Saturday, January 28, 2012

રજનીકાંતનું જીવનચરિત્ર

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૨-૦૧-૨૦૧૨ |અધીર અમદાવાદી |

હીરો પર ચારે તરફથી ગોળીઓનો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ આ શું? હીરોનાં જૅકેટ પર વાગીને બધી ગોળીઓ ચલાવનાર તરફ જ પાછી આવી રહી છે. જોતજોતામાં ગોળી ચલાવનાર બધાં જ સાફ થઈ જાય છે. અને હીરો પોતાનાં જૅકેટના દરેક ખિસ્સામાંથી એક એક પુસ્તક બહાર કાઢી ઉછાળે છે જે ગોળ ગોળ ગોળ ફરતાં પાછાં એનાં હાથમાં આવી જાય છે. આ પુસ્તક એટલે સર રજનીકાંતનું જીવનચરિત્ર. હીરો છે એક દક્ષિણનો નવોદિત કલાકાર કે જે ફિલ્મમાં એક આમ આદમી હોય છે અને રજની સરનું પુસ્તક લેવા માટે સ્ટોરમાં ગયો હોય છે. મહામહેનતે એ પુસ્તક મેળવી બહાર નીકળતો હોય છે ત્યારે આ પુસ્તક લૂંટી લેવા માટે કેટલાંક ગુંડાઓ એના પર હુમલો કરી દે છે.

સાઉથનાં સુપરસ્ટાર રજનીકાંતનું નમન રામચંદ્રન લિખિત પહેલું પ્રમાણિત જીવનચરિત્ર તા. ૧૨.૧૨.૨૦૧૨ ના રોજ પ્રસિદ્ધ થશે. આ સમાચાર સાંભળીને અમારા જેવા રજનીકાંત ચાહકો રોમાંચિત થઈ ઊઠ્યા છે. રજનીકાંત વિષેની કેટલીક બહુ પ્રચલિત સત્યઘટનાઓનાં એસ.એમ.એસ. તો તમને મળ્યા જ હશે, એટલે એ વાતો અહીં ફરી દોહરાવવાને બદલે એમનાં પ્રસિદ્ધ થનાર જીવનચરિત્ર સંબંધિત બે વાત કરીએ. અમે જે કહેવાનાં છીએ એમાં તમને જો ક્યાંય અતિશયોક્તિ લાગે તો એ ક્ષમ્ય ગણશો કારણ કે રજની સરની તારીફમાં ઓછું કહી એમની અને એમનાં ચાહકોની ખફગી વહોરી લેવાનું રિસ્ક આ લખનાર લેવા નથી માંગતા!

રજની સરની પ્રથમ ઑફિશિયલ આત્મકથા પ્રકાશિત થવાની છે એ સમાચાર સાથે જ પુસ્તકનાં ૨૫૦૦ ભાષામાં ટ્રાન્સલેટ કરવા સહિતના હક મેળવવા માટે હુંસાતુંસી થઈ રહી છે. એવું જાણવા મળે છે કે અત્યાર સુધીમાં માત્ર બાઈબલ પુસ્તકનું વધુમાં વધુ ૨૪૦૦ ભાષામાં ટ્રાન્સલેશન થયું છે. એટલે જ પ્રકાશકો વડાપ્રધાન અને એમનાં સંચાલકથી માંડીને અમિતાભ અને રજનીકાંતના જમાઈ ધનુષ સુધીની લાગવગ આ પુસ્તકના હકો મેળવવા માટે લગાડી રહ્યા છે. હેરી પોટર સિરીઝના પુસ્તકો પબ્લીશ કરનાર પબ્લિશર પણ આ પુસ્તકનાં બધી ભાષાનાં ઑર્ડર પુરા કરી નહિ શકે તેમ લાગતાં હવે રજનીકાંત સિવાય કોઈ આ કામ કરી શકે એવી શક્યતા જણાતી નથી. એવું મનાય છે કે યુનિવર્સ માટેનાં હકો માટે છેક મંગળ ગ્રહ પરથી પણ કોકે સંપર્ક કર્યો છે. 

