Wednesday, September 27, 2017

નવરાત્રીમાં નવતર કરો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૭-૦૯-૨૦૧૭

ખેલૈયા નવરાત્રીના બે મહિના પહેલા ડાન્સ ક્લાસમાં જઈ નવા સ્ટેપ્સ શીખે છે. મહિનો બાકી રહે ત્યારે નવી ડિઝાઈનના ચણિયા-ચોળી બનાવવા માટે દોડાદોડી થતી હોય છે. અઠવાડિયું બાકી રહે ત્યારે ભાઈઓ જાગે છે અને ઝભ્ભા ખરીદવા નીકળે છે. એક દિવસ બાકી હોય ત્યારે નવી એસેસરીઝ માટે લો ગાર્ડન પર ભીડ જામે છે. બાકી રહી ગયા હોય એ ભાડુતી ડ્રેસ લાવે છે. ગાનારા પણ નવા ગરબા શોધે છે અને રીહર્સલ કરે છે. આયોજકો સ્ટેજ બે ફૂટ વધારે પહોળું બનાવે છે કાં એન્ટ્રન્સ ગેટમાં કૈંક નવું કરે છે. ટૂંકમાં નવરાત્રી આવે એટલે બધા નવું લાવે છે. આવા નવા પ્રયોગો 'નવું નવ દહાડા' કહેવતને સાચી ઠરાવવા નવ દહાડા ચાલે છે અને બીજા વર્ષે વાસી થઇ જાય છે. છતાં દર વર્ષે નવું કરવાના પ્રયાસો થતા રહે છે.

આજકાલ નવરાત્રીના ચણિયાચોળી અને લગ્ન પ્રસંગના પાછા જુદા હોય છે. લગ્નના ગરબામાં કેડિયું-ચોયણી પહેરનાર અણવર વાંઢો રહે છે. નવરાત્રીના ચણીયા ચોળી અને કેડિયા વરસમાં માત્ર નવ દહાડા જ પહેરવાના હોય છે. એમાં દર વર્ષે નવ દિવસના નવ ડ્રેસ ક્યાંથી લાવવા? આમાં પણ સુધારાની જરૂર છે અને થોડા પ્રેક્ટિકલ લિમિટેશન પણ છે. જેમ કે ચણિયાચોળીમાં પાછળ દોઢ કિમી સુધી લંબાતા પ્રિયંકા અને ઐશ્વર્યા જેવા ગાઉન ન લવાય નહીંતર પછી તમારા ડ્રેસ પર જ લોકો ગરબા કરે! એમાં સોસાયટી કે ફ્લેટના ગરબા હોય તો કો'ક સ્વચ્છ ભારતનો સમર્થક ફરમાઈશ પણ કરે કે 'જરા અમારા આંગણામાં પણ રમી જજો ને!' જે સાફસૂફી થઇ એ. પેલી પણ 'જુઓ અમારા ય ફેન છે' એમ સમજીને એની સાથેના બે સેલ્ફી ઇન્સટા પર અપલોડ પણ કરે! આ રીતે પણ તહેવારમાં હૌ હૌની રીતે ખુશ રહે અને એ રીતે યુનિવર્સનું એનર્જી લેવલ ઉંચુ આવતું હોય તો આદ્યશક્તિ માને શું વાંધો હોય!

જેમ સ્પોર્ટ્સમાં સ્પોર્ટ્સ ગીયરની જરૂર પડતી હોય છે એમ ગરબામાં છેલ્લા કેટલાક સમયથી ગરબા ગીયર્સની માંગ ઉઠી છે. આજકાલ તો ઘરવખરી અને કિચેનવેરને બાદ કરતાં બાકીનો સામાન ખેલૈયાઓના ડ્રેસ પર જોવા મળે છે. કેડિયા ઉપર પોપટ, મોર, હાથી લટકાવવાનું કે પેચવર્કના તોરણીયા અને ચાકળા કમરે બાંધવાનું તો ઠીક પણ હવે તો કેડિયા પર નાની ખાટલી અને જમતી વખતે પગ નીચે મુકવાનું ઢીંચણિયું લાટકાવેલું પણ જોયું છે. ખેલૈયાઓને જજ કરતી વખતે કેડિયાની નીચે મમ્મી કે બહેનનું સલવાર પહેરેલું પણ જોવા મળી જાય છે. ઈનોવેશનના નામે હવે એલઈડી લાઇટ્સ, યુવી લાઇટ્સ, રેડિયમ ટેપ્સ અને લેસર લાઇટ્સ લગાડેલી જોઈ છે. સાયકલના વ્હીલ સાથે ગરબા ગાતા ખેલૈયાના ફોટા છાપામાં આવી ગયા છે. હવે હેર સ્ટાઇલની રીતે મેદાનો હાર્દિક પંડ્યા, શિખર ધવન અને કોહલીના અંતેવાસીઓથી ઉભરાય છે. સરવાળે આમિર હોય કે ઝૂંપડપટ્ટીનો વાસી હોય, 'માના આંગણે સૌ સરખા' ઉક્તિ સાચી ઠરતી લાગે છે.

