Sunday, October 28, 2012

હેલિકોપ્ટર ફૂલ બરસાઓ ....

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૧-૧૦-૨૦૧૨ | અધીર અમદાવાદી |

જયારે અમે પત્નીને ખુશ રાખવાના ૧૦૧ ઉપાયો લખી ફેસબુક પર પહેલી વખત પોસ્ટ કર્યાં ત્યારે પતિ અને પત્નીઓનો એકસરખો સારો પ્રતિભાવ મળ્યો હતો. પત્નીઓ તો ખુશ થાય જ કારણ કે પરણીને જેની સાથે ભવેભવનો સંબંધ બાંધ્યો છે એવી પત્નીઓની તારીફમાં બે ચાર સારા શબ્દો મ્હોંમાંથી કાઢવાનું ઘણાં પતિઓ શીખ્યા નથી. આપણા પતિઓને તો સાસરે જઈ કઈ રીતે વર્તવું એની આચારસંહિતા પણ માલુમ નથી હોતી. અરે, ભાઈ સાસરાની ગલીના કૂતરાને પણ હટ ન કહેવાય એટલી તો સમજ દરેક પતિને હોવી જોઈએ ને? પતિઓ અમારા ઉપાયોથી એટલા માટે પણ ખુશ થયા હતાં કે જે વાત પત્નીઓ ‘પેટમાં દુખે છે’, ‘માથું દુખે છે’, ‘મૂડ નથી’ જેવા બહાનાના ઓઠા હેઠળ કહેવા માંગતી હોય છે, અને પતિઓ જે મોટે ભાગે સમજતા નથી હોતાં, તે અમારા આ ઉપાયોમાં ડાઈરેક્ટ કહેવાઈ ગયું હતું. 

પણ હવે રસ્તો નીકળ્યો છે. અમદાવાદના એક જાણીતા બિલ્ડરે (પોતાની) પત્નીના જન્મદિવસે, પોતાની જ પત્ની ઉપર, હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરાવી પુરુષ સમાજ માટે એક દાખલારૂપ કામ કર્યું છે. આમ તો આવા તાયફા પરદેશમાં તો અવારનવાર થતાં હોય છે પણ ભારતમાં, એમાં પણ ગુજરાતમાં અને એમાંય અમારા અમદાવાદમાં આવું કંઇક થાય એટલે અમને જાણે બત્રીસે કોઠે દીવા થયા હોય એવો આનંદ થાય છે. સૌથી મોટો આનંદ તો જોકે અમને એ વાતનો છે કે, અમદાવાદીઓની ઈમેજ જે દસ રૂપિયાનો ગુલદસ્તો પણ ન ખરીદે એવી માર્કેટમાં છે, તે આ ઘટનાથી ભાંગીને ભુક્કો થઈ ગઈ છે. અમદાવાદીઓ રૂપિયાની ત્રણ અધેલી શોધે એવી બધી અફવાઓ જે લોકો ફેલાવે છે એમનાં મોઢા પર આ ઘટના તમાચારૂપ છે. કારણ કે એવું જાણવા મળ્યું છે કે આ પુષ્પવર્ષા બિલ્ડર મહાશયને માત્ર રૂપિયા અઢી લાખમાં પડી હતી. જોકે રૂપિયા ચેકમાં અપાયા હતાં કે કેશમાં એ અંગે જાણવા નથી મળ્યું.

