Sunday, December 28, 2014

ફિલ્મ રિવ્યુઝનો રીવ્યુ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૮-૧૨-૨૦૧૪

અમારાથી સુવાવડીનું વેણ અને ફિલ્મ રીલીઝ પહેલાની ખાં સાહેબોની હાલત જોવાતી નથી. પણ ખાં સાહેબોની ચિંતા પણ ખોટી નથી. વર્ષે બે વર્ષે એમની એકાદ ફિલ્મ આવતી હોય અને એમાં પણ પોપટ થાય તો કમાય શું? એમાંય આજકાલ તો ફિલ્મ નબળી હોય તો ગમે તે લાલભ’ઈ કે સોમભ’ઈ સિનેમા હોલમાં બેઠા બેઠા જ ટ્વિટ કરીને ફિલ્મની હવા કાઢી નાખતા હોય છે. એટલે જ હવે ૨૦૦ કરોડ ક્લબની દાવેદાર એવી મોટા સ્ટાર્સની ફિલ્મો આવે ત્યારે થિયેટર્સમાંથી પરચુરણ ફિલ્મો એ રીતે સાફ કરી દેવામાં આવે છે જે રીતે પ્રધાનમંત્રીની મુલાકાત પહેલાં મુનસીટાપલી શહેરની સફાઈ કરે છે. સાથે સાથે સોશિયલ મીડિયાના માઈક્રો ક્રિટીક્સ પબ્લીસીટીના ખર્ચા પર પાણી ફેરવે એ પહેલા વધુમાં વધુ સ્ક્રીન પર ડબલ ભાવે ફિલ્મ ચલાવીને ઢગલો રૂપિયા ઉશેટી લેવાય છે.

ફિલ્મોના રિવ્યુના મામલે સોશિયલ મીડિયામાં ઉત્તરાયણ જેવું વાતાવરણ હોય છે. સૌ પોતપોતાના ઉત્સાહ પ્રમાણે એમના રીવ્યુ રૂપી ઢાલ, ઘેંશીયા, ચીલ અને પાવલાને ઠુમકા મારતાં હોય છે. અમુક લોકો ટુકડા દોરીમાં પતંગ ચગાવતા હોય એમ એમના રીવ્યુ ‘આલિયા માટે જોવાય’, ‘પરિણિતી ... ઉમ્મ્મ્મ્મમાહ ... ’ કે ‘ટાઈમપાસ’ જેવા બે ત્રણ શબ્દોમાં પતી જતા હોય છે. ખેંચવાના શોખીનો ફિલ્મને વખાણતી કે વખોડતી વખતે જે હડફેટે ચડ્યું એને ટપલા મારી લેતા હોય છે. કોકના પતંગનો ઝોલ લૂંટનારા, લંગસીયાબાજ અને અઠંગ પતંગ પકડુઓને બીજાએ લખેલા રીવ્યુમાં ફાચર મારવામાં વધુ મજા આવતી હોય છે. જેમને ફીલ્મ કે રીવ્યુનો શોખ ના હોય તે મન ફાવે તેના ફેસબુક પ્રોફાઈલ પર જઈને લાઈક/ કોમેન્ટની સહેલ ખાઈ આવતા હોય છે. પણ આ બધું જ દારુની જેમ ‘લીમીટમાં’ - હિન્દી ફિલ્મો પૂરતું માર્યાદિત.

ઈંગ્લીશ ફિલ્મોના રીવ્યુ ગુજરાતીમાં લખનારાઓ સાંકડા મોઢાવાળા કૂંજામાંથી ખીર ઉડાવતા બગલાની જેમ એકલા એકલા ‘રહના ઘૂંટડા’ ભરતા હોય છે. આપણે નામ પણ સાંભળ્યું ન હોય એવા દિગ્દર્શકોની ફિલ્મો, લેખકોના ગ્રંથો કે નવલકથાઓમાંથી સંદર્ભો ટાંકીને એ લોકો આપણને ચોંકાવી દેતા હોય છે. ઘણીવાર આવા પંડિતો કોઈની ઉપર મોહી પડીને રીવ્યુ ઘસે (એમ જ કહેવાય) ત્યારે આપણને ખબર પડે કે અમુક જેમ્સભ’ઈ કે મગનકાન્ત ભ’ઈમાં આટલી પ્રતિભા ઠાંસી ઠાંસીને ભરેલી હતી અને હાળી આપણને જ ખબર નહોતી! એમના રીવ્યુ પણ સીતાફળ જેવા હોય, જેમાંથી છાલ-ઠળિયા જેવી અલકમલકની વાતો બાદ કરો તો ખાવા જેવો માલ એક ચમચી જેટલો જ નીકળે! આવા પંડિતોના સજેશન પર ફીલ્મ જોવા ગયા તો ભરાઈ પડવાના ૧૦૦% ચાન્સીસ. ખરેખર તો થીયેટર માલિકોએ આવી અઘરી ફિલ્મો સમજાવવા માટે ફિલ્મી પંડિતોને સ્ક્રીનની બાજુમાં ચોક-ડસ્ટર-પાટિયા સાથે હાજર રાખવા જોઈએ!

અમુક રીવ્યુઅર દુધમાં અને દહીમાં બંને 
જગ્યાએ પગ રાખતા હોય છે. મોટા સ્ટારની ફિલ્મ હોય, જાણીતાં પ્રોડ્યુસરે બનાવી હોય અને ડાયરેક્ટર કોઈ ખાંટુ હોય તો પછી એને ખરાબ કહીને થપ્પડ ખાવાનું દુસાહસ શિરીષ કુંદર જેવા કોઈક જ કરે. આવા ફિલ્મી પંડિતો જેની વાર્તા બકરાએ ચાવેલી ચડ્ડી જેવી હોય, લોજીકની ભગીની શ્વાન સાથે પ્રભુતામાં પગલા પાડી ચુકી હોય, મ્યુઝીકમાં દમ ન હોય, છાપેલા કાટલાં જેવા એકટરો હોય, અને એક તટસ્થ ક્રિટિક તરીકે ફિલ્મને કચરાના ડબ્બામાં નાખી દેવી પડે તેવી હોય છતાં ‘અમુક ફિલ્મો for no reason ગમી જાય એવી હોય છે’, ‘સલમાનનાં ચાહકોને ગમે એવી’, ‘બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે’ એવું કહીને છટકી જતા હોય છે. એમનું ચાલે તો છેવટે ફિલ્મમાં બતાવેલા ઘોડા, તંબૂરા, પડદા, ઝુમ્મર, અને કાર્પેટ જોવા માટે તમને સોગંદ આપીને મોકલે!

ફિલ્મોનો રીવ્યુ લખનારા પણ રેટિંગ માટે પોતપોતાના માપદંડ પ્રમાણે દંડા પછાડતા હોય છે. અમુક લોકો માસ્તરની જેમ રીવ્યુમાંથી એક્ટિંગ, દિગ્દર્શન કે મ્યુઝીકમાં ઝોલ પકડી પાડીને માર્ક કાપી લેતા હોય છે. અમુક વિદ્વાનો પેઢીનામું રાખનારા વહીવંચા જેવા હોય છે. એ લોકો ફિલ્મની વાર્તા લખનારે જાપાનીઝ, ફ્રેંચ, ચાઈનીઝ, મલેશિયન, નેપાળી, ભૂતાની કે હોલીવુડની કઈ ફિલ્મમાંથી કેટલું ઉઠાવ્યું છે એ શોધીને ફિલ્મને છોલી પાડતા હોય છે. ક્યાંક ડાયરેક્ટરની અગાઉની ફિલ્મો સાથે સરખાવીને ધોકા મારવામાં આવતા હોય છે. ખરેખર તો રેટિંગ તરીકે પ્રીમીયમથી ખરીદેલી ટીકીટમાંથી કેટલા રૂપિયા વસુલ થશે એ આપવું જોઈએ.

