Wednesday, December 27, 2017

શું બદલાયું નથી ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૭-૧૨-૨૦૧૭

સ્ટીમ એન્જીનથી ચાલતી ટ્રેનમાં અમે મુસાફરી કરેલી છે, અને બુલેટ ટ્રેનમાં પણ કરીશું એવી આશા છે. એક સમયે ટ્રેન કે એસટીમાં મુસાફરી કરતા ત્યારે મમ્મી એલ્યુમિનિયમની બરણીમાં પાણી ભરતી, હવે શતાબ્દીમાં સુરત જઈએ મિનરલ વોટર રેલ્વે તરફથી આપવામાં આવે છે. છેક દસમાં ધોરણમાં અમને સાયકલ મળી હતી, અને અત્યારે કાર ચલાવીએ છીએ અને ભવિષ્યમાં ડ્રાઈવરલેસ કાર પણ આવશે તો એમાં પણ બેસીશું. જિંદગીમાં બદલાવ અનિવાર્ય છે, પરંતુ આપણી જિંદગીમાં ઘણું એવું છે જે બદલાયું નથી, અને ૨૦૧૮માં બદલાશે પણ નહીં.

દાખલા તરીકે છાશ. શીત પ્રદેશોમાં ઠંડા પીણાં વેચતી કંપનીઓ ભારતમાં આવી, પરંતુ ગુજરાતમાં છાશને ટક્કર આપી શકી નથી. આટલા વર્ષોથી છાશ બને છે પરંતુ હજુ પણ દહીંમાં પાણી અથવા તો વધુમાં વધુ પાણીમાં દહીં નાખીને છાશ બને છે. હા, ભેળસેળ થાય એ વાત જુદી. કોક લીંબુના ફૂલના પાણીમાં મમરા નાખીને ડુપ્લીકેટ છાશ બનાવે કે પછી દૂધ અને કાગળનો પલ્પ નાખી જાડી કરે પરંતુ હજુ કોઈએ વેચાણ વધારવા માટે ચીઝ છાશ કે ચોકલેટ છાશ બનાવવી નથી પડી. દેવો માટે અમૃતનું જે સ્થાન છે એવું જ મનુષ્યો ના જીવનમાં છાશનું સ્થાન છે એવું આપણા વડવાઓ કહેતા. સંસ્કૃતના એક સૂત્રમાં છાશ એટલે કે તક્ર માટે ‘भोजनान्ते च तक्रं पथ्यम्’ જેવું લખી કોલા અને મિનરલ વોટરના ધંધાના પેટ પર લાત મારી છે. એટલે જ આજકાલ અમુક લોકો સંસ્કૃતનો વિરોધ કરતા હશે એવું સહેજેય કોઈને લાગે.

શિયાળો આવ્યો, એમાં જાતજાતના વસાણા મળે છે જેવા કે અડદિયા, સાલમ પાક, કચરિયું. એમાંનો મેથીપાક તો એક જમાનામાં શિક્ષકોનો પણ ખાસ્સો પ્રિય હતો. તમે જુઓ હજુ આમાં પણ કોઈ પંજાબી કે ઇટાલિયન આઈટમે ઘૂસ નથી મારી. શિયાળામાં કોઈના ઘેર જશો તો તમને કોઈ કાચની ડીશમાં ચકતા આપીને એમ નહીં કહે કે ‘આ ઇટાલિયન વસાણું છે. યાં એને ફીયાનો ગ્રીકો સાગુ કે, અમારા રાહુલકુમાર લાવ્યા છે ખાસ ઇટાલીથી’. એટલું જ નહીં વસાણા ખાવાની પદ્ધતિ પણ હજુ બદલાઈ નથી. ઘરના છોકરા હજુ એનાથી દુર ભાગે છે અને ઘરના ચાલીસી વટાવી ચુકેલા પુરુષો હજુય વસાણા ઘરમાં જ બને એવી અપેક્ષા રાખે છે, અને એકવાર બને એટલે એને નાસ્તાની જેમ જ ખાય છે!