જાણવા તો એ પણ નથી મળ્યું કે આ પુષ્પવર્ષાનો બિલ્ડર-પત્નીએ શું પ્રતિભાવ આપ્યો હતો? બાકી એવું પણ બની શકે કે એમની પત્ની આ ઘટનાથી નારાજ થઈ હોય કારણ કે ફૂલ વરસાવવા માટે હેલિકોપ્ટર ખુબ નીચા લેવલ પર ઉડતું હતું, અને એનાં પંખાની હવાથી કદાચ બિલ્ડર-પત્નીની કેશભૂષા વિખરાઈ ગઈ હોય અથવા બાલ્કનીમાં સૂકવેલાં કપડાં ઉડી ગયા હોય! અથવા તો એમની પત્નીએ એવું પણ કહ્યું હોય કે ‘મને સફેદ ફૂલ વધારે ગમે છે એ તને ખબર છે તોયે કેમ ગુલાબના ફૂલ વરસાવ્યા?’ કે પછી ‘હેલિકોપ્ટરનાં અવાજથી મને તો ધ્રાસકો પડ્યો’ કે પછી સાવ છેલ્લે ‘આવો ખોટો ખર્ચો કરાય?’ જોકે આ બધાં તો અમારા અનુમાનો છે. પત્નીઓની જે ધારાધોરણ પ્રમાણેની ઈમેજ બજારમાં છે એ અનુસાર!

બાકી આ ઘટના અમને તો ઘણી શંકાસ્પદ લાગે છે. શું આમ કોઈ થર્ડ પાર્ટી પાસે પત્ની પર પુષ્પવર્ષા કરાવે? નક્કી આ વાતમાં કોઈ ભેદ છે. જે રીતે આ આખી વાત ચગી છે એ જોતાં આ ઘટના પત્ની હિતવર્ધક મંડળ કે એવી તેવી કોઈ એનજીઓએ પત્નીઓનાં હિતમાં પ્રસિદ્ધ કરાવી હોય એવું બની શકે. કદાચ હેલિકોપ્ટરનાં પાઈલોટની ગર્લફ્રેન્ડે પાઈલોટને સવારમાં ગુલાબનો ગુલદસ્તો આપ્યો હોય, જે પાઈલોટ મહાશય ઘેર પહોંચતા પહેલાં નિકાલ કરવા માંગતા હોય એટલે બારીમાંથી ફગાવી દીધો હોય. આ આખી ઘટનાનો તકવાદી તત્વોએ લાભ લીધો હોય એવું બને. એ જે હોય તે પણ આ ઘટના પતિઓના ખિસ્સામાં મોટ્ટા કાણા પાડશે એ નક્કી!

પણ આ પુષ્પવર્ષાનો આખો આઈડિયા ‘ચાંદની’ ફિલ્મમાં હતો જ. રિશી કપૂર પોતે જાતે શ્રીદેવી પર હેલિકોપ્ટરમાંથી ફૂલ વરસાવે છે. જોકે પછી એ દુર્ઘટનામાં પરિણમે છે. એથી પહેલાં રાજેન્દ્ર ‘જ્યુબિલી’ કુમારે ‘બહારો ફૂલ બરસાઓ મેરા મહેબુબ આયા હૈ’ એવું બહારોને ઓર્ડર કરતુ ગીત એમની લાક્ષણિક અદામાં (બે હાથ વારાફરતી ઊંચાનીચા કરતાં કરતાં) ગાઈને ફૂલોનો બગાડ કરવાની હિમાયત કરી જ હતી. ‘સૂરજ’ ફિલ્મનું આ ગીત આમ તો આખું સ્ટુડિયોમાં શુટ થયું હતું અને ફૂલબુલ તો કંઈ વરસ્યાં નહોતાં પણ હિરોઈન (વૈજયંતિ માલા) આ ગીત સાંભળીને ખુશ ચોક્કસ થઈ હતી. અને મેઈન વાત તો હિરોઈન ખુશ રહે એ જ છે ને?