આ બધું જોઇને તમને એમ થતું હોય કે હું રહી ગયો, તો તમે પણ વગર ફિલ્મ જોયે ગુગલદેવની મદદથી રીવ્યુ લખી બ્લોગ પર ચઢાવી શકો છો. એક્ટર-એક્ટ્રેસ, ટ્રેલર્સ-ટીઝર્સ અને પોતાનાં પૂર્વગ્રહો સાથે લઈને બેસશો એટલે ફિલ્મ જોયા પહેલાં પોણો રીવ્યુ તો લખાઈ જશે. બાકીનાં પા ભાગનો મસાલો ટ્વીટર પર અર્લી બર્ડને ફોલો કરવાથી મળી જશે. બાકી અમે તો એવા રિવ્યુર્સ જોયા છે જે આર્ટસમાં બીજાં ટ્રાયલે પાસ થયા હોય અને સાઈફાઈ ફિલ્મોનાં સાયન્ટીફીક તથ્યોની છણાવટ કરતાં હોય, એ પણ ફિલ્મ જોયા વગર!

મસ્કા ફન
મરશીયા અને હાલરડાની કોન્સર્ટો ન થાય.

હેપી ન્યુ યર

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | | ૨૮-૧૨-૨૦૧૪ | અધીર અમદાવાદી |ગભરાશો નહી, કોઈ વાહિયાત ફિલ્મ વિશેનો આ લેખ નથી. આ તો આપણે ઈસવીસન ૨૦૧૫માં ફાઈનલી પહોંચવા આવ્યા એનાં વધામણાં કરતો લેખ છે. આવનાર ૨૦૧૫ વર્ષ રાઉન્ડ ફિગર છે. બાર નંબરમાં બાર વાગી જાય. તેર નંબર અપશુકનિયાળ ગણાય છે. ચૌદ નંબર પંચાતનાં પર્યાય સમો મનાય છે. એટલે ત્રણ ત્રણ વર્ષ પછી આ સારા આંકનું વર્ષ આવ્યું છે. ખુશ થાઓ. કશુંક તો ખુશ થવા જેવું છે ૨૦૧૫માં !
 

કશુંક નહીં, ૨૦૧૫માં ખુશ થવા જેવું ઘણું છે. પેટ્રોલના ભાવ ઘટ્યા છે એટલે હવે સાળીના કજિયાળા છોકરાની બર્થ ડે માટે ૨૦૦ કિમી ડ્રાઈવ કરીને જવું ટોલ ટેક્સને બાદ કરતાં સસ્તું પડશે. હવે ઢાળ ઉતરતા બાઈક બંધ કરી દેવાની જરૂર નહી પડે. આ વખતે ઠંડીની ધમાકેદાર શરૂઆત થઈ છે એટલે સાલમ પાક, ચ્યવનપ્રાશ, આમળાં, શાલ, સ્વેટર, અને બુઢીયા ટોપીનું માર્કેટ ઉંચકાશે. જોકે મફલરનું શું થશે એ વિષે અમે કશું કહેવા નથી માંગતા. શિયાળો તેજ હોય એટલે પાછળ ઉનાળો પણ હોટ હોય એવું મનાય છે. આ વર્ષે ઉનાળો ગરમ રહેશે એટલે પાણીના પાઉચ, પાણીની બોટલ્સ, પાણીના ટેન્કર્સ, અને પાણીના પ્રોજેક્ટ્સ સંબંધિત કામકાજ ધરાવનારને તેજી રહેશે. શિયાળો અને ઉનાળો બરોબર જાય પછી ચોમાસું પણ નોર્મલ રહેશે જેનાં કારણે દેશની પ્રજા ૨૦૧૫માં ડુંગળી અને ટામેટાથી વંચિત નહી રહે.
 

પેટ્રોલ-ડીઝલનાં ભાવની સીધી અસર કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનાં ભાવ પર પડે છે. એટલે એ પણ આવનાર સમયમાં સસ્તી થશે. ફેરનેસ ક્રીમ સસ્તી થશે એટલે આપણા દક્ષિણ પ્રદેશના લોકો પણ ટૂંક સમયમાં યુરોપિયન જેવા ઉજળા દેખાવા લાગશે. ડીઓ સસ્તા થશે એટલે નહાવાના પાણીનો બચાવ થશે. ઉત્પાદન અને ભાવ પોસાશે એટલે ટોમેટો કેચપમાં ટામેટા, કાજુકતરીમાં કાજુ, અને પીનાકોલાડામાં પૂરતાં પ્રમાણમાં પાઈનેપલ પણ નાખવામાં આવશે. ડ્રાયફ્રૂટ્સ તો એટલાં સસ્તા થઈ જશે કે લોકો સિંગ-ચણાને બદલે કાજુ-બદામ ખાતાં થઈ જશે. મલ્ટીપ્લેક્સમાં સો રૂપિયાના પોપકોર્નને બદલે પ્રજા દસ રૂપિયામાં ગરમાગરમ સોલ્ટેડ કાજુ-બાદમ એ પણ કાગળના કોનમાં પહેલાં સિંગ ખાતાં હતાં એમ ખાશે.

ભારતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આ બધાને કારણે આપણી હેરીટેજ સાઈટ્સ ચોખ્ખી રહે છે. એમાં ફ્રેંચ અને સ્પેનિશ વિદેશીઓ સાથે પણ આપણા રીક્ષા અને ટેક્સીવાળાઓ ઈંગ્લીશમાં વાતચીત કરતાં તો થઈ ગયા છે. હવે તો વડોદરા અને વાંકાનેરના છોકરાંઓ ચાઈનીઝ્ અને કોરીયન્સ કન્યાઓ સાથે પરણતા થઈ ગયા છે, આ સંખ્યામાં વિદેશી પ્રવાસીઓને કારણે વધારો થશે. આમ આપણો દેશ કલ્ચરલી વધું સમૃદ્ધ થશે. આપણા છોકરાંઓ ચાઈનીઝ અને રશિયનમાં ગાળો બોલતાં શીખશે. એમાં શિયાળામાં આવતાં એનઆરઆઈ પંખીઓ પણ આવવાના શરુ થઈ ગયા છે. એનઆરઆઈને કારણે આપણા લોકલ દુકાનદારોમાં વસ્તુ બતાવવાનાં ઉત્સાહમાં વધારો થશે, જેનો ફાયદો શોપિંગમાં સાથે ગયેલા અમારા જેવા દેશીઓને થશે.

નવા વર્ષમાં આપણાં સારા દિવસો પણ આવવાના છે. વિદેશમાંથી કાળું ધન તો આપણા ખાતાંમાં પડવાની તૈયારીમાં જ છે. પણ અમે સાંભળ્યું છે કે હવે ઇલેક્શન અને આધાર કાર્ડ માટે પડાવેલા ફોટાં વેડિંગ ફોટોગ્રાફી જેટલાં સારા આવશે. ડ્રાઈવિંગ લાઈસન્સ અને રેશનિંગની લાઈનોમાં છાંયડો મળે એવી વ્યવસ્થા થશે. પોલીસો ફરિયાદ લખાવનાર સાથે ગુનેગાર સાથે કરે છે એવું વર્તન નહીં કરે. સારા દિવસો તો એવા આવશે કે રેલ્વેમાં ચા પણ સારી મળશે. રસ્તા પર સવારે ખોદાયેલો ખાડો બીજાં દિવસ સવાર પહેલાં પુરાઈ જશે. બીઆરટીએસ અને સાયકલ ટ્રેક પછી રસ્તા ઉપર ગાયો, ભેંસો અને કૂતરા માટે અલગ ટ્રેક બનશે અને એ પ્રાણીઓ પાછાં ડેડીકેટેડ કોરીડોરમાં જ ચાલશે! જોકે પછી લોકોને ચાલવા માટે સ્કાય વોક બનાવવી પડશે. પછીનાં વર્ષે એ પણ બનશે, બધું થોડું રાતોરાત બને!

