Sunday, October 28, 2018

શરતો લાગુ એક સારું એન્ટરટેઈનમેન્ટ છે*

ગુરુવારે શરતો લાગુનો સ્પેશીયલ શોમાં જવાનું થયું. સ્ટારડમ તરફ હરણફાળ ભરી રહેલા મલ્હાર સાથે સેલ્ફી અને મિત્રોને મળવાનો મોકો પણ મળી ગયો. જોકે ફિલ્મ એક એક સારું એન્ટરટેઈનમેન્ટ છે *શરતો લાગુ.

* ફિલ્મ એક મરાઠી ફિલ્મ પરથી બની છે. શરૂઆતના સીનમાં ટીપીકલ નાટકની જેમ બુમો પાડી પાડીને બોલવા છતાં કોમેડી નથી નીપજતી તો એ અંગે ફરિયાદ કરવી નહીં.

* મલ્હારનું પરફોર્મન્સ ટોપ ક્લાસ છે એમાં કોઈ શંકા નથી. દિક્ષા વિષે કશું કહેવું નથી શી ખબર આપણને કોઈ વિડીયોમાં ચઢાવી દે! ઘોડા પછી ગધેડાનો વારો ના નીકળી જાય એ પણ જોવું પડે ને?

* ફિલ્મની સ્ટોરીમાં પાણી બચાવવાના અભિયાનમાં લાગેલા ‘સત્યવ્રત’ મલ્હાર પ્રાણીઓની ડોક્ટર એવી ‘સાવિ’ દિક્ષા ભેગા થઈ જાય છે. પછી અન્ય સ્વતંત્ર ઘટનામાં સત્યવ્રત સાવિત્રીને જ જોવા જાય છે અને ત્યાં સાવિત્રી ધડાકો કરે છે. કે લગ્ન પહેલા એ બે મહિના એટલે કે ૬૦ દિવસ છોકરા સાથે રહ્યા બાદ નક્કી કરશે કે આની સાથે લગન કરીશ કે નહીં. જોકે છેલ્લે આ બેના લગન થશે કે નહીં એ અમે કહીશું નહીં કારણ કે અમુક નિષ્ઠાવાન ફિલ્મ જોનારા અથવા એવો દેખાવ કરનારા આને સ્પોઈલર કહેશે. જોકે તમે એન્ડ સાચો ગેસ કરશો તો તમને એક રૂપિયાનું પણ ઇનામ મળશે નહીં.

* હવે જયારે સ્ટોરી કહેવાની જ નથી એટલે ફિલ્મનું જ પિષ્ટપેષણ કરીએ.

* ફિલ્મનું સંગીત અને ગીતો ફિલ્મ પુરા થાય એ પછી યાદ રહે એવા નથી. મ્યુઝીકલ ઓરકેસ્ટ્રામાં જયારે સિંગર બરોબર ના ગાતો હોય ત્યારે તબલા સારંગી વાળા ચઢી બેસે અને ગમે તેમ ગીત પૂરું કરાવે તેમ લાંબા લચક કોમેડી સીન્સમાં તમે થાકી ના જાવ એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝીક એટલું જોરથી વગાડ્યું છે કે ક્યારેક ડાયલોગ્સ ના સંભળાય તો કાનને દોષ ના દેવો. મહાન સિંગર્સ અને મહાન સંગીતકારોને એટલું જ જણાવવાનું કે આટલા વર્ષોથી પોપ્યુલર ગીતો એ બન્યા છે જે કોઈ પણ વ્યક્તિ ગાઈ શકે. એવા ગીતો ગુજરાતી ફિલ્મોમાં નથી જ બનતા એ માન્યતા દરેક ફિલ્મ સાથે પ્રબળ બનતી જાય છે.

* ફિલ્મ એટલી સ્લો છે કે બે મહિના સાથે રહેવાની ઘટનામાં ઈન્ટરવલ પડે ત્યારે માત્ર એક જ દિવસ થયેલો જણાય છે. બાકીના ૫૯ દિવસમાં આપડું (આપણું) શું થશે એ વિચારે ઈન્ટરવલમાં નાસી જવાની પ્રબળ ઈચ્છા થઈ આવે તો એને કુદરતી ગણવી.

* ડાયલોગ્સમાંથી કોમેડી, ટ્રેજેડી, ચકરડી-ભમરડી એવું કશું જ સર્જાતું નથી એટલે એની રાહ જોવી નહીં.

* લવિંગીયાની સેરમાં લાલ ટેટા ફૂટે એમ છૂટાછવાયા ચાર-પાંચ વનલાઈનર ફૂટે છે પણ યાદગાર સિક્વન્સ આવશે આવશે એમ કરી અંત સુધી બેસી રહેવું પડે તો ફરિયાદ કરવી નહીં.

* અમુક સીન ફિલ્મમાં ના હોત તો? આવો વિચાર લેખક, એડિટર, ડાયરેક્ટરને કેમ ના આવ્યો? એવું પૂછવું નહીં.

* ફિલ્મમાં રીવરફ્રન્ટ નથી બતાવ્યું એટલે આ ગુજરાતી ફિલ્મ તરીકે માન્યતા પ્રાપ્ત કરશે કે કેમ એ શંકા કરવી નહિ.

* ફિલ્મમાં એક ફાઈટ સીન છે અને એ સારો છે, પણ એ વિષે અમે કહીશું તો પાછું પેલું સ્પોઈલર થઈ જશે. એટલે વધુ પૂછશો નહીં.

* ફિલ્મને પોણા ૪ સ્ટાર આપવાનું વિચારું છું તો એટલીસ્ટ છાપામાં આપણું નામ તો ફિલ્મની જાહેરાત સાથે આવે. પણ સ્ટાર શેના આપ્યા એ નહીં પૂછવાનું.

Friday, September 14, 2018

મિત્રોં ...

આ ફિલ્મમાં ગુજરાતીઓ જ છે, પણ સિરીયલોમાં બતાવે એવા ડફોળ જેવા નથી 

ગુરુવારે અમદાવાદમાં મિત્રોનો પ્રીમિયર જેકી ભગનાની, કૃતિકા કામરા (કુછ તો લોગ કહેંગે ફેમ), અને આપણા પ્રતિક ગાંધી અને શિવમ પારેખની હાજરીમાં યોજાઈ ગયો. મિત્રો ફિલ્મનું ટ્રેલર જોયું ત્યારે સમજ નહોતી પડી કે આ ફિલ્મ હિન્દી છે કે ગુજરાતી. છેવટે આ હિન્દી ફિલ્મ છે, પરંતુ ગુજરાતમાં બનેલી, ગુજરાતી ફેમિલીની વાર્તા અને ગુજરાતી ફિલ્મ હોવા છતાં ખમણ-ઢોકળાને બદલે માણેકચોકમાં સેન્ડવીચ કે પછી પંજાબી સમોસા ખાતા હીરો-હિરોઈન અને એમના મિત્રો વડે ગુજરાતી સ્ટીરિયોટાઇપસને તોડે છે.




