Friday, August 16, 2013

કૂતરાઓ સુસુ કરી જતાં મીઠાખળી અન્ડરપાસ બંધ કરવો પડ્યો



હદના વિવાદમાં ઉશ્કેરાટમાં આવી જઈ કૂતરાઓ સુસુ કરી જતાં મીઠાખળી અન્ડરપાસ બંધ કરવો પડ્યો  (via adhir news network)

--

Photo courtesy : Ahmedabad Mirror
આજે બપોરે આશરે સવા ચાર વાગ્યાને સુમારે મીઠાખળી અન્ડરપાસમાં પાણી ભરાયેલું જણાતાં વાહનચાલકોને પાછું વળવું પડ્યું હતું. જોકે વરસાદ ન પડતો હોવાથી લોકો આશ્ચર્યમાં પડી ગયાં હતા. પાણી જોઈ અંદર નહાવા પડેલા છોકરાઓ પણ નાક દબાવી ઊભી પૂછડીએ ભાગતા જોવાં મળ્યા હતાં. વધુ તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે મીઠાખળી અને નવરંગપુરા ગામના કૂતરા વચ્ચે રેલ્વે લાઈન એ સીમા સમાન છે. વર્ષોથી મીઠાખળીના કૂતરાઓ નવરંગપુરા તરફ અને નવરંગપુરાના કુતરા મીઠાખળીની હદમાં પ્રવેશે તો ભારે રમખાણ મચી જાય છે.


એવું જ કંઇક આજે થયું હતું. ખોરાકની શોધમાં નવરંગપુરાના કૂતરા રેલ્વેલાઈન ક્રોસ કરી જતાં મીઠાખળીના કૂતરાઓએ જબરજસ્ત વિરોધ નોંધાયો હતો. નજરે જોનાર મીઠાખળી ગામના રહેવાસી મીનાબહેને જણાવ્યું હતું કે: ‘અમારા કૂતરાઓએ બરોબ્બર લડત આપી હતી, અને છેવટે હામેવાળા કુતરાઓને એમની હદમાં પાસા મેલી આયા’તા’ જોકે નજરે જોનાર એક અન્ય વ્યક્તિના કહેવા મુજબ આ ડોગ ફાઈટ દરમિયાન ઉશ્કેરાટમાં બે કૂતરાઓ સુસુ કરી ગયાં હતાં. તો એક કુતરું પાછું ભાગતા ભાગતા અન્ડરપાસના ઢાળ પર બંધ પડેલી લોડીંગ રિક્ષાનાં વ્હીલ પર ડોગ માર્કિંગ કરતું ગયું હતું. જોતજોતામાં અન્ડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું અને વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો. શહેરમાં આખો દિવસ આ ઘટના ચર્ચાઈ હતી.
--
by adhir amdavadi 
(this story is not real, just for humour. To know more about Adhir News Network check 
https://www.facebook.com/AdhirNewsNetwork )

No comments:

Post a Comment