હજુ થોડું આગળ વિચારીએ. સાયન્સ અને ટેકનોલોજીમાં આપણે મંગળફાળ ભરી છે. તો આવનાર વર્ષમાં એવી ટેકનોલોજી આવશે એ ખરાબ રસ્તા અને પુલનું ઉદઘાટન, અને કોન્ટ્રાક્ટરને બીલનું પેમેન્ટ થાય એ પહેલાં તૂટી જશે. કોન્ટ્રકટરોએ સાંઠગાઠ કરી ભરેલા ટેન્ડરો પોસ્ટ ખાતામાં આપોઆપ અટવાઈ જશે અને વિભાગ સુધી પહોંચશે જ નહી. ઓનલાઈન ભરવાના ટેન્ડર અપલોડ જ નહીં થાય. ભ્રષ્ટ્રાચારીને માથે તો લાલ લાઈટ લબુક-ઝબુક થશે. તમારે જોઈતું સર્ટીફીકેટ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશો. વિકાસના નામે ઝાડ કાપવામાં આવશે તો વૃક્ષો પોતે બચાવો બચાવોની બુમો પાડશે. પીવાના પાણીની લાઈનોમાં ગટરનું પાણી જેવું ભળશે તેવી સાઈરન વાગશે. ભેંસ કે કૂતરા એરપોર્ટમાં ઘૂસવા પ્રયત્ન કરશે તો ફેન્સીંગમાંથી ‘હટ હટ’ અવાજ આવશે!

નવા વર્ષમાં ઘણું નવું થશે. નવા વર્ષમાં આપણા જ્ઞાનમાં વધારો થશે. કાળુડી કૂતરીને જે ચાર કાબરાં ને ચાર ભૂરિયાં ગલુડિયા આવ્યા હતાં એનો બાપ કોણ હતો એ રાઝ સીઆઇડીનાં એપિસોડમાં ખુલશે તથા એ ગલુડિયાનાં ગ્રાંડ ચિલ્ડ્રનને કોક ન્યૂઝ ચેનલનો ઉત્સાહી રિપોર્ટર શોધી લાવશે. કૂતરાનો સંઘ કાશી કેમ જતો હતો, તેનો પર્દાફાશ કોઈ ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ થકી થશે. ઈન્ડીયન ભૂતને આંબલી કેમ પસંદ છે, એ ભૂતોના ચોંકાવનારા નેશનલ સર્વે થકી બહાર આવશે. પાણીપુરીમાંનું કયું તત્વ સ્ત્રીનાં મગજના કયા ભાગને ઉત્તેજિત કરે છે તેનું સાયન્ટીફીક એક્સપ્લેનેશન આવનાર વર્ષમાં મળી આવશે.

નવ વર્ષમાં લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવશે. સ્ટ્રીટલાઈટમાં ભણવાના જમાના ગયા, હવે મોબાઈલની ફ્લેશલાઈટમાં ભણાશે. ઘરકામ કરનાર નોકર પણ મોબાઈલ રાખતાં તો થઈ જ ગયા છે, એ હવે ટેબ રાખતાં થઈ જશે. પછી ફેસટાઈમ કોલ પર એ સાચેસાચ બીજાના ઘેર કામ કરે છે એનાં લાઈવ ફીડ બતાવતા થશે. પાછું ત્રણ ઘરનું કામ પતી ગયું એનાં સ્ટેટ્સ સોશિયલ મીડિયા પર અપડેટ કરશે જેને એવી ગૃહિણીઓ અને ગૃહસ્થો લાઈક કરશે જેનાં ઘરનું કામ ક્યુમાં હોય. મધ્યમ વર્ગ પણ બ્લેડથી કેટલી દાઢી થઈ એ ગણવાનું છોડી દઈ બ્લેડથી દાઢી છોલાવાં લાગે એટલે એનો નિકાલ કરી દેશે. તો બીજાં કેટલાય કુટુંબોમાં શેમ્પુની બોટલમાં પૂરી થવા આવે ત્યારે પાણી નાખી હલાવીને વાપરવાનું બંધ કરી દેશે!

લ્યો ત્યારે, પેડ કે પત્તે સારે અગર રોટી બન જાયે, ઓર તાલાબ કા પાની અગર ઘી, તો બંદા ઝબોળ ઝબોળ કે ખાવે. બસ આ હવે હાથવેંતમાં છે. બી પોઝીટીવ ! હેપી ન્યુ યર !

Saturday, December 27, 2014

વેડિંગ ઈવેન્ટ્સમાં ઊભા થતાં કેટલાંક પ્રશ્નો

કટિંગ  વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૧-૧૨-૨૦૧૪
 
માણસ લગ્ન કેમ કરતો હશે? આ પ્રશ્ન પરણ્યા પછી થોડાં સમયમાં જ પરણનારના મગજમાં ઉભો થતો હોય છે. આને કહેવાય પરણ્યા પછીનું ડહાપણ. બાકી લગ્નની શરણાઈ વાગવાની શરુ થાય ત્યાં સુધી તો ‘ના તને ખબર પડી, ના મને ખબર પડી’ જ હોય છે. આ પ્રશ્ન પણ નવો નથી. ‘સફરજન ખાવાની શી જરૂર હતી?’ એવો પ્રશ્ન બાવા આદમને પણ થયો હશે. પરંતુ લગ્નમાં ઉભયપક્ષના વાલીઓ ચાંદલાની રકમની સામે થયેલ ખર્ચનાં આંકડાની કોસ્ટ-બેનીફિટ એનાલિસ કરે ત્યારે અમુક પ્રશ્નો જરૂર સામે આવે છે. એમાં પણ ગુસ્સો ત્યારે વધુ આવે જયારે ‘આમાં તો ગોળ નાખો એટલું ગળ્યું થાય’ બોલનારા પેમેન્ટ કરવાના સમયે ગાયબ થઇ જાય. પણ આ મોટી સમસ્યાઓ વચ્ચે અનેક નાના નાના પ્રશ્નો, જે ખાસ કરીને મહેમાનોને થતા હોય છે એના વિષે કોઈ વિચારતું જ નથી. આ પ્રશ્નો ભલે સામાન્ય જણાતાં હોય પણ એના વિષે ગંભીરતાથી વિચારવું જ રહ્યું.

જેમ કે આજકાલ પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સ, એમાંય ગરબા વિથ ડીજેનું ચલણ વધ્યું છે ત્યારે આ ગરબામાં પોતાની મુનસફી પ્રમાણે તાલી પાડીને ગરબા કરતાં વરના બનેવીને કોઈ કેમ રોકતું નહિ હોય? કોરિયોગ્રાફરની દિવસો સુધીની લમણાફોડ પછી પણ સ્ટેજ પરફોર્મન્સ વખતે ટ્રાફિક પોલીસ કે પાંખો ફફડાવતા બતકની સ્ટાઈલમાં નાચનારાને ઓડીશન સ્ટેજમાં જ કાઢી ન શકાય? ડીજે પોતે કેમ લઘરવઘર હાલ્યા આવતા હશે? શું ઘા ભેગા ઘસરકાના ધોરણે ડીજે માટે એક જોડ કપડા ન કરાવી શકાય? શું કહેવું છે?

આજકાલ ગોર મહારાજો પોતાનાં પગ પર કુહાડી મારીને ખુબ જ ટૂંકા ગાળામાં અનેક લગ્નોના મુહુર્તો કાઢતા હોય છે. એમાં બ્યુટી પાર્લરવાળાને ત્યાં રેલ્વેની જેમ વેઈટીંગ ચાલતું હોય છે. વરવધૂ રિસેપ્શનમાં કાયમ મોડાં આવે છે. છતાં વરવધૂ રિસેપ્શનમાં સમયસર આવે એ માટે કોઈ પ્રોત્સાહક યોજના કેમ કોઈ જાહેર કરતું નથી? એ બે જણા વહેલા ગુડાતા હોય તો અમારા જેવા કેટલાય દસ ટકા વધારે ચાંદલો આપવા તૈયાર હશે! બ્યુટીશીયનો પણ પાછી નોટ જેવી હોય છે. સામાન્ય રીતે વાળમાં મિડલ પાર્ટિંગ કરતી કન્યાની મોમને સાઈડ પાર્ટિંગ કરીને એના પોતાના ઘરના લોકો પણ ઓળખી ન શકે એવી કેમ બનાવી દેતી હશે એ સવાલ પણ વિચારવા જેવો ખરો.