મિત્રો ... આ ફિલ્મનો હીરો જય (!!!!!) એટલે કે જેકી લુઝર છે અને એના ફ્રેન્ડસ રોનક (પ્રતિક) અને દીપું (શિવમ) જીટીયુ કે કોઈ પ્રાઈવેટ કોલેજમાંથી (શું ફેર પડે છે, બધી સરખી છે !) ઓટોમોબાઇલ એન્જીનીયર થયેલા છે, પરંતુ કોઈને કોઈ સબ્જેક્ટમાં એટીકેટી બાકી છે. આપણે ગુજરાતીઓમાં બાકી કલ્ચર બહુ છે. ચાની લારી, પાનના ગલ્લે પેમેન્ટ બાકી હોય, એન્જીનીયરીંગમાં સબ્જેક્ટ બાકી હોય, કોઈના લીધા હોય તો પાછા આપવાના બાકી હોય, ઓર્ડર લીધા હોય ને ડિલીવરી બાકી હોય. બધે ધક્કા ખાતા હોય પણ તોયે પૂછતાં ફરે કે ‘બાકી કેવું છે?’ જય લુઝર તરીકે એકદમ ફીટ છે. એને થર્મોડાયનેમિક્સનો સ્પેલિંગ પણ નથી આવડતો. અને આવડતો હોત તોયે શું ઉખાડી લેત? ત્રણે ટીપીકલ જીટીયુ એન્જીનીયરની જેમ પોતાના ફિલ્ડ સિવાયના કમાવાના ચીલાચાલુ ઉપાયો જેવા કે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી કરી ચુક્યા છે (જોકે ગુજરાતી ફિલ્મ નથી બનાવતા એટલું સારું છે!!!!). અવની ગાંધી (ક્રીતિકા) એમબીએ થયેલી છે અને ઓસ્ટ્રેલિયા જઈને બિઝનેસ કરવા માંગે છે (સ્વાભાવિક છે, એમબીએ કરીને દસ હજારની નોકરી કરવી એના કરતા....). જય અને અવનીના ગુજરાતી પેરન્ટસ એમને ઠેકાણે પાડવા મથે છે. કુકીન્ગમાં આમ તો થર્મોડાયનેમિક્સ આવે જ, પણ જયને કુકીન્ગ્નો શોખ લાગે છે. જયનો શોખ અને અવનીની બિઝનેસ કરવાની ઈચ્છા બંનેને ઓસ્ટ્રેલીયા લઈ જાય છે કે નહીં ? 
પ્રતિક ગાંધી, વેન્ટીલેટર અને મિત્રો માટે ..

પછી શું થાય છે, એ જોવા મિત્રો, મિત્રોં જોઈ આવજો... 

ફિલ્મનું શુટિંગ મુખ્યત્વે અમદાવાદ અને સિદ્ધપુરમાં થયેલ છે. જેકીના બળાપા, લવ એન્ડ બ્રેકઅપ્સ અને ખાસ તો પ્રતિક ગાંધી એટલે કે રોનકના મસ્ત પંચીઝ મજા કરાવે એવા છે. ક્રીતિકા હિન્દી સીરીયલોમાં કસાયેલી છે અને બીજા બધા સપોર્ટીંગ કેરેક્ટર્સ, મ્યુઝીક જકડી રાખે છે, ત્યાં સુધી કે ઇન્ટરવલ તો ક્યારે આવી જાય છે એ ખબર નથી પડતી ...
પછી શું ? બધું મારે  કહેવાનું ? 

Wednesday, February 14, 2018

એફોર્ડેબલ વેલેન્ટાઇન ડે



 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૪-૦૨-૨૦૧૮

રોઝ ડે, ચોકલેટ ડે, પ્રપોઝ ડે, કિસ ડે અને છેલ્લે વેલેન્ટાઈન ડે. આમાં ચુંબન સિવાય કશુંય ભારતીય નથી. કામસૂત્રના દેશ તરીકે ચુંબન પર આપણો ટ્રેડમાર્ક ખરો. પણ કામસૂત્ર પછી આપણે કદાચ ખાસ પ્રગતિ કરી નથી. વેલેન્ટાઇન ડે વિદેશથી ઈમ્પોર્ટ થયેલો તહેવાર છે. સંત વેલેન્ટાઇન કોણ હતા અને આ તહેવાર શું કામ ઉજવવામાં આવે છે એની સાથે આપણી પ્રજાને કંઈ લેવાદેવા નથી. દશેરાએ ફાફડા-જલેબી ખાવાના એટલે ખાવાના, કેમ ખાવાના એ નહીં પૂછવાનું. દેવું કરીને ઘી પીવાનો જમાનો નથી રહ્યો, પણ દેવું કરીને પણ વેલેન્ટાઇન ડે પર નવી પ્રેમિકાને નવી નક્કોર ગીફ્ટ આપવાની પ્રથા શરુ થઈ છે. પેલી વાટકી વ્યવહારમાં માનતી હોય તો સામે બેલ્ટ કે પર્સ કે પરફ્યુમ જે મળે તે ચુપચાપ લઇ લેવાનું, ના મળે તો હરિ હરિ. આપણા ઝુઝારું નવજુવાનો એમ પાછા પડે એમ નથી. કારણ કે મુખ્ય વાત પ્રેમ છે. થોડા રૂપિયા ઢીલા કરવાથી છોકરી ઈમ્પ્રેસ થતી હોય તો લાખ ભેગા સવા લાખ કરી નખાય. પરંતુ સોસાયટી સાવ કેપીટાલીસ્ટ બની જાય તો અમને પણ ચિંતા થાય. અમને જ શું કામ આખા સમાજે ચિંતા કરવી ઘટે.


તો શું ગરીબને પ્રેમ કરવાનો અધિકાર નથી? શું મહીને પાંચ હજાર કમાતો હોય એની છાતીમાં દિલ નથી હોતું? એને વેલેન્ટાઇન ન હોઈ શકે? શું ગરીબીની રેખાને પ્રેમીઓ વચ્ચેની લક્ષમણ રેખા બનતી અટકાવી ન શકાય? શું છોકરીઓએ છોકરાઓની આર્થિક પરિસ્થિતિ જોવી જોઈએ? ના. તો પછી આ ભેદભાવ બંધ થવા જોઈએ અને પ્રેમ જ સર્વોપરી હોવો જોઈએ. પ્રેમ જુઓ - પ્રેમી ગુલાબનું ફૂલ આપે કે ગલગોટાનું, ગીફ્ટમાં મોબાઈલ આપે કે મોબાઈલનું કવર, લાગણીમાં ફેર ન પડવો જોઈએ. ‘તોફા દેને વાલી કી નિયત દેખની ચાહિયે, તોફે કી કીમત નહીં’, હિન્દી ફિલ્મનો આ ડાયલોગ નથી સાંભળ્યો? માટે જે ફાઈવસ્ટાર હોટેલમાં જમાડે એને પણ પ્રેમ કરો અને જય બજરંગ દાબેલી સેન્ટરની દાબેલી ખવડાવે એને પણ પ્રેમ કરો.