કપડાં સિવાય પણ ખેલૈયાઓમાં દર વખતે નવું શું કરવું એની હોડ ચાલતી હોય છે. આમાં વર્ષો પહેલા બરોડાવાળા જે ઘો ઘાલી ગયા છે એના પરિણામે ખેલૈયાઓની ત્રણ ત્રણ પેઢીની નવરાત્રી ડિપ્રેસનમાં ગઈ. બન્યું એવું કે પરંપરાગત રીતે આપણે ત્યાં ચાર કાઉન્ટના બે તાળીના ગરબા ગાવાનો રિવાજ હતો. સ્ત્રીઓ ત્રણ તાળીના ગરબા કરતી. પણ બરોડાની બાયડી પૈણી લાવનારાઓ કે બરોડા જઈને બે ચોપડી ભણી આવનારા લોકો એમના બરોડાનો ઝંડો હેઠે મુકવા તૈયાર જ નહોતા! અમારે બરોડામાં તો એકલું દોઢિયું જ થાય. અમારે બરોડામાં તો બધા સર્કલમાં એકજ સ્ટાઈલથી ગરબા કરે! તમારું ભલું કરે ભોગીલાલ, તમે એલેમ્બિકના પ્લાન્ટમાં કન્વેયર બેલ્ટ પર કફ સીરપની બાટલીઓ સરકતી જોઈ હોય એનું અનુકરણ ગરબામાં કરો તો અમારે પણ કરવું ફરજીયાત છે? તમારું દોઢિયું તમારા વડોદરાનું લોકનૃત્ય હશે, અમારે તો આખા ગુજરાતનું સાચવવું પડે. અમને વડોદરું પકડીને બેસી રહેવું ન ફાવે. અમારી પબ્લિક માથે પાઘડીનો ભાર ખમે છે એ ય ઘણું છે, બાકી શહેરના સંસ્કારનો બોજ તો ટ્રાફિકમાં પણ રાખે એવી નથી. કમનસીબે આ સાંસ્કૃતિક આક્રમણને ખાળનારું કોઈ ન નીકળ્યું! અહીંની પબ્લિક પાસે પણ એવા દોઢિયા અઢિયા કરવાનો કે સર્કલ કરવાનો ટાઈમ પણ ક્યાં હતો! તો પણ અહીં અમદાવાદ બોર્ન કંફ્યુઝ્ડ બરોડીયનોનો એક મોટો વર્ગ અસ્તિત્વમાં આવ્યો જે પોતાને આવડે એવા સ્ટેપને દોઢિયુ, પોપટીયુ, હીંચ, હુડો અને ચિચુડોનું નામ આપીને મઝા કરતો થઇ ગયો. હજી બરોડાવાળા દોઢિયામાં ગોળ ગોળ ફરે છે જયારે અહી તો એવી સ્ટાઇલ્સ ડેવલપ થઈ છે જેના સ્ટેપ્સ વર્તુળાકારના બદલે સીધી દિશામાં કરો તો ઢોલવાળો સમ પર આવે એ પહેલા તમે અમદાવાદથી સીધા વડોદરા પહોંચી જાવ!

કમનસીબે ગરબામાં જેટલી વરાયટી ડ્રેસમાં અને સ્ટેપ્સમાં જોવા મળે છે એટલી ફૂડમાં નથી મળતી. ત્યાં ખીચા, ઢોકળા, મેગી, ભાજીપાઉં અને વડાપાઉં જેવા, યુવા ફિલ્મ ક્રિટિકની ભાષામાં કહીએ તો ચવાઈને કુથ્થો થઈ ગયેલા, ફૂડ મળે છે. અરે દોસ્તો તમારી ક્રીએટીવીટી ઓછી પડતી હોય તો અમે નવા નામ આપીએ પછી એમાં શું નાખવું એ તમે નક્કી કરી લેજો! જેમ કે ચોકલેટ પ્રાઈમ પાઉં (વડાપાઉં), કેપુચિનો પાણીપુરી (પાનીપુરીમાં કોફી), લેટ ફ્રાઈડ બ્રેડ એન્ચીલાડા (સવારની વધેલી રોટલી વઘારીને બને એ), લસણની ચટણીનો આઈસ્ક્રીમ, માર્ગારીતા પોટેટો ફ્લેટ રાઈસ (ચીઝ બટાકા પૌઆ) અને ખીચું મેથીનો સાલસીનો જેવી સાવ નવી આઈટમ્સ રજુ કરી શકાય! યાર, કંઈ નહીં તો એટલીસ્ટ નામ તો નવા લાવો!

