Tuesday, January 31, 2012

પતિ, પત્ની અને કોમ્પ્યુટર


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૯-૦૧-૨૦૧૨ |અધીર અમદાવાદી |

કોમ્પ્યુટર કહ્યા પ્રમાણે કામ કરે છે. એના પોતાનામાં કોઈ અક્કલ હોતી નથી, એ ચિઠ્ઠીનું ચાકર છે. ઈલેક્ટ્રોનિક્સ કે કોમ્પ્યુટર એન્જીનિયર એને ડીઝાઈન કરે છે. સોફ્ટવેર પ્રોગ્રામર એમાં પ્રોગ્રામ નાખે છે. અને ટેકનીશિયન આવીને તમારા ઘરમાં એ લગાડી જાય છે. પછી સ્વીચ ચાલુ કરો એટલે એ કામ શરુ કરે છે. તમે એનાથી કાગળ ટાઈપ કરી શકો, પણ કાગળમાં શું લખવું એ તમારે જાતે વિચારવું પડે છે. એ સરવાળા, બાદબાકી, ગુણાકાર પણ કરી શકે છે, પણ આંકડા તમારે પોતે નાખવા પડે છે. એ તમારી કંપનીનું સરસ પ્રેઝન્ટેશન પણ બનાવી આપે છે, પણ એ માટે કંપનીએ નાની મોટી કંઇક ધાડ મારી હોવી જરૂરી છે. કોમ્પ્યુટર ગીત પણ વગાડી શકે છે, પણ તમારે ‘પાઈરેટેડ’ સીડી લાવી કોમ્પ્યુટરમાં નાખવી પડે છે. ટૂંકમાં પચીસ ત્રીસ હાજર ખર્ચીને લાવેલા કોમ્પ્યુટરને તમે કોઈ કામ બતાવો એ પહેલા કોમ્પ્યુટર તમને કામ બતાવે છે !

આમ છતાં, ઘરમાં કોમ્પ્યુટર વસાવવું એ સ્ટેટસ સિમ્બલ મટીને જરૂરીયાત બની ગયું છે. કોમ્પ્યુટર વસાવતા પહેલા ખરીદનાર ચાર જણને પૂછે છે. ‘કયું સારું?’, ‘તમે કોની પાસેથી ખરીદ્યું ?’, ‘મોનીટર  કેટલા ઇંચનું છે ?’, ‘બધાં પ્રોગ્રામ નાખી આપે છે ?’, ‘કેટલામાં પડ્યું ?’. કમનસીબે લગ્નપૂર્વે ઘણાં છોકરા-છોકરીઓને હજુ આટલા બધાં પ્રશ્ન પૂછવાની છૂટ નથી મળતી. આમ ગુજરાતી વેપારી અને બિન-વેપારી વર્ગ પોતાની સઘળી આવડતનો ઉપયોગ કરી, વેચનારને બગડે તો રીપેર કરવા માટે બાંધી લઇ, સારું મુહુર્ત જોઈ કોમ્પ્યુટર ઘેર લાવે છે.

ઘેર નવી વહુ આવે ત્યારે છોકરાના સિંગલ બેડરૂમને ડબલ કરવા બધું આઘું પાછું થાય, તેમ કોમ્પ્યુટર આવતાં ટેબલ પર પડેલા ધૂળ ખાતા ચોપડાઓ અને કચરપટ્ટી અન્યત્ર ખસેડી, ધૂળ ઝાપટી, કોમ્પ્યુટરને સાંકડમાંકડ જગ્યા કરી ઘુસાડવામાં આવે છે. કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કરી ટેકનીશિયન જાય એટલે તરત ચાંદલા કરી કોમ્પ્યુટરને ફાટેલી ચાદરનું રક્ષા કવચ ચઢાવવામાં આવે છે. એ કહેવાની જરૂર નથી કે ગુજજુ નર અઠવાડિયા સુધી કોમ્પ્યુટર ચાલે એની ખાતરી કરીને પછી જ વેચનારને રૂપિયા ચૂકવે છે. આ તરફ વેચનારને પણ ખબર છે, કે અઠવાડિયા સુધી તો કોમ્પ્યુટર વપરાશે જ નહિ, ખાલી સાફસૂફ જ થશે, એટલે બગડવાની ખાસ શક્યતા નથી. એટલે એ પણ પેમેન્ટ માટે અઠવાડિયું ખમી ખાય છે.

