Sunday, June 28, 2015

અચ્છે દિન ક્યારે આવશે ?


મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૮-૦૬-૨૦૧૫ | અધીર અમદાવાદી |

અલી: હું શું કહું છું?

બકો: એ તો તું કહે પછી ખબર પડે ને ...

અલી: મને એમ કે તું અંતરયામી છે.

બકો: એ તો છું જ, બોલ શું કે’ છે ?

અલી: આ અચ્છે દિન આવી ગયા ?

બકો: હેં ?
અલી: હું એમ પુછું છું કે અચ્છે દિન આવી ગયા ?

બકો: તે તારે શું કરવું છે અચ્છે દિનનું ?

અલી: કેમ હું પણ આ દેશમાં રહું છું.

બકો: એ જ તો પ્રોબ્લેમ છે.

અલી: હેં ?

બકો: કંઈ નહી, અચ્છે દિન આવશે, પણ હજુ થોડી વાર છે.

અલી: આજ રવિવાર થયો, ગુરુવાર સુધીમાં આવી જશે ?

બકો: શું નસ ખેંચે છે... એટલાં જલ્દી ન આવે. તારે શું કરવું છે અચ્છે દિનનું?

અલી: મારે પણ અચ્છે દિન જોઈએ છે.

બકો: તારે પ્રોબ્લેમ શું છે?

અલી: મારે કામવાળાનો પ્રોબ્લેમ છે.

બકો: એ તો રહેવાનો. અને અચ્છે દિન આવશે તો ઓર વધશે.

અલી: હજુ વધશે? કેમ ?

બકો: કારણ કે અચ્છે દિન આવશે એટલે કામવાળાઓ ભણશે, નોકરી કરશે.

અલી: એટલે પછી આપણે કામ કરવાનું? જાતે?

બકો: હા. અમેરિકામાં બધાં કરે જ છે ને, જાતે.

અલી: હાય હાય, પણ અમેરિકામાં તો સાંભળ્યું છે બંને જણા ખભેખભા મિલાવી ને કામ કરે.

બકો: એ તો એક જ સિંકમાં બે જણા વાસણ ધોતાં હોય તો ખભા મળી જ જાય !

અલી: સારું સારું, પણ અચ્છે દિન આવશે તો આ ટ્રાફિકનો પ્રોબ્લેમ તો સોલ્વ થશે ને ??

બકો: ના, એ તો વધવાનો.

અલી: પણ આ સાંભળ્યું કે મેટ્રો આવશે ને ...

બકો: એ મેટ્રો આવશે તો દસ વરસ સુધી એનું કન્સ્ટ્રકશન ચાલશે એમાં ગામ આખું ધૂળ ધૂળ, ઠેરઠેર ડાયવર્ઝન.

અલી: પણ મેટ્રો આવશે એ પછી તો અચ્છે દિન આવશે ને ?

બકો: શું નસ ખેંચે છે, ટ્રાફિક થોડો ઘટવાનો છે? લોકો વધું રૂપિયા કમાશે એટલે મોટી ગાડીઓ લેશે. અમારી ઓફિસમાં એક ભાઈ એકલા આવે છે, પણ એસયુવી લઈને આવે છે.

અલી: પણ મેટ્રો આવશે પછી એ ભાઈ એસયુવીને બદલે મેટ્રોમાં આવશે ને?

બકો: એ તું એમને જઈને પૂછી આવ યાર. મારી નસ ખેંચ માં. લે આ મોબાઈલ જીતુભાઈ નામ છે, એમને ફોન કરીને પૂછી જો. મારું નામ દેજે.

અલી: એમાં તારું નામ શું કામ દેવું પડે? ફોન તો તારો જ છે ને એટલે સમજી નહી જાય?

બકો: ના, એ જીતુભાઈ છે. જરાક સ્લો છે.

અલી: તોયે એસયુવી ફેરવે છે?

બકો: હા. એમનાં અચ્છે દિન વહેલા આવી ગયાં હતા.

અલી: તો બધાના અચ્છે દિન એક સાથે ના આવે?

બકો: આવતાં હશે? પાંચે આંગળીઓ સરખી હોય કોઈ દિવસ?

અલી: એમાં અચ્છે દિન અને આંગળીઓ ને શું લેવાદેવા?

બકો: હે ભગવાન...

અલી: બોલ ...

બકો: મજાક ના કર.

અલી: સારું એમ કહે કે અચ્છે દિન આવશે પછી લાઈસન્સ, વોટર અને આધાર કાર્ડમાં મારા ફોટા તો સારા આવશે ને?

બકો: તારે લાઈસન્સ ડ્રાઈવ કરવા માટે જોઈએ છે કે ફોટા બતાવવા?

અલી: પણ પોલીસવાળો પકડે અને લાઈસન્સ માંગે એમાં ફોટો ડાકણ જેવો હોય તો કેવું લાગે?

બકો: એકદમ નેચરલ ! જો તું આધાર કાર્ડ કઢાવવા મેકઅપ કરાવીને ગઈ હતી અને એ લોકોએ ભંગાર ફોટો પાડ્યો, એટલે એકંદરે નેચરલ ફોટો જ આવ્યો ને?


અલી: પણ જે મેકઅપ કર્યા વગર ગયું હોય એનો તો ફોટો બગડે છે ને?

બકો: પણ મારી મા, લાઈસન્સ, આધારકાર્ડનાં ફોટામાં કોઈ સારું દેખાય એ અચ્છે દિન માટે જરૂરી છે?


અલી: સારું સારું એમ કહે કે અચ્છે દિન આવશે તો ટ્રેઈનમાં ચા સારી મળશે ને?
બકો: હેં? ચા ને અચ્છે દિનને શું સંબંધ?

અલી: કેમ? રેલવે, ચા, અને અચ્છે દિનને સંબંધ નથી?

બકો: ના, એટલે એમ તો ખરો, પણ ટ્રેઈનમાં મળતી ચા ને આમાં વચ્ચે શું કામ લાવે છે?

અલી: મને એમ કે અચ્છે દિન આવશે પછી આપણે ટ્રેઈનમાં જતાં હોઈશું તો આ પાણીદાર, વાસ મારતી ચાને બદલે સારી, આખા દુધની, કડક-મીઠી ચા પીવા મળશે.

બકો: એવું તો ના થાય.

અલી: તો અચ્છે દિન ક્યારે આવ્યા કહેવાય?

બકો: જો અલી, આ ચા સારી મળે ને કામવાળો આવે એ બધું ના જોવાનું હોય

અલી: તો શું જોવાનું હોય?

બકો: ટેકનોલોજી, ડીફેન્સ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ એવું બધું જોવાનું હોય

અલી: વાહ .... તો ટેકનોલોજી આવે પછી આ વરસાદ પડશે તો તારા ફેવરીટ દાળવડા ડાઉનલોડ કરી શકાશે ને?

બકો: અરે, એમ દાળવડા ડાઉનલોડ ના થાય. એના માટે લાઈનમાં ઉભા રહેવું પડે.

અલી: હાય હાય દાળવડા માટે લાઈન? ૨૧મી સદીમાં ? એ ઓનલાઈન ના મળે?

બકો: ના મળે મારી મા, એ દાળવડાની લારીવાળા ભણેલા નથી હોતાં કે વેબસાઈટ શરુ કરે !

અલી: પણ અચ્છે દિન આવશે એટલે એ ભણેલા નહિ થઇ જાય ?

બકો: ના, એમ રાતોરાત ભણેલા ન થઈ જાય.

અલી: પણ દિલ્હીમાં કોઈ મંત્રી તો થઈ ગયા....

બકો: તો એ જેલમાં પણ ગયા ને?

અલી: તો એના અચ્છે દિન ન કહેવાય નહિ ?

બકો: અચ્છે દિન દેશના સારા અને સાચા નાગરિકોના આવે.

અલી: તો પછી આપણા અચ્છે દિન આવશે કે નહિ ?

બકા: આપણે સારા અને સાચા નાગરિક છીએ?

અલી: કેમ તને શંકા છે?

બકા: ગઈકાલે જ કારમાંથી તેં વેફરનું ખાલી પડીકું બહાર ફેંક્યું’તુ.

અલી: એમ તો તેં પણ સિગ્નલ બ્રેક કર્યું હતું.

બકા: બસ તો પછી, પહેલા પોતે સુધરો, બાકીનું આપોઆપ સુધરશે.

અલી: બકા, તું તો બહુ મોટો ફિલોસોફર થઈ ગયો.