બીજું, હવે એન્ટ્રન્સથી લગ્નસ્થળ પહોંચવાના પેસેજમાં બ્રાઇડ-ગ્રુમ અને
એમના કુટુંબીજનોના લાઈફ સાઈઝના ફોટા મુકાય છે, એ જરા ધ્યાનથી જોજો. એમાં બા-દાદા ચોંકી ઉઠેલા કેમ જણાતા હોય છે એ પ્રશ્ન થયો છે કદી? વરના પપ્પા વરની મમ્મી સાથે પીપડું ખસેડતા હોય એવી અદામાં કેમ ઉભા હોય છે? આ તરફ સ્ટેજ પર ગયા પછી લોકો પાણી-પુરીવાળા આગળ ટોળે વળ્યા હોય એમ વરકન્યા સામે કેમ ઉભા રહી જતા હશે? શું એ બધાને એક લાઈનમાં ગોઠવવા માટે ફોટોગ્રાફરને ઘેટા ચારતાં ભરવાડની જેમ સીટી મારવાની સત્તા આપવી જોઈએ કે નહિ? આવા તો અનેક પ્રશ્નો થશે.

જમણવારમાં પણ કાઉન્ટર પર ઉભેલા ઝીણી આંખોવાળા બોયઝ નેપાળી હોય છે કે આસામ-નાગાલેન્ડ-મણીપુરના? એ પ્રશ્ન પણ ઘણાને થતો હશે. આપણા જ ભાઈઓને નેપાળી કહેવાને બદલે લોકો સીધું કેમ પૂછી નહિ લેતા હોય? આવા બીજા પ્રશ્નો પણ ઊભા થઇ શકે. જેમ કે અંગુરી રબડીમાંના ‘અંગુર’ જમનાર લોકો પૈકીના કેટલાં ટકા લોકોના નસીબમાં હોય છે? ચટણી લેવા માટે કડછો અને ડ્રાયફ્રુટ હલવો પીરસવા માટે નાની ચમચી જ કેમ વપરાય છે? હલવો લેવા માટે ચમચો ઘરેથી લઇ જઇ શકાય? કારણ કે આમ ચાલતું રહ્યું તો ભવિષ્યમાં કેટરર્સ આચમની વાપરશે કે પછી આંગળીથી હલવો ચટાડી દેશે. રસમલાઈમાં પણ આવો જ દાવ હોય છે. એ પીરસનારો ફિલ્મ ‘ધમાલ’ના એર ટ્રાફિક કન્ટ્રોલર જેવો ધીમો કેમ હોય છે? શું એ જગ્યા માટે રેલ્વેના રીટાયર્ડ બુકિંગ ક્લાર્કની કે આઇઆરસીટીસી વેબસાઈટના ડેવલોપર ટીમમાંથી કોઈની ભરતી કરવામાં આવે છે? પછી એવો દિવસ પણ આવશે જ જયારે કેરીનો રસ કેચપ સર્વ કરવાની પિચકારીથી પીરસાશે!

ચિંતા ન કરો, આ બધા પ્રશ્નોમાંથી વાર્ષિક પરીક્ષામાં કંઈ પૂછાવાનું નથી. એના જવાબો પણ શોધશો નહિ, એને પ્રશ્નો જ રહેવા દેજો. શક્ય હોય તો ‘જુદાઈ’ના પરેશ રાવલ બનીને લગ્ન કે રીસેપ્શનના સ્થળ ઉપર જ બીજા નવા પ્રશ્નો ઉભા કરજો અને આસપાસના લોકોને પૂછજો. જેમ કે આ દાળઢોકળી જેવી દેખાય છે એ મેક્સિકન વાનગીનુ નામ શું છે? થીન ક્રસ્ટ પિત્ઝામાં ચીઝ આવે? આવતું હોય તો નાખતાં કેમ નથી? કે પછી ચાંદલો નોંધાવનારને અલગથી ચીઝના ક્યુબ્ઝ આપવામાં આવશે? મોકટેલ દેશી શરબત જેવું ભંગાર કેમ લાગે છે? સલાડ કાઉન્ટર પર મુકેલી મસાલા સીંગ સાથે કંઈ પીવા મળે કે નહિ? આવું બધું પણ પૂછી શકાય (છેલ્લો પ્રશ્ન યોગ્ય પાત્રને જ પૂછવો!). n

મસ્કા ફન

સુબહ કા ભુલા શામ કો ફેસબુક પે વાપસ આયે તો ઉસે ભુલા નહી કહેતે.


Wednesday, December 24, 2014

જાપાનની વાત ના થાય

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |
| ૨૧-૧૨-૨૦૧૪ | અધીર અમદાવાદી |


અમે ૨૦૦૬-૦૭માં અમેરિકામાં સ્ટુડન્ટ તરીકે રહેતા હતાં ત્યારે એક લાખ માઈલ ફરેલી જાપાનીઝ સેકન્ડ-હેન્ડ કાર એટલાં જ માઈલ ફરેલી અમેરિકન કાર કરતાં લગભગ ડબલ ભાવે વેચાતી હતી. એક લાખ માઈલ એટલે એક લાખ સાઈઠ હજાર કિમી. આટલું ફર્યા પછી પણ મેડ ઇન જાપાન કાર રીલાયેબલ ગણાય. વર્લ્ડ વોરમાં ન્યુક્લિયર બોમ્બ ફેંકાયો હોય કે સુનામિમાં ડૂબ્યું હોય, જાપાનની વળતી લડત અને બેઠાં થવાની તાકાત પાછળ આ ક્વોલિટી મુખ્ય છે.

જાપાનમાં ૧૦૦% લીટરસી રેટ છે. સોએ સો તક ભણેલા. કોઈ અભણ નહી. મંત્રીઓ પણ ભણેલાં. ત્યાં શિક્ષણ મંત્રી, માનવ સંસાધન મંત્રી સૌ ભણેલાં. ત્યાંના મંત્રીને સર્ટીફીકેટ અને ડીગ્રી વચ્ચેનો ફેર ખબર હોય. ત્યાંના શિક્ષણ મંત્રી હોસ્પિટલમાં દાખલ થયા હોય તો નર્સનો હાથ ના પકડે. પાછું ભણેલા એટલે ડીગ્રીવાળા એવો અર્થ પણ નહી. કારણ કે ત્યાંની સિસ્ટમમાં એન.આર.જે. સીટ, નકલી ડીગ્રી, અને મંત્રી કે અધિકારીનાં સંતાનો માટે પાસિંગ નિયમોમાં ફેરફાર જેવું કશું હોતું નથી. લીટરસી છે એટલે ત્યાંનાં મીનીસ્ટરનાં દારૂ પીને ડાન્સ કરતાં હોય એવા વિડીયો યુટ્યુબ પર જોવા નથી મળતાં કારણ કે ત્યાં લેટ નાઈટ ડાન્સિંગ પર આમેય પ્રતિબંધ છે. અને આ પ્રતિબંધ માટે મોરલ પોલિસ જવાબદાર નથી.

લીટરસીમાં જાપાન ભારતથી ભલે આગળ હોય, પણ સ્વતંત્રતામાં આપણે જાપાનથી આગળ છીએ. જાપાનમાં વેહિકલ રસ્તાની ડાબી તરફ ચલાવવાનો રિવાજ છે આપણે ત્યાં દસેય દિશામાં વાહન ચલાવવાની છૂટ છે. આપણે ત્યાં “ગમે ત્યાં” વાહન પાર્કિંગ કરવાની ફ્રીડમ છે. આપણે ત્યાં એક્સિડેન્ટ કરીને પછી ડ્રાઈવિંગ બીજું કોઈ કરતું હતું એવું ખપાવવાની આઝાદી છે. પોલિસ ભાઈઓ એમાં યથાભક્તિ અને યથાશક્તિ સહકાર આપે છે. આપણે ત્યાં તો હાથીના દાંતની જેમ દેખાડવાની અને અકસ્માતમાં બચાવવા વાળી હેલ્મેટ જુદી મળે છે, ચોઈસ તમારી. મંત્રી હોવ તો એમાં પણ છુટ્ટી!