ફિલ્મ સિવાય પણ બિલ્ડરભાઈએ કરી એ પુષ્પવર્ષાની પહેલી ઘટના નથી. વિશેષ લોકો અને અવસર પર પુષ્પવર્ષાની અનેક ઘટનાઓ પુરાણોમાં વર્ણવેલી છે. રામાયણ અને મહાભારતમાં પણ આવી ઘટનાઓ આવે છે. ભગવાન રામનાં લગ્ન જેવી કોઈ મંગળ ઘટના ઘટે તો દેવો આકાશમાંથી પુષ્પવર્ષા કરવા માંડતા એવું અમે સિરીયલમાં જોયું છે. આવા સમયે બેકગ્રાઉન્ડમાં પ્રસંગને અનુરૂપ તંબુરા પણ તતડવા લાગતાં. આ દેવ અને પુષ્પવર્ષાની એનાલોજી સરકાર અને બિલ્ડર્સ સાથે ઘણી છે. આપણી આજકાલની સરકાર અને પ્રધાનો ક્યાં દેવોથી કમ છે? દેશ હોય કે રાજ્ય, સરકાર અને બિલ્ડરો કેવું સરસ ખભેખભા મિલાવીને કામ કરે છે? સરકાર ડેવલોપમેન્ટ પ્લાન, ટીપી સ્કીમ, એસ.ઈ.ઝેડ., સ્પેશિયલ પર્પઝ એલોટમેન્ટ, એક્સ્ટ્રા એફએસઆઈ, ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર જેવા રૂપાળા નામો હેઠળ બિલ્ડરભાઈઓ પર પુષ્પવર્ષા કરતી રહે છે. આવા મોકા આમ જનતા બોલે તો મેંગો પીપલને ક્યાં મળે છે? એ તો વિશેષ લોકોને જ હોય ને?

 

 

ફ્રી પર આફરીન આપણી પ્રજા

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૮-૧૦-૨૦૧૨ | અધીર અમદાવાદી |    



અમદાવાદમાં ઝવેરીવાડની પાણીપુરી ફેમસ છે, પણ ત્યાં દુકાનદારે બોર્ડ માર્યું છે કે પાણીપુરી સાથે ‘મસાલા પૂરી ફ્રી નહિ મળે’. અમદાવાદીઓને સદાય સસ્તું, સારું અને નમતું જોઈએ. એ રૂપિયાની ત્રણ અધેલી શોધે. દુનિયામાં અમદાવાદીઓની આવી ઈમેજ છે. અખબાર સાથે ફ્રી ગીફ્ટનો રીવાજ પણ કદાચ અમદાવાદી પ્રજાના આ વિલક્ષણ સ્વભાવના લીધે જ ચલણમાં આવ્યો છે. અમે સ્વાભાવિક રીતે આવી બધી ખોટી વાતો સાથે સહમત નથી થતાં! હવે તો પાણી પણ પાઉચ પેકીંગમાં મળે છે, એટલે નમતું મળવાનો તો સવાલ જ નથી. તો અધેલી પોતે જ હવે ચલણમાંથી જવાની તૈયારીમાં છે એટલે રૂપિયાની ત્રણ અધેલી મળે તો પણ એનું શું કરવું એ સવાલ થાય. અને વાત જો સસ્તાની હોય તો સસ્તું કોને નથી જોઈતું? પછી એ અમદાવાદી હોય કે મુંબઈગરો. ‘ફ્રી’ વસ્તુ માટે લોકો આખો દિવસ લાઈનમાં તપે છે. સામાં ઈલેક્શને મફત ઘર અને લેપટોપ માટે જે રીતે લોકોએ ધસારો કર્યો (એવું કહેવાય છે કે અન્ય પાર્ટીના કાર્યકરોએ પણ આ સ્કીમમાં નામ નોંધાવ્યા છે!) એ આ વાતની સાબિતી છે.