યુવાનોને આજકાલ ઘણી સમસ્યા સતાવી રહી છે. અમુક સંગઠનો પ્રેમીઓની પાછળ હાથ ધોઈને પડી ગયા છે અને સાચા પ્રેમીઓની જાહેરમાં ધોલાઈ કરતાં ખચકાતા નથી. આવા પ્રેમીઓ માટે ૧૦૮નાં ધોરણે ૧૪૦૨ સેવા ચાલુ થવી જોઈએ. વેલેન્ટાઈન ડે હેલ્પલાઈનના આ ખાસ નંબર પર કોલ કરવાથી પ્રેમીઓને થતી કનડગતને એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા રોકવામાં આવવી જોઈએ. જાહેર સ્થળો પર ભિખારીઓ, બેલ્ટ અને ઘડિયાળ વેચવાવાળા, કૂતરા અને રખડતી ગાયોથી કાયમ તકલીફ થાય છે. આ ઉપરાંત ઘણીવાર નકલી પોલીસ પણ પ્રેમીઓ પાસે રૂપિયા પડાવે છે. તો આ સર્વે બાબતોનો ૧૪૦૨ ત્વરિત નિકાલ કરી શકે. આ અંગે કોમ્પુટરાઈઝડ રિસ્પોન્સ સેન્ટર અને રેપીડ ટાસ્કફોર્સ ઊભું કરી સરકારના અનુદાનથી સેવાઓ શરુ થાય એ યુવાનોની માંગ છે.


ખરેખર તો સરકારે બેરોજગાર, ઓછું કમાતા, અથવા જેના હાથમાં મહિનાની ચૌદમી તારીખ સુધી રૂપિયા ટકતા નથી તેવા દેશના ભવિષ્ય સમા યુવાન-યુવતીઓ વેલેન્ટાઈન ડેના દિવસે નિર્વિઘ્ને ગુટરગુ કરી શકે એ માટે ‘એફોર્ડેબલ વેલેન્ટાઇન ડે’, અથવા ‘સાત ફેરા સમૂહલગ્ન યોજના’ની જેમ ‘સલ્લુ ભાઈ સેટિંગ યોજના’ (SBSY) લોન્ચ કરવી જોઈએ જેના હેઠળ આર્થિક રીતે નબળા માંકડા પોતાને લાયક માંકડાને વળગી શકે. આ યોજના માટે ખાસ વેલેન્ટાઇન પેકેજ  અંતર્ગત રીવરફ્રન્ટ કે કાંકરિયા લેકફ્રન્ટ પર વેલેન્ટાઈન ડે સમારોહનું આયોજન કરવામાં આવે. તે દિવસ માટે સદર સ્થળોએ હેપ્પી અવર્સ જાહેર કરવામાં આવે. હેપ્પી અવર્સમાં પોલીસ અને હોમગાર્ડથી લઈને સિક્યોરીટીવાળા તો ઠીક પણ હાથમાં લાકડી હોય એવી વ્યક્તિ માટે પ્રવેશબંધી લાગુ કરવામાં આવે. SBSYના પ્રવેશ પાસ મેળવવા માટે સામેના પાત્ર સાથેની ફેસબુક મૈત્રીનો દાખલો મામલતદાર કચેરી પાસેથી મેળવીને આધાર કાર્ડ અને આવકના પુરાવા સાથે ૮ ફેબ્રુઆરીના ‘પ્રપોઝ ડે’ સુધીમાં સેટિંગ શાખામાં અરજી કરવાથી લાભાર્થી યુવક અને તેના એક સાથી માટે પ્રવેશ પાસ મળે. ફેસબુક પણ આધાર સાથે લિંક થઇ ગયું હોય એટલે એક કરતા વધુ પાસીસની ફાળવણી નકારી શકાય અને સ્થળ પર હરીફ પાત્રો વચ્ચેના ઝઘડા પણ ટાળી શકાય. 



પ્રસંગ પત્યા પછી બંને પાત્રોને જામે નહિ અને છુટા પાડવા માગતા હોય તો પ્રોમિસ ડેના દિવસે વકીલોની હાજરીમાં મોબાઈલ-ફેસબુક ચેટ અને ફોટા ડીલીટ કર્યા બાદ ભવિષ્યમાં એક બીજાને ભૂલી જશે એવી આગોતરી લેખિત પ્રોમિસ ત્રણ નકલમાં આપવાની રહે. આમાં મામા કન્યાને તેડીને લાવે કે મામેરું-કન્યાદાનની પ્રથા તો હોય નહિ છતાં યુવાપ્રેમી વતી સરકાર દ્વારા કન્યાને ગુલાબ, પતંજલિની ચોકલેટ, ગ્રીટિંગ કાર્ડ, ખાદીનું ટેડી બેર, ખાદીના વસ્ત્રો વેચતી સરકાર માન્ય દુકાનના ગીફ્ટ વાઉચર મુકેલી છાબ આપવામાં આવે જે કન્યાએ રાજીખુશીથી સ્વીકારવાની રહે. લગ્નપ્રસંગ જેવો ઉજવણીનો માહોલ બનાવવા માટે હગ ડેના દિવસે ભેટવાની રસમ અને કિસ ડેના દિવસે ચૂમવાની રસમનું આયોજન થઇ શકે. પછી જેવો જેનો ઊજમ. આટલું જ નહીં હિતેચ્છુઓ દ્વારા આવા પ્રસંગમાં ચાંદલા પ્રથા પણ ચાલુ કરવી જોઈએ જેથી કરીને પ્રેમીઓ ખર્ચા કાઢી શકે. પ્રસંગ દરમ્યાન ઔચિત્ય જળવાય એ માટે સિસોટી સાથેના કિસ અને હગ રેફરીની નિમણુક પણ કરવી પડે. સીટી વાગે એટલે કાર્યક્રમ પૂરો.


ફુર્રર્રર્ર ... જાગી જાવ. ખરા છો તમે! સરકાર મુદત પર મુદત આપે જાય છે છતાં તમે બેંક એકાઉન્ટ સાથે આધારને લિંક  કરતા નથી અને સરકારી ખર્ચે ગર્લફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે ઉજવવાના સપના જુઓ છો! ખોટી કીકો મારશો નહિ. કામે લાગો ચાલો ...  


મસ્કા ફન

આદ્યકવિ વાલ્મિકીજીને પણ ખબર નહિ હોય કે છેક કળયુગમાં એમની રામાયણની એક જુનિયર આર્ટિસ્ટ અમર થઇ જશે. #શૂર્પણખા_ચૌધરી

Wednesday, February 07, 2018

તમને બજેટની ભાષા સમજાય છે ?




કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૭-૦૨-૨૦૧૮

બ્રહ્માંડમાં અનેક ઘટનાઓ બને છે જેનો તાગ આપણે મેળવી શકતા નથી. બ્લેક હોલ અને બર્મુડા ટ્રાયેન્ગલના તો રહસ્યો હજુ પણ સમજી શકાય એવા છે, પણ હેરકટિંગ સલુનમાં ગળા પર કપડું બાંધે એટલે નાક પર ખણ આવવાની કેમ શરૂઆત થતી હશે તે હજુ સમજી શકાયું નથી, અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ આ અંગે કોઈ સંશોધન થયું હોય એવું અમારા ધ્યાનમાં નથી. કૂતરું ભસતું ભસતું આપણા વાહન પાછળ દોડતું હોય ત્યારે આપણે એકદમ વાહન થોભાવી દઈએ પછી કૂતરું કન્ફયુઝ થઈને ઉભુ કેમ રહી જાય છે એ પણ સમજાતું નથી. કૂતરાની જગ્યાએ અમે હોઈએ તો કો’કની પાછળ આટલું પેટ્રોલ બાળ્યા પછી બસો-પાંચસો ગ્રામનું લોતીયું લીધા વિના ન છોડીએ. ખેર, એ તો લખચોરાશીના ફેરામાં ક્યારેક કુતરાનો અવતાર લેશું ત્યારે આ જ કોલમમાં આપને જણાવી દઈશું; પણ સંસદમાં જે ભાષામાં બજેટ રજુ થાય છે એ ભાષા આ જનમમાં કોઈ સમજાવશે તો અમો તેઓશ્રીને કટિંગ ચાનું વાઉચર આપવા તૈયાર છીએ. મારા બેટા કોમર્સમાં સાડી એકાવન ટકા લાવ્યા હોય પણ ન્યુઝ ચેનલ પર બેઠા બેઠા બજેટની ચર્ચા કરતા હોય પાછા! 

Image Source: livemint.com
ચાર્ટડ એકાઉન્ટન્ટ માટે ભલે આ રોજનું થયું, પણ અમારા જેવા એન્જીનીયરોને આ ભાષા જલ્દી સમજાતી નથી. સૌ પહેલાં તો ઇન્કમટેક્ષની ચર્ચામાં ‘સ્લેબ’ શબ્દ આવે એટલે ઇન્કમટેક્સ ઓફિસનું ધાબુ ભરાતું હોય એવું ચિત્ર અમારા મગજમાં ઉભું થાય છે. કારણ કે અમે રહ્યા સિવિલ એન્જીનીયરો એટલે અમારા માટે સ્લેબ એટલે ધાબુ! અમે ‘ખાદ્ય’ એટલે કે ‘ખાવા’ લાયક ચીજોમાં સમજીએ, પણ ‘ખાધ’ અમને સમજાતી નથી. અંદાજપત્રમાં ‘સીધા’ વેરા આવે. જો સીધા વેરા નોકરિયાતો પર લાગે તો વાંકા લોકો પર કયા વેરા લાગે એ અમારી સમજની બહાર છે. એમાય ‘કર’ અને ‘વેરા’ એ બે શબ્દ સાથે વપરાય એટલે અમને તો એ બમણો માર પડતો હોય એવું લાગે છે. પોળના ક્રિકેટમાં બોલર બહુ ઉગ્રતાથી અપીલ કરે તો અમ્પાયર ‘આઉટ, લે બસ?’ કહે તે સમજાય, પણ ‘સેન્ટ્રલ પ્લાન આઉટ લે’ સમજાતું નથી. બાકી તમે સિટીના સેન્ટરમાં મોકાનો પ્લોટ બતાવો તો ‘પ્લાન’ તો અમે ઘડીના છઠ્ઠા ભાગમાં બનાવી નાખીએ. અલબત્ત ફી લઈને. 

રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એવું બજેટના બીજા દિવસે છાપામાં વાંચવા મળે. રૂપિયો એટલે તો અમને પેલો એક રૂપિયાનો સિક્કો દેખાય છે જે ભિખારીને આપો તો એ મોઢું મચકોડીને ભીખ માંગવાનું ચાલુ રાખે છે. રૂપિયો એટલે કરોડો રૂપિયાનું ભંડોળ એવું ફોડ પાડીને કહેવામાં આવે એ જરૂરી છે. અમને તો શક છે કે આપણા નાણામંત્રીઓને રૂપિયો ક્યાંથી આવે છે કે આવી શકે છે એની તો ખબર હોય છે, પણ રૂપિયો ક્યાં જાય છે એનું જરા પણ જ્ઞાન હોતું નથી; નહિ તો નવા કરવેરા નાખવાનો વારો કેમ આવે? અમારું તો નમ્ર સૂચન છે કે રૂપિયા પર આર.એફ.આઈ.ડી. ટેગ લગાડો એટલે એ ક્યાં ક્યાં જાય છે એ ખબર પડી જશે! કેમ, ૨૦૦૦ની નવી નોટ આવી ત્યારે એવી અફવા નહોતી ઉડી કે એમાં ચીપ છે અને કોને ત્યાં કેટલા બંડલ છે એની રીઝર્વ બેંકને માહિતી જશે? બાકી કેશલેસ ઇકોનોમીમાં રૂપિયા બેંકમાંથી આવે અને બેંકમાં જાય એ સિવાય શું હોય? વળી એક અમદાવાદી તરીકે રૂપિયો જ્યાંથી આવે ત્યાંથી આવે, પણ જાય અમારા ખાતામાં અથવા ગજવામાં, એમાં વધારે રસ છે.

બજેટના બીજા દિવસના છાપામાં અમને તો શું મોંઘુ થશે અને ખાસ તો શું સસ્તું થશે તે જાણવા અને વાંચવામાં રસ રહેતો. એમાં અમુક છાપેલા કાટલાં જેવી આઈટમોના ભાવમાં તો વધારો જ થતો જોયો છે. ભલું થજો જી.એસ.ટી.નું કે બજેટ રજુ થાય એ પહેલાં જ સસ્તા-મોંઘાનો ખેલ પતી ગયો. આના લીધે અખબારોમાં ‘ગરીબોની રેવડી મોંઘી થઇ’, ‘મધ્યમ વર્ગનું ઘરના ઘરનું સપનું રોળાયું’ કે પછી ‘ગરીબો વધુ ગરીબ થશે’ એવા મથાળા બાંધીને સરકાર પર પસ્તાળ પાડવાની આખી મઝા બગડી ગઈ. બજેટના દિવસે શું શું મોંઘુ થશેની અને શું સસ્તું થશે એની ઉગ્ર ચર્ચાઓ કરવાના શોખીનો આ વખતે કોઈ નજીકનું સગું ગુજરી ગયું હોય એવો ખાલીપો અનુભવતા હતા. અત્યારે અમને વિચાર એ આવે છે હાળું ઇન્કમટેક્સના ‘સ્લેબ’માં વધારા સિવાય આપણા માટે જાણવા જેવું કશું નહોતું તો જેટલી સાહેબ ૧૦૫ મીનીટની બજેટ સ્પીચમાં બોલ્યા શું? આ વખતે પાછું બજેટ સ્પીચમાં શેર-શાયરીની પરમ્પરા ચૂકીને જેટલી સાહેબની ઉધરસો સાંભળવા મળી. એ રીતે આ બજેટ પાથ બ્રેકીંગ ચોક્કસ કહી શકાય!

