Wednesday, June 21, 2017

જીમ જવા કરતાં યોગા સારું !


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૧-૦૬-૨૦૧૭

આજે ૨૧ જુન વર્લ્ડ યોગા ડે છે. રામનું અંગ્રેજી રામા, શિવનું શિવા, કૃષ્ણનું ક્રિશ્ના, શ્લોકનું શ્લોકા અને યોગનું આ લોકોએ યોગા કરી નાખ્યું છે. જેમ જેમ સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી શબ્દો અંગ્રેજીમાં સ્વીકારાતા જશે તેમ તેમ આવા નામફેર થતા રહેશે. અંગ્રેજોની વિદાયના સાત દાયકા જેટલા સમય પછી પણ આપણા શહેર અને ગામોના નામની એમણે જે પત્તર ફાડી હતી તે સાંધવાની કોશિશ ચાલુ છે. એટલી ગનીમત છે કે ભજીયા, ગોટા, ગાંઠિયા અને ઢોકળા પહેલેથી આકારાન્ત છે. વધુમાં વધુ કદાચ ઢોકળાનું ડોકલા થાય, પરંતુ ઢોકળા આમેય ઓવરરેટેડ હોવાથી એ અપભ્રંશ થવાને લાયક છે!

જીમ જવા કરતા યોગા સારું એવું અમારું માનવું છે. આવું અમે અનુભવ કે અભ્યાસને આધારે નથી કહેતા. જીમનો કન્સેપ્ટ જ અમદાવાદીઓને માફક આવે એવો નથી. સાલુ રૂપિયા આપણે ભરવાના અને પરસેવો પણ આપણે પાડવાનો? અમને અમદાવાદીઓને તો કોક ઉઠક-બેઠક કરે અને આપણને રૂપિયા મળે એવા કામમાં વધુ રસ પડે. આમાં પાછું રૂપિયા ભર્યાના એક અઠવાડિયા પછી તમે કુદરતી કારણોસર જીમ જતા બંધ થઈ જાવ ત્યારે પોતાની જાતને, ઓફીસ કલીગ્સ, પડોશીઓ અને સોશિયલ મીડિયાને જવાબ આપવો પડે છે કે કેમ બંધ કર્યું. આ બાજુ ઘરે પણ જીમમાં ભરેલા પૈસા બાતલ ન જાય એ ખાતર જે બે-પાંચ ભજીયા-દાળવડા કે ઢોકળા પર મળતું હોય એ તેલ પણ બંધ થઇ ગયું હોય! આવું હોય ત્યાં સિક્સ પેક તો બાજુ પર રહ્યું પણ પોણો કે એક પેક બને એ પહેલા પેકઅપ થઈ જાય તેમાં કોઈ નવાઈ નથી. એવું લાગે છે કે આપણા ભાવેશો અને કિંજલોના જીન્સમાં ફેટનેસ છે પણ ફીટનેસ નથી.

યોગ ટીવીમાં જોઇને પણ થઈ શકે છે. જોકે, ધાર્મિક ચેનલો પર યોગાસન શીખવાડતા ગુરુઓને જોઇને એવું લાગે કે યોગ માટે દાઢી-જટા ફરજીયાત હશે. પણ એવું નથી. દાઢી વધારવાથી તમે વાંકા પાડીને અંગૂઠા પકડી શકશો એમ માનતા હોવ તો તમે ‘સુગર ફ્રી સ્વિટનર’ ખાવ છો. (વજન ઘટાડવું હોય તો ખાંડ ન ખવાય). દાઢી-જટા ઓપ્શનલ છે. જો પગના અંગુઠા ન પકડી શકાતા હોય તો વધુમાં વધુ લાંબી દાઢીથી પગને ગલીપચી કરી શકાય. બસ. બીજું, યોગ માટે ટ્રેડમિલ, સાઈકલ, બેન્ચ જેવું કંઈ વસાવવું પડતું નથી. જીમમાં સાધનો વાપરવા માટે તમારે ફી તો ભરવી પડશે ઉપરાંત દેખાદેખીમાં કે રોલો મારવા માટે પણ જિમવેરઅને જીમકીટ ખરીદવી પડશે. જયારે ગૃહયોગમાં (જેમ ગૃહઉદ્યોગ હોય એમ ગૃહયોગ ન હોય?) તમારે તમારા આ સાહસના ફોટા ફેસબુક-ટ્વિટર-ઈન્સ્ટા પર અપલોડ કરવાના ન હોય તો તમે ટુવાલ પહેરીને યોગ કરો તો પણ અમને વાંધો નથી. વાંધો ફક્ત તમારા ઘરમાં રહેતા બીજા લોકોને હોઈ શકે છે માટે ટુવાલ ફીટ બાંધવો. બને તો શીર્ષાસન અને પવનવિમુક્તાસન પણ એવોઈડ કરવું. 
 
યોગનું રીમીક્સ યોગા થયું પછી એમાં ઘણા બધા ખતરનાક અખતરા થયા છે. છોકરાં ફટાકડા ફોડી ફોડીને કંટાળે પછી રોકેટના ખોખામાં ટેટા, તારામંડળ કે કોઠીનો દારુ કાઢીને ઉંબાડિયા કરે બરોબર એમ જ ભુરીયાઓએ આપણા યોગની પત્તર ઠોકી છે. અમુક ચંબૂઓએ યોગા સામે ‘ડોગા’ વિકસાવ્યું છે જેમાં કૂતરા સાથે યોગ કરવાનો હોય છે! એમાં આપણા જ કોઈ ઓઘડ ગુરુએ ક્રેઝી ભુરીયાઓને ‘ભસ’ત્રિકા પ્રાણાયામનો ભળતો અર્થ સમજાવી દીધો હોય એવું વધુ લાગે છે. બીજો એક પ્રકાર એરિયલ યોગાનો છે જેમાં લટકીને યોગ કરવાનો હોય છે. અલા ભ’ઈ, લટકવાનું તો આપણા પૂર્વજો કરતા જ હતા ને! અને એમ લબડવાને જ જો ‘યોગ’ કહેતા હોય તો અમારા જવાનીયા મહાયોગી છે!

યોગા શબ્દ બે અક્ષરનો બનેલો છે. યો અને ગા. યો શબ્દ અમેરિકાના ફિલાડેલ્ફીઆથી જે ઉદ્ભવેલો છે જેનો મતલબ થાય ‘તમે’. અને ‘ગા’નું ગુજરાતી તમને સમજાવવું પડે તેમ નથી. યોગા એટલે તમે જાતે ગાવ. ટૂંકમાં યોગમાં જાતે કરવાનું મહત્વ છે. પૂજા વિધિ આપણા વતી જેમ બ્રાહ્મણ કરે છે એમ યોગા કોઈને આઉટસોર્સ કરી શકાતો નથી. એમાં જાતે કરવાનું અને જાત સાથે રહેવાનું મહત્વ છે. હવે તમને એમ થશે કે ‘આપણે આખો દહાડો જાત સાથે જ હોઈએ છીએ ને?’ તંબુરો! જાતની સાથે એકલા તો આપણે નહાતી વખતે પણ નથી હોતા!

યોગીઓ કહી ગયા છે કે મન મર્કટ છે અને योगश्चित्त वृत्ति निरोध: સૂત્ર અનુસાર યોગ દ્વારા મનના વિચારો પર કાબૂ કરી શકાય છે. ધ્યાન પણ યોગનું જ એક અંગ છે. ધ્યાન દ્વારા વિચારશૂન્ય અવસ્થા મેળવી શકાય છે. પ્રાણીઓ વિચારી શકતા નથી. ઉંચી ડાળ પર બેઠેલું વાંદરુ કે ખૂણા બાજુ માથું રાખીને ઉભેલું ગધેડું વિચારશૂન્ય અવસ્થાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ જ રીતે જે લોકો પ્રાણીઓની જેમ માત્ર આહાર, નિંદ્રા અને મૈથુનનું સેવન કરીને જીવન વિતાવે છે એ પણ વિચારશૂન્ય ગણાય. આમ આપણો અડધો દેશ ધ્યાનસ્થ છે એમ ગણી શકાય. બાકી નિયમિત રીતે યોગ કરવા માટે મક્કમ મનોબળ જોઈએ જે માત્ર યોગથી મેળવી શકાય છે. આ માઈક્રોસોફ્ટ એક્સેલની ફોર્મ્યુલામાં થતા સર્ક્યુલર રેફરન્સ જેવું છે. માટે તમારી પાસે જો મક્કમ મનોબળ હોય તો મંડી પડો! એટલે તો ઝફરની જેમ અમે કહીએ છીએ, કે

વર્લ્ડ યોગા ડે હૈ, આસન આજ તો કર લે,
રસ્મ-એ-દુનિયા ભી હૈ, મૌકા ભી હૈ, દસ્તૂર ભી હૈ !

મસ્કા ફન
ચામાચિડિયા છત પરથી લટકે તેને શીર્ષાસન ન કહેવાય, એના માટે માથું જમીન સાથે અડવું જોઈએ.

Wednesday, June 14, 2017

હાઈકુ એ કવિતાનું મીની-સ્કર્ટ છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૪-૦૬-૨૦૧૭

દિલ્હી યુનીવર્સીટીના બીકોમ ઓનર્સના પુસ્તકમાં લખ્યું છે કે ‘ઈમેઈલ સ્કર્ટ જેવા હોવા જોઈએ; ટૂંકા કે જેથી રસપ્રદ બને અને પૂરતા લાંબા હોવા જોઈએ જેથી અગત્યના મુદ્દા આવરી લે’. આમાં હોબાળો થઈ ગયો છે. પુસ્તકમાં ભૂલ છે. આવું ભૂલભરેલું લખી જ કઈ રીતે શકાય? મીની સ્કર્ટ સાયન્સમાં દર્શાવેલ કારણોસર પહેરવામાં આવે છે જેથી કરીને ત્વચાને સૂર્ય પ્રકાશ દ્વારા વિટામીન ડી મળી રહે. ભારતીય પુરુષો તો ચડ્ડા પહેરીને ફરી શકે છે એટલે એમને કોઈ સમસ્યા નથી. પરંતુ સ્ત્રીઓ આખી જિંદગી સાડી કે પંજાબી પહેરીને ફરતી હોઈ વિટામીનની ઉણપ સર્જાઇ શકે છે. આવું કંઈ જીવવિજ્ઞાનના પુસ્તકમાં નથી લખ્યું, અમે એવું માનીએ છીએ. આટલું સામાન્ય જ્ઞાન તો સૌમાં હોય. આ સામાન્ય જ્ઞાન માટે અમે કંઈ કોલર ઊંચા કરીને નહિ ફરીએ. જોકે પુરુષો ગમે તેટલા ટૂંકા ચડ્ડા પહેરીને ફરે એ ઈન્ટરેસ્ટીંગ બનતા નથી, કે એમને પુસ્તકમાં સ્થાન મળતું નથી.

જોકે ઉપર જણાવ્યા મુજબ ખોટું હોવા છતાં સ્કર્ટની સરખામણી અન્ય કશા સાથે કરવું નવું નવાઈનું નથી. સૌથી પહેલા વિન્સ્ટન ચર્ચિલે સ્કર્ટની સરખામણી સ્પીચ સાથે કરી હતી. એક પ્રોફેસર જ્યારે આવી ઉઠાંતરી કરે, એ પણ ચર્ચિલને ક્વોટ કર્યા વગર ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે લાગી આવે. અમે દિલ્હી યુનીવર્સીટીના વીસી નથી નહિ તો આવા પ્રોફેસરને ગડગડિયું પકડાવી દઈએ. પણ અમે ઘણું બધું નથી એટલે ઘણુબધું થતું નથી. ગીતામાં કહ્યું છે એમ જે થાય છે તે સારા માટે થાય છે.

કહે છે કે હદની પણ હદ હોવી જોઈએ. આવું કોણે કહ્યું છે એ તો અમને ખબર નથી પણ વાતમાં અસ્થમા એટલે કે દમ છે. ઈમેઈલના લખાણની લંબાઈની પણ એક ચોક્કસ મર્યાદા હોવી જોઈએ. બન્તાસિંહના પી.એચ.ડી. થીસીસની વાત ખબર જ હશે. બન્તાસિંહે પરાક્રમ સિંહ નામના રાજા પર સાડી ચારસો પાનાનો દળદાર શોધ નિબંધ બનાવ્યો. એના પહેલા પ્રકરણનું પહેલા પાનું ભરીને રાજાની યુદ્ધની તૈયારીનું વર્ણન હતું. એ પાનાના છેડે લખ્યું હતું ‘ ... પછી પરાક્રમ સિંહ ઘોડા ઉપર બેઠા અને ઘોડાને દોડાવ્યો ... તબડક ... તબડક પછીના પાનાં ઉપર પણ તબડક ... તબડક ... પછીના પાને પણ તબડક ... તબડક ... એમ કરતાં કરતાં છેક છેલ્લા પાનાના છેડા સુધી તબડક ... તબડક ... ચાલ્યું અને છેલ્લે લખ્યું હતું કે ‘... અને પછી પરાક્રમ સિંહ ઘોડા ઉપરથી કૂદીને ઉતર્યા.’ આ કથા એટલા માટે કરી કે આજકાલ એવા લખાણ જોવા મળે છે કે જેમાં ઘોડા ઉપર બેઠા અને ઘોડા પરથી ઉતર્યા વચ્ચે માત્ર અને માત્ર તબડક ... તબડક ... જ હોય છે. આવા લોકોને છુટા ના મુકાય. 
 
વસ્ત્ર પરિધાનમાં પણ લાંબા ટૂંકાનો વિવેક હોવો જરૂરી છે. હમણાં પ્રિયંકા ચોપરાએ મોદી સાહેબની મુલાકાત લીધી એ સમયે પહેરેલા ટૂંકા ડ્રેસ પર સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલિંગ થયું. એ જ પ્રિયંકા ચોપરા પોતે જેમાંથી આખો તંબૂ તાણી શકાય એટલું કાપડ પાછળ ઢસડાતું હોય એવો ડ્રેસ તાણતી મેટ ગાલા ૨૦૧૭ની રેડ કાર્પેટ પર હાલી નીકળી હતી! ખરેખર ઊંધું હોવું જોઈતું હતું. ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમોમાં પણ ગઝલો ટૂંકી અને કલાકારોના ઝભ્ભા લાંબા હોય છે. અમુકના ઝભ્ભા તો એટલા લાંબા હોય છે કે શો ન હોય ત્યારે એમના ધર્મપત્ની ગાઉન તરીકે પહેરતા હોય તો પણ નવાઈ નહિ! અમારી તો માગણી છે કે ગઝલો ખયાલ ગાયકી જેટલી લાંબી અને ઝભ્ભા ઠુમરી જેટલા ટૂંકા હોવા જોઈએ. પછી એ લોકો ગંજી પહેરીને ગાય તો પણ અમને વાંધો નથી. અમારે તો સંગીતથી કામ છે.

કવિતામાં લાઘવનું મહત્વ છે. મુક્તક અને હાઈકુ એ કવિતાનું મીની સ્કર્ટ છે તો અછાંદસ સ્વરૂપ
કવિતાનું ધોતિયું છે. ખંડકાવ્ય એ નવવારી સાડી છે. કવિઓ લાઘવની લાલસામાં ભાવકોને ધંધે લગાડી દેતા હોય છે. પણ હાઈકુ ટૂંકા હોઈ કવિ ધારે તો પણ ભાવકને ભેખડે ભરાવી શકતો નથી અને એટલે જ એ બહુ લોકપ્રિય છે. હાઈકુથી પણ ટૂંકી કવિતા હોઈ શકે છે! આર્મેનિયન અમેરિકન પોએટ લેખક અરામ સરોયનની કવિતામાં માત્ર અંગ્રેજી મૂળાક્ષર ‘m’ કે જેમાં ઉભી લીટીઓ ત્રણ નહિ પણ ચારહોય એવો ચાર ટાંગવાળો ‘એમ’( ) હોય એવી એકાક્ષરી કવિતાને દુનિયાની ટૂંકમાં ટૂંકી કવિતા માનવામાં આવે છે. અહીં કવિ શું કહેવા માંગે છે એમાં અમો ટાંગ મારવા નથી માગતા. એવી જ રીતે જમરૂખ જેવા કોઈએ રુક-મણિએ લખી હોય એવી ‘Eyeye’ અને ‘Lighght’ એ બે એક શબ્દની કવિતાઓ છે, જેમાં ‘Lighght’ને તો ૫૦૦ ડોલરનો આંખો ફાટીને પનીર થઈ જાય એવો પુરસ્કાર પણ મળ્યો હતો! એટલા પુરસ્કારમાં તો આપણા ફેસબુકના કવિઓ ખંડકાવ્ય ઘસી આપે.