જાપનીઝ લોકો વર્કોહોલિક છે. અમારો કઝીન મોન્ટુ થોડાં સમય માટે જાપાન હતો ત્યારેની વાત કરે કે ઓફિસમાં બધાં, બોસ સહિત, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉપયોગ કરે. એમાં છેલ્લી ટ્રેઇન બાર વાગ્યાની હોય ત્યાં સુધી મંડ્યા રહે. પણ એ બાર વાગ્યાની ટ્રેઇન કોઈ વાર છૂટી જાય તો પાછાં ઓફિસે આવી કામે લાગી જાય, અને સવારે ફ્રેશ થઈને પાછાં એનાં એ કપડામાં આપણું સ્વાગત કરવા તૈયાર જ હોય! પણ આ જ પ્રજા બિયરની ભારે શોખીન અને જયારે પાર્ટી કરે ત્યારે ટુન્ન થઈ જાય. પણ જો કોઈ બેવડો જાહેર જગ્યાએ ઉંધો પડ્યો હોય તો પોલિસ એનું ઘર શોધીને એની હોમ ડીલીવરી કરી આવે. આપણી પોલિસ ક્યારે દારૂડિયાઓને આવી ઈજ્જત આપવાનું શીખશે?

દુનિયાના સૌથી વધું વાહનો પ્રોડ્યુસ કરતાં જાપાનમાં તમે વાહન ચલાવતા હોવ તો આગળની કારનો દરવાજો ખુલે અને એમાંથી કોઈ બહાર ડોકું કાઢીને પાનની પિચકારી નથી મારતું. ત્યાં બસની બારીમાંથી વેફરના પડીકા યથેચ્છ હવામાં તરતાં નથી મુકાતાં. જાપાનમાં ટોઇલેટસ તો બધે હોય જ, એમાં પાણી પણ આવતું હોય, રાત્રે લાઈટ પણ થાય, રોજ સાફસૂફ પણ થતી હોય, લોકો પણ વાપર્યા પછી પાણી બચાવવાની ખોટી કોશિશો ન કરતાં હોય એટલે ત્યાંના ટોઇલેટ ટોઇલેટ છે એ આપણને ખબર પડે તે માટે બોર્ડ મુકવા પડે છે. આપણે ત્યાં ટોઇલેટ ક્યાં આવ્યું એવું પૂછવું નથી પડતું, સ્મેલની તીવ્રતા વધે એ દિશામાં ચાલવા માંડવાનું! ખરે, આપણે ત્યાં બધું કેટલું સુલભ છે !

ભલે ઓફિસમાં મોબાઈલ વાપરતાં ન હોય, જાપાનના લોકો પણ
આપણી જેટલાં જ ફોનના શોખીન છે. ફોન પર ગેમ રમવાના ભારે શોખીન. ઓલમ્પિકમાં તોયે ઘણાં મેડલ જીતે છે. છતાંય ત્યાં આપણી જેમ ટોઈલેટ્સ કરતાં મોબાઈલ ફોન કનેક્શન વધારે છે એવું નથી, પણ ત્યાંના લોકો ફોનના એટલાં શોખીન છે કે એ લોકો શાવરબાથમાં પણ ફોન ઉપયોગ કરે છે, અને એટલે જ ત્યાંના ૯૦% ફોન વોટર-પ્રુફ હોય છે. આપણે ત્યાં એક તો પાણીની એટલી છૂટ નથી. બીજું કે બાથરૂમો લાંબો સમય રહેવાય એટલાં સહ્ય નથી હોતાં, અને એમાંય ડોલ-ડબલા લઈને નહાવામાં ફોન પકડવો ફાવે પણ નહી. આમ છતાં આપણે ત્યાં બાથરૂમમાં ફોન લઈ જવો હિતાવહ છે કારણ કે નહાતા નહાતા પાણી જતું રહે તો ફોન કરીને મોટર ચાલુ કરવાનું કોઈને કહી શકાય!
જાપનીઝ લોકોની આંખો ઝીણી હોય છે એટલે એ જાગે છે કે ઊંઘે છે એ ઝટ ખબર પડતી નથી. જોકે જાપાનમાં ચાલુ નોકરીએ ઊંઘવું એ ગુનો પણ નથી ગણાતો. ત્યાં એવું મનાય છે કે હશે, બચારો કામ કરીને થાકી ગયો હશે! રીસેસમાં તો બધાં ઊંઘતા હોય. આપણે ત્યાં કર્મચારી ચાલુ નોકરીએ ઊંઘવા કરતાં ઘેર ઊંઘવાનું પસંદ કરે છે. એ પણ ચાલુ નોકરીએ. ગુજરાતના અમુક ભૌગોલિક પ્રદેશોમાં આવેલી સરકારી કચેરીઓમાં બપોરે બે થી ચારની વચ્ચે જવાની ભૂલ કોઈ જાણકાર કરતું નથી. પ્રાઈવેટ કંપનીની તો વાત કરવા જેવી જ નથી.

સુમો રેસલર્સનાં દેશ જાપાનમાં વધારે વજન હોવું એ પણ ગુનો છે. ત્યાં ચાલીસથી ઉપરની ઉંમરના પુરુષોની કમરનું માપ ૩૩.૫ ઈંચથી વધું અને સ્ત્રીઓનું ૩૫.૫ ઈંચથી વધું હોય એ ગુનો, અને ટેક્સ પાત્ર છે. જાપાનીઝ આમેય ભણેલા છે અને એમાં પાછું આવા કાયદા હોય એટલે જાડિયા અને દુંદાળા શોધ્યા ન જડે. અમને તો થાય છે કે ત્યાં કોમેડી ફિલ્મમાં કોઈ ફાંદાળાની જરૂર પડતી હશે ત્યારે પાતળિયાને ફાંદ પર પેડ પહેરાવવા પડતાં હશે. આપણે ત્યાં જવાનીયા ઘરડાનાં રોલ કરે છે એમ. ખરેખર તો ફાંદ વધારવા માટે ખાસ્સી મહેનત કરવી પડે છે. ફાંદ પાળી પોષીને મોટી કરવામાં આવે છે. ઓવર ઈટિંગ, લેટ નાઈટ ઈટિંગ, હાઈ કેલરી ઇન્ટેક, નો એક્સરસાઈઝ, કાઉચ પોટેટીંગ જેવી કેટલીય અગવડોનો સામનો કરીને માણસ ફાંદ ઉગાડે છે, પણ જાપાનમાં એની કોઈ કદર નથી. એનાં કરતાં આપણું ભારત સારું !
જોકે, થોડી અસમાનતાઓને બાદ કરો તો જાપાન અને ઇન્ડિયા વચ્ચે ઝાઝો ફરક પણ નથી. કલ્ચરમાં ૧૯-૨૦ જેટલો ફેર કહેવાય. જેમકે, ઇન્ડિયાની જેમ જાપાનનું પણ નેશનલ પીણું ચા છે. અપણા ત્યાં ઐશ્વર્યા રાય છે અને ત્યાં સમુરાય છે. આપણા ત્યાં સંસાર છોડીને પોલીટીક્સમાં પાછાં ફરેલાને સાધુ કહેવાય છે, ત્યાં ઝેન લોકોને સાધુ કહે છે. આપણે જેમ તુલસી, ફરસી(પૂરી), કે અળશી ખાઈએ છે ને ત્યાંના લોકો સુશી ખાય છે. જાપાનિઝ મસાજમાં સિતાસ્શુ (મસાજ) ખૂબ પ્રખ્યાત છે, ને આપણે ત્યાં મસાજના નામે શું-નુ-શું થાય છે!

આ બધું વાંચીને તમને થશે કે આ લેખક મહાશય તાજેતરમાં પારકે પૈસે જાપાન આંટો મારી આવ્યા લાગે છે. ના, એવું જરૂરી નથી કે અમે પણ અન્ય લેખકોની જેમ વિદેશ પ્રવાસ કરી એનાં અનુભવો વાંચકોને માથે મારીએ, એ કામ અમે વગર વિદેશ ગયે પણ કરી શકીએ છીએ !

Thursday, December 18, 2014

પુરુષોના કેશ-કલાપ

કટિંગ  વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૪-૧૨-૨૦૧૪
આજે તો કોઈ માને નહિ પણ એક જમાનામાં માથે પાઘડી કે ટોપી પહેર્યા વગર બહાર નીકળવું નિંદાને પાત્ર ગણાતું હતું. પણ પછી મોશન પિક્ચર્સની અસર નીચે માથા પરનું આચ્છાદન દૂર થતું થયું અને દુનિયાને ભારતીય પુરુષોની ટોપીઓ અને પાઘડીઓ નીચેની સૃષ્ટિનો પરિચય થયો. જોકે આ પરિવર્તન ભારતીય પુરુષો માટે કેટલીક સમસ્યાઓ પણ લાવ્યું જેની વાત પછી કરીએ, પણ એટલું કહેવું પડે કે ભારતીય પુરુષ અત્યારે લાગે છે એટલો આકર્ષક કદી નહોતો લાગતો.  