મસ્કા ફન

કિંજલ: જલ્દી ચલ અલી 'કુમકુમના પગલાં પડ્યા ...' ગરબો ચાલુ થયો.
પિંકલ: તું જા. મારો પગ પોદળામાં પડ્યો છે તે ધોઈને આવું.

Wednesday, September 20, 2017

બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાની શું લૂમ મઝા આવે?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૦-૦૯-૨૦૧૭

Pakistani Bullet Train
બુલેટ ટ્રેન હવે હાથવેંતમાં છે. પછી તો અમદાવાદથી ટ્રેન ઉપડે- કે ડાબા હાથમાં તમાકુ લઈ, એમાં સ્ટીલની ડબ્બીમાં રહેલા ચુનામાં બોળેલી જમણા હાથની પહેલી આંગળી હથેળીની દક્ષિણ-પશ્ચિમથી શરુ કરી ઉત્તર-પૂર્વ દિશામાં ઘસી, અડોશ-પડોશમાં બેઠેલા લોકો સાથે જુના જમાનામાં કેવા અમદાવાદથી મુંબઈ પહોંચતા કેવા દસ કલાક થતા હતા- તેની લાંબી વાતો કરતાં કરતાં, મિશ્રણ ઉર્ફે ફાકી ડાબા હાથના મધ્યભાગમાં તૈયાર થાય એટલે જમણા હાથની પહેલી બે આંગળીઓ જાણે તબલા પર થાપ આપતા હોય એમ ફટકારી, હથેળીમાં રહેલી ઝીણી રજ ઉડાડી, જમણા હાથની ચપટીમાં લઈ, મ્હો પહોળું કરી, નીચેના હોઠ અને દાંત વચ્ચેના પોલાણમાં ધરબી, અને પછી થૂંકવાળા હાથ પેન્ટ પર લુછી અને બે હાથ વડે તાલી પાડો, અને વાતને અનુસંધાનથી આગળ વધારો- તેટલામાં તો મુંબઈના જીર્ણ મકાનો, નાળાઓ અને ભીડ દેખાવા લાગે. જસ્ટ ચપટી વગાડો એટલામાં અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી પાછા અમદાવાદ!

આમ છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લાવવામાં અનેક વિટંબણાઓ આવશે, જેમ કે: યોજનાનો દૂરની દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો દ્વારા વિરોધ, રાજકીય વિરોધ, ખર્ચ, ટેકનીકલી ચેલેન્જીંગ પ્રોજેક્ટ વગેરે. પરંતુ અમારા મતે સૌથી મોટી સમસ્યા પાસ હોલ્ડર્સ એસોસિયેશનને કન્ટ્રોલ કરવાનું રહેશે. રાત પડે પુષ્પાના હાથની ખિચડી ખાધા વગર જેમને ઊંઘ નથી આવતી એવા પતિદેવો બુલેટ ટ્રેન ચાલુ થતા અમદાવાદ-મુંબઈ વચ્ચે અપડાઉન કરવા કુદી પડશે. સ્વાભાવિક છે કે બુલેટ ટ્રેનના કંઈ પાસ ન હોય અને એ બધા સ્ટેશને ઉભી પણ ન રહે. એમાં પાસ હોલ્ડરો આરબના ઊંટ જેવા હોય છે. એકવાર જો બુલેટ ટ્રેનમાં આ પાસ હોલ્ડર ઘુસ્યા, તો પછી બારીઓમાંથી રૂમાલ, છાપા, અને માત્ર ગેન્ગના નામને આધારે સીટોનું રીઝર્વેશન શરુ થઇ જશે અને એ પણ રેલવેને રૂપિયો આપ્યા વગર! જોકે સામે પાસ હોલ્ડર્સ કોચમાં ચાલતું હોય છે એવું પેસેન્જરોને ભજન-કીર્તન અને ગીત-ગઝલના ગ્રુપથી લઈને રમી-તીનપત્તીની બેઠકો ઉપરાંત વારેતહેવારે કથાનો પણ લાભ મળતો થશે એની ખાતરી રાખજો.