તાજમહાલ વિષે પુસ્તકોના પુસ્તકો લખાયા છે પણ કવિવર ટાગોરે એના વિષે ટૂંકમાં કહ્યું હતું કે ‘નદી કિનારે ઉભેલો તાજ એ સમયના ગાલ પર અટકેલુ એકલ અશ્રુબિંદુ છે’. આમાં બધું આવી ગયું. જયારે અમુક કિસ્સાઓમાં લાંબુ લખવું જરૂરી હોય છે. જેમ કે રામાયણ જેવું મહાકાવ્ય ટૂંકમાં લખવું અશક્ય છે. ટૂંકનોંધમાં પણ ટૂંકમાં પતાવનારને પુરા માર્ક મળતા નથી. નાણામંત્રી વિસ્તારથી ન લખે તો કરચોરોને છૂટો દોર મળી જાય. ટૂંકમાં કહીએ તો કપડા અને લખાણમાં ટૂંકું કોને કહેવું અને લાંબુ કોને કહેવું એ સાપેક્ષ છે.

મસ્કા ફન

ઉત્સાહી એન્કર: તમે કારેલાનું શાક બનાવ્યું એમાં બીજું વેરીએશન શું કરી શકાય?

એક્સપર્ટ: તમે કારેલાના બદલે ટીંડોળા નાખશો તો ટીંડોળાનું શાક બનશે. પરવળ નાખશો તો પરવળનું શાક બનશે, તૂરિયા નાખશો તો ...

Wednesday, June 07, 2017

સાયકલ મારી સરરર જાય

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૭-૦૬-૨૦૧૭

અમદાવાદમાં રહેતા હોવ અને રસ્તે જતાં તમારી પાછળ કુતરું પડે તો? કંઈ વાંધો નહીં, તમે કારમાં બેઠા હોવ તો એ કંઈ નહીં કરી શકે. એક મિનીટ, પણ તમે બાઈક પર જતા હોવ તો? તો તમે સ્પીડમાં બાઈક ભગાવી મુકશો એમ જ ને? અને ધારોકે તમે સાયકલ પર જતા હોવ તો? તો પછી, કૂતરાની સામે થયા વગર કોઈ ઉપાય નથી દોસ્ત! અહીં કવિ એમ કહેવા માંગે છે કે સાયકલ તમને બહાદુર બનાવે છે! આ લખાય છે એ વિશ્વ પર્યાવરણ દિવસ છે. આજે સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં કંપનીઓ, સંસ્થાઓ અને મોટા માથાઓ પર્યાવરણ બચાવવા માટે મોટીમોટી વાતો કરશે, પરંતુ સાયકલ ચલાવનાર આવી શાણી વાતો કર્યા વગર પેડલ માર્યે જાય છે.
Source: AB
 
આજે તમને રોડ ઉપર બે પ્રકારના લોકો સાયકલ પર જોવા મળશે – કઠોર પરિશ્રમ કરીને ઉંચે આવવા મથતા લોકો અને ઉંચે આવ્યા પછી (જખ મારીને) પરિશ્રમના રસ્તે વળેલા લોકો. આ બંને વચ્ચેની કક્ષામાં આવતા લોકો તમને એકટીવા અને સ્કૂટી પર ફરતા જોવા મળશે. ગુજરાતવાસીઓ જેમની ઉપર ગૌરવ લે છે એ ઉદ્યોગપતિઓ એક જમાનામાં સાયકલ ફેરવતા હતા એવા ઉદાહરણો આપણને આપવામાં આવે છે. પણ જેમ બધા ઝેર પીનારા શંકર નથી હોતા, એમ બધા સાયકલ ચલાવનારા ઉદ્યોગપતિ નથી બનતા કારણ કે ઉદ્યોગપતિ બનવા માટે સાયકલ ચલાવવા ઉપરાંત બીજું ઘણું બધુ કરવાનું હોય છે. પછી એ મથામણ વચ્ચે સાઈકલ ભુલાઈ જાય છે અને વર્ષો પછી એક દિવસ જયારે ડોક્ટર લીપીડ પ્રોફાઈલમાંના આંકડા બતાવીને ‘જીવનમાં કસરતનું મહત્વ’ વિષે લેકચર આપે ત્યારે ફરી સાયકલ યાદ આવે છે. એટલે જ હવે કરોડપતિઓ સાઈકલ પર ફરતા દેખાય છે, અલબત્ત ફેસબુક પર, અને તે પણ વહેલી સવારે કે રવિવારે! અહીં કરોડ એ એ એક જુમલો છે. તમે સાઈકલ હોવ એનાથી તમને કોઈ સરકારી લાભો મળી જવાના નથી. માટે ખોટી કીકો, સોરી ખોટા પેડલ મારશો નહિ.

સાઈકલ ચલાવવી એ વાહન ચલાવવામાં સૌથી મૂળભૂત આવડત છે. દરેક શીખી જાય છે. જોકે એવું જરૂરી નથી, અમારા કઝીન મુકેશભાઈ ગામથી જયારે પહેલી વખત અમદાવાદ આવ્યા ત્યારે ૨૧ વર્ષની ઉંમરે એમને સાયકલ આવડતી નહોતી, કદાચ ગામ નાનું એટલે સાયકલ વાપરવાની જરૂર નહીં પડતી હોય. પણ આખા અમદાવાદમાં એ બસમાં બેસી અથવા તો પગે ચાલીને જતા. એકવાર અમે એમને પૂછ્યું કે ‘ભાઈ, તમે સાઈકલ કેમ શીખી લેતા નથી?’ તો કહે કે ‘ઓમ તો ફાવ છ, પણ મારુ હારુ બેલેન્શ નહિ રેતુ’. અમને થયું કે સાઈકલમાં બેલેન્સ રાખવું જ તો મેઈન છે. જો બેલેન્સ રાખતા ન આવડતું હોય તો શું સ્ટેન્ડ પર ચઢાવતા કે ઘંટડી વગાડતા આવડતું હોય એને સાઈકલ ચલાવતા આવડે છે એવું કહી શકાય?

સાયકલ શીખતી વખતે પહેલા સાયકલ પરથી પડતા શીખવાનું હોય છે. એમ પડતા-આખડતા સાયકલ આવડી જાય છે. પણ સાયકલ શીખવાનો આ આખો ઘટનાક્રમ ઘણો રમુજકારક હોય છે. સાયકલ શીખતી વખતે કહેવામાં આવે છે કે સામેની તરફ નજર રાખીને પેડલ મારતા રહો; પણ શીખનાર ભાગ્યે જ એમ કરતા હોય છે. સામાન્ય રીતે ધક્કો મારી સવારને પૈડાભેર કરી શીખવાડનાર પછી કેરિયર છોડી દેતા હોય છે. ચલાવનારને જેવી ખબર પડે કે પેલાએ પાછળથી છોડી દીધું છે એ પછી ઝાડ, થાંભલા કે સૂતેલા કૂતરા બધું જ એને પોતાની તરફ આપોઆપ ખેંચવા માંડે છે. એ સમયે વિશ્વના તમામ દેશોમાં સ્થાનિક ભાષામાં ઊંચા અવાજે ‘એ એ એ એ એ એ એ એ ....’ બોલીને પછી ધબ્બ દઈને પડવાનો રીવાજ છે.

સાઈકલ એ સ્ટેટ્સ જ નહિ પાર્ટી સિમ્બોલ પણ છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી વખતે અખિલેશ ભૈયા અને નેતાજી વચ્ચે થયેલા વિવાદમાં સાયકલ (ચૂંટણી ચિન્હ) કોની પાસે રહેશે એ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. પછી ઘીના ઠામમાં ઘી તો પડ્યું, પણ સાથે પંજો પણ પડ્યો અને એવો છપાકો બોલ્યો કે ઠામમાં દીવો કરવા જેટલું પણ ઘી ન વધ્યું! ગુજરાતમાં નેવુંના દાયકામાં પણ એક રાજકીય પક્ષને સાયકલનું ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું હતું. એ વખતે એક ચૂંટણી સભામાં ભાષણ કરતી વખતે આપણા સાહેબે નજીકની ભીંત પર પ્રચાર માટે દોરેલા ચૂંટણી ચિન્હો બતાવીને કહેલું કે ‘જુઓ, સાયકલને ચેઈન નથી અને પંજાને ભાગ્ય રેખા નથી!’ જોકે, નેતાજીએ એમની સાયકલને ચેન તો નાખવી દીધી પણ એમની સાયકલ સ્ટેન્ડ પરથી ઉતરી જ નહિ. બાકી તમને હસ્તરેખા જોતા આવડતી હોય તો પંજાની ભાગ્યરેખા પરથી એનું ભવિષ્ય ચકાસી શકો છો.

ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે; એમ જ એક જમાનામાં મિથુનદા ગરીબોના અમિતાભ કહેવાતા અને ગોવિંદા ગરીબોનો મિથુન ચક્રવર્તી ગણાતો. એ જ અનુરૂપતા અહીં લાગૂ કરીએ તો સાયકલ એ ગરીબોની બે બંગડીવાળી ગાડી છે! જેમ અભિનય માટે ત્રણ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર (છે કોઈ બીજો?) અને અનેક અવરોધો વચ્ચે સખ્ત મહેનત કરીને બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવનાર મિથુનદા એક ઉદાહરણ છે, એમ જ સફરમાં આવતા આંધી-તોફાનોની પરવા કર્યા વગર પોતાના દમ પર આગળ વધવાની તમન્ના રાખનાર લોકો માટે સાયકલ એ આદર્શ ઉદાહરણ છે. ખાતરી કરવી હોય તો સામા પવને સાયકલ ચલાવી જોજો; તમારો દમ ન નીકળે જાય તો અમે સ્વીકારીશું કે અમારી વાતમાં અસ્થમા નથી.

મસ્કા ફન

મંઝીલ તરફ નજર રાખી પેડલ માર્યા કરો,
પછી ભલે સાઈકલ સ્ટેન્ડ પર હોય!

Wednesday, May 31, 2017

શું તમે ભક્ત છો?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૩૧-૦૫-૨૦૧૭

Source: Foodiye
ભારત સંત, મહાત્મા અને ભક્તોનો દેશ છે. સંત જ્ઞાનેશ્વર, સંત કબીર, સુરદાસ, અખા ભગત, નરસિંહ મહેતા જેવા ભક્તોના નામ કોણે નહીં સાંભળ્યા હોય? જોકે હવે ભક્તિની પરિભાષા બદલાઈ છે. આજકાલ ભક્ત શબ્દ ખાસ સન્માનજનક રીતે નથી વપરાતો. ફિલ્મસ્ટારોમાં જેમ સુપરસ્ટાર પછી મેગાસ્ટાર અને મીલેનીયમસ્ટાર આવ્યા એમ અગાઉ ‘ચમચા’ તરીકે ઓળખાતી પ્રજાતિમાં વિશેષ યોગ્યતા મેળવનાર જાતકો ‘ભક્ત’ ની પદવી પામતા થયા છે. ચમચા જોકે વધુ પર્સનલ છે, જયારે ભક્ત અને એના સ્વામી વચ્ચે અંતર હોય છે. એ ભક્ત છે એની જાણકારી ભક્તના દુશ્મનોને હોય છે, પરંતુ જેની ભક્તિ કરે છે તેને હોય એવું જરૂરી નથી.

સુરદાસજી એ કૃષ્ણભક્તિમાં અનેક પદ લખ્યા છે જે આજે પણ અમર છે. અત્યારે ટૂંકાનું ચલણ છે. વસ્ત્રો સિવાયની બાબતોમાં પણ. એટલે ટ્વીટથી ભક્તિ અને ટ્વીટથી વિરોધ પ્રદર્શિત થાય છે. જે કહેવાનું હોય એ ટૂંકમાં કહી દેવું એ અત્યારની પેઢીની ખાસિયત છે. સુરદાસજીએ ‘મેં નહીં માખન ખાયો’ રચના આપણને આપી છે. આમાં કવિ કૃષ્ણનો બચાવ કરે છે, એટલી હદ સુધી કે છેલ્લે બધા એવીડન્સ કનૈયાની અગેન્સ્ટમાં હોવા છતાં યશોદા માની જાય છે કે ના બેટા, તે માખણ નથી ખાધું, કદાચ મેં જ પડોસણ ને આપી દીધું હશે કે માખણ બનાવ્યું જ નહિ હોય, અથવા તો કદાચ વાંદરા આવી ને લઈ ગયા હશે. અને તારા મોઢા પર ચોટ્યું છે એ માખણ છે એવું ખાતરીપૂર્વક કહી ન શકાય એના માટે પંચને પૂછવું પડે વિગેરે વિગેરે. એ જ સુરદાસજી અત્યારે ટ્વીટર પર હોત તો કેટલાક લોકોએ એમને પૂછ્યું હોત કે કૃષ્ણ ભક્તિમાં ઘેલા થઈ તમે સવા લાખ પદ લખ્યા પણ કૃષ્ણ ખરેખર મહાન હતા એના પુરાવા શું? એમણે કંસને હણ્યો એના વિડીયો ફૂટેજ છે કોઈ? મહાભારતમાં એમણે અર્જુનને સગાઓ સામે લડવા સુચના અપાઈ પરંતુ પોતે કેમ લડ્યા નહિ? શિશુપાલનો વધ કર્યો એ સુદર્શન ચક્ર આખું બોગસ વાત લાગે છે એવી કોઈ ટેકનોલોજી એ સમયે હોય તે વાત સાવ ગપગોળા લાગે છે. અને સુરદાસજીને કદાચ પોતાનું ટ્વીટર એકાઉન્ટ પણ ડીએક્ટીવેટ કરાવી દેવું પડત.

ભક્ત જયારે જયારે થયા ત્યારે ત્યારે એમની ભક્તિની પરીક્ષા થઈ છે. ભક્ત પ્રહલાદ, ભક્ત ધ્રુવ, મીરાબાઈ, નરસિંહ મહેતા એ તમામે કસોટીમાંથી પસાર થવું પડ્યું છે અને એ લોકો સફળતાથી પાર ઉતર્યા છે. આજકાલ સોશિયલ મીડિયા પર સરકારની કોઈ ઉપલબ્ધિના વખાણ કરે તેનું તાત્કાલિક ભક્ત તરીકે બ્રાન્ડીંગ થાય છે. ભક્ત જેટલો કટ્ટર એટલા એના વિરોધીઓ પણ વધુ. ‘ભક્ત’નું લેબલ ધરાવતા આવા લોકોને ઘેરીને એમના આરાધ્ય વ્યક્તિ વિશેષ વિષે વિવિધ પ્રશ્નો પૂછીને એમની ભક્તિની કસોટી કરવામાં આવે છે. ફિલ્મ રીલીઝ વખતે શાહરૂખ ઉર્ફે અમારા પ્રિય ‘જમરૂખ’ની નાટકબાજીને લઈને એના ભક્તોને સોશિયલ મીડિયા પર ઘેરીને એમની કસોટી કરવામાં આવે છે. આ એક પ્રકારની મોક-ફાઈટ છે જેમાં હારજીત જોયા વગર ઉભયપક્ષ ફક્ત લડવાનો આનંદ લેતો હોય છે. મા-દીકરો એકબીજાને ‘હત્તા હત્તા’ કરતા હોય એવું જ! ફક્ત આ હત્તામાં પ્રેમની બાદબાકી હોય છે.