આજનું ગંજીફરાક એ કાલનું પોતું છે. આ આપણા સમાજનું સત્ય છે. ગંજીફરાકની સંગતમાં આજકાલ ઉતરેલા ટી-શર્ટ અને બર્મુડા આવી ગયા છે, પણ પોતું મારવા માટે ગંજીફરાક આજે પણ હીટ છે. અમને તો ખાતરી છે કે હડપ્પા અને મોહેન જો દડોના સમયમાં પણ ગંજી આ કામ માટે વપરાતા હશે. ગંજીના કેટલાક ગુણ એવા છે જે દર્શાવે છે કે આ કાર્ય માટે એનાથી વધુ યોગ્ય બીજું કશું જ નથી. લુંગી કે ધોતિયું પણ નહિ. રાજકારણમાં ધોતિયાકાંડ પછી ધોતિયા આમેય આઉટડેટેડ છે. હની સિંઘના લુંગી ડાન્સ ગીતની મદદથી લુંગીને ઉઠાવવાના પ્રયત્નો થયા હતા પણ બર્મુડા અને બોક્સર ચડ્ડીઓએ એમની મનશા બર આવવા ન દીધી. આ માટે એની લવચીકતા એટલે કે ફલેકસીબિલિટી જવાબદાર છે. નવું ગંજી આ પૃથ્વીનો જેટલો વિસ્તાર આવરી નથી શકતું એનાથી વધુ વિસ્તાર વપરાઈને તાર તાર થઇ ચૂકેલું ગંજી આવરી શકે છે. ખેલાડી ધારે તો એક સપાટામાં ખંડનો ચોથા ભાગમાં પોતું મારી શકે. અહી લવચીકતા પોતાનો ભોગ આપીને ગંજીની પાછલી જિંદગીને પ્રવૃત્તિમય બનાવે છે; એને અર્થપૂર્ણ જીંદગી જીવી જવાનો સંતોષ આપે છે. ગઈ સદી અને ગયા મિલેનિયમમાં ગંજી પોતા માટે વપરાતું હતું અને આ મિલેનિયમમાં પણ વપરાશે.

ઓટોગીયર ધરાવતી કારો માર્કેટમાં આવી પણ એકટીવાવાળી આંટીઓ પગ ઘસડીને જ બ્રેક મારે છે. હવે તો તળિયામાં બ્રેક લાઈનર લગાવેલા ચંપલ-સેન્ડલ બજારમાં મળતા થાય એની જ રાહ જોવાય છે. કાકાઓ હજુય કારના દરવાજા ખોલીને રસ્તા ઉપર પાનની ઉલટી કરે છે. રીવર્સ ગીયર અને સાઈડ સિગ્નલવાળી રીક્ષાઓ આવી ગઈ છતાં આજે પણ રિક્ષાવાળા પગથી જ સાઈડ બતાવે છે. તમે દરવાજાવાળી રીક્ષાઓ બનાવશો તો એ દરવાજામાં ફાકું પાડીને પણ પગથી જ સાઈડ બતાવશે. કી ઇગ્નીશનવાળા ટુ વ્હીલર્સ બે ત્રણ પ્રયત્ને ચાલુ ન થાય તો આજે પણ લોકો એને નમાવીને ચાલુ કરી જોવાનું ચૂકતા નથી. કારમાં રીવર્સ કરતી વખતે જોવા માટે રીઅર વ્યુ કેમેરા લાગ્યા હોય તોયે હજુ ‘આવવા દો આવવા દો ..’ કહેનારાઓ ફાજલ નથી પડ્યા. અને કારના દરવાજામાં આન્ટીનો ભરાયેલો દુપટ્ટો, બાઈકના સાઈડ સ્ટેન્ડ અને હેડલાઈટ ચાલુ હોય તો સો કામ પડતા મૂકી વાહનચાલકનું ધ્યાન દોરવાના પરમાર્થ કરનારા હજુ મરી પરવાર્યા નથી, એ ખરેખર આનંદ પામવા જેવી વાત છે.  
પરંપરાગત રીતે ઉજવાતા તહેવારોમાં ચિત્ર સ્પષ્ટ નથી. દિવાળીમાં ઘરે સેવ-સુંવાળી પરંપરા લુપ્ત થઇ ગઈ છે. દિવાળી કાર્ડનું સ્થાન વોટ્સેપ અને ફેસબુકે લઇ લીધું છે. પણ ગઈ દિવાળી સુધી ફટાકડા હજી અડીખમ છે; ભવિષ્યનું ભગવાન જાણે. ઉત્તરાયણને ઘણા લોકોએ દાઢમાં ઘાલી છે પણ હજી સુધી એ લોકો દોરી-પતંગ વગર ઉત્તરાયણ કરવાનો વિકલ્પ આપી શક્યા નથી. ઉત્તરાયણ પછી પાણી વગર હોળી રમવાનો આગ્રહ કરતા મેસેજીસ ચાલુ થઇ જશે; પણ હોળીના દિવસે કેમિકલ ડાઈ-ઓઈલ પેઈન્ટથી રંગાયેલા અને પાણીથી લથબથ ઘેરૈયાઓ આ વખતે પણ જોવા મળશે. મીલેનીયમ બદલાશે પણ અમદાવાદીઓ દશેરા ઉપર ફાફડા-જલેબી ખાવાનું નહિ છોડે એ નક્કી છે. સો ફિકર કરુ નકો....

મસ્કા ફન

કેપ્રી એ મૉરલી ટૂંકો લેંઘો અને લુંગીએ અલગ ઢબથી પહેરેલું ડિઝાઈનર ધોતિયું છે.