આપણે ત્યાં સુપર ફાસ્ટ ટ્રેનો શરુ થાય એ પછી પરંપરાગત રીતે ‘તંબૂરાવાદને સ્ટોપેજ આપો’ અને ‘તબલાસણને સ્પેશીયલ કોચ આપો’ની માંગ સાથે આંદોલનો શરુ થતા હોય છે. આમાં ને આમાં કેટલીય સુપરફાસ્ટ ટ્રેનો, જેની ટીકીટ પર સપ્લીમેન્ટરી ચાર્જ પણ લેવાતો હોય છે, એ લોકલ ટ્રેનો બનીને રહી ગઈ છે. ચૂંટણીમાં ઉમેદવારો પણ રૂટમાં આવતા દરેક ગામને સ્ટોપેજ અપાવવાનું વચન વહેંચતા ફરે છે. હાઈસ્પીડ ટ્રેન બે રાજ્યોના મેટ્રો શહેરોને જોડશે એટલે રાજકીય પક્ષો પાસે પણ સત્તા મેળવવાના હેતુથી સ્ટોપેજના મુદ્દે આંતરરાજ્ય વિગ્રહ ઉભો કરવા માટે પણ દારૂગોળો મળી રહેશે. જોકે ટ્રેનમાં ધારાસભ્યો અને સંસદસભ્યો માટેનો સ્પેશીયલ ક્વોટા અને મફત મુસાફરી બાબતે સૌ એકમત થઇ જશે એ વિષયમાં બેમત નથી.

દરેક ધંધામાં આજે વિકાસની ભૂખ દેખાય છે. રેલવેના ફેરિયાઓ અને ભીખારીઓ એ પણ હાઈસ્પીડ ટ્રેઈનમાં પોતાના ધંધાના વિકાસની, સોરી ધંધાના વિસ્તારની સ્ટ્રેટેજી બનાવવાની રહેશે. આમાં વિરોધપક્ષોનો પણ ટેકો મળી રહેશે, કારણ કે આપણે ત્યાં દરેક મોટા પ્રોજેક્ટમાં ગરીબો, ખેડૂતો અને નાના વેપારીઓનું હિત સૌ પહેલું જોવાય છે. શક્ય છે કે રેલ્વે તરફથી ભીમ એપથી કેશલેસ ભીખ માગવાની શરતે ભીખ માંગવાના સ્પેશિયલ પરવાના કાઢવામાં આવે. આમ છતાં આ હાઈટેક પ્રોજેક્ટ હોઈ ફેરિયાઓ અને ભિખારીઓએ પોત પોતાની રીતે પણ હાથપગ મારવા પડશે, એ નક્કી છે. ફેરીયાઓએ પહેલાં તો ટ્રેનમાં ઘૂસવાની, અને ઘૂસ્યા બાદ માત્ર બે અઢી કલાક જેવા સમયમાં આખી ટ્રેન કવર કરવાની પ્રેક્ટીસ પાડવાની રહેશે. આ ઉપરાંત ટ્રેનમાં ફૂડ સર્વિસ ઉપલબ્ધ હોય તેવામાં બીજી કઈ આઈટમ ચાલશે તે અંગે આઇઆઇએમ જેવી સંસ્થાના હોનહાર વિધાર્થીઓ શક્યતાદર્શી અહેવાલ કરે તો એ ફેરિયાઓના જીવનમાં અજવાળું પથરાશે અને અંગ્રેજી છાપાઓ અને સોશિયલ મીડિયા પર તેમના ગુણગાન પણ ગવાશે.

બુલેટ ટ્રેનમાં ટૂંક સમયમાં મુંબઈ પહોંચાશે એ જ એક સમસ્યા છે ઘણા માટે. આપણે ત્યાં સિગ્નલ અને લાઈનને બાદ કરતાં કોઈ વાતની આપણી પ્રજાને ઉતાવળ નથી હોતી. ટોલબુથ પર ટીકીટ આપનારથી લઈને પાર્કિંગમાં ટુ-વ્હીલર પર બેસી કલાકો ગપ્પા મારતા નવજુવાનીયાઓને જુઓ, કોઈને ઉતાવળ નથી. તો પછી બુલેટ ટ્રેન દ્વારા વહેલા પહોંચીને ભૂલા પડવા જેવું જ થાય ને? અત્યારે તો ટ્રેનમાં અમદાવાદથી સાડા ત્રણ કલાક સફર કરી ને તમે સુરત ઉતરો ત્યાં સુધીમાં તો સહપ્રવાસી સાથે કેટલીય ઓળખાણો નીકળે અને ‘ફરીવાર આવો તો ચોક્કસ ઘેર આવજો’ એવા કોલ-કરાર પણ થઈ જાય! આમાં સાલું આપણે નવી મુંબઈમાં ઓફીસ સ્પેસ શું ભાવ પડે જેવી જાણવાજોગ માહિતીથી માંડીને અમદાવાદમાં ઢાલગરવાડ ક્યાં આવ્યું? લો ગાર્ડનના ચણિયાચોળીમાં કેટલું બાર્ગેઇનિન્ગ થાય છે? જેવી ક્રીટીકલ માહિતીની આદાનપ્રદાન કરીએ તે પહેલા તો મુકામ આવી જાય! પછી સામેવાળાના ડોહા અંગ્રેજો સાથે શિકાર કરવા ગયા ત્યારે વાંદરું કેવું પાછળ પડ્યું અને ભાગતી વખતે ધોતિયું કેવી રીતે કાંટામાં ભરાયું વગેરે વગેરે રસપ્રદ વાતો કરવાની જ રહી જાય! ને પછી ભલે બિસ્કીટ બનાવતી કંપનીનો ઝોનલ મેનેજર અને સ્ટાર્ટઅપ કંપનીનો સવા ત્રેવીસ વરસનો સીઈઓ સામસામે બેઠા હોય, પણ એમને આખો કમ્પાર્ટમેન્ટ સાંભળે એ રીતે મોટ્ટી મોટ્ટી વાતો કરવાનો સમય જ ન મળે! ધનતેજવી સાહેબના શબ્દોમાં કહીએ તો “બે જણા આવ્યા, મળ્યા, છુટા પડ્યા ઘટના વગર, જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજ્યા વગર”. હાઉ મીન! આવી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાની શું લૂમ મઝા આવે?

