Wednesday, October 25, 2017

તહેવારો પછીની શાંતિ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૫-૧૦-૨૦૧૭

પાંચમ જલ્દી આવે તો સારું. દિવાળી નિમિત્તે બજારો બંધ છે. રસ્તા સુમસામ છે. કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થઈને વેરાયા હોય એમ ફૂટેલા ફટાકડાના કાગળિયાં સફાઈ કામદારના આગમનની આંખ ફાડીને પ્રતીક્ષા કરતા હોય એમ આમ તેમ ઉડી રહ્યા છે. આ વખતે ભાઈ-બીજ પછી રવિવારની રજા હોઈ ગામના કૂતરાને બાદ કરતા સાવ ઘરકૂકડી પડોશીઓ પણ ફરવા જતાં રહ્યા છે. તમે નથી ગયા એટલે નવરાશ છે. કેટલાક સગા સંબંધીઓએ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટા જોઇને ખબર પડે છે કે પાર્ટી મનાલી કે મલેશિયા ગઈ છે એટલે આ વખતે એમના ઘેર થપ્પો કરવા જવાનું નથી. મતલબ થોડી વધુ નવરાશ! વતન કે વિદેશ ન ગયેલા લોકો માટે ભાઈબીજના દિવસ સુધીમાં ઘર ગણવાનું પતાવ્યા પછી અને દિવાળીમાં રીલીઝ થયેલું મુવી જોઈ નાખ્યા પછી સોશિયલ મીડિયા સિવાય કોઈ સહારો નથી રહેતો. દિવાળીના શોરબકોર અને તોફાનો પછી અચાનક મળેલી આ શાંતિ થોડી ખુંચે છે.

આ શાંતિ પણ ભ્રામક છે. યોગ પ્રશિક્ષકોના કહેવા મુજબ બહાર શાંતિ હોયએ સમય અંતરની શાંતિની સાધના કરવા માટે ઉત્તમ સમય ગણાય. આમ છતાં તમે મગ્ન થઇ શકશો નહિ. તમારું નામ મગન હશે તો પણ! કારણ? જેવા તમે ધ્યાનમુદ્રામાં બેસીને ચિત્તને ચેતનાતીત અંત:કરણ તરફ વાળશો ત્યારે જ નાભીના મણીપુર ચક્ર નજીકના વિસ્તારમાંથી ઘૂઘરા, મઠીયા, ચા, કોફી અને કોલા સર્જિત કોલાહલ એમાં ખલેલ પહોંચાડશે. બોણી માગવાવાળા પણ વારંવાર બેલ મારીને તમારું ધ્યાન ભંગ કરશે. તમારા મોબાઈલમાં નેટ ચાલુ હશે અને મહેલના ગુંબજ ફરતે બેઠેલા કબૂતરાના ચરક પેઠે ટપકતા વોટ્સેપ મેસેજીસથી તમારું એસ.ડી. કાર્ડ ભરાઈ જશે. મેસેજીસના સતત ટડીંગ ટડીંગ વચ્ચે ઊંઘ પણ ન આવે ત્યાં તંબુરામાંથી ધ્યાન લાગવાનું હતું?

તો કરવું શું ?

બેચેની દૂર કરવા મનને બીજી તરફ વાળો. દિવાળી અંકો ખરીદી લાવો ચાર-પાંચ! એમાં વાર્તા તો ઘણી બધી હોય છે અને એ વાંચવામાં ટાઈમપાસ પણ થઇ જાય. ખાસ કરીને વાર્તાઓની શરૂઆતમાં કયું પાત્ર વાત કરી રહ્યું છે? શ્રાવણી મનોહરલાલની પત્ની છે કે દીકરી? એની ઉંમર કેટલી હશે? જીહ્વા અને સત્ય એક જ શહેરમાં રહે છે કે જુદા જુદા? પારેવી અને હંસજ એક જ ક્લાસમાં ભણે છે કે પારેવી હંસજની સિનીયર છે? સુવર્ણમય શ્રોફ સત્યાવીસ વર્ષે શહેરમાં પાછો આવે છે અને સાવ અચાનક અનન્યા અજાતશત્રુને એ મોલમાં જુએ છે ત્યારે ચાલીસ વર્ષ જુના ખખડેલ મોડેલ કે જેણે સુવર્ણમયને ‘તારો પ્રેમ પ્રેમ નથી, શારીરિક આકર્ષણ છે’, કહી ફૂટાડી દીધો હતો એની ઓળખાણ કાઢવાને બદલે પાછો કેમ નહીં વળી જતો હોય? આવા અનેક સવાલોના જવાબો માટે આખી વાર્તા વાંચવી, સમજવી પડે છે, અને જેમ કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરતી વખતે વારંવાર રીસ્ટાર્ટ કરવું પડે છે તેમ ફરી વાર્તાની શરૂઆત વાંચવી પડે છે. જોકે અમે તો ઉપાય શોધી કાઢ્યો છે. અમે નોટપેડ અને પેન લઈને આ વાર્તાઓ વાંચવા બેસીએ છીએ. અને દરેક પેરેગ્રાફનો સાર ટપકાવતા જઈએ છીએ. છેલ્લે બધા મુદ્દા અને વાર્તામાં જે સમજ પડી હોય એને આધારે આખી વાર્તા સમજી લઈએ છીએ. પણ આ બધા થૂંકના સાંધા છે. બીજા અવરોધો પણ છે.