પણ બજારમાં આજકાલ કોમ્પ્યુટરનાં બે મોડલ ચાલે છે. એક લેપટોપ અને બીજું ડેસ્કટોપ. ડેસ્કટોપ ઘરમાં કે ઇન-ડોર રહે છે. સામાન્ય રીતે ડેસ્કટોપ ડબ્બા જેવું હોય છે, જેમાં સીપીયુ, મોનીટર, કી-બોર્ડ, માઉસ વિગેરે વિગેરે અલગ અલગ ફેલાયેલું હોય છે. જ્યારે લેપટોપ સ્લીક હોય છે. લેપટોપ કોમ્પેક્ટ હોય છે, રંગબેરંગી હોય છે. એ બહાર સાથે લઇ જવાય છે. અને પુરુષો એને બતાવવામાં ગર્વ અનુભવે છે. લેપટોપનું વજન સામાન્ય રીતે ઓછું હોય છે અને એ મોંઘુ હોય છે. લેપટોપના ઇન-બિલ્ટ સ્પીકર ઘણાં નાના હોય છે, જ્યારે ડેસ્કટોપની સાથે જોડાયેલા સ્પીકર મોટા અને કાન ફાડી નાખે એટલો ઘોંઘાટ કરી શકે છે. ડેસ્કટોપ ઘરનાં બધાને સેવા પૂરી પાડે છે, જ્યારે લેપટોપ એક જ વ્યક્તિને સેવા આપે છે. થોડા સમય પહેલા તો ડેસ્કટોપમાં ફક્ત સીઆરટી પ્રકારનાં મોનીટર આવતાં હતાં, જે ઘણી જગ્યા રોકતા હતાં. પણ હવે ડેસ્કટોપમાં પણ સ્લીક એલસીડી પ્રકારનાં સલીમ મોનીટર આવવા લાગ્યા છે, એટલું સારું છે!

ઉપરનું વાંચીને તમે કદાચ એવાં તારણ પર આવો કે અમે લેપટોપ એટલે ગર્લફ્રેન્ડ અને ડેસ્કટોપ એટલે પત્ની એવું આડકતરી રીતે કહેવા માંગીએ છીએ. પણ ના, એવું કશું નથી. કોમ્પ્યુટરને પત્ની સાથે સરખાવવું એ નરી મૂર્ખતા છે. અરે, પત્ની એ પત્ની છે. પત્ની એવું ઘણું કરી શકે છે, જે કોમ્પ્યુટર નથી કરી શકતું. પત્ની સાંજે મોડા આવો તો તમારી ઉલટતપાસ કરી શકે છે. પત્ની તમે જુઠું બોલો તો પકડી શકે છે. કોમ્પ્યુટર એક વક્ત સ્વીચ ઓફ કરો એટલે એની રેન્ડમ એક્સેસ મેમરી (રેમ) જતી રહે છે, પણ પત્ની રાતે સુઈ જાય તો સવારે બે વાત વધારે યાદ કરીને ઉઠે છે. કોમ્પ્યુટરનો ફાયદો ગણો તો એ કદી પિયર જતું નથી રહેતું. પત્ની જ્યારે કોમ્પ્યુટર ગેમમાં કાર રેસ રમે તો તમે શાંત ચિત્તે એ જોઈ શકો છો, પણ જો એ વાસ્તવમાં ડ્રાઈવ કરતી હોય તો તમને પરસેવો છૂટવા લાગે છે, અને અમુક લોકો તો આવાં સમયે એક પણ ભૂલ વગર હનુમાન ચાલીસા પણ કડકડાટ બોલી નાખે છે !