બોલીવુડ કેશ કર્તન કલાકારો માટે હેર સ્ટાઈલના ક્ષેત્રે નવા પડકારો લાવ્યું. શરૂઆતમાં દેવ આનંદ, રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચનના ફોટા હેર કટિંગ સલુંનોમાં ટિંગાયેલ જોવા મળતાં હતાં. અમિતાભને લીધે ‘મિડલ પાર્ટિંગ’ની સ્ટાઈલ પણ પ્રચલિત થઇ હતી. પણ ૯૦ પછી હિન્દી ફિલ્મ હીરોના વાળમાં ઘણું વૈવિધ્ય આવવા લાગ્યું. આમીર ખાને ઘણી ફિલ્મોમાં અલગ અલગ હેરસ્ટાઈલ કરીને હેરસ્ટાઈલીસ્ટસને વાળ કાપવામાં કસરત કરતાં કરી દીધાં છે. ‘ગજિની’માં ગજિની તો કોક બીજો હતો પણ સંજય સિંઘાનિયા બનેલા આમિરનુ ટકલું ‘ગજિની હેર સ્ટાઈલ’ તરીકે જાણીતું થયું હતું. હવે તો હેર સ્ટાઈલની બાબતમાં લોકો એક્ટરો ઉપરાંત ક્રિકેટરો અને રાજકારણીઓને પણ અનુસરવા મંડ્યા છે.

લોકોના વાળમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. અમુક લોકોના માથામાં હાથ ફેરવો તો રીંછ પર હાથ ફેરવતા હોઈએ એવું ફીલ થાય. આ કલ્પનાનો વિષય છે. અમે કંઈ રીંછ પર હાથ ફેરવીને ચેક નથી કર્યું, આ તો દેખાવમાં રીંછના વાળ બરછટ લાગે એટલે કહ્યું. તમારે ચેક કરવું હોય તો રીંછને પૂછી અને એનો મૂડ જોઈને કરજો. આવા લોકોના વાળમાં કાંસકો ફેરવો તો એના દાંતા ખુદ ઓળાઈ જાય. એમને મોટે ભાગે વાળ ખરવાનો નહિ પણ કાંસકાના દાંતા ખરવાનો પ્રોબ્લેમ થતો હોય છે. અમુકના વાળ બુટ-પોલીશના બ્રશ જેવા સીધા હોય છે. એવા લોકોના ચહેરા પર સતત ચોંકી ઉઠ્યા હોય એવો ભાવ રહેતો હોય છે જે એમના વાળને આભારી છે. અમુક લોકોના વાળ લાલ હોય છે, પણ એ લાલ બુટ પોલીશને નહિ પણ મહેંદીને આભારી હોય છે. દૂરથી જુઓ તો આવા લોકો જલતી મશાલ જેવા લાગતા હોય છે. અમુક લોકો જાણે દાળમાં કોકમને બદલે શિકાકાઈ નાખતા હોય એમ એમના વાળ કાળા અને સિલ્ક જેવા લીસ્સા રહેતા હોય છે. આશિકી ફેઈમ રાહુલ રોય આ કેટેગરીમાં આવે.

અમુક લોકો વાળ કપાવવા બેસે ત્યારે એમના વાળ કાપવાના છે કે વાળની વસ્તી ગણતરી કરવાની છે એ બાબતે કારીગરો મુંઝવણ અનુભવતા હોય છે. આમ છતાં આવા લોકો ખીસામાં કાંસકો અચૂક રાખતા હોય છે જે એમનો પોઝીટીવ એટીટ્યુડ બતાવે છે. આવા કિસ્સાઓમાં કાંસકો ઓળવા કરતાં માથુ ખંજવાળવાના કામમાં વધુ આવતો હોય છે. હવે જોકે આછાં પાતળાં વાળ ધરાવનારામાં ટકો કરવાની ફેશન જોર પકડી રહી છે એ જુદી વાત છે. બાકી એક વાત કહેવી પડે કે જેમના માથામાં વાળ હોય એ લોકો માટે વિવિધ હેર સ્ટાઈલો ઉપલબ્ધ છે, પણ ટાલવાળા લોકો માટે કોઈ ટાલ-સ્ટાઈલ ઉપલબ્ધ નથી કમનસીબી છે. એમાં તો જેવી પડે એવી નિભાવવી પડે છે.

પરિણીત પુરુષો વાળ ઓળવામાં સાવ બેદરકાર હોય છે. એ લોકો પત્ની યાદ કરાવે ત્યારે જ વાળ ઓળતા હોય છે. મુ. ર. વ. દેસાઈની એક નવલકથાનો નાયક “વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત” વાળ રાખતો હતો. આજકાલ તો એવા વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત વાળ કપાવવાની ફેશન ચાલે છે. કારીગર પણ ‘જેવી જેની મરજી’ એ હિસાબે ઘરાકને જોઈએ તેવા વાળ કાપી આપે છે. એની ભૂલો પણ સ્ટાઈલમાં ખપી જતી જોવા મળે છે.

શોલે અને ધરમ-વીરમાં વીંખાયેલા વાળ સાથે ધરમ પાજીએ હસીનાઓના દિલ જીતી લીધા હતા. પણ  જ્યારથી ધોનીની પત્તાના બાદશાહ જેવી હેર સ્ટાઈલ કે શિખર ધવન જેવા દાઢી-મૂછ-હેર સ્ટાઈલ લોકો અપનાવવા લાગ્યા છે ત્યારથી શાકવાળા અને દાતણવાળા પણ ડૂડ લાગવા માંડ્યા છે. ક્રિકેટમાં હેર સ્ટાઈલની બાબતમાં સુનીલ ગાવસ્કર, હર્ષા ભોગલે અને સેહવાગ જેવા લોકો આ બધાથી અલગ પડે છે. આ તમામ લોકો એમના ભાલ અને બાલ વચ્ચેના જંગમાં બાલના લશ્કરની પીછેહઠ શરુ થઇ તે વખતે જ ચેતી ગયા હતા. આજે એમના જેવા અનેક લોકોના ખોપડીના ખેતર કોસ્મેટિક સર્જરીને સહારે નંદનવન બની ચુક્યા છે. ઘણા કોસ્મેટિક સર્જનો પણ આવા અનેક ઓપરેશનો કરી કરીને બે પાંદડે થયા છે. આ જ સર્જનો પૈકી કેટલાકના માથામાં રમેશ-સુરેશ જેવા પાનખરના બે પાંદડા જ વધ્યા હોવા છતાં એ લોકો ત્યાં વસંત ખીલવવાનો પ્રયત્ન કેમ નહિ કરતા હોય એ પ્રશ્ન એમના પેશન્ટોને જરૂર મૂંઝવતો હશે.

