Wednesday, February 14, 2018

એફોર્ડેબલ વેલેન્ટાઇન ડે



 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૪-૦૨-૨૦૧૮

રોઝ ડે, ચોકલેટ ડે, પ્રપોઝ ડે, કિસ ડે અને છેલ્લે વેલેન્ટાઈન ડે. આમાં ચુંબન સિવાય કશુંય ભારતીય નથી. કામસૂત્રના દેશ તરીકે ચુંબન પર આપણો ટ્રેડમાર્ક ખરો. પણ કામસૂત્ર પછી આપણે કદાચ ખાસ પ્રગતિ કરી નથી. વેલેન્ટાઇન ડે વિદેશથી ઈમ્પોર્ટ થયેલો તહેવાર છે. સંત વેલેન્ટાઇન કોણ હતા અને આ તહેવાર શું કામ ઉજવવામાં આવે છે એની સાથે આપણી પ્રજાને કંઈ લેવાદેવા નથી. દશેરાએ ફાફડા-જલેબી ખાવાના એટલે ખાવાના, કેમ ખાવાના એ નહીં પૂછવાનું. દેવું કરીને ઘી પીવાનો જમાનો નથી રહ્યો, પણ દેવું કરીને પણ વેલેન્ટાઇન ડે પર નવી પ્રેમિકાને નવી નક્કોર ગીફ્ટ આપવાની પ્રથા શરુ થઈ છે. પેલી વાટકી વ્યવહારમાં માનતી હોય તો સામે બેલ્ટ કે પર્સ કે પરફ્યુમ જે મળે તે ચુપચાપ લઇ લેવાનું, ના મળે તો હરિ હરિ. આપણા ઝુઝારું નવજુવાનો એમ પાછા પડે એમ નથી. કારણ કે મુખ્ય વાત પ્રેમ છે. થોડા રૂપિયા ઢીલા કરવાથી છોકરી ઈમ્પ્રેસ થતી હોય તો લાખ ભેગા સવા લાખ કરી નખાય. પરંતુ સોસાયટી સાવ કેપીટાલીસ્ટ બની જાય તો અમને પણ ચિંતા થાય. અમને જ શું કામ આખા સમાજે ચિંતા કરવી ઘટે.


તો શું ગરીબને પ્રેમ કરવાનો અધિકાર નથી? શું મહીને પાંચ હજાર કમાતો હોય એની છાતીમાં દિલ નથી હોતું? એને વેલેન્ટાઇન ન હોઈ શકે? શું ગરીબીની રેખાને પ્રેમીઓ વચ્ચેની લક્ષમણ રેખા બનતી અટકાવી ન શકાય? શું છોકરીઓએ છોકરાઓની આર્થિક પરિસ્થિતિ જોવી જોઈએ? ના. તો પછી આ ભેદભાવ બંધ થવા જોઈએ અને પ્રેમ જ સર્વોપરી હોવો જોઈએ. પ્રેમ જુઓ - પ્રેમી ગુલાબનું ફૂલ આપે કે ગલગોટાનું, ગીફ્ટમાં મોબાઈલ આપે કે મોબાઈલનું કવર, લાગણીમાં ફેર ન પડવો જોઈએ. ‘તોફા દેને વાલી કી નિયત દેખની ચાહિયે, તોફે કી કીમત નહીં’, હિન્દી ફિલ્મનો આ ડાયલોગ નથી સાંભળ્યો? માટે જે ફાઈવસ્ટાર હોટેલમાં જમાડે એને પણ પ્રેમ કરો અને જય બજરંગ દાબેલી સેન્ટરની દાબેલી ખવડાવે એને પણ પ્રેમ કરો.