પણ આમ છતાં કોમ્પ્યુટરની ઓપરેટીંગ સિસ્ટમ (ઓએસ) વગર કોમ્પ્યુટર ન ચાલે તેમ ગૃહિણી વગર ઘર ચાલતું નથી. ઓપરેટીંગ સિસ્ટમની જેમ ગૃહિણી શરૂઆતમાં સ્લો લાગે, પણ પછી એકવાર ખુલે એટલે ભલભલા કામ ચપટીમાં કરી નાખે. ઓએસથી જેમ જાતજાતનાં પ્રોગ્રામ રન થાય છે તેમ આપણાં ઘરના પ્રોગ્રામ ગૃહિણીથી ચાલે છે. જોકે આજ ગૃહિણીમાં શોપિંગ નામનો વાઈરસ ઘુસી જાય અને એને જો ઇચ્છિત વસ્તુ ન મળે તો ગુસ્સે થઇ રિસાઈને એક વાર હેંગ પણ થઇ જાય છે. પછી મનાવવામાં માટે તમારે પરણ્યા પહેલા જે બધું કરતાં હતાં એ બધું ‘રિસ્ટાર્ટ’ કરવું પડે છે.

પ્રાણીઓ પાસેથી આપણે શું શીખ્યા ?

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૯-૦૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |   


ઉત્ક્રાંતિવાદ પ્રમાણે વાંદરા અપગ્રેડ થઈ માણસ બન્યા. અત્યારે તો માણસ રોબો બનાવે છે, પણ દિવસે દિવસે માણસ રોબો જેવો થતો જાય છે. જુના કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, મેમરી, પ્રોસેસર અપગ્રેડ થતાં કૅબિનેટ સિવાય બધું બદલાઈ જાય, એમ વાંદરામાંથી માણસ બન્યો પણ વાનરવેડા રહી ગયા છે. આપણા આ પૂર્વજો પાસેથી આપણે વાંદરાની જેમ જાહેરમાં ખંજવાળતા શીખ્યા છીએ. જાહેર જગ્યાએ અણછાજતી હરકત કરતાં યુવાપ્રેમીઓને જોઈએ ત્યારે પણ વાંદરાં યાદ આવી જાય છે. મનુષ્યો પોતાના આ પૂર્વજોને ભૂલ્યા નથી એ વાતની સૌથી મોટી સાબિતી જોઇતી હોય તો વિધાનસભા અને સંસદમાં ધમાલ કરતાં અને એક પાર્ટીમાંથી ગુલાંટ મારી બીજી પાર્ટીમાં જતાં નેતાઓને જુઓ. એમણે જ વાંદરો ઘરડો થાય તો ગુલાંટ મારવાનું ભૂલે નહિ તે ઉક્તિને યોગ્ય ઠેરવી છે. આ માણસ ટોળીની સરદારી કરવાના મામલે વાંદરાની જેમ જ જીવ પર ઊતરી આવે છે.

ગાય પાસેથી માણસજાત ઘણું શીખી છે. અમુક મનુષ્યો મોંઘી કાર લઈને નીકળે તો છે, પણ ચાર રસ્તા વચ્ચે ગાયની જેમ અનિર્ણીત દશામાં ઉભા રહી હવે કઈ બાજુ જશું?’ તે નક્કી કરે છે. ગાય પાસેથી પત્નીઓ શિંગડા મારવાનું અને વાગોળવાનું શીખી છે. ને ગાયોની જેમ પત્નીઓ એક વાર કૂચો ન થઈ જાય ત્યાં સુધી લીધેલી વસ્તુને છોડતી નથી, ખાસ કરીને પતિની કુટેવો અને લફરાં એને જલદી પચતાં નથી. પત્નીઓની જેમ ગાય પણ કદી વિન્ડો શોપિંગ કરતી નથી. અમદાવાદનાં માણેકચોકમાં પસાર થતી ગાય કોઈ પણ ઘડીએ કોઈ પણ શાકની લારીમાં મહો  મારી લે છે. બરોબર આમ જ ઘણી સ્ત્રીઓ પણ શોરૂમ જોઈ પોતાના પગ એ તરફ વાળી દે છે. જોકે શોરૂમવાળા સમજુ હોવાથી તેઓ સ્ત્રીઓને ગાયની જેમ હટ હટનથી  કહેતા!