મસ્કા ફન
માશુકા: તમે મારી આંખોમાં જોતા જોતા સિંગ ભુજિયાના ફાકડા કેમ મારો છો?

કવિ: પ્રિયે, તારી આંખોના જામ સાથે બાઈટીંગ તો જોઈએ ને!

Wednesday, September 13, 2017

ઓક્સફર્ડમાં ચડ્ડી હોય સાર્થમાં શોર્ટ્સ ના હોય

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૩-૦૯-૨૦૧૭

ગુજરાતીઓ દાળ-શાકમાં ગોળ, છાશમાં દૂધ, સેન્ડવીચમાં સેવ, ખાખરામાં ભાજીપાઉંનો સ્વાદ ઉમેરે છે. ટૂંકમાં ગુજરાતીઓ ભેળસેળમાં એક્સપર્ટ છે. લો, આ વાક્યમાં એક્સપર્ટ શબ્દ વાપરી ગુજરાતીમાં ઈંગ્લીશની ભેળસેળ થઈ ગઈ. ઈંગ્લીશ નહીં અંગ્રેજી. ગુજરાતીઓ શુદ્ધ ગુજરાતીમાં બોલી નથી શકતા. લેખકો શુદ્ધ ગુજરાતીમાં લખી નથી શકતા. આવી ફરિયાદો થતી રહે છે. પરંતુ આપણે અંગ્રેજી ખોટું તો ખોટું, આખું નહીં તો અડધું બોલીએ તો છીએ ને? કેટલા અમેરિકન કે બ્રિટીશરો ગુજરાતી કે હિન્દી બોલી શકે છે? અને બ્રિટીશર જો હિન્દી બોલે તો આપણે ઓળઘોળ થઈ જઈએ છીએ. એ ગરબા કરે તો આપણે ભાવવિભોર થઈ મોબાઈલથી વિડીયો રેકોર્ડ કરી ફોરવર્ડ કરતાં ફરીએ છીએ. પરંતુ આપણે જો વેસ્ટર્ન ડાન્સ કરીએ તો લોકો આપણી ખોડ કાઢે છે કે આને ગોળ ફરતા નથી આવડતું. ગુજરાતી હસબન્ડ પત્ની સાથે બોલ ડાન્સ કરે તો એને પીપડા દેડવતા મજૂર સાથે કમ્પેર કરાય છે. પણ ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરનાર ગુજરાતીના પ્રયાસને કેમ કોઈ વખાણતું નથી! જસ્ટ ફોલ્ટ ફાઈન્ડ કરે છે. ધીસ ઈઝ ડીસગસ્ટીંગ!
--
આપણે વિદેશી આસાનીથી અપનાવી લઈએ છીએ એટલા આપણે બ્રોડ માઈન્ડેડ છીએ. આઈ મીન, આપણે ખુલ્લા દિલના છીએ. ના, ‘માઈન્ડ’નું ‘મગજ’ ન થાય. આઈ મીન નહીં, હું એમ કહેવા માંગુ છું. રાઈટ? રાઈટ નહીં બરોબર. યેસ, ધેટ્સ રાઈટ. ઓહ, પાછું અંગ્રેજી ભેળસેળ થઈ ગયું. બટ વ્હાય શુડ વી હેવ ટુ સ્પીક ઓન્લી ગુજરાથી? વ્હોટસ રોંગ વિથ મિક્સિંગ ઈંગ્લીશ હિઅર એન્ડ ધેર ઇન ઈંગ્લીશ? આઈ મીન, શું ખોટું છે? ભાઈ સાબ, હું ઈંગ્લીશ મીડીયમમાં ભણ્યું છું તો ગુજરાતી થોડું વિક છે, બટ આઈ એમ ટ્રાયિંગ તો સહી? બટ માય ફ્રેન્ડઝ આર મેકિંગ ફન ઓફ મી. પછી કેવી રીતે સમવન વિલ સ્પીક ગુજરાતી? હમણાં મને વ્હોટસ અપ પર મેસેજ મઈલો, તો મેં મોમને કીધું કે ‘સ્મિતાભાભીને ત્યાં બોય બોર્ન થયો’. તો મોમ એટલું હસી કે શી ગોટ ક્રેમ્પ ઇન સ્ટમક. વ્હોટસ રોંગ મેન?
 
