Wednesday, August 28, 2013

પૂંછડું કે વાઈપર ...

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૫-૦૮-૨૦૧૩ | અધીર અમદાવાદી |




હમણાં અહિં અમદાવાદમાં ગાયોનો ઉપદ્રવ વધ્યો છે. આમ તો આખું વરસ કંઈ ઓછો નથી હોતો, આ તો ખાલી માત્રાની વાત છે. રસ્તે જતાં હોઈએ, જમણી બાજુ ડીવાઈડર હોય, ડાબી બાજુ પાણી ભરાયેલા હોય, ખાડા હોય, લારીઓ ઊભેલી હોય, કે કીડી-મકોડાની જેમ માણસો ચાલ્યા જતાં હોય અને એવામાં આગળ ગાય જતી દેખાય. વરસાદ ઝરમર ચાલતો હોય એટલે એક તરફ આપણી કારનું વાઈપર ચાલુ હોય અને એવામાં કારનાં આગળના કાચમાંથી દેખાતી ગાય એનું પૂંછડું વાઈપરની જેમ હલાવતી જણાય. એકવાર તો વરસાદ બંધ હતો અને આમ જતો હતો ત્યાં આવી રીતે ગાય જતી દેખાઈ બે ઘડી તો અમને ભ્રમ થયો કે આ કારનું વાઈપર પાછું કેમ ચાલુ થઈ ગયું? આપણે ભલે ગાયથી ત્રસ્ત હોઈએ પણ ચોખ્ખા રોડ પર પૂંછડું હલાવતી ને બિન્દાસ મહાલતી ગાયો પોતાની મસ્તીમાં મસ્ત હોય છે.

એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી અનેક કષ્ટસભર વૈતરણી નદી પાર કરવામાં જેમણે પુણ્ય કર્યાં હોય તેઓ ગાયનું પૂંછડું પકડીને તરી જાય છે. આપણું શહેર પણ ચોમાસામાં આ મીની-વૈતરણી જેવું જ થઈ જાય છે. એમાં વધુ પાણી ભરાયું હોય અને ગાડી બંધ પડી જાય ત્યારે આવી ગાય સર્વિસ મળે તો કેવી મઝા આવે?’ એવા વિચારો અમને અચૂક આવે છે, પણ આપણે કદાચ એટલાં પુણ્ય નહીં કર્યાં હોય. જોકે પૃથ્વીલોક પર આ ગાયોને હાંકવા માટે એનું પૂછડું મરડવામાં આવે છે એ અલગ વાત છે. આજકાલ તો ગોવાળો બાઈક લઈને ગાયોના ધણને હાંકતા હોય છે. બાકી જુનાં સમયમાં તો હાંકનારા પૂંછડી અમુક રીતે આમળી ગાયોને દિશાસૂચન પણ કરતાં જોવા મળતાં.

અમુક ગાયનું પૂછડું શ્રદ્ધાથી માથે અડાડતા પણ જોવા મળે છે. આવું કરનાર જોકે સંસારથી પરવારી ચૂક્યા હોય છે. બાકી કોઈ બ્યુટી પાર્લર જતી યુવતી કે માથે મોંઘી ડાઈ કરાવતી અર્બન વામા કદી ગાયનું પૂછડું માથે ન ચઢાવે. બીજું કે ગાયનું પૂંછડું માથે અડાડવામાં એક પ્રકારની નિર્ભયતા જોવા મળે છે, કારણ કે ગાય કદી લાત મારતી નથી. કદાચ કુદરતે એનાં પગમાં પાછળ પ્રહાર કરી શકે એવી શક્તિ નથી આપી. કોઈ ધર્મમાં જો ગધેડાને પવિત્ર ગણવામાં આવતું હોય તો પણ કોઈ ગધેડાનું પૂછડું માથે ન ચઢાવે તે પણ એટલી જ ચોક્કસ વાત છે. 

પૂંછડી તો કૂતરાની પણ મસ્ત હોય છે. સોનાક્ષીની કમર જેવી કરવેશીયસ. પણ માણસ જાત, એની પણ પંચાત કૂટે છે. ટુ-વ્હીલર પર જતાં હોવ તો વાઈપરની માફક પૂંછડું હલાવતી ગાય કે ભેંસ પાસેથી પસાર થાવ તો ગોબર-મઢયા પૂંછડાની ઝપટમાં આવો તો શર્ટ બગડી શકે છે. પણ કૂતરાની આસપાસમાં પસાર થતાં હોવ તો એની પૂંછડીથી તમને કોઈ જોખમ નથી. તોયે માણસ જાત વાતો કરે કે કૂતરાની પૂંછડી બાર વરસ જમીનમાં દાટી દો તો પણ સીધી ન થાય. પણ વિચારવાનું એ છે કે આપણે કૂતરાની પૂછડી બાર વરસ જમીનમાં દાટવી શું કામ પડે? અને ધારો કે એકવાર તમે દાટી તો પછી બાર વરસ કૂતરું શું કરે? ત્યાંનું ત્યાં ઊભું રહે? એને ખવડાવે કોણ? આવા અનેક સવાલો ઊભા થાય. અને સૌથી મોટો સવાલ તો જીવદયાનો છે. બિચારાં કૂતરાની આવી દશા કરાય? મને તો કૂતરા માટે આવું હીણપતભર્યું વિચારનાર પર એવો ગુસ્સો આવે છે કે એનો એક હાથ પકડીને જમીનમાં દાટી દઉં!