બકો: જોયું ને ..... આને કહેવાય વિકાસ ! 

--

(આ જુદું ફોરમેટ છે, કેવું લાગ્યું?)

Sunday, June 21, 2015

કસરત, યોગ, જીમ અને જીગો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૧-૦૬-૨૦૧૫


સહેલું હોય એ પહેલું કરવું એ ગુજ્જેશની ખાસિયત છે. એ આખા ગામનું કરે પછી પોતાનું કરે છે. ન કરવાનું કરે છે, અને કરવાનું એ નથી કરતો. જેમ અંગ્રેજો પોતે લડતા નહોતા, બીજાને લડાવતા હતા, એમ જ આપણા ગુજ્જેશો કસરત કરવામાં નહીં પણ કરાવવામાં માને છે. પહેલી ધારનો ગુજ્જેશ પોતે એકસરસાઈઝ કરવાને બદલે જીમ ખોલી ગામને એકસરસાઈઝ કરાવી રૂપિયા કમાવામાં માને છે. એ સિગ્નલ જમ્પિંગ કરીને ટ્રાફિક પોલીસને દોડાવશે, એ કોરી સપ્લીમેન્ટરી તફડાવીને સુપરવાઈઝરને ઉઠક બેઠક કરાવશે, પોતે ભેગુ કરેલું કાળું નાણું શોધવા ઇન્કમટેક્સવાળા પાસે પરસેવો પડાવશે કે પછી ફેરા ફરતી વખતે સાળા-સાળી પાસે બુટ-મોજડી માટે ફિલ્ડીંગ ભરાવશે, પણ આળસ ખાવા માટેની એન્ડ્રોઈડ એપ્લીકેશન પ્લે સ્ટોરમાં શોધશે.

અત્યારે ચારે બાજુ હેલ્થ અને ફિટનેસની વાતો ચાલે છે. બાબાઓ, સ્વામીઓ અને ગુરુઓ પૌરાણ પ્રસિદ્ધ યોગ, પ્રાણાયામ અને વ્યાયામની વિભાવનાને આધુનિક વિજ્ઞાનના વાઘા પહેરાવીને ખડૂસ સાધકોરૂપી જીનને નવી બાટલીમાં ઉતારી રહ્યા છે. શરીર માટે કસરત કેટલી જરૂરી છે એ સમજાવતા પુસ્તકોથી બુકસ્ટોર્સ ઉભરાય છે. છાપાઓની પૂર્તિઓમાં જેટલું કૃષ્ણ, પ્રેમ અને પતંગિયાઓ વિષે લખાય છે એટલું જ કસરતના પ્રકારો, જરૂરિયાત અને એના ફાયદા વિષે લખાય છે. આહાર-વિહારમાં સંયમ વિષે પણ સતત માહિતીનો ધોધ વરસતો રહે છે છતાં પડીકામાંથી ભજિયું ઉઠાવતી વખતે નજરે પડતો કોલેસ્ટેરોલના ભયસ્થાનો ઉપરનો અટરલી બટરલી લેખ ગુજ્જેશને ચળાવી શકતો નથી.

International World Yoga Day
 
કમનસીબે કસરતમાં ‘સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા’ ની જેમ ‘શવાસન કરો અને સળી જેવા બનો’ જેવું કશું હોતું નથી. એમાં તો મોબાઈલની ભાષામાં ઇનકમિંગ કરતાં આઉટ ગોઇંગ વધારે હોય એને જ સાચી કસરત ગણવામાં આવે છે. જીમમાં જવાથી વજન ઉતરે છે અને કપડાં ઢીલાં પડે છે, પણ એ માટે રૂપિયા પણ ઢીલાં કરવા પડે છે. ટાઢ-તાપ-વરસાદ જોયા વગર રોજ વહેલી સવારે નિયત સમયે જવું પડે, ટેભા તૂટી જાય એવી કસરત કરવી પડે, અને ખાવા-પીવામાં તો કાબુ રાખવો જ પડે તો પરિણામ મળે છે. આ રીતે શરીર શેપમાં આવે પણ આ આખી વાતમાં બધી રીતે છોલાવાનું આપણે અને રૂપિયા પેલો જીમવાળો લઇ જાય એ ગુજ્જેશોને કઠે છે. કોઈ બાબા, સ્વામી કે મહારાજ મંત્ર, જાપ, તાવીજ, માદળિયાં કે ભજન કીર્તનથી વજન ઉતારી આપતા હોય તો આપણી પબ્લિક એમને માથે ઉચકીને ફરે એવી છે. ખરેખર તો માલપાણી ખાઈને તગડા થયેલા સ્વામી કે મહારાજને ઉચકીને ફરે તો એ પણ એક જાતની કસરત જ છે, પણ એના બદલે એમને ખવડાવી-પીવડાવીને એમની આરતી, પૂજા અને ચંપી કરીને બગાડવાનો શિરસ્તો ચાલે છે. જેમ ધાર્મિક વિધિ માટે વિદ્વાન વ્યક્તિને રોકવામાં આવે છે એમ આપણા વતી જોગીંગ, પુશપ્સ, વેઇટ લીફટીંગ કે સાયકલીંગ માટે કોઈ પહેલવાન રોકી શકાતો હોત તો આપણે ત્યાં પરદેશથી પહેલવાનો ઈમ્પોર્ટ કરવા પડે એટલું મોટું માર્કેટ છે!

કસરત ઘરે પણ થઇ શકે છે એવું કહેવાય છે, પણ ઘરમાં કસરત કરવા જતાં ફર્નીચર નડે છે. પડદાની પાઈપો પર લટકીને પુલપ્સ નથી કરી શકાતાં. દોરડા કૂદો તો નીચેવાળાને ત્યાં પોપડા ખરે છે. વજનદાર ડમ્બેલ્સ હાથમાંથી છટકે તો વિટ્રીફાઈડ ટાઈલ્સનો ભુક્કો બોલી જાય છે. અને ધારો કે એકસરસાઈઝ માટે ખર્ચો કરીને બાઈક કે ટ્રેડમિલ લાવો તો નાના છોકરાં ઘરને જ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવી દે છે. એટલે જ મોટા ઉપાડે ખરીદેલા ટ્રેડમિલ અને એકસરસાઈઝ બાઈકો પર ટૂંક સમયમાં કપડાં સુકાતાં થઈ જાય છે.

આ બધામાં યોગ અને એમાં પણ યોગાસન આપણા જીગાઓને ફાવે એવું છે, કારણ કે એમાં શરીરને બહુ ઝંઝેડવાનું હોતું નથી. બીજું, એ શીખવાડવા માટે ચેનલ ઉપર કોઈને કોઈ બાબા હાજર હોય છે એટલે સાસ-બહુની સીરીયલના પેકેજમાં આસનોનું પણ ચોગડેપાંચડે પતી જાય છે. આસનો પણ રોજબરોજના કામો સાથે થઇ જાય એવા હોય છે. શવાસન બેસ્ટ છે. એમાં સુવાનું જ હોય છે. માત્ર ધ્યાન એટલું રાખવાનું કે તમે શવાસનમાં મગ્ન હોવ ત્યારે પાડોશીઓ ભેગા મળીને તમને કાઢી ન જાય. ઊંધા સુતા સુતા ટીવી જોવું એ ભુજંગાસન જ છે. વાતવિમુક્તાસન કે પવનમુક્તાસન જ્યાં બેઠા હોવ ત્યાં થઇ શકે એટલું સુલભ છે, પણ એ માટે ઘરનો નિર્જન ખૂણો શોધવો હિતાવહ છે. તાડાસનમાં બે હાથ ઉપર ઉઠાવીને જોડી દેવાના હોય છે. તમારા ફ્લેટની સીલીંગો નીચી હોય તો પંખામાં હાથ ન આવે એ જોવું. સુખાસન કરવું સાવ સહેલું છે પણ વાળેલી પલાંઠી છૂટી પાડવા માટે કોઈ મેગી ખાવાના શોખીનની મદદ લેવી પડે એવું બને. શીર્ષાસનમાં ફાવટ આવી જાય તો સોફા નીચે રગડી ગયેલી ઘણી બધી વસ્તુઓ મળી આવશે.

