હોર્ન’ નાં પાટિયા પણ મારી શકાય અથવા રોડને ‘સાઈલેન્સ ઝોન’ જાહેર કરી શકાય.

હમણાં ગુજરાતમાં પોલીસ ખાતાની પરીક્ષામાં ખુદ પોલીસવાળા ચોરી કરતાં પકડાયા હતા. જોકે આ સમાચારથી લોકોને ખાસ નવાઈ નથી લાગી. પછી એ લોકોનું શું થયું? એમને નોકરીમાંથી કાઢી મુક્યા કે નહિ? તે જાણવામાં કોઈને રસ પણ નથી. પણ ગાય પરીક્ષા આપે અને ચોરી કઈ રીતે કરે એ બાબતમાં લોકોને ચોક્કસ રસ પડે. આમ તો આપણે જોયું છે કે બે ગાયો ભેગી થાય તો ખાવાનામાં માથું મારવાને મુદ્દે એકબીજા તરફ શીંગડા ઉલાળતી જોવા મળે છે. આમ ગાયો પરીક્ષામાં એકબીજાની ઉત્તરવહીમાંથી ચોરી કરે તેવી શક્યતા નહિવત જણાય છે. આ ઉપરાંત બીજો પણ એક પ્રશ્ન થાય કે શું ગાય કાપલી બનાવે? બનાવે તો એ ક્યાં સંતાડે? એમાં નિરીક્ષક જો ગાય કરતાં વધારે સ્માર્ટ હોય તો એ પકડી પાડે. આ સંજોગોમાં ગાય ચોક્કસ કાપલી ખાઈ જાય એવું અમારું માનવું છે. આમાં ગાયને એક કાંકરે બે પક્ષી થાય, કાપલીનો નિકાલ પણ થઇ જાય અને ભોજન પણ થાય. જોકે પછી પોદળો કરે ત્યારે કાપલીના અવશેષો પુરાવા તરીકે ભેગા કરવામાં આવે કે કેમ તે અત્યારથી કહેવું અઘરું છે. પોદળાથી યાદ આવ્યું કે જો નિરીક્ષક નિસર્ગોપચારમાં માનનાર હોય તો પરીક્ષા ખંડમાં જ લોટો લઈને ગોમૂત્ર એકઠું કરી લે એવું પણ બને. આમ થાય તો ગાયને ચોક્કસ સહાનુભુતિ મળે.

તમને તો ખબર જ છે કે અમારામાં ભારોભાર કુતુહલ ભર્યું છે. એટલે અમને વિચાર આવે છે કે જો ગાય માટે જ પરીક્ષા લેવાય તો તેમાં કયા વિષય હોય અને એમાં કેવા પ્રશ્ન પુછાય ? પર્યાવરણમાં તો પ્લાસ્ટિક ખાવાથી કયા રોગ થાય અને પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાન વિષે પ્રશ્નો હોઈ શકે. ગાયને ગણિત ભણાવવામાં આવે તો એ કેવું હોય? જેમ કે બે ગાય ત્રણ દિવસમાં દસ કિલો ઘાસ ખાય, તો એક ગાય એક દિવસમાં કેટલું ઘાસ ખાય? તમે ગણવા ન બેસતાં. આ પ્રશ્ન ગાયના કેલીબરનો છે! મનુષ્યોની પરીક્ષામાં ગાય ઉપર નિબંધ પૂછવામાં આવે છે. ગાય માટેની પરીક્ષામાં મનુષ્યો પર નિબંધ પુછાતાં હશે. જેમાં તેઓ મનુષ્યના લક્ષણો જેવા કે હાથ, પગ, વાળ અને પહેરવેશ વિષે લખી શકે. આ ઉપરાંત મનુષ્યોની ગાય સંબંધિત આદતો જેમ કે ‘લે ગાય ગાય ગાય ...’ કહીને ગાયને બોલાવી દોઢસો કિલોના શરીરને એક રોટલી ધરવા જેવી વાતોથી માંડીને મુનસીટાપલીનાં ઢોર-ત્રાસ નિવારણ ખાતાં અને એ ખાતાના કામદારોનાં ત્રાસ અને અમાનવીય વર્તન સંબંધિત વ્યથા રજુ કરી શકે.