મસ્કા ફ્ન
જોગિંગની સ્પીડ જે તે વિસ્તારના કુતરાની સંખ્યા અને એમના સ્વભાવ પર આધાર રાખે છે.Monday, December 15, 2014

નહાવાનાં આગ્રહો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |
| ૧૪-૧૨-૨૦૧૪ | અધીર અમદાવાદી |

 ----
અલી: 'લે ચાલ હવે નાઈ લે ....'
બકો: ‘પણ તને નવડાવવાનો કેમ આટલો શોખ છે? એક દિવસ નહીં નહાઉં તો ઓબામા ઇન્ડિયા આવવાનો પ્રોગ્રામ કેન્સલ નહીં કરી દે કે ... ટુમારે ઇન્ડિયામેં લોગ નાટે નહી હે ..’
અલી: ‘અરે, પણ તું નાય તો મને કામ સુઝે’.
બકો: ‘પણ તને કામ સુઝતું ના હોય એમાં મારે શું કામ નહાવું પડે?’
અલી: ‘તું નાવા જાય છે કે નહી?’
બકો: ‘અરે તું વિચાર. માલ્દીવ્સમાં પાણીની એટલી તંગી છે કે શ્રીલંકા અને ભારતમાંથી વિમાન દ્વારા પાણી મોકલવામાં આવે છે, અને એક તું છે કે જે રોજ બે ડોલ પાણી વેસ્ટ કરાવે છે. હું તો કહું છું કે તું પણ મારી જેમ ઓલ્ટરનેટ ડે નહાવાનું ચાલુ કરી દે’.
અલી: ‘જો બકા, આ માલદિવ્સ નથી, અને આપણે સભ્ય સમાજમાં રહીએ છીએ, અહીં રોજ નાવું પડે’.
બકા: ‘રોજ નહાનારને સરકાર એવોર્ડ નથી આપતી. અને આપતી હોય તોયે આપણે લેવો નથી, કારણકે આજકાલ ગમે તેવાને એવોર્ડ મળે છે’.
અલી: ‘આપણે એવોર્ડ લેવા માટે નથી નાતા’.
બકો: ‘એક્ઝ્ટલી! રોજ નાહવા માટે કોઈ કારણ જ નથી, શિયાળામાં પરસેવો થતો નથી એટલે બે-ત્રણ દિવસે અનુકુળતા પ્રમાણે નાહી શકાય’.
અલી: ‘કેમ, એવું શાસ્ત્રોમાં કહ્યું છે?’
બકો: ‘તો રોજ નહાવું જોઈએ એવું શાસ્ત્રોમાં કહ્યું છે?’
અલી: ‘હા કીધું છે. એવું કીધું છે કે સો કામ છોડીને નાવું ....’
બકો: ‘એ શાસ્ત્ર નથી. છતાંય સો કામ થશે, એટલે એને છોડીને નાહી લઈશ, જા બસ’.
અલી: ‘એટલે તું નહી નાય એમ ને?’
બકા; ‘બહુ સેન્ટી ના બન. આવતાં અઠવાડિયે મારો બર્થ ડે છે જ....’
અલી: ‘તો તું બર્થ ડેના દિવસે નાહીશ એમ?’
બકો : ‘અરે, હું તને બર્થ ડે યાદ કરાવું છું, મેં ક્યાં એવું પ્રોમિસ આપ્યું કે હું બર્થ ડેનાં દિવસે નાહીશ?’
અલી: ‘જો તારે નાવું હોય તો નાહ અને ન નાવું હોય તો ન નાહ, પણ નાયા વગર જમવાનું નહીં મળે સમજ્યો?’
બકો: ‘એમાં નાહવાને જમવાને શું સંબંધ?’
અલી: ‘જેટલો જમવાને ને માવો ખાવાને છે એટલો. જમ્યા પછી માવો ખાધા વગર ચાલે છે તારે?’
બકો: ‘પણ નાહ્યા વગર જમવામાં મને કોઈ વાંધો નથી’.
અલી: ‘પણ મને છે’.
બકો: ‘તો તું નાહીને જમ. મને એનો પણ વાંધો નથી બસ જા’. 

અલી: ‘આહાહા .... ભારે ઉપકાર કર્યો મારા ઉપર’.
બકો: ‘આપણને એવું કોઈ અભિમાન નથી હોં’.

અલી: ‘જો બકા મારી પાસે માથાકૂટ કરવાનો ટાઈમ નથી’.
બકો: ‘પણ મારી પાસે છે, આજે રવિવાર છે !’
અલી: ‘બકાઆઆઆઆ...’
બકો: ‘જઉં છું, મારો ટુવાલ ક્યાં છે?’
--
નહાવું કે ન નહાવું એ દરેકનો અંગત વિષય છે. આમાં આગ્રહ ન હોવો જોઈએ એવો અમારો આગ્રહ છે. છતાં પ્રજા લોકોને નવડાવવામાં પાશવી આનંદ અનુભવે છે. એટલે જ ઉપર મુજબના સંવાદો ઘરઘરમાં સાંભળવા મળે છે.
 
નહાવાના આગ્રહોમાં ‘એક કામ પતે’ એ મુખ્ય કારણ છે. એમાં નહાનાર પોતાની જાતે, પોતાનાં સગ્ગા હાથે નહાતો હોવાં છતાં. નાહીને ક્યાંય જવાનું ન હોય છતાં શું કામ કોઈ નવડાવવા માટે પાછળ પડતું હશે? એમાં ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે તો આવા લોકો નવડાવવા માટે ખાસ મેદાનમાં ઉતરી આવે. જે રોજ નહાય છે એવા લોકો બીજાને આગ્રહ કરવાના શોખીન હોય છે. જેમ ચાર રસ્તા ઉપર હવાલદાર આપણને ઊભા રાખી મેમો ફાડતો હોય ત્યારે આપણે એને મોબાઈલ પર વાત કરતાં કે સીટ-બેલ્ટ પહેર્યા વગર કાર ચલાવતાં બીજાં લોકો બતાવીએ છીએ, તેમ જે પોતે નાહી ચૂક્યું હોય છે તે બીજાં નાહ્યા વગરના રહી જાય તે જોઈ શકતાં નથી. એટલે અસ્નાનીને ધક્કા મારવામાં સ્નાન કરી ચૂકેલાં મોખરે હોય છે.
 
નહાવાના આગ્રહો પાછાં જમવાનાં આગ્રહો કરતાં જુદાં હોય છે. માલ્દીવ્ઝમાં જ્યાં વિમાનથી પાણી પહોંચાડવામાં આવે છે ત્યાં મહેમાનોને નહાવાનો આગ્રહ નહીં થતો હોય. અરે કાઠીયાવાડ કે જેને મહેમાનગતિ માટે કવિ-લેખકોએ માથે ચઢાવ્યું છે ત્યાં પણ મહેમાન નહાવાના ટાઈમે આવે તો એને ‘આવ્યા છો તો હવે નાહીને જ જજો’ એવું કોઈ કહેતું નથી. મહેમાનમાં જેમ અમુકને ચા, અમુકને કોલ્ડ્રીંકસ, ને અમુકને જમવાનું પૂછવામાં આવે છે એમ નહાવામાં અમુકને હાથ-મ્હોં, અમુકને હાથ-પગ, તો અમુકને સંપૂર્ણ સ્નાન માટે પૂછવું જોઈએ. પણ જમવાનાં આગ્રહમાં જેમ ‘ઘરે બનાવ્યું છે, બજારનું નથી’, ‘આ તો તારી ભાભીની ખાસ આઇટમ છે’ જેવી લાલચો આગ્રહ સાથે આપવામાં આવે છે એવું કંઈ નહાવામાં નથી હોતું. નહાવામાં ‘બાથરૂમમાં ઈમ્પોર્ટેડ ફીટીંગ છે’, ‘બાથરૂમ કાલે જ સાફ કરાવ્યું છે’, કે પછી ‘તમને ગમતી સીતાફળ ફ્લેવરનું શેમ્પુ છે’ જેવા પ્રલોભનો આપવામાં આવતાં નથી. એમાં તો જેવું હોય તેવામાં નાહી લેવાનું હોય છે.

નહાવાનાં આગ્રહોમાં ફક્ત નવડાવવાનું જ મહત્વ હોય છે. કમનસીબે નહાનાર કેટલું અને કેવું નહાય છે એ ગૌણ હોય છે. એકવાર શિકાર નહાવા જતો રહે પછી એ અંદર જઈ કોરો બહાર આવે તો પણ એને કોઈ પૂછતું નથી. પર્યાવરણ વિષે ચળવળ ચલાવનારા પણ ઘરમાં નહાવાના બાબતે તદ્દન જડ્તાભાર્યું વલણ ધરાવતાં હોય છે. પણ આ દેશમાં જ્યાં સુધી નહાવાના આગ્રહો થતાં રહેશે ત્યાં સુધી દેશમાં પાણીની તંગી છે એ વિષય પર કોઈ ગંભીરતાપૂર્વક નહીં વિચારે, એ નક્કી છે. n

Sunday, December 07, 2014

મેરે દેશ કી ધરતી ઈઈઈ .....

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૭-૧૨-૨૦૧૪ સમાચાર છે કે રાજસ્થાનના નાગૌર જીલ્લાની આસપાસના ખેત મજુરોએ ડિસ્ક જોકી વગર લણણી કરવાનો ઇનકાર કરી દીધો. એટલે સુધી કે એ લોકો મહેનતાણામાં બાંધછોડ કરવા તૈયાર છે પણ ડીજેમાં નહિ. એમનું કહેવું છે કે ડીજેને કારણે એમની કામ કરવાની ઝડપ વધે છે.