યુવાનોને આજકાલ ઘણી સમસ્યા સતાવી રહી છે. અમુક સંગઠનો પ્રેમીઓની પાછળ હાથ ધોઈને પડી ગયા છે અને સાચા પ્રેમીઓની જાહેરમાં ધોલાઈ કરતાં ખચકાતા નથી. આવા પ્રેમીઓ માટે ૧૦૮નાં ધોરણે ૧૪૦૨ સેવા ચાલુ થવી જોઈએ. વેલેન્ટાઈન ડે હેલ્પલાઈનના આ ખાસ નંબર પર કોલ કરવાથી પ્રેમીઓને થતી કનડગતને એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા રોકવામાં આવવી જોઈએ. જાહેર સ્થળો પર ભિખારીઓ, બેલ્ટ અને ઘડિયાળ વેચવાવાળા, કૂતરા અને રખડતી ગાયોથી કાયમ તકલીફ થાય છે. આ ઉપરાંત ઘણીવાર નકલી પોલીસ પણ પ્રેમીઓ પાસે રૂપિયા પડાવે છે. તો આ સર્વે બાબતોનો ૧૪૦૨ ત્વરિત નિકાલ કરી શકે. આ અંગે કોમ્પુટરાઈઝડ રિસ્પોન્સ સેન્ટર અને રેપીડ ટાસ્કફોર્સ ઊભું કરી સરકારના અનુદાનથી સેવાઓ શરુ થાય એ યુવાનોની માંગ છે.


ખરેખર તો સરકારે બેરોજગાર, ઓછું કમાતા, અથવા જેના હાથમાં મહિનાની ચૌદમી તારીખ સુધી રૂપિયા ટકતા નથી તેવા દેશના ભવિષ્ય સમા યુવાન-યુવતીઓ વેલેન્ટાઈન ડેના દિવસે નિર્વિઘ્ને ગુટરગુ કરી શકે એ માટે ‘એફોર્ડેબલ વેલેન્ટાઇન ડે’, અથવા ‘સાત ફેરા સમૂહલગ્ન યોજના’ની જેમ ‘સલ્લુ ભાઈ સેટિંગ યોજના’ (SBSY) લોન્ચ કરવી જોઈએ જેના હેઠળ આર્થિક રીતે નબળા માંકડા પોતાને લાયક માંકડાને વળગી શકે. આ યોજના માટે ખાસ વેલેન્ટાઇન પેકેજ  અંતર્ગત રીવરફ્રન્ટ કે કાંકરિયા લેકફ્રન્ટ પર વેલેન્ટાઈન ડે સમારોહનું આયોજન કરવામાં આવે. તે દિવસ માટે સદર સ્થળોએ હેપ્પી અવર્સ જાહેર કરવામાં આવે. હેપ્પી અવર્સમાં પોલીસ અને હોમગાર્ડથી લઈને સિક્યોરીટીવાળા તો ઠીક પણ હાથમાં લાકડી હોય એવી વ્યક્તિ માટે પ્રવેશબંધી લાગુ કરવામાં આવે. SBSYના પ્રવેશ પાસ મેળવવા માટે સામેના પાત્ર સાથેની ફેસબુક મૈત્રીનો દાખલો મામલતદાર કચેરી પાસેથી મેળવીને આધાર કાર્ડ અને આવકના પુરાવા સાથે ૮ ફેબ્રુઆરીના ‘પ્રપોઝ ડે’ સુધીમાં સેટિંગ શાખામાં અરજી કરવાથી લાભાર્થી યુવક અને તેના એક સાથી માટે પ્રવેશ પાસ મળે. ફેસબુક પણ આધાર સાથે લિંક થઇ ગયું હોય એટલે એક કરતા વધુ પાસીસની ફાળવણી નકારી શકાય અને સ્થળ પર હરીફ પાત્રો વચ્ચેના ઝઘડા પણ ટાળી શકાય. 