ખુશાલી વ્યક્ત કરવા ભગવાને કૂતરાને પૂંછડી આપી છે. કૂતરું ભોજન મળવાની આશામાં કે પછી માલિકને જોવા માત્રથી આનંદમાં આવી જઈ પૂંછડી હલાવી ખુશી વ્યક્ત કરે છે. આમ કૂતરા સ્વભાવે સાલસ અને પારદર્શક સ્વભાવના હોય છે. એની પૂંછડી હાલતી જોઈને આપણને એનાં મનમાં શું ચાલે છે એ ખબર પડી જાય છે. કૂતરો જ્યારે ડરી જાય ત્યારે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ભાગે છે. હિન્દીમાં એટલે જે દુમ દબાકે ભાગનાજેવા મહાવરા પ્રચલિત થયા છે. પણ આમાં પણ અમને કૂતરાની પારદર્શકતા જ દેખાય છે. બાકી માણસોને તો ઘણીવાર ખુશાલી વ્યક્ત કરવા શબ્દો નથી મળતાં’, આવામાં જો આપણી પૂંછડી લુપ્ત ન થઈ હોત તો ઘણી સવલત રહેત.   

કૂતરાની વાતથી યાદ આવ્યું કે અમે જ્યારે જ્યારે ફેસબુક પર ઉપરાછાપરી બે ચાર સ્ટેટ્સ કૂતરાને લગતા મૂકીએ એટલે બધાં તરત પૂછે છે: કેમ અધીરભાઈ કૂતરાની પાછળ પડી ગયા? હમણાં મિત્ર મિતેશભાઇએ પણ આવો જ પ્રશ્ન કર્યો હતો. પણ અમારો ૬૨ રૂપિયા ભાવવાળો મિલિયન ડોલર સવાલ એ છે કે શું માણસ કૂતરાની પાછળ પડવા માટે સક્ષમ છે ખરો? અમે તો મોટે ભાગે કૉર્પોરેશનની કૂતરા પકડવાની ગાડીના સ્ટાફ સિવાય કોઈને કૂતરા પાછળ પડેલા જોયા નથી. હકીકતમાં સદીઓથી કૂતરા જ માણસોની પાછળ પડતાં આવ્યાં છે અને હવે એ માત્ર માણસો જ નહીં, વાહનોની પાછળ પણ પડે છે. પણ વાહનોને કરડ્યા વગર  જવા દે છે. જોકે આ આડવાત થઈ.

જોકે નાના છોકરાઓ કે જેમને કૂતરાની વિકરાળતાનો અનુભવ નથી તેમને કૂતરાની પૂંછડી ખેંચતા જોવા મળે છે. પણ વાંદરાની પૂંછડી ખેંચતો કોઈ મરદનો બચ્ચો કે મરદની બચ્ચી હજુ અમારા જોવામાં નથી આવી. ન અમે એવા ફોટા ફેસબુક ઉપર જોયા. હા, વાંદરા સમાજના નાના નાના બચુડીયાઓ બુઢીયા પ્રકારના વાંદરાઓની સળી કરતાં જરૂર જોવા મળે છે.

ગાય-ભેંસ સિવાય પૂંછડીનો જો કોઈ સુંદર ઉપયોગ કરતું હોય તો એ આપણા પૂર્વજો વાંદરા છે. એ તો જાણીતું છે કે વાંદરાને પૂંછડી બેલેન્સ જાળવવામાં મદદ કરે છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના ચક્કરમાં આવીને માણસની પૂંછડી જતી રહી છે. બાકી આપણી પાસે પૂંછડી હોત તો આ પેટ્રોલના ભાવ વધે એમાં આપણને કોઈ વાંધો ન આવત. એક ઝાડથી બીજા ઝાડ, અને કમ્પાઉન્ડ વોલો ઠેકતા ઠેકતા મોજથી ઓફિસ પહોંચી જાત. પણ માણસને પૂછડું હોત તો એ વાંદરો ન કહેવાત?
--
by Adhir Amdavadi
Your comment will be appreciated....

Tuesday, August 27, 2013

કેટલાક રીવાજ અને માન્યતાઓ : સાતમે ઠંડું ખાવું

કેટલાક  રીવાજ અને માન્યતાઓ : સાતમે ઠંડું ખાવું  : અધીર અમદાવાદી


ઘણા સમય પહેલાની આ વાત છે. અમદાવાદ નામે એક એકદમ ફની ગામ હતું. આ ગામમાં ફેરિયાઓ રસ્તા ઉપર બેસતા હતા અને વાહનો ફુટપાથ પર પાર્ક થતા હતા. અહીં ચોવીસ કલાક નળ ખુલ્લો રાખો તો માંડ એક ડોલ ભરાય તેટલુ પાણી આવતું હતુ. જોકે વરસાદ દરમિયાન અહીં એટલા બધા ભુવા પડતા હતા કે કેટલાક ભડવીર લોકો એક ભુવામાંથી બીજા ભુવામાં અંડરગ્રાઉંડ પણ જતાં હતાં. તો રાજ્ય સરકારે પણ ભુવાઓ પર ફ્લાયોવર બાંધવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્તો મોકલી હતી. ગામની સ્ત્રીઓ ભુવે પાણી ભરવા અને કપડા ધોવા જતી હતી. અમુક લોકો ભુવા કિનારે મહેફિલો પણ યોજતા હતા. સરકારે પબ્લીક પ્રાયવેટ પાર્ટનરશીપ મોડમાં ભુવા ડેવલપ કરવા દરખાસ્તો મંગાવી હતી. ભુવાઓને જોવા અને પોતાના શહેરમાં આવા અર્વાચીન ભુવાઓ સર્જવા માર્ગદર્શન લેવા છેક હૈદ્રાબાદથી નિષ્ણાતો અહીં આવતા હતા. આવા ભુવાઓના રીપેરીંગમાં પાલિકાના અધિકારીઓની સાત પેઢી તરી ગઇ છે એવી વાત પણ અમુક ટીવી ચેનલોએ વહેતી કરી હતી. તો કેટલાક કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ ભુવાની સમસ્યાના સમાધાન માટે ઓક્ટોપસ પૉલ બાબાના શરણે ગયા હોવાનુ પણ આધારભુત સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ, પરંતુ ઓક્ટોપસ બાબા ત્યારે ફુટબૉલમાં વ્યસ્ત હોવાથી સમય આપી શક્યા નહોતા.