અમને તો આમાં કશું અજુગતું લાગતું નથી. અમારા જેવા જ કેટલાક ખાંખતિયા લોકોએ સંશોધન કરીને સાબિત કર્યું છે કે ભલે ભેંશ આગળ ભાગવત વાંચવાથી ભેંસ ડોબું મટી નથી જવાની, પણ દૂધાળા ઢોર પાસે સંગીત વગાડવાથી એ વધુ દૂધ આપે છે. એટલું જ નહિ વિજ્ઞાન કહે છે કે સંગીતને લીધે વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. જોકે આ બધું શોધનારાએ ધાડ નથી મારી, બીજા વૈજ્ઞાનિક સંશોધનોની જેમ આ વિશેનું જ્ઞાન આપણા પૂર્વજો પાસે હતું જ. આપણી જૂની હિન્દી ફિલ્મો જોશો તો એમાં ખેતર ખેડતી વખતે, પાક લણતી વખતે કે અનાજ ઉપણતી વખતે મજુરો ફક્ત ગાતા જ નહિ પણ સાથે નાચતા પણ દેખાશે. ખાતરી ન થતી હોય તો મનોજ કુમારનું ‘મેરે દેશકી ધરતી ઈઈઈઈ...’ કે બચ્ચનનું ‘પરદેસીયા આઆઆઆ ...’ જોઈ લેવું. ‘શોભા’ના ‘ગાંઠીયા’ તુસ્સાર કપૂરના પપ્પા જીતુ ભ’ઈ તો ‘મેરે દેશ મેં, પવન ચલે પુરવાઈ ...’ ગીત ગાતા ગાતા કાંકરિયા તળાવના ત્રણ રાઉન્ડ થાય એટલું દોડ્યા હતા! આમ કરવાથી ધરતી સોનુ અને હીરા-મોતી ‘ઉગલતી’ હશે ત્યારે તો શેઠ લોકો ખેતરમાં તાકધીનાધીન કરવા દેતા હશે ને!

અમારી તો આગ્રહભરી વિનંતી છે કે સરકારે આટલેથી વાત ઉપાડી લેવી જોઈએ અને એગ્રીકલ્ચર યુનિવર્સીટીઓમાં એગ્રો-ડી.જે. માટેના ખાસ અભ્યાસક્રમો ચાલુ કરવા જોઈએ. એમ કરવાથી  મજુરોની ઉત્પાદકતા તો વધશે જ ઉપરાંત યુવાનો પણ ખેતી તરફ વળશે. અભ્યાસક્રમમાં સાલસા, પાસો દોબ્લે કે હિપ હોપ કરતાં કરતાં ખેતીકામ કેવી રીતે કરવું એ શીખવાડવું જોઈએ. જરૂર પડે તો આ માટે કોરિયોગ્રાફરોને દાતરડું, કોદાળી, ત્રિકમ, પાવડા જેવા પ્રોપ્સ આપીને એવા ખાસ સ્ટેપ્સ વિકસાવવા જોઈએ કે બ્રેકિંગ, લોકીંગ અને પોપિંગ સાથે ખેડવા, વાવવા અને લણવાના કામ ઉપરાંત નિંદામણ દૂર કરવાનું, પાણી વાળવાનું અને ખાતર નાખવાનું કામ પણ થતું જાય. ડી.જે.ના તાલ પર રાજેશ ખન્નાની સ્ટાઈલમાં યુરિયાનો છંટકાવ કરવાનું પણ શીખવાડી શકાય. લીફ્ટ એન્ડ થ્રોવાળા સ્ટેપ્સની મદદથી ઘાસના પૂળા છાપરે ચડાવવાનું કૌશલ્ય પણ વિકસાવી શકાય. ડાન્સની આવડતમાં સની દેઓલ જેવા સ્ટુડન્ટસને છેવટે પક્ષીઓને દૂર રાખવા માટે ખેતરમાં ડીડીએલજેના શાહરુખની જેમ બે હાથ પહોળા કરીને ઉભા રહેતા પણ શીખવાડી શકાય.

યુનીવર્સીટીના સંગીતના અભ્યાસક્રમોમાં પણ ખેતમજુરોને સંગીતના તાલે મસ્તીમાં ઝૂમાવી શકે એવા ડી.જે. તૈયાર થાય એ બાબત પર ભાર મુકાવો જોઈએ. ક્યા પાક માટે કયા સિંગરનો ટ્રેક લેવો જોઈએ એ પણ શીખવાડવું જોઈએ. એટલું જ નહિ પણ એની બારીકીઓ પણ સમજાવવી જોઈએ. જેમ કે હિમેશભાઈના ગાયન અને યોયો હની સિંઘના ગીતના શબ્દો પર બેફામ દાતરડાં  ફેરવવાથી અન્ય મજુરોને ઇજા અને ખેતરની હાલત નીલ ગાયો ભેલાણ કરી ગઈ હોય એવી પણ થઇ શકે છે. જોકે ‘લુંગી ડાન્સ’ જેવા ગીતોને પ્રતિબંધિત કરવા પડે. સીધી વાત છે, માણસ લુંગી સંભાળે કે ઉંબીઓ ઉતારે?

ઘઉં, ચોખા, બાજરી જેવા ખાદ્યાન્ન તથા નાળીયેરી, ચીકુ, આંબા અને ૫પૈયા જેવા બાગાયતી પાકો માટે યોગ્ય રાગ-તાલવાળા ટ્રેક પસંદ કરવા બાબતે વિશેષ ધ્યાન અપાવું જોઈએ. જેમ કે ઘઉં લણવાના કામમાં વિલંબિત એકતાલ સાથેની ખયાલ ગાયકીનો ટ્રેક મુકો તો મધ્ય લયમાં આવતા સુધીમાં જ ચોમાસું આવી જાય. જયારે આંબો વેડવાના કામ સાથે રોક, પોપ કે હિપ હોપ વગાડવામાં આવે તો શાખ સાથે મરવા પણ પડી જાય. ઘઉંનો પાક તૈયાર હોય ત્યારે રાગ દીપક વાગી જાય તો ય તકલીફ અને મલ્હાર વાગી જાય તોય તકલીફ. હા, બોરડી ઝૂડતી વખતે રાગ ઝીંઝોટી અને ચીકુ કે નારિયેળ ઉતારતી વખતે રાગ તોડીનો પ્રયોગ કરી શકાય. વન્ય પેદાશો એકત્ર કરતા કર્મીઓ માટે રાગ જંગલી તોડીના ટ્રેક મૂકી શકાય.

આ તો ઝલક છે, બાકી સરકાર ધારે તો ખેતરોમાં સાઉન્ડ સિસ્ટમ-સાઈકેડેલીક લાઈટ્સ માટે વ્યાજ વગરની લોન-સબસીડી આપવી, રાત્રે સાઉન્ડ સિસ્ટમ વગાડવાની છૂટ, ફિક્સ પગારિયા ડી.જે. સહાયકોની ભરતી, ઘૂઘરાવાળા દાતરડા-પાવડા-ત્રિકમનું વિના મુલ્યે વિતરણ, આઈ.ટી.આઈ.માં સાઉન્ડ ટેકનીશીયનના સર્ટીફીકેટ કોર્સ શરૂ કરવા વગેરે પગલાં દ્વારા અંદાજે ૧૦૦ કરોડના ટર્નઓવર તથા ગ્રામ્ય કક્ષાએ રોજગારી ઉભી કરવાની ક્ષમતા ધરાવતા આ ક્ષેત્રને વિકસાવી શકે છે. આ ક્ષેત્રમાં કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપવાનાં એમ.ઓ.યુ. કરવા માટે આગામી વાઈબ્રન્ટ સમિટની અમે પણ રાહ જ જોઈએ છીએ.

મસ્કા ફ્ન
જોધા-અકબર સીરીયલ પરથી એટલું જાણવા મળ્યું કે ...
અકબર પોતે જ અનારકલી ડ્રેસ પહેરતો હતો!