પ્રસંગ પત્યા પછી બંને પાત્રોને જામે નહિ અને છુટા પાડવા માગતા હોય તો પ્રોમિસ ડેના દિવસે વકીલોની હાજરીમાં મોબાઈલ-ફેસબુક ચેટ અને ફોટા ડીલીટ કર્યા બાદ ભવિષ્યમાં એક બીજાને ભૂલી જશે એવી આગોતરી લેખિત પ્રોમિસ ત્રણ નકલમાં આપવાની રહે. આમાં મામા કન્યાને તેડીને લાવે કે મામેરું-કન્યાદાનની પ્રથા તો હોય નહિ છતાં યુવાપ્રેમી વતી સરકાર દ્વારા કન્યાને ગુલાબ, પતંજલિની ચોકલેટ, ગ્રીટિંગ કાર્ડ, ખાદીનું ટેડી બેર, ખાદીના વસ્ત્રો વેચતી સરકાર માન્ય દુકાનના ગીફ્ટ વાઉચર મુકેલી છાબ આપવામાં આવે જે કન્યાએ રાજીખુશીથી સ્વીકારવાની રહે. લગ્નપ્રસંગ જેવો ઉજવણીનો માહોલ બનાવવા માટે હગ ડેના દિવસે ભેટવાની રસમ અને કિસ ડેના દિવસે ચૂમવાની રસમનું આયોજન થઇ શકે. પછી જેવો જેનો ઊજમ. આટલું જ નહીં હિતેચ્છુઓ દ્વારા આવા પ્રસંગમાં ચાંદલા પ્રથા પણ ચાલુ કરવી જોઈએ જેથી કરીને પ્રેમીઓ ખર્ચા કાઢી શકે. પ્રસંગ દરમ્યાન ઔચિત્ય જળવાય એ માટે સિસોટી સાથેના કિસ અને હગ રેફરીની નિમણુક પણ કરવી પડે. સીટી વાગે એટલે કાર્યક્રમ પૂરો.


ફુર્રર્રર્ર ... જાગી જાવ. ખરા છો તમે! સરકાર મુદત પર મુદત આપે જાય છે છતાં તમે બેંક એકાઉન્ટ સાથે આધારને લિંક  કરતા નથી અને સરકારી ખર્ચે ગર્લફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે ઉજવવાના સપના જુઓ છો! ખોટી કીકો મારશો નહિ. કામે લાગો ચાલો ...  


મસ્કા ફન

આદ્યકવિ વાલ્મિકીજીને પણ ખબર નહિ હોય કે છેક કળયુગમાં એમની રામાયણની એક જુનિયર આર્ટિસ્ટ અમર થઇ જશે. #શૂર્પણખા_ચૌધરી

Wednesday, February 07, 2018

તમને બજેટની ભાષા સમજાય છે ?




કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૭-૦૨-૨૦૧૮

બ્રહ્માંડમાં અનેક ઘટનાઓ બને છે જેનો તાગ આપણે મેળવી શકતા નથી. બ્લેક હોલ અને બર્મુડા ટ્રાયેન્ગલના તો રહસ્યો હજુ પણ સમજી શકાય એવા છે, પણ હેરકટિંગ સલુનમાં ગળા પર કપડું બાંધે એટલે નાક પર ખણ આવવાની કેમ શરૂઆત થતી હશે તે હજુ સમજી શકાયું નથી, અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ આ અંગે કોઈ સંશોધન થયું હોય એવું અમારા ધ્યાનમાં નથી. કૂતરું ભસતું ભસતું આપણા વાહન પાછળ દોડતું હોય ત્યારે આપણે એકદમ વાહન થોભાવી દઈએ પછી કૂતરું કન્ફયુઝ થઈને ઉભુ કેમ રહી જાય છે એ પણ સમજાતું નથી. કૂતરાની જગ્યાએ અમે હોઈએ તો કો’કની પાછળ આટલું પેટ્રોલ બાળ્યા પછી બસો-પાંચસો ગ્રામનું લોતીયું લીધા વિના ન છોડીએ. ખેર, એ તો લખચોરાશીના ફેરામાં ક્યારેક કુતરાનો અવતાર લેશું ત્યારે આ જ કોલમમાં આપને જણાવી દઈશું; પણ સંસદમાં જે ભાષામાં બજેટ રજુ થાય છે એ ભાષા આ જનમમાં કોઈ સમજાવશે તો અમો તેઓશ્રીને કટિંગ ચાનું વાઉચર આપવા તૈયાર છીએ. મારા બેટા કોમર્સમાં સાડી એકાવન ટકા લાવ્યા હોય પણ ન્યુઝ ચેનલ પર બેઠા બેઠા બજેટની ચર્ચા કરતા હોય પાછા! 