કીડી પાસેથી મનુષ્ય મહેનત કરતા શીખ્યો એવું ઘણાં માને છે. પણ કીડી સમાજમાં ડાબેરી પાર્ટીની લાલ કીડી મહેનત કરતી હશે કે કેમ એ ઝુઓલોજીસ્ટ જાણે, પણ એ ચટકે છે જરૂર. માણસો પણ પોતાની આસપાસ અને સમાજમાં અન્યને યથાશક્તિ નાના મોટાં ચટકા ભરતો રહે છે. આ ચટકા શારીરિક, આર્થિક કે માનસિક કોઈ પણ પ્રકારના હોઈ શકે. કીડીને ગળપણ પ્રતિ વિશેષ રુચિ જોવા મળે છે, એટલે જ્યાં ગળ્યું મળે ત્યાં કીડીઓનું ઝુંડ ભેગું થઈ જાય છે. આમાં મીઠાશ એ સુંદર છોકરીઓનું પ્રતિક છે, અને કીડી એ દિલફેંક યંગીસ્તાનનું. કીડીઓ પોતાના ખુદના વજન કરતા વીસેક ગણું વધારે વજન આસાનીથી ઊચકીને ફરે છે. કીડી પાસેથી પ્રેરણા લઈને મુંબઈની સબર્બન ટ્રેન સેવા બની, જે  કીડિયારાં જેવા દ્ગશ્યો તો તાદ્રશ્ય કરે જ છે અને કેપેસીટી કરતાં વધારે મુસાફરો વહન કરે છે.

કૂતરા પાસેથી માણસે શું શીખવા જેવું છે ? સો ટકા લોકો આનો જવાબ વફાદારી આપશે. પણ વફાદાર લોકોની હાલત આજકાલ ધોબીનાં કૂતરા જેવી થાય છે, એટલે પછી એજ લોકો કૂતરાનાં વફાદારી પછીના ક્રમની કરડવાની લાક્ષણિકતા શીખે છે. કૂતરાની પૂંછડી પર વિદેશોમાં ઘણું સંશોધન થયું છે. એવું કહે છે કે કૂતરાની પૂછડી બાર વર્ષ પાઈપમાં રાખો તો પાઈપ વાંકી થઈ જાય પણ પૂંછડી સીધી ન થાય. હવે આ અતિશયોક્તિ ભરી વાતમાં બે મુદ્દા વિચાર માંગે છે. ૧) શું આ પ્રયોગમાં સરકારી ગુણવત્તા મુજબની પાઈપ વાપરી હોવાથી એ વળી ગઈ હશે? અને ૨) બાર વરસ સુધી કૂતરાની પૂંછડી પાઈપમાં રાખવાનાં આ પ્રયોગની સૈધાંતિક મંજૂરી કોણે આપી? યાર, જીવદયા જેવી કોઈ ચીજ પણ હોય ને? આમ છતાં આ આખી વાતમાં અતિશયોક્તિ અવગણીએ તો પણ માણસજાત કૂતરાની પૂછડી જેવી ટાંકી જ છે, અને આમાં દાખલા આપવાની જરૂર નથી.

સિંહ જંગલનો કહેવાતો રાજા છે. જંગલમાં શાકાહારી, માંસાહારી એમ બધી જાતના પ્રાણીઓ રહે છે. બહુમતી  ધરાવતાં શાકાહારી પ્રાણીઓનાં મતથી માંસાહારી સિંહ જંગલનો રાજા બને છે. આ રાજા એની જ પ્રજાનું ભક્ષણ કરે છે. એટલું જ નહિ પ્રજાને ભક્ષણ સહજ લાગે તે માટે એ સિંહ ભૂખ્યો થાય પણ કદી ઘાસ ન ખાયએવી વાતો પણ ફેલાવે છે. ભોળી પ્રજા એની વાત માની લે છે. આમ એ વરસોથી જંગલ પર રાજ કરે છે. ખબર પડી નેતાઓ ક્યાંથી શીખ્યા આ બધું ?

ડ-બકા
તમન્ના તો ઘણીયે છે કે હોન્ડા સીટીમાં ફરું બકા,
પણ લ્યુનાનાં ચઢેલા હપ્તા તો પહેલા ભરું બકા!