આમાંથી અમુક ભુવાઓ તો એટલા જુના હતા કે દાદાઓ પોતાના પૌત્રોને હોંશે હોંશે ભુવા કિનારે ફરવા લઇ આવતા અને પોતાના ચોખઠા મમળાવતા કહેતા કે : “જો હર્ષ, આ ભુવો છે ને એને કાંઠે હું સાવ તારા જેવડો હતો ને, ત્યારનો આવતો હતો, તો ગણ, આ ભુવો કેટલો જુનો હશે?” અને હર્ષને પણ આ પ્રશ્ન ગણિતનો હોવાનો અને અઘરો લાગતા જવાબ આપવાના બદલે એ ભુવામાં કાંકરા નાખી પુરવાના પાલિકાના તંત્ર જેવાજ વ્યર્થ પ્રયાસોમાં લાગી જતો ! તો આવા ભુવાઓ શહેરની ઐતિહાસિક ધરોહર છે એમ પ્રસ્થાપિત કરી ભુવાની નામકરણ વિધિ હાથ ધરાઇ હતી. શહેરના મેયરના અધ્યક્ષ સ્થાને અને મુખ્યમંત્રીના વરદ હસ્તે ભુવાના નામની તકતીની અનાવરણ વિધિ યોજાઇ હતી.

આ દરમિયાન યુનિવર્સિટીમાં રજા હોવાથી નવરા યુવા કાર્યકરોનો ધસારો આ કાર્યક્રમમાં વધી જતા મંચ સહિત બધા નેતાઓ ભુવાગ્રસ્ત થઇ ગયા હતા. અને ફાયર બ્રિગેડની ચોવીસ કલાકની જહેમત બાદ પણ કોઇ હાથમાં આવ્યુ નહોતુ. પ્રજા શોક્ગ્રસ્ત થઇ ગઇ હતી અને એમણે રાંધેલુ ખાવાનું ઢાંકી મુક્યુ હતુ. લોકોમાં એવી પણ ચર્ચા જામી હતી કે હવે તો ભુવાની સમસ્યાનો જરૂર અંત આવશે. જોકે નેતાઓ તો તરત જ બીજા ભુવામાં થઇને બહાર નીકળી, કપડા ખરાબ થવાથી ‘હવે આવા કપડે થોડું ઉદઘાટન થાય ?” એમ વિચારી ઘર ભેગા થઇ ગયા હતા.
--
બીજા દિવસે એક ચેનલ પર નેતાઓ એ રાબેતા મુજબ દેખા દીધી હતી અને લોકોને હાશ થતા તેમણે આગલા દિવસનું વાસી ખાવાનું ખાઇને દવાખાનાઓ છલકાવી દીધા હતા. આ દિવસ પછી આજ લગી લોકો ભુવાસાતમ ઉજવે છે અને આગલા દિવસનું વાસી ખાય છે.

by Adhir Amdavadi

Tuesday, August 20, 2013

બોસ ઇઝ ઓલવેઝ રાઈટ



| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧-૦૮-૨૦૧૩ | અધીર અમદાવાદી |
--
બોસ એટલે
શનિવારે રાત્રે
સાડા સાત વાગ્યે
કોમ્પ્યુટર શટ-ડાઉન
કર્યાં પછી જ જેને
‘એક અગત્યનું કામ’
યાદ આવે
એવું
ચશ્માધારી,
ગીધ પ્રજાતિનું
પ્રાણી.
--
સો શિયાળ, એકસો દસ ગીધ અને એકસો વીસ વરુ મારીને જો કોઈ વ્યક્તિને બનાવવામાં આવે તો એ કેવી હોય? મારા, તમારા, આપણા સૌના ‘વ્હાલાં’ બોસ જેવી હોય. અહિં ‘વ્હાલાં’ શબ્દ અમે દાંત કચકચાવીને લખ્યો છે એમ સમજવું. હા બોસ પ્રાણી જ એવું છે. બોસ એટલે જે આપણને કરોળિયો ગણીને એકનું એક કામ દસ વાર કરાવે, અને એને જેવું જોઈતું હોય તેવું કામ મળે ત્યારે જ જંપે તેવું પ્રાણી. બોસ એટલે જેની બકવાસ ડિક્શનરીમાં ઈમ્પોસિબલ શબ્દ નથી, એવું લોકોના મગજમાં ઠસાવતો હેમ એક્ટર. બોસ એટલે જેને ‘ના’ શબ્દ સંભળાતો જ નથી, તેવું ધ્યાનબહેરું પ્રાણી. બોસ એટલે જેના બુટ એનાં ચમચાઓ કાયમ ચકચકિત રાખે છે, એવો ખુશામતપ્રિય શખ્સ. બોસ એટલે જેને ઘર-બાર, પત્ની-સાસુ, શોપિંગ-બેબી શાવર જેવા કોઈ બંધનો નથી તેવું અસમાજિક પ્રાણી. જવા દોને હજી કેટલાં વખાણ કરું!