Wednesday, December 20, 2017

ચુંટણી અને પરીક્ષાના પરિણામ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૦-૧૨-૨૦૧૭
 
ચૂંટણી રંગેચંગે પતી ગઈ. રીઝલ્ટ પણ આવી ગયા. ઘીના ઠામમાં ઘી પડી ગયું. પણ ચુંટણી યોજાય કે પછી પરીક્ષા અપાય તે સમયથી પરિણામ સુધીનો સમય, કે જેમાં ‘ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ’ થઈ ગયું હોય છે એ સમય ઘણો કપરો હોય છે. કારણ કે સીલ ખુલે ત્યારે ઘણાની કારકિર્દીને બુચ વાગી જાય છે. પરીક્ષામાં તો પરિણામ પછી બીજા વિકલ્પો હોય છે, પણ ચુંટણીમાં ભારે ખર્ચ કર્યા પછી કોસ્ટ બેનીફીટ એનાલિસીસમાં બેનિફિટની કોલમમાં આર્યભટ્ટની શોધ દેખાય ત્યારે ભલભલાને લાગી આવે !

ઉમેદવારોનો કોન્ફિડન્સ બંનેમાં લાકડા જેવો હોય છે. આવો આત્મવિશ્વાસ જાળવી રાખવા પ્રથમ લક્ષ્યાંક પાસ થવાનું હોય છે. આ ઇલેકશનમાં ‘પાસ’ ને કારણે થોડાઘણા નાપાસ થયા, પણ ગાજ્યા મેહ વરસ્યા નહીં. સભામાં જેટલા લોકો આવ્યા એટલા વોટ મળ્યા નહીં. પરીક્ષામાં જેટલા પાનાં ભર્યા હોય એટલા માર્ક પણ ન આવે એવું કંઇક! પરીક્ષામાં પાસ થવા ૩૫ માર્ક અને ઇલેકશનમાં જીતવા માટે બહુમતી અગત્યની છે. રાજકારણીઓ પાસે ડીગ્રી હોય તો પણ થર્ડ ક્લાસ ડીગ્રી હોય છે. એટલે જ પાસીંગ માર્ક અગત્યના છે. હારેલા રાજકીય પક્ષો ઈ.વી.એમ.ને દોષ દઈ શકે છે અથવા ‘અમારો વોટ શેર વધ્યો છે’, ‘ગ્રામ્ય વિસ્તારમાં અમે આગળ છીએ’ કે પછી ‘પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી છે’ કહીને તંગડી ઉંચી રાખી શકે છે. જયારે પરીક્ષામાં નાપાસ થયેલો જણ ‘ભલે હું નાપાસ થયો, પણ મારું ગ્રાંડ ટોટલ સત્યાવીસથી વધીને અઠ્યોતેર થયું છે’ કે પછી ‘ઓ.એમ.આર. રીડર હેક થયેલું હતું’ એમ કહીને બાપાના મારમાંથી બચી શકતો નથી. આ કઠોર સત્ય છે.

પરીક્ષા પછી પેપર સોલ્વ કરીને કે પછી વેબસાઈટ ઉપર ‘આન્સર કી’ જોઇને અને ચૂંટણી પછી એક્ઝીટ પોલથી રીઝલ્ટનો અંદાજ લગાવી શકાય છે. એક્ઝીટ પોલમાં મત આપી આવેલા લોકોનો અભ્યાસ અને સર્વે દ્વારા કોણ જીતશે અને કોણ હારશે એનો અંદાજ લગાવવામાં આવે છે. પરીક્ષા પત્યા બાદ મા-બાપને તો ખબર જ હોય છે કે પોતાનો ચિરંજીવી શું ધોળીને આવ્યો હશે! એમાં અમુક ભણેલા ગણેલા માબાપ પેપર લઈને ‘આમાં શું લખ્યું, આનો જવાબ શો આવ્યો?’ એવા પ્રશ્નો પૂછી પોતાનો ડર સાચો છે, એ સાબિત કરતા હોય છે. ચૂંટણીમાં એટલો ફેર છે કે પોતાનો ઉમેદવાર ચામાં ગયેલા ટોસ્ટ જેટલો ઢીલો હોય તો પણ ‘અમારો ઉમેદવાર જીતશે જ’ એવો દાવો થાય છે!