અમુકવાર માણસ માર ખાઈને ધર્મ પરિવર્તન કરતો હોય છે જેમ કે, ફ્રેકચર સંધાયા પછી જખ મારીને ફીઝીયોથેરાપીસ્ટ પાસે કસરત કરવા જવું પડે છે. રમત ગમતમાં ફીટ રહેવું હોય તો કસરત કરવી પડે છે. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આગામી ૨૧મી જુનના દિવસે સૂર્ય નમસ્કાર જેવી યોગની વિશિષ્ઠ કસરતો કરશે. રહી વાત આપણી, તો યોગનો અર્થ જ જોડવું થાય છે. એટલે કોઈ પણ ધર્મને વચ્ચે લાવ્યા વગર શરીરને કસરત સાથે જોડવું એને જ આપણો ધર્મ ગણીએ એ જ ઇષ્ટ છે. n

મસ્કા ફન
કારેલા, ગલકા કે કંકોડા ખાવાનું બંધ કરવાથી વજન ઉતરે છે એવું સંશોધન થવું જોઈએ.

"હું કોણ છું ?"

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૧-૦૬-૨૦૧૫ | અધીર અમદાવાદી |
 
સવારે ઓફિસ જતાં પહેલાં પત્નીને બર્થ ડે વિશ કરવાનું ભૂલી જાવ તો સાંજ બગડવાના યોગ ઊભા થાય છે. બાઈકમાં પેટ્રોલ ભરાવવાનું ભુલી જાવ તો બાઈક ખેંચવાના યોગ થાય છે. હેલ્મેટ ઘરે ભૂલી જાવ તો પોલીસ સાથે સંવાદના યોગ થાય છે. આ બધું જ ભૂલી જવાના કારણે થાય છે. ભૂલવાનું મુખ્ય કારણ જે તે સમયે તમારા ચિત્તમાં જે બાબત વિષે વિચારો ચાલવા જોઈએ એના બદલે કંઈ ભળતું જ ચાલતું હોય એ છે. ‘મન મંદિરમાં અને ચિત્ત મોબાઈલમાં’ એવું અમસ્તું નથી કહ્યું! થાય, આવું પણ થાય. જે આપણને થતું હોય તે બધાને થતું હોય તો એ અંગે ચિંતા કરવી નહિ. પણ આનો ઉપાય છે. જેનું નામ છે યોગ. પતંજલિ અનુસાર योग: चित्त-वृत्ति निरोध: યોગ વડે ચિત્તની વૃત્તિઓ ઉપર કાબુ મેળવી શકાય છે. જોકે આ યોગીઓ માટે પણ આ દુર્લભ અવસ્થા છે. તમારા ચિત્તમાં દીપિકા ફરતી હશે તો યોગથી રાતોરાત એનું સ્થાન તમારી પત્ની લઈ લે એવી અપેક્ષા રાખશો નહિ. शनै: पन्था: शनै: कंथा: - અર્થાત ધીમે ધીમે ગોદડી સીવાય, ધીમે ધીમે રસ્તો કપાય. બીજા ઘણા રસ્તા છે.
યોગનો એક અર્થ છે જોડવું. તમે જે કંઈ કરતા હોવ એની સાથે પૂર્ણ
એકાગ્રતાથી જોડાવ એટલે કે એની સાથે રમમાણ થઇ જાવ તો શ્રેષ્ઠ પરિણામો મળશે. ઇંગ્લીશમાં આને ઇન્વોલ્વમેન્ટ કહે છે. શ્રેષ્ઠ પરિણામ માટે ૧૦૦% ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. પણ એમાં તમે જે કરી રહ્યા હોવ એનો હેતુ મહત્વનો છે. લોકો ફેસબુક અને વોટ્સેપ ઉપર જે રીતે ઇન્વોલ્વ થયેલા જણાય છે એ પ્રકારની પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિ પાછળની વૃત્તિ ઝઘડાથી માંડીને છૂટાછેડા કરાવી શકે છે.

યોગના કુલ મળીને આઠ અંગ છે - યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તમે કોઈ પણ ધર્મના અનુયાયી હોવ પણ યમ અને નિયમ વિશેની સમજ તમને બાળપણથી જ આપવામાં આવી હશે. એસાઈનમેન્ટ કોઈનામાંથી ઉતાર્યું હોય તો કબુલ કરી લેવું (સત્ય), ઓફિસમાંથી સ્ટેશનરી તફડાવવી નહિ (અસ્તેય), ગમે તેટલો ગુસ્સો ચઢ્યો હોય તોયે કોઈને ફટકારવો નહિ (અહિંસા), ક્રિકેટરોને બોલરને ફટકારવાની જોકે છૂટ. ગાંધીજીનાં ફોટાવાળી નોટોનો બિનજરૂરી સંગ્રહ ન કરવો (અપરિગ્રહ) એ બધું ‘યમ’માં આવે! પાણી ન આવતું હોય તેવામાં પણ સ્વચ્છ રહેવું અને કદર ન થાય તો પણ વિચારો સારા રાખવા (પવિત્રતા), એરેન્જડ મેરેજમાં પણ ખુશ રહેવું (સંતોષ), સારા માર્ક મેળવવા માટે કાપલી કે કોપી કરવાને બદલે મહેનત કરવી (તપ) અને ફેઈલ જ નહીં, ભૂલમાં પાસ થઈ જવાય તો એ અંગે પણ આત્મચિંતન કરવું (સ્વાધ્યાય) એ ‘નિયમ’માં આવે.

યોગાસન કરવા સરળ છે. એટલીસ્ટ વિચારવામાં તો જરા પણ તકલીફ નથી પડતી. અમે મજાક નથી કરતાં. તમે એવરેસ્ટ ચઢવા વિષે વિચાર કરજો. પરસેવો છૂટી જશે. તમે વિમાનમાંથી એરજમ્પ કરવાનું વિચારી જોજો. ચક્કર આવી જશે. પણ યોગાસન વિષે વિચાર કરવામાં આવી કોઈ તકલીફ નથી થતી, સિવાય કે તમે સરકાર કંઈ પણ કરે એ પચાવી ન શકો એવા બળેતરા સ્વભાવના હોવ તો. યોગાસન કરવા પણ સરળ છે. એમાં પગ અને હાથ સાંધામાંથી હલાવવાનાં હોય છે. કમરમાંથી વાંકા વળવાનું હોય છે. કરોડને મરોડ આપવાનો હોય છે. આટલું કરવામાં ઘણાને પરસેવો થઈ જાય એવું બને. એ પણ એક હેતુ જ છે. યોગ ઊભા ઊભા, બેઠાં બેઠાં અને સૂતાં સૂતાં પણ થઈ શકે છે. યોગ સૂતાં સૂતાં થઈ શકે છે એ પ્રમાણ છે કે યોગની શોધ ભારતમાં થઈ હતી.

આપણા ગુજરાતીઓ માટે દરેક દક્ષિણ ભારતીય મદ્રાસી અને દરેક હિન્દીભાષી એ ભૈયો છે. એ જ રીતે યોગાસન એટલે જ યોગ એવું આપને સગવડતાપૂર્વક માનતા આવ્યા છીએ. હકીકતમાં ‘આસન’ એ યોગનું માત્ર એક અંગ છે. એના અમુક આસનો તો એવા છે કે તમે ભારતીય હોવ તો તમે ક્યારેક ને ક્યારેક કર્યા જ હશે જેમ કે સુખાસન એટલે પલાંઠીવાળીને બેસવું. પાછળ ફોડલી થઈ હોય અને સુખાસનમાં ન બેસાય તો પગ પાછળ વાળીને બેસો તે વજ્રાસન. આસનો કરીને થાકીને મડદાની જેમ ચત્તાપાટ સુઈ જાવ એટલે શવાસન. સ્કૂલમાં ટીચર અંગુઠા પકડાવે એ પાદહસ્તાસનની મુદ્રા છે અને મરઘો બનાવે એ કુક્કૂટાસનનું આધુનિક સંશોધિત સ્વરૂપ છે. ઢીંગલાની જેમ પગ લાંબા કરીને ટટ્ટાર બેસો એ દંડાસન, સવારે બાલ્કનીમાં ઉભા ઉભા બે હાથ ઊંચા કરીને આળસ ખાવ એ તાડાસન અને પથારીમાં ઉંધા પડીને કાચિંડાની જેમ ડોક ઉંચી કરીને ટીવી જુઓ એ ભુજંગાસનની મુદ્રા છે. બસ, આ બધું તમે બહાના કાઢ્યા વગર અઠવાડિયામાં છ દિવસ કરો તો ઘેર બેઠાં ફાયદો થાય! કમસેકમ જીમની ફી તો બચે જ!