સાચ્ચે. માણસ એ સામાજિક પ્રાણી છે એવું જે ભણવામાં આવતું હતું, તે કેટલું ખોટું છે તે નોકરી કરો એટલે તમને ખબર પડે. આ ખોટું ઠરાવવા માટે બોસ જવાબદાર છે. બોસ સાંજે લેપટોપનું શટર પાડે ત્યારે ઓફિસમાં ખાલી પટાવાળો બચ્યો હોય. ઓફિસનું શટર પાડવા માટે. એ પણ બગાસાં ખાતો હોય બિચારો. કારણ કે સવારે તો પાછું હાજર થવાનું જ. એ પણ સમયસર. સાંજે રોકાયા હતાં એટલે સવારે મોડા આવીશું એવું ન ચાલે.

આ બોસ લોકોને ઘેર કોઈ પૂછતું જ નહી હોય? એમની પત્ની એમનો કોલર કે ટાઈ નહી પકડતી હોય? એમની ઘેર ઉલટતપાસ નહી થતી હોય, કે રોજ રોજ આટલા લેટ કેમ આવો છો? એમની પત્નીને સાંજે શોપિંગમાં ક્રેડિટ કાર્ડ સહિત કંપની આપવા નહીં જવું પડતું હોય? એમને ‘આજે મારી બહેન આવવાની છે તો વહેલાં આવજો, અને સાંભળો ..... રસ્તામાં આવતાં ખમણ લેતા આવજો’ એવી ફરમાઈશ કમ હુકમો નહીં છુટતાં હોય? કે આવું બધું ખાલી અમારી સાથે જ થાય છે? 

એવું મનાય છે કે બોસ એક આદર્શ ફોલ્ટ ફાઈન્ડીન્ગ મશીન છે. આપણને જે ભૂલો બીલોરી કાચ લઈને ન દેખાય, અથવા તો કમ્પ્યુટર વાપરતા હોવ તો ઝુમ કર્યાં પછી પણ ન દેખાય, એ ભૂલો બોસને વગર ઝુમ કર્યે દેખાય છે. તમે પચાસ પાનાનો ડ્રાફ્ટ લઈને જાવ અને બોસ જો એનું સત્તરમું પાનું અડસટ્ટે ખોલે તો એમાંથી એ ભૂલ શોધી બતાવે. બોસની મેમરી પણ પાછી એટલી શાર્પ હોય કે તમે આજ ભૂલ પહેલાં કેટલી વખત કરી હતી તે કહી બતાવે. ઘણીવાર તો માઈક્રોસોફ્ટ વર્ડ જે સ્પેલિંગ પાસ કરી દે એ બોસ રીજેક્ટ કરી દે. એમ કહીને કે આ વર્ડ અહિં ન વપરાય. વાર્તામાં રાત પડે દાનવોની શક્તિ બમણી થઈ જાય છે એમ જયારે અપ્રેઈઝ્લ અને ઇન્ક્રીમેન્ટનો સમય આવે એટલે બોસની ભૂલો શોધવાની શક્તિ બમણી થઈ જાય. આપણા જેવા અનેકને ઇન્ક્રીમેન્ટમાં દબાવીને કંપનીને લાખોનો ફાયદો કરાવે અને પોતે મસમોટું ઇન્ક્રીમેન્ટ લઈ જાય! આવા બોસ હોય તેવી કંપનીના કર્મચારીઓ દિવસ જતાં આસ્તિક થઈ જાય છે.  

આમ છતાં બોસ ધાર્મિક વૃત્તિનો ન હોય તેવું બને. તોયે બોસ વ્યક્તિપૂજામાં જરૂર વિશ્વાસ ધરાવે છે. કારણ કે બોસ સ્ટાફના માણસો પોતાને સન્માન આપે, કાયમ તેની આરતી ઉતારે તેવું ઇચ્છતો હોય છે. પછી ભગવાન જેમ પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે એમ બોસ પણ એમનાં ભક્તોનું ધ્યાન રાખે છે. એટલે જ બોસની કેબિનમાં પ્રવેશતા પહેલાં વાંકા વળી ઉમરાને પગે લાગવાનું અથવા ઉપર ડોર-ક્લોઝરની જગ્યાએ મંદિરનો ઘંટ લટકે છે એમ માની એનાં પર હાથ ઊંચો કરી ટન્ન એવું મનમાં બોલી પ્રવેશ કરવાથી બોસની ક્રિપા જરૂર આવે છે. સહકર્મીઓ જયારે તમને કોઈ કામમાં સહકાર ન આપે ત્યારે બોસનું નામ દેવાથી ભલભલાં કામ થઈ જાય છે.   
બોસની બીજી એક ખાસિયત છે. બોસ અને બગાસું ગમે ત્યારે આવે. બોસ એની અનપ્રેડીકટેબીલીટીને કારણે ભય ફેલાવે છે. તમે જે દિવસે ઓફિસ મોડા પહોંચો એ દિવસે બોસ વહેલાં આવી ચશ્માં લગાવીને બેસી ગયા હોય. અને તમે આગલી સાંજે આપેલા પ્રિન્ટ આઉટમાં દોઢસો ભૂલો શોધી રાખી હોય. પણ તમે કવચિત ચઢેલું કામ પતાવવા કે કોઈ અર્જન્ટ કામ માટે કલાક વહેલાં ગયા હોવ તો તે દિવસે બોસ મોડા આવે.

