Wednesday, January 10, 2018

ઉત્તરાયણમાંથી બોધપાઠ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૦-૦૧-૨૦૧૮

અમે તો માનીએ જ છીએ કે જિંદગીમાં દરેક વ્યક્તિ પાસેથી અને દરેક પ્રસંગમાંથી કૈંક શીખવા મળે છે. ઉત્તરાયણ તહેવાર અને એની ઉજવણીની પદ્ધતિમાંથી પણ ઘણું શીખવા મળે છે. આ રહ્યા ઉત્તરાયણના બોધપાઠ.

વિદ્યાર્થીઓ: પરીક્ષામાં ટેક્સ્ટબુકના ત્રેવીસ પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાવાના હોય, એમાંથી આઠ પ્રકરણ ઓપ્શનમાં કાઢ્યા હોય, સાત પ્રકરણ વાંચ્યા હોય અને આઠની કાપલીઓ બનાવીને પરીક્ષા આપવા ગયેલા નબીરાની હાલત ગાંઠોડીયા દોરીથી પતંગ ચગાવનાર જેવી હોય છે. આવી રીતે ચગાવેલા પતંગોની દોર ગાંઠમાંથી નહિ તો દાંતીમાંથી તૂટી જતા હોય છે. ક્યારેક પતંગ કપાઈ જાય પછી ખબર પડે કે પેલો દૂર ચાંદેદાર જે ખેંચતો હતો, એ આપણી ખેંચતો હતો. આવું પરીક્ષામાં ‘આ પ્રશ્ન આ સબ્જેક્ટનો છે?’ એવા વિચાર આવે. પ્રાઈવેટ સ્કૂલોની ઉંચી ફી ન ભરી શકનાર તેજસ્વી વિદ્યાર્થીઓ પોળના પતંગબાજની જેમ ટુકડા દોરીમાં પતંગ ચગાવીને ભરપુર પેચ કાપીને સોપો પાડી દેતા હોય છે. એમના પતંગો બિન હવામાં પણ ચગતા હોય છે. 

ફેમીલી લાઈફ: માર્યાદિત સ્વતંત્રતાની રીતે સરખામણી કરવી હોય તો પરિણીત પુરુષને ઘાણીના બળદ કરતા આકાશમાં ચગતા પતંગ સાથે કરવી વધુ યોગ્ય છે. ઘાણીના બળદનો પ્રવાસ માર્ગ વર્તુળાકાર છે, જયારે પતંગ પાસે વિહરવા માટે મુક્ત આકાશ છે. આમ છતાં એ વિહાર કરવા માટે પંખી જેટલો મુક્ત નથી કારણ કે દોર પત્નીના હાથમાં હોય છે. એ જેટલી ઢીલ છોડે એટલું જ ધાબાથી દૂર જવાય છે. એ આકાશમાં ડોલી અને હવા સાથે મુક્ત રીતે વહી શકે છે. પણ પત્ની ઠુમકો મારે ત્યારે એણે ચીંધેલી દિશા તરફ પ્રયાણ કરવાનું હોય છે. સંયુક્ત કુટુંબ એવા ધાબા જેવું હોય છે જેમાં ઘણા બધા પતંગો એક સાથે ચગતા હોય. પતંગો પણ નાના, મોટા, લોટણીયા, લબૂક, કડક ઢઢ્ઢાવાળા, ફાટેલા, સાંધેલા કે પછી સ્થિર ચગે એવા અનેક પ્રકારના હોય. આવડત એવી જોઈએ કે અંદરો અંદર પેચ ન લાગે, દરેક પતંગને ઉંચાઈ એ જવા માટે જગ્યા મળે અને ચગાવનારને સહેલ ખાવા પણ મળે. ઘણી જગ્યાએ ઘેંશીયા પતંગ રૂપી દીકરા અને ઢાલ પતંગ રૂપી બાપ વચ્ચે પેચ લાગતા હોય છે. આવા કિસ્સામાં કોઈ એક જણ ઢીલ ન છોડે તો પછી દીકરો એની ફીરકી પકડનારને લઈને બીજા ધાબામાં જતો રહે એવી ઘટનાઓ બનતી હોય છે.

વેપારીઓ: ખરીદીને ચગાવેલા પતંગ, કાપેલા પતંગ અને દિવસ દરમ્યાન પકડેલા પતંગની સંખ્યા પરથી નફા-નુકસાનની ગણતરી મંડાતી હોય છે. ગઈસાલની વધેલી દોરીની ફિરકી અને પતંગમાં ભેજ લાગી જાય એ ઘાલખાધ અને પકડેલો પતંગ કપાય એ નફામાં નુકસાન ગણાય. ઝાડમાં ફસાયેલો પતંગ ઉઘરાણી જેવો હોય છે, નીકળે તો નીકળે, નહીંતર રાઈટ ઓફ કરી દેવો પડે છે. ફિરકીમાં દોરી વચ્ચેથી તળિયે દેખાતા પૂંઠું જોઈ કેટલી દોરી બાકી રહી છે એ ક્યાસ કાઢવાની ક્રિયા વેપારીઓ દ્વારા સ્ટોક કાઢવા બરોબર હોય છે.