પછી તો ગાયોનાં પણ કોચિંગ ક્લાસ ચાલુ થશે. ગાયોના મા-બાપ ગાયોને આ ક્લાસમાં લેવા મુકવા દોડાદોડ કરશે. કોક રખડું ગાયને પરાણે ભણાવવા મા-બાપ એની પાછળ એંઠવાડ ખાઈને પડી જશે. અંતે ગાયો પણ સ્ટ્રેસમાં આવી જશે. ગાયો ટેન્શનમાં અભ્યાસની ચોપડીઓ ચાવી જશે. મા-બાપ નબળી ગાય, એટલે બગાઈઓ વાળી નહિ, પણ અભ્યાસમાં નબળી હોય એવી ગાયોના એડમીશન માટે નેતાઓની ઓળખાણ લગાડશે, ડોનેશન આપશે, અને ગમે તેમ કરી ગાયોને પ્રવેશ અપાવશે.

જોકે વધુ એક સવાલ એ ઉભો થાય છે કે ધારો કે એક વખત ગાય એન્ટ્રન્સ એક્ઝામ આપી પણ દે અને મંત્રીઓના પુત્રોની જેમ એ એકઝામમાં પાસ પણ થઇ જાય. ભણીગણીને ગાયને ડિપ્લોમા એનાયત પણ થાય. પણ પછી એ સર્ટીફીકેટનું ગાય કરે શું ? છેવટે તો એણે દૂધ જ આપવાનું ને ?

આપણા પુરાણમાં એવું લખ્યું છે કે ગાયનું પુંછડું પકડી પુણ્યશાળી વૈતરણી પાર ઉતરી શકે છે. એટલે હવે બની શકે કે ગાયધણી પોતે અભણ રહે અને ગાયને ભણાવે અને એના જ્ઞાનનો લાભ લે. ગાયને આપણે માતાનો દરજ્જો આપ્યો છે. ઘડપણમાં ડોહા-ડોહીને અલગ કાઢવાની પ્રથા જયારે શરુ થઈ છે એ સમયે ગાયને ભણાવવાનો આ તુક્કો અમને ખોટો નથી લાગતો.

Sunday, May 03, 2015

ડીમ લાઈટ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૩-૦૫-૨૦૧૫

ટોલ બુથ પર આગળનાં વાહન પાછળ સવા ચાર મિનીટ બગડતા ટોલ બુથ કર્મીને અમે કંટાળા સાથે પૂછ્યું કે ‘શું તમારું નામ ધીરુભાઈ છે?’ એણે ઠંડકથી જવાબ આપ્યો ‘ના, શાંતિલાલ છે.’
------
ઘણાં એટલા સ્લો હોય છે કે એમને જોઇને સ્લો મોશનમાં મુન વોક કરતી ગોકળ ગાય યાદ આવે. જેમ હાથીને ધક્કા મારવાથી દોડાવી શકાતો નથી એમ અમુક લોકોને હોંશિયાર બનાવવા સારામાં સારા શિક્ષક કે પ્રોફેસર માટે અશક્ય હોય છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે એવું ભલે કહેવાતું હોય, પણ સો શિક્ષક સમાન મમ્મીઓ પણ આવા નંગોને હોંશિયાર બનાવી નથી શકતી. પોલીટીક્સમાં આપણે આવી ડીમ લાઈટ જોઈ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો પોતે ડીમ લાઈટ નથી એ સાબિત કરવા પ્રમોશનલ વિડીયો બનાવવા પડે એટલી હદે ડમ્બ લોકો પડ્યા છે.

જેમ વીજળી થયા પછી થોડીવાર રહીને અવાજ સંભળાય છે, એમ ઘણાંને જોક કીધા પછી થોડીવાર રહીને ચમકારો થાય છે. કેટલાક ને એ પણ નથી થતો. એમને ચોક-ડસ્ટર લઈને સમજાવવા પડે કે, જુઓ પહેલા આવું થયું, પછી આવું થયું, અને છેલ્લે આવું થયું, ચાલો હસો જોઈએ! સાલું જોક કીધા પછી જયારે કોઈને એ સમજાવવો પડે ત્યારે એન્જીન વગરની કારને ધક્કા મારતાં હોઈએ એવું લાગે છે. પણ ક્યાં સુધી ધક્કા મારવા?