આજકાલના છોકરાઓ તો ટીવી પર જે વસ્તુ નાચી ન  હોય એવી પ્રોડક્ટ હાથમાં પણ ઝાલતા નથી. ફ્રી યોયો માટે દુધમાં મિલાવવાના પાવડરનો ખર્ચો કરાવનાર બાળક યોયોથી દુકાનમાંજ રમવા લાગે છે, પણ દૂધ પીવામાં તો અખાડા જ કરે છે. તો ગૃહિણી માટે ક્યારેક ફ્રી વસ્તુ ઘણી વાર બમણું કામ કરે છે. અખબારની કૂપનો ચોંટાડેલ ફોર્મ સામે ઘરમાં અથાણાંનું પેક આવે ત્યારે પહેલાં તો અથાણું મફત છે એનો આનંદ આપે છે. અને ઘરમાં આ મફતનું અથાણું પડ્યું હોય એટલે ગૃહિણી અથાણાં ‘નાખવાની’ કડાકૂટમાંથી બચી જાય છે. 

ફ્રી આપવામાં એક પર બીજી વસ્તુ ફ્રી મળે એ પોપ્યુલર છે. જેમ કે ટીવી ખરીદો તો કુકર ફ્રી મળે. ફ્રીઝ ખરીદો તો કેમેરા મળે. પણ બાઈક સાથે ફ્રી મળતી હેલ્મેટ ‘સેવ સ્પેરો’ અભિયાનમાં ચકલીના માળા કરવા અભેરાઈ ઉપર મુકાઈ જાય છે. આમાં ટીવીની સાથે વોલક્લોક ફ્રી આપે એ ગીફ્ટનો આઈડિયા જેણે પણ કાઢ્યો છે એની રમૂજવૃત્તિને અમે દિલથી દાદ આપીએ છીએ. જોકે અમુક વસ્તુ ખરીદો તો સાથે ફ્રીમાં મળતી વસ્તુ જલ્દી દેખાતી નથી. જેમ કે મોબાઈલ સાથે માથાનો દુખાવો ફ્રી મળે છે. ટીવી સાથે મેદસ્વીતા ફ્રી મળે છે. તમાકુ ખરીદો એટલે કેન્સર ફ્રી મળે છે. અને લગ્ન કરવાથી દહેજ ઉપરાંત આખું સાસરું ક્યાં ફ્રી નથી મળતું?

શાકભાજીની લારીઓ ઉપર જોકે ‘એક પર એક ફ્રી’ સેલ હજુ સુધી જોયા નથી. અને એ સારું છે. તમે એક દુધી લો તો બીજી દુધી ફ્રી આપે એવી સ્કીમ હોય તો ઘરમાં દુધી સપ્તાહ ઉજવવું પડે. પણ હવે વોલમાર્ટ જેવી કંપનીઓ આવશે તો કદાચ ‘દસ ભીંડા સાથે વીસ ભીંડા ફ્રી’ જેવી ઓફર્સ જોવાં મળે પણ ખરી. જોકે મહિલાઓ સ્કીમ વગર પણ શાકભાજી સાથે જોખમાં કોથમીર-મરચાં મફતમાં નખાવતી જ હોય છે. સામે શાકવાળા પણ હોંશિયાર થઈ ગયા છે એટલે આવા ઘાલખાધનાં કોથમીર મરચાં અલગ ક્વોલીટીના લાવે છે. એક બેન લાંબો સમય વિદેશમાં રહ્યાં પછી અમદાવાદમાં સેટલ થયા. એમણે પહેલીવાર લારી પર શાક ખરીદ્યું તો શાકવાળાએ સાથે કોથમીર મરચાં નાખી દીધા. બેન તો નારાજ થઈ ગયા. કહે કે ‘મારે નથી જોઈતા’. શાકવાળો કહે કે ‘પણ બેન આનાં રૂપિયા નથી લેવાનો’. તો બેનનાં માન્યામાં ન આવે.

રમેશ પારેખે કહ્યું છે કે ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો અને સમગ્ર શહેરનાં લોકો અભણ મળે તમને’. ફ્રી ગીફ્ટમાં પણ ઘણીવાર આવો જ દાવ થતો હોય છે. મફતનો કેમેરા મળે એ વ્યક્તિ ઘરકૂકડી હોય એવું બને. સ્પોર્ટ્સ શુઝ સાથે મફત ઘડિયાળ મળે, પણ પહેરનાર માણસ આળસુ હોય. તો ક્યારેક એવું પણ બને કે મફતના અથાણાં વધારે ખાટા હોય અને એમાં પાછી ઘરમાં વાની તકલીફ હોય. એટલે જ કદાચ કાંસકા ફ્રી ગીફ્ટમાં કદી મળતા નથી.