અને ડેઈલી લાઈફમાં એટલા બધા ઈંગ્લીશ વર્ડ્ઝ આવે છે કે એના વગર હાઉ ટુ મેનેજ? મમ્મી તો પાક્કું ગુજરાતી બોલે છે તોયે સવાર સવારમાં ‘તારી ચા ગ્લાસમાં કાઢી છે’ એવું બોલે, ટેલ મી આ ‘ગ્લાસ’ ગુજરાતી વર્ડ છે? તો એ પવાલામાં ચા કાઢી છે એવું કેમ નથી બોલતી? એ ગ્લાસ બોલે એનો વાંધો નહીં, પણ હું જો શુગર માંગુ તો એ મને ખાંડ જ આપે ! અને ડેડ પણ. ‘પેલું પેપર આપજે તો’ એવું બોલે તો હી શુડ સે છાપું ઈન્સ્ટેડ ઓફ પેપર રાઈટ? અરે, છાપું આપીએ એટલે ડેડ કહે ‘લાઈટની સ્વીચ ઓન કરજે’. કેમ લાઈટ, સ્વીચ, અને ઓનનું ગુજરાતી નથી આવડતું તમને? આ અમારી નહિ ગુજરાતી યુવાધનની ફરિયાદ છે.

ગુજરાતીમાં અંગ્રેજી ઘુસાડનારા બે પ્રકારના હોય છે. એક જાણી જોઇને ઘુસાડનારા, એટલે કે સભાનતાપૂર્વક ઘુસાડનારા અને બે, મજબુરીમાં એટલે કે યોગ્ય ગુજરાતી શબ્દ ન જડે એટલે અંગ્રેજી શબ્દ વાપરનારા. પહેલા પ્રકારના ભેળસેળના એ વેપારી જેવા હોય છે જે તમને અસલી માલનો ભાવ લઈને ડુપ્લીકેટ વળગાડે છે. બીજા પ્રકારના એ છે જેમણે અસલી માલ જોયો જ નથી. જોકે તમે પૂછશો કે અમે પહેલા નંબર વાળા કે બીજા નંબર વાળા? તો અમે કહીશું કે તમે આ ‘નંબર’ ના બોલ્યા હોત તો કદાચ જવાબ આપત, કે અમે એક અને બેની એક્ઝ્ટ વચ્ચેવાળા!

આની સામે ગુજરાતમાં રહેવું અને એકલા ઈંગ્લીશમાં જ વાત કરવી અને ઈંગ્લીશ સિવાય બીજું કંઈ જ ન બોલવું શક્ય જ નથી! આજે વરસાદ કેવો હતો એ માટે તમે કહેશો ‘ધેર વોઝ ધોધમાર રેઇન’. અહી તમને ‘Raining Cats and Dogs’ રૂઢી પ્રયોગ યાદ જ નહિ આવે કારણ કે એટલું પેટ્રોલ બાળવાનું આપણને પોસાતું નથી. ઘરે આવતી વખતે રસ્તાની હાલત કેવી હતી એના માટે તમે કહેશો ‘ધેર વેર સો મેની ખાડાઝ હિયર એન્ડ ધેર અને આઈ સો અ ભુવા નીયર મીઠાખળી અન્ડર પાસ બોલ!’ કેમ? ‘ખાડા’ અને ‘ભૂવા’ને ઇંગ્લીશમાં શું કહેવાય એ તમને ખબર જ નથી? ખાડાનું બહુવચન ખાડાઝ? વાઉ! અને ઇંગ્લીશમાં ‘ળ’નો ઉચ્ચાર આવતો જ નથી છતાં તમે ‘મીઠાખળી’ જ કેમ બોલો છો? હા હા હા ... એક ગુજરાતીમાંથી ગુજરાતી ભાષાને કાઢવી એ કર્ણના કવચ-કુંડળ ઉતારવા જેવું છે. એટલે નિશ્ચિંત રહેજો.

