Tuesday, December 27, 2011

વિ-દેશી પક્ષીઓનાં આવવાની NRI સિઝન


 મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૫-૧૨-૨૦૧૧ |અધીર અમદાવાદી |
ઉનાળામાં કેરીને અથાણાની સિઝન આવે. દિવાળીમાં ફટાકડાની સિઝન આવે. શિયાળામાં વસાણા, પાક અને પોંકની સિઝન આવે. તો ક્રિસમસ પર NRI સિઝન આવે. શિયાળામાં અમદાવાદ પાસે નળ સરોવરમાં  વિદેશી પક્ષીઓ ઉતરી છે આવે તેમ જ ડિસેમ્બરમાં NRI (હવે NRG) નાં ધાડેધાડાં મુંબઈ અને ગુજરાતમાં ઉતરી આવે છે. પહેલા તો આ વિ-દેશી પક્ષીઓ ઓછાં જોવા મળતાં હતાં, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોનાં વિઝા સરળ થતાં હવે આ પક્ષીઓની જમાત મોટી થતી જાય છે. એટલે અહીં સ્વદેશે એમને હવે પહેલા જેવો વિશેષ દરજ્જો નથી મળતો. આમ છતાં તેઓ આપણાં જ ભાઈ-ભાણેજ છે, એટલે એમની સાથે બે-ચાર અઠવાડિયા ચોક્કસ આનંદમાં નીકળી જાય છે.

આ વિ-દેશી પક્ષીઓ ઉતરી આવે એટલે ડ્રોઈંગ રૂમમાં, ખાસ કરીને અંકલ્સ, અડ્ડો જમાવી દે છે. અમેરિકામાં આપણા જેટલા ડુંગળી લસણ ન ખવાતાં હોવા છતાં અમેરિકાનો ભરપુર પરફ્યુમ અને ડીઓ છાંટે છે, અને એમની અસર તળે આપણા આ વિ-દેશી પક્ષીઓ પણ ડીઓ છાંટતા થઇ જાય છે. એટલે જ જે ઘરમાં આ વિ-દેશી પક્ષીઓ ઉતરી આવે એ ઘર બાગ-બાગ અને એમનાં સામાનથી ઘર રેલવેનો ક્લોક રૂમ હોય એમ બેગ-બેગ થઈ જાય છે. અને એમની બેગો ખુલે એટલે પાછું સુગંધીદાર શેમ્પુ, ક્રીમ અને કોસ્મેટીક્સ નીકળે. યજમાન પણ ‘શું યાર, તમે પણ આટલું બધું ઉચકી લાયા, હવે તો આ બધ્ધું અહિં મળે જ છે’ એમ બોલે, પણ બોલ્યા પછી ગઈકાલ સુધી કોપરેલ ચોપડતા મનુભાઈ બે મહિના સુધી મોઈશ્ચરાઈઝર લગાડી ફરતાં થઇ જાય છે.
એમાં એનારાઈ અંકલ કાયમ લેટેસ્ટ મોડલનો કેમેરા હાથમાં લઈને ફરતાં હોય. એમાં નાનું છોકરું હોય કે શેરીમાં પોદળો પાડતી ગાય હોય, એ રસપૂર્વક એનાં ફોટા પાડે અને વિડીયો ઉતારે. એમાં જો ઘરમાં જ કોઈ લગ્નપ્રસંગ હોય તો તો અંકલને જલસો પડી જાય. લગ્નમાં ખાવા સિવાયના બધાં પ્રસંગોમાં એ ઉત્સાહથી ભાગ લે. અરે સ્ત્રીઓ ગણેશ-માટલી લેવા જતી હોય એમાંય એ સાથે થઈ જાય. કોકે એને સમજાવવો પડે કે ‘જગ(જગદીશ)ભાઈ, આમાં એકલી લેડીઝ જાય, આપડે ન જવાય’. પણ જગો જરાય મોળો પડ્યા વગર વરઘોડામાં ગરબા, ડીજે પાર્ટીમાં વેસ્ટર્ન ડાન્સ અને વિધિમાં ડાહ્યા ડમરા થઈને ચાંલ્લા કરાવવામાં પણ કપાળ ધરીને ઉભો રહી જાય છે. હા, ઇન્ડિયામાં પગ મૂક્યાને બીજે દિવસે જ સાસરે ઉત્સાહથી ખાધેલા ખમણથી ચટણી જેવા ઝાડા થયાં હોય એટલે ખાવાની વાતમાં તમે સમ ખવડાવો તોયે એ કોઈ વસ્તુ ને હાથ નહી અડાડે!

