Wednesday, January 24, 2018

અંદર અને બહારનો બાળક

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૪-૦૧-૨૦૧૮

સન ૧૯૪૦માં બનેલી અશોક કુમારની ફિલ્મ 'બંધન'માં શિક્ષકના રોલમાં ચરિત્ર અભિનેતા અને કોમેડિયન વી એચ દેસાઈ હતા. એ ફિલ્મમાં એમનો તકિયા કલામ હતો ‘બાલક બંદર એક સમાન’. સંતો પણ કહે છે કે મન મર્કટ છે. ટૂંકમાં બાળકો વાંદરા જેવા હોય છે અને મન પણ વાંદરા જેવું હોય છે આ બંનેને જોડીને એવું કહી શકાય કે દરેક વ્યક્તિની અંદર એક વાંદરા જેવું બાળક રહેલું હોય છે જે બહાર આવવા મથતું હોય છે.

એવું કહેવાય છે કે તમે ઘરડા થાવ એટલે જિંદગી માણી શકતા નથી એ સાચું નથી, તમે જિંદગી માણવાનું બંધ કરો એટલે તમે ઘરડા થાવ છો. પણ ઘણા જનમ ઘરડા હોય છે. જે એકદમ કડક નિયમો અનુસાર જીવતા હોય છે અને બીજાએ પણ એમ જ જીવવું જોઈએ એવું માનતા હોય છે. ‘જમતી વખતે ન બોલાય’, ‘ટીવી જોતી વખતે ન ખવાય’, ‘ફરવા રવિવારે અને વેકેશનમાં જ જવાય ઇત્યાદિ’. આવા લોકોમાં રહેલું બાળક સિઝેરિયન કરીને પણ બહાર લાવી શકાતું નથી. જયારે સામેની બાજુ એવી નોટો મળી આવે છે જેમાં રહેલું બાળક અધૂરા માસે નોર્મલ ડિલીવરીથી બહાર આવવા લાતો મારતું હોય. બાળક એ છે જે ગધેડાને લાત મારવાની, બિલાડીને મ્યાઉં અને વાંદરાની સામે દાંતીયા કરવાની ચેષ્ટા કરે. અમારા કહેવાનો મતલબ એ નથી કે તમારે ઉંમર કરતા નાના દેખાવવા આવું બધું જ કરવું, પરંતુ બિલાડી તમને મ્યાઉં કરે અને તમે એની સામે મ્યાઉં પણ ન કરો તો એમાં તમારામાં બિલાડી દાક્ષિણ્યનો અભાવ છે એવું તો જરૂર કહેવાય!

બાળકો ઈન્ટરનેટ સાથેનો મોબાઈલ હાથમાં લાગે ત્યાં સુધી નિર્દોષ જ હોય છે. તમે કદરૂપા દેખાતા હોવ તો બની શકે કે તમારા મિત્રો તમને ખુશ રાખવા ખોટા વખાણ કરે કે તમારા ફોટા લાઈક કરે. પણ જો બાળક તમને કહે કે ‘આંટી, આ ડ્રેસમાં તમે ફની લાગો છો’, તો માની લેવાનું! બાળકો એટલા નિર્દોષ હોય છે કે એ ગમે તેના ખોળામાં જઈને બેસી જાય. ઘણીવાર તો આપણને ઈર્ષ્યા પણ થઈ આવે! સાચે. અમારા એક એન્જીનીયર મિત્રને તો કૂતરાની ઈર્ષા આવતી! એ કોઈ સુંદર કન્યાને કુતરાને ફેરવવા લઈ જતો જોવે તો નિસાસો નાખતો કે સાલું કૂતરાને પણ માથે પ્રેમથી હાથ ફેરવનારું કો’ક છે! અલ્યા તું ખાલી લાળ ટપકાવવાનું બંધ કરીને થોડી વફાદારી દેખાડ, તો આપોઆપ હાથ ફેરવનારી મળશે. પણ આપણે આપણી ઈચ્છા વગર મોટા થવું જ પડે છે.