ઇંગ્લિશ ન્યુઝ ચેનલો ઉપર સુટેડ-બૂટેડ ચશ્મીસ્ટ બજેટ એનાલીસ્ટસ પ્રસ્તુત બજેટની જોગવાઈઓથી ગરીબો અને ખેડૂતોને કેટલો ફાયદો થશે એની ચર્ચા ઇંગ્લિશમાં કરતા હોય છે. પણ આપણે ત્યાં ‘ઇંગ્લિશ’ પીધા પછી બોલતાં ઈંગ્લીશ સિવાય ગરીબ અને મધ્યમ વર્ગમાં ઈંગ્લીશનું ખાસ ચલણ નથી. બીજી તરફ ઘણાને સરકારે બજેટમાં શું આપ્યું છે એ જાણવા ઉપરાંત એમની પાસે રહ્યું સહ્યું જે કંઈ છે એ પણ સરકાર લઇ તો નહિ લે ને? એ જાણવામાં વધુ રસ હોય છે. આ જ કારણથી આ વખતે બજેટ સ્પીચ દરમ્યાન સ્માર્ટફોનમાં બજેટ જોતા ભિખારીઓએ એમના વાટકા પણ ઢીંચણ નીચે દબાવી દીધા હતા. અમુકે તો લાકડી સુદ્ધા હાથવગી રાખી હતી.

મસ્કા ફન
પત્ની તમને ફિટ કરી દીધા હોય તો પણ તમારે ફિટનેસ માટે કસરત-ડાયેટિંગ ચાલુ રાખવું.

Wednesday, January 31, 2018

વિષ્ણુ ભગવાનને ખુલ્લો પત્ર



 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૩૧-૦૧-૨૦૧૮

પ્રિય વિષ્ણુ ભગવાન,

તમે સૃષ્ટિ ચલાવો છો એવું અમારી જાણકારીમાં છે. પરંતુ અમારી ફરિયાદ છે કે તમે એ બરોબર નથી ચલાવતા. ખાસ તો આજકાલ ઋતુઓમાં કોઈ ભલીવાર જણાતો નથી. આ વર્ષે અમેરિકામાં બરફના તોફાનો આવી ગયા, પરંતુ તમારા નિવાસી ભક્તો જ્યાં રહે છે તે ભારતમાં ઠંડી બરોબર પડી નથી. અમારા શહેરમાં ભર શિયાળે હજુ ઘણા લોકો ખીસાની બહાર હાથ રાખીને અને આન્ટીઓ સ્કાર્ફ વગર ફરે છે. અત્યારે તો ભોગેજોગે સ્વેટર પહેરીને નીકળનાર લોકો રણપ્રદેશમાં ફરતા એસ્કીમો જેવા લાગે છે. બીજી તરફ ઉનાળામાં કરા પડે છે બોલો! નવરાત્રીમાં વરસાદ માતાજીના પ્રોગ્રામમાં ભંગ પડાવે છે છતાં મહાદેવજી તમને કંઈ કહેતા નથી? બીજું કંઈ નહિ પણ અમારા ખેલૈયાઓ લપસી પડે છે અને આયોજકોને નવરાત્રીના ધંધામાં કરોડોનું નુકસાન પણ થાય છે એ તો જુઓ! ડીસેમ્બરના લગનગાળામાં માવઠા થાય છે એમાં ઇવેન્ટ મેનેજમેન્ટવાળા અને ફરાસખાનાવાળા પણ ધંધો ભાળી ગયા છે! મસ્ત ટૂંટિયુંવાળીને સુવાની ઋતુમાં પ્રજા જમરૂખ એટલેકે શાહરૂખની જેમ હાથ પહોળા કરીને સુઈ જાય છે એ જોઇને અમોને તો કડકડતું લાગી આવે છે. અને એટલે જ અમે આ પત્ર લખી તમોને અવગત કરવા માગીએ છીએ કે તમારાથી સૃષ્ટિનું સુપેરે સંચાલન ના થતું હોય તો સ્વર્ગના પીપીપી બેઝ પર ટેન્ડર કરીને જેની અટકમાં ‘અણી’ આવતું હોય એવા કોઈ ઉદ્યોગપતિને સોંપી દો. આ તો જસ્ટ સજેશન છે, બાકી અમારા રજની સરને કહીશું તો એક ફૂંકમાં બધું ઠંડુ કરી દેશે!  

આ ડિસેમ્બર પૂરો થવા આવ્યો. હજી સુધી તારીખ જોઇને સ્વેટર પહેરતી પ્રજાને બાદ કરતા કોઈએ સ્વેટર કાઢ્યા નથી. અમુકને ત્યાં તો સ્વેટર હજુ ધૂળ ખાય છે. સ્વેટરને જીવાત કાતરી ના ખાય એ માટે પેટીમાં રાખેલી ડામરની સફેદ ગોળીઓને એનાથી લખોટી રમવા માંગતા છોકરાંથી બચાવીને વોશબેસિનમાં નાખી દીધી હોય પછી એ સ્વેટર પહેરવાનો વારો જ ના આવે, ત્યારે કેટલી ખીજ ચઢે? ઠંડીથી ડરતા અમુક લોકો તો પાછા ગોદડા જેવા જેકેટ ખરીદતા હોય છે! અત્યારે શહેરોમાં રહેવાને જગ્યા નથી ત્યાં આવા જેકેટ આખું વરસ સંઘરી રાખ્યા હોય અને શિયાળામાં એની જરૂર જ ન પડે ત્યારે તો ગમે તેને લાગી આવે દીનાનાથ!

અમારી ઓફીસ પાસે જ્યુસ વેચતો રામખિલાવન અત્યારે શિયાળામાં શેરડીનો રસ કાઢતો જોવા મળે છે! ઉનાળામાં બરફ ગોળાની લારી કરતો શાકવાળો કાળુ આ વખતે ઉત્તરાયણ પર ગોળાની લારી લઈને આવ્યો હતો! શિયાળામાં ‘મને શરદી છે’ કહીને સોફ્ટડ્રીંક પીવાની ના પાડનારા મહેમાન સામે ચાલીને આઈસ્ક્રીમ માગીને ખાય છે! બપોરે પડતી ગરમીના કારણે લોકો આદુવાળી ચા છોડીને રસ-શરબત પીવા લાગશે તો અમદાવાદની કટિંગ ચા સંસ્કૃતિનું સત્યાનાશ થઈ જશે એવું પણ અમારા જેવા ઘણા ચિંતકોને લાગે છે. ઉત્સાહમાં ‘શિયાળામાં સૂપ ભલો’ એવું કહેનાર મોડર્ન કવિ અને એ દુહાને શેર કે રીટ્વીટ કરનારાને આઘાત લાગે એવો માહોલ છે. ગરમીને કારણે સાંજે ઘરઘરમાં ભરપુર ખાંડ નાખેલા પ્યોર ગુજરાતી ટોમેટો સૂપ કોઈ પીતું નથી, અને એ કારણસર ટામેટાની ખેતી કરતા ખેડૂતોને ટામેટા રસ્તા પર ફેંકી દેવા પડે તે કેમ ચાલે પ્રભુ?