મહાભારત વિષે એવું કહેવાય છે કે જે મહાભારતમાં છે તે જ બીજે છે, અને જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. રજનીકથા આવવાથી મહાભારતની મોનોપૉલી તૂટે નહિ તો જ નવાઈ. સર રજનીકાંતની જીવનકથા આવતાં જ એ મહાપુસ્તક તરીકે સ્થાન મેળવી લેશે તે નક્કી દેખાય છે. રજની સરનાં અમુક ફેન તો એમ પણ કહે છે કે આગામી દિવસોમાં કદાચ કોર્ટમાં સોગંદ લેવા માટે રજની સરની આ આત્મકથા વપરાશે. આ પુસ્તક પ્રકાશિત થાય એ પહેલા જ એને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવાની માંગ પણ અમુક પ્રાદેશિક પક્ષો કરી રહ્યા છે. એટલું જ નહિ આ પુસ્તક જે દિવસે રિલીઝ થવાનું છે તે ૧૨મી ડિસેમ્બરે રજા જાહેર થાય તેવી પણ શક્યતા છે. ખાનગી કંપનીઓમાં પણ આ રજાની અસર જોવા મળશે તેવું જાણકારો કહે છે. ચેન્નઈની અમુક ખાનગી કંપનીઓના કર્મચારીઓએ અત્યારથી ડિસેમ્બરમાં પંદર દિવસની રજા મૂકી દીધી છે, અને માલિકોને એવી પણ ચીમકી પણ આપી છે કે જો રજા મંજૂર ન થવાની હોય તો લીવ એપ્લિકેશનને રાજીનામા તરીકે ગણી લેવી. અમુક ઉત્સાહીઓ આ રજનીકથા સ્કૂલ કૉલેજોનાં અભ્યાસક્રમમાં સામેલ કરવા પણ ભલામણ કરી રહ્યા છે. જો કે રેશનાલીસ્ટો અને અમુક જુનવાણી સર્જકોએ આનો અત્યારથી વિરોધ પણ શરુ કરી દીધો છે. એક સર્જકે તો આ મામલે ઉપવાસ પર ઊતરવાની ધમકી પણ આપી છે.   

એવું મનાય છે કે આ પુસ્તક માર્કેટમાં આવતાં પહેલાં જ હીટ છે. ચેન્નઈમાં તો જે બુકસ્ટોરમાં આ પુસ્તકની પહેલી નકલ મળવાની છે ત્યાં લાઈન અને ટ્રાફિક સંબંધિત આયોજન માટે ચેન્નઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ટ્રાફિક પોલિસે એક સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરી દીધી છે, જે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેશે. બુકસ્ટોર માલિકે લંડન ઓલમ્પિકમાં સિક્યુરિટી સર્વિસ આપનાર કંપનીને સિકયુરિટી માટે રોકી છે. સ્ટોરની બહાર અઠવાડિયા અગાઉથી લાઈન લાગે તો ચા-કોફી અને પાન-બીડીવાળા પણ તગડી કમાણી કરી લેશે એવી ગણતરી છે. એટલે જ સ્ટોર પાસે પાથરણાં અને સ્ટૉલ ઊભા કરવા માટે અત્યારથી જ કાપાકાપી ચાલુ થઈ ગઈ છે. અમુક મોકાની જગ્યાઓ માટે તો સ્થાનિક કોર્પોરેટરો પણ અંદર અંદર લઢી રહ્યા હોવાના સમાચાર પણ લોકલ છાપાંમાં છેલ્લા પાને જોવા મળે છે.

ચાલીસ કરોડ કરતાં વધારે રેકૉર્ડ બ્રેક કોપીઓ જેની વેચાઈ છે એવી હેરી પોટર સિરીઝનાં લેખિકા જે. કે. રોલિંગે પણ રજનીસરની આત્મકથા આવવાની હોવાથી હવે તેઓ નવું કોઈ પુસ્તક નહિ લખે એવી જાહેરાત ૨૦૧૧માં જ કરી બ્રિટીશ લોકો ધંધાની આગવી સૂઝ ધરાવે છે એ સાબિત કરી દીધું છે. ક્રિસમસ પર નવી ફિલ્મ રિલીઝ કરવા માટે જાણીતાં આમિર ગજની ખાન (હવે શાહરુખ પણ) પણ આ વરસે રજની સરનું પુસ્તક બહાર પડવાનું હોઈ નવી ફિલ્મ રિલીઝ નહિ કરે એવું બોલિવુડના પંડિતો માને છે. બારમી ડિસેમ્બરે પ્રકાશિત થનાર આ પુસ્તકને વાચકો ન્યાય આપી શકે એ માટે દિવાળી વેકેશન લંબાવવા અથવા તો ક્રિસમસ વેકેશન વહેલું શરુ કરવા માટે પણ સરકારમાં સ્વયંભુ ફાઈલ શરુ થઈ ગઈ છે. આખી વાતમાં સૌથી આશ્ચર્યજનક ઘટના એ છે કે આ ફાઈલ એક ટેબલથી બીજાં ટેબલ પર ધક્કો માર્યા વિના આગળ વધી રહી છે! રજની સરની જય હો!

3 comments:

  1. to to avkhte pralay ne multavi rehvu padse
    superb blog

    ReplyDelete
  2. સરસ મારે પણ .com નામ કઇ રીતે ખરીદવું તે સમજાવશોઇ

    ReplyDelete
  3. ૨૦૧૨ માં પહેલો પ્રલય આવશે એવું લાગે છે.

    ReplyDelete