Sunday, January 01, 2012

કેટલીક ટચુકડી જાહેરાતો


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૧-૦૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |  

મેનપાવર સપ્લાય
સભા, ઉપવાસ, ઉદઘાટનમાં ભીડ કરવાં દરેક પ્રકારનાં માણસ સપ્લાય કરવામાં આવશે. અમારી ખાસિયત ગરીબી રેખાથી નીચે જીવતાં હોય ત્યાંથી લઈને સવા સો કરોડનું ટર્નોવર ધરાવતી કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર જેવા આબેહુબ દેખાતા લોકો સંપૂર્ણ ડ્રેસ સાથે સભાના સ્થળે યોગ્ય રીતે પહોંચતા કરવામાં આવશે. કાર્યક્રમની જરૂરીયાત મુજબ તેમને ઊઠવા, બેસવા, સુત્રો પોકારવા, ટોપી પહેરાવવા માટે ટ્રેઈન કરી મોકલવામાં આવશે. કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ શહેરમાં પાંચથી લઈને પચીસ હજાર માણસો હાજર સ્ટોકમાં મળશે. કોન્ટેક્ટ: ભાવના હ્યુમન રિસોર્સીઝ.  

ઈમ્પોર્ટેડ ઇઅર પ્લગ
બૈરાની કચકચથી બચવા ખાસ ચાઇનીઝ બનાવટનાં ઇઅર પ્લગસ વાજબી ભાવે મળશે. ચોવીસ કલાક પહેરાય એવા અને પહેર્યા છે એની બૈરીને ખબર ન પડે તેવા. બૈરી સિવાય બધાં અવાજ સંભળાય છે. માર્કેટીગ એક્ઝીક્યુટીવ નીમવાના છે. કોન્ટેક્ટ: ધ્યાનચંદ બેરા.

ટેલી માર્કેટિંગમાં એક્ટિંગની તક
શું તમારી ટેલેન્ટની કોઈ કદર નથી કરતું ? શું તમને સ્કુલમાં ભણતાં હતાં ત્યારે લોકો ‘ભૂરિયો’ કે ‘ભૂરી’ કહીને ખીજવતા હતાં ? તો ખાસ ભૂરિયા વાળ અને ગોરી ચામડી ધરાવતાં વિદેશી દેખાય એવાં લોકો માટે એક્ટિંગની ખાસ તક. જાડિયા, બટકા, ટાલિયા લોકો માટે વિશેષ તક. નેશનલ ચેનલ પર પ્રસારણની ગેરંટી. પૂર્વ અનુભવ જરૂરી નથી. કોઈ પણ ભાષામાં હોઠ હલાવતા આવડતું હોય તો તમારા લેટેસ્ટ ફોટોગ્રાફ અને રૂપિયા પાંચસો ફોર્મ ફીનાં લઇ રૂબરૂમાં મળો.

વરઘોડા સર્વિસ
ઘર કે કુટુંબમાં કોઇ વરઘોડામાં નાચવાવાળું નથી? બોલીવુડની ફિલ્મમાં ગોવિંદા સાથે કામ કરી ચુકેલ નાચનારા વાજબી ભાવે સપ્લાય કરવામાં આવશે. બધી વેરાઈટી અને સાઇઝમાં મળશે (પ્લ્સ સાઇઝમાં પણ મળશે), તદન ઘરના હોય તેવા દેખાશે. વરઘોડામાં સ્પીકર અને બે અવાજમાં ગાવાવાળા સિંગરના ઘોંઘાટથી બચવા સ્પેશિયલ યુઝ એંડ થ્રો લગનિયા ઇયર પ્લગ મળશે. લગ્નમાં ફટાકડા ફોડી આપવામાં આવશે. મંડપ પ્રવેશ વખતે વરરાજાને ઉચકવા માટે પહેલવાન ભાડે મળશે. ચોરેલા ચંપલ/મોજડી શોધી કાઢવા માટે ડિટેકટીવ સર્વિસ મળશે.

જોઈએ છે
કવિ માટે રહેણાકને લાયક મકાન. પચાસ માણસ બેસી શકે અને બહારથી લોક થાય તેવાં હોલવાળું. શાંત વિસ્તારમાં, કૂતરાનાં ત્રાસ વગરનું. ભૂતકાળમાં કવિ સાથે મારામારી ન કરી હોય તેવાં, પોલીસ રેકોર્ડ વગરના સહિષ્ણુ પાડોશીઓવાળું. કોન્ટેક્ટ કરો ટ્રેજિક બ્રિક એસ્ટેટ એજન્સી.