હવે તો કેટલાય હિન્દી/ ગુજરાતી શબ્દો જેવા કે અવતાર, બિંદી, ઘી, ભેલપૂરી, દીદી, ધાબા, મસાલા, યાર, બદમાશ, ચટણી, યોગા, ગુરુ, ચડ્ડી, પૂરીને ઓક્સફર્ડ ડિક્ષનરીમાં સમાવી લેવામાં આવ્યા છે. પણ આપણી બોલચાલની ગુજરાતીમાં આવતા ઈંગ્લીશ શબ્દો બાબતે શુદ્ધ ગુજરાતીને પાટલા ઘોની જેમ વળગેલા અમુક કાકાઓ વધારે અક્કડ છે. મંચ સંચાલનમાં તો અમુક જગ્યાએ RO Plantથી શુદ્ધ કરેલા ગુજરાતીના બાટલા ચઢાવવામાં આવે છે. એમની ભાવના પણ સમજો. મમ્મીઓ તો એના હાથના બનેલા પૌષ્ટિક દાળ, ભાત, રોટલી અને શાક લઇને તમારી પાછળ ફરવાની જ કારણ કે એને તમારા આરોગ્યની ચિંતા છે અને તમે પિત્ઝા, બર્ગર, પાસ્તા અને નૂડલ્સ પાછળ દોડવાના કારણ કે તમને દાળ-રોટલી ડાઉન માર્કેટ લાગે છે. આનું સમાધાન ‘ચીઝ ઢેબરાં’ છે. ફ્યુઝન! તમે ઢેબરાં ઉપર નૂડલ્સ પાથરશો, ભાખરી ઉપર મેક્સિકન રોસ્ટેડ ટોમેટીલ્લા સાલસા ચોપડીને ખાશો કે પછી પાણી-પુરીમાં મેનચાઉ સૂપ ભરીને ગપકાવશો તો ચાલશે, કારણ કે ઢેબરા, ભાખરી અને પૂરી એ આપણો બેઝ એટલે કે પાયો છે અને એ મજબૂત છે. લોંગ લીવ ગુજરાતી. જય ગુજરાત.

મસ્કા ફન

શી-ખંડ હોય પણ હી-ખંડ ના હોય ભાઈઓ.

Wednesday, September 06, 2017

બાબા બનવાની કળા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૬-૦૯-૨૦૧૭

ગુરમીત સિંઘ રામ-રહીમ બાબાને જેલ થવાથી પ્રજામાં ઉન્માદની હદ જેટલો ઉત્સાહ છવાઈ ગયો છે. હિન્દી મીડિયા તો બાબાના કેસનો ચુકાદો આપ્યો એ જજ ક્યાંથી બનિયન ખરીદે છે તે પણ શોધી લાવ્યા છે, એટલું જ નહીં એને પોતાની સિદ્ધિ તરીકે રજુ કરે છે. પોલીટીકલ પાર્ટીઓ બાબા સાથે છેડો ફાડવાના મુડમાં છે અને જેમના બાબા સાથે અગાઉ કોઈ ફોટા નથી પડ્યા તેમણે આ અંગે સ્ટેટમેન્ટ આપવાના શરુ કર્યા છે. એટલું સારું છે કે બાબા પીડિત નથી એટલે એની નાત-જાત વિષે ઓછી ચર્ચા ચાલે છે. આવામાં બાબા શબ્દ તુચ્છકારજનક બની ગયો છે. 

આમાં થોડોક વાંક બાબાનો પણ છે. આપણી પૌરાણિક કથાઓમાં ઋષિ મુનીઓ ​સદીઓ સુધી આકરું તપ કરતાં ત્યારે ઇન્દ્રદેવ અપ્સરાઓને મોકલીને એમના તપમાં ભંગ પડાવતા. જયારે અત્યારના અમુક બાબાઓ તો તપ કર્યા પહેલા સામેથી તપોભંગ કરાવવા માટે એટલા ઉતાવળા અને બાવરા બની ગયા છે કે સામે મેનકા છે કે શુર્પણખા એ જોવા પણ નથી રોકાતા. ​ભૂતકાળમાં જે​ બાબા​ના તપોભંગનાં વિડીયોની સીડી ​ફરતી થઇ હતી એમાં સામેનું પાત્ર તપોભંગ માટેના મીનીમમ ક્રાઈટેરીયા પણ ધરાવતું ન હોવાની ફરિયાદો પ્રભુ ભક્તોમાં ઉઠી હતી. આ બાબતે તપોભંગ તત્પર બાબાઓના અંગત સ્ટાફે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે જેથી કરીને પાછળથી બાબાના ટેસ્ટ વિષે સમાજમાં, અને ખાસ કરીને હરીફ બાબાઓમાં, ખોટી છાપ ન પડે.