પણ જગદીશ ઉર્ફે જગ બે વરસમાં તો અહીનું બધું ભૂલી ગયો હોય છે. એ કોઈ પણ વાત ‘યુએસમાં તો ...’ કરીને શરું કરે છે. આપણને એમ થાય કે પૂળો મુકું તારા યુએસમાં. ત્યારે શું? અહિ નળ ચાલુ કરો તો એક ડોલ પૂરી ભરાશે એની ખાતરી ન હોય ને એ ‘યુએસમાં તો કિચન સિંકમાં પણ ગરમ પાણી આવે’ એવી બધી વાતો કરે એટલે દાઝ જ ચઢે ને! અને ત્યાં જઈને એની આખી બોલી જ બદલાઈ જાય. બિસ્કીટને કુકીઝ કહે. ‘હા’ અને ‘ના’ ને બદલે ‘યેપ’ અને ‘નોપ’ બોલે. અને રીંગણને એ એગ પ્લાન્ટ અને ભીંડાને ઓકરા કહે, એમાં તો આપણને બનાવેલું શાક ના ભાવે! અને ચવાણાની દુકાને આપણે પડીકા બંધાવીએ એટલે ‘આઈ વિલ પે’ કરીને ધરાર ક્રેડીટ કાર્ડ કાઢે. ચવાણાવાળો ક્રેડીટ કાર્ડ ન સ્વીકારે એટલે એ આશ્ચર્ય પામી તમને કેશ પેમેન્ટ કરવા દે, પણ એ બોલે તો ખરો જ કે ‘અમારે ત્યાં તો પચાસ સેન્ટની કેન્ડી લો તોયે ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ કરાય’. આમાં આપણને ત્રણ દિવસે ખબર પડે કે કેન્ડી એટલે પીપરમીન્ટ, આઈસ્ક્રીમ નહિ!   

સૌથી વધારે ગુસ્સો એ વાતનો આવે કે આ વિ-દેશીઓ આવે એટલે લોકલ દુકાનદારો આપણને ભાવ જ ન આપે. આપણે શો-રૂમમાં દાખલ થઈએ એટલે આપણાં હાવભાવ પરથી નક્કી કરી નાખે કે આ બેમાંથી કયો ભાવ પૂછવાનો છે અને કયો ખરીદી કરવાનો છે. એટલે આપણે શર્ટનો ભાવ ચાર વાર પૂછીએ ત્યારે એક વાર જવાબ મળે અને એ પણ જાણે ઉપકાર કરતો હોય એમ ભાવ કહે. અને પેલો મનમાં ‘લુક્સ ગુડ’ એવું બોલે એમાં તો પેલો બીજાં ચાર પીસ ખોલી કાઢે! અને ઓછું હોય એમ દુકાનદાર ‘ખાસ એનારાઈ માટે આ સોબર પીસ છે’ કહે એટલે ખલાસ ડબલ ભાવ આપીને પણ લઇ લે. 

આ વિ-દેશીઓ આવે એટલે એમની સામાજિક અને ધાર્મિક યાત્રાઓ શરું થઈ જાય. એ ડેન્ટીસ્ટને ત્યાં જાય અને પાઈલ્સનું ઓપેરેશન પણ આજ ત્રણ અઠવાડિયામાં પતાવે. એક તો જ્યાં રોકાય હોય ત્યાં ડ્રોઈંગ રૂમમાં પડ્યા પાથર્યા રહેતાં હોય. તમે મળવા જાવ તો ઓસરીમાં ઊભા ઊભા ફોન પર વાત કરતાં હોય. ‘સુરેશ ફુઆ, લાઈક કાલનો પ્રોગ્રામ તો થઇ ગયો છે, લાઈક વિ આર ગોઈંગ ટુ મેહસાણા એન્ડ ત્યાં નીતાની સિસ્ટરને બોય બોર્ન થયો છે, એને જોઈને વિ વિલ મુવ ટુ બહુચરાજી. એક કામ કરીએ આપણે નેક્સ્ટ સેટર ડે મળીએ’. અને ટેક્સી કે રીક્ષામાં બેસે એટલે ડ્રાઈવર ને ‘બી કેરફુલ ભાઈ’ કે ‘ઓ ઓ ઓ ગો સ્લો’ એવી સુચના આપે. એમાં એને ફેરવ્યા પછી રીક્ષાવાળો આજે કેવો પેસેન્જર મળ્યો’તો એ વાત કરી આખું અઠવાડિયું મિત્રો અને પરિવારનું મનોરંજન કરે!