ફેસબુક સ્પેશિયલ
ફેસબુક પર તમારા વતી કવિતા, સુવિચાર, ફની થોટ્સ, ગઝલ, બકા શાયરી, તથા અન્ય પોસ્ટ કરી આપવામાં આવશે. મીનીમમ પચાસ લાઈક અને પચ્ચીસ કોમેન્ટ્સની ગેરંટી આપવામાં આવે છે. અન્યના સ્ટેટસ પર મારવા માટે તાત્કાલિક કોમેન્ટ પણ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત ફેસબુક પર લગાડવા માટે તમારા ફોટાને વાજબી ભાવે ટચિંગ કરીને પ્રિયંકા, કેટરિના, કે કરિના (છોકરીઓ માટે) અને રણવીર, જોન કે ઈમરાન (હાશ્મી) જેવા આબેહુબ બનાવી આપવામાં આવશે. આ ઉપરાંત પ્રોફાઇલમાં લખવા માટે વિદેશી સીરીયલોના નામ, હોલિવુડના સેલીબ્રીટીઝના નામ વગેરે પુરા પાડવામાં આવશે. આ સેવાની સંપૂર્ણ માહિતી ગોપનીય રાખવામાં આવશે.  

સીમકાર્ડ લે-વેચ
રેડિયો કોન્ટેસ્ટમાં બ્લોક થયેલાં સીમકાર્ડ વાજબી ભાવે લેવામાં આવે છે. એકપણ કોન્ટેસ્ટમાં ન વપરાયેલ સીમકાર્ડ ભાડે મળશે. કોન્ટેક્ટ: એફ. એમ. હુસેન ૦૯૮૩૯૮૩૯૮૩

ઉપવાસ સ્પેશિયલ
ઇકો ફ્રેન્ડલી, વોટર પ્રૂફ, ડિસ્પોઝેબલ ગાંધી ટોપીઓ મળશે. રીસાઈકલડ મટીરીયલમાંથી બનેલી ‘આઈ એમ અન્ના’ લખેલી ટોપીઓ દરેક સાઈઝમાં હાજર સ્ટોકમાં મળશે. તમારી જરૂરીયાત મુજબનું લખાણ અરજન્ટ લખી આપવામાં આવશે. ટોપી સવારથી સાંજ સુધી ચાલે એની મેન્યુફેક્ચરિંગ ગેરંટી. સંપર્ક: ગાંડાલાલ ધીરજલાલ ટોપીવાળા.

જ્યોતિષી
માત્ર એકાવન રૂપિયામાં તમારા દરેક પ્રશ્નનું નિરાકરણ. ઓફિસમાં બોસ અને ઘરમાં પત્ની વશ, રોજ ધારેલો નાસ્તો અને સહેલાઈથી તૂટે એવી રોટલી મળે, સંતાનનાં પેટ્રોલ અને મોબાઈલ બિલ કંટ્રોલમાં, પેટ્રોલનાં ભાવવધારા અને ધંધામાં ભાગીદારથી ચીટિંગની અગાઉથી જાણકારી, દેણદારો ફોન ઉપાડે તેમજ લેણદારોને તમારો ફોન સદાય એન્ગેજ મળે, ગર્લફ્રેન્ડ સસ્તી ગીફ્ટમાં ખુશ રહે તે માટેનાં મંત્ર તેમજ માર્ગદર્શન માટે મળો, દર્શન ભાઈ (બનારસ રીટર્ન).

મોડેલ જોઈએ છે
અગરબત્તીની જાહેરાત માટે બ્રોડ માઈન્ડેડ મહિલા મોડેલ જોઈએ છે. દારૂની કંપનીનાં કેલેન્ડરમાં કામનો અનુભવ હોય તેમને પ્રથમ પસંદગી. કોન્ટેક્ટ : વી. જમાલિયા એન્ડ સન્સ.

ડ-બકા
જો ક્રિકેટ મેચ હો તો રાત જાગી નાખું બકા,
મુકે સિરીયલ તો લે આ બગાસું ખાધું બકા!

2 comments:

  1. મઝ.ઝ ..ઝાનું ...ડ-બકું

    ReplyDelete
  2. aa aartical sathe Pet ma dukhtu mate eni dava free ma aapo...!!! :)
    ha...ha..ha..!

    ReplyDelete