ભક્તિનો માર્ગ એટલો સરળ નથી. હરિનો મારગ એ શૂરાનો મારગ ગણાય છે. એમાં મહીં પડવાનું મુખ્ય છે. જોકે ક્યાં પડવાનું છે એ બાબતે સ્પષ્ટતા નથી. કાઠીયાવાડીમાં જેને ઉંધેકાંધ પડવું કહે છે એ શ્રેષ્ઠ ગણાય છે. રાજકારણમાં આવા ભક્તો વધુ જોવા મળે છે. નેતાની ભક્તિ કરી કરીને સત્તાના કેન્દ્રની નજીક પહોંચી ગયેલા ભક્તો સસ્તાભાવે સરકારી જમીનો અને કરોડોના કોન્ટ્રકટથી લઈને બોર્ડ, કોર્પોરેશનો અને સરકારના જાહેર સાહસોમાં નિમણુક રૂપી ‘મહાસુખ’ માણતા હોય છે. આમાં ‘દેખણહારા’ એટલેકે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અથવા ટીવી ચેનલવાળા ‘દાઝે’ ત્યારે આવા ભક્તોની કસોટી થતી હોય છે.

ભક્ત ભક્તિ કરે પણ જેની ભક્તિ કરે છે તેના અવગુણ એના ધ્યાન પર આવતા નથી. હવે તો કોઈપણ જાતનો ગુણ ન હોય એવા લોકોના ભક્તો પણ મળી આવે છે. કદાચ આને જ નિર્ગુણની ભક્તિ કહેતા હશે. આવા ભક્ત આંખ બંધ કરે તો એમને માત્ર ભગવાન દેખાય છે. ટૂંકમાં તમે અમુક ચોક્કસ વ્યક્તિમાં રહેલી ખોટ, ખામી કે એબ જોયા વગર એને ચાહતા હોવ કે એના અનુયાયી હોવ તો તમે એ વ્યક્તિના ભક્ત ગણાવ. એનાથી વિરુદ્ધ જો તમને કોઈ એક વ્યક્તિની વાણી, વિચાર અને વર્તન સામે સખ્ત વાંધો હોય છતાં તમે એની સામે વ્યક્ત કરી શકતા ન હોવ તો તમે એક પતિ છો અને સામી વ્યક્તિના પ્રેમ ખાતર તમે આ બધું ચલાવી લ્યો છો. આ વિશિષ્ઠ પ્રકારની નિષ્કામ ભક્તિ છે જેમાં ફળની આશા રાખ્યા વગર સંપૂર્ણ રીતે સમર્પિત થઇ જવાનું હોય છે. પૂર્વાશ્રમમાં એટલે બ્રહ્મચર્યાશ્રમમાં સીમાપાર જઈને હેન્ડ પંપ ઉખાડીને દુશ્મનોને ફટકારવાની હામ ધરાવનારા ભડવીરોને અમે લગ્ન બાદ ડાકૂઓની જેમ શસ્ત્રો હેઠા મુકીને આત્મસમર્પણ કરતા જોયા છે. આ અહમ ઓગાળવાની વાત છે. ઈશ્વરની ભક્તિમાં પણ એ જ વાત છે ને? એટલે જ કહ્યું હશે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજયતે રમન્તે તત્ર દેવતા:’. જરૂર આ સૂત્રનો મર્મ પકડવાની છે. આ સૂત્રને સાચા અર્થમાં અમલમાં ન મૂકનારના જીવનમાં દેવતા મુકાઈ જાય છે.

મસ્કા ફન

પૂર્વગ્રહો સાથે જીવવું એ હેન્ડબ્રેક ચડાવેલી ગાડી ચલાવવા બરોબર છે.

Wednesday, May 24, 2017

પીન ચોંટી જાય ત્યારે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૪-૦૫-૨૦૧૭

ગ્રામોફોન વાપર્યું કે સાંભળ્યું હોય એમને ખબર હશે કે રેકર્ડ વગાડતી વખતે ઘણીવાર એની પીન ચોંટી જાય અને એકનો એક શબ્દ કે ગીતનો ટુકડો ફરી ફરી વાગ્યા કરે. એક જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસના કાર્યક્રમોમાં આવી રેકોર્ડ ઘણીવાર વાગતી. ગીત વાગતું હોય ‘તુને કાજલ લગાયા ...’ અને ‘કલ નહિ આના મુઝેના બુલાના ...’ પર પીન અટકે પછી દસવાર ‘કલ નહિ આના મુઝેના બુલાના ...’ વાગે. પછી એનાઉન્સરનું ધ્યાન જાય અને એ ટપલું મારે એટલે ‘અંબુઆ કી ડાલી પે ગાય મતવાલી ...’થી આગળ ચાલે. રેકર્ડમાં એટલું સારું હતું, બાકી કેસેટ આવી એમાં એકવાર ટેપ ગુંચવાય પછી એના તોરણો જ બને. કોમ્પુટર કે મ્યુઝીક પ્લેયર તો સીડીમાં ક્રેક કે સ્ક્રેચ પડે એટલે ઘરડા મા-બાપની જેમ એના અસ્તિત્વની નોંધ લેવાનું સાવ બંધ જ કરી દે. વ્યવહારમાં પણ એવું બનતું હોય છે કે લોકોની પીન એકવાર ચોંટે પછી ઉખડે જ નહીં. નેતાઓમાં કોકની ઈ.વી.એમ. ટેમ્પરિંગ પર તો કોકની દલિત પર, અભિનેતાઓમાં કોકની કિક પર તો કોકની કિસ પર, લેખકોમાં કોકની કૃષ્ણ પર તો કોકની સેક્સ પર, અને જનતામાં કોકની હરડે પર તો કોકની લીમડા પર, પીન એકવાર ચોંટે પછી ઉખડતી નથી. 
 
અમારા એક મુરબ્બીની પીન લીમડા ઉપર અટકેલી. એ લીમડાના એટલા મોટા ફેન કે ચૈત્ર મહિનામાં એમના ઘેર કોઈ મહેમાન તરીકે જવા તૈયાર ન થાય. જે આવે એને લીમડાના રસનો ગ્લાસ પકડાવી દે. એમના ઘરના કામવાળા સુધ્ધા કામ છોડીને નાસી જાય એવો એમનો લીમડા પ્રેમ. એમને જયારે ચિકુન ગુન્યા થયો ત્યારે મહિના સુધી કોઈને મોઢું દેખાડ્યું નહોતું. પણ અમે ફોન કરીને એમની ખાસ ખબર પૂછી હતી!

રેકોર્ડમાં એવું હોય કે એ ઘસાય એટલે પીન ચોંટે. જેટલો ઘસારો વધુ એટલી પીન વધુ ચોંટે. પણ માણસોમાં આવો ઘસારો ભૌતિક હોવો જરૂરી નથી. અમુક ઘસારા માનસિક હોય છે. માણસ સાથે કોઈ વિશ્વાસઘાત થાય કે મોટુ આર્થિક નુકશાન થાય અને એને લઈને ડાગળી ચસકે ત્યારે ઘણા કિસ્સાઓમાં પીન અટકી જતી હોય છે. નાના હતા ત્યારે અમારા વિસ્તારમાં બાબુલાલ નામના એક પાગલ આધેડ ફરતા. એમની પીન લાડવા ઉપર અટકેલી. જે મળે એની પાસે એ લાડવા માંગતા. આખા ગામમાં એ ‘બાબુ લાડવા’ તરીકે પ્રખ્યાત. એમની વિચિત્ર બાબત એ હતી કે એ કોઈની પાસે લાડવા માંગે અને સામેવાળો ભૂલથી એની પાસે કંકોતરી માંગે એટલે બાબુલાલની છટકતી. હાથમાં પથ્થર લઈને બાબુલાલ એ કંકોતરી માગનારને રીક્ષાના મીનીમમ ભાડા જેટલું દોડાવતા. વાયકા એવી હતી કે બાબુલાલના લગનના લાડવા બની ગયા હતા એ સમયે જ કન્યા બીજા સાથે ભાગી ગયાના સમાચાર આવેલા અને બાબુલાલ સુધબુધ ખોઈ બેઠેલા. લગભગ ત્રણેક મહિના સુધી મૌન રહ્યા પછી એક દિવસ બાબુલાલ બોલ્યા ‘લાડવા આલો ને ...’. બસ, પછી એ એમનો તકિયા કલામ બની ગયેલો.

તકિયા કલામ અથવા Catchphrase પોતે જ એક પ્રકારની અટકેલી પીન ગણાય. કેટલાક કવિઓ અમુક ચોક્કસ કેન્દ્રવર્તી વિચારની આસપાસ જ લખતા હોય છે. જેમ કે મૃત્યુ, પ્રેમ કે પછી રાધા-કૃષ્ણ. જ્યારે ઘણા કવિઓની પીન ટહુકા કે મોરપીંછ પર અટકેલી હોય છે. એ સહરાના રણ ઉપર કવિતા લખે એમાં પણ ટહુકો આવે આવે ને આવે જ! હિન્દી ફિલ્મોના આવા તકિયા કલામ જાણીતા છે. મુગેમ્બોનો તકિયા કલામ હતો ‘મુગેમ્બો ખુશ હુઆ.’ ધર્મેન્દ્રની પીન ‘કુત્તે કમીને મૈ તેરા ખૂન પી જાઉંગા’ પર અટકેલી. ગબ્બર સિંઘની પીન રામગઢ પર અટકેલી હતી. સેટમેક્સ ચેનલની પીન સૂર્યવંશમ પર અટકેલી છે. રાજકાણીઓમાં સ્વ. રાજીવ ગાંધીની પીન ‘હમેં દેખના હૈ..’ પર અટકતી. કેજરીવાલની પીન ‘સબ મિલે હુએ હૈ’ પર અટકેલી છે. અને આપણા સાહેબ જ્યારે બોલે કે ‘મેરે પ્યારે દેશવાસિયો...’ ત્યારે આજે પણ દેશવાસીઓના પેટમાં ફાળ પડે છે.

ગુજરાતી લેખકોની પીન મોટે ભાગે ‘હું’ પર અટકે છે. કોકના બેસણામાં પણ પોતાની જ વાતો કરે. થોડી વધારે ઘસાય એટલે આવી પીનો ‘હું સાચો’ પર અટકી જાય છે. પાછું પોતે એમ સમજતા હોય કે ‘હું મારા નિર્ણયો અને વિચારો પર અડગ છું’. એલેકઝાન્ડર હર્ઝ્નના કહેવા મુજબ આવા લોકો મડદા જેવા હોય છે, એમના ટુકડા કરી શકાય પણ એમને કન્વીન્સ ન કરી શકાય!

રાજકારણીઓ, ફિલ્મ કલાકારો અને ખેલાડીઓની કૃપાથી આજકાલ સોશિયલ મીડિયા ધમધમે છે. સોશિયલ મીડિયામાં દરેકની પીન ક્યાંક ને ક્યાંક અટકતી હોય છે. કોઈ ચોક્કસ વિષય કે ઘટના પર સામુહિક રીતે પીન અટકે એને ‘ટ્રોલિંગ’ કહે છે. તાજેતરમાં જ ટ્વિટરબાજીમાં કોઈએ સોનું નિગમનું માથું મુંડી આવનારને દસ લાખ રૂપિયા ઇનામ આપવાનું જાહેર કર્યું. તો સોનું નિગમે જાતેજ માથું મૂંડાવીને દસ લાખ રૂપિયાની માગણી કરી​!​ હવે કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો!​ ​સામેવાળી પાર્ટી ‘સોનુ એ બધી શરતો પૂરી કરી નથી’ એમ કહીને ફરી ગઈ! ટૂંકમાં સોનુની એ હાલત થઇ કે ‘બકરે કી જાન ગઈ ઔર ખાનેવાલે કો મજા ન આયા’!! પણ આ મુંડનના દસ લાખે સોશિયલ મીડિયાના ત્રણ દિવસ ટૂંકા કરી આપ્યા.

વારેઘડીયે પીન ચોંટતી હોય તો રેકર્ડ બદલવા સિવાય કોઈ ઉપાય નથી હોતો. પરંતુ માણસ બદલી શકાતો નથી. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. રેકોર્ડ જે જમાનામાં વપરાતી એ સમયના જાણીતા વિલન પ્રાણની પ્રકૃતિ જોકે જાતજાતના રોલ કરવાની હતી, એટલે દરેક ફિલ્મમાં ગેટઅપ બદલ્યા કરતા. અમે તો માનીએ જ છીએ કે બદલી શકાતું હોય એ બધું બદલી નાખવું જોઈએ. જોકે તમે જે ઇચ્છતા હશો એ બદલવું એટલું સહેલું નથી, ખાસ કરીને હિંદુ ધર્મમાં, એ સૌ જાણે છે.

મસ્કા ફન

માણસને પોતાના નસકોરાં સંભળાતા નથી.

Wednesday, May 17, 2017

વાયરા વણજોઈતા વાઇરસના

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૭-૦૫-૨૦૧૭

દેશ વિદેશના લાખો કમ્પ્યુટરને એક વાઈરસ દ્વારા હાઈજેક કરવામાં આવ્યા છે. કમ્પ્યુટરોમાં સંગ્રહ કરેલી લાખો ફાઈલોને લોક કરી દેવામાં આવી છે. રૂપિયા આપો તો તાળું ખુલે નહીતર કોમ્પ્યુટરમાં રહેલી માહિતી કાગળ નહીં પણ વર્ચ્યુઅલી હવા થઇ જાય. આ સાયબર ખંડણી પાછી પૈસાથી ખરીદેલા ભેદી ડીજીટલ બીટ-કોઈનના સ્વરૂપે આપવાની છે. ભેદી એટલા માટે કે બીટકોઈનની આપ-લેને નિયંત્રણમાં રાખવા માટે કોઈ સત્તાવાર તંત્ર નથી. એટલે સુધી કે આ બીટ-કોઈનનો શોધક સતોશી નાકામોટો નામના શખ્શની સાચી ઓળખ કરવાની પણ બાકી છે. છતાં આખું તંત્ર ૨૦૦૯થી ચાલે છે! એક સમયના ખેતીપ્રધાન દેશના કમ્પ્યુટર નિષ્ણાતો સમસ્યાનો હલ શોધવામાં લાગ્યા છે. આવી જ રીતે આપણી જીંદગીમાં પણ ઘણા વાઈરસ આપણી જાણ બહાર ઘુસી જાય છે, જેને કાઢવા માટે મોટી કિંમત ચૂકવવી પડે છે. તમાકુ અને ધુમ્રપાન આમાં ટોચ પર છે.

વાઈરસ એ છે જે તમારે જાપાન જવું હોય અને ચીન પહોંચાડી દે. એને વ્યાખ્યામાં બાંધવો મુશ્કેલ છે. તાત્ત્વિક રીતે વાઈરસ એટલે ફ્રી સોફ્ટવેર સાથે ડાઉનલોડ થતો કોસ્ટલી કચરો. એટલે એક રીતે જોઈએ તો વાઈરસ એટલે પતિ સાથે મફત મળતા સાર વગરના સાસરીયા કહી શકાય. બાય વન ગેટ મેની ફ્રી! વાઈરસ એટલે ચોપરાની ફિલ્મમાં જોવા મળતો ઉદય ચોપરા અને એકતા કપૂરની ફિલ્મમાં જોવા મળતો તુસ્સાર કપૂર. વાઈરસ એટલે કોયલના માળામાં ઉછરતા કાગડાના બચ્ચા. વાઈરસ એટલે પુસ્તકમેળામાં જોવા મળતા કેરિયર કાઉન્સેલિંગના સ્ટોલ. વાઈરસ એટલે સાહિત્યકારોના પ્રવચન વચ્ચે નેતાનું ભાષણ. જેમ મેટ્રીમોની સાઈટ પર પ્રોફાઇલમાં કાચો કુંવારો લખ્યું હોય એવો પરપ્રાંતીય છોકરો પરણ્યા પછી અગાઉ પરણેલો નીકળે એમ વાઈરસ ઘણીવાર નિર્દોષ દેખાતી કોમ્પ્યુટર ફાઈલના સ્વરૂપે હોય છે જેને ખોલ્યા પછી એ પોતાનું પોત પ્રકાશે છે. આવા વાઈરસ વણજોયતા જ હોય.

પ્રેમની જેમ વાઈરસ એ અનુભૂતિનો વિષય છે. જે રીતે ગુજરાતી સુગમ સંગીતના સંચાલકો સત્તાવનમી વાર ‘સાંવરિયો ...’ અને અઠ્ઠાણુમી વાર ‘આંખનો અફીણી...’ ગીતને રજુ કરતી વખતે થાક્યા વગર અલગ અલગ રીતે બોલી શકે છે, એમ જ એ જો વાઈરસ વિષે વાત કરે તો એમ કહે કે વાઈરસ એ વા વગર ફેલાતો એવો રસ છે જે પીને મદમસ્ત થવાને બદલે ત્રસ્ત થઈ જવાય છે. બીજો એમ પણ કહે કે વાઈરસ એટલે વાય-રસ, અંગ્રેજી કક્કો-બારાખડીમાં આવતો છેલ્લેથી બીજો આવતો ‘વાય’ નામનો દસમો અળખામણો રસ. તો કોઈ સાઉથ-વેસ્ટ ગુજરાતમાં વસતા લેખકડાને જો વાઇરસનું રસદર્શન કરવાનું કહેવામાં આવે તો એ એમ કહે કે કમ્પ્યુટરની (જો તમને વાપરતા આવડતું હોય તો) માયાવી સેન્સરમુક્ત દુનિયામાં અડાબીડ ઉગેલા વેબજાળાની વેવલા બિરાદરો દ્વારા થતી લાળઝાંણ મુલાકાતપશ્ચાત આવતા કુંવારી કોડભરી કેરેબિયન કન્યાઓના લસ્ટફુલ ઇન્વીટેશન ઉપર જયારે ક્લિક કરવાના અભરખા જાગે ત્યારે જંક જાહેરાતો જ્યાં ત્યાં દેખા દે અને ઓપરેટીંગ સીસ્ટમ વિદેશી સ્કી-ફી ફિલ્મોમાં બતાવતી કોમ્પ્લેક્સ કરામતો વગર મહેનતે કરી બતાવે એવી અત્યારના યુવાધન જેવી બિન્દાસ અને બીસ્ટફૂલ અવસ્થાના સર્જક એટલે વાઈરસ. વાતમાં ટપ્પો ના પડ્યો ને? અમને પણ નથી પડ્યો. અહીં વાત વાઇરસની છે. તમે શું સમજ્યા? લેખકોનું કામ છે એટલે એ લખે. આપણે એમાં ઊંડા ઉતરવા જઈએ તો આપણા મગજમાં ‘વિચાર વાઈરસ’ લાગી જાય.

વગર નિમંત્રણે ટપકી પડતો હોઈ વાઇરસને અતિથી કહેવાનું મન ગમે તેને થાય. એ કહીને નથી આવતો એ એની ખાસિયત છે. અતિથી બહુ ઓવરરેટેડ શબ્દ છે. કાઠીયાવાડમાં અતિથિનો મહિમા ગાતાં જેટલા ગીતો છે એટલા જ આપણે ત્યાં મહેમાન વિશેના જોક્સ પણ ચાલે છે; ખાસ કરીને જામી પડેલા મહેમાનો ઉપરના. આપણા આંગણીયા પૂછીને કોઈ આવે તો એને આવકારો દેવાના ગીતો લખવા એક વસ્તુ છે પણ એવા અતિથી તમારા કમ્પ્યુટરમાં ઘૂસીને ડેટાની ડસ્ટ કરી નાખે તેનું ચાંદલા કરીને સ્વાગત કરવાને બદલે એન્ટીવાઈરસ વડે કચુમ્બર કે સીઝન છે એટલે છૂંદો જ કરવો વધુ યોગ્ય છે. પણ એમ વાઇરસને પકડીને ધોઈ નાખવો એ રીંગણના લીસ્સા ચમકદાર ભુટ્ટાને સાફ કરવા જેટલું સરળ નથી હોતું.

વાઈરસ મહેમાનની જેમ જતા જતા છોકરાને વીસ કે પચાસની નોટ પકડાવીને નથી જતો, એ તો પડ્યો પોદળો ધૂળ લઈને જ ઉખડે એમ કાઢતી વખતે એ યજમાનને ખર્ચ ક્યાં તો નુકસાન કરાવીને જાય છે. એક રીતે જુઓ તો વાઈરસ એ વોટ્સેપ ગ્રુપમાં રાત-દિવસ જોયા વગર જુના, લાંબા, ચવાઈ ગયેલા, બાલીશ ફોરવર્ડઝની ઝાડી વરસાવતા નવરા વડીલ જેવા હોય છે. એ તમારી નજર હેઠળ એમનો કારોબાર ચલાવતા હોય છે. જેમ કોમ્પ્યુટર વાઈરસ ફાઈલની સાઈઝ વધારી દેતા હોય છે એમ એ તમારા મોબાઈલનું સ્ટોરેજ એમના જંક મેસેજીસથી ભરવું એમની ફિતરત છે. પણ વોટ્સેપ ગ્રુપમાં મેસેજરૂપી વ્હાલ વરસાવતા વડીલની જેમ વાઈરસનો કોઈ ઈલાજ નથી. કારણ કે વાઈરસ છે તો એન્ટીવાઈરસ કંપનીઓનો ધંધો છે !

ધંધામાં સદા અગ્રેસર ગુજરાતીઓ વાઈરસ નામના પ્રોબ્લેમને ઓપોર્ચ્યુનિટીમાં ફેરવી નાખવા વાઇરસના નામ ગુજરાતી ફિલ્મ ટાઈટલમાં વાપરે તો? તો આપણ ને અગામી વર્ષમાં ‘વાયરા વણજોયતા વાઈરસના’, ‘વાઈરસના રસ પીધા મેં જાણી જાણી’, ‘વાંકાનેરનો વાઈરસ’, ‘વિસામા વાઈરસ વગરના’ તો અર્બન ગુજરાતી ફિલ્મ સમાજ ‘બ્રાઈટ સાઈડ ઓફ વાઈરસ’, ‘કેવી રીતે કાઢીશ વાઈરસ’ અને ગુજરાતી નાટકમાં ‘વાઈફ નામે વાઈરસ’ કે ‘ગુજ્જુભાઈએ વાઈરસ ભગાડ્યા’ સાંભળવા ના મળે તો જ નવાઈ!

મસ્કા ફન
હંસા : પ્રફુલ વોટ ઈઝ વાયરસ ?

પ્રફુલ : વાયરસ હંસા, તું રોજ રોજ રસ રોટલી બનાવે તો બાપુજી કંટાળી ને શું કહે છે?

હંસા : વ્હાય રસ ? વાય રસ ? .... અહં ...

Wednesday, May 10, 2017

લગ્નપ્રસંગની ભેટ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૦-૦૫-૨૦૧૭

લગ્નપ્રસંગે કન્યાને શું ભેટ આપવી એ મૂંઝવણનો મધ્યપ્રદેશના મંત્રી ગોપાલ ભાર્ગવે અંત લાવી દીધો છે. એમણે એક સમૂહ લગ્નમાં કન્યાઓને જેના ઉપર ‘શરાબીઓને સીધા કરવા માટે ભેટ’ છાપેલું હોય એવા લાકડાના ધોકા ભેટ આપ્યા છે. ઉપરથી આશ્વાસન પણ આપ્યું છે કે તમે આનો ઉપયોગ તમારા શરાબી પતિની ધોલાઈ માટે કરશો તો પોલીસ તમને નહીં પકડે. સૌ જાણે છે કે પોલીસ પાસે ક્યાં ઓછા કામ છે કે એ કોઈના ઘરેલું મામલામાં દખલ કરે? એમાય કયો દારુડીયો પતિ ફરિયાદ કરવા જવાનો છે કે મારી પત્ની ધોકાથી મારી ધોલાઈ કરે છે, અને એ પણ પાણી નાખ્યાં વગર? જોકે મધ્યપ્રદેશમાં થયું તેવું ગુજરાતમાં થઈ શકે તેમ નથી. કારણ કે આપણે ત્યાં દારૂડિયા પતિ થીયોરેટીકલી એક્ઝીસ્ટ કરતા નથી. આપણે ત્યાં દારૂબંધી છે ને એટલે. આમ છતાં ગુજરાતી પતિઓ સીધા કરવાને લાયક છે જ એમાં કોઈ બેમત નથી. અહીં કવિ સ્ત્રી વાચકોની સહાનુભુતિ ઉઘરાવી રહ્યા છે એમ સમજવું! 
 
Add caption
તુલસીદાસજીએ પતિને મારવા માટે ધોકો વાપરવો કે નહીં તે અંગે કંઈ લખ્યું નથી. પરંતુ આપણે ત્યાં સીતાજી લવિંગ કેરી લાકડીથી રામને મારે છે, અથવા તો વેર વાળે છે એવા ગીત લખાયા છે. અહીં લવિંગ એ પ્રતિક છે. આપણે ત્યાં લવિંગ વઘારમાં નખાય છે. ગુજરાતી મિડલક્લાસ પતિ સાથે વેર વાળવા માટેનો સૌથી સરળ ઈલાજ એના જીભના ચટાકાને કાબુમાં લેવાનો છે. જો પતિ બહુ ઉછળતો હોય તો દાળમાં મીઠું સહેજ વધારે કે ‘ટામેટા ખલાસ થઈ ગયા છે, અને આંબલીથી મમ્મીને સોજા આવે છે’ પ્રકારની ઘીસીપીટી દલીલ કરીને ભલીવાર વગરની દાળ પધરાવી દેવાનો ઉપાય વર્ષો જૂનો અને હજુપણ અકસીર છે. ટૂંકમાં ગુજરાતી સ્ત્રીઓએ ધોકાવાળી કરવાની જરૂર નથી. આમેય ગુજરાતીઓની છાપ મારામારી કરનારી નથી. આપણી આઈપીએલમાં આપણી ટીમ હોઈ શકે, કારણ કે એમાં કમાણી છે, પરંતુ લશ્કરમાં આપડી અલગ બટાલીયન ન હોય.

ગાંધીનું ગુજરાત શાંતિપ્રિય રાજ્ય તો છે જ સમૃદ્ધ પણ છે, અહીં ઘેરઘેર વોશિંગમશીન આવી ગયા છે. ધોકો હવે મિડલકલાસના લોકો પણ નથી વાપરતા. એટલે ધોકો આપવાનો સવાલ નથી થતો. તો પછી એવું શું આપી શકાય કે જે આપાતકાલીન પરસ્થિતિમાં કામમાં આવે? અમને લાગે છે કે આજકાલ પતિ-પત્ની વચ્ચે સંવાદનું પ્રમાણ ઘટી ગયું છે. એ માટે સ્માર્ટ ફોન જવાબદાર છે. આવું ન બને એ માટે કન્યાને શોર્ટ રેન્જ મોબાઈલ જામર સાથેનું મંગલસૂત્ર ભેટ આપી શકાય. આ મંગલસૂત્ર એવું હોય કે પત્નીની પાંચ મીટરની ત્રિજ્યામાં પતિ પ્રવેશે એટલે એનો મોબાઈલ જામ થઇ જાય. જોકે પતિઓ પણ આવું ડીવાઈસ લઈ આવે તો શું કરવું, એ વિષે વિચારવું પડે.

આપણે ત્યાં પુરુષોમાં દારૂ કરતા મોટી બદી માવા-ફાકી-ગુટખાની છે. તમાકુની લતમાં પૈસા સાથે માણસ સ્વાસ્થ્ય પણ ગુમાવે છે. પુરુષ પ્રધાન સમાજમાં જ્યાં દરેક બાબતમાં પતિને પૂછીને આગળ વધવાનું હોય ત્યાં મોમાં માવો દબાવીને બેઠેલા માટીડાના જવાબો લકવાના પેશન્ટ જેવા અસ્પષ્ટ હોય એમાં નવાઈ નથી. પેલી પૂછે કે –

‘તમારી પાસે ત્રણેક હજાર રૂપિયા હશે?’

પેલો માવાનો કોગળો કરતો હોય એવા અવાજે વળતું પૂછશે,

‘ટન હજાર ળુપિયાનું તાળે હુ કામ હે?’

‘હેં?’ નહિ સમજાય એટલે પેલી પૂછશે

‘ટન હજાર ળુપિયાનું હુ કળીસ?’

‘સાડી લેવી છે.’

‘પન ચાળ મહિના પેલા ટો કિશોળના લદનમાં ટન સાળી લીધી હે. ફળી હુ કામ ખળચો કળવો હે’ ઉશ્કેરાટમાં રેલા ઉતરતા મોઢે પેલો બરાડશે.

છેલ્લે પેલી ‘ભૈસાબ તમે પહેલા તો માવો થુકી આવો અને પછી વાત કરો’ કહીને વાતનો અંત લાવવા મજબૂર થશે. એને પણ શર્ટ અને સોફાના કવર બગાડવાની ચિંતા પણ હોય ને! આવા કિસ્સાઓમાં લગ્ન વખતે કન્યાને સરકાર તરફથી ચ્યુંઈંગમની બરણીઓ આપવી જોઈએ. ના. એના પતિને માવાની તલબ લાગે ત્યારે ખાવા માટે નહિ પણ પેલો માવાબાજ સુતો હોય ત્યારે ચાવેલી ચ્યુંઈંગમ એના વાળમાં અને એની મર્દાનગીના પ્રતિક સમી મૂછોમાં ચોંટાડવા માટે! પછી ભલે એ મહિના સુધી આખા ગામને ‘કોણ મરી ગયું?’ના જવાબો આપતો ફરે!

જેને ઊંઘમાં નસકોરાં બોલાવવાની ટેવ હોય એવા પતિના નાક ઉપર લગાડવા માટે કપડા સુકવવાની કલીપો પણ આપી શકાય. સવારના મોડા સુધી ઘોર્યા કરતા કુંભકર્ણના કઝીનોને ઉઠાડવા માટે ‘સ્નૂઝ’ બટન વગરના અનબ્રેકેબલ એલાર્મ ઘડિયાળો પણ આપી શકાય. જુઠ્ઠાડા પતિઓ માટે કોઈ ખાસ લાઈડિટેકટર મશીન ભેટ આપવાનો આઈડિયા તમારા મગજમાં આવશે. પરંતુ સ્ત્રીઓને જુઠ પકડવાની કુદરતી બક્ષિસ આપી છે એટલે એનો ખર્ચો કરશો તો મશીન ઘરમાં ધૂળ ખાશે. દિવસો સુધી એકનું એક ગંજી કે પેન્ટ પહેરીને ફરતા એદી અને અઘોરી પ્રકૃતિના પતિદેવો એ ગાભાને જાતેજ એને ધોવા નાખી દે એવો કારસો કરવા માટે કરિયાવરમાં સિંદૂર સાથે કુવેચ એટલે કે ખુજલી પાવડરની ડબ્બી પણ આપી શકાય. જોકે આ કિસ્સામાં પછી એ પોર્ટેબલ ઉકરડાને હેન્ડલ કરવા માટે ચીપિયો અને ગ્લવ્ઝ પણ આપવા પડે.

આ તો જસ્ટ થોડુ ચખાડ્યું. બાકી અમારી પાસે પતિ નામના પ્રાણીને કાબુમાં રાખી શકાય એવી વસ્તુઓનું લાંબુ લીસ્ટ છે અને કોઈ પૂછે તો વિના મુલ્યે કિસ્સા આધારિત કન્સલ્ટન્સી સર્વિસ આપવા અમે તૈયાર છીએ. પણ કોઈ અમને પૂછે તો ...

મસ્કા ફન
દીકરીને પૂછડું આમળતા બરોબર શીખવાડ્યું હોય તો પોંખતી વખતે જમાઈનું નાક ખેંચવાની જરૂર નથી.

Wednesday, May 03, 2017

રહસ્યોની રહસ્યમય દુનિયા


 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૩-૦૫-૨૦૧૭

છેક ૧૯૪૦ની સાલથી ખોરાક અને પાણી વગર જીવી રહેલા પ્રહલાદ જાની કે જે માતાજી તરીકે જાણીતા છે એ વિજ્ઞાન માટે પણ એક કોયડારૂપ છે. ખોરાકની વાત તો જવા દો, ખાલી પાણી વગર પણ જો આપણે ચાલતું હોત તો પટાવાળાની હજારો પોસ્ટ ફાજલ થાત. બીજો કિસ્સો કેરાલાના એક ગામનો છે જેનું નામ છે કોડીન્હી. આ ગામની વસ્તી ૨૦૦૦ છે પણ એમાં ૨૦૦ જેટલા તો જોડિયા છે. એટલે આ ગામનું નામ પડ્યું છે ટ્વીન વિલેજ. છે ને અચરજ ભર્યું? કેટલા કન્ફયુઝન થતા હશે આ ગામમાં? અમને તો ટીચર્સનો વિચાર આવે છે કે હાજરી પુરતી વખતે રમેશ હાજર છે કે સુરેશ એ નક્કી કરવું કેટલું અઘરું પડતું હશે?? એવી જ રહસ્યમય ઘટના આસામના જાતીંગા ગામમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ આપઘાત કરે છે એની છે. જોકે હજુ સુધી આપઘાત માટે કેન્દ્ર સરકારને જવાબદાર નથી ઠેરવી એ ગનીમત છે. કદાચ આપઘાત વર્ષોથી થતા આવે છે એ જ કારણ હશે.

આથી જુદા, એક ફિલ્મના સસ્પેન્સ માટે છેલ્લા વરસથી આખું ભારત ગાંડું થયું છે. એ રહસ્ય છે કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા? આ રહસ્ય વિષે અનેક તર્ક, વિતર્ક, કુતર્ક, સુતર્ક અને અંતે અતિતર્ક થઇ ચૂકયા છે જે દર્શાવે છે કે ભારતમાં બેરોજગારી કેટલી છે. ઓફીસના સમય દરમિયાન થતી આ પ્રવૃત્તિ માટે કામચોરી પણ જવાબદાર છે. મહિલાઓ પણ આ તર્કમાં જોડાઈ છે, જે સ્ત્રી-પુરુષ સમાનતા દર્શાવે છે. બાળકો જોકે હોબી અને ટ્યુશન ક્લાસમાંથી નવરા નથી પડતા એટલે એમણે આ ચર્ચામાં ઝંપલાવ્યું નથી. અમને આ રહસ્ય અંગે જોકે લેશમાત્ર ઉત્કંઠા નથી એટલે અમે અમારી તર્કની તલવાર મ્યાન જ રાખી છે. આમ પણ અમે અમદાવાદી છીએ એટલે કટપ્પા નવરો બેઠો માખીઓ મારે કે બાહુબલીને મારે, આપણે કેટલા ટકા?

ફિલ્મના સસ્પેન્સ માટેની પ્રજાની દીવાનગી આજની નથી. આજે તો ‘ફિલ્મ’ ઈન્ટરનેટ કે સેટેલાઈટ મારફતે સીધી જ પ્રોજેક્ટર પર અપલોડ કરી દેવામાં આવે છે પણ વર્ષો પહેલા ફિલ્મના રીલ ડબ્બામાં આવતા. લોકોને ફિલ્મ કેટલા રીલની છે એ જાણવાનું કુતૂહલ રહેતું. સોળથી અઢાર રીલની ફિલ્મમાં છેલ્લું રીલ અગત્યનું રહેતું. સામાજિક ફિલ્મમાં છેલ્લે ઘીના ઠામમાં ઘી પડ્યું રહેતું અને કુટુંબને કિલ્લોલ કરતું બતાવતા. લવ-સ્ટોરીમાં છેલ્લા રીલમાં અમીર-ગરીબ, ઊંચ-નીચના ભેદ ભુલાવીને પ્રેમીઓ મળી જતા કે પછી અકડુ બાપ પોતાની દીકરીને ‘જા સીમરન જા ..’ કહીને ચાલુ ગાડીએ ચઢવા ધકેલી દેતો. કવચિત પ્રેમી પંખીડા ફાની દુનિયા છોડી જતા. એક્શન ફિલ્મોમાં છેલ્લે મારામારી આવતી અને નાનપણમાં અમે છેલ્લા રીલની રાહ જોઇને બેસતા. સસ્પેન્સ થ્રીલરમાં પંદરથી સત્તર રીલમાં ખૂન, કાવતરા કે અગોચર ઘટનાઓની શૃંખલાથી રહસ્યની જમાવટ કર્યા બાદ છેલ્લા રીલમાં રહસ્ય ખુલતું ત્યારે જેના ઉપર ઓછામાં ઓછી શંકા આવે એવું પાત્ર અપરાધી નીકળતું. આ ફોર્મ્યુલાઓ કાયમી હતી પણ શી ખબર કેમ પણ હરખપદૂડી પબ્લિક ચારચાર વાર ફિલ્મો જોતી; જાણે એન્ડ બદલાઈ જવાનો હોય!

જોકે રહસ્યો પામવા માટેના કુતૂહલે માનવ જીવનમાં ક્રાંતિ આણી છે એ નિર્વિવાદ સત્ય છે. આ જ કુતૂહલે ન્યુટનને ગતિના નિયમો, અઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ અને આર્કિમીડીઝને તારક્તાના નિયમો શોધવા પ્રેર્યા હતા. આમ છતાં પણ બ્રહ્માંડના અસંખ્ય રહસ્યો હજી વણઉકલ્યા છે. એક સવાલ અમને પણ વર્ષોથી મૂંઝવે છે કે જો ગંજીમાં પડેલું કાણું ગંજીના જેવડું જ હોય તો તમે પહેર્યું શું કહેવાય? કદાચ બ્લેક હોલની જેમ ગંજીમાંનું હોલ પણ એની આસપાસના કપડા રૂપી પદાર્થનું ભક્ષણ કરતું હોઈ શકે. ખેર, બ્લેક હોલનું રહસ્ય ખબર પડશે ત્યારે ગંજીનાં કાણાના રહસ્યનો પણ ઘટસ્ફોટ થઇ જશે. આવો જ પ્રશ્ન કાદર ખાને ફિલ્મ ‘જુદાઈ’માં પરેશ રાવલને પૂછ્યો હતો કે ‘એક કૂત્તા ચાર કિલો મીઠાઈ ખા ગયા. ફિર ઉસકા વજન કિયા ગયા તો ચાર કિલો હી નિકલા. તો બતાઓ કી મીઠાઈ મેં સે કૂત્તા કહાં ગયા?’ અને એ રહસ્યનો ભેદ આજ સુધી કોઈ પામી શક્યું નથી.

હવે તો ગુગલ દરેક વસ્તુના સાચા-ખોટા જવાબ શોધી આપે છે બાકી આપણી જીંદગીમાં નાના-મોટા કેટલાય પ્રશ્નો રસ્સ્ય બનીને આપણા મગજમાં આંટા મારતા હોય છે. જેમ કે ‘ડોકટરો ઓપરેશન કરતી વખતે માસ્ક કેમ પહેરે છે?’ જોકે અમને આનો જવાબ ખબર છે. ડોકટરો એ કારણથી માસ્ક પહેરે છે જે કારણથી લુટારુઓ બેંક લુંટતી વખતે બુકાની બાંધે છે. એવું જ એક બીજું રહસ્ય લગ્નવિધિ દરમિયાન પુરુષ ડાબી તરફ અને સ્ત્રી જમણી બાજુ બેસે એનું છે. છે જવાબ? હા છે, પુરુષ પાકીટ જમણા ખીસામાં રાખે છે એટલે સેરવવામાં સુગમતા રહે એ માટે. ડુંગળી સમારતા આંખમાં પાણી કેમ આવે છે એ રહસ્ય તો વિજ્ઞાને ઉકેલી કાઢ્યું છે પરંતુ સ્કુલે જતા છોકરાની આંખમાં પાણી આવે છે પરંતુ કોલેજ જતા નથી આવતું એ રહસ્ય વિષે કોઈ સંશોધન નથી થયું.

Source: Hubpages
એક સીરીયલ વિશેનું રહસ્ય પણ આજ સુધી અકબંધ છે. આજથી બરોબર વીસ વર્ષ પહેલા, ૨૯ એપ્રિલ ૧૯૯૭ના રોજ જેનો પાઈલોટ એપિસોડ રજુ થયો એ સીરીયલ ‘સી.આઈ.ડી.’ના આશરે ૧૪૨૦ એપિસોડમાં દરેક ગુના પાછળનો ભેદ સફળતા પૂર્વક ઉકેલનાર એ.સી.પી. પ્રદ્યુમનને હજી પ્રમોશન નથી મળ્યું અને એ હજી એ.સી.પી જ છે. સીનીયર ઇન્સ્પેક્ટર દયા આટલો સીનીયર હોવા છતાં એને પણ પ્રમોશન નથી મળ્યું એ વાત જવા દઈએ તો પણ એને દરવાજા તોડવા માટેના આધુનિક સાધનો કેમ નથી આપવામાં આવ્યા એ રહસ્ય પણ હજી વણઉકલ્યું છે ત્યાં વળી આ કટપ્પાની બબાલમાં કોણ પડે?

મસ્કા ફન
ભટકતા આત્માને ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી.

Wednesday, April 26, 2017

ડોન્ટોપેડાલોજી એટલે બફાટનું સાયન્સ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૬-૦૪-૨૦૧૭
એન્ડી વોરહોલ કરીને એક અમેરિકન આર્ટીસ્ટ થઇ ગયા જેમણે કળા, સેલિબ્રિટી કલ્ચર અને વિજ્ઞાપન વિષય પર કામ કર્યું છે. એમનું એક ફેમસ ક્વોટ છે કે ‘ભવિષ્યમાં દરેક માણસ પંદર મિનીટ માટે વર્લ્ડ ફેમસ બનશે’. અત્યારે ભારતમાં જ લાખોની સંખ્યામાં આવા સોશિયલ મીડિયા સેલીબ્રીટીઝ છે જે એક ટ્વીટ કે પોસ્ટને કારણે ફેમસ થયા હોય. બાકીના કેટલાય પોતાના પતિ, પત્ની, મા-બાપને કારણે જાણીતા થયા હોય. પરંતુ આપણે આવા પંદર મિનીટ ફેમ વાળા નહીં, ગણમાન્ય સેલીબ્રીટીઝની વાત કરવાની છે જેમના બફાટ વડે આપણને કોમેડી શો કરતાં વધારે મનોરંજન મળે છે. તણાવભરી આ જીંદગીમાં આવા સેલીબ્રીટીઝ સ્ટ્રેસબસ્ટર તરીકે કામ કરે છે. આમિરની ફિલ્મ જોવા સાડી ત્રણસો રૂપિયાની ટીકીટ લેવી પડે છે, પરંતુ ૧૫-મિનીટ સેલિબ્રિટી કિરણનો બફાટ મફતમાં સાંભળવા મળે છે. પૃથ્વી પરથી ડાયનોસોર કે ગોલ્ડન દેડકા લુપ્ત થઈ ગયા છે, પણ બફાટ કરતા સેલીબ્રીટીઝ ક્યારેય લુપ્ત નહીં થાય એટલું આશ્વાસન છે. 
 
સેલિબ્રિટી અને બફાટ વચ્ચેનો સંબંધ લેંઘા-નાડા જેવો છે. લેંઘા વગરના નાડા ન હોય, એમ બફાટ વગર સેલિબ્રિટી પણ ન હોય. શાહરૂખ, સલમાન, આમીરથી માંડીને સોનમ કપૂર સુધીના દાખલા તો ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી મળી આવશે. વર્ષો પહેલા ગાવસ્કરે હિન્દી ફિલ્મો માટે ‘મેડ બાય એસીઝ, ફોર ધ માસીઝ,’ કોમેન્ટ કરી હતી. હિન્દી ફિલ્મોના હીરો-હિરોઇન્સ વર્ષોથી બાફતા આવ્યા છે. હમણાં જ સોનમ કપૂરે હિંદુ, મુસ્લિમ, સીખ ઈસાઈ શબ્દો આપણા રાષ્ટ્રગીતમાં આવે છે એવું લખ્યું હતું. સોનમ કપૂરની પાછળ ટ્વીટરની ટ્રોલ સેના પાછળ પડી છે. જોકે આલિયા ભટ્ટને સોનમના છબરડાથી ખુબ રાહત થઈ છે. આલિયાએ કોફી વિથ કરનમાં પૃથ્વીરાજ ચૌહાણને પ્રેસિડેન્ટ જાહેર કર્યા એ પછી હજારોની સંખ્યામાં આલિયા ભટ્ટ જોક્સ બન્યા હશે. હવે સોનમ કપૂરનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયાના ઉત્સાહી કીડાઓ વધારે મહેનત ન કરવી પડે એટલે આલિયાવાળા જોક્સ જ સોનમ કપૂરનું નામે માર્કેટમાં વહેતા મૂકી રહ્યા છે! બ્રિટનના પ્રિન્સ ફીલીપે બફાટ માટે ડોન્ટોપેડાલોજી શબ્દ શોધ્યો છે. ડોન્ટોપેડાલોજી એટલે ડાચું પહોળું કરીને પોતાના જ પગ પોતાના મોઢામાં મુકવાનું વિજ્ઞાન. ફિલિપ પોતે જ ઘણીવાર આવું કરી ચુક્યા છે. નાઈજીરિયાના પ્રેસિડેન્ટ ફિલિપને મળ્યા ત્યારે એ ટ્રેડીશનલ ડ્રેસમાં હતા, ફીલીપે એ જોઇને કહ્યું કે ‘અરે વાહ, તમે તો સુવા જતા હોવ એવું લાગે છે’. ચીનમાં બ્રિટીશ એક્સચેન્જ સ્ટુડન્ટસની મુલાકાત વખતે ફીલીપે કહ્યું કે ‘તમે આમની સાથે લાંબુ રહેશો તો તમે પણ ચુંચા થઇ જશો’. ચીન વિષે બોલતાં આખાબોલા ફિલિપે એકવાર કહ્યું હતું કે ‘જો ચાર પગ હોય પણ એ ખુરશી ન હોય, જો બે પાંખો હોય ઊડી શકતું હોય પણ એરોપ્લેન ન હોય, અને જો એ તરી શકતું હોય પણ સબમરીન ન હોય તો ચાઈનીઝ એને જરૂર ખાઈ જાય’. જોકે ચીન ભારત સાથે બદતમીઝી કરી રહ્યું છે ત્યારે અમને આખાબોલા ફિલિપના આ બફાટમાં સેન્સ ઓફ હ્યુમર જ દેખાય છે! આપણે પણ ચીન વિષે આવી મજાક કરીએ જ છીએ ને? હમણાં જ જાણીતી કોફીશોપના ફ્રીઝમાં વંદા દેખાયા પછી જયારે ઘરાકે વિડીયો બનાવવાની કોશિશ કરી ત્યારે કોફીશોપના બચાવમાં કોકે લખ્યું હતું કે ‘ચાઈનામાં તો કોફીશોપમાં વંદા ન દેખાય તો ઘરાક ફરિયાદ કરે છે’. અને એમ તો અમે પણ અમદાવાદમાં રખડતા કૂતરાની સમસ્યાના સમાધાન માટે મુનસીટાપલીને ચીન સાથે એમઓયુ કરવાની જ સલાહ આપી હતી ને? એમાં ખોટુંય શું છે?

બફાટ માટે અંગ્રેજીમાં બ્લર્ટીંગ શબ્દ પણ વપરાય છે. ગુજરાતીમાં ભાંગરો વાટવો શબ્દ પ્રયોગ છે. બફાટ બુફે જેવો હોય છે. એ જાતે કરવાનો હોય છે, કોઈ પીરસવા ન આવે. બફાટની રેસીપી કૈંક આવી હોય છે. સૌથી પહેલા કોઈ કરંટ ટોપિક શોધી કાઢો. એમાં થોડું અજ્ઞાન ઉમેરો. એને ડફોળાઈના તાપ પર પકવવા દો, પરંતુ વધારે નહીં. જ્ઞાન લાધે એ પહેલા એને સોશિયલ મીડિયા પર કે ઇન્ટરવ્યુમાં પીરસી દો.

બફાટ કરવા માટે તમારી પાસે અફાટ અજ્ઞાન હોવું જરૂરી છે. સામાન્ય બુદ્ધિ ઝાડ પર મૂકી વાત કરવાથી ઉત્તમ પરિણામ મળે. અભણ હોવ તો શ્રેષ્ઠ. જોકે અભણ હોવ અને આત્મવિશ્વાસનો અભાવ હોય તો પાછું ન ચાલે. બફાટ કરવા માટે બહિર્મુખ હોવું પડે જેના માટે આત્મવિશ્વાસ જરૂરી છે. હવે એમ ના પૂછતાં આત્મવિશ્વાસ ક્યાંથી આવે? એ સફળતાથી આવે. હવે એમ ન પૂછશો કે સફળ કઈ રીતે થવું? એ અમારો વિષય નથી. એ મેનેજમેન્ટ ગુરુ અને ચિંતકોનો વિષય છે. છતાં પણ સોનમ-આલિયા-તુષારને જુઓ તો ખબર પડશે કે ઉપરવાળાની દયા હોય તો તમે ફિલ્મી ખાનદાનમાં જન્મ લો પછી તમે આપોઆપ હીરો કે હિરોઈન બની જાવ છો. પછી બફાટ કરવાની અફાટ તકો મળી રહે છે.

બફાટ કર્યા પછી શું? સૌથી પહેલું તો એની જાહેરમાં ચર્ચા થાય છે. સોશિયલ મીડિયા પર ફીરકી લેવાય છે. પછી સેલિબ્રિટી એના ખુલાસા અને ચમચા બચાવ કરે છે. પણ એક ટ્વીટથી જે આબરૂ નામના ડેમમાં ભગદાળું પડ્યું હોય તે આલિયાએ બનાવ્યા એવા ‘જીનીયસ ઓફ ધ યર’ પ્રકારના કડીયાકામથી રીપેર નથી થતું. તોયે આવા થાગડ-થીગડને વખાણનાર સમદુખિયા બોલીવુડમાં મળી આવે છે.

તમને થશે કે અમે બોલીવુડની પાછળ પડ્યા છીએ અને અવારનવાર ભાંગરો વાટનાર રાજકારણીઓ વિષે કેમ નથી લખતા? હવે એટલા નીચા લેવલ પર પણ અમે નથી જવા માંગતા!

મસ્કા ફન
અમારે તો રોજ બુક ડે જ હોય છે.
અમે સેવ મમરા, ચવાણું, મમરી બધું બુકડે બુકડે જ ખાઈએ છીએ ...

Wednesday, April 19, 2017

અવાજ કે ઘોંઘાટ ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૯-૦૪-૨૦૧૭


દુનિયાનો સૌથી મોટો અવાજ સન ૧૮૮૩માં ક્રાકાતોઆ જ્વાળામુખી ફાટવાથી થયો હતો. કદાચ એ દિવસની માનવજાત આ રેકોર્ડ તોડવા પ્રયત્નશીલ છે. સામાન્ય રીતે અનિચ્છનીય, અણગમતા, શ્રવણશક્તિ માટે હાનીકારક કે પછી કોઈ પ્રવૃત્તિને ખલેલ રૂપ અથવા પ્રતિકૂળ હોય એવા અવાજને ઘોંઘાટ ગણવામાં આવે છે. એમાં કોઈ ચોક્કસ સૂર હોતો નથી. હાથીની પાછળ કૂતરા ભસે એ કૂતરાઓ દ્વારા થતો ઘોંઘાટ ગણાય છે, પરંતુ કુતરું બુદ્ધિજીવી હોય તો એ ઘોંઘાટ વિરોધનો સુર બની જાય છે. એમ તો આજના બોલીવુડના સંગીતમાં સૂર પકડવો મુશ્કેલ હોઈ ઘોંઘાટ જ ગણાય પણ એફ.એમ. સ્ટેશનો માટે એ રોજીરોટી છે. પવનના સૂસવાટા અને વરસાદની ગાજવીજ એ કુદરતી ઘોંઘાટ છે જેની ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. જયારે ખખડી ગયેલી જાહેર બસોના મરણાસન્ન એન્જીનોની ધંધાણાટી, વિમાનની ઘરઘરાટી, હોર્ન, ભીડનો કોલાહલ, ધર્મના નામે લાઉડસ્પીકર પર ચીસો પાડતા અધર્મીઓ, માઈક ઉપર ભૂંડના ચિત્કાર જેવા અવાજમાં ગવાતા ગીતો વગેરે માનવસર્જિત ઘોંઘાટના પ્રકાર છે. આવો ઘોંઘાટ મનુષ્ય અને પ્રાણી સૃષ્ટિ માટે હાનીકારક છે.

કેટલાક પ્રકારના ઘોંઘાટ ઓડીયેબલ સ્પેક્ટ્રમમાં ન આવતા હોવા છતાં એને ઘોંઘાટ ગણવામાં આવે છે. જેમ કે માણસના મનમાં ચાલતા વિચારોના ઘમાસાણને પણ ઘોંઘાટ ઠરાવવામાં આવ્યો છે. જેની અંદરનો આ ઘોંઘાટ કાબૂમાં હોય એ કવિ કે ફિલસૂફ ગણાય છે જયારે બાકીના મનોચિકિત્સકોને ઘરાકી કરાવે છે. રાજકારણીઓની વિચિત્ર તથા અસંબદ્ધ નિવેદનો એક પ્રકારનો ઘોંઘાટ જ છે. સોશિયલ મીડિયામાં અશિષ્ટ ભાષામાં વ્યક્ત થતા પરસ્પર વિપરીત મતો એ નવતર પ્રકારનો ઘોંઘાટ છે જેની ઉપર કોઈ નિયંત્રણ નથી.

આમ તો ઘોંઘાટ ડેસિબલમાં મપાય છે પરંતુ અમુક શિક્ષિકાઓને આ માપ વિષે જાણકારી ન હોવાથી ‘આ ક્લાસ છે, શાકમાર્કેટ નથી’ કહેવા પ્રેરાય છે. મતલબ કે શાકમાર્કેટમાં થતો હોય એટલો અવાજ ત્યાં થતો હશે. બની શકે. ભાવ માટે રકઝક કરીને ’૨૦ના કિલો આપવા હોય તો બોલ’ કહીને પાછળ જોયા વગર ચાલી જતી સ્ત્રીને બોલાવવા ‘લો પચ્ચીસના કિલો આલું’ અને ઘરાક થોડી વધારે આગળ જાય એટલે વધુ જોરથી ઘાંટો પાડીને ‘લો ૨૦ના લઈ જાવ હેંડો’ બોલાવે છે. ભાવ પાડીને ચાલી જનારી રસ્તામાં આનાથી સારા ભીંડા આનાથી સારા ભાવમાં નહીં મળે એવી ખાતરી ન થાય ત્યાં સુધી બુમ સાંભળતી જ ના હોય એવું કરે છે. અમે સ્કુલમાં ભણતા ત્યારે અમારા સાહેબ ‘શેરબજાર નથી’ પ્રકારની સરખામણી કરતા. એ વખતે શેરબજારમાં ઘાંટા પાડીને હાથ ઉલાળીને સોદા થતા. શિક્ષિકા અને શિક્ષકો દ્વારા અપાતા ઉદાહરણો બદલાય નહીં ત્યાં સુધી જેન્ડર ઇક્વાલિટી આવશે નહીં તેવું અમને જણાય છે.

સિત્તેરના દાયકામાં શોર્ટ વેવ પર રેડિયો સિલોન પરથી પ્રસારિત થતો કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’ સંભાળતી વખતે કે બીબીસીના સમાચાર સંભાળતી વખતે એમાં ઘોંઘાટથી ખલેલ પડતી પણ એને ગણકાર્યા વગર પબ્લિક લાગેલી રહેતી. દૂરદર્શન પાપાપગલી ભરતું હતું ત્યારે પિક્ચર અને અવાજમાં આવતો ઘોંઘાટ દૂર કરવા માટે તોતિંગ એન્ટેનાને વારે ઘડીએ ફેરવવું પડતું. એના માટે ઘરમાં ત્રણ-ચાર જણાનો સ્ટાફ ખડે પગે તૈયાર રહેતો. ક્રિકેટ મેચમાં રસ ધરાવતા પાડોશીઓ પણ આ શ્રમયજ્ઞમાં આહૂતિ આપતા. ઝૂઝારુ યુવાનોએ આવા પ્રસંગોએ ધાબામાં ટાઢ-તાપ વેઠીને ઉઠાવેલી જહેમત આગળ જતા પ્રણય અને અંતે પરિણયમાં ફેરવાઈ હોય એવી ઘટનાઓ ભલે ઇતિહાસમાં નોંધાઈ ન હોય પણ બની છે ખરી.

સંશોધન એવું કહે છે કે પુરુષો કરતા સ્ત્રીઓ વધારે અવાજ કરે છે. એવું મનાય છે કે સ્ત્રીઓ દિવસના ૨૦,૦૦૦ શબ્દો બોલે છે જયારે પુરુષો ૭૦૦૦. એક જોક મુજબ સ્ત્રીઓ પોતાનો બોલવાનો ક્વોટા પુરુષનો ક્વોટા પૂરો થાય પછી વાપરવાની શરૂઆત કરે છે. એક અન્ય પ્રચલિત જોક મુજબ નાયગ્રા ધોધની મુલાકાતે ગયેલા સ્ત્રીઓના એક ટોળાને ગાઈડ સમજાવતો હોય છે કે ‘નાયગ્રા ધોધ એટલો પ્રચંડ છે કે ધોધ પરથી જો ૨૦ સુપરસોનિક વિમાનો એક સાથે પસાર થતા હોય તો ધોધના અવાજમાં આ વિમાનોનો અવાજ દબાઈ જાય, અને લેડીઝ, તમે જો હવે થોડીવાર શાંત રહો તો આપણે ધોધનો અવાજ સાંભળીએ!’ જેમને આ વાત જોક લાગે તેમણે બપોરે રેસ્ટોરન્ટમાં કિટી પાર્ટી ચાલતી હોય ત્યારે લંચ લઈ ખાતરી કરી લેવી.

ભારતમાં લગ્નએ ઘોંઘાટનું કારક છે. લગ્ન માટે એવું કહેવાય છે કે વાસણ હોય તો ખખડે પણ ખરા. પણ અમે અહીં લગ્ન પ્રસંગે થતાં ઘોંઘાટ તરફ અંગુલિનિર્દેશ કરીએ છીએ, નહીં કે લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે થતાં. વરઘોડામાં મોટા અવાજે વાજિંત્રો, ઢોલ, ડીજે દ્વારા ગીતો વગાડવામાં આવે છે જેથી વરરાજાને કદાચ છેલ્લે છેલ્લે પાછા ફરવાનો વિચાર મનમાં આવે તો એ કહી શકે નહીં. આશ્ચર્યજનક બાબત એ છે કે ખોખરી સાઉન્ડ સીસ્ટમ અને અતિ ખરાબ ગાયકી થકી ઉત્પન્ન થતા ઘોંઘાટમાં વરઘોડામાં વરની બહેન અને ભાઈબંધોને ગરબા અને ડાન્સ કરતા રોકી શકાતાં નથી. ઉલટાનું રૂ. દસ-દસની નોટો ઉડાડીને વગાડનારને વધુ ઘોંઘાટ કરવા માટે પ્રોત્સાહન આપવાની પ્રથા છે. કન્યા ‘પધરાવવા’ની ઘડીએ પણ ગોર મહારાજ સિગારેટના ખોખા પરની સ્ટેચ્યુટરી વોર્નિગ જેવો ‘સા..વ..ધા..ન..’નો પોકાર પાડે ત્યારે કન્યા પક્ષ દ્વારા ઘોંઘાટ કરીને એને દબાવી દેતા હોય છે.

આપણી આ માનવ જાત જ એટલી વિચિત્ર છે કે દિવાળીમાં ૫૫૫ બોમ્બની વાટ ચાંપીને પછી કાન પર હાથ ઢાંકીને ઉભી રહે છે. ભાઈ, ધડાકાથી તારા કાનના પડદા હાલી ઉઠે છે તો જખ મારવા બોમ્બ ફોડે છે? આ પાકિસ્તાન પણ કંઇક આવું જ કરે છે ને?

મસ્કા ફન

અક્કીને ‘રુસ્તમ’ માટે નેશનલ એવોર્ડ મળ્યો એનાથી અમોને ઘોડાની રેસમાં ગધેડું ફર્સ્ટ આવ્યું હોય એટલો આનંદ થયો છે.

Wednesday, April 12, 2017

દસમો રસ કેરીનો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૨-૦૪-૨૦૧૭

ઉનાળો આવી ગયો છે. બહાર ગરમી અને પાણી માટે રાડો પડવા લાગી છે. ઘરોમાં બિચારી કેરીનું કચુમ્બર કે છુંદો થવા લાગ્યા છે. હજુયે અમુક ઘરોમાં છુંદા અને અથાણા નાખવામાં આવે છે, જે સાવ નાખી દેવા જેવા નથી હોતા.ચૂસીને કેરી ખાવાનો જમાનો ગયો એવો અફસોસ કરનારા ટુકડા કરેલી આફૂસને કાંટાથી ખાય છે.

જેમની આર્થિક સ્થિતિમાં કસ હોય એ ઘરમાં રસ બનાવે છે. શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત બીભત્સ, અને શાંત આ નવ રસ લાગણીઓ વ્યક્ત કરે છે. કેરીનો રસ એ દસમો રસ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે "वाक्यम् रसात्मकम् काव्यम्" અર્થાત રસયુક્ત વાક્ય જ કાવ્ય છે. પરંતુ અમે કહીએ છીએ કે "रसात्मकम् भोजनम् महाकाव्यम्" અર્થાત (કેરીના) રસવાળું ભોજન મહાકાવ્ય છે, જે ઘી, સુંઠ, પાતરા, ઢોકળા જેવા ખાદ્ય અલંકારોથી સુશોભિત થાય છે.

રસ જેનો નીચોડ છે તેવી કેરીની અનેક જાતની મળે છે. જેમ કે સસ્તી કેરી, મોંઘી કેરી અને હેસિયત બહારની કેરી. કેરીને હિન્દીમાં આમ કહે છે, પણ આ આમ આમ આદમી અને ઔરતો માટે પોસાય એવી રહી નથી. કેસર કેરીનું બોક્સ હોય તો એમાં ઉપરની તરફ મોટી કેરીઓ અને નીચેની તરફ નાની કેરીઓ ગોઠવેલી મળે છે. બિલ્ડરો જેમ સુપરબિલ્ટ અપ એરિયાને નામે ગોલમાલ કરતા હોય છે, તેમ ખાસ કરીને કેસર કેરીના વેપારીઓ કિલોના બદલે બોક્સના ભાવે કેરીઓ વેચી ગોલમાલ કરતા હોય છે. સુંદરી, પાયરી, બદામ, લંગડો, આફૂસ, કેસર, રાજાપુરી વગેરે નામની કેરી બજારમાં મળે છે. કેરીમાં નામ પ્રમાણે ગુણ હોય પણ ખરા અને ન પણ હોય. જો નામ પ્રમાણે ગુણ હોય તો ફિક્કી કેરી, મોળી કેરી, ખાટ્ટી કેરી, મોટા ગોટલાવાળી જેવા નામ પણ હોત. 
 
ઉતાવળે આંબા નથી પાકતા પણ કાચી કેરીમાં કાર્બાઈડનું પડીકું મુકો એટલે જલ્દી પાકે છે. હવે એ સસ્તા મેડ ઇન ઇન્ડિયા કાર્બાઈડના પડીકાની હરીફાઈમાં ચાઇનીઝ કેમિકલ આવી ગયા છે. ચાઇનીઝ સફરજન, કીવી અને તડબુચ આવે છે, પરંતુ હજુ ચાઈનાવાળા આપણા માર્કેટમાં કેરી ઘુસાડી નથી શક્યા. ઘણીવાર એવું લાગે છે કે આ ભેળસેળ, ગુટખા, કાર્બાઈડ પાવડર આ બધું વસ્તી વધારા સામેના ઉપાયો જ છે. કેરી પાકે એટલે એનો રંગ લીલામાંથી પીળો અને કેસરી થાય છે. અમુક રાજકીય વિચારસરણી ધરાવનારા આમ છતાં પાકી કેરી ખાય છે. જો એમનો વિરોધ પાકો હોય તો એમણે પાકી કેરીનો પણ વિરોધ અને ત્યાગ કરવો જોઈએ.

ઉતાવળે આંબા જ નહીં, છૂંદો પણ નથી પાકતો. ઘરનો છુંદા-શોખીન પુરુષવર્ગ ‘છૂંદો ખાવો હોય તો કેરી છીણવી પડશે’ જેવા તાલિબાની અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોથી વિપરીતતથા ગૃહમાં બહુમતી વગર પસાર કરેલા ઘરના કાયદા સામે, જીભના ચટાકાને કારણે શરણે આવે, ત્યારે ઘરમાં છૂંદો બને છે. રજાના દિવસે, રાજાપુરી કેરીને છીણી,આ ક્રિયા દરમિયાન થોડી કેરી પેટમાં પધરાવી, મીઠું નાખી ખટાશ ઉતારી, ખાંડ મરચું નાખી ઉપર સફેદ પાતળું મલમલનું કપડું બાંધી, તપેલા ધાબે ચઢાવવામાં આવે છે. આ પછીનું અઠવાડિયા રોજ વાદળ અને વાંદરાની ચિંતા વચ્ચે રોજ તપેલા ઉપર-નીચે કરીને છૂંદો બને પછી સ્વાભાવિક છે કે ઘેર જમવા આવનાર દરેકને ‘જાતે બનાવ્યો છે’ કહી આગ્રહ કરી કરીને ખવડાવવામાં આવે. આપણા દેશમાં જાતે બનાવેલી અને ઘેર બનાવેલી આઈટમ્સ આપોઆપ ઉચ્ચ ગુણવત્તા કે ટેસ્ટની હોય એવું માનવામાં આવે છે.

જે ઘરોમાં સારા ટેસ્ટનું શાક નથી બનતું ત્યાં કેરીના અથાણાનો ઉપાડ વધારે થાય છે. મહેમાન તમારા ઘેર અથાણું શોધતા હોય તો તમારે એમ ન સમજવું કે મહેમાનને તમારું અથાણું બહુ ભાવી ગયું છે, પરંતુ કદાચ દમ આલુના શાકમાં દમ નથી. આને ફીડબેક ગણી લેવો જોઈએ. રેસ્ટોરન્ટમાં પંજાબી ખાવા જનાર ભાગ્યે જ અથાણાથી પોતાની પ્લેટ ચીતરે છે. હા, અમદાવાદની જાણીતી બ્રાંડના ચના-પૂરી ખાવા જાવ અને એકસોને ચાલીસ રૂપિયા ખર્ચવા છતાં વિરાટ પુરીના પ્રમાણમાં ચના ચપટી જ આપવામાં આવે, ત્યારે પ્લેટમાંથી ચણા સાફ કર્યા બાદ વધેલી પૂરી અથાણા સાથે પુરી કરવાનો વારો આવે છે એ અલગ વાત છે. ઘરમાં જોઈએ તો દાળ કે શાક ખૂટે તો તેની અવેજીમાં અથાણું વપરાય છે. એટલે જ અથાણું એ ગુજરાતી ગૃહિણીઓની કોઠાસૂઝ છે.

--

મહાનુભવોનો કેરી પ્રેમ જાણીતો છે. ટાગોરના ઉત્કૃષ્ટ લખાણનું કારણ પણ આંબો છે એ ભાગ્યે જ કોઈને ખબર હશે. ટાગોરની આ કવિતા વાંચશો તો ખબર પડશે;

ओ मंजरी, ओ मंजरी, आमेर मंजरी

क्या तुम्हारा दिल उदास है

तुम्हारी खुशबू में मिल कर मेरे गीत

सभी दिशाओं में फैलते हैंऔर लौट आते हैं

સુફી કવિ આમીર ખુસરો પણ કેરી પર વારી જઈને કેરીને ફ્ક્ર-એ-ગુલશન નામ આપ્યું છે. ચાંદની ચોકના બલ્લીમારાં વિસ્તારની ગલી કાસીમ જાન જેના કારણે મશહૂર છે એ મિર્ઝા ગાલિબના નામે કેરી વિશેની એક રમુજ જાણીતી છે. ગાલિબને ખાવા માટે કેરી આપ્યા પછી પૂછવામાં આવ્યું કે ‘આમ કે સાથ કુછ ખાસ ચાહિયે?’ ત્યારે ગાલિબે કહ્યું કે ‘જબ આમ હૈ તો ખાસ કા ક્યા કામ હૈ!’ અહી ગુજરાતીઓ ગાલિબથી જુદા પડે છે. આપણે ત્યાં કેરીના રસમાં ઘી નાખવામાં આવે છે. રસ વાયડો ન પડે એ માટે એમાં સુંઠ નાખવાનો પણ રીવાજ છે. સાસરે જમવામાં રસ સાથે બપડી (બેપડી) રોટલી, વાલની દાળ, અળવીના પાનના પાત્રા કે ખમણ-ઢોકળા ન હોય તો જમાઈઓ પત્નીને પિયર મુકીને જતા રહ્યા હોય એવી ઘટનાઓ બનેલી છે. જોકે આજે કોઈ જમાઈ એવું કરે તો એના છોકરાં રખડી પડે.

મસ્કા ફન


“જો તમને નાસાવાળા મંગળ પર જવા સ્પોન્સર કરે તો મંગળ પર જઈને તમે શું કરો?”

“ગરબા, ગુજરાતી બીજું શું કરે?”

Wednesday, April 05, 2017

આઝાદી મનગમતા વસ્ત્રો પહેરવાની

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૫-૦૪-૨૦૧૭


ભારતમાં આઝાદી મળ્યાના સુડતાલીસ વર્ષ પછી બૌદ્ધિકોએ જાણે ફરી આઝાદી માટે સંઘર્ષ શરુ કર્યા હોય એવું વાતાવરણ ઊંભું કર્યું છે. આ બૌદ્ધિક એટલે કોણ? બૌદ્ધિક એ છે જે પોતે શુદ્ધ શાકાહારી હોય અને ગાયનું માંસ ખાવાની આઝાદી માટે લઢે. બૌધિક પોતે લેંઘા-ઝભ્ભા પહેરતો હોય પણ બેસણામાં સ્કર્ટ પહેરીને ફરતી છોકરીના હકની વાત કરે તે. પોતે કલીનશેવ્ડ હોય પણ દાઢીવાળાઓના હક્ક માટે લઢે તે. બૌદ્ધિક એટલે એનઆરઆઈ ચડ્ડા પહેરીને ફરે તો એને સ્વતંત્રતા ગણે, પરંતુ કોઈ હેતુ કે ગણવેશ તરીકે ચડ્ડી પહેરનારની ટીકા કરે તે. જે સૌને લાતાલાતી કરતો હોય પણ જાહેરમાં અશ્લીલ રીતે ચુમ્માચાટી કરનારના હક વિષે ચર્ચા કરે તે. બૌદ્ધિક એટલે પોતાના વિષે કોઈ ઘસાતું બોલે તો એને ‘ઇનટોલરન્સ’ ગણાવે પણ બાકીનો સમય વાણી-સ્વતંત્રતાના વિષય પર પ્રવચનો કરતો ફરે તે. વનવેમાં ગાડી ઘુસાડી પોતે સામા પ્રવાહે તરે છે એવું જે માનતો હોય, અને બહુમતીથી નેતા ચૂંટનાર પ્રજાને ડફોળ ગણનાર પણ બૌદ્ધિક જ ગણાય! 
--
આ માહોલ વચ્ચે આપણા લોકલ બૌદ્ધિકોને ઝંપલાવવાનું મન થાય એવા સમાચાર આવ્યા છે. ન્યુઝીલેન્ડની ડ્યુનેડીન નોર્થ ઇન્ટરમિડીયેટ સ્કૂલના સંચાલકોએ સ્કૂલમાં છોકરીઓને છોકરાઓ પહેરે છે એવા ટ્રાઉઝર અને છોકરાઓને છોકરીઓ પહેરે છે એવા સ્કર્ટ પહેવાની આઝાદી આપી છે. કહે છે કે છોકરીઓએ આ માટે લડત આપી હતી અને છેવટે છોકરા-છોકરી વચ્ચેનો ભેદ ભૂંસી નાખવાના હેતુથી સ્કૂલના સંચાલકોએ એમની આ માગણી માન્ય રાખીને બંનેને આ ખાસ પ્રકારના ટ્રાન્સ ડ્રેસિંગની છૂટ આપી છે. આ ફક્ત શોખ પૂરો કરવાની નહિ, પરંતુ પહેરવેશ પસંદ કરવાની આઝાદી વિષે વાત છે. આપણે ત્યાં વિદ્યાર્થીઓની આવી કોઈ માગણી સરકાર દબાવી દે એટલી વાર છે, પછી આપણા બૌદ્ધિકો છોકરાઓને સ્કર્ટ તો શું ચણીયા-ચોળી પહેરવાની પણ આઝાદી અપાવવા સક્રિય થશે જ એની અમને ખાતરી છે. અમને લાગે છે કે ન્યુઝીલેન્ડની સ્કૂલના વિદ્યાર્થીઓએ દિલ્હીની જે.એન.યુ.ના વિદ્યાર્થીઓનો ટેકો માંગ્યો હોત તો એ લોકો એ ખુશી ખુશી આપ્યો હોત. એટલું જ નહિ પણ એના માટે યુનીવર્સીટીમાં પોસ્ટરો લગાડીને ત્યાંના પ્રૌઢ વિદ્યાર્થીઓએ સરઘસો પણ કાઢ્યા હોત. કંઈ નહિ તો છેવટે ‘હમ શરમિંદા હૈ ...’ જેવા સુત્રો તો ચોક્કસ પોકાર્યા હોત. કારણ કે કોઈ કલ્પનામાં પણ વિચારી ન શકે એ પ્રકારની આઝાદીઓ માંગવાની અને એ માટે ઉગ્ર લડતો ચલાવવાની ત્યાં પરંપરા છે. આપણા ઘણા બૌધિકો એમની ક્રાંતિકારી વિચારસરણીના પ્રશંસક છે. અને આપણે ત્યાં વાંદરાને દારૂ પાવાની પણ આઝાદી છે. થોડા સમય પહેલા ‘એ.આઈ.બી. નોકઆઉટ’ નામનો કાર્યક્રમ થયો હતો જેમાં કરણ જોહર જેવા ફિલ્મમેકર અને રણવીરસિંહ તથા અર્જુન કપૂર જેવા સ્ટાર્સે ઉઘાડી ગાળોથી ભરપૂર ‘મનોરંજન’ પીરસ્યું હતું, જેમાં કરણ જોહર અને આલિયા ભટ્ટની મમ્મીઓ ઉપરાંત ખુદ આલિયા, દીપિકા અને સોનાક્ષીએ પ્રોત્સાહક હાજરી પણ આપી હતી! એ વખતે પણ કેટલાક બૌદ્ધિકો ‘વિદેશમાં તો આવું બધું સામાન્ય છે’ એવી દલીલ સાથે બહાર આવ્યા હતા. Some mothers do ‘ave ‘em! આ હાહાહા ... મેરા દેશ બદલ રહા હૈ. એ પહેલા સમલૈંગિકો વચ્ચેના લગ્નને માન્યતા આપતા અમેરિકાની સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટને બિરદાવવા માટે આપણા દેશના આ પ્રકારના લગ્નોના હિમાયતીઓએ જશ્ન મનાવ્યો હતો! અને જે રીતે જેએનયુ વાળી ઘટના પછી આપણા અમુક ‘હેર-બ્રેઈન્ડ’ ન્યુઝ એન્કરોએ આવી વંધ્યાદુહિતૃ પ્રકારની આઝાદીના સમર્થનમાં ટીવી ડીબેટ ચલાવી હતી એ જોતાં ભવિષ્યમાં ન્યુઝીલેન્ડની સ્કૂલ જેવા જેવા મનોરંજક દ્રશ્યો આપણને ઘેર બેઠા જોવા મળે તો નવાઈ નહિ. એક દિવસ તમારી સામે તમારો જ કુળદીપક મીની સ્કર્ટ, બે ચોટલા અને હોઠ પર લીપ્સ્ટીક લગાવીને ‘હેય ડે....ડ ... આમ લૂકિંગ કૂલ ... એંહ ...’! કરતો ઉભો રહે તો નવાઈ ન પામતા.

બદલાતા સમય સાથે આપણા ડ્રેસિંગમાં આમૂલ પરિવર્તન જોવા મળે તો નવાઈ ન પામતા. ડેસ્ટીનેશન વેડિંગના કન્સેપ્ટ હેઠળ બીચ પર લગ્નો થાય અને અણવર એન્ડ બોય્ઝો બીકીની પહેરીને બેસે, અને કન્યા પક્ષે બેનપણીઓ ઉર્ફે ગર્લ્ઝો કેડિયા-ફાળિયા પહેરીને ચોરીમાં હાકોટા-પડકારા કરતી જોવા મળી શકે છે. વરરાજા પાનેતરમાં અને કન્યા સુટ-બુટમાં હોય. કોલેજ કન્યાઓ તો જીન્સ ટી-શર્ટ તો વરસોથી પહેરે જ છે, પણ છોકરાઓ પંજાબી, લેગીન્ગ્સ અને કુર્તી, કે પછી રજનીશજીના અનુયાયીઓ પહેરતા એવા ગાઉન રોજીંદા પહેરતા થાય તે હજુ જોવાનું બાકી છે. અમુક સ્ટોર્સના ડિસ્પ્લે જોઈ ઘરમાં પહેરવાના તથા આંતરવસ્ત્રોમાં તો આપણે અમેરિકા સાથે સ્પર્ધા કરી શકીએ એવું જણાય છે, પરંતુ લુંગીમાં વર્ટીકલ અને હોરિઝોન્ટલ ઓપનીંગ હજુ આવવાના બાકી છે, અફકોર્સ સાથળથી નીચેના ભાગમાં. બસ, સરકાર આ પ્રકારની કોઈ હિલચાલનો વિરોધ કરે એટલી જ વાર છે, બાકીનું આપણા વિચક્ષણ બૌધિકો સંભાળી લેશે!

આપણે ત્યાં આવી ચિત્ર-વિચિત્ર માંગણીઓ થતી આવી છે પરંતુ અત્યાર સુધી એને હસી કાઢવામાં આવતી હતી. પણ હવે એને આઝાદી નામના વાઘા પહેરાવીને મેદાનમાં ઉતારવામાં આવે છે. આ બધામાં નવાઈ સ્ત્રીઓની ચિત્ર-વિચિત્ર ફેશનની નથી, નવાઈ પુરુષો મેદાનમાં આવી ગયા એની છે. એટલે જ આવનારા દિવસોમાં આપણા દેશમાં ક્રાંતિ થાય તેવું અમને દેખાય છે. જોકે હાલ આ ક્રાંતિમાં જોડાવવાની અમારી લેશમાત્ર ઈચ્છા નથી. તમારે જોડાવું હોય તો જાવ પહેલા સ્કર્ટ ખરીદી લાવો જાવ, ગુલાબી કલરનું!

મસ્કા ફન

ઘણીવાર ભૂંગળીના બંને છેડે ગધેડા હોય છે!

Wednesday, March 29, 2017

મોજડીની શોધ કઈ રીતે થઈ ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૯-૦૩-૨૦૧૭

ધૂળના કારણે રાજા કંટાળી ગયો હતો. રાજા કદાચ અમદાવાદ જેવા નદીની રેતમાં રમતા પ્રદેશનો હશે. આમ તો જંગલમાં શિકાર કરવા જાય ત્યાં ધૂળ ઉડે એનો રાજાને વાંધો નહોતો, પરંતુ પોતાના રાજ્યમાં જ્યાં ત્યાં ખોદકામ થયેલું હતું તેવામાં મોર્નિંગ વોક કરવા જાય તો એના પગ ગંદા થઈ જતાં હતા. તેમાં પટરાણી એને ગંદા પગે રાણીવાસમાં પ્રવેશ કરવા દેતી નહોતી. આ ઉપરાંત લોકો પણ ધૂળથી કંટાળી ગયા હતા અને અગામી ઇલેકશનમાં વોટ નહીં આપીએ એવી ફોગટ ધમકીઓ પણ આપતા હતા. ખુલ્લા માથે ફરનારના માથા ધૂળથી ભરેલા રહેતા અને એ રીતે ‘વતનની ધૂળથી માથું ભરી લઉં ..’ પંક્તિઓ અનાયાસે યથાર્થ ઠરતી. કોઈપણ જાતનો ‘હસીન ગુનો’ કર્યા વગર વૃદ્ધોના ધોળામાં ધૂળ પડતી. તો એની સામે માશુકાની ઝુલ્ફોમાંથી નીકળેલી ધૂળ બિલ્ડીંગ કોન્ટ્રાકટરોને વેચીને કવિઓ પણ બે પાંદડે થયા હતા.

કંટાળીને રાજાએ મુનસીટાપલીના ઈજનેરોને ધૂળ માટે જવાબદાર ઠેરવવા ફરમાન બહાર પાડ્યું હતું. પરંતુ ખાડા ખોદાય તો ધૂળ ઉડે છે, માટે જો કામ જ ન થાય તો ધૂળ ઉડે નહીં, અને આ મુદ્દે પણ ઈલેકશન હારવાની સંભાવના રહેલી હતી. આમ ઈજનેરોએ પોતાની નિષ્ફળતા એવી ધૂળ વિકાસની નિશાની છે, એવું રાજાના મગજમાં ઠસાવી દીધું હતું. એકંદરે રાજાએ ધૂળનો ઉપાય શોધવા કન્સલ્ટન્ટ નીમવા ટેન્ડર બહાર પાડ્યા હતા. ‘ટેન્ડર બહાર પડી ગયા છે તો વહેલામોડા કામ થશે જ’ એવું ગાજર લટકાવી બીજા છ મહિના ખેંચી શકાશે તેવું રાજાને એના ચીફ સેક્રેટરીએ સમજાવ્યું હતું.

ટેન્ડરની શરતો મુજબ અરજદારે પોતાનો ઉપાય બતાવવાનો હતો, જેમાં ‘ખાડા ખોદવા બંધ કરવા’ જેવો ઉપાય માન્ય નહીં ગણાય તેવું સ્પષ્ટ શબ્દોમાં ત્રણ જુદી જુદી જગ્યાએ લખેલું હતું. અરજદારે બતાવેલો ઉપાય કારગત નીવડે તો જ એને ફી મળે, એવી કડક શરત પણ ટેન્ડરમાં હતી. અને અરજદારોને પણ ખબર હતી કે કદાચ એમનું ટેન્ડર મંજુર થાય તો પણ મુનસીટાપલી પાસેથી રૂપિયા કઢાવવા એ અંગુરી રબડીમાંથી અંગુર કાઢવા જેટલું અઘરું કામ હતું.

આમ છતાં બાંકડે બાંકડે કોર્પોરેટરના નામ લખવા માટે મશહુર મુનસીટાપલીના આ કામમાં આકડે મધ દેખાતા ઘણા ટેન્ડરો આવ્યા. એક અરજદારે તો રોડ પર સવાર સાંજ પાણી છાંટવાનો પ્રયોગ બતાવ્યો હતો. જોકે પ્રજાને પીવા પાણીના ધાંધિયા હોય ત્યારે રોડ પર પાણી છાંટવાની મુર્ખામી કરાય નહિ તેમ છતાં પાર્ટી ભલામણ વાળી હતી એટલે એના ઉપાયને પ્રાયોગિક ધોરણે ચકાસ્યા બાદ, ઘણું દબાણ હોવા છતાં, રાજાનો મૂળ પ્રશ્ન સોલ્વ થતો ન હોવાનાં કારણે રીજેક્ટ કરાયું હતું.

એક એજન્સીએ આખા શહેરની ખુલ્લી જમીન પર લીંપણ કરવાના ‘ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ’ સાથે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગીના એક વિસ્તારમાં સ્વખર્ચે લીંપવાની કામગીરી કરી આપવાની ઓફર પણ મોકલી હતી. પરંતુ નગરની ભેંશો અને ગાયોની કુલ છાણ ઉત્પાદન ક્ષમતા સામે છાણાચ્છાદન કરવાનો થતો વિસ્તાર વધુ હોઈ છાણની આયાત કરવાના પ્રશ્ને મામલો અટક્યો હતો. દરમ્યાનમાં પાયલોટ પ્રોજેક્ટમાં પણ હતાશાજનક પરિણામ મળતા ‘ધૂળ પર લીંપણ’ કહેવત અસ્તિત્વમાં આવી હતી.

રોડ સાફ કરવાના ઓટોમેટીક મશીન ખરીદવા જેવો મોડર્ન ઉપાય પણ એક પાર્ટીએ બતાવ્યો હતો પરંતુ ટ્રાયલ રનમાં જ રસ્તા ઉપર રોડા અને પોદળાને લીધે મશીન ખોટકાઈ ગયું હતું. એકંદરે અનેક ઉપાયોની નિષ્ફળતા બાદ એક અરજદારે પગમાં પહેરી શકાય તેવા ચામડાના ઉપરથી ખુલ્લા અને નીચે અને આજબાજુથી બંધ એવા એક પરિધાનની શોધ કરી હતી. કન્સલ્ટન્ટના એક જાણીતા અને માનીતા મેન્યુફેકચરર દ્વારા આ પદાર્થ કે જેને ‘મોજડી’ નામ આપવામાં આવ્યું હતું તેના સેમ્પલ પણ રાજા અને એની આખી ટીમને ભેટ આપવામાં આવ્યા હતા જે રાજાને પસંદ પડી ગયા હતા. આ મોજડી સમય જતા ચંપલ,​ ​જોડા,​ ખડાઉ, જૂતા, ખાસડા, બૂટ, સેન્ડલ, જેવા અનેક નામે ઓળખાતી થઈ.

મર્ફીઝ લૉ મુજબ દરેક મોટા પ્રશ્નની અંદર બીજા નાના નાના પ્રશ્નો બહાર આવવા મથી રહ્યા હોય છે. એવું જ આ કિસ્સામાં પણ બન્યું. પગ પર લાગતી ધૂળનો પ્રશ્ન જૂતાની શોધથી ઉકલ્યો તો માધ્યમિક સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના માથે હિન્દીના પેપરમાં ‘જુતે કા આવિષ્કાર’ પાઠમાંથી પૂછાતી ખાલી જગ્યા, ટૂંક નોંધ અને ટૂંકા પ્રશ્નોના જવાબ આપવાની ઉપાધી આવી પડી. કાળક્રમે અણવરોના માથે પણ વરરાજાની મોજડીને ‘દુલ્હે કી સાલીઓ’થી બચાવવાની નવી જવાબદારી આવી. નેતાઓ માટે કઠણાઈ એ થઇ કે પ્રજા પાસે તેમના પર દૂરથી પ્રહાર કરવા માટે એક નવું પ્રક્ષેપાસ્ત્ર આવ્યું અને એના સફળ પ્રયોગો પણ થવા માંડ્યા. આથી વિરુદ્ધ નેતાઓ અધિકારીઓ સામે ધાર્યું ન થતા ચંપલ પ્રયોગ કરવા લાગ્યા. જોડાને પાછળ લટકાવી બુરી નજરથી ખટારાને બચાવવાના પ્રયાસો પણ થયા, પરંતુ આ લટકતા જોડા ખટારાની બુરી નજરથી પ્રજાને બચાવી શક્યા નહીં. મંદિરમાં ચિંતામુક્ત થવા માટે જતા ભક્તજનો માટે મંદિર બહાર ઉતારેલા ચંપલની ચિંતાએ ‘મન માળામાં અને ચિત્ત જોડામાં’ જેવી પરિસ્થિતિ ઉભી કરી. આની સામે બહાદુર યુવતીઓને એન્ટી-રોમિયો સ્કવોડની મદદ વગર રોડ-સાઈડ રોમિયોનો સામનો કરવા માટે એક સુગમ અને પગવગું શસ્ત્ર મળ્યું, આથી વધારે બહાદુર મહિલાઓએ પેન્સિલ હિલના ફેશનેબલ સેન્ડલ પહેરીને સોફ્ટ કાર્પેટ પર ચાલી બતાવવાના પ્રયોગો પણ કરી બતાવ્યા. તો હિલસ્ટેશન ફરવા ગયા બાદ, વાહનોના પ્રતિબંધને પગલે, ચાલી ચાલીને ચંપલ તોડનારી પત્નીઓના ચંપલ રીપેર કરાવવાનું ભગીરથ કાર્ય પતિઓના ભોગે આવવા લાગ્યું. આમ એકંદરે ધૂળથી બચવા જેની શોધ થઈ હતી તે મોજડી સમય જતા માથાનો દુખાવો બની ગઈ છે, જોકે ધૂળની સમસ્યાનો એ હજુ પણ એકમાત્ર ઉપાય બની રહી છે.

મસ્કા ફન

રોડ પર સીટીઓ મારતો હોય એ કૂકરની સીટીઓ ગણતો થઈ જાય એનું નામ લગ્ન.
Wednesday, March 22, 2017

પત્નીને પૂછીને

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૨-૦૩-૨૦૧૭

અમેરિકાના કેન્ટકીમાં એવો કાયદો આવી રહ્યો છે જેમાં પતિએ જો વાયગ્રા ખરીદવી હોય તો પત્નીની પરમીશન લેવી પડે. સુજ્ઞ અને અન્ય વાંચકોને વાયગ્રા નામની દવા શેના માટે વપરાય છે એ જાણકારી હશે જ. જોકે આ સમાચાર ટ્વીટર પર પ્રસારિત થયા એ પછી અનેક સ્ત્રીઓ ખુશીથી ઉછળી પડી હતી. કેટલીકે તો બીજી કઈ કઈ બાબતોમાં પત્નીની પરમીશન ફરજીયાત હોવી જોઈએ એ અંગે બ્રેઈનસ્ટોર્મીંગ પણ કરવાનું શરુ કરી દીધું છે.

હે ભક્તજનો, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમ ગોવા, મણિપુર અને પંજાબમાં સરકાર બદલાઈ હશે, પરંતુ તમારા ઘરમાં હજુ એજ પાર્ટી સત્તામાં છે જે તમે લગ્ન કર્યું એ પછી સત્તામાં આવી હતી. જેમ બેંકમાંથી કેટલા રૂપિયા ઉપાડવા અને એના માટે કેટલો ચાર્જ લાગશે એ રીઝર્વ બેંક નક્કી કરે છે, તેમ આપણી આસપાસ હજારો પતિઓ રહે છે જેમણે પાણી પીવું હોય તો પત્નીની પરમીશન લેવી પડે છે. પોતાની પત્નીની. બીજાની પત્નીને પૂછવાનો મોકો મળતો હોય તો ગુજ્જેશ છોડે નહિ. એટલે જ આવી ચોખવટ કરવી પડે. પત્નીને પૂછીને પાણી પીવામાં વિલંબ થાય, પરંતુ જબરજસ્ત સંતોષ થાય. પત્નીનેસ્તો.

‘હું વિચારતો હતો કે પાણી પીવું’

‘તો એમાં શું વિચારવાનું, પીવાની ઈચ્છા થાય તો પી લેવાનું, એમાં ગામને કહેતા ફરો તો સવાર પડી જશે’

‘તો પીવું?’

‘લો, જાણે મારા ના કહેવાથી તમે ન પીવાના હોવ એવી વાત કરો છો’

‘ખરેખર, તું ના પાડે તો ન પણ પીવું’

‘તો હું ના કહું છું’

‘મને ખબર હતી’

‘હવે શું કરીશ?’

‘ફરી ટ્રાય કરીશ’

‘કેવી રીતે?’

‘આજે ઝવેરીના શોરૂમ પાસેથી પસાર થતો હતો ત્યાં શોકેસમાં એક નેકલેસ જોયો, અને યાદ આવ્યું કે આપણી એનીવર્સરી આવે છે..... એક મિનીટ આ પાણી પી લઉં?’

‘હા પી ને ડાર્લિંગ, નેકલેસ નું શું કહેતો હતો’

‘થેંક્યું, પણ તેં ખોટા ખર્ચા કરવાની ના પાડી છે એ યાદ આવ્યું એટલે આગળ વધી ગયો’.

--
પત્નીને પૂછીને કામ કરવામાં અપજશ નથી મળતો. આવું ઘણા માનતા હશે. પણ એવું જરૂરી નથી. ઘણીવાર તો એમ બને કે એક સરખા કામ તમે કરો તો એમાં તમારી ભૂલ થાય તો એ ભૂલ ગણાય પણ પત્નીએ કરેલા કામમાં ભૂલ થાય તો એમાં ટેકનીકલ મુદ્દાઓ કામ કરી જતાં હોય.

‘ફ્રુટમાં શું લાવું, સંતરા કે મોસંબી?’

‘દ્રાક્ષની સીઝન છે અત્યારે ને ભલીવાર વગરના સંતરા મોસંબી લાવીશ?’

‘સારું તો દ્રાક્ષ લાવું ને?

‘હા પાછી જોજે ખાટી ન આવે, ગઈ વખત યાદ છે ને ?’

‘એ તો તું ઘઉં લાવે છે, એમાં રોટલીઓ ફૂલતી નથી એવું નથી બનતું?’

‘એ જુદી વાત છે, ઘઉંમાં ટેસ્ટ ન થાય ઇડીયટ’

--

સામેવાળી વ્યક્તિ પાસે પોતાનું ધાર્યું કરાવવું છતાં, પોતે કીધું છે એવું ન દર્શાવવું એ પણ એક કળા જ છે. વેકેશનના પ્લાનિંગ અંગે અમે વાત શરુ કરી.

‘આ વખતે ઉનાળામાં ગોવા જઈશું?’

‘ઉનાળામાં ગોવા બફાવા જવું છે?’

‘આપણે ભારતીય છીએ, આપણે કંઈ વિદેશીઓની જેમ બીચ પર પડી રહેવા થોડા જઈએ છીએ.’

‘તો એનો મતલબ કે તું ફરવા માટે નહીં, હોટલમાં પડી રહેવા જાય છે?’

‘ના એવું પણ નથી, પરંતુ હોટલના રૂપિયા ખર્ચીએ અને ત્યાં ખાલી રાતે સુવા જઈએ તોયે અમદાવાદી તરીકે અમને લાગી આવે છે’

‘ના, પણ મારે ગોવા નથી જવું’

‘તો શું હું એકલો જઉં?’

‘મેં એવું ક્યાં કીધુ છે?’

‘તો, આપણે હિલ સ્ટેશન જઈએ? જેમ કે આબુ.’

‘એ તો એનું એ જ થયું ને?’

‘કેમ, આબુમાં બફારો નહિ લાગે ... તું ગોવા બફારાને કારણે ના પાડતી હતી ને’

‘ના, ગોવા માટે ના પાડવાના બીજા પણ કારણો હતા, અને એ જ કારણો આબુમાં પણ લાગુ પડે છે.’

‘તો તું ચોખ્ખે ચોખ્ખું કહેને તને પેટમાં શું દુખે છે.’

‘તને ખબર તો છે’.

‘તો પછી ક્યાં જઈશું? કેરાલા જવું છે?’

‘કેરાલામાં પછી ખાવાના વાંધા પડશે નહિ? યાદ છે ને સાઉથની ટુર?’.

‘તો પછી સિમલા કુલુ મનાલી જઈએ.’

‘ત્યાં તો ભૈશાબ બહુ ઠંડી પડે છે, હજુ હિમવર્ષા ચાલે છે ત્યાં.’

‘ઠંડી ભગાડવાના ઉપાયો છે’.

‘હા, જેકેટ ખરીદ્યા છે આપણે’.

‘એ સિવાય પણ ઘણા ઉપાય છે.’

‘ત્યાં જઈને જોગીંગ કરવાની મારી ઈચ્છા નથી’.

‘તું સમજતી નથી’.

‘મારે સમજવું પણ નથી’.

‘સારું તો પછી આપણો કોઈ પ્રોગ્રામ ન થતો હોય તો હું ઓફીસના કામે થાઈલેન્ડ જવાનું છે તે ફાઈનલ કરી દઉં.’

‘સારું તો ગોવાની ટીકીટ કરાવી દે ત્યારે’.

--
પત્નીને કન્વીન્સ કરવાના વધુ ઉપાયો જાણવા માટે સંત બેલડી અધીર-બધિરનો રૂબરૂ સંપર્ક કરવા વિનંતી છે. આ અંગે ફીની માહિતી માટે પૂછપરછ આવકાર્ય છે.

મસ્કા ફન
બોલપેનથી ખણવાની ટેવ હોય તો શર્ટમાં લીટા પણ પડે.