પરિણામ એ જાતકે કરેલા પુરુષાર્થનું ફળ છે. ભગવાન શ્રી કૃષ્ણે ફળની ચિંતા કર્યા વગર પુરુષાર્થ કરવાની સલાહ આપી છે. આમ છતાં તમારી ફ્રુટની થેલીમાં ગાય મોઢું નાખતી હોય તો એને ‘હૈડ.. હૈડ..’ કહેવાનું કામ તો તમારે પોતે જ કરવું પડે. પરિણામ એક મુકામ છે. પરિણામ પછી કઈ દિશામાં આગળ વધવું એ નક્કી કરવામાં આવતું હોય છે. એ માટે પુરુષાર્થ પણ સાચી દિશામાં કરવો જોઈએ. સાયકલ સ્ટેન્ડ ઉપર હોય અને તમે પેડલ માર્યા કરો તો પ્રગતિ ન થાય. સારા પરિણામ માટે સચોટ આયોજન પણ કરવું પડતું હોય છે. મેથ્સનું પેપર આપવા સાયન્સની કાપલીઓ લઈને પહોંચી જાવ કે ચૂંટણી ટાણે જ જીભ લપસે એ સેલ્ફ ગોલ છે. આવા કિસ્સાઓમાં ભગવાન પણ મદદ ન કરી શકે.

પરિણામ પછી પણ બેનીફીટ ઓફ ડાઉટ ચૂંટણી ઉમેદવારને મળે છે, પરીક્ષા આપનારને નહીં. ચુંટણીમાં કેટલાય કાળાધોળા કરીને ટીકીટ મેળવી હોય, પાર્ટી ફંડમાં કે પક્ષના નેતાઓને કરોડો આપી ટીકીટ મેળવી હોય, જીતવા માટેકેટલાય દાવપેચ કર્યા હોય, ચુંટણીપ્રચારમાં મહાનુભાવોને ઉતારી દીધા હોય, અને એ પછી ચુંટણી હારે તો ‘ઈવીએમ ટેમ્પર થયા’, ‘સામેવાળી પાર્ટી પ્રજાને છેતરી ગઈ’, ‘જાતિવાદ નડ્યો’, ‘એન્ટીઇન્કમબન્સી નડી ગઈ’ જેવા ખુલાસા તૈયાર હોય છે. પરંતુ બોર્ડમાં ફેલ થનારના મા-બાપ તરફથી આવી સહાનુભુતિ નથી મળતી, એણે તો ‘રખડી ખાધું’, આખો દાડો મોબાઈલ હાથમાંથી છૂટે તો ને?’, ‘એને તો સીધું ધીરુભાઈ અંબાણી થવું છે, ભણવું નથી’ એવું બધું સાંભળવું પડે છે. આમ બંનેમાં ખરાબ પરિણામના કારણો પહેલેથી ખબર હોય છે. પરંતુ ચુંટણી હારનાર ફરી પોતાના ધંધે લાગી જાય છે, પણ પરીક્ષામાં ફેલ થનારનું જીવન અઘરું થઈ જાય છે. મા-બાપો આપણી પાર્ટીઓ જેટલા ઉદાર બને તો કેટલાય આપઘાત નિવારી શકાય!

પરીક્ષામાં નાપાસ થાવ તો રી-ટેસ્ટ અથવા રેમેડીયલ એક્ઝામ આપીને પાસ થઇ શકો પણ કમનસીબે ચુંટણીમાં એવું નથી. હવે મધ્યસત્ર ચૂંટણીની પ્રથા લુપ્ત થવા આવી છે એટલે પાંચ વર્ષ રાહ જોવી ફરજીયાત છે. પરિણામ પરીક્ષાનું હોય કે ચૂંટણીનું, જે આવે તે સ્વીકારવું પડે છે. અમિતાભ બચ્ચને એક વાર કે.બી.સી.માં એક સ્પર્ધકને કહ્યું હતું કે ‘મનને ગમતું થાય તો સારું જ છે, પણ ન થાય તો વધુ સારું છે. જે થઇ રહ્યું છે એ ન ગમતું હોય તો પણ એને ઈશ્વરેચ્છા સમજીને સ્વીકારજો; એણે તમારા માટે કૈંક સારું જ વિચાર્યું હશે.’ આ બધી ફિલોસોફી ઝાડવાનું કારણ એટલું જ કે ચૂંટણીનું પરિણામ તમારી ઈચ્છા મુજબ ન આવ્યું હોય તો મોળા પડતા નહિ; કીકો મારતા રહેજો. ફિલ્મો ફ્લોપ ઉપર ફ્લોપ જાય તોયે દેવ આનંદ અને રામ ગોપાલ વર્માએ ફિલ્મો બનાવવાનું છોડ્યું નહોતું.

મસ્કા ફન રાંધનારે શું રાંધ્યું છે એ નક્કી કરવું એ ઘણીવાર બીગબોસ શોનો અમુક પાર્ટીસીપન્ટ ભાઈ છે કે બહેન છે એ નક્કી કરવા જેટલું જ અઘરું હોય છે.