ઇવાન પાવલોવે સાઇકોલોજીકલ એક્સ્પેરીમેન્ટસ માટે જાણીતો છે. એણે એક વખત કૂતરાને ખાવાનું આપતા પહેલાં ઘંટડી વગાડવાનું શરુ કર્યું. ઘંટડી વાગે એટલે ખાવાનું મળે, એ વિચાર માત્રથી કૂતરાના મ્હોમાંથી લાળ ટપકવા લાગતી. પછી તો એ ખાવાનું ન નાખે અને ખાલી ઘંટડી વગાડે તો પણ કૂતરાના મ્હોમાંથી લાળ ટપકવા લાગી. ફ્રી વસ્તુઓ અને સેલ પણ કંઇક આ ઘંટડી જેવું કામ કરે છે. સેલ કે ફ્રીનું નામ સાંભળી ખરેખર કશું મળે કે ન મળે, આપણે ખરીદી કરી લઇ છીએ !

ડ-બકા

કઠોર પરિશ્રમ કરો ત્યારે રૂપિયા છૂટે છે બકા;
ઉધાર લેવામાંય આજકાલ ચંપલ તૂટે છે બકા!

 

Thursday, October 25, 2012

ગરબામાં ઈતર પ્રવૃત્તિ

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૧-૧૦-૨૦૧૨ |અધીર અમદાવાદી |

જે લોકોને ગરબા નથી આવડતાં એ લોકો ગરબા કરનારને ઈર્ષ્યાના ભાવથી જોઈ રહે છે. પણ ઉત્સાહી લોકો ગરબાના ક્લાસ ભરીને પણ ગરબા શીખીને રહે છે. અમુક દેખાદેખીમાં પણ ક્લાસ જોઈન કરે છે. અમુક પ્રાઇઝ જીતવા માટે ક્લાસ ભરે છે. આજકાલ કોર્પોરેટ કંપનીઓ રૂપિયા ખર્ચી સાંજે, ઓફિસ ટાઈમ પછી જ, પ્રોફેશનલ ટ્રેનર રોકી સ્ટાફને ગરબા શીખવે છે. કંપનીઓને એમાંય ક્યાંક પ્રોફિટ દેખાયો હશે. અથવા તો પોતાની કંપની બીજી કંપનીઓ કરતાં કોઈ રીતે પાછળ નથી છે એ બતાવવા આ કરતાં હોય. જાહેરાત કરી શકે ને કે, ‘ફલાણા ફલાણા ગરબામાં અમારા એમ્પ્લોયીએ ઇન્ટરનેશનલ લેવલ પર પ્રેસ્ટિજિયસ બેસ્ટ ડ્રેસિંગ પ્રાઇઝ મેળવ્યું, માટે મોબાઈલ કનેક્શન તો અમારી કંપનીનું જ લેવાય’. પછી ભલે એ સેલ કંપનીનો કોલ ડ્રૉપ રેટ સરકારી સ્કૂલોનાં બાળકોના ડ્રૉપ-આઉટ રેટ સાથે કમ્પીટીશન કરતો હોય!