છેલ્લા કેટલાક વર્ષોથી વહેલી સવારે લગભગ દરેક ઘરનાં ધાબામાં નાગ ફૂંફાડા મારતો હોય એવા અવાજો સાંભળવા મળે છે. એ બાબા રામદેવ પ્રેરિત ‘ભસ્ત્રિકા પ્રાણાયામ’નો પ્રતાપ છે. ભસ્ત્રિકા એટલે અત્યંત વેગથી હવા ફૂંકવાનું એક સાધન જેને ધમણ કહે છે, પ્રાણાયામ એટલે તાલબદ્ધ શ્વાસોચ્છવાસની ક્રિયા. સોશિયલ મીડિયામાં તો આ ફણીધરો સવાર સવારમાં હવામાંથી બધો ઓક્સિજન ચૂસી લેતાં હોવાની ફરિયાદ પણ દાખલ થઇ હતી. પણ યોગનું આ પ્રત્યક્ષ ફાયદો કરાવી આપતું અંગ છે જેને મેડીકલ સાયન્સે પણ માન્યતા આપી છે. પ્રાણાયમના આ ઉપરાંત બીજા ઘણાં પ્રકાર છે.

તમે યમ-નિયમનું પાલન કરો, સાચી રીતે પ્રાણાયામ કરો, બોલવામાં ધ્યાન રાખો, ખાવા-પીવામાં ચટાકા ન કરો અને ચારિત્ર્ય શુદ્ધ રાખો એ ‘પ્રત્યાહાર’ છે. સરળ શબ્દોમાં કહીએ તો પાંચે ઇન્દ્રિયોને કાબુમાં રાખવી એ પ્રત્યાહાર છે. યોગના આ પછીના અંગો વિશેષ સાધના અને માર્ગદર્શન માગી લે છે. મોર કો ધ્યાન લાગ્યો ઘનઘોર, પનિહારી કો ધ્યાન લાગ્યો મટકીની જેમ જ કોઈ જગ્યા કે સ્થળ (હૃદય કે મસ્તિષ્ક) ઉપર તમારા ચિત્તને સ્થિર કરો એ ‘ધારણા’ છે. એનાથી દેહ સ્વસ્થ થાય છે, આવાજ શુદ્ધ થાય છે અને આધ્યાત્મિક અનુભૂતિ થાય છે.

એકાગ્રતા અને તલ્લીનતાની ચરમસીમા એ ‘ધ્યાન’ છે અને ધ્યાનમાં સિદ્ધિ મળે એ ‘સમાધિ’ છે જે બધી જ જાતની અનુભૂતિઓથી ઉપર છે અને એ યોગનું લક્ષ્ય ગણાય છે. ધ્યાનમાં કશું નથી કરવાનું હોતું. આ હિસાબે સરકારી કચેરીઓમાં બેસનારાં યોગી ગણાઈ શકે. મોબાઈલમાં તલ્લીન હોય એ સમયે રસ્તો કે રેલ્વેલાઈન ક્રોસ કરવા જતાં લોકોના જીવ ગયા છે એ હકીકત ધ્યાને લઈએ તો સોશિયલ મીડિયાથી સમાધિ સુધી નામની સીડી કોઈ મનોચિકિત્સક કે કોઈ ગુરુ બહાર પડે એ દિવસ હવે દુર નથી.

“હું કોણ છું?” પ્રશ્નનો જવાબ શોધવામાં જ્યોતિન્દ્રભાઈએ રમૂજના ઘોડાપૂર આણ્યા હતાં. આ પ્રશ્નનો જવાબ હજુ યોગમાં શોધાય છે. આ ઉપરાંત “હું ક્યાંથી આવ્યો?”, “હું શું કામ આવ્યો?”, “હું ક્યાં જઈશ?” જેવા, રેલ્વેસ્ટેશન પર ન પુછાય એવા, પુરક પ્રશ્નો પણ યોગમાં ઊંડા ઉતરનાર પોતાની જાતને પૂછતા હોય છે.

આજે ૨૧ જુન ૨૦૧૫, પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. સરકારે યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાવીને ઉત્તમ કામ કર્યું છે. ધર્મ અને રાજકારણને વચ્ચે લાવ્યા વગર એને ખુલ્લા મને અપનાવીએ. હવે એમ તો નહિ પૂછોને કે મન ખુલ્લું કઈ રીતે કરવું? 

Sunday, June 14, 2015

ભૂખમરાનાં અન્ય કારણો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૪-૦૬-૨૦૧૫

ભારત ભૂખમરાની સમસ્યાથી પીડાય છે. એક સમાચાર મુજબ ભૂખમરામાં વિશ્વના દેશોની યાદીમાં ભારત પહેલા નંબર પર છે. પોઝીટીવ થીંકીંગમાં માનનારા કદાચ એમ કહે કે ચાલો કશાકમાં તો આપણે પહેલાં નંબર પર છીએ. દેશમાં અત્યારે ૧૯ કરોડ ૪૦ લાખ લોકો ભૂખમરાથી પીડાય છે. આમાં પોતાની કે પરિવારની મરજીથી ઉપવાસ કરતાં લોકોનો સમાવેશ તો કર્યો જ નથી. આર્થિક રીતે સધ્ધર હોવા છતાં મનેકમને અને શરમમાં ભૂખ્યા રહેવું પડતું હોય એવા લોકોનો આ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવે તો ભલભલા ચોંકી ઉઠે.

માણસ અનેક કારણોસર ભૂખે મરે છે. ઉપરોક્ત સર્વેમાં બધા કારણો નહીં જ લખ્યા હોય. જયારે જયારે આવા ભૂખમરાના સમાચાર આવે ત્યારે આપણને એમ લાગે કે આ વીસ કરોડ લોકો પાસે પૂરતા રૂપિયા નહિ હોય, નોકરી ધંધો નહીં હોય જેને કારણે એ ભૂખ્યા રહે છે. હશે, એવા પણ હશે. સામે એવા પણ હશે કે જે ઘરમાં, હોસ્ટેલમાં, કે કોઈ ભોજન યોજના અંતર્ગત મળતું ભોજન ખાવા જેવું નહી હોવાને લીધે ભૂખ્યા રહેતાં હશે. જે ઘરોમાં રાંધનાર આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ હોય અથવા રસોઈકળામાં અબુધ હોય એવા ઘરની વાનગીમાં ખાનારે સ્વાદના આગ્રહનો ત્યાગ કરીને જે કોઈ રસનો અભાવ હોય તેની કેવળ ધારણા કરીને વાનગીનો રસાસ્વાદ કરવાનો હોય છે. આવા કિસ્સાઓમાં ક્ષુધાતૃપ્તિ થયાની માત્ર ધારણાને આધારે જ ભોજનની પ્રક્રિયા પૂરી કરવામાં આવતી હોઈ ક્ષુધાતુર જીવોની સંખ્યામાં વૃદ્ધિ થતી હોય છે. રોજ હોટલનું ખાતાં હોય એ ઘરનું ભોજન ઝંખે છે, રોજ ભાખરા ખાઈને કંટાળેલા હોટલનું ખાવાનું ઝંખે છે, સરવાળે બેઉ અડધાં ભૂખ્યા રહે છે.

ઘણા લોકો લગ્નના જમણવારમાંથી ભૂખ્યા પાછા આવે છે કારણ કે ‘સબ્જી વોઝ વેરી ઓઈલી’ કે ‘રોટી બ્રેક થતી નહોતી’ કે ‘સ્વીટમાં દમ નહોતો’. કેટલાક લોકો તો વેવાઈ જમવામાં આગ્રહ કરવા ન આવે તો જમવાનું અડધેથી છોડી દેતા હોય છે. પ્રસંગે નિમંત્રણ આપવામાં ધ્યાન ન રાખ્યું હોય તો જમવાનું ખૂટી જતું હોય છે. આ સંજોગોમાં વર-કન્યાના સગાને કંપની આપવા ભૂખ્યા રહેલા લોકો રખડી પડતા હોય છે. એક ફીઝીશીયન કે હાર્ટ સ્પેશીયાલીસ્ટ જે જમણવારમાં હાજર હોય એ જમણવારમાં એમના પેશન્ટોએ ફરજીયાત ભૂખ્યા રહેવું પડતું હોય છે. આ બધા પણ રહ્યા તો ભૂખ્યા જ ને? લગ્નમાં ચાંદલો કર્યા છતાં ઘેર જઈને બચારાને ફ્રીજમાં ખાંખાખોળા કરવા પડે તે શું વાજબી કહેવાય?