Wednesday, December 13, 2017

અર્જુનને ચૂંટણી જ્ઞાન

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૩-૧૨-૨૦૧૭

ઈલેકશનનું ફોર્મ ભરવા જતાં અર્જુન થોડો ઢીલો જણાતો હતો. આમ તો એ મજબુત હતો, પરંતુ દુર્યોધન જેવા સામે લડવાનું એને બીલો ડીગ્નીટી લાગતું હતું. એણે ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા પરમ સખા શ્રી કૃષ્ણને સંબોધીને કહ્યું ‘મને તો આ સઘળું નિરર્થક જણાય છે. સો-સો ભ્રાતાઓ મારી વિરુદ્ધમાં છે. મારા મિત્રો, મામાઓ, પુત્રો, પૌત્રો, ભીષ્મ દાદા, ગુરુ દ્રોણ દુર્યોધનના પક્ષે રહીને લડવાના છે. એટલું જ નહિ પણ ભૂતકાળમાં શિક્ષકો અને આચાર્યોને યોદ્ધાઓ યાદીની બનાવવાની કામગીરીમાંથી મુક્ત કરવા માટે આચાર્ય સંઘની આગેવાની લઈને હડતાલની ધમકી આપી ચુક્યા હતા એવા આચાર્ય દ્રોણે કૌરવોના પક્ષે ફોર્મ ભરી દીધું છે. દુર્યોધન મારા કટ્ટર હરીફ કર્ણને એના જ્ઞાતિબંધુઓને સારથીની ભરતીમાં અનામત મળે એ માટે વચન આપી ચુક્યો છે. કૌરવોએ કર્ણના સારથી પિતા અધિરથની માગણી ઉપર ફિક્સ પગારદાર સારથી સહાયકોને નોકરીમાં કાયમી કરવાનું ઢંઢેરામાં સમાવ્યું છે. મારા મામા શલ્ય પોતે કર્ણના પ્રચારની ધુરા સંભાળવાના છે, પરંતુ એ અંદરખાને કર્ણને એની ઓકાત બતાવતા રહેવાના છે. આ પ્રજા, એક પક્ષની સભામાં જાય છે, ભજીયા કોક બીજાના ખાય છે, અને વોટ કોક ત્રીજાને આપી આવે એવી ઉસ્તાદ થઇ ગઈ છે. આવા માહોલમાં ચૂંટણી લડવાનો મને જરાય ઉત્સાહ નથી આવતો. મને તો હવે આ ડીપોઝીટના રૂપિયા પણ ડુલ થતાં જણાય છે. પછી શ્રી કૃષ્ણે, ફોર્મ ભરવાનો સમય વીતી જાય નહીં એનું ધ્યાન રાખીને અર્જુનને ટૂંકમાં ચુંટણી જ્ઞાન આપ્યું. 

‘હે સખા, ભીષ્મ અને દ્રોણની તું ચિંતા ન કર, એમને સલાહકાર મંડળમાં બેસાડવાને બદલે ટીકીટ આપીને દુર્યોધને ભૂલ કરી છે. ભલે તેઓ પોતે ધરખમ ખેલાડી હોય, પણ સામા છેડે સ્ટેન્ડ આપનારા મજબુત ન હોઈ ભલે દ્રોણ-ભીષ્મ ઈત્યાદી એમના વરદાનને કારણે ભલે છેલ્લે સુધી બેટિંગ કરે, પણ આપણે બીજા નબળા ખેલાડીઓની વિકેટ પાડતા રહીશું તો છેલ્લે એમણે દાવ ડીકલેર કર્યા સિવાય કોઈ ઉપાય નહીં રહે. વળી આપણે અશ્વત્થામા નામનો એક ડમી ઉમેદવાર ઉભો રાખવાની સ્ટ્રેટેજી કરી છે, જે હારશે તો દ્રોણ શસ્ત્રો હેઠા મૂકી દેશે એ તો તું જાણે જ છે. વળી ભીષ્મનો ઉપાય શિખંડીના રૂપમાં થઈ ગયો છે. રહ્યા કૌરવો, તો એ ઘેટાઓના ટોળા સામે તમે પાંચ સિંહ પૂરતા છો’.

‘હે વત્સ, જેમ આત્મા એક ખોળિયું મુકીને બીજા ખોળિયામાં પ્રવેશે છે એમ જ નેતાઓ એક પક્ષ છોડીને (ટીકીટ આપે એવા) બીજા પક્ષમાં જોડાય છે. અમુક તો પવનની દિશા જોઇને ફરે છે. આ ચૂંટણી છે. આજે જે પોતાનો ટેકો દુર્યોધનને આપે છે એ કાલે તને આપશે. જે લોકો ગઈકાલે આપણા પક્ષમાં હતા એ આજે સામા પક્ષે ઉભા છે એનો પણ શોક ન કરીશ કારણ કે गतासूनगतासूंश्च नानु शोचन्ति पंडिता: અર્થાત વિદ્વાનો જીવતા-મુએલાઓનો શોક કરતા નથી. સૈનિકો તો બિચારા સેનાપતિ દોરવે એમ દોરવાઈ જાય છે એટલે કાલે કૌરવ તરફથી લડતા સૈનિકોને પુરતું કારણ મળે તો એમને મોં ફેરવી લેતા જરીકે વાર નહીં લાગે. વળી આત્માને અગ્નિ બાળી શકતો નથી કે પવન સુકવી શકતો નથી માટે પોતાના ટેકેદારો સહીત આપણા શરણમાં આવેલા અન્ય પક્ષના અસંતુષ્ઠ નેતાને સીબીઆઈ કે ઇન્કમટેક્સથી અભયદાન આપી પક્ષમાં ભેળવી દેવામાં તું વાર ન કર.
 