શિયાળામાં મોર્નિંગ વોક કરવાનો મહિમા છે. અમદાવાદના લો ગાર્ડનમાં તો શિયાળામાં ચાલનારના ટ્રાફિકને કન્ટ્રોલ કરવા ટ્રાફિક માર્શલ રાખવાનું આ વર્ષે મુનસીટાપલીએ બજેટ ફાળવ્યું છે ત્યારે, જો ઠંડી જ ન પડે તો ચાલવાનો ઉત્સાહ ક્યાંથી આવે? વળી નવા વર્ષમાં રોજ સવારે ચાલવા જવાના નિર્ણયો ‘પુરતી ઠંડી નથી એટલે મઝા નથી આવતી’ જેવા કારણોસર તૂટી જાય તેમાં ગુજરાતની પ્રજાનો શો દોષ? અત્યારે તો શિયાળામાં જોગીંગ માટે ખાસ ખરીદેલા બુટ, ટીશર્ટ, ટ્રેક પેન્ટ અમારા કામવાળા જ પહેરશે એવું લાગે છે ગિરધારી!

આ બાજુ ગૃહિણીઓએ પોતાના પતિ અને બાળકો આખું વર્ષ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ માટે દિવાળી પછી અડદિયા, મેથીપાક અને સાલમપાક બનાવી રાખ્યા છે એમની મહેનતની તમને કંઈ કિંમત જ નથી? સીઝન વગર ખાધેલા વસાણા ગરમ પડશે તો? કહેતા હોવ તો આબુમાં ઠંડી પડે છે તો ત્યાં જઈને અડદિયાના ડબ્બા ખોલીએ. જોકે આ સિઝનમાં ફેસબુક ઉપર આબુમાં ચેક-ઇન કરીએ તો લોકો ‘અમારા વતી પીતા આવજો’ કે પછી ‘અમને મુકીને એકલા એકલા?’ એવી કોમેન્ટો આવે એટલે અમે નથી જતા.

હવે આમારી અમદાવાદી સ્ટાઈલ મુજબ મૂળ વાત પર આવીએ. કોઈ વચલો રસ્તો કાઢો ને પ્રભુ! કહેતા હોવ તો જેમ તમારા સ્ટાફના વરુણદેવને રીઝવવા માટે પાણી ભરેલા તપેલામાં બેસીને યજ્ઞ કરવામાં આવે છે એમ ઠંડી માટે બરફની લાદી પર કોકને બેસાડીને યજ્ઞ કરાવીએ. એટલું ઓછું હોય તો વરસાદ માટે પાટલા પર કાદવનો મેહ બેસાડીને મેવલો ગાતા ગાતા નીકળીએ છીએ એમ બરફના છીણના સ્નોમેનને ઉચકીને ‘જિંગલ બેલ્સ ...’ ગાતા નીકળીએ. કહો તો વરસાદ માટે દેડકા-દેડકીના લગ્ન કરાવીએ છીએ એમ શિયાળામાં ગુજરાતમાં ઉતરી પડતા યા-યા બોલતા વિદેશી પક્ષીઓને પરણાવીએ. એને તમે ન ગણતા હોવ તો પાંખવાળા સાચા યાયાવર પક્ષીઓના લગન કરાવીએ. તમે કહો એ કરીએ માધવ, પણ અમારા ટ્રેકસુટ, બુટ, સ્વેટર, વસાણાનો ખર્ચો માથે ન પડે એ જોજો! અને છેલ્લે આજીજી ભરી વિનંતી કે શિયાળો ફેઈલ ગયો છે, તો હવે ઉનાળો પણ એકદમ માફકસર કરી નાખજો. અમદાવાદમાં રાત્રે ૨૨-૨૩ ડીગ્રી અને દિવસે ૩૨-૩૩ ડીગ્રી. ભૂલાય નહિ. અસ્તુ.

લિ. અમદાવાદીઓ

મસ્કા ફન


બધા જ ભાવનાને સમજી શકે છે, સિવાય કે ભાવનાનો હસબંડ.

Wednesday, January 24, 2018

અંદર અને બહારનો બાળક

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૪-૦૧-૨૦૧૮

સન ૧૯૪૦માં બનેલી અશોક કુમારની ફિલ્મ 'બંધન'માં શિક્ષકના રોલમાં ચરિત્ર અભિનેતા અને કોમેડિયન વી એચ દેસાઈ હતા. એ ફિલ્મમાં એમનો તકિયા કલામ હતો ‘બાલક બંદર એક સમાન’. સંતો પણ કહે છે કે મન મર્કટ છે. ટૂંકમાં બાળકો વાંદરા જેવા હોય છે અને મન પણ વાંદરા જેવું હોય છે આ બંનેને જોડીને એવું કહી શકાય કે દરેક વ્યક્તિની અંદર એક વાંદરા જેવું બાળક રહેલું હોય છે જે બહાર આવવા મથતું હોય છે.

એવું કહેવાય છે કે તમે ઘરડા થાવ એટલે જિંદગી માણી શકતા નથી એ સાચું નથી, તમે જિંદગી માણવાનું બંધ કરો એટલે તમે ઘરડા થાવ છો. પણ ઘણા જનમ ઘરડા હોય છે. જે એકદમ કડક નિયમો અનુસાર જીવતા હોય છે અને બીજાએ પણ એમ જ જીવવું જોઈએ એવું માનતા હોય છે. ‘જમતી વખતે ન બોલાય’, ‘ટીવી જોતી વખતે ન ખવાય’, ‘ફરવા રવિવારે અને વેકેશનમાં જ જવાય ઇત્યાદિ’. આવા લોકોમાં રહેલું બાળક સિઝેરિયન કરીને પણ બહાર લાવી શકાતું નથી. જયારે સામેની બાજુ એવી નોટો મળી આવે છે જેમાં રહેલું બાળક અધૂરા માસે નોર્મલ ડિલીવરીથી બહાર આવવા લાતો મારતું હોય. બાળક એ છે જે ગધેડાને લાત મારવાની, બિલાડીને મ્યાઉં અને વાંદરાની સામે દાંતીયા કરવાની ચેષ્ટા કરે. અમારા કહેવાનો મતલબ એ નથી કે તમારે ઉંમર કરતા નાના દેખાવવા આવું બધું જ કરવું, પરંતુ બિલાડી તમને મ્યાઉં કરે અને તમે એની સામે મ્યાઉં પણ ન કરો તો એમાં તમારામાં બિલાડી દાક્ષિણ્યનો અભાવ છે એવું તો જરૂર કહેવાય!