Saturday, January 28, 2012

રજનીકાંતનું જીવનચરિત્ર

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૨-૦૧-૨૦૧૨ |અધીર અમદાવાદી |

હીરો પર ચારે તરફથી ગોળીઓનો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ આ શું? હીરોનાં જૅકેટ પર વાગીને બધી ગોળીઓ ચલાવનાર તરફ જ પાછી આવી રહી છે. જોતજોતામાં ગોળી ચલાવનાર બધાં જ સાફ થઈ જાય છે. અને હીરો પોતાનાં જૅકેટના દરેક ખિસ્સામાંથી એક એક પુસ્તક બહાર કાઢી ઉછાળે છે જે ગોળ ગોળ ગોળ ફરતાં પાછાં એનાં હાથમાં આવી જાય છે. આ પુસ્તક એટલે સર રજનીકાંતનું જીવનચરિત્ર. હીરો છે એક દક્ષિણનો નવોદિત કલાકાર કે જે ફિલ્મમાં એક આમ આદમી હોય છે અને રજની સરનું પુસ્તક લેવા માટે સ્ટોરમાં ગયો હોય છે. મહામહેનતે એ પુસ્તક મેળવી બહાર નીકળતો હોય છે ત્યારે આ પુસ્તક લૂંટી લેવા માટે કેટલાંક ગુંડાઓ એના પર હુમલો કરી દે છે.

સાઉથનાં સુપરસ્ટાર રજનીકાંતનું નમન રામચંદ્રન લિખિત પહેલું પ્રમાણિત જીવનચરિત્ર તા. ૧૨.૧૨.૨૦૧૨ ના રોજ પ્રસિદ્ધ થશે. આ સમાચાર સાંભળીને અમારા જેવા રજનીકાંત ચાહકો રોમાંચિત થઈ ઊઠ્યા છે. રજનીકાંત વિષેની કેટલીક બહુ પ્રચલિત સત્યઘટનાઓનાં એસ.એમ.એસ. તો તમને મળ્યા જ હશે, એટલે એ વાતો અહીં ફરી દોહરાવવાને બદલે એમનાં પ્રસિદ્ધ થનાર જીવનચરિત્ર સંબંધિત બે વાત કરીએ. અમે જે કહેવાનાં છીએ એમાં તમને જો ક્યાંય અતિશયોક્તિ લાગે તો એ ક્ષમ્ય ગણશો કારણ કે રજની સરની તારીફમાં ઓછું કહી એમની અને એમનાં ચાહકોની ખફગી વહોરી લેવાનું રિસ્ક આ લખનાર લેવા નથી માંગતા!

રજની સરની પ્રથમ ઑફિશિયલ આત્મકથા પ્રકાશિત થવાની છે એ સમાચાર સાથે જ પુસ્તકનાં ૨૫૦૦ ભાષામાં ટ્રાન્સલેટ કરવા સહિતના હક મેળવવા માટે હુંસાતુંસી થઈ રહી છે. એવું જાણવા મળે છે કે અત્યાર સુધીમાં માત્ર બાઈબલ પુસ્તકનું વધુમાં વધુ ૨૪૦૦ ભાષામાં ટ્રાન્સલેશન થયું છે. એટલે જ પ્રકાશકો વડાપ્રધાન અને એમનાં સંચાલકથી માંડીને અમિતાભ અને રજનીકાંતના જમાઈ ધનુષ સુધીની લાગવગ આ પુસ્તકના હકો મેળવવા માટે લગાડી રહ્યા છે. હેરી પોટર સિરીઝના પુસ્તકો પબ્લીશ કરનાર પબ્લિશર પણ આ પુસ્તકનાં બધી ભાષાનાં ઑર્ડર પુરા કરી નહિ શકે તેમ લાગતાં હવે રજનીકાંત સિવાય કોઈ આ કામ કરી શકે એવી શક્યતા જણાતી નથી. એવું મનાય છે કે યુનિવર્સ માટેનાં હકો માટે છેક મંગળ ગ્રહ પરથી પણ કોકે સંપર્ક કર્યો છે. 