‘હે પાર્થ, યુદ્ધ ખાલી સગા-સંબંધીના વોટ-સપોર્ટથી નથી જીતાતું. એના માટે ભજીયા, ગોટા અને ચવાણાના ઇંધણના સહારે મતવિસ્તાર ખૂંદી વળે એવા કાર્યકરોનો સમૂહ અનિવાર્ય છે. આવા કાર્યકરોના ખોટા બીલો પણ પ્રેમથી સહી કરી ચૂકવી દેવામાં સાર છે. ચુંટણી સભામાં જયારે કાગડા ઉડતા હોય, ત્યારે સોશિયલ મીડિયામાં સ્ટેજ પર ભેગા થયેલા સ્થાનિક નેતાઓના ફોટા મુકવા અને જો સભા ભરાયેલી જણાય તો પબ્લિકના ફોટા મુકાય. આમ છતાં સભામાં હાજરી પાંખી જણાય તો ચિક્કાર જનમેદનીના ફોટોશોપ કરેલા ફોટા અને અર્જુન ... અર્જુન ...ના નારા ડબ કરેલા ચૂંટણી સભાના વિડીયો ફેસબુક અને ટ્વિટર ઉપર પોસ્ટ કરનારા અને એને ટોપ ફાઈવમાં ટ્રેન્ડ કરાવનારા ટ્વિટરાટીઓના ઝુંડની જરૂર પડે છે. અહીં મને ‘ગોવાળિયો’ કહીને ટ્રોલ કરનાર જરાસંધ કે મને ભાંડતી ઉપરાછાપરી સો સો ટ્વિટ કરનાર શિશુપાલ જેવા દુશ્મનોના ઉચ્ચારણોનો યથાયોગ્ય ઉપયોગ કરવો ઘટે છે અથવા એમનો ચતુરાઈથી નિકાલ કરવો પડે છે’.

‘હે કૌન્તેય, ચૂંટણી અને યુદ્ધમાં એક પક્ષની હાર થાય જ છે, પરંતુ હારમાં જે ઉદ્વેગ પામતો નથી કે જીત્યા બાદ જે પ્રધાનપદાની સ્પૃહા રાખતો નથી એ નર આજીવન લોક સેવક બની રહે છે અને અતિ સામાન્ય જીવન જીવતા એના કુટુંબીઓના ફોટા છાપામાં છપાતા રહે છે. હે પાર્થ, રાજકારણમાં પદપ્રાપ્તિ જ મોક્ષ ગણાય છે. કોર્પોરેટર બનનાર ધારાસભ્ય બનવાના અને ધારાસભ્ય બનનાર સંસદસભ્ય બનવાના સપના જુએ છે. પ્રધાનપદ ન મેળવી શકનાર બોર્ડ કોર્પોરેશનમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ રહે છે. જે નર પદલાલસા પર કાબુ મેળવે છે અથવા જાહેરમાં પોતાને પદની લાલસા નથી એમ દર્શાવે છે એ ઝડપથી સલાહકાર મંડળમાં સ્થાન પામે છે. માટે હે કુંતિપુત્ર, રાજકારણમાં રહીને ચુંટણી ન લડવાની બેવકૂફ જેવી વાત પડતી મુક અને વિના સંકોચ ઉમેદવારી પત્ર ભર, બાકીનું હું મેનેજ કરી લઈશ’.

મસ્કા ફન શિયાળામાં
અંધારા રૂમમાં લાઈટ ચાલુ કરવા જતાં,
જયારે પંખાની સ્વીચ ચાલુ થઈ જાય ...
ત્યારે સાલું લાગી આવે !

Wednesday, December 06, 2017

ચૂંટણી મહાભારત- ટીકીટની ફાળવણી



કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૬-૧૨-૨૦૧૭

ચૂંટણી યુદ્ધ અત્યારે પરાકાષ્ટાએ પહોંચ્યું છે. મહાભારતની જેમ બે પ્રમુખ પક્ષ છે અને એ પક્ષના સમર્થકો આ યુદ્ધમાં યથાશક્તિ ફાળો આપી રહ્યા છે. મહાભારતના યુદ્ધનું આજકાલની ચૂંટણીની પદ્ધતિમાં વર્ણન કરવું હોય તો કંઇક આમ કરી શકાય.