બાળકો ઈન્ટરનેટ સાથેનો મોબાઈલ હાથમાં લાગે ત્યાં સુધી નિર્દોષ જ હોય છે. તમે કદરૂપા દેખાતા હોવ તો બની શકે કે તમારા મિત્રો તમને ખુશ રાખવા ખોટા વખાણ કરે કે તમારા ફોટા લાઈક કરે. પણ જો બાળક તમને કહે કે ‘આંટી, આ ડ્રેસમાં તમે ફની લાગો છો’, તો માની લેવાનું! બાળકો એટલા નિર્દોષ હોય છે કે એ ગમે તેના ખોળામાં જઈને બેસી જાય. ઘણીવાર તો આપણને ઈર્ષ્યા પણ થઈ આવે! સાચે. અમારા એક એન્જીનીયર મિત્રને તો કૂતરાની ઈર્ષા આવતી! એ કોઈ સુંદર કન્યાને કુતરાને ફેરવવા લઈ જતો જોવે તો નિસાસો નાખતો કે સાલું કૂતરાને પણ માથે પ્રેમથી હાથ ફેરવનારું કો’ક છે! અલ્યા તું ખાલી લાળ ટપકાવવાનું બંધ કરીને થોડી વફાદારી દેખાડ, તો આપોઆપ હાથ ફેરવનારી મળશે. પણ આપણે આપણી ઈચ્છા વગર મોટા થવું જ પડે છે.

અમે એક ટીવી એડ જોયેલી. એમાં રોડ પર ફૂટબોલ રમતા છોકરાંઓએ ઉછળેલો બોલ એક સુટેડ-બુટેડ બિઝનેસમેનના પગ આગળ પડે છે અને એ એક સેકંડ માટે બીજું બધું જ ભૂલીને એને કિક મારી દે છે. પણ આવું કરતા આપણે અચકાઈએ છીએ. આમાં તબિયત કે લોકલાજને કારણે ઉંમર વધવાની સાથે આ વૃત્તિ પર બળજબરીથી બ્રેક મારવામાં આવે છે. ગલી ક્રિકેટ રમતા દરેકને આવા લોકો મળ્યા હશે. તમે શોટ મારો અને બોલ જઈને દૂર પડે ત્યાં શોલેના ઠાકુર જેવા એક કાકા ઓટલા પર કે સ્કુટર પર બેઠા હોય, જે પગ પાસે પડેલા બોલ સામે જોયા કરશે પણ ઉઠાવીને આપશે નહીં. જેનામાં બાળક જીવતું હોય એ કમસેકમ હાથ તો લાંબો કરે જ. ઠાકુરની તો મજબૂરી હતી, પણ બકા તારી મજબૂરી એ છે કે તું અકારણ બુઢ્ઢો થઈ ગયો છે! મહાનાયક અમિતાભ સીટી મારે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ કોઈ બાળકનો કાન ખેંચે કે ક્યાંક ઢોલ વગાડવા લાગી જાય, એ વ્યક્તિની અંદર એક બાળક જીવંત હોવાનો પુરાવો છે, બાકીના લોકો હોદ્દાના ભારમાં વગર ઘડપણે ઝુકી જાય છે.

જોકે તમારી અંદરના બાળકને જગાડવા માટે તમારે અંગુઠો ચૂસવાની કે ટોય કાર લઈને લોકોના બે પગ વચ્ચેથી વોં વોં કરતા નીકળવાની જરૂર નથી. એ સ્વાભાવિક અને સહજ રીતે આચરણમાં આવવું જોઈએ. પણ મોટી ઉંમરે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. તમને કોઈ ટાલિયાના માથામાં હાથ ફેરવવાનું કે ટપલી મારવાનું મન થાય કે ભર બપોરે કોઈના ઘરનો ડોરબેલ વગાડીને એમને જગાડવાનું મન થાય તો લાગ અને ભાગવાની તક જોઈને સાહસ કરવું. પત્ની બેચલર્સ પાર્ટી માટે ના પાડે તો ભેંકડો તાણી નહિ શકો. કેટલુંક કરતા તમને તમારું શરીર રોકશે. દાખલા તરીકે જેમના પગમાં વાની તકલીફ હોય એ લોકો લંગડી કે સાતતાલીમાં તરત આઉટ થઇ જશે અને માથે દાવ આવી જશે. આવા લોકો કો’કની ગાડી કે એકટીવામાંથી હવા કાઢવાની, કૂતરાને અમસ્તા દોડાવવાની કે લંગસીયા લડાવવાની પ્રવૃત્તિ કરી શકે. છેવટે મોબાઈલ પર લુડો અને સાપ-સીડીની ગેમ ડાઉનલોડ કરીને ચાર ડોહા ભેગા થઈને રમી શકે. માજીઓ ભેગી થઈને અંતકડી, પાંચીકા કે અડકો દડકો રમીને ભૂતકાળ તાજો કરી શકે. ઢીંચણ રિપ્લેસ કરાવ્યા પછી ડોક્ટરે છૂટ આપી હોય તો પગથિયાં અને નદી કે પહાડ પણ રમી શકે. નિર્દોષ તોફાન મસ્તી કરવા માટે કોઈ બહાનું શોધવાની જરૂર નથી. તમે તમારું બાળપણ ફરી જીવી શકો એ માટે જ તમને કંપની આપવા ઈશ્વર તમારા ઘરમાં પૌત્ર-પૌત્રીઓ મોકલે છે. તમારે માત્ર એમની સાથે એમના જેવા બની જવાનું રહે છે. લોકો ભલે કહેતા હોય કે મૃત્યુ પછી પણ જીવન હોય છે પણ ભૂત થયા પછી બાળક નહિ બની શકો, ભૂત બનવા કરતા બાળક બનવામાં મજા છે.

મસ્કા ફન

‘રાહુલ તારું રીપોર્ટ કાર્ડ ક્યાં છે?’

‘રીઆન લઇ ગયો’

‘કેમ?”

‘એના પપ્પાને બીવડાવવા’.

Wednesday, January 17, 2018

શોભાના ગાંઠિયા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૭-૦૧-૨૦૧૮

ડાયટીંગ કરનાર જાણે છે કે સલાડ (ઓકે, સેલડ) કેટલી વાહિયાત વસ્તુ છે. એમાં ઉપરથી ડ્રેસિંગ થાય એટલે એનાં ટેસ્ટમાં કોઈ ફેર ન પડે, માત્ર ઉપાડ વધી જાય. પણ પછી એ ડિઝાઈનર બીટ અને ગાજર ડીશમાં જ રહી જવા પામે છે. ઘણાં લોકો સલાડ પરના આ ડ્રેસિંગ જેવા હોય છે. નકામા, નિરુપયોગી, નિરુદ્દેશ, નિષ્કારણ અને નિરર્થક. આવા લોકોની તારીફમાં શોભાના ગાંઠિયા શબ્દ પ્રયોગ થાય છે. એકતા કપૂરની મમ્મી શોભાના બાબા તુસ્સારે પણ શોભાના ગાંઠિયા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ સંદર્ભમાં શોભાના ગાંઠીયા તુસ્સારની બહેન એકતાને શોભાની ચટણી પણ કહી શકાય. આવા સ્ટાર સંતાનને બાદ કરતાં શોભાના ગાંઠિયાઓ પતિ, કલીગ, બોસ, બનેવી, નોકર, જેવા અનેક સ્વરૂપે પણ મળી આવે છે. 