અમુક ડીમ લાઈટ હોય છે અને અમુક ટ્યુબ લાઈટ. ડીમ લાઈટ ઝીરોના બલ્બ જેવા હોય છે જેમાં બ્રાઈટનેસ કાયમી ધોરણે ઓછી હોય છે. ટ્યુબ લાઈટ મોડી મોડી પણ લાઈટ આપે છે. જોકે ટ્યુબ લાઈટ સળગે ત્યાં સુધી એ ઝબકારા માર્યા કરે છે. એમાંના ઘણા ઉડી ગયેલી ટ્યુબ લાઈટ જેવા હોય છે, હમણાં સળગશે, હમણાં સળગશે એવી આશા આપણને બંધાવી જાય. કૂવામાં હોય તો હવાડામાં આવે જ એવું આ બત્તીઓના કિસ્સામાં હંમેશા સાચું નથી હોતું. ઘણીવાર બાપ હેલોજન લાઈટ જેવો હોય અને દીકરો અગરબત્તી જેવો હોય એવા અનેક કિસ્સાઓ ફીલ્મ ઇન્ડસ્ટ્રીમાં મળશે. અમુક સફળ ફિલ્મ સ્ટાર્સનાં પુત્રો એકાદ હીટ આપે ત્યારે એ ઝળહળશે એવી આશા બંધાવી જાય પણ પછી ચાઈનીઝ લાઈટની સીરીઝ જેવું. હજી પણ એમની ઠરેલી બત્તીમાંથી પ્રકાશ પુંજ પ્રગટ થશે એ આશાએ ઘણા સ્ટાર/ પ્રોડ્યુસર પિતાઓ એમના કરંટ વગરના હોલ્ડરમાં હજાર વોટના બલ્બ ભરાવતા જોવા મળે છે.

ડીમ લાઈટોના ગામ નથી વસતાં. એ આપણી વચ્ચે જ રહેતી હોય છે અને એમને અલગ તારવવી અઘરી હોય છે. મહાભારત વખતે અર્જુને પ્રભુને એના વિષે પૂછ્યું હોત તો ‘डिम लाइटस्य लक्षणानि’ મથાળા હેઠળ આપણને વિગતે જાણવા મળત, પણ કમનસીબે એવું નથી થયું. ખરેખર કામ અઘરું છે કારણ કે એક તો આવી ડીમ લાઈટોનો દેખાવ છેતરામણો હોય છે ઉપરથી એમનું પેકેજીંગ અને માર્કેટિંગ એટલું જોરદાર હોય છે જ્યાં સુધી એ પૃથ્વીરાજ ચૌહાણને ભારતના વડા પ્રધાન ન ગણાવે કે કોઈ અઘરો ન્યુઝ એન્કર અલગ અલગ માત્રાના કરંટ આપીને એમનો ટેસ્ટ ન કરે ત્યાં સુધી ડીમ લાઈટ લાઈમ લાઈટમાં નથી આવતી. જોકે આવી બત્તીઓને ઓળખવામાં અને પ્રસિદ્ધિ આપવામાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ સૌથી આગળ છે.

નાના બાળકો એકદમ ક્યુટ લાગતા હોય છે. એમના માટે સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે બાળક તો ભવિષ્યનો નાગરિક છે. આવા ટેણીયા વિષે એના મા-બાપનો જે અભિપ્રાય હોય એવો જ એ મોટો થઇ ને બને તો આપણા દેશમાં પાંચેક કરોડ સચિન, ત્રણ કરોડ ધોની, અઢી કરોડ જેટલા સલમાન, દોઢ કરોડ જેટલી દીપિકા, એકાદ કરોડ જેટલા રણબીર, અને પચાસ સાઈઠ લાખ માઈકલ જેક્સન અને બીલ ગેટ્સ પણ પાકે. એ વખતે ભૂલવું નહિ કે અક્કલમઠ્ઠાઓ અને ડીમ લાઈટો નાનપણમાં તો ક્યુટ જ લાગતી હોય છે. ઇન ફેક્ટ તમે જેને તેડીને રમાડી રહ્યા છો એ ભવિષ્યનો હોનહાર નાગરિક છે કે અક્કલમઠ્ઠો છે એ કહેવું કઠીન હોય છે. જોકે ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ કહેવત મુજબ મા-બાપને આની સૌ પહેલા ખબર પડતી હોય છે. તોયે આપણે ત્યાં છોકરું સુસુ કરી ને કહે અથવા કહીને સુસુ કરે, બંને કિસ્સામાં મા-બાપ ગર્વ લેતાં જોવા મળે છે. એમને ભણાવવા-ગણાવવામાં પુરતી કીકો માર્યા પછી પણ એન્જીન ઉપડે નહિ તો છેવટે સુયોગ્ય પાત્ર જોઇને પરણાવી દેતા હોય છે. સામેવાળું પાત્ર બરોબરીનું મળે તો ‘હશે, એક જ ઘર બગડ્યું’ એવું આશ્વાસન લેવામાં આવતું હોય છે.