બોસ વિષે જાત જાતની માન્યતાઓ પ્રવર્તે છે. એમાંની એક છે ‘બોસ ઇઝ ઓલ્વેઝ રાઈટ’. બોસ કહે તે બ્રહ્મવાક્ય. પણ આમાં વાંક બોસનો નથી, બોસનાં ફોલોઅર્સનો છે. બોસ પોતાના અનુભવને આધારે સાચા પણ હોય અને ખોટા પણ હોય, પણ આપણે એમની જીહજૂરી કરવામાં વિવેકબુદ્ધિ વાપરવી જોઈએ કે નહી? કે બસ વખાણ દીધે રાખવાના? પણ યાર, એવું કહેવાય છે કે ખુશામત તો ખુદાને પણ પ્યારી હોય છે તો બોસ કિસ ખેત કિ મુલી? એ પણ માણસ છે. ઘરમાં કંઈ ઉપજતું ન હોય, મહેનત કરીને માર્કેટમાંથી સારા શાકભાજી લઈને એ ઘેર જાય અને એનાં માથે એજ શાકભાજી ધોવાતાં હોય (હા, વેજીટેરીયન હોય તો માથે માછલા ન ધોવાય બોસ!) એવામાં કોઈ એનાં વખાણ કરે તો બચારો ગળગળો થઈ જાય એ સ્વાભાવિક છે. છેવટે બોસ પણ માણસ છે. નથી?

Friday, August 16, 2013

કૂતરાઓ સુસુ કરી જતાં મીઠાખળી અન્ડરપાસ બંધ કરવો પડ્યો



હદના વિવાદમાં ઉશ્કેરાટમાં આવી જઈ કૂતરાઓ સુસુ કરી જતાં મીઠાખળી અન્ડરપાસ બંધ કરવો પડ્યો  (via adhir news network)

--

Photo courtesy : Ahmedabad Mirror
આજે બપોરે આશરે સવા ચાર વાગ્યાને સુમારે મીઠાખળી અન્ડરપાસમાં પાણી ભરાયેલું જણાતાં વાહનચાલકોને પાછું વળવું પડ્યું હતું. જોકે વરસાદ ન પડતો હોવાથી લોકો આશ્ચર્યમાં પડી ગયાં હતા. પાણી જોઈ અંદર નહાવા પડેલા છોકરાઓ પણ નાક દબાવી ઊભી પૂછડીએ ભાગતા જોવાં મળ્યા હતાં. વધુ તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે મીઠાખળી અને નવરંગપુરા ગામના કૂતરા વચ્ચે રેલ્વે લાઈન એ સીમા સમાન છે. વર્ષોથી મીઠાખળીના કૂતરાઓ નવરંગપુરા તરફ અને નવરંગપુરાના કુતરા મીઠાખળીની હદમાં પ્રવેશે તો ભારે રમખાણ મચી જાય છે.


એવું જ કંઇક આજે થયું હતું. ખોરાકની શોધમાં નવરંગપુરાના કૂતરા રેલ્વેલાઈન ક્રોસ કરી જતાં મીઠાખળીના કૂતરાઓએ જબરજસ્ત વિરોધ નોંધાયો હતો. નજરે જોનાર મીઠાખળી ગામના રહેવાસી મીનાબહેને જણાવ્યું હતું કે: ‘અમારા કૂતરાઓએ બરોબ્બર લડત આપી હતી, અને છેવટે હામેવાળા કુતરાઓને એમની હદમાં પાસા મેલી આયા’તા’ જોકે નજરે જોનાર એક અન્ય વ્યક્તિના કહેવા મુજબ આ ડોગ ફાઈટ દરમિયાન ઉશ્કેરાટમાં બે કૂતરાઓ સુસુ કરી ગયાં હતાં. તો એક કુતરું પાછું ભાગતા ભાગતા અન્ડરપાસના ઢાળ પર બંધ પડેલી લોડીંગ રિક્ષાનાં વ્હીલ પર ડોગ માર્કિંગ કરતું ગયું હતું. જોતજોતામાં અન્ડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું અને વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો. શહેરમાં આખો દિવસ આ ઘટના ચર્ચાઈ હતી.
--
by adhir amdavadi 
(this story is not real, just for humour. To know more about Adhir News Network check 
https://www.facebook.com/AdhirNewsNetwork )

Thursday, August 15, 2013

ડુંગળી, આંખ, રોટલો અને પાણી : કવિતા અને કેટલાંક પ્રતિભાવો



ગુજરાતી ગઝલ અને કવિતા ક્ષ્રેત્રના ટોચના અ-કવિ અધીર અમદાવાદીની ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત 'ગરીબ ગામડું' એવોર્ડ વિજેતા કવિતા ડુંગળી, આંખ, રોટલો અને પાણી અને તેના ઉપર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ફેસબુક આસને બિરાજી મોટી ધજાઓની નાની નાની ધજ્જીઓ બનાવી ઉડાડવાનો શોખ ધરાવનાર શ્રી મુકુલ જાની અને શબ્દોના ચાબખા વડે સામાજિક અને રાજકીય રીતરીવાજોને ખંખેરી નાખતાં શ્રી યશવંત ઠક્કર દ્વારા કરાયેલ સમાલોચના અહિં રજૂ કરીએ છીએ. તો પ્રસ્તુત છે ...

ડુંગળી, આંખ, રોટલો અને પાણી  

--

હવે
જયારે જયારે
હું રોટલા
વિષે વિચારું છું
ત્યારે ત્યારે
ડુંગળી યાદ આવે છે.
ડુંગળી યાદ આવે છે
એટલે આંખમાં
પાણી આવી જાય છે.
કોણ કહે છે
ડુંગળી સમારવાથી
આંખમાં પાણી આવે છે?
ડુંગળી સ્મરવાથી પણ
હવે આંખમાં પાણી આવે છે.
--
અધીર અમદાવાદી 


શ્રી યશવંત ઠક્કરનું અવલોકન :