જે લોકોના લોહીમાં ગરબા છે અથવા તો જે લોકોને ગરબાની પ્રેક્ટિસરૂપી લોહીના બાટલા ચઢાવ્યા છે એવાને બાદ કરતાં જે શેષ વધે એ પબ્લિકની દશા અભ્યાસ કરવા જેવી હોય છે. એમાં અમુક પુરુષો એવા હોય જેમના ભાગે આખી નવરાત્રી ડ્રાઈવર, કૅશિયર ને બાઉન્સરનો રોલ આવે છે. ઑફિસમાંથી નીચોવાઈને આવેલા ભાઈ સાડા આઠ વાગ્યામાં લેંઘો ઝભ્ભો પહેરીને તૈયાર થઈ જાય. વહેલાં જઈએ તો વહેલાં અવાય એ શુદ્ધ આશયથી. પણ સામી પાર્ટી સાડા દસ વાગ્યે તૈયાર થાય. સાડત્રીસ વખત તો બચારાએ ઘડિયાળમાં જોયું હોય કે આણે નવ વાગ્યે નીકળવાનું કહ્યુંતુ. રસ્તામાંથી કોકને લઈને જવાનું હોય પાછું. સ્થળ પર પહોંચીને પાર્ટીને ગેટ ઉપર ઉતારી કિલોમીટર દૂર પાર્કિંગ કરીને આવવાનું. એમાં પાછી વાર થાય એટલે એનાં ખુલાસા આપવા પડે. એ પછી ટીકીટ લેવાનું કામ પણ આપણાં આ બાવરિયાનું જ હોય છે ને?

ગરબા ગ્રાઉન્ડમાં પહોંચીને ખેલાડીઓ તો કંપની કે એન્ટ્રી શોધી ગરબા કરવા ચાલુ પડી જાય. પણ જે પાછળ ચંપલ, પાણી બોટલ, મોબાઈલ સાચવવા રહે એણે સૌથી પહેલાં તો ખુરશી શોધવી પડે. કોઈ પણ મેળાવડા, એ ગરબાના હોય કે લગ્નના હોય, આયોજકોનો મુખ્ય ઉદ્દેશ બેસવાલાયક લોકોની સંખ્યા કરતાં ૨૫% ઓછી ખુરશીઓ મૂકવાનો હોય છે. આમાં આયોજકોને પૈશાચિક આનંદ આવતો હશે કદાચ. પણ નૉન-સ્ટોપ ગરબાનાં મ્યુઝિકને સથવારે ખુરશી ખાલી થાય તો ઝડપી લઉંએ પ્રકારની મ્યુઝિકલ ચેર રમવા બીજા ખુરશી-વંચિતો પણ તત્પર ઉભા હોય છે. આવામાં આપણા છેલાજીને જો એક ખુરશી મળે તો પોતે બેસે છે. જો બે-ત્રણ ખુરશી હાથમાં આવે તો એ ચંપલ-બુટ-દુપટ્ટા-પર્સ અને મોબાઈલ સુધ્ધાં જગ્યા રોકવા મૂકી દે છે. ખુરશી ખેંચવા તૈયાર લોકોને એ આવે જ છે હમણાંપ્રકારની ખોટી માહિતી આપી ટીકીટના રૂપિયા પુરા વસૂલ કરે છે. જોકે આ આખી ખુરશી મેળવવાની અને સાચવવાની પ્રક્રિયામાં સફળ સાબિત થનાર રાજકારણમાં જાય તો સફળ થાય ખરા!

આમ તો બિહારનાં ઇલેક્શનમાં તેલુગુદેશમ પાર્ટીનો પ્રચાર કરવા મોકલ્યો હોય એટલો રસ આપણાં આ રંગરસિયાને ગરબામાં હોય છે. ટ્રેડિશનલ કપડાં (લેંઘો-ઝભ્ભો) પહેર્યા હોય પણ કદી મેદાનમાં ઘૂસે નહિ, અને પાછું એમાં જ બધાનું ભલું હોય. જોકે મેદાનમાં પાણીની બોટલ્સ, મોબાઈલ અને ચંપલ સાચવવા બેઠેલો નાવલિયો સાવ બેઠો રહે તો એ પુરુષ નહિ. એ જ્યાં બેઠો હોય ત્યાંથી યથાશક્તિ સૌન્દર્યપાન કરતો રહે છે. વચ્ચે વચ્ચે મોબાઈલ પર ધંધાની વાતો કરવાનો વ્યર્થ પ્રયાસ કરતો પણ જોવા મળે છે. પણ આ ગરબાનું મેદાન એક જ એવી જગ્યા છે કે જ્યાં, જ્ઞાની અને ગધેડાં સિવાયના એવા, એક જ ધંધાવાળા બે જણ ભેગાં થાય તો પણ ધંધાની વાત નથી કરી શકતાં. અવાજના કારણે. બાકી શેરબજારવાળા બે જણા સ્મશાનમાં મળે તો પણ માર્કેટની ચાલ વિષે ચર્ચા કરી લેતા હોય છે.   