મહાભારત વિષે એવું કહેવાય છે કે જે મહાભારતમાં છે તે જ બીજે છે, અને જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. રજનીકથા આવવાથી મહાભારતની મોનોપૉલી તૂટે નહિ તો જ નવાઈ. સર રજનીકાંતની જીવનકથા આવતાં જ એ મહાપુસ્તક તરીકે સ્થાન મેળવી લેશે તે નક્કી દેખાય છે. રજની સરનાં અમુક ફેન તો એમ પણ કહે છે કે આગામી દિવસોમાં કદાચ કોર્ટમાં સોગંદ લેવા માટે રજની સરની આ આત્મકથા વપરાશે. આ પુસ્તક પ્રકાશિત થાય એ પહેલા જ એને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવાની માંગ પણ અમુક પ્રાદેશિક પક્ષો કરી રહ્યા છે. એટલું જ નહિ આ પુસ્તક જે દિવસે રિલીઝ થવાનું છે તે ૧૨મી ડિસેમ્બરે રજા જાહેર થાય તેવી પણ શક્યતા છે. ખાનગી કંપનીઓમાં પણ આ રજાની અસર જોવા મળશે તેવું જાણકારો કહે છે. ચેન્નઈની અમુક ખાનગી કંપનીઓના કર્મચારીઓએ અત્યારથી ડિસેમ્બરમાં પંદર દિવસની રજા મૂકી દીધી છે, અને માલિકોને એવી પણ ચીમકી પણ આપી છે કે જો રજા મંજૂર ન થવાની હોય તો લીવ એપ્લિકેશનને રાજીનામા તરીકે ગણી લેવી. અમુક ઉત્સાહીઓ આ રજનીકથા સ્કૂલ કૉલેજોનાં અભ્યાસક્રમમાં સામેલ કરવા પણ ભલામણ કરી રહ્યા છે. જો કે રેશનાલીસ્ટો અને અમુક જુનવાણી સર્જકોએ આનો અત્યારથી વિરોધ પણ શરુ કરી દીધો છે. એક સર્જકે તો આ મામલે ઉપવાસ પર ઊતરવાની ધમકી પણ આપી છે.   

એવું મનાય છે કે આ પુસ્તક માર્કેટમાં આવતાં પહેલાં જ હીટ છે. ચેન્નઈમાં તો જે બુકસ્ટોરમાં આ પુસ્તકની પહેલી નકલ મળવાની છે ત્યાં લાઈન અને ટ્રાફિક સંબંધિત આયોજન માટે ચેન્નઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ટ્રાફિક પોલિસે એક સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરી દીધી છે, જે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેશે. બુકસ્ટોર માલિકે લંડન ઓલમ્પિકમાં સિક્યુરિટી સર્વિસ આપનાર કંપનીને સિકયુરિટી માટે રોકી છે. સ્ટોરની બહાર અઠવાડિયા અગાઉથી લાઈન લાગે તો ચા-કોફી અને પાન-બીડીવાળા પણ તગડી કમાણી કરી લેશે એવી ગણતરી છે. એટલે જ સ્ટોર પાસે પાથરણાં અને સ્ટૉલ ઊભા કરવા માટે અત્યારથી જ કાપાકાપી ચાલુ થઈ ગઈ છે. અમુક મોકાની જગ્યાઓ માટે તો સ્થાનિક કોર્પોરેટરો પણ અંદર અંદર લઢી રહ્યા હોવાના સમાચાર પણ લોકલ છાપાંમાં છેલ્લા પાને જોવા મળે છે.