ઈલેકશન કમિશને કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ ખેલાય એ માટે નોટીફીકેશન બહાર પાડ્યું છે. બંને પક્ષ ભારતવર્ષના જીતી શકે તેવા રાજાઓ તથા સગાઓને પોતાના પક્ષમાં લેવા કવાયતો ચાલુ કરી દીધી છે. અમુકે તો વગર માંગ્યે પોતે કૌરવ અથવા પાંડવના પક્ષમાં છે તેવું એફીડેવીટ કરી દીધું છે. જયારે અમુક અડૂકિયા-દડુકિયા યુદ્ધ બાદ જીતનાર પોતાને શું આપશે એ અંગે ટર્મ્સ એન્ડ કન્ડીશન ડ્રાફ્ટ કરવામાં પડ્યા છે.

ભગવાનના જયેષ્ઠ બંધુ બલરામજી તો ઈલેકશન પોલીટીક્સથી એટલા કંટાળેલા હતા કે એમણે તો એ સમય દરમિયાન એલટીસી વપરાય એ રીતે રેવતીજી સાથે દુરના પ્રદેશોમાં યાત્રા કરવા જવાનું જાહેર કરી દીધું હતું. દુર્યોધન એમનો શિષ્ય હોવાથી એ આ સમાચારથી નિરાશ થયો હતો.

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાને સોનાની નગરી બનાવી ચુક્યા હતા એટલે એમણે હવે દ્વારકાના રોડ પર ખાડા છે, સરકારે ગોમતી નદી પર રીવરફ્રન્ટ બનાવવા સિવાય બીજું કોઈ મોટું કામ નથી કર્યું, દ્વારકામાં બાળકો કુપોષિત છે વગેરે જેવા કોઈ પાયા વગરના આક્ષેપોનો સામનો કરવાનો નહોતો. એટલે જ એમણે પોતે ઇલેકશનમાં ઉભા ન રહેવાનું નક્કી કર્યું હતું. એમાં બેય બાજુ સગા હતા એ પ્રશ્નનું પણ સમાધાન થઈ જતું હતું. વળી, કુરુક્ષેત્રમાં યુદ્ધ થતું હોય અને પોતે દ્વારકામાં બેઠા બેઠા લાઈવ કવરેજ જુએ એના કરતાં મેદાનમાં રહેવાનો વિકલ્પ એ વિચારી રહ્યા હતા. સારા ક્રિકેટરો રીટાયર થયા બાદ કોમેન્ટ્રી આપે છે એમ.

દુર્યોધન અને અર્જુન બંને એકજ સમયે શ્રી કૃષ્ણનો ટેકો માંગવા પહોંચી ગયા છે. અર્જુન પ્રજાસેવક તરીકે એમના પગ પાસે, અને દુર્યોધન પોતે ઓલરેડી સત્તામાં હોવાથી રોફમાં સોફા પર બેઠો હતો. શ્રી કૃષ્ણ ઊંઘમાંથી ઉઠી ચા પી અને ફ્રેશ થાય છે ત્યાં એમની નજર ચિંતાતુર અર્જુન પર પડે છે. એ પછી એમની નજર સામે સોફામાં બેસી મોબાઈલમાં ટ્વીટર પર પોતાના દ્વારકા જવાથી થયેલ હંગામા અંગેની પોસ્ટ વાંચી રહેલા દુર્યોધન પર પડે છે.


શ્રી કૃષ્ણ બંનેને તેમના આવવાનું પ્રયોજન પૂછે છે. બંને કુરુક્ષેત્રમાં થનાર મહાભારતના યુદ્ધમાં ભગવાનનો ફોલોઅર્સ સહિતનો સપોર્ટ માંગે છે. જોકે શ્રી કૃષ્ણ પોતે લડવાના નહોતા અને કૌરવ અને પાંડવ બંને સગામાં થતા હોઈ એમણે પોતાના નારાયણીસેના તરીકે ઓળખાતા તમામ ફોલોઅર્સ અથવા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતે એકલા, એમ બેવિકલ્પ આપે છે. અર્જુનને પ્રથમ ચોઈસ કરવાનું કહે છે. શ્રી કૃષ્ણને ટ્વીટર પર ફોલો કરનારા અને ફેસબુક પર એમની બધી પોસ્ટ્સ લાઈક કરનારા દુર્યોધન માટે આ મોટો આંચકો હતો, કારણે કે ભગવાનની કાશી, કૌશલ, મગધ, અંગ, વંગ, કલિંગ, પૌન્ડ્ર વગેરેને પરાજિત કરનારી અજેય નારાયણીસેના જો અર્જુન માંગી લે તો પછી આ સેનાને ટ્રોલ કરવી અઘરી પડી જાય, પરંતુ દુર્યોધનના આશ્ચર્ય વચ્ચે અર્જુને માત્ર શ્રી કૃષ્ણ માંગ્યા હતા, અને એ પણ એમની શરત મુજબ – નિશસ્ત્ર અને એકલા!