આમ ત્રણ ચાર અઠવાડિયા રોકાઈ યા-યા કર(તા) પક્ષીઓ દૂર દેશ પાછાં ફરે છે, અને અહીં એમનાં ગયા પછી લોકો મનોરંજન માટે પાછાં ‘કોમેડી સર્કસ’ જેવા પ્રોગ્રામો તરફ પાછા વળે છે!

Monday, December 26, 2011

ગુજ્જેશોની ક્રિસમસ


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૫-૧૨-૨૦૧૧ | અધીર અમદાવાદી | 

આપણે કોઈ વાતમાં પાછળ નથી એ સાબિત કરવાં કે પછી મુંબઈ જેવા શહેરની અસરનાં કારણે ગુજરાતમાં પણ ક્રિસમસ ઉજવાતી થઈ ગઈ છે. ગુજરાતીઓની ક્રિસમસ ઉજવણી આખી દુનિયામાં ન થતી હોય તેવી અનોખી હોય છે. સાન્તા ક્લોઝ ક્રિસમસ પર ગુજરાતમાં આવે એટલે શાંતા બની જાય છે. ક્રિસમસ હોય એટલે સફેદ દાઢીવાળો શાંતા અને ભલું હોય તો આસોપાલવના ઝાડ પર શણગાર, બત્તીઓ કરીને ક્રિસમસ ટ્રી બનાવી હોય! હાસ્તો, તહેવારમાં તો આસોપાલવ જ હોય ને, ક્રિસમસ ટ્રી ક્યાંથી લાવવું?

ક્રિસમસની રાતે ગુજ્જેશ કુમાર એની ગુજીષા અને જીગા કે જીગીને બબ્બે સ્વેટર્સ અને બુઢીયા ટોપી પહેરાવી બાઈક પર આંટો મરાવવા નીકળે. હાસ્તો, છોકરાને મુકીને જવાનો જીવ થોડો ચાલે? પછી કોઈ મોલની અંદર કે શોપિંગ સેન્ટરની બહાર પ્લેટફોર્મ પર ચઢી આપણા ‘શાંતા’ ક્લોઝ કઈંક ખેલ કરતાં હોય ત્યાં પહોંચી જાય. શાંતા પાસેથી જીગા માટે હાથોહાથ ચોકલેટ લેવાનું કામ પતે એટલે અડધી ક્રિસમસ ઉજવાઈ જાય. ત્યાંથી નીકળીને જુનાં ફૂટપાથીયા લોખંડના ડગુમગુ ટેબલ અને પ્લાસ્ટિકિયા ઠંડી ખુરશીઓ પર બેસી ભાજીપાંવ ખાય એટલે બાકીની ક્રિસમસ પૂરી થઈ જાય. બાકી હોય તે સાડા દસે ઘેર પહોંચી ટીવી પર સમાચાર જુએ, એનાં પર ગુજ્જેશ એક્સપર્ટ કોમેન્ટ આપે, અને ગુજીષા દહીં જમાવે, એમ દિવસ પુરો થઈ જાય!