આ કવિતાથી ગુજરાતી સાહિત્યમાં એક નવા યુગનો પ્રારંભ થાય છે. આપણે એને 'ડુંગળીયુગ' કહી શકીએ. જેમ ડુંગળી કફ, વાયુ અને કૃમિનો નાશ કરે છે એમ જ આ કવિતા પણ ગુજરાતી સાહિત્યમાં પ્રસરેલા કફ, વાયુ અને કૃમિનો નાશ કરશે એવી પૂરી સંભાવના છે. વર્ષોથી ગુજરાતી સાહિત્યમાં સરહદ પારથી પ્રવેશીને વગર પાઘડીએ અને વગર ભાડે પડ્યાં પાથર્યાં રહેતાં; નીરસતા, શુષ્કતા, ઝુરાપો, ખાલીપો જેવાં અંતરદ્રોહી તત્વોને માટે આ કવિતા એક પડકાર સમાન છે. આમ આદમી અને ગુજરાતી સાહિત્ય વચ્ચે જે સંબંધ વિચ્છેદ પામ્યો હતો એ સંબંધને પુનઃ સ્થાપિત કરવાનો ધર્મ કવિશ્રી અધીર અમદાવાદીએ બજાવ્યો છે. ડુંગળી, રોટલો અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાતોની વાત કરવાને બદલે આપણા જે કવિઓ શુષ્કતા અને ખાલીપાની દાણચોરી કરવાને રવાડે ચડ્યા હતા એ કવિઓને માટે આ કવિતા એક દર્પણ સમાન છે. આ દર્પણધારી કવિ શ્રી અધીરે ગુજરાતી કવિતાને યુ ટર્ન આપવાનુ સાહસ કર્યુ છે. આ સાહસિક કવિએ ગુજરાતી કવિતાની દશા અને દિશા બદલવા માટે જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસના પરિણામ સ્વરૂપ મા સરસ્વતીની આંખોમાં હરખનાં આંસુ આવે એવી કામના સેવવાનો હરકોઈ ગુજરાતી ભાવકને હક છે. આજના સ્વાતંત્ર્યદિનનાં શુભ પર્વે આ હકથી ગુજરાતી ભાવકને ઉજાગર કરાવવા બદલ કવિ શ્રી અધીર અમદાવાદીને સડુંગળી ધન્યવાદ.

 શ્રી મુકુલ જાનીનું રસદર્શન
 
મુકુલ જાની એમની લાક્ષણિક અદામાં
’ગુલાબી કાગડો’ ’રોટલીનું તીરકામઠું’ સાયકલનું પંચર સાથે હનીમૂન’ અને ’ભડકે બળે છે વરસાદ’, જેવી ક્રાંતિકારી કવિતાઓ ગુજરાતી સાહિત્યને આપી, ગુજરાતી પ્રજાને કૃત્ય કૃત્ય કરનાર કવિશ્રી અધીર અમદાવાદીએ ટૂંકા ગાળામાં કવિતા(ની પત્તર ખાંડ્વા) ક્ષેત્રે જે કાઠું કાઢ્યું છે એનાથી ભાવકોની એમની પાસેથી અપેક્ષાઓ પણ વધી જાય એ સ્વાભાવિક છે, એટલે જ્યારે કવિ જ્યારે એમની નવું કુછાંદસ,’ડુંગળી, આંખ, રોટલો અને પાણી..’ લઈને આવ્યા ત્યારે આપણને એક ગુજરાતી તરીકે ખાતરી થાય છે કે મૃત:પ્રાય થઈ રહેલી ગુજરાતી ભાષાનું ભાવિ (એ દિશામાં!) ઉજળું છે. તો આવો માણીએ કુછંદે ચડેલા કવિના આ કુછાંદસને..

સૌ પ્રથમ તો કવિએ એમની કવિતા લખવા માટે જે વિષયની પસંદગી કરી છે એજ કાબિલે દાદ છે. કવિતાના વિષય વસ્તુથીજ પ્રતિપાદિત થઈ જાય છે કે કવિ એક લબ્ધપ્રતિષ્ઠિત (એટલે કે ખાઇબદેલ!) અમદાવાદી છે. કવિતાના શિર્ષકમાં એક સાથે ચાર શબ્દોનું જે સંયોજન કરવામાં આવ્યું છે એમાં પણ કવિનું અમદાવાદી સિદ્ધહસ્તપણું દેખાય છે. ભાવક એકવાર (હિંમત કરીને) વાંચવાની શરૂઆત કરે એટલે કવિતાનું ભાવવિશ્વ ધીમે ધીમે ડુંગળીના પડની માફક ઉઘડતું જાય છે અને ભાવકને (અશ્રુઓમાં) તરબોળ કરતું જાય છે.

કવિતાની પહેલી પંક્તિ છે ’હવે..’ આ હવે દ્વારા આપણને ખ્યાલ આવે છે કે કવિ વિઝનરી છે, ભૂતકાળ સાથે બહુ નિસ્બત રાખતા નથી, હવે શું થવાનું છે એ એના માટે મહત્વનું છે. ’હવે’ શબ્દની સાથે વાચક પણ સ્તબ્ધ થઈને આગળ શું બનવાનું છે એની ઈન્તેજારીમાં સજ્જડબમ થઈ જાય છે એ કવિનું કવિ તરીકેનું સાફલ્ય છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ’વેલ બિગીન ઇઝ હાફ ડન’ પણ અહીં મને કહેવા દો કે કવિએ શિર્ષક પછી માત્ર આ એક શબ્દ ’હવે’ લખીને છોડી દીધું હોત તો પણ કવિતા પૂર્ણ ગણી શકાઇ હોત (અને ગુજરાતી સાહિત્ય અને વાચક પર મોટો ઉપકાર હોત!) અને ’ગરીબ ગામડું’ એવોર્ડ નક્કીજ હતો.