Image Source: livemint.com
ચાર્ટડ એકાઉન્ટન્ટ માટે ભલે આ રોજનું થયું, પણ અમારા જેવા એન્જીનીયરોને આ ભાષા જલ્દી સમજાતી નથી. સૌ પહેલાં તો ઇન્કમટેક્ષની ચર્ચામાં ‘સ્લેબ’ શબ્દ આવે એટલે ઇન્કમટેક્સ ઓફિસનું ધાબુ ભરાતું હોય એવું ચિત્ર અમારા મગજમાં ઉભું થાય છે. કારણ કે અમે રહ્યા સિવિલ એન્જીનીયરો એટલે અમારા માટે સ્લેબ એટલે ધાબુ! અમે ‘ખાદ્ય’ એટલે કે ‘ખાવા’ લાયક ચીજોમાં સમજીએ, પણ ‘ખાધ’ અમને સમજાતી નથી. અંદાજપત્રમાં ‘સીધા’ વેરા આવે. જો સીધા વેરા નોકરિયાતો પર લાગે તો વાંકા લોકો પર કયા વેરા લાગે એ અમારી સમજની બહાર છે. એમાય ‘કર’ અને ‘વેરા’ એ બે શબ્દ સાથે વપરાય એટલે અમને તો એ બમણો માર પડતો હોય એવું લાગે છે. પોળના ક્રિકેટમાં બોલર બહુ ઉગ્રતાથી અપીલ કરે તો અમ્પાયર ‘આઉટ, લે બસ?’ કહે તે સમજાય, પણ ‘સેન્ટ્રલ પ્લાન આઉટ લે’ સમજાતું નથી. બાકી તમે સિટીના સેન્ટરમાં મોકાનો પ્લોટ બતાવો તો ‘પ્લાન’ તો અમે ઘડીના છઠ્ઠા ભાગમાં બનાવી નાખીએ. અલબત્ત ફી લઈને. 

રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એવું બજેટના બીજા દિવસે છાપામાં વાંચવા મળે. રૂપિયો એટલે તો અમને પેલો એક રૂપિયાનો સિક્કો દેખાય છે જે ભિખારીને આપો તો એ મોઢું મચકોડીને ભીખ માંગવાનું ચાલુ રાખે છે. રૂપિયો એટલે કરોડો રૂપિયાનું ભંડોળ એવું ફોડ પાડીને કહેવામાં આવે એ જરૂરી છે. અમને તો શક છે કે આપણા નાણામંત્રીઓને રૂપિયો ક્યાંથી આવે છે કે આવી શકે છે એની તો ખબર હોય છે, પણ રૂપિયો ક્યાં જાય છે એનું જરા પણ જ્ઞાન હોતું નથી; નહિ તો નવા કરવેરા નાખવાનો વારો કેમ આવે? અમારું તો નમ્ર સૂચન છે કે રૂપિયા પર આર.એફ.આઈ.ડી. ટેગ લગાડો એટલે એ ક્યાં ક્યાં જાય છે એ ખબર પડી જશે! કેમ, ૨૦૦૦ની નવી નોટ આવી ત્યારે એવી અફવા નહોતી ઉડી કે એમાં ચીપ છે અને કોને ત્યાં કેટલા બંડલ છે એની રીઝર્વ બેંકને માહિતી જશે? બાકી કેશલેસ ઇકોનોમીમાં રૂપિયા બેંકમાંથી આવે અને બેંકમાં જાય એ સિવાય શું હોય? વળી એક અમદાવાદી તરીકે રૂપિયો જ્યાંથી આવે ત્યાંથી આવે, પણ જાય અમારા ખાતામાં અથવા ગજવામાં, એમાં વધારે રસ છે.