જો કે અમુક, ખાસ કરીને નવપરણિત અને છોકરાં થયાં ન હોય તેવાં, પાર્ટી કરવાં પણ જતાં હોય છે. ગુજ્જેશે તો મોટે ભાગે ઓફિસેથી આવી ને કપડાંય ન બદલ્યા હોય, અને બદલે તો બહુ બહુ તો જીન્સ ટી-શર્ટ પહેર્યા હોય. ઉપર તિબેટીયન માર્કેટમાંથી લીધેલું ગોદડાં જેવું નાયલોનના કાપડનું જેકેટ ચડાવ્યું હોય. અને ગુજીષાઓએ પણ એક દિવસ સલવાર કમીઝ છોડી જીન્સ-ટી શર્ટ પર્હેર્યા હોય. પણ જિન્સમાં (રંગસૂત્રોમાં) જે આવ્યું હોય એ થોડું બદલાય છે? એટલે હાથમાં બ્રેસલેટ સાથે જાતજાતની બાધાના દોરા અને ગળામાં મંગલસુત્ર સહઅસ્તિત્વ ધરાવતાં હોય. ગુજીષા મોડર્ન હોય તો એનું ટી-શર્ટ થોડું ટૂંકું હોય, બાકી ઉપર સ્વેટર તો હોય જ. ને ડિસેમ્બરની ઠંડીમાં એ પાર્ટીમાં પણ અદપ વાળીને જ ઉભી હોય. હાસ્તો, પાર્ટીમાં જાવ એટલે શું ઠંડી લાગતી બંધ થોડી થઈ જાય છે? ઘરે સાસુ સસરા માટે રસોઈ અને બીજાં કામ પતાવીને નીકળવાનું હોઈ લિપસ્ટિક સિવાય મેકઅપ કરવાનો વિશેષ સમય મળ્યો ન હોય એટલે એકંદરે ઢેબરાં પર ચીઝ લગાડ્યું હોય એવો દેખાવ થાય.

પણ જેણે ગરબા જ કર્યા હોય એને વેસ્ટર્ન ડાન્સનાં સ્ટેપ્સ ક્યાંથી સેટ થાય? એમાંય પાછાં આપણાં ભઈને તો ગરબાય ન આવડતા હોય. તોયે આપણું આ હેપી કપલ બોલડાન્સ કરવાં જાય. પેલો એક હાથ કમર પર મૂકે પણ પેલીએ જેકેટ કે સ્વેટર પહેર્યું હોય એટલે એનાં હાથમાં કમરના બદલે જેકેટ જ આવે અને એ નીચેની તરફ ખેંચાય. ને પેલી તરફ ભાઈના જમણાં અને બેનનાં ડાબા હાથનો હસ્તમેળાપ થાય. પણ ભાઈના હાથમાં મોબાઈલ હોય કે બેને હાથરૂમાલ પકડી રાખ્યો હોય, એટલે ત્યાં પણ સેટિંગ ના થાય. એમાં બોલડાન્સમાં ધીમે ધીમે હાલવાનું હોય. એટલે ઘડિયાળના લોલકની જેમ બેઉ બાજુ ઊંચાનીચા થયાં કરે. એમાં જો બંનેની સ્પીડ જુદી હોય તો બે ચાર વખત ગુજીષાનાં પગ પર ગુજ્જેશનો દસ નંબરનો બુટ પડે. અને જો પેલીએ પેન્સિલ હિલ પહેરી હોય તો દસ મીનીટમાં જ પગમાં દુખાવો થતાં એ ડાન્સ એરિયામાંથી બહાર નીકળી ખુરશી શોધતી થઈ જાય. આમ એકંદરે ડાન્સ પાર્ટીમાં ડાન્સફ્લોર પર આપણું પાર્ટી કપલ દસ મિનીટ માંડ ટકે. અને બિચારો ગુજ્જેશ બીજાં કપલ્સને (ખાસ કરીને પાતળી કમરવાળી છોકરી હોય એવાં કપલને) ડાન્સ કરતાં જોઈ નિસાસા નાખતો કોક સમદુખિયા જોડે વાતોમાં ગૂંથાઈ જાય.

આવી રીતે પાંચ છ ક્રિસમસ જતાં સુધીમાં એક બે છોકરાં આવી ગયાં હોય, ઘરે એ છોકરાંને મુકવાની સમસ્યા, પેલી બાજુ ગુજીષાનો કમરનો ઘેરાવો વધતો જતો હોઈ (ડિલીવરી પછી તો વધે જ ને?) અને ડાન્સ પાર્ટીમાં જવાનો રસ ઓછો થતો હોઈ, ગુજ્જેશ કુમાર જાહેર કરે કે, આ બધું આપણી સંસ્કૃતિની વિરુદ્ધનું છે માટે આપણે આવી પાર્ટીઓમાં જવા કરતાં ઘેર બેસી ટીવી પર કાર્યક્રમો જોવા જોઈએ. આમ, આવી રીતે પણ આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાઓ જળવાઈ રહે છે!

ડ-બકા
વર્તુળ કેન્દ્રમાં સ્થાપિત તું સ્થિર બકા,
ફરતે ચકરાતો ચારેકોર હું અધીર બકા.