આગળ કવિ લખે છે, “જ્યારે જ્યારે હું રોટલા વિશે વિચારું છું….” વાહ..વાહ..ક્યા બાત હૈ! ઘરમાં ઘણા દિવસ પછી સો ગ્રામ ડુંગળી આવી હોય, આખું ઘર કુંડાળે વળીને એ ડુંગળીને ફરતે બેઠું હોય ને એ ડુંગળીનું પહેલું પડ ખૂલે ને આખું ઘર જે રીતે ડુંગળીના અસ્તિત્વથી સભર રીતે મઘમઘી ઉઠે એ રીતે આ કવિતા અહીંથી ઉઘડે છે! અલબત્ત, કેટલાક વાંકદેખા વિવેચકોએ આ પંક્તિનો આધાર લઈને કવિની ટીકા કરી છે કે અહીં કવિનો અહં દેખાય છે કે  કારણકે અહીં ’હું’ શબ્દ પ્રયોજાયો છે ને એની સાથે ’વિચારું છું’ લખાયું છે એટલે આવું કહીને કવિ અહીં હું વિચારક છું, હું બુદ્ધીશાળી છું એવું પ્રતિપાદિત કરવા માગે છે!

પછીની પંક્તિમાં કવિતાનું હાર્દ છે અને રહસ્યસ્ફોટ થાય છે. કવિ આગળ લખે છે, ’ત્યારે ત્યારે ડુંગળી યાદ આવે છે, ડુંગળી યાદ આવે છે…’ ડુંગળીની યાદ એ પ્રિયતમાની યાદ કરતાં પણ વધારે તીવ્ર અને દર્દભરી હોય એ, માત્ર ગુજરાતી ભાષામાંજ નહીં પણ વિશ્વની કોઇ પણ ભાષામાં પહેલો પ્રયોગ છે અને વિશ્વ સાહિત્ય આ માટે હમેશા કવિનું ઋણી રહેશે. કવિ અહીં ’ડુંગળી યાદ આવે છે “ એ પંક્તિની પુનરુક્તિ કરીને પોતાની (અને વાચકની પણ) પીડાને ઘુંટે છે એ એની બહુ મોટી સિદ્ધી છે.

’એટલે આંખમાં પાણી આવી જાય છે..’ આ પંક્તિની અંદર કવિતાનું લયમાધુર્ય ચરમ પર છે એમ કહી શકાય. અલબત્ત, કેટલાક દુષ્ટ વિવેચકોનું કહેવું છે અહીં પહોંચતા સુધીમાં ભાવકોની પીડા જોઈને કવિની આંખમાં પાણી આવી જાય છે, ખરેખર જો એવું જ હોય તો હું કહીશ કે સલામ છે કવિને અને કવિની સંવેદનાને જે પોતે, પોતાની કવિતાનો અત્યાચાર સહેતા ભાવકની સાથે તાદાત્મ્ય સાધી શકે છે અને એની પીડાની અનુભૂતી કરે છે!

અંત તરફ આવતાં કવિ પ્રશ્ન કરે છે કે “કોણ કહે છે…” ત્યારે આ પંક્તિઓમાં શોર્યરસ દેખાય છે, પડકાર દેખાય છે, ખુમારી દેખાય છે ને દેખાય છે કવિનું સ્વાભિમાન. પણ આગળની પંક્તિ ’ ડુંગળી સમારવાથી આંખમાં પાણી આવે છે’ ’ડુંગળી સ્મરવાથી પણ હવે આંખમાં પાણી આવે છે’ માં અહીં જે રીતે ’સમારવા’ અને ’સ્મરવા’ની વ્યુત્પતિ સર્જાઈ છે એ ચમત્કૃતિ કવિને સૂરદાસની કક્ષાએ લઈ જઈને મૂકે છે. ભારતીય કવિતાના ઈતિહાસમાં સૂરદાસના “મૈં નહીં માખન ખાયો..” અને “મૈં ને હી માખન ખાયો” પછી આ દિશામાં ખેડાણ તદ્દન બંધ થઈ ગયેલું. કવિએ આ પ્રયોગ દ્વારા સાહિત્યને એક નવી દિશા આપી છે એમ ચોક્કસ કહી શકાય..

ટૂંકમાં આવી મૂલ્યવાન કવિતાને એવોર્ડ ન મળ્યો હોત તો જ નવાઈ લાગત. આ કવિતાનું આર્થિક મૂલ્ય અત્યાર સુધી વિશ્વમાં લખાયેલી તમામ કવિતાઓ કરતાં એટલા માટે વધી  જાય છે કારણ કે પ્રસ્તુત કવિતામાં શિર્ષકથી શરૂ કરીને અંત સુધીમાં પાંચ વખત…હા પૂરા પાંચ વખત ’ડુંગળી’ શબ્દ પ્રયોજાયો છે!
--
શ્રી  જ્વલંત નાયકનું ગામડિયું વિવેચન 

વાહહહ..કવિતાની દરેક લીટીમાંથી ડુંગળીના રસમાં ડુબાડેલું દર્દ ટપકે છે  ભાઈ. કવિએ ઉચ્ચ કક્ષાએ પહોંચાડેલું કવિતાનું પોત, આમ જુઓ તો ડુંગળીના છોતરાં કરતાયે પાતળું છે, પણ અહીં જ કવિની ઝીણું કાંતવાની કમાલ તેમને 'મુઠ્ઠી ઉંચેરા' બનાવે છે. ડુંગળીના રસથી ભરેલા દરિયા જેવી આ કવિતામાં ડૂબકી મારનાર ભાવકને સમજાય છે કે હાસ્યમીશ્રીત કરુણા દ્વારા સાંપ્રત કટાક્ષનો માર્ગ કવિને અભિપ્રેત છે.
--
અન્ય  વિશ્લેષણાત્મક અવલોકનો કમેન્ટમાં આવકાર્ય છે.

हम है राही प्याज के

  कुछ प्यार प्याज भरे हिंदी गाने ....
      