જેલ અને લશ્કરની મેસ માટે એવું કહેવાય છે કે ત્યા જમવા માટે હૈયામાં હામ અને કાળજુ કઠોર હોવું જરૂરી છે. કાચાપોચાઓ આવી જગ્યાએ ભૂખ્યા જ રહી જાય. હોસ્ટેલની દાળ મરચાંના સૂપ સ્વરૂપે, શાક પ્રાકૃત સ્વરૂપે અને રોટલી-ભાખરી ધરમ-વીરની જોડી જેવી (તોડે સે ભી તૂટે ના યે ...) હોય છે. તાત્વિક રીતે ડાયેટિંગ કરનારા જે સલાડ તરીકે ખાય છે એ જ સલાડ હોસ્ટેલની મેસમાં શાક તરીકે પીરસાય છે. દાળ સબડકા લેવા કરતાં અગાઉ જણાવી તે જડબાતોડ ભાખરીને નરમ કરવા માટેના ‘સોફનર’ તરીકે વપરાય એવી વધુ હોય છે. જે એવું માનતા હોય કે ભાતમાં તો હવે શું ખરાબ થઈ શકે એમણે હોસ્ટેલની મેસના ભાત ખાઈ જોવા. પહેલીવાર એવા ભાત ખાધા પછી અમને એ નવી વાત જાણવા મળી હતી કે અમુક પ્રજાતિનાં જીવડાં અને જીરુના દાણા વચ્ચે બહુ બારિક તફાવત હોય છે અને એ તફાવત નરી આંખે પારખી શકાતો નથી.

શિયાળે બગલાને થાળીમાં ખીર પીરસી હતી એ વાર્તા તમે વાંચી હશે. આ વાર્તા મુજબ ઘણાં ઘરોમાં મહેમાનોને જમાડવામાં આવે છે. ‘મીઠું જોઈએ તો કહેજો, આશિષને અલ્સર છે એટલે અમે બધાં મોળું જ ખાઈએ છીએ’. પછી તો ખબર પડે કે નજર ઉતારતી વખતે જેમ માથા ઉપર લોટો ફેરવવામાં આવે છે એમ જ પાર્ટીએ શાક ઉપરથી મસાલાનો ડબ્બો ગોળગોળ ઉતારીને મૂકી દીધો છે અને દાળમાં પાણી એટલું છે કે વાટકી નવી હોય તો તેના તળિયામાં જોઈને તમે માથું ઓળી શકો ! અમુક જગ્યાએ મહેમાન બનો તો તમને આથી વિપરીત અનુભવ થાય. ગુજરાતમાં સિંગતેલનાં ભાવ કેમ ભડકે બળે છે એનું કારણ તમને જમતી વખતે ખબર પડે. એટલું તેલ ધબકાર્યું હોય. ઉપરથી મરચું તો એટલું નાખ્યું હોય કે દાળનો રંગ જોઈ પીરસનારને કહેવું પડે કે ‘થોડીક જ બસ બસ બસ ..... મને આમેય દાળ ઓછી ભાવે છે’. આપણે જુઠ્ઠું બોલવું નથી હોતું, પણ બોલવું પડે છે અને ભૂખ્યા પણ ઉઠવું પડે છે !

કાઠીયાવાડમાં તો ‘રસોઈ એટલે લોટ પાણીને લાકડા’ કહેવત બહુ પ્રચલિત છે. તમને પ્રેમપૂર્વક કોઈ જમવા બોલાવે અને જમાડતી વખતે આગ્રહ કરે એ ભાવના અને રસોઈનાં ટેસ્ટ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. કદાચ ભંગારીયા રસોઈ બની હોય ત્યાં આગ્રહો વધુ થતાં હોય એવું પણ હોય. એમાં આપણે ભગવાન તો નથી કે માત્ર ભાવનાનાં ભૂખ્યા હોઈએ. પછી તો હોટલો છે જ. તમે નહિ માનો, પણ હકીકત એ છે કે આપણે ત્યાં અડધા લોકો તો બજારમાં મળતા ગાંઠીયા-ભજીયા, દાબેલી-વડાપાઉં અને પિત્ઝા-બર્ગરને લઈને જ સંસારમાં ટકી રહ્યા છે, બાકી સરકાર જો ઘેર ખાવાનું ફરજીયાત કરી દે તો ગીરનાર અને હિમાલયની ગુફાઓમાં વેઈટીંગ ચાલુ થઇ જાય. n

મસ્કા ફન

સાચી ટ્રેઇનિંગ એ કહેવાય જેમાં છોકરી સાસુ-સસરાને મેગી ખાતા કરી દે!
--
[ કોમેન્ટ્સ આવકાર્ય ]

ટ્રાફિક સંબંધિત પાપ-પુણ્ય

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૪-૦૬-૨૦૧૫ | અધીર અમદાવાદી | 
 

કોમ્પ્યુટરના દર મહીને નવા અપગ્રેડેડ મોડલ્સ આવે છે. મોબાઈલના મોડલ દર અઠવાડિયે બદલાય છે. થર્ડ જેન્ડરને માન્યતા મળે છે. જૂનાં કાયદા સ્ક્રેપ થાય છે અને નવા કાયદા આવે છે. આમ છતાં પાપ અને પુણ્ય કાર્યની વાત કરીએ તો એ લીસ્ટ હજુ ત્યાંનું ત્યાં જ છે. ગાયને ઘાસ નાખવાથી પુણ્ય મળે છે અને અન્નનો તિરસ્કાર કરવાથી પાપ લાગે છે. દાન કરવાથી પુણ્ય મળે છે અને ચોરી કરવાથી પાપ લાગે છે. શું તમને એમ નથી લાગતું કે કોઈના નામનું ફેક એકાઉન્ટ ખોલાવવું એ પાપ છે? શું તમને એમ નથી લાગતું કોઈનું ઈ-મેઈલ હેક કરવું એ પાપ છે? શું પતિ કે પત્નીના મેસેજ ખાનગીમાં વાંચવા એ પાપ નથી? શું તમને એમ નથી લાગતું કે પાપ અને પુણ્ય કાર્યો બદલાતા સમય સાથે બદલાવા જોઈએ? શું આ પાપ-પુણ્યનાં લીસ્ટમાં સુધારો-વધારો કરવાની જરૂર નથી લાગતી?
 
આજકાલ ટ્રાફિકની સમસ્યા ખૂબ છે. સતયુગમાં જયારે પાપ અને પુણ્ય વિષે વિદ્વાનોએ વિચાર કર્યો હશે ત્યારે ટ્રાફિકની સમસ્યા નહીં હોય જેથી કરીને ટ્રાફિક સંબંધિત પાપ-પુણ્ય લીસ્ટમાં જણાતાં નથી. જેમ કે કોઈના દરવાજા આગળ હાથી પાર્ક કરવાથી પાપ લાગે. અથવા કોઈના રથનું પૈડું બદલવામાં મદદ કરવાથી પુણ્ય મળે. આવું વેદ કે પુરાણોમાં વાંચવા નથી મળતું. તો ચાલો થોડું એ વિષે આપણે વિચારીએ.

સૌથી પહેલા તો કારણ વગર હોર્ન વગાડી પોતાનાં અસ્તિત્વની લોકોને જાણ કરવી એ ઘોર પાપ છે. આ પાપનો કરનાર નરકમાં જઈ સ્વપ્રશસ્તિપુર નગરમાં સ્થાન પામે છે. ત્યાં એ સવાર સાંજ જાણીતાં લેખકોની આત્મશ્લાઘા સાંભળવા પામે છે. માત્ર અડધો કલાક જ આવા સંભાષણ સાંભળી ત્રસ્ત થયેલ જીવ આગળના સાત જનમ ‘જરૂર પડશે તો પણ હોર્ન નહીં મારું’ તેવી કાલાવેલી યમદુતોને કરતો થઈ જાય છે. જે અડધી રાત્રે રીવર્સ હોર્ન વગાડી લોકોની ઊંઘ બગાડે છે તેને નરકનાં કચકચ નામના નગરમાં સ્થાન મળે છે જ્યાં રોજ એને હેડફોન પર ફૂલ-વોલ્યુમમાં યોયો હનીસિંગના ગીતો રીપીટ મોડમાં સાંભળવા પડે છે.