શોલેમાં સાંભા એ શોભાનો ગાંઠિયો હતો. ગબ્બર વારેઘડીએ ઊંચા ખડક પર બેઠલા એના ચમચા સાંભાને પૂછતો કે આજકાલ સરકારે મારા માથા પર કેટલું ઇનામ રાખ્યું છે? અને સાંભા જેતે દિવસનો હાજર ભાવ જણાવતો. આ સિવાય સાંભો આખી ફિલ્મમાં માત્ર એક ડાયલોગ બોલે છે અને એક ગોળી છોડે છે, છતાં સરકારી કર્મચારીની જેમ પૂરો પગાર લે છે. અંદાઝ અપના અપના ફિલ્મમાં રાબર્ટ અને ભલ્લા બંને પણ શોભાના ગાંઠીયા હતા જ અને એટલે જ તેજા એક વાર બોલી જાય છે કે ‘સાલે દસ દસ હજાર કા સુટ પહનતે હૈ લેકિન અકલકી અઠન્ની પણ ઇસ્તમાલ નહિ કરતે.’ આ ઉદાહરણો તો ફિલ્મી થયા; સમાજમાં પણ આ પ્રકારના લોકો જોવા મળે છે.

‘કામ કા ન કાજ કા દુશ્મન અનાજ કા’ - આ હિન્દી કહેવત મુજબના લક્ષણો ધરાવતા દાગીનાઓ શોભાના ગાંઠિયાની જનરલ કેટેગરીમાં આવે. આપણે ત્યાં ગૌરી વ્રત વખતે કુમારિકાઓ ગાતી હોય છે કે ’ગોરમા, ગોરમા રે કંથ દેજો કહ્યાગરો...’. પણ આજકાલ ચકો-ચકી બંને દાણા લેવા જતા હોઈ કહ્યાગરો ઉપરાંત કામગરો અને કામણગારો કંથ શોધવાનો ઉપક્રમ છે, જે ભાગ્યે જ કોઈને મળે છે. મોટેભાગે તો જે કામણગારા હોય એ કામગરા નથી હોતા અને તત્ત્વત: જે પુરુષ કામણગારો હોય, પણ કામગરો ન હોય એને શોભાનો ગાંઠીયો જ કહેવાય. આવા શોભાના ગાંઠીયા નથી ઘરકામમાં મદદ કરતા કે નથી એવી નક્કર કમાણી કરતા. એમના હોવા ન હોવાથી કોઈને ફરક પણ પડતો નથી. જડ વસ્તુની જેમ એ લોકો આ પૃથ્વી ઉપર માત્ર જગ્યા રોકતા હોય છે. ઇંગ્લીશમાં એક શબ્દ છે – glibness, જેનો એક અર્થ થાય છે સામાવાળાને ખુશ કે પ્રભાવિત કરવાની આતુરતા; શોભાના ગાંઠિયા પોતાનો કરતબ અજમવવા કાયમ તત્પર હોય છે. અને પારંગત એટલા કે પાર્ટીમાં આવેલી મહિલાઓને ખાતરી થઇ જાય કે નક્કી એમની સહેલીએ એમનાથી ખાનગીમાં મહાદેવજીને કોહીનુર બાસમતી ચોખાની આખી ગુણ ચઢાવી હશે. આ ગાંઠીયામાં કેટલો સોડા છે એ જાણતા આ મહિલાઓના પતિદેવોને પણ ફડક રહે કે કયાંક રાંધવા, સાંધવા અને સંજવાળવાના કામમાં આપણો નંબર ના લાગી જાય. એમનાં ગયા પછી ગાંઠિયો પાછો ટીવી પર ચોંટી જતો હોય છે. રીમોટ એનાં હાથમાંથી છૂટતું નથી. કવચિત છૂટે તો રિમોટનું સ્થાન મોબાઈલ લે છે. આવા પુરુષ ધ્રુવના તારા જેવા હોય છે, જે ઘરમાં જુદાજુદા સમયે અને જુદી જુદી જગ્યાએથી જોવા છતાં એક જ સ્થાને-સોફા ઉપર- બિરાજેલા જણાય છે. આવી જોડીઓમાં પતિ શોભાનો ગાંઠિયો હોય અને પત્નીનો સ્વભાવ તીખા મરચાં જેવો હોય પછી છોકરાં ચટણી-સંભારા જેવા જ હોય! તો પણ આવી ડેશિંગ ડીશો જ્યુબીલીઓ ખેંચી કાઢતી જોવા મળે છે.

અમુકને પરાણે શોભાના ગાંઠિયા બનાવવામાં આવતા હોય છે. જેમ કે આપણે ત્યાં બનેવી કે જમાઈને માન આપીને ઉંચે બેસાડવાનો રીવાજ છે. વર્ષોથી એમની સેવા પણ કરવામાં આવે છે અને એમનો પડ્યો બોલ ઝીલવામાં આવે છે. પ્રસંગોએ એમણે ખિસામાં હાથ નાખીને ઊભા રહેવાનું હોય છે તોયે ચાર જણા આવીને એમને ખુરશીનું પૂછી જશે. પાર્ટી બરોબરનું દાબીને બેઠી છે એવી ખબર હોવાં છતાં ચાર જણા આઠ વખત ‘તમે જમ્યા કે નહી’ એવું પૂછી જશે. પણ બધા આ સરભરાને લાયક હોતા નથી. આમાંને આમાં ઘણા છછુંદરો માથામાં ચમેલીનું તેલ નાખતા થઇ જાય છે. જોકે આપણા સમાજમાં સાસુ નામની સંસ્થા આવા છછુંદરોને ઠેકાણે કરી જ દેતી હોય છે, પણ એની ય એક લીમીટ હોય છે. કુલ મિલાકે હાલ યે હૈ કી જમાઈ દીકરા જેવા અને દીકરા જમાઈ જેવા થતાં જાય છે. ટૂંકમાં બેઉ નકામાં થતાં જાય છે.

ધારોકે તમારા ભાગે શોભાનો ગાંઠિયો આવી જ ગયો હોય તો તમે શું કરો? શોભાના ગાંઠીયા કંઈ ચટણી જોડે ખાઈ શકાતા નથી કે નથી શોભાના ગાંઠીયાનું શાક બનાવી શકાતું. તો શું થઇ શકે? આ સવાલ જેટલો મોટો છે એટલો જ એનો જવાબ આસાન છે. પહેલાં તો એ ચેક કરો કે ગાંઠિયો રંગે રૂપે કેવો છે? જો એમાં મીનીમમ પાંચમાંથી અઢી કે ત્રણ મિર્ચી આપી શકાય એમ હોય તો એને મોડેલીંગમાં ગોઠવી દો. એમાં ચાલી જશે કારણ કે એ આખો ધંધો જ ‘બાંધી મુઠ્ઠી લાખની’ના સિદ્ધાંત પર ચાલે છે. એમાં બોલવાનું નથી હોતું પણ ફક્ત બની ઠનીને બેસવાનું હોય છે જેમાં આપણા ગાંઠીયાઓ એક્સપર્ટ હોય છે. દીપક પરાશર અને અર્જુન રામપાલ નભી ગયા તો તમારા ગાંઠિયાએ શા પાપ કર્યા છે તે રહી જશે?

મસ્કા ફન
લેંઘાની બે બાંયો એક જ માણસના બે પગને જુદા કરે છે.
જયારે લુંગી દેશની એકતાની ભાવનાની પોષક છે.