આ દુનિયામાં અક્કલમઠ્ઠાઓ છે તો બુદ્ધિમાનોની કિંમત છે. બધાં એક સરખાં બુદ્ધિશાળી હોત તો જીવવાની મઝા ન આવત. કારણ કે પાંચ બૌદ્ધિક બેઠા હોય અને તમે જોક કહેશો તો ભાગ્યે જ કોક હસશે. કાં એમને તમારા જોકમાં બાલીશતા દેખાશે અથવા એમને તમારો જોક સ્ત્રી કે નિર્બળનું અપમાન કરનારો, પશુ પીડન પ્રેરક, પોલીટીકલી અયોગ્ય વ્યક્તિનું સમર્થન કરનારો લાગશે. બીજું કંઈ નહિ તો છેવટે હસવામાં અહમ નડશે. તમે કીડીના જોકની શરૂઆત ‘પહેલી કીડીએ કહ્યું....’ થી કરશો તો એ સવાલ ઉઠાવશે, કે ‘જોકમાં ક્યારેય બીજી કીડી વાત શરુ ન કરે? તમારાં ટુચકા બધાં સ્ટીરીયો ટાઈપ છે’. એની સામે ડીમ લાઈટને ખબર હોય કે તમે જોક કહી રહ્યા છો તો એ તમારું માન જાળવવા માટે પણ હસી લેશે, અને તમને મોળા નહિ પાડવા દે. બસ એને ખબર પડવી જોઈએ કે જોક ક્યારે પૂરો થયો. n


મસ્કા ફન
સ્વીચ ઓન કર્યાની
સાડા ત્રણ મિનીટ પછી
ટ્યુબ લાઈટ ચાલુ થઈ
... ને તમે યાદ આવ્યા.

ગુલ્ફીથી એસી સુધી

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૩-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી |

નાના હતા ત્યારે વેકેશનમાં વતન વિસનગર જતાં, ત્યાં આખા ઘરમાં એક જ પંખો હતો. ઘરની દીવાલો પહોળી હોવાથી અંદર ગરમી તો બહુ નહોતી લાગતી, પણ ઠંડક તો નહોતી જ. એટલે વાંસની પટ્ટીના હાથપંખા ચલાવવા પડતાં. એમાં પહેલી આંગળી છોલાઈ જતી. જે સધ્ધર હોય એમના ભરતકામ કરેલા હાથપંખાની દાંડી પોલીશ કરેલી રહેતી, જે હાથમાં ઓછી વાગતી. ઘર માથે છાપરું હોવાથી રાત્રે સુવા કોઈ સબંધીનાં ધાબે જતાં. દિવસે પતરાની કટાયેલી પેટીમાં બરફ અને મીઠું નાખી એમાં ફસાવેલા પતરાના મોલ્ડમાં ફ્લેવર્ડ મીલ્ક રેડી, ઠારીને બનાવેલી ગુલ્ફી ખાતાં કોઈ રોકતું નહોતું.

હવે તો બધે એસી આવી ગયા છે. જેમને ‘એર કંડીશન’ બોલતાં નથી આવડતું એમનાં ઘર, કાર અને ઓફિસો એસી છે. હવે હોટલ, રેસ્ટોરાં, કોચિંગ કલાસીસ, અને કોલેજથી લઇ કરિયાણાની દુકાનો સુધી એસી લાગી ગયા છે. હવે નોકરીમાં પગાર તો સારા મળે છે, પણ જાણે ચેનલ, ટેલિફોન, ઈન્ટરનેટ અને ઈલેક્ટ્રીસીટીનાં બીલ ભરવા માટે જાણે વધુ કમાતાં હોઈએ એવું લાગે છે. ઘણીવાર તો સારી અને સળંગ ઊંઘ આવે તે માટે નખાવેલ એસીનું બિલ ભરવાનો સમય આવે ત્યારે એસીમાં પણ ઊંઘ નથી આવતી. આમ છતાં પરસેવો વાળવા સ્ટીમ કે સોના બાથ લેવા જવું પડે છે. હા, આપણે ત્યાં હજી બાથરૂમમાં એસી નથી આવ્યા એટલે નહાયા પછી એટલો પરસેવો થાય છે કે શરીર લૂછતાં લૂછતાં ક્યારે પરસેવો લૂછવાનું ચાલુ થઇ જાય છે એ ખબર નથી પડતી.