અમે એક ટીવી એડ જોયેલી. એમાં રોડ પર ફૂટબોલ રમતા છોકરાંઓએ ઉછળેલો બોલ એક સુટેડ-બુટેડ બિઝનેસમેનના પગ આગળ પડે છે અને એ એક સેકંડ માટે બીજું બધું જ ભૂલીને એને કિક મારી દે છે. પણ આવું કરતા આપણે અચકાઈએ છીએ. આમાં તબિયત કે લોકલાજને કારણે ઉંમર વધવાની સાથે આ વૃત્તિ પર બળજબરીથી બ્રેક મારવામાં આવે છે. ગલી ક્રિકેટ રમતા દરેકને આવા લોકો મળ્યા હશે. તમે શોટ મારો અને બોલ જઈને દૂર પડે ત્યાં શોલેના ઠાકુર જેવા એક કાકા ઓટલા પર કે સ્કુટર પર બેઠા હોય, જે પગ પાસે પડેલા બોલ સામે જોયા કરશે પણ ઉઠાવીને આપશે નહીં. જેનામાં બાળક જીવતું હોય એ કમસેકમ હાથ તો લાંબો કરે જ. ઠાકુરની તો મજબૂરી હતી, પણ બકા તારી મજબૂરી એ છે કે તું અકારણ બુઢ્ઢો થઈ ગયો છે! મહાનાયક અમિતાભ સીટી મારે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ કોઈ બાળકનો કાન ખેંચે કે ક્યાંક ઢોલ વગાડવા લાગી જાય, એ વ્યક્તિની અંદર એક બાળક જીવંત હોવાનો પુરાવો છે, બાકીના લોકો હોદ્દાના ભારમાં વગર ઘડપણે ઝુકી જાય છે.

જોકે તમારી અંદરના બાળકને જગાડવા માટે તમારે અંગુઠો ચૂસવાની કે ટોય કાર લઈને લોકોના બે પગ વચ્ચેથી વોં વોં કરતા નીકળવાની જરૂર નથી. એ સ્વાભાવિક અને સહજ રીતે આચરણમાં આવવું જોઈએ. પણ મોટી ઉંમરે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. તમને કોઈ ટાલિયાના માથામાં હાથ ફેરવવાનું કે ટપલી મારવાનું મન થાય કે ભર બપોરે કોઈના ઘરનો ડોરબેલ વગાડીને એમને જગાડવાનું મન થાય તો લાગ અને ભાગવાની તક જોઈને સાહસ કરવું. પત્ની બેચલર્સ પાર્ટી માટે ના પાડે તો ભેંકડો તાણી નહિ શકો. કેટલુંક કરતા તમને તમારું શરીર રોકશે. દાખલા તરીકે જેમના પગમાં વાની તકલીફ હોય એ લોકો લંગડી કે સાતતાલીમાં તરત આઉટ થઇ જશે અને માથે દાવ આવી જશે. આવા લોકો કો’કની ગાડી કે એકટીવામાંથી હવા કાઢવાની, કૂતરાને અમસ્તા દોડાવવાની કે લંગસીયા લડાવવાની પ્રવૃત્તિ કરી શકે. છેવટે મોબાઈલ પર લુડો અને સાપ-સીડીની ગેમ ડાઉનલોડ કરીને ચાર ડોહા ભેગા થઈને રમી શકે. માજીઓ ભેગી થઈને અંતકડી, પાંચીકા કે અડકો દડકો રમીને ભૂતકાળ તાજો કરી શકે. ઢીંચણ રિપ્લેસ કરાવ્યા પછી ડોક્ટરે છૂટ આપી હોય તો પગથિયાં અને નદી કે પહાડ પણ રમી શકે. નિર્દોષ તોફાન મસ્તી કરવા માટે કોઈ બહાનું શોધવાની જરૂર નથી. તમે તમારું બાળપણ ફરી જીવી શકો એ માટે જ તમને કંપની આપવા ઈશ્વર તમારા ઘરમાં પૌત્ર-પૌત્રીઓ મોકલે છે. તમારે માત્ર એમની સાથે એમના જેવા બની જવાનું રહે છે. લોકો ભલે કહેતા હોય કે મૃત્યુ પછી પણ જીવન હોય છે પણ ભૂત થયા પછી બાળક નહિ બની શકો, ભૂત બનવા કરતા બાળક બનવામાં મજા છે.

મસ્કા ફન

‘રાહુલ તારું રીપોર્ટ કાર્ડ ક્યાં છે?’

‘રીઆન લઇ ગયો’

‘કેમ?”

‘એના પપ્પાને બીવડાવવા’.

No comments:

Post a Comment