ટીવી પર આ સમયે સુર્યવંશમ, બાદશાહ, હમશકલ્સ જેવી ફિલ્મો આવતી હોય છે. ચેનલો ફેરવવામાં રિમોટના સેલ ખલાસ થઈ જાય છે. આમાં જે ટાઈમપાસ થાય છે એ માત્ર રિમોટનું પાછળનું ઢાંકણું ખોલી સેલ ફરી ફીટ કરવામાં અને રિમોટ પછડાય એટલે એનું ઢાંકણું ઉડીને સોફા નીચે જતું રહે તે બહાર કાઢવા માટે કોઈ આવે એની રાહ જોવામાં થાય છે. આ દરમિયાન સેટ ટોપ બોક્સ પર તમારી પાસે જે ત્રણ પડ્યા છે એવા મિક્સર-ગ્રાઈન્ડર મશીનની જાહેરાતો રીપીટ મોડમાં વાગ્યા કરે છે. છેવટે તમે ડ્રોઈંગરૂમમાંથી કંટાળીને બેડરૂમમાં આડા પાડવા જાવ ત્યાં તમારી પત્નીની મોંઘી સાડી કે ડ્રેસ આખા પલંગ પર ફેલાઈને પડેલો જણાય છે જેને વાળવાની તમારામાં આવડત નથી કે ધીરજ નથી, અને એના ઉપર સુઈ જવાની તમારી હિંમત નથી મનોહરલાલ! શાંતિ? વો કિસ ચીડિયા કા નામ હૈ?

બીજો અજંપો પણ રહેશે, કારણ કે આ એ સમય છે જયારે કામવાળા દિવાળીનું બોનસ લઈને નાસી ગયા છે. જમ્યા પછી જાતે વાસણ માંજવા ન પડે એ માટે પત્ની તરફથી વારંવાર હોટલમાં જમવા જવાના પ્રસ્તાવ આવે છે. સાસરા પક્ષના સભ્યો, તમે દિવાળી પછી સાવ નવરા છો એવું જાણી જતાં, ભાઈબીજનો મોકો જોઈ કોઈ કચરો ડાઈનીંગ હોલમાં ભવ્ય પાર્ટી માટેના દાવપેચ ગોઠવતા જોવા મળે છે. સામેવાળાનું પલ્લું ભારે છે કારણ કે તમારા ઘરની રજેરજની માહિતી એમને પહોંચી રહી છે. આમાંથી છૂટવાના ઉપાયો શોધવામાં ઘણો સમય પસાર થઈ શકે. તમે બહારનું ખાઈ ખાઈને થાક્યા છો એવું કહી શકો છો. એસિડીટી અને પેટની તકલીફો આવામાં સૌથી વધારે કામ આવે છે. છેલ્લા ઉપાય તરીકે છેલ્લા મહિનામાં ગુજરી ગયેલા પરિચિતોમાંથી કોઈના શોકનું ઓઠું લઇ શકાય એમ છે કે નહિ એ પણ તમે તપાસી લો છો. અંતે તો होई हैवही जो राम रचि राखा .. અર્થાત શ્રી રામે નક્કી કર્યું હોય એ જ થશે. જોકે, પત્નીની જીદ ઉપર પ્રભુએ પોતે ધનુષ બાણ લઈને સુવર્ણ મૃગ પાછળ દોડવું પડ્યું હતું એ જોતાં તમારે પાકીટ-ક્રેડીટ કાર્ડ લઈને સાસરિયા પાછળ દોડવા સિવાય કોઈ આરો નથી એ જાણી લેજો. ટૂંકમાં તમે મનોમન આવા દાવપેચો ગોઠવીને એમાં દુશ્મનોને મ્હાત કરવાનો ખયાલી પુલાવ પકાવીને તહેવાર પછીની ઉદાસીનો સમય પસાર કરી શકો છો.

મસ્કા ફન
ચણાના ઝાડ પર ચઢેલા લોકો જાતે નીચે ઉતરતા નથી.