ઉનાળામાં કુતરું પણ ભીની જગ્યામાં ખાડો કરીને ઠંડક જોઈ બેસે છે. કીડી-મંકોડા માટીના કુંડાની નીચે ભરાય છે. એવી જ રીતે ઘરમાં કે ઓફિસમાં જ્યાં એસી લાગેલું હોય ત્યાં કોઈનું કોઈ કારણ શોધી બધાં ભેગા થઇ જાય છે. એક જમાનામાં ગુજરાતી કરમુક્ત ફિલ્મો એસી થીયેટરમાં લાગી હોય, તો માત્ર ઠંડક માટે એ ફિલ્મો જોઈ નાખતા. આશ્રમ રોડ પર આવેલા મિલોનાં શો રૂમમાં એસીની ઠંડક માણવા માટે આંટો મારતાં. બારી દરવાજા પર ખસની ટટ્ટી લગાડીને એની ઉપર સાંજ પડે પાણી છાંટવામાં, અને પછી એ સુંઘવા અને પાસે ઉભા રહી ઠંડક માણવામાં સમય પસાર થઇ જતો હતો.

એસી ઠંડક આપે છે. બેક્ટેરિયા ફિલ્ટર કરે છે. મચ્છર ભગાવે છે. એસી માટે બારીઓ બંધ કરવાથી ઘરમાં ઓક્સિજન ઘટે તો સ્માર્ટ એસી એ ખેંચી આપે છે. એસી સેટ કરો એ પ્રમાણે ચાલુ અને બંધ થાય છે. ભલું હશે તો ભવિષ્યમાં એસી કચરા-પોતા પણ કરશે. આજકાલ એસી એટલા સ્માર્ટ થઇ ગયા છે કે રૂમમાં તમારી કે તમારા કૂતરાની હાજરી પારખી લઈને એસીનો ફલો એડજસ્ટ કરે છે. અમદાવાદી તો રીમોટ કન્ટ્રોલ રમકડા ચલાવી આ એસી કામ કરે છે કે નહિ તે ચેક કરે છે. જોકે આવા સ્માર્ટ એસીનાં મોટા ભાગના સ્માર્ટ ફીચર્સ બાળકો અથવા ઇન્સ્ટોલ કરનાર મિકેનિક સિવાય કોઈ વાપરી શકતું નથી એ અલગ વાત છે. એમાં અમુક વાપરનારા એટલા ડમ્બ હોય છે કે ઓન-ઓફ કરવા માટે પણ એમને ટ્રેનિંગ આપવી પડે છે, અને ટ્રેનિંગ લીધા પછી પણ માત્ર ઓન-ઓફ કરવા જતાં એસીના બીજાં સેટિંગ ખોરવી નાખે છે. આવા લોકોની સૌથી સામાન્ય ફરિયાદ ‘જો તો, ક્યારનું એસી ચાલુ કર્યું, હજુ ઠંડક કેમ નથી થતી?’ હોય છે.

જોકે માણસોની જેમ જ બધા એસી સ્માર્ટ નથી હોતા. કોઈ પણ સ્ટાર વગરની મિડલ ક્લાસ હોટલમાં ભરાયા હોવ તો ખબર પડે. વિન્ડો એસી હોય તો પણ કોઈ સ્ટાર પુત્રની જેમ બાંધેલી સ્પીડમાં ચાલતું હોય. અમુક એસી રજનીકાંતના ઘરમાંથી સેકન્ડ-હેન્ડમાં ખરીદ્યા હોય એમ જોતજોતામાં એટલી ઠંડક કરી દે કે રાતે કબાટો ફેંદી ઓઢવાના શોધીને ઓઢવા પડે. ક્યાંક જેરીને મધરાતે ધાડ પાડતો રોકવા પરાણે જાગતાં ટોમનાં પોપચાંની જેમ એસીની ગ્રીલ એની જાતે પડી જઈ ફરશને ઠંડી કરતી હોય. અમુક એસી દીપિકા પાદુકોણે જેટલા હોટ હોય. એમાં હવા પણ લગભગ ગરમ આવતી હોય છે. સ્પ્લીટ એસી હોય અને માથા ઉપર હોય, તો ટાઢા તબુકલાની જેમ પાણીનું ટીપું એકાએક મસ્તિષ્ક પર ટપકીને આપણને ચોંકાવી દે. આ બધી અગવડો વચ્ચે, વિન્ડો એસીની ગ્રીલમાં કાગળના ડૂચા ફસાવી, અથવા પલંગને દીવાલથી દુર ખસેડવા જેવા અનેકવિધ ઉપાયો કરી તમે જયારે સુઈ જાવ ત્યારે કૂકડો બાંગ પોકારવાની તૈયારીમાં હોય. પણ એસીના ઘોંઘાટમાં એ ક્યાં સંભળાય?

એક જમાનામાં જેમને અમિતાભ બચ્ચનને ફિલ્મમાં લેવો ના પોસાતું હોય એવા નિર્માતા મિથુનને લઈને ફિલ્મો બનાવતા. એ વખતે મિથુન દા ગરીબ નિર્માતાના અમિતાભ કહેવાતા. પછી મિથુન દાના ભાવ પણ ઉંચકાયા. ત્યારે જે નિર્માતાઓ પાસે મિથુન દાની ફી ચૂકવવાના પૈસા ના હોય એ ગોવિંદાને લેવા લાગ્યા. ગોવિંદા ત્યારે ગરીબ-ગરીબ નિર્માતાનો મિથુન કહેવાતો. એસીમાં પણ આવું જ કંઇક છે. જેમને બચ્ચન જેવા એસી અને એના ઊંચા ઈલેક્ટ્રીસીટી બીલ ના પોસાતા હોય એ લોકો માટે એર કુલર એ મિથુન દા, અને પંખો ગોવિંદા છે. જે લોકોની હેસિયત શ્રેયસ તલપદે કે કુણાલ ખેમુના પ્રોડ્યુસરો જેવી હોય છે, એ લોકો માથે ભીનો ટુવાલ મુકીને કામ ચલાવે છે.

આવામાં બે મોટા ફિલ્મ સ્ટાર્સ માથામાં નાખવાથી ઠંડક થાય તેવા તેલની જાહેરાત કરે છે. એ અલગ વાત છે કે કોઈ માને એમ નથી કે એ બે જણા પોતે પણ પણ આ તેલ વાપરતા હશે. એસીના બીજા વિકલ્પ તરીકે હજુ ઘણા લોકો ધાબામાં સુવે છે. આ તકનો લાભ લઇ તસ્કરો, નોકરો માટે જે કાયમી ફરિયાદ હોય છે તે, ઘર અને તિજોરી બરોબર સાફ કરી નાખે છે. જે રૂમમાં એસી હોય એ જ રૂમમાં તિજોરી હોય છે, એ જોતાં એસી રૂમમાં સૂનારને ત્યાં ઉનાળામાં ચોરીની શક્યતા ઓછી રહેલ છે. ગરમીમાં સુયોગ્ય કપડા એ એસીનો ત્રીજો વિકલ્પ છે. એમાંય જુના સમયના ધોતિયાં તો એરકન્ડીશન્ડ હતા. કાણાવાળા ગંજી ગરીબોનું એસી છે. એમાં કાણા પાડવા નથી પડતાં. એટલે જ ઉનાળામાં નવા ગંજી ન પહેરવા.

યુરોપ અમેરિકા જેવા શીત પ્રદેશોમાં લોકો ઉનાળાની રાહ જુવે છે. આપણે ત્યાં લાખો રૂપિયા ખર્ચીને ઉનાળામાં સ્વિત્ઝરલેન્ડ, યુરોપ, અમેરિકા જેવા ઠંડા પ્રદેશોમાં ફરવા જવાની ફેશન છે. તડકો નીકળે એટલે વિદેશમાં સ્ત્રીઓ બીકીની પહેરીને સનબાથ લે છે. પરસેવો પાડવા સોના બાથ લે છે. અહીં ઘર આંગણે તડકામાં કામ કરતાં લોકોની આપણે દયા ખાઈએ છીએ. ઉનાળામાં શિયાળાની અને શિયાળામાં આપણે ઉનાળાની રાહ જોઈએ છીએ. આપણે સવારે સુરજની પૂજા કરીએ છીએ અને બપોરે ગરમીનો કકળાટ. આપણને કોઈ વાતે સુખ નથી !