દુર્યોધનને તો બગાસું ખાતા મોંમાં પેંડો આવી ગયો! એણે તો દ્વારકાના સેનાપતિ કૃતવર્માને કૌરવ પાર્ટીનો ખેસ પહેરાવતો ફોટો પણ ટ્વીટર પર પોસ્ટ કરી દીધો. કૌરવ પ્રેરિત છાપા હસ્તિનાપુર સમાચારે તો કૌરવો અડધું મહાભારત જીતી ગયા હોય એ રીતે આ સમાચારને રજુ કર્યા. જયારે અમુક તટસ્થ કહેવાતી ચેનલોએ પોતાના મનગમતા પ્ર-વક્તાઓની પેનલ થકી ‘અર્જુને કાચું કાપ્યું’ એવો ચુકાદો તો આપ્યો, પરતું અગાઉ અનેકવાર ખોટા પડયા હોઈ આવું સ્પષ્ટ નહીં, પણ ગોળગોળ કહ્યું; જેથી ભવિષ્યમાં અર્જુન જીતે તો સોશિયલ મીડિયા બૌદ્ધિકોને મોઢું બતાવી શકે. એમના પાળેલા સેફોલોજીસ્ટે પણ આંકડા એવી રીતે મેળવ્યા હતા કે ઓપીનીયન પોલના પરિણામો બંને પક્ષોની જીતના સરખા ચાન્સીસ બતાવતા હતા. મતદાનની સાંજે પણ આ જ આંકડામાં થોડો ફેરફાર કરીને એક્ઝીટ પોલ તરીકે બતાવવાનું નક્કી હતું.

ટિકિટોની વહેંચણી એટલે કે વ્યૂહરચનામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. ભીષ્મ પિતામહે પોતે પાંડવોને નહિ હરાવે, મહિલા સામે નહિ લડે, કર્ણને યુદ્ધની ટીકીટ આપવામાં ન આવે અને શ્રી કૃષ્ણ ઉમેદવારી કરશે તો પોતે ફોર્મ પાછું ખેંચશે એવી વિચિત્ર શરતો મૂકી. પાંડવોએ ૭૫ વર્ષનો કાયદો કરીને અપવાદરૂપ કિસ્સામાં જ વૃદ્ધ યોદ્ધાઓ ઉતાર્યા હતા. દુર્યોધન એ પગલાની ઠેકડી પણ ઉડાવી ચુક્યો હતો એટલે વૃદ્ધ હોવા છતાં દુર્યોધને ભીષ્મને સેનાપતિના ચહેરા તરીકે જાહેર કર્યા અને શરત મુજબ પ્રથમ યાદીમાંથી કર્ણનું નામ દૂર કરવામાં આવ્યું.

અતિરથીઓ અને મહારથીઓથી ભરેલી કૌરવસેના સામે પાંડવોની હાર નિશ્ચિત જાણી કેશવે નેપથ્યમાંથી દોરી સંચાર સ્વહસ્તક રાખ્યો હતો. ભીષ્મને હરાવવા માટે એમણે પૂર્વાશ્રમની નારી એવા શિખંડીનું ડમી ફોર્મ ભરીને તૈયાર જ રાખ્યું હતું. ભીષ્મ પછી વન ડાઉનમાં દ્રોણ આવવાના હતા અને એમની વિકેટ પાડવા માટે ધૃષ્ટદ્યુમ્નને તો તૈયાર કર્યો જ કર્યો પણ સાથે યુધીષ્ઠીર અશ્વત્થામાના નામાંકનની એફિડેવિટમાં સંદિગ્ધ માહિતી આપે એવી ગોઠવણ પણ કરી રાખી હતી. ભીમ માટે દુર્યોધન-દુ:શાસન તો સહદેવ માટે શકુનીનું ટાર્ગેટ નિશ્ચિત હતું. આમ એકંદરે બધું ગોઠવાઈ ગયું હતું.

આ દરમ્યાન હસ્તિનાપુરની પ્રજા શું કરતી હતી? હસ્તિનાપુરની પ્રજા તેલ જોતી હતી અને તેલની ધાર જોતી હતી કારણ કે કૌરવો જીતે કે પાંડવો, સિઝનમાં તેલના ભાવનું ભડકે બળવું નક્કી હતું! એટલે એમણે સંજયની ચેનલમાંથી ગેરકાયદે કેબલો ખેંચીને મફતમાં યુદ્ધનું લાઈવ ટેલીકાસ્ટ જોવાનું મુનાસીબ માન્યું હતું,

મસ્કા ફન

બોર્ડની એક્ઝામ વખતે પડાવેલો ફોટો એ મનુષ્યની ઉત્ક્રાંતિનો પુરાવો ન ગણાય.