​બાબાઓ અંદર જાય એટલે એના અનુયાયીઓની સંખ્યા જાહેર થાય છે. છેલ્લે જે બાબા ઝલાયા એમના અનુયાયીઓની સંખ્યા પાંચ કરોડથી વધુ મનાય છે! મજકુર બાબા રામ રહીમ સિંહ ઇન્સાનની વૈભવી લાઈફ સ્ટાઈલ અને એના કરોડોની સંખ્યામાં અનુયાયીઓ જોતાં પ્રજામાં આજકાલ કયા પ્રકારના બાબાઓ હિટ છે એ જોઈ શકાય છે. આજે તમારે બાબા બનીને કેરિયર બનાવવી હોય તો તમારે અપગ્રેડ થવું પડશે. તમે ઓલરેડી બાબા હોવ અને તમારી પટ્ટશિષ્યા તમને છોડીને કોઈ બીજા બાબાના પંથમાં ભરતી થવા થનગનતી હોય, અને તમને પોતાને મનમાં ઊંડે ઊંડે અફસોસ થતો હોય કે આ લાઈનમાં દસ વરસ કાઢી નાખ્યા તોયે હજુ માંડ લોઅર મોડલની એસયુવી અને પાંચ-દસ હજાર ભક્તો જેટલી તમારી ઓર્ગેનિક રીચ હોય તો સમજી લો કે તમારે તમારી બ્રાન્ડ સુધારવા માટે હજુ મહેનત કરવાની જરૂર છે. કઈ રીતે? આગળ વાંચો.

પહેલું તો હાલમાં આપણી પાસે સ્ટોકમાં જે બાવા કે સાધુઓ છે એમાંના મોટા ભાગનાની ડ્રેસિંગ સેન્સના ઠેકાણા નથી. લિબાસમાંથી મુફલિસી ટપકતી હોય એવા બાબાઓનું માર્કેટ ડાઉન છે. એટલે તાકામાંથી ફાડેલો લાંબો પીસ શરીર પર લપેટીને તમે ગાદી સ્થાપવા માંગતા હોવ તો તમને બાકરોલથી ડાકોરની લોકલ બસના પેસેન્જર જેટલા ચેલા પણ નહિ મળે લખી રાખજો. એટલું જ નહિ પણ ભક્તોને ત્યાં પધરામણી માટે એસી ગાડીમાં નહિ પણ એસટી બસમાં જ જવું પડશે. મેગાબાવા બનવું હશે તો જીપીએફનો ફાઈનલ ઉપાડ કરીને પણ બોલીવુડના ડીઝાઈનર કપડા પહેરવા પડશે. ભલે પોપટ જેવા દેખાવ, પણ લીલા કાપડના સુટ ઉપર લાલ કેપ પહેરવી પડશે.

બીજું કે બાબા તરીકે તમને ભાવક પોતાના વાહનમાં લઈ જતા હોય તો ધૂળ પડી તમારા બાબાત્વમાં. ભારતના યાન ચન્દ્ર પર પહોંચી ગયા પણ ઘણાને સાદી ૧૦૦ સીસીની બાઈકનાય ફાંફા હોય છે, જયારે આજના ટ્રેન્ડી બાબાઓ માટે સુપર બાઈક ચલાવવાની આવડત એ મીનીમમ ઓપરેટીંગ સ્કીલ છે. તમે જો બાવાત્વકાંક્ષી (નવો શબ્દ છે લખી રાખજો) હોવ તો સૌ પહેલા સ્કૂટી-એકટીવા અને ઘર વેચીને એક સુપર બાઈક લેવું પડશે અને એને ચલાવતા પણ શીખવું પડશે.

એ પછી આવે છે ડાન્સ. કહેતા બહુ અફસોસ થાય છે કે જમાના સાથે ચાલવાનો દાવો કરનારા મોડર્ન બાવાઓ ડાન્સમાં સની દેઓલને પણ પ્રભુ દેવા કહેવડાવે એવા છે. અમુક તો બાળકોની જેમ બે હાથમાં તારામંડળ પકડીને 'તારામંડળ ... તારામંડળ ...' બોલતા બોલતા હાથ ગોળગોળ ફેરવવાની ક્રિયાને જ ડાન્સ ગણતા હોય છે. આવા બાવાઓના તો ઉભાઉભ રાજીનામાં લઇ લેવા જોઈએ. બ્લોકબસ્ટર બાવા બનવું હશે તો સ્ટાઈલ તો તમારે શીખવી જ પડશે. ભંગાર જોખવા બેઠા હોવ એ સ્ટાