Wednesday, November 08, 2017

ખીચડી ઓવરરેટેડ છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૮-૧૧-૨૦૧૭

ખીચડીને નેશનલ ડીશ જાહેર કરવાની વાત ઉડી એમાં ગામ ગાંડું થયું છે. સૌ જાણે છે ખીચડી જેનું પેટ ખરાબ હોય, અને સતત બહારનું ખાઈને કંટાળ્યા હોય એવા લોકોનો ખોરાક છે. ખીચડી માંદા લોકો માટે બને છે અને એટલે જ તહેવારોમાં કદીય ખીચડી બનતી નથી. આદિકાવ્ય રામાયણમાં ભગવાન રામના લગ્નનો પ્રસંગ સૌથી ભવ્ય ગણાયો છે. એમાં બનેલા બત્રીસ પકવાન અને તેત્રીસ શાકનું વર્ણન રામાયણમાં આવે છે. પરંતુ મેનુમાં, અને પ્રાઈવેટમાં કૈકેયીએ પણ આ પ્રસંગે ખીચડી બનાવડાવીને ખાધી હતી એવો પણ ઉલ્લેખ જોવા મળતો નથી. મોડર્ન લગ્ન પ્રસંગમાં પુલાવ, બિરીયાની, ભાત હોય છે પરંતુ ખીચડી નથી બનાવવામાં આવતી. આવી ખીચડીને માથે ચઢાવનારાને પકડીને જાહેરમાં ફટકારવા જોઈએ. ભલે અમારા કોઈ લેખક મિત્રને અમારી વાતમાં અસહિષ્ણુતા દેખાય. ખીચડી ઓવર રેટેડ છે, છે અને છે, તમારાથી થાય એ ભડાકા કરી લો.


ખીચડીની શોધ કરનાર કોઈ મહા આળસુ જ હશે. એમાં માત્ર દાળ-ચોખા-હળદર-મીઠું નાખી ચઢાવવા મૂકી દેવાનું હોય છે. કુકરની સીટી ગણવાનું કામ પણ મોટે ભાગે આઉટસોર્સ થતું હોય છે. આવી ખીચડી બની જાય પછી એમાં ઘી, દહીં, છાશ, અથાણું, રતલામી સેવ, ડુંગળી, લસણની ચટણી, અને કવચિત ફુરસદ હોય ને શાક બનાવ્યું હોય તો એનો રસો નાખી એમાં સ્વાદ લાવવાની મહેનત થાય છે, જેને અમે થાળીમાં વઘાર કરવાની ક્રિયા કહીએ છીએ. જેમને ભાવતી હોય એમને મુબારક, અમે માંદા પડીએ ત્યારે અમને ખીચડી બિલકુલ ભાવતી નથી, બલકે અમે જયારે ખીચડી ખાઈએ છીએ ત્યારે માંદા પડીએ છીએ.

આપણે ગુજરાતીઓ છીએ એટલે આપણને ગુજરાતી વાનગીઓ નેશનલ ડીશનું માન પામે એ જ ગમે. એટલે અમારું સજેશન છે કે ખીચડીના બદલે ગાંઠીયાને નેશનલ ડીશ જાહેર કરવી જોઈએ. કાઠીયાવાડમાં તો સવારે બ્રશ કરવાને બદલે દસના ગાંઠીયા ખાવાનો રીવાજ છે. ગાંઠીયા નેશનલ ડીશ બને તો સાથે સાથે મરચા, પપૈયા, અને તેલમાં તળવા માટે મગફળીની ખેતીમાં વૃદ્ધિ થાય અને ખેડૂતો બે-પાંદડે થાય. મરદની મુછોના મરોડ અને ગાંઠીયાના વાટામાં પડતા વળમાં ભલભલાને ઝૂકાવવાની ક્ષમતા છે. ગાંઠીયા ખીચડી જેટલા જ પેટ માટે ફાયદાકારક છે. એમાં ભરપુર સોડા આવતો હોઈ ગાંઠીયા ખાધા પછી સોડા ન પીવો તો પણ ચાલે. ગાંઠીયા નેશનલ ડીશ બને તો દેશમાં સોડા ઇન્ડસ્ટ્રીનો પણ વિકાસ થાય અને અમુક બ્રાન્ડના વોશિંગ પાઉડરના શેરો પણ ઉંચકાય. એક અફવા મુજબ ગુજરાતમાં ગાંઠીયાની લોકપ્રિયતા અને એક ચોક્કસ વોશિંગ પાઉડરના ઉદયની વચ્ચે ગુજરાત યુનીવર્સીટીના એક સંશોધક બહેનને સારું એવું કોરીલેશન જોવા મળ્યું હતું.

જો ગાંઠીયા હેલ્ધી ન લાગતા હોય તો કંઈ નહીં, ખાખરાને નેશનલ ડીશ જાહેર કરો. ભલે એમાં ગાંઠીયા જેવો તોફાની ટેસ્ટ કે લલચાવનારી સોડમ નથી છતાં ખીચડી કરતા હજાર દરજ્જે સારા. ખાખરા સુકા હોવાથી ખીચડીની જેમ સાંજ પડે નિકાલ નથી કરવો પડતો. ખાખરા મુસાફરીમાં સાથે પણ લઈ જઈ શકાય છે. રૂઢિચુસ્ત રસોઈ કરનારા ખીચડી મોટે ભાગે સાંજે બનાવે છે, જયારે ખાખરા ચોવીસ કલાક ખાઈ શકાય છે. એ ઠંડા જ હોઈ એ ઠંડા થઈ જવાની ભીતી નથી રહેતી. એનો તો આકાર પણ ડીશ જેવો જ હોય છે, અને એટલે જ મરચાં, ચટણી વગેરે ખાખરામાં ભરીને ખાઈ શકાય છે. ખાખરાને કારણે બહેનોને રોજગાર મળે છે. એના પર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે જે ખાખરાને નેશનલ ડીશ બનાવવામાં આવે તો માફ પણ કરી શકાય.

અમારી જેમ ખાખરા તમને ન ભાવતા હોય તો પછી ખમણનો વારો કાઢો. કેમ ચરોતરનો શો વાંક? ખમણમાં નરમાશ છે. નજાકત છે. જો મોટા ચોસલેદાર ખમણને સિવિલ એન્જીનીયર સિવાયનું કોઈ ઊંચકે તો ડીફલેક્શનની ગણતરીમાં ગોથા ખાઈ જાય અને ખમણ જો એક તરફના ખૂણાથી ઊંચકે તો હાથમાં ટુકડો આવે અને વચ્ચેથી પકડે તો બેઉ તરફના છેડા ડીફલેક્શનને કારણે ડીશમાંથી ઉપર આવવા માટે તૈયાર નથી થતા. ખમણ સ્પોન્જી હોય છે એટલે છેલ્લા ખમણને તમે ડીશમાં ચારેતરફ ફેરવીને ચટણી, કોથમીર, કોપરું વગેર સાફ કરી શકો છો. આમ જાતે વાસણ સાફ કરવાના હોય તો એમાં સવલત રહે છે. જોકે ખમણને જો નેશનલ ડીશ જાહેર કરવામાં આવે તો સૌ પહેલા એના ફોટા સાથે દેશમાં એક ચોખવટ કરવી પડે કે આ વાનગી ‘ખમણ’ છે, થ્રી ઇડીયટસમાં કરીના જેની વાત કરે છે એ ‘ઢોકલા’ નહિ. જેમ આપણે ત્યાં જેમ બધા હિન્દી ભાષીઓને ‘ભૈયા’ કહેવાનો રીવાજ છે એમ ત્યાંની પબ્લિક આપણા ઢોકળા, ખમણ, ઇદડા વગેરેને ‘ઢોકલા’ જ કહે છે. અમારું ચાલે તો જેને ‘ઢોકળા’ શબ્દનો ઉચ્ચાર બરોબર આવડતો ન હોય એને એક ઢોકળું ખાવા પણ ન દઈએ.

હજી અમદાવાદી તરીકે આ યાદીમાં અમે ઊંધિયું, ફાફડા, જલેબી, ઘારી અને દાલવડાને પણ ઉમેરી શકીએ એમ છીએ કારણ કે એમાં પહેલા ચાર તહેવાર સાથે સંબંધિત છે જે પ્રજા દ્વારા ઉજવાય છે અને દાલવડા ચોમાસા સાથે સંકળાયેલા છે જે દેશની અગત્યની ઋતુ છે. જેમ વેલેન્ટાઈન ડેના નામે ગ્રીટિંગ કાર્ડ, ટેડી ડેના નામે ટેડીબેર અને ચોકલેટ ડેના નામે ચોકલેટનો વેપારને ઉત્તેજન અપાયું એ જ રીતે આ વાનગીઓનું તો વ્યવસ્થિત માર્કેટિંગ પણ થઇ શકે એમ છે. અને આ રીતે પણ ખુશ્બુ ગુજરાત કી આખા દેશમાં પ્રસરતી હોય તો અમને બ્રાંડ એમ્બેસેડર બનવામાં ચોક્કસ રસ છે. મળો યા લખો, અમને.

મસ્કા ફન


પકો: બોથડ પદાર્થની શોધ કોણે કરી હતી અને કયા હેતુથી કરવામાં આવી હતી ?

બકો: બોથડ પદાર્થની શોધ છાપાવાળાઓએ કરી હતી અને હત્યાનું રીપોર્ટીંગ કરવા માટે કરી હતી.

No comments:

Post a Comment