જેમ મા-બાપની સામે બોલો એ પાપ ગણાય છે તેમ વાંકમાં હોવા છતાં ટ્રાફિક પોલીસ સાથે જે જીવ માથાકૂટ કરે છે, અથવા કોક ઉચ્ચ પદધારી મહાનુભવને ફોન કરી દંડ ભરવામાંથી છટકવા પ્રયાસ કરે છે, તેને મર્યા પછી નર્ક સ્થિત લાગવગપુરની મુનસીટાપલીમાં કમ્પ્લેઇન નોંધવા બેસાડવામાં આવે છે. જે જીવ રસ્તા વચ્ચે વાહન ઊભું રાખી ‘હવે ક્યાં જવું?’ તે વિચાર કરે છે તેને મર્યા બાદ નરકની આદર્શનગર ઝૂપડપટ્ટીમાં ડ્રેનેજ લાઈન પર ખાટલો એલોટ થાય છે. જે કોઈના વાહન પાછળ પોતાનું વાહન પાર્ક કરી જતો રહે છે તેના મર્યા બાદ તેની છાતી પર દિવસમાં બાર કલાક સુમો પહેલવાન બેસાડવાની સજા પામે છે. જે મનુષ્ય ચાલુ વાહને બેદરકારીપૂર્વક પાનની પિચકારી મારે છે, તે નરકમાં તો જાય જ છે, પણ ત્યાં એને થુંકના સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ શીખતાં પાપીઓના કોચ તરીકે સેવા આપવી પડે છે.

આમ તો પૃથ્વીલોક પર જીવ એકલો આવે છે અને એકલો જવાનો છે. આમ છતાં ટુ-વ્હીલર પર અમુક જીવ ત્રણ, ચાર કે પાંચ સવારીમાં નીકળે છે. આવી રીતે જનાર પાપીને પોતાનું વાહન છોડી યમરાજાનાં વાહન એટલે કે પાડાને ઇશારે ચાલવું પડે છે. યમલોક અને મનુષ્યલોક વચ્ચેનું અંતર છ્યાશી હજાર યોજન છે. આ રસ્તો પાપીઓને મુનસીટાપલીનાં રસ્તા જેટલો જ દુર્ગમ લાગે છે. વાહન ચલાવતા જે જીવ મોબાઈલનો ઉપયોગ કરે છે, તે ઓર્થોપેડિક ડોકટરોએ પૂર્વજન્મમાં કરેલા સત્કૃત્યોનાં બદલા રૂપે સારા દિવસો દેખાડે છે. પણ ફ્રેકચર માટે કરેલા પ્લાસ્ટરની અંદર જ્યારે પાપીને ખણ આવે છે ત્યારે કાંસકો કે સળી અંદર જઈ શકતી નથી. કાર ચલાવતા જે જીવ મેસેજિંગમાં જીવ રાખે છે તે ફરી આફ્રિકામાં જન્મી ટપાલી તરીકે સંસ્કાર પામે છે. ટુ-વ્હીલર ચલાવતા જે ફોન પર વાત કરે છે તે જયારે યમલોકના કોલ સેન્ટરમાં પાણીની ફરિયાદ કરવા ફોન જોડે તો એનો કોલ દોઢ દોઢ કલાક સુધી લટકાવવામાં આવે છે.

થોડાં ટ્રાફિક સંબંધી પુણ્યો પણ જોઈ લઈએ. પૃથ્વીલોક પર જે કોઈ વ્યક્તિ એમ્બ્યુલન્સને અગ્રતા આપે છે એ પુણ્ય કમાય છે અને સ્વર્ગનાં ફ્રી-વાઈફાઈ નામનાં નગરમાં એને સારી વિન્ડ ડાયરેકશનનો બિયુ પરમીશનવાળો ફ્લેટ એલોટ થાય છે. જે કોઈ ઈન્ડીકેટર બતાવ્યા બાદ જ વળે છે તેને જીપીએસ દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આવી વ્યક્તિને સ્વર્ગમાં ક્યાંય કોઈને રસ્તો પૂછવો નથી પડતો. જે બિનજરૂરી હોર્ન નથી મારતો એ પછીના જન્મમાં ડબલ શક્તિશાળી કાન પામે છે. જે પોતાનાં સગીર પુત્ર-પુત્રીને લાઈસન્સ વગર વાહન ચલાવવા દેતો નથી તે મનુષ્ય યોનિમાં ફરી જન્મ પામે ત્યારે એણે કોઇપણ પ્રકારના લાઈસન્સ મેળવવા લાઈનમાં ઊભા રહેવું પડતું નથી.

એટલું જ નહીં પણ જેમ પુરાણોમાં પૃથ્વી પર કોઈ મંગલ કે સારા પ્રસંગે દેવદૂતો ઉપરથી પુષ્પવર્ષા કરતાં હતાં એમ જે જંકશન પર લોકો ટ્રાફિક સિગ્નલ બરોબર ફોલો કરતા હોય તેમના પર ટ્રાફિક પોલીસ ગુલાબજળ છાંટે છે. જે લોકો લેનમાં ડ્રાઈવિંગ કરે છે તેમને સ્વર્ગની સ્માર્ટ લેનમાં પ્રવેશ મળે છે.

જેમ પાપી ગંગામાં સ્નાન કરી પોતાનાં પાપ ધોઈ શકે છે એમ ટ્રાફિકમાં વારંવાર પાપ કરનાર પણ પુણ્ય કાર્ય કરી પોતાના પાપ ધોઈ શકે છે. એકવાર ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યાનું પાપ મુંબઈની લોકલ ટ્રેઈનનાં સેકન્ડ ક્લાસમાં એક વાર મુસાફરી કરીને ભૂંસી શકાય છે. આ સિવાય ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક મોનીટરીંગ માટે વિડીયો કેમેરાનું દાન કરીને પુણ્યનું ભાથું બાંધી શકાય છે. આવા પુણ્ય જેણે ભેગા કર્યા હોય તે મર્યા બાદ જયારે છ્યાંશી હજાર યોજન કાપે છે ત્યારે એને રસ્તામાં કોઈ સિગ્નલ નડતાં નથી. પીક અવર્સમાં ટ્રાફિકના નિયમનું પાલન કરનારનાં પુણ્ય બેવડાઈ જાય છે, પણ જે નિયમોનું ઉલ્લંઘન કરે તેનાં પાપ ચાર ગણા વધારે ચોપડે ચઢે છે. એકંદરે ટ્રાફિક સંબંધિત આ પાપ-પુણ્ય વિષે વાંચી તમે ફફડી ન ઉઠ્યા હોવ તો તમને ટ્રાફિક પોલીસ ધોકાવે તેની રાહ જુઓ, તો જ તમે સીધાં થશો ! n
---
કોમેન્ટ્સ આવકાર્ય !

Sunday, June 07, 2015

કઈ લાઈન સારી ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૭-૦૬-૨૦૧૫

આમ તો સપ્લાય કરતાં ડીમાંડ વધે ત્યારે ઇકોનોમિકસની થિયરી સાચી પાડવા લાઈન લાગે છે. આપણા દેશમાં રેશનીંગની લાઈન સૌથી ફેમસ છે. એ પછી પોપ્યુલારીટીમાં રેલ્વે રીઝર્વેશનની લાઈન આવે. એક જમાનો હતો જયારે માણસ ક્યાંય લાઈન જુએ તો કંઇક મળશે એ આશાએ ઉભો રહી જતો. હવે ઘણી બધી વસ્તુઓ ઓન-લાઈન થતાં ઓફ-લાઈનનો મહિમા દિવસે દિવસે ઘટતો જાય છે. જોકે વસ્તીવધારો લાઈન પદ્ધતિને સાવ નામશેષ તો નહીં જ થવા દે એટલી શ્રધ્ધા અમને સાક્ષી મહારાજો, એમનાં જેવાઓના ફોલોઅર્સ અને આપણા કુટુંબનિયોજન કાર્યક્રમો પર છે.

છોટી સી બાત ફિલ્મમાં અમોલ પાલેકર જયારે વિદ્યા સિન્હાનો પીછો કરતો હોય છે ત્યારે લીફ્ટ અને બસની લાઈનમાં એની પાછળ પાછળ જવામાં એને આનંદ આવતો જણાય છે. પણ બાકી કોઈ એવો વીરલો નહિ મળે જેને લાઈન સારી લાગતી હોય. એકંદરે લાઈનને સારી કહેનાર કોઈ નહિ મળે. જેમાં જીવન-જરૂરિયાતનું મેળવવા પણ ઊભા રહેવું પડે એ લાઈનને સારી કઈ રીતે કહી શકાય? હા, ધારોકે એક જ વસ્તુ માટે ત્રણ લાઈન લાગી હોય અને તમારી પાસે ચોઈસ હોય તો તમે એમાંથી સારી લાઈન નક્કી કરી શકો છો. જેમ કે રેલ્વે સ્ટેશન કે એરપોર્ટ પર ચેક-ઇનની લાઈન.

આમ છતાં, બોર્ડના પરિણામ જાહેર થાય એટલે ‘કઈ લાઈન સારી?’ એ ચર્ચા ચૌરે અને ચૌટેથી લઈને ચેટમાં થવા લાગે છે. ગુજરાતી મા-બાપના બે મુખ્ય ધ્યેય હોય છે. એક તો છોકરાંને સારી લાઈન પકડાવવી અને બીજું છોકરાં આડી લાઈને ન ચઢી જાય એનું ધ્યાન રાખવું. આમાં આડી લાઈન છોકરાં જાતે પકડે. સ્કૂલમાં આડી લાઈને ચઢી ગયેલા સારી લાઈને નથી ચઢી શકતા એવી માન્યતા છે. તમે એક્ટર્સ કે રાઈટર્સનો ઈતિહાસ કે આત્મકથા વાંચશો તો એ લોકો કોલેજમાં ગુલ્લી મારી ફિલ્મો જોવા જતાં હોય એવું વાંચવા મળશે. આ ગુલ્લીવીરોમાંથી ગણ્યા-ગાંઠ્યા ફિલ્મ લાઈનમાં કે પત્રકારત્વમાં સફળ થયા હશે, બાકીનાની હાલત વોશરમેનના ડોબરમેન જેવી થાય છે.

કઈ લાઈન સારી એ પ્રશ્ન નહીં, યક્ષ પ્રશ્ન છે. અગાઉ ‘સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીવે’ એવી કહેવત હતી. હવે સાવ એવું નથી. હવે સઈનો દીકરો ડોક્ટર કે કવિ પણ હોઈ શકે છે અને માછીમારનો દીકરો રોકેટ સાયન્ટીસ્ટ બની શકે છે. અમુક કિસ્સામાં તો આવું બને તો ફાયદો પણ થાય. જેમ કે સુથારીકામ કરનારનો દીકરો ઓર્થોપીડીક સર્જન બને તો હાડકાના સાંધાનું ફીનીશીગ સારું આવે અને એણે બેસાડેલું મીજાગરુ વર્ષો સુધી લાઈન દોરીમાં રહે. એજ રીતે એમ્બ્રોઈડરીની માસ્ટર છોકરી ડોક્ટર બને તો ફાયદો એટલો થાય કે એ ઓપરેશન કર્યા પછી ટાંકા લેતી વખતે એવા કલાત્મક સાંકળી ટાંકા કે ઈયળ ટાંકા લઇ આપે અથવા ઇન્સીઝીયનની આસપાસ સૂચર વડે એવું સરસ રબારી કે ધારવાડી ભરતકામ કરી આપે કે પેશન્ટ ટાંકા તોડાવવા માટે પણ પાછો ન આવે!

કઈ લાઈન લેવી એની સલાહ આપનારા અનેક મળશે પણ એ પોતે ભણ્યા હોય એ જરૂરી નથી. ‘હું કવ છું ને મીકેનીકલ જ લેવાય’ કહેનારને સ્કુટરનો પ્લગ સાફ કરવાથી વિશેષ અનુભવ મીકેનીકલ એન્જીનીયરીંગનો ન હોય એવું પણ બને. અમુક તો ભણવું બિલકુલ જરૂરી ન ગણતા હોય એવા પણ મળશે. એમાય ભણતરના મુદ્દે સ્મૃતિ ઈરાની અને સચિન તેન્ડુલકર આ બે કુંભ રાશિના જાતકોના ઉદાહરણ આજકાલ હાથવગા છે. સચિન જેવા જોકે કરોડોમાં એક પાકે છે. જૂની કહેવત છે કે ભણે ગણે તે નામું લખે ને ન ભણે તે દીવો ધરે. આમાં હવે સુધારો થયો છે. હવે એવું કહેવાય છે કે ‘ભણે ગણે તે નામું લખે, ન ભણે તે મીનીસ્ટર થાય, અબજપતિ થાય, ઓડીમાં ફરે, લાલબત્તીવાળી ગાડીમાં ફરે, માનનીય અને આદરણીય સંબોધન પામે.

હવે તો ગુજરાતમાં એન્જીનીયરીંગ કોલેજોમાં તો ડીમાંડ કરતાં સપ્લાય વધી ગયો છે. આજકાલ હાઈવે પર જતાં દરેક ચોકડી ઉપર પાનનો ગલ્લો અને એન્જીનીયરીંગ કોલેજ મળી આવે છે. જેમ ૯૦ના દાયકામાં એગ્રો ફૂડ બનાવતી કંપની આઈટી ફર્મમાં કન્વર્ટ થઈ ગઈ હતી એમ હવે નર્સરી અને બાલમંદિર સીધાં એન્જીનીયરીંગ કોલેજ બની ગયા છે. આ ભવિષ્યમાં સ્ટુડન્ટના મા-બાપ વચ્ચે આવી ચર્ચા થતી સાંભળવા મળે તો નવાઈ નહિ.

---

‘તે તમાર બાબાન શોમાં મેલ્યો?’

‘મારો બાબો? એ તો એન્જીનીયરનું કર છ’

‘એ તો ખબર છ, પણ ચ્યોંકણ મેલ્યો?’

‘આપડે રીંછોલ ચોકડી નઈ, ઈની ફાયે જે કોલેજ છ ત્યોં’

‘ત્યોં તો આપડા અરવિનભઈ ટ્રસ્ટીમોં છ એ જ કે બીજી?’

‘અરવિનભઈનું તો ખબર નઈ, ત્યોં મારા સાઢુભાઈના મોમા ટ્રસ્ટીમોં છ, ગોપાલભઈ કરીન’

‘ઈમ? પણ તે રીંછોલ ચોકડી ફાયે બે કોલેજ છ ? હાહરું મન ખબર જ નઈ’

‘તી રોડ પર ભળાય એવી નહિ, એ તો ગોપાલભઈની શિમેન્ટ પાઈપની ફેક્ટરી છ ન, ઈમો ચાલુ કરી છ’

‘ઓહો એ તો મીએ ભાળી હ, તે ચેટલા આલ્યા એડમીશન માટે?’

‘આલ્યા કે લીધા? હવ તો ઇમને કોલેજ ચાલુ રાખવા ટુડન્ટ જોઈઅ છ. તી હોમ્ભેથી ઘેર આઈ ન ફોરમ ભરી આલે છ, મફત મોં, અન ઉપરથી પિજ્જાની ડીશકાઉન્ટ કુપન આલઅ છ’.

‘લ્યા તો પેલેથી કે’વું જોઈએ ન, અમેં તો ફોરમ ફીના પોનસો ખોટા ખર્ચ્યા’.

‘હવઅ તમાર નેના સોકરામોં ધ્યાન રાખજો તાણઅ બીજું શું....’



મસ્કા ફ્ન
પાણી-પુરીનો ખુમચો એ મહિલાઓનું મયખાનું છે. પૂરી એ જામ છે

અને ભૈયો સાકી છે.

ત્યારે સાલું લાગી આવે !

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૭-૦૬-૨૦૧૫ | અધીર અમદાવાદી |
 
રાત્રે પોણા બાર વાગ્યા હોય, તમે મુંબઈથી અમદાવાદ પહોંચવામાં હોવ એવામાં મણીનગર અને કાલુપુર વચ્ચે ટ્રેઈન પોણો કલાક પડી રહે, ત્યારે સાલું કેવું લાગી આવે? એમાં પાછાં ઘરનું ખાવાના અભરખાં પાળ્યા હોય ! શું તમારે એવું નથી બન્યું કે બસની રાહ જોઈ ઉભા હોવ અને આગળના સ્ટેન્ડથી વધારે બસ મળશે એવું વિચારી ચાલવાનું શરુ કરો અને ત્યાં જ બસ આવે, અને તમે અધવચ્ચે ઊભા હાથ ઊંચો કરતાં રહી જાવ? શું એવું પણ નથી બન્યું કે સાડા અગિયાર વાગ્યા સુધી બોસ નથી આવ્યા તો આજે હવે નહીં જ આવે, એમ માની ચા પીવા નીચે લીફ્ટમાં નીચે ઉતરો અને બોસ સામે જ મળે? સખ્ખત ગરમીથી કંટાળીને તમે લાખ રૂપિયા ખર્ચીને કુલુ-મનાલી ફરી આવો, અને અમદાવાદ ઉતરો ત્યારે કમોસમી વરસાદને કારણે વાતાવરણ ઠંડુ હોય. તમે સમારંભના મુખ્ય વક્તા હોવ અને સમયસર હોલ પર પહોંચી જાવ ને તમારું સ્વાગત કરવા ડેકોરેટરનાં માણસો સિવાય કોઈ ના હોય ? બાઈક બગડે અને પોણા બે કિલોમીટર ઢસડીને ગેરેજમાં લઈ જાવ અને મિકેનિકની પહેલી કિકે બાઈક સ્ટાર્ટ થઈ જાય, ત્યારે બાઈકને લાત મારવાનું મન થાય. આવું બધું બને ત્યારે કોઈને પણ લાગી આવે એ સ્વાભાવિક છે.

અમે તો છત્રી લઈને જઈએ એ દિવસે જ વરસાદ પડતો નથી. બે મહિનાના પ્લાનિંગ પછી અમે સ્વેટર ખરીદીએ એ દિવસથી ઠંડી જ પડતી નથી. ટ્રેઈનમાં ટીકીટ લઈને ચઢીએ એ દિવસે જ ટીસી આવતો નથી. હેલ્મેટ પહેરીને લાઈસન્સ લઈને જે દિવસે વાહન ચલાવતા હોઈએ એ દિવસે કોઈ પોલીસવાળો રોકતો નથી. અરે ઘરનું બનાવેલું ખાવાનું લઈને ‘લે ગાય ગાય ગાય ...’ કરીને દોઢ કિલોમીટર ફરી વળીએ ને માંડ એક ગાય દેખાય, પણ એ ગાય જ સૂંઘીને ખાવા ઉભી રહેતી નથી. આવામાં લાગી ન આવે તો શું થાય?

આમ લાગી આવવાનાં મૂળમાં ધોખો છે, સામાન્ય રીતે વ્યક્તિની અપેક્ષાથી વિપરીત, હેતુથી વિમુખ કે એણે સ્વીકારેલી રૂઢિથી વિરુદ્ધ કંઈ પણ ઘટના બને તેનાથી વ્યક્તિના મનમાં વિષાદ થતો હોય છે. આ એવી અવસ્થા છે જેમાં વ્યક્તિ ખિન્નતા અને નિરાશાના પ્રભાવ હેઠળ આવી જાય છે. જે કંઈ બની ગયું એને અટકાવવા માટે પોતે કંઈ જ કરી ન શક્યો એનો અપરાધભાવ એને પીડવા માંડે છે. આને જ ‘લાગી આવવું’ કહે છે. લાગી આવવાની માત્રા જે તે ઘટના અને વ્યક્તિના લાગણી તંત્ર ઉપર આધારિત છે. દા.ત. ખિસકોલી માટે નાખેલી રોટલી કાગડો ઉઠાવી જાય એ જોઈને ઘણાને લાગી આવતું હોય છે જ્યારે એ જ વ્યક્તિ કોઈ ગાયને શાકવાળીના ટોપલામાંથી ભાજીની ઝૂડી ખેંચતા જુએ તો લાગી નથી આવતું. સુંદર છોકરી એના બોયફ્રેન્ડ સાથે ગાડીમાં નીકળે તો લાગી આવે અને એ જ છોકરી એના કૂતરાને ગાડીમાં લઈને નીકળે તો લાગી ન આવે ઉલટાની કૂતરાની ઈર્ષા આવે એવું પણ બનતું હોય છે.

લાગી આવવાનાં મૂળમાં ઘણીવાર પોતાને અન્યાય થયો છે એ ભાવના કારણભૂત હોય છે. કાગડો દહીથરું લઈ જાય એમાં બગલાઓને લાગી આવતું હોય છે. ઘણાને સોહા અલીખાન સાથે ફરતા કુનાલ ખેમુને જોઈને કે દીપિકા સાથે ફરતા રણવીર સિંહને જોઈને લાગી આવતું હોય છે. એક સમયે અમિતાભ બચ્ચનનો પડછાયો બનીને ફરતા અમરસિંહને જોઈને અમને બચ્ચનના ચાહક તરીકે બહુ લાગી આવતું. આજકાલ શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય તો ગરીબો વતી કોક બીજાંને લાગી આવે છે. બ્રાહ્મણ મહેલના દીવા જોઈ હોજના ઠંડા પાણીમાં રાત વિતાવે અને અકબર એને ઇનામ ન આપે તો બીરબલને લાગી આવે છે. અમારા એક મિત્રના માથામાં લગભગ અડધા વાળ ધોળા છે અને એને આજકાલ ટીવી એડમાં દેખાતા વહીદા રહેમાનને જોઈને લાગી આવે છે ! એ કહે છે કે ‘સાલુ, આની જેમ બધા ધોળા હોત તો પણ સારું હતું.’

લાગી આવવું એ મનુષ્યસહજ છે. કૂતરાંને પણ તમે ઇગ્નોર કરો તો એને લાગી આવતું હોય છે તો આપણે તો માણસ છીએ. જેને જીંદગીમાં કદી લાગી ન આવતું હોય એ માણસ કહેવડાવવાને લાયક નથી. ‘અલા તું માણસ છે કે ફાનસ ?’ આ સવાલ આવા જડ ચેતાતંત્ર ધરાવતાં લોકોને પૂછાય છે. લાગી આવે એ ઘટના સામાન્ય રીતે છુપાવી શકાતી નથી. જેને લાગી આવે એનાં મોઢા ઉપર વિષાદ યોગ છવાઈ જાય છે. લાગી આવે એ વાંધાવચકા કાઢતાં ફરે છે. લાગી આવે એ વાત કરવાનું છોડી દે છે. સોશિયલ મીડિયા પર હોય તો લાગણી ઘવાયેલ વ્યક્તિ તમારા સ્ટેટ્સ લાઈક કરવાનું બંધ કરી દે છે. વધુ લાગી આવ્યું હોય તો અન-ફ્રેન્ડ કે બ્લોક પણ કરી દે છે.

જોકે લાગી આવે અને ખીજ ચઢે એ બે એક નથી. બપોરની ઊંઘ ખેંચતા હોવ અને રૂમમાં એક માખી તમને ઊંઘવા ન દે તો તમને ખીજ ચઢે. ફિલ્મનો ટાઈમ થઈ ગયો હોય, ઘરેથી નીકળતાં હોવ એ વખતે જ ઘરઘાટી વાસણ કરવા આવે તો ખીજ ચઢે. ખીજ પોતાનાં ઉપર પણ ચઢે અને સામેવાળા પર પણ ચઢે. પત્નીનો બર્થ ડે ભૂલી ને સાંજે મોડા ઘેર પહોંચ્યા પછી લેફ્ટ-રાઈટ લેવાય ત્યારે ખીજ ચઢે, પોતાની જાત ઉપર. આમાં લાગી ન આવે. ઘણીવાર તો સામેવાળી પાર્ટીને પણ નથી લાગી આવતું. એ પણ સાંજ પડવાની રાહ જોતી હોય છે કે સાંજ સુધી પેલાને યાદ ન આવે તો પોતાનો કેસ સાબિત થઇ જાય.

પણ એટલું તો માનવું જ જોઈએ કે લાગી આવવા માટે વાજબી કારણ હોવું જોઈએ. કોઈને વગર કારણે કે વારંવાર લાગી આવતું હોય તો એ જોઇને આપણને પણ લાગી આવે ને? કાગડો કુંજામાં પાણી ઊંચું આવે એ માટે કાંકરા નાખે અને સફળ થાય એ જોઈને કોક અકલમઠો આકળવિકળ થાય તો શું એ યોગ્ય છે? મુંબઈ ઇન્ડિયન જીતે અને હરભજન કોઈને હગ કરે એ માટે થઈને જો કોઈને લાગી આવતું હોય તો એને ખેંચીને બે લાફા ચોંડી દેવા જોઈએ. તારા કાકાએ કેટલા વર્ષો મહેનત કરી છે એ વાનખેડે સ્ટેડીયમમાં પીચ સુધી પહોંચવામાં, બાકી ઘણા તો એવા છે જેમને સ્ટેડીયમમાં એન્ટ્રી નથી મળતી, ગ્રાઉન્ડ પર જવાની, વાત છોડો !