ઓડિયન્સમાં બેઠાં પછી આપણાં છબીલાનો એકાદ કલાક તો જાણે ગરબા ગ્રાઉન્ડના સ્ટોક ટેકિંગમાં જાય છે. ઓળખીતાં પારખીતાની નોંધ પણ લેવાય છે. પછી પહેલા જ રાઉન્ડમાં ગમી ગયેલા ફૂમતાંનું ટ્રૅકિંગ શરુ થાય છે. પ્રત્યેક રાઉન્ડમાં એ સામેથી પસાર થાય અને રુમઝુમ કરતું ફૂમતું દેખાતું બંધ થાય ત્યાં સુધી જોવામાં ને જોવામાં માણસ ટેબલ ફેનમાં ફેરવાઈ જાય છે! એ ફૂમતું ગરબા કૂટતા (એમ જ કહેવું પડે એટલું ઝનૂન હોય છે) ખેલૈયાઓની ભીડમાં અંતરધ્યાન થાય અને ફરી પ્રગટ થાય ત્યાં સુધી પોતાની ફિક્સ ડિપોઝીટથી નજર બચાવીને નાની નાની બચત યોજનાઓમાં મૂડી રોકાણો ચાલુ રાખવામાં આવે છે. આ એક તપસ્યા છે અને એમાં તપોભંગ ત્યારે થાય છે જયારે પડોશમાં સ્ટીમિંગ ઢોકળાં, ગરમ ખીચું, ભેળની પ્લેટ કે સોફ્ટ ડ્રીંકની બોટલો આવે છે.

પડોશમાં આમ સ્વાદિષ્ટ વસ્તુઓ ન આવે તો પણ ગરબા વેન્યુ પર રાત્રે અગિયાર વાગે એટલે ઘણાની ભૂખ જાગી ઊઠે છે. અમુક મણિયારા તો કદાચ ગરબા કરવા માટે નહિ ખાવા માટે આવતાં હોય એવું લાગે. ગાંધીનગર કલ્ચરલ ફોરમનાં ગરબામાં જાવ તો ગ્રાઉન્ડ અંદર હોય એટલી જ ગિરદી ફૂડકોર્ટમાં જોવા મળે. કલાક પહેલાં જ ઘેર જમીને આવ્યો હોય, પણ ફૂડકોર્ટ પર હક્કા નુડલનાં વઘારની ખૂશ્બુથી ભુખ્ખડજનોનો જઠરાગ્નિ જાગૃત થઈ જાય છે. પણ સામાન સાચવવા કોઈ બકરો હાથમાં આવે એટલે ચંપલ ભળાવી વીરો ફૂડકોર્ટ તરફ એકલો પ્રયાણ કરી જાય છે. પેલી બાજુ ગોરી ગરબામાંથી બહાર નીકળી એને શોધી કાઢે ત્યારે વાલમાનો ચોથો રાઉન્ડ ચાલતો હોય. જોકે આમ ખાનાર પર નજર ન લગાડવી જોઈએ, કારણ કે સાંવરિયાએ આમ જોવાં જાવ તો ખાવા સિવાય બીજું કર્યું પણ ક્યાં હોય છે આખી નવરાત્રિમાં?