બજેટના બીજા દિવસના છાપામાં અમને તો શું મોંઘુ થશે અને ખાસ તો શું સસ્તું થશે તે જાણવા અને વાંચવામાં રસ રહેતો. એમાં અમુક છાપેલા કાટલાં જેવી આઈટમોના ભાવમાં તો વધારો જ થતો જોયો છે. ભલું થજો જી.એસ.ટી.નું કે બજેટ રજુ થાય એ પહેલાં જ સસ્તા-મોંઘાનો ખેલ પતી ગયો. આના લીધે અખબારોમાં ‘ગરીબોની રેવડી મોંઘી થઇ’, ‘મધ્યમ વર્ગનું ઘરના ઘરનું સપનું રોળાયું’ કે પછી ‘ગરીબો વધુ ગરીબ થશે’ એવા મથાળા બાંધીને સરકાર પર પસ્તાળ પાડવાની આખી મઝા બગડી ગઈ. બજેટના દિવસે શું શું મોંઘુ થશેની અને શું સસ્તું થશે એની ઉગ્ર ચર્ચાઓ કરવાના શોખીનો આ વખતે કોઈ નજીકનું સગું ગુજરી ગયું હોય એવો ખાલીપો અનુભવતા હતા. અત્યારે અમને વિચાર એ આવે છે હાળું ઇન્કમટેક્સના ‘સ્લેબ’માં વધારા સિવાય આપણા માટે જાણવા જેવું કશું નહોતું તો જેટલી સાહેબ ૧૦૫ મીનીટની બજેટ સ્પીચમાં બોલ્યા શું? આ વખતે પાછું બજેટ સ્પીચમાં શેર-શાયરીની પરમ્પરા ચૂકીને જેટલી સાહેબની ઉધરસો સાંભળવા મળી. એ રીતે આ બજેટ પાથ બ્રેકીંગ ચોક્કસ કહી શકાય!

ઇંગ્લિશ ન્યુઝ ચેનલો ઉપર સુટેડ-બૂટેડ ચશ્મીસ્ટ બજેટ એનાલીસ્ટસ પ્રસ્તુત બજેટની જોગવાઈઓથી ગરીબો અને ખેડૂતોને કેટલો ફાયદો થશે એની ચર્ચા ઇંગ્લિશમાં કરતા હોય છે. પણ આપણે ત્યાં ‘ઇંગ્લિશ’ પીધા પછી બોલતાં ઈંગ્લીશ સિવાય ગરીબ અને મધ્યમ વર્ગમાં ઈંગ્લીશનું ખાસ ચલણ નથી. બીજી તરફ ઘણાને સરકારે બજેટમાં શું આપ્યું છે એ જાણવા ઉપરાંત એમની પાસે રહ્યું સહ્યું જે કંઈ છે એ પણ સરકાર લઇ તો નહિ લે ને? એ જાણવામાં વધુ રસ હોય છે. આ જ કારણથી આ વખતે બજેટ સ્પીચ દરમ્યાન સ્માર્ટફોનમાં બજેટ જોતા ભિખારીઓએ એમના વાટકા પણ ઢીંચણ નીચે દબાવી દીધા હતા. અમુકે તો લાકડી સુદ્ધા હાથવગી રાખી હતી.

મસ્કા ફન
પત્ની તમને ફિટ કરી દીધા હોય તો પણ તમારે ફિટનેસ માટે કસરત-ડાયેટિંગ ચાલુ રાખવું.