ચાલીસ કરોડ કરતાં વધારે રેકૉર્ડ બ્રેક કોપીઓ જેની વેચાઈ છે એવી હેરી પોટર સિરીઝનાં લેખિકા જે. કે. રોલિંગે પણ રજનીસરની આત્મકથા આવવાની હોવાથી હવે તેઓ નવું કોઈ પુસ્તક નહિ લખે એવી જાહેરાત ૨૦૧૧માં જ કરી બ્રિટીશ લોકો ધંધાની આગવી સૂઝ ધરાવે છે એ સાબિત કરી દીધું છે. ક્રિસમસ પર નવી ફિલ્મ રિલીઝ કરવા માટે જાણીતાં આમિર ગજની ખાન (હવે શાહરુખ પણ) પણ આ વરસે રજની સરનું પુસ્તક બહાર પડવાનું હોઈ નવી ફિલ્મ રિલીઝ નહિ કરે એવું બોલિવુડના પંડિતો માને છે. બારમી ડિસેમ્બરે પ્રકાશિત થનાર આ પુસ્તકને વાચકો ન્યાય આપી શકે એ માટે દિવાળી વેકેશન લંબાવવા અથવા તો ક્રિસમસ વેકેશન વહેલું શરુ કરવા માટે પણ સરકારમાં સ્વયંભુ ફાઈલ શરુ થઈ ગઈ છે. આખી વાતમાં સૌથી આશ્ચર્યજનક ઘટના એ છે કે આ ફાઈલ એક ટેબલથી બીજાં ટેબલ પર ધક્કો માર્યા વિના આગળ વધી રહી છે! રજની સરની જય હો!

Wednesday, January 25, 2012

નહાવું જરૂરી છે ?


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૨-૦૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |  

ભારત દેશને સ્વતંત્રતા મળ્યે છ દાયકા વીત્યા પણ આપણી પ્રજા નાહવા જેવી ગૌણ બાબતમાં પણ સ્વતંત્રપણે નિર્ણય નથી લઈ શકતી. આમ તો નહાવું કે ન નાહવું એ આપણો અંગત વિષય છે. પણ જો મિડલ ક્લાસનો માણસ નહાય નહિ, તો એનાં ઘરમાં અને વાત આગળ વધીને ઓફિસ અને સમાજમાં એ ચર્ચાય છે. ધર્મ રોજ નહાવાનું કહે છે એટલે કદાચ લોકો રોજ નહાય છે. વેદ અને પુરાણોમાં ઉપવાસનો મહિમા ગવાયો છે, જેમાં મન અને તનની શુદ્ધિ માટે અન્નનો ત્યાગ થાય છે. તો અણ્ણાને રામદેવ જેવા પોતાની વાત રજૂ કરવા ઉપવાસ કરે છે. પણ વિરોધ પ્રદર્શનમાં નાહવાના ઉપવાસનો ઉપયોગ થતો સાંભળ્યો નથી. આ તો ખાલી આઇડિયા આપું છું ઉપવાસવીરોને !

શિયાળો આવે એટલે છાપાઓ કાશ્મીરમાં બરફ પડ્યો અને કચ્છમાં નલિયામાં કેટલું ન્યૂનતમ તાપમાન થયું એનાં આંકડા આપે એ જોઈ ઘણાં નબળા હ્રદયના લોકો ઘેરબેઠાં ફફડી ઊઠે છે. નહાવાનું નામ માત્ર પડે તો અમુકને ઠંડી ચઢી જાય છે. અમુકને તો સવારે બ્રશ કરીને મોઢું ધોતાં ડર લાગે એટલે ટુથપેસ્ટનું સફેદ ફીણ હોઠની આજુબાજુ લાગેલું હોયને એ ચાનો કપ મોઢે લગાડી દે છે. કમનસીબે જેને નહાવું ન ગમતું હોય તેવાં છોકરાઓની મમ્મીઓ છોકરાં નહાય એ માટે ખૂબ આગ્રહી હોય છે. જો કે મોડર્ન મમ્મીઓ પોતે જ નહાવામાં સવારની સાંજ પાડી નાખતી હોય છે એટલે છોકરાઓને બહુ તંગ નથી કરતી.