  •   बाबुल की दुआए लेती जा जा तुझको सुखी संसार मिले, मयके की कभि ना याद आये ससुराल में इतना प्याज मिले


    दे दे प्याज दे प्याज दे प्याज दे रे हमें प्याज दे


    चाहिए थोडा प्याज थोडा प्याज चाहिए ..


    प्याज माँगा है तुम्ही से न इनकार करो



    देखा है तेरी आंखोमे प्याज ही प्याज बेशुमार


    एक तो कम जिंदगानी, उस पे भी कम है जवानी .... हो ओ ओ प्याज दो, प्याज लो


    प्याज को प्याज ही रहेने तो कोई नाम न दो



    पहेला पहेला प्याज है, पहेली पहेली वार है ...


    पहेले पहेले प्याज की मुलाकाते याद है


    कहो ना प्याज है ....


    पहेले प्याज की पहेली चिठ्ठी साजन को दे आ, कबूतर जा जा जा


    हम है राही प्याज के


    याद आ रहा है, तेरा प्याज ...

Wednesday, August 14, 2013

કેટલીક માન્યતાઓ: બુધવારે બેવડાય


અમદાવાદની નજીક જ એક બીજું બહુ મોટુ શહેર હતુ એનુ નામ છોટાપુર હતુ, એની બગલમાં જ એક બુધવા કરીને એક ગામ હતુ. આ બુધવા એક નદી કિનારે આવેલુ હતું. આ નદીનુ નામ ચિક્કાર નદી હતુ. આ નદી બાર મહિનામાંથી બારેમાસ કોરી જ વહેતી હતી. આ નદીમાં એક ઝુપડપટ્ટી પણ હતી. આ વસ્તીનુ નામ અમીરવાસ હતુ. આ વસ્તીનાં લોકો નાહવા માટે ગામમાં આવેલા સર્વજનિક નળ પર જતા હતા. તો ગામ ના લોકો નદીએ દેશી દારુની ભટ્ટીઓ પર લઠઠો પીવા જતા હતા. આ ગામમાં એક બગીચો પણ હતો, તેનું નામ ઉજ-ડે-ચમન હતુ.

આ બુધવા ગામની દક્ષિણે એક ઉત્તરવા કરી ને બીજું ગામ હતુ. ને બુધવાની સાવ નજીકમાં ઉત્તર દિશામાં એક દક્ષિણકુટ્ટમ કરીને બીજું ગામ હતુ. બુધવાની પુર્વ દિશામાં એક પશ્ચિમપુર કરીને ત્રીજુ ગામ હતુ જ્યારે પશ્ચિમ દિશામાં પુર્વનગર આવેલુ હતુ.

હવે તમને બુધવા ગામની જ્યોગ્રાફી સમજાઇ ગઇ હોય તો આપણે મુળ વાત પર આગળ વધીએ.

બુધવામાં એક બજાર હતુ, જેનુ નામ પેગ-બજાર હતુ. એવું કહેવાય છે કે ત્યાં બુધવારે મોટા સેલ લાગતા હતા. આ સેલમા એવુ કહેવાય છે કે સૌથી સસ્તી અને સૌથી ઘટીયા દારુ મળતી હતી. હવે, તે વખતે હજુ ૨-જી કાંડ, રીલાયંસ પાવર કાંડ, સત્યમ કાંડ, અને તેલગી કાંડ જેવા કાંડ થવાના બાકી હતાં, અને ચૂંટણી પણ હજુ હમણાંજ ગઇ હતી એટલે લોકો પાસે પણ થોડા ઘણા પૈસા હતા. એટલે પ્રજા પોતાના વધારાના પૈસા વાપરવા પેગબજાર આવતી હતી. બુધવારે અહિ એક પેગ પર એક પેગ ફ્રી એવી બારમાસી ઓફર ચાલતી હતી. બુધવારે સવારે બુધવામાં પાણીની તંગી પડતી હતી, અને સાંજે નળ બંધ કરવા કોઇ હોશમાં નહોતુ રહેતુ. ગુરુવારે બુધવામાં હેંગ-ઓવરને લીધે નોકરી-ધન્ધા અને બજારો બંધ રહેતા હતા. આવા કારણોસર સરકારમાન્ય અને પોલીસ ખાતાની  ડાયરીઓમાં નોંધાયેલા બુટલેગરોનો ધંધો ત્યાં બુધવારે ડબલ થતો હતો. આથી પોલીસવાળાઓનો હપ્તો પણ ડબલ થતો હતો. મ્યુનિસિપાલીટી વાળા પાણીની તંગી ને ધ્યાનમા લઇ ખાળકુવા સાફ કરી જતા ટેંકરોને ખાલી કરવા બુધવા મોકલતા હતા, તેથી મ્યુનીસીપાલીટીની આવક પણ ડબલ થઇ જતી હતી. દારુ પીને તુન્ન થયેલા લોકોને પહેલા બધુ ડબલ દેખાતુ અને ક્યારેક સાવ દેખાતુ બંધ પણ થઇ જતુ હતુ. અરે, આ ગામમા એક જાડેજા સાહેબ કરીને કીમિયાગર હતા જે એક ના ડબલ કરી આપતા હતા ! આમ, અહી બધુ ડબલ થતુ હતુ તેથી, બુધવારે બેવડાય એવી માન્યતા (સંજય દત્ત વાળી નહીં યાર) પ્રચલિત થઇ છે ! સાચે જ ! 
--------------
ચેતવણી : ગુસ્સામાં પોતાના વાળ ખેંચવાથી ટાલ પડી શકે છે.
--
કોમેન્ટ આપી ? બહુ આળસુ તમે તો યાર .....

by Adhir Amdavadi