Wednesday, October 18, 2017

ભૂત આળસુ હોય છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૮-૧૦-૨૦૧૭

નરકાસુર નામના અસુરે ૧૬,૦૦૦ કન્યાઓને બંદી બનાવેલી. ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કરી આ કન્યાઓને મુક્ત કરાવી હતી. જોકે આ બધી કન્યાઓ મનથી ભગવાનને વરી ચુકી હોવાથી ભગવાને તેમનો પછી પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો. આમ ભગવાનને આ દિવસે સોળ હજાર પત્ની અને સાથે સોળહજાર સસરા, સોળ હજાર સાસુ, અને હજારો સાળા-સાળીઓ પ્રાપ્ત થયા હતા. આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો એટલે નર્ક ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે જેને કાળીચૌદશ આપણે કહીએ છીએ તે. બધિરદાસ બાપુ અને સંત અધીરેશ્વરનું કહેવું છે કે મનુષ્ય પોતાના અહં રૂપી નરકાસુરને યમલોક પહોંચાડે તો એની કેદમાંથી મુક્ત થયેલી વૃત્તિઓને ભગવાન કૃષ્ણ પોતાના શરણમાં લે છે.

નરક ચતુર્દશીના દિવસે શરીરે તેલ લગાડીને કરવામાં આવતા ‘અભ્યંગ’ પ્રકારના સ્નાનનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે નરક ચતુર્દશીની વહેલી સવારે અઘેડાના પાન નાખેલા પાણી વડે અભ્યંગ સ્નાન કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે. જોકે જેમના લગ્નજીવન નર્ક જેવા થઇ ગયા હોય એ લોકો અઘેડાના પાન નાખીને નહાશે, એનો લેપ કરશે કે પછી એના પાનનો હલવો બનાવીને ખાશે તો પણ ફેર નહિ પડે; માટે અમથી કીકો મારશો નહિ. આવું હોત તો લોકો ડાયવોર્સ માટે લોયરના બદલે વૈદ્ય પાસે જતા હોત. આયુર્વેદ મુજબ અઘેડો વાયુ અને ખંજવાળનું પણ શમન કરે છે. અહી વાયુ એટલે શરીર અને ખાસ કરીને પેટના વાયુની વાત છે, મગજના વાયુ માટે મનોચિકિત્સકનો સંપર્ક કરવો. એજ રીતે તમને અર્બન ગુજરાતી ફિલ્મ બનાવવાની, યુ ટ્યુબ પર ચેનલ શરુ કરવાની કે ફેસબુક ઉપર ‘લાઈવ’ જવાની ખુજલી ઉપડતી હોય તો અત્યારે ડબલ સીઝન હોઈ અઘેડાનો પ્રયોગ વાયડો પડશે. 

આશ્ચર્યની વાત છે કે સામાન્ય રીતે ખગોળશાસ્ત્રના નિયમ મુજબ ફરતા ગ્રહો સપરમા દા’ડે એવી ખાસ રીતે ગોઠવાય છે કે સમય દરમ્યાન અમુક ચોક્કસ ચીજોની ખરીદી કરનાર પર લક્ષ્મીજીની કૃપા ઉતરી આવે! દર સાલ કોઈ એવો યોગ આવે છે કે જે છેલ્લે અડતાલીસ કે બેતાલીસ વર્ષ પહેલા આવ્યો હોય અને હવે પછી બ્યાંશી વર્ષ સુધી ફરી ન આવવાનો હોય! અને આપણે ત્યાં શાસ્ત્રો એટલા બધા છે કે આમાં સાચું શું અને ખોટું શું એ ભોજિયો ભ’ઈ પણ જોવા જતો નથી. ધારો કે તમારા તંબૂરા વેચવાના ધંધામાં ઘરાકી ન હોય અને દિવાળીમાં માખીઓ મારતા બેઠા હોવ એ વખતે કોઈ કંઠકૂણિકા શાસ્ત્રનાં આધારથી એવું જાહેર કરે કે આ વખતે કાળી ચૌદશના દિવસે સર્વ સિદ્ધિ યોગ છે અને રાત્રે સાડા અગિયારથી સાડા બાર વચ્ચે તંબુરો ખરીદનારના ઘરમાંથી સોનાના ચરુ નીકળશે તો પબ્લિક રાત્રે સાડા બાર વાગે તમારું ઘર ખોલાવીને તંબુરા ખરીદી જશે! અમે લખ્યું તો છે જ, સાચવી રાખજો!

કાળીચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો દિવસ, એટલે કે રાત છે, આજનાં દિવસે એટલે કે રાતે સ્મશાનમાં સાધના કરવાથી સાધકોને સફળતા મળે છે. સ્મશાનનો અને ભૂતનો જુનો સંબંધ છે. મરીને ભૂત થયેલા લોકો રોગીષ્ટ, ઉંમરલાયક કે પછી આળસુ હોવાથી દૂર જવાને બદલે સ્મશાનની આજુબાજુના ઝાડ પર જ પડ્યા પાથર્યા રહેતા હશે એવી માન્યતા કદાચ આપણા લોકોમાં પ્રવર્તે છે. જોકે ઝાડ પર ચઢવામાં પણ મહેનત કરવી પડે, પરંતુ ભૂત પાસે સુપરપાવર હોય છે એવું આપણે ફિલ્મો અને વાર્તામાં વાંચ્યું છે. ભૂતના ડરને કારણે રાત્રે અને ખાસ કરીને અમાસ કે અંધારી રાત્રે સ્મશાન બાજુથી પસાર થતાં પણ લોકો ડરે છે. ભૂતના અસ્તિત્વ અંગે ભલે તેઓ ચોક્કસ ન હોય, પણ ડરવા માટે ભૂત હોય છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી નથી. એટલે જ ઝેર અને ભૂતના પારખા કરવાનું મોટા ભાગે લોકો ટાળે છે.

ગાંધીજીએ પણ આપણને સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સ્વાવલંબન, અસ્પૃશ્યતા, અભય, સ્વદેશી, સ્વાર્થ ત્યાગ અને સર્વધર્મ સમભાવ જેવા અગિયાર મંત્ર આપેલા છે. કાળીચૌદશે પણ મંત્ર તંત્ર સાધના કરવાનું માહત્મ્ય છે. ગાંધીજીવાળા નહીં. ગાંધીજીના આપેલા મંત્રો આજીવન કરવાના હોય છે. સવારે છાપા સાથે આવતા મફત જાહેરાતના રદ્દી કાગળોમાં મંત્રથી ધાર્યું કામ કરી આપવાની ગેરંટી માત્ર ૫૧/-માં આપવામાં આવે છે. એટલું જ નહીં આ એકાવન પાછાં રીફંડેબલ હોય છે. મંત્ર કરવાથી પ્રેમિકા વશ, બૉસ ખુશ, બીલ પાસ, પત્ની પિયર, ઓવરટેક કરીને પ્રમોશન, પાડોશીના વાઈફાઈનો પાસવર્ડ, નેતાને ઈર્ષ્યા આવે તેટલા વિદેશ પ્રવાસ, પતિને સિગારેટની અને પત્નીને વોટ્સેપની લતમાંથી મુક્ત કરાવવા જેવી અનેક લોભામણી ઓફરો આપવામાં આવે છે. ઉપર જણાવેલા ગાંધીજીના અગિયાર મંત્રો વિષે અજ્ઞાની લોકો આ મંત્રો પાછળ એકાવનથી શરુ કરીને લાખો રૂપિયા સુધી ખર્ચી નાખે છે.

આપણે ત્યાં કોઈ જ્ઞાતિ, સંસ્થા, ટ્રસ્ટ કે સરકારના વહીવટમાં કોઈ પણ જાતના દેખીતા હેતુ વગર ઊંડો રસ લેનારા, દખલ કરનારા, ફાચર મારનારા કે અવરોધરૂપ બનનારા પંચાતીયા અને ખાટસવાદિયા લોકોને ચૌદશ કે ચૌદશીયા કહેવાનો રિવાજ છે. આજકાલ આવા લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે પણ ઓળખાય છે. પેલી ‘છમ્મ વડુ’ વાળી વાર્તામાં આવતા બાળકો, જે 'મા મને છમ્મ વડુ' કહીને અડધી રાત્રે બની રહેલાં વડામાં ભાગ માગતા હતા એ, મોટા થઈને ચૌદશીયા બનતા હોય છે એવી વાયકા છે. જેનો પગ આવા ચૌદશીયાના કુંડાળામાં પડે એને લખ ચોરાશી ફેરાનો થાક આ ભવમાં જ લાગી જાય છે. આવા ચૌદશીયા પાછા અલા-બલાથી બચવા કાળી ચૌદશના દિવસે ચાર રસ્તે કુંડાળું કરીને વડા મૂકી આવતા હોય તો પણ નવાઈ નહીં!

મસ્કા ફન

ખુદ બાદશાહની બેગમ મુમતાઝ સુવાવડમાં ગુજરી ગઈ છે ત્યારે શાહજહાં હોસ્પિટલ બાંધવાને બદલે મકબરો બાંધવાના છે. સરકારી ખજાનાનો કેવો દુરોપયોગ ! (આગ્રા સમાચાર, ૧૬૩૨)

Wednesday, October 11, 2017

ધોળવું અને રંગવું

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૧-૧૦-૨૦૧૭

આપણે જાહેરાતમાં જોઈએ છીએ તે પ્રમાણે ફિલ્મ સ્ટાર્સ દિવાળીમાં જાતે પોતાના ઘરમાં રંગકામ કરે છે. એક દીવાલ તો એક દીવાલ, પણ કરે છે ખરા! એમણે કદાચ ટોમ સોયરની વાર્તા વાંચી હશે, અને કદાચ તેઓ લોકોને ધંધે લગાડવા માંગતા હોય એમ બને. સ્ટાર્સને તો આમેય વર્ષે ત્રણ-ચાર ફિલ્મ, એના પ્રમોશન્સ, પાંચ-છ મરણમાં હાજરી આપવાની, સાત આઠ એવોર્ડઝમાં નાચવાનું, દસ બાર જાહેરાતો, વીસ-પચીસ ઉદઘાટન, અને અન્ય પરચુરણ કામ બાદ કરતાં નિરાત જ નિરાંત હોય છે એટલે તેઓ આવો સમય કાઢી શકે. પરંતુ આપણા સામાન્ય માણસને નોકરી-ધંધામાંથી ફુરસદ મળે તો આવા કામ જાતે કરે ને? એટલે જ, રંગકામના કારીગરોને જીએસટીના માર, મંદીના પડકાર, અને મોંઘવારીના હાહાકાર વચ્ચે કામ મળી રહે છે. એટલું મળી રહે છે કે મારા હાળા ભાવ ખાય છે, તમારે ઘેર કામ જોવા આવવાનાય !

પરંતુ તાત્વિક રીતે જોઈએ તો બંને રંગકામના જ પ્રકાર હોવા છતાં ધોળવા અને રંગ પુરવા વચ્ચે મોટો તફાવત છે. રંગ પુરવાની વાત આવે ત્યારે મોટેભાગે બધાને ચિન્ટુ કે ચિંકીનું ડ્રોઈંગનું હોમવર્ક જ યાદ આવે. કામની રીતે જોઈએ તો રંગ પુરવાના કામમાં લાગતા સમય કરતાં ચોકસાઈનું વધુ મહત્વ હોય છે. એમાં રંગને સીમાઓની વચ્ચે બાંધવાનો હોય છે. ધોળવાનું કામ ઘરધણી સાથે નક્કી થયેલી સમય મર્યાદામાં પૂરું કરવાનું હોય છે, જયારે રંગ પુરવામાં પીંછીનો એક લસરકો મારો એ પહેલાં લસરકાની દિશા, ભાર અને રંગની માત્રા તથા પ્રકાર વિષે ગહન વિચારણા માગી લેતું કામ છે. આજ દિન સુધી કોઈ કળારસિકે તાજી ધોળેલી દીવાલનું નિરીક્ષણ કરીને ગંભીર ચહેરો કરીને “કલાકારે કૂચડાની મદદથી કેનવાસથી પણ ઝીણા પોત જેવી પ્લાસ્ટરની સપાટી પર ચૂના, ફેવિકોલ અને ગળીના માધ્યમથી કરેલું કામ રેનેસાં સમયના યુરોપની કળા વિભાવનાને ઉજાગર કરે છે” એવું કહ્યું હોય તો અમારા ધ્યાનમાં નથી. આમ જોઈએ તો રંગ પુરવા અને ધોળવા બંનેમાં કોઈ નિશ્ચિત સપાટી ઉપર રંગને ફેલાવવાનો જ હોય છે. પણ ધોળવામાં ઓછા સમયમાં વધુ વિસ્તારને ન્યાય આપવાનો હોય છે. એકમાં ચીવટ અને ધીરજની જરૂર હોય છે જયારે બીજામાં મહેનત અને ઝડપનું મહત્વ છે. ધોળવામાં પણ ચૂનો લગાવવાનો હોય છે પણ વ્યવહારમાં ચૂનો લગાવવાના કામને ઘર સજાવટમાં નહિ પણ આર્થિક વ્યવહારોમાં અનિયમિતતા હેઠળ સામેવાળાનો માલ પોતાનો કરી દેવાની ક્રિયાને કહે છે. લગ્ન પ્રસંગ કે દિવાળી જેવા તહેવાર નિમિત્તે મહિલાઓ દ્વારા કરવામાં આવના મેકઅપના કામમાં ધોળવા અને રંગ પુરવા બંનેની વચ્ચેના કૌશલ્યની જરૂર પડે છે.

દિવાળીમાં રંગકામ કરવાનું આમ તો બે સંજોગોમાં ઉભું થાય છે; એક, ગજવામાં બે-ચાર લાખ વધારાના પડ્યા હોય અને બે, પાછળ ઘરમાં લગન આવતું હોય. બંને સંજોગોમાં કોઈ મિત્રના ઘેર કોઈ એ કામ કર્યું હોય એની ભલામણને આધારે કલરકામના કોન્ટ્રાક્ટરની નિમણુક કરવામાં આવે છે. કોઈ રાષ્ટ્રીય નેતાના શહેરમાં આગમન ટાણે જે સ્ફૂર્તિથી ફૂટપાથ અને રેલીંગને રંગ થાય છે, તેટલી સ્ફૂર્તિથી ઘરનું કલરકામ નથી થતું. એકવાર આ કલરકામ કરતી ગેંગ ઘરનો કબજો જમાવે ત્યાર પછી ઘરધણીની હાલત ભાડુઆત જેવી થઇ જાય છે. કલર કરનારા જે નિરાંતથી કલરકામ કરતા હોય છે એટલી નિરાંતથી જો સલુનમાં દાઢી કરવામાં આવતી હોય, તો ટી બ્રેક અને બીડી બ્રેક ઉપરાંત માલ ખૂટ્યો, કારીગરને કૂતરું કરડ્યું, કરીગરની માસીનું મરણ, અમાસ વગેરે કારણોસરના બ્રેક ગણતા તમે સોમવારે સવારે દાઢી કરાવવા બેઠા હોવ તો બુધવારે બપોરે બદલીમાં આવેલો ચોથો કારીગર દાઢી પરના સુકાયેલા સાબુ પર પાણી છાંટીને ‘હમણાં સાબુ લઈને આવું છું’ કહીને નીકળી જાય તે છેક શુક્રવારે ‘મારા દાદા દાંતનું ચોકઠું ગળી ગયા હતા તે બે દિવસથી હું હોસ્પીટલમાં હતો’ એવા કારણ સાથે કામ પર હાજર થાય ! આ સમય દરમ્યાન તમે ઈચ્છો તો એના જ સાધનોથી જાતે દાઢી પણ કરી શકો, પરંતુ ધોળવામાં તમારી પાસે એ વિકલ્પ પણ હોતો નથી !

પાછી આપણા દેશમાં કારીગરોની એક ખાસિયત છે. તેઓ કદીય પુરેપુરા હથિયાર સાથે નથી આવતા. સારું છે આપણા કારીગરોને સૈન્યમાં ભરતી નથી કરતા, નહીતર આપણા પર હુમલો કરનારના સેનાપતિને મળીને ગોળીઓ, બંદુક, બાઇનોકયુલર જેવી વસ્તુઓ માંગતા હોય એવા વિડીયો વાઈરલ થાય. અમને તો શંકા છે કે ભૂતકાળમાં જે વિદેશી આક્રમણકારો ભારતમાં પગપેસારો કરવામાં સફળ થયા એના કારણો ચકાસો તો એ વખતે માણસોની તંગીને કારણે આ કારીગરોને સૈન્યમાં ભરતી કર્યા હોય એવો ઈતિહાસ મળી આવશે. સાચે, રંગકામ કરવા આવે એટલે સૌથી પહેલા આપણી પાસે ડબ્બો ખોલવા ડિસમીસ માંગીને માંગણકામના શ્રીગણેશ કરે છે. પછી ગાભા, સ્ટુલ, કોપરેલ, જુના ડબલા, ડોલ, હથોડી, ચપ્પુ, સાબુ જેવી વસ્તુઓ એક પછી એક માંગીને આપણને નવરા પડવા નથી દેતા. આવામાં કારીગર આગળ ઘરધણી એટલો લાચાર બની જાય છે કે પેલો ડબ્બામાં કલર હલાવવા મૂળો માંગે, તો મૂળો ખરીદવા ઘરધણી બાઈકને કીક મારી બેસે છે !

રંગ કરવાથી ખંડેરમાં પણ રોનક આવી જાય છે. એક રંગ બનાવતી કંપની તો ત્યાં સુધી દાવો કરે છે કે એમની કંપનીના રંગ લગાડવાથી દિવાલો બોલી ઉઠશે. હવે પરણેલા માણસને આવું ક્યાંથી પોસાય? અને સ્ત્રીને પણ આવી કોમ્પીટીશન પણ ક્યાંથી પોસાય? આવી બેઉ પક્ષને હાનિકારક હોય એવી જાહેરાત પાછી ખેંચી લેવી જોઈએ.

મસ્કા ફન

સુરતી મિલી (અલીને) : તું કરવા ચોથ? મેં તો ની કરવા ...

Wednesday, October 04, 2017

સલાહો સિઝનલ બૌદ્ધિકોની

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૪-૧૦-૨૦૧૭


બુલેટ ટ્રેનની ટીકા થઈ રહી છે. બુલેટ ટ્રેનનો ખર્ચ કરવાને બદલે રોડમાં ખર્ચ કરવો જોઈએ એવો મત અમુક લોકોએ વ્યક્ત કર્યો છે. અમુક મોસમી બૌદ્ધિકો તો એવા મેસેજ ફોરવર્ડ કરી રહ્યા છે કે ૧૦૦,૦૦૦ કરોડ રૂપિયામાંથી વિમાન ખરીદવામાં આવે તો એનાથી કેટલા વિમાન આવી જાય અને કેટલા લોકો ટ્રેન જેટલા કે એનાથી પણ ઓછા ખર્ચમાં મુસાફરી કરી શકે. અમને લાગે છે કે આ લોકોની વાતમાં દમ છે. અને આપણે બુલેટ ટ્રેન માટે જ નહીં આપણી રોજબરોજની જિંદગીમાં પણ આવું ઘણું બધું નિવારી શકીએ એમ છીએ, પરંતુ પહેલા સરકાર શું કરી શકે એનાથી શરૂઆત કરીએ.

ધારો કે ૧૦૦,૦૦૦ કરોડ રૂપિયામાંથી ચડ્ડીઓ બનાવવામાં આવે તો એક ચડ્ડીના દોઢસો રૂપિયા ગણતા ૧૨૧ કરોડ જનતાને વ્યક્તિ દીઠ સાડા પાંચ ચડ્ડી વહેંચી શકાય! આમાં અડધી એટલે કે એક બાંયવાળી ચડ્ડી તો રણવીર સિંહ જેવા સ્ટાઈલ આઇકોન સિવાય કોઈ પહેરે નહિ એટલે પાંચ જ ગણવાની અથવા બે અડધી ચડ્ડી ભેગી કરી અને એક ચડ્ડી બનાવી બે જણા વચ્ચે એક એમ વહેંચી દેવી પડે. પણ વિચારો કે સરકાર અલગ અલગ કલરની ચડ્ડીઓ વહેંચે તો સરકારને પણ કેટલો ફાયદો. પહેરનાર પણ અઠવાડિયામાં પાંચ દિવસ પાંચ જુદી જુદી ચડ્ડી પહેરીને જઈ શકે. પેલી અડધી ચડ્ડીનું કાપડ વધે એની થેલીઓ બનાવીને આપો તો પણ બે થેલી બને અને એના લીધે કેટલા બધા પ્લાસ્ટીકના ઝભલાનો કચરો થતો અટકે? હવે તમે એમ ના કહેતા કે ચડ્ડી પહેરીને તે ઓફીસ જવાતું હશે? ના, તમે એવું ના કહી શકો. ભાઈ, બુલેટ ટ્રેનને બદલે સાદી ટ્રેન ચાલતી હોય તો પેન્ટને બદલે ચડ્ડી પણ ચાલે જ હોં! પ્લીઝ હવે વધારે દલીલ ના કરતાં! તમે હવે એમ કહેશો કે અમે એવી સરકારે આપેલી ચડ્ડી શું કામ પહેરીએ? યુ આર રાઈટ. તમારી પાસે શું પહેરવું એ નક્કી કરવાનો હક છે જ. જેમ તમે બુલેટ ટ્રેનના બદલે, હમણાં આપણા વ્હાલા રાહુલજી ગયા હતા એમ, બળદગાડામાં મુસાફરી કરવા માંગતા હોવ તો તમને કોણ રોકી શકે? રસ્તામાં બેઠેલી ગાય સિવાય કોઈ નહીં!

ચલાવી લેવાનું આમેય આપણા સંસ્કારમાં છે. દેખાવડી છોકરી મળે તો ભણતર અને એનઆરઆઈ છોકરો મળે તો દેખાવ ચલાવી લઈએ છીએ. એમબીબીએસમાં ન મળે તો ડેન્ટલમાં લઈ લઈએ છીએ. રીંગણનું ભાવતું હોય ને રોજ કોબીનું બને તો એ ચલાવી લઈએ છીએ. શાકમાં સ્વાદ ન મળે તો એમાં સોસ નાખીને ચલાવી લઈએ છીએ. અમે તો મોબાઈલમાં પણ નવું મોડલ આવે એટલે ઘટેલ ભાવનું ઉતરતું મોડલ ખરીદીએ છીએ. કિન્ના બાંધવાની આળસે, દોરી ઝૂમઝૂમ થઇ જવાની ચિંતા કર્યા સિવાય, પકડેલો પતંગ ચગાવી મારીએ છીએ. નવી સ્ટોરી કે નવી ધૂનો ન મળે તો રીમેઈક અને રીમીક્સ કરીને કામ ચલાવી છીએ. પણ, આપણે ઉત્સાહમાં આવીને જ્યારે કૈંક વિશેષ કરવા માંગતા હોઈએ એના બદલે આપણને બીજું જ કરવાનું કહેવામાં આવે ત્યારે આપણી દશા ફીઝીક્સની કાપલીઓ લઈને બેઠેલા પરીક્ષાર્થીને મેથ્સનું પેપર આપ્યું હોય એવી થઇ જતી હોય છે.

શરૂઆતમાં જણાવ્યું એવા ‘મોસમી બૌધિકો’ દર તહેવારે આપણે શેના બદલે શું કરવું એની સલાહો આપવા ઉપસ્થિત થઇ જતા હોય છે. દિવાળીથી શરુ કરીએ તો હવાનું પ્રદૂષણ ન થાય અને મૂક પશુ-પક્ષીઓને ખલેલ ન પહોંચે એ માટે આપણને ફટાકડા ન ફોડવાની કે અવાજ વગરના ફટાકડા ફોડવાની સલાહ આપવામાં આવે છે. સારું છે આપણને ફટાકડાને બદલે ઈજ્જતના ભડાકા, વાછૂટના ધડાકા, ચાબુકના ફટાકા અને લાફાના સટાકાથી ચલાવી લેવાનું નથી કહેતા. દિવાળી પછી ઉત્તરાયણ પર પતંગની દોરીથી પક્ષીઓને થતી ઈજાઓના વોટ્સેપ ફોરવર્ડઝ મોકલી મોકલીને આપણને સેન્ટી કરી મૂકવામાં આવે છે. આ કિસ્સામાં પતંગ-દોરીના બદલે ઉત્તરાયણ કેવી રીતે કરવી એનો કોઈ વિકલ્પ આપવામાં આવતો નથી. શું કવિ આપણને ‘નજરુંના પેચ’ લડાવીને ઉત્તરાયણ ઉજવવાનું સૂચન કરી રહ્યા હોય છે? કે પછી પ્રજાએ લંગસીયા લડાવીને, ઘચરકા લડાવીને અથવા માત્ર તલસાંકળી, બોર, જામફળ, શેરડી ખાઈને ઉત્તરાયણ કરવાની? આ બાબતે ‘સીઝનલ બૌદ્ધિકો’ ચૂપ છે. આવા સીઝનલ બૌદ્ધિકો શિવરાત્રી ઉપર શિવજીને ચઢાવવામાં આવતા દૂધ સિવાય બીજી કોઈ બાબતમાં ઝારો મારતા નથી એ ગનીમત છે. એની પાછળ શિવજીના ત્રિશુળની કે પછી પોઠિયાના શીંગડાની બીક પણ હોઈ શકે. તમને ઇન્સ્યોરન્સ પ્રીમીયમ ભરવાનું રીમાઈન્ડર કદાચ મોડું મળે પણ હોળી ઉપર પાણીના બદલે ચપટીભર સુકા રંગોથી હોળી ઉજવવાના વોટ્સેપ ફોરવર્ડ્ઝ સમયસર મળી જશે. આ કીસ્સામાં પાંચ મીનીટમાં હોળીનો કાર્યક્રમ ‘પતાવ્યા’ પછી બચેલા સમયમાં સૌ મળીને દેશ ભક્તિના ગીતો ગાય, સાયકલ ઉપર દારુબંધીનો પ્રચાર કરવા નીકળે કે પછી ધ્યાન-યોગથી સ્વાસ્થ્ય સુધારે એવા સુઝાવ તમને આવનારી હોળી પર મળી શકે. ચૈત્રી નવરાત્રી, રક્ષાબંધન અને રથયાત્રા ઉપર આવા બૌધિકો જન્માષ્ટમી પર રમાતા જુગાર સામે મેદાને પડવાની શક્તિ એકઠી કરવા માટે ચોમાસામાં શીતતંદ્રામાં જતા રહેતા હોય છે. જોકે આ લડાઈ બે માર્યાદિત જૂથો વચ્ચેની હોઈ બાકીની પ્રજાને કોઈ લેવાદેવા હોતી નથી. નવરાત્રીમાં બાર વાગે ગરબા બંધ કરાવવા સિવાય બીજો કોઈ ફેરફાર કરાવી શક્યા નથી એનો અફસોસ આ મોસમી બૌદ્ધિકોને ચોક્કસ થતો હશે. એ લોકો કદાચ ખાનગીમાં ચણીયા-ચોળી, કેડિયા-ચોયણી કે તાલી-દાંડિયાના અવાજથી થતા પ્રદૂદ્ષણ ઉપર સંશોધન પણ કરાવતા હોઈ શકે. અમને તો લાગે છે કે આવનારા સમયમાં આવા સીઝનલ બૌદ્ધિકો મૂછ વગરની ફોઈને કાકા કહેવાનો આગ્રહ પણ કરી શકે, ઓફકોર્સ ફોર અ ચેન્જ.

મસ્કા-ફન

જેને વોટ્સેપ પર ‘મ્યુટ’ કરેલો હોય

એ રૂબરૂમાં બકવાસ કરી જાય

ત્યારે અમને ધ્રુસકે ને ધ્રુસકે લાગી આવે.