નહાનાર બાથરૂમમાં જાય પછી નહાય છે કે નથી નહાતો, અને જો નહાય છે તો બરોબર નહાય છે કે નહિ, તે બાબત ગૂઢ જ રહે છે. માણસના મૃત્યુ પછી જે રાઝ દફનાઈ જાય છે એમાં એ માણસ ખરેખર રોજ નહાતો હતો કે નહિ, તે પણ હોય છે. બાથરૂમમાં પાણી જવાના અવાજનાં આધારે કોઈ નાહ્યું છે એવું સર્ટિફિકેટ આપવું એ કૉલેજનાં પટાવાળાને કૉલેજ જવા માટે ડિગ્રી આપવા બરોબર છે. આ ઉપરાંત બરોબર નહાવું કોને કહેવાય એ અંગે પણ મતમતાંતર છે. અમુક લોકો સાબુ ચોળીને નાહવાને પ્રાધાન્ય આપે છે. અમુક લોકો માથાબોળ સ્નાનને સંપૂર્ણ સ્નાન ગણે છે. સંપૂર્ણ કપડાં સહિત નદીમાં ડૂબકી મારે એટલે સ્નાન થયું કહેવાય એ વાત સાથે અન્ય ઘણાં સંમત નથી થતાં. જોકે બ્રાહ્મણોનાં કિસ્સામાં એમના નાહવાની ખાતરી જનોઈ ભીની છે કે નહિ તે દ્વારા કરી શકાય છે.

આજકાલ ગઠિયા એકના ડબલ કે ત્રણ ગણા રૂપિયા આપવાની લાલચ આપીને લોકોને લાખો રૂપિયામાં નવડાવે છે. વેપારીઓ એક પર ત્રણ ફ્રી આપવાની બોગસ સ્કીમો કરી ગ્રાહકોને નવડાવે છે. રાજકારણીઓ તો પ્રજાને કરોડોમાં નવડાવે જ છે. આવી રીતે નહાવાનું કોઈને ન ગમે તે સ્વાભાવિક છે એટલે દુધનો દાઝેલો છાશ ફૂંકી ફૂંકીને પીવે એમ આવા ગઠિયાઓ જેને નવડાવે છે એ પછી નહાવાથી એટલો ડરે છે કે શિયાળામાં પણ ડ્રાય ક્લીનીંગથી કામ ચલાવતો થઈ જાય છે!

લોકોએ દેશસેવા માટે પણ એક ટંક નહાવાનું છોડવું જોઈએ. ન નહાવાથી પાણી તો બચે જ છે. પણ નાહવાનો સમય પણ બચે છે. શરીર લૂછવાનો સમય બચે છે. પછી વાળ સૂકવવાનો સમય બચે છે. ફરી તેલ નાખવાનો સમય બચે છે. તેલ અને સાબુના પૈસા બચે છે. કપડાં કાઢવા અને ફરી પહેરવાનો સમય બચે છે. નાહવા જતાં પહેલાં ટુવાલ શોધવાનો સમય બચે છે. ટુવાલ એક જ જગ્યાએ કે ઠેકાણે નથી કેમ નથી મૂકતી?’ એ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝગડા થતાં અટકે છે. ન નહાવાથી સોસાયટીનું ઇલેક્ટ્રિક મોટરનું બિલ ઓછું આવે છે અને બધાં જો સામૂહિક રીતે નાહવાથી અળગાં રહે તો શહેરની પાણીની સમસ્યા હળવી થઈ શકે. ઉપરાંત ગટરમાં પાણી ન જવાથી ગટરો ઉભરાવાવા પ્રશ્નો પણ સોલ્વ થઈ જાય. એટલું જ નહિ, જેમ ગાંધીજી પોતે આચરણમાં મૂકી બીજાને ઉદાહારણરૂપ બનતાં હતાં એમ મહાપુરુષોએ પણ આ ઉમદા કાર્યમાં ઉદાહરણરૂપ બનવું જોઈએ. વિચારો કે ભારતનાં સવાસો કરોડ લોકો એક દિવસ ન નહાય તો શું થઈ શકે ? અંદાજે ત્રણ હજાર કરોડ લીટર પાણી બચે, પાંચ કરોડ તો સાબુ બચે સમજ્યા? હવે એક કામ કરો, બાથરૂમનાં દરવાજા પર આ લેખ ચોંટાડી દો !

ડ-બકા 
કકડે છે દાંત ને હલવા લાગે છે દાઢ બકા,
પ્રેમ શબ્દ સાંભળીને મને ચઢે છે ટાઢ બકા!