નેતાઓ: એક પતંગબાજ ઉત્તરાયણ પહેલા ચોક્કસ નિર્ણયો લેતો હોય છે. દોરી ઘસાવવી કે ડોઘલું કરીને પીવડાવવી? દોરી ઢીલ માટેની કે ખેંચવા માટેની કરાવવી? કેવી હવા માટે કેવા પતંગો લેવા પડશે? વગેરે વગેરે એ ચૂંટણી વખતે મતવિસ્તાર દીઠ બળાબળની તુલના કરીને જીતે એવા ઉમેદવારનું ચયન કરવાની પ્રક્રિયા સમાન છે. તુક્કલવાળા પતંગને કોઈ કાપી ન જાય એ માટે આજુબાજુના ધાબામાંથી પતંગો ચગાવેલા રાખવામાં આવે છે એમ જ વિરોધી ઉમેદવારની લીડ કાપવા માટે ડમી ઉમેદવારો પણ ઉભા રાખવામાં આવતા હોય છે. સીનીયર નેતા રૂપી ઢાલ પતંગમાં પાછળના ધાબાવાળા એમનું યુવાનેતા રૂપી ફૂદાકડુ લબડાવીને કાપી ન જાય એ માટે ખાસ વ્યૂહ બનાવવા પડતા હોય છે. દુશ્મનને પાડવા આસપાસના ધાબાવાળા સાથે વ્યુહાત્મક સંધી પણ કરવી પડતી હોય છે. તમારા ચગેલા પતંગને કોઈ લંગસીયું નાખીને લપટાવી ન જાય એ જોવું પડતું હોય છે. ઉત્તરાયણના દિવસે બુથ મેનેજમેન્ટની જેમ ધાબા મેનેજમેન્ટ અગત્યનું છે. ફીરકી પકડનારા, લચ્છા વાળનારા, ‘કાયપો છે ...’ બુમો પાડનારા વગેરેને ભેગા કરવા ચીકી, બોર, જામફળ, ઊંધિયું અને જમવામાં શીખંડ-પૂરી જેવા મફત ભોજન પણ કરાવવા પડે છે.

બિઝનેસ: એકલા પતંગ ચગાવવાની મઝા ન આવે. તમે પતંગ ચગાવો, દોરી છોડો, અને અંધારું થાય એટલે સહેલ ખાઈને ફીરકી લપેટી નીચે ઉતરો એ પશ્ચિમી ઢબની પતંગબાજી છે. એવા ગાજ્યા વગરના ચોમાસાનો કવિઓને પણ રોમાંચ નથી હોતો. થ્રિલ પણ નહી અને અફસોસ પણ નહિ. મનોલગ્ન જેવું – મનમાં જ વિવાહ અને મનમાં જ વિચ્છેદ! પેચ લેવામાં સામે કોઈ હોય તો પડકાર ઉભો થાય અને પુરુષાર્થ કરવાની ઈચ્છા થાય. બિઝનેસમાં જો તમારી મોનોપોલી હોય તો તમે ઉદ્ધત અને ઘમંડી બની જાવ છો. પણ જયારે કોઈ તમારો પતંગ કાપી જાય એટલે કે કોંટ્રાક્ટ કે ઓર્ડર તમારો કંપીટીટર લઈ જાય - તો તમે નમ્ર બનો છો. તમારી દોરી/પ્રોડક્ટ શ્રેષ્ઠ ન હોય છતાં બીજાની કાપવામાં આવડત જોઈએ છે. જોકે આ બધું કરો છતાં હવા ન હોય તો ઉત્તરાયણ બગડે છે. અહીં હવા એટલે ધંધામાં ટેક્સ અને પોલીસી જેવા બાહ્ય પરિબળો, જે આપણા હાથમાં નથી. ઉત્તરાયણમાં બીજાના ધાબે જઈ, બીજાના પતંગ-દોરી વાપરી, બીજાને ફીરકી પકડાવી, બીજાના ઊંધિયા જલેબી ઝાપટી ઉત્તરાયણની મઝા લેનારા હોય છે. બિઝનેસમાં આવી મફતની મઝાનું દેવું વધી જાય તો લંડન ભાગી જવાનો રીવાજ છે!

મસ્કા ફન
નિરાશાવાદી: ગ્લાસ અડધો ખાલી છે.
આશાવાદી: ગ્લાસ અડધો ભરેલો છે.
ગુજરાતી: ગ્લાસમાં શું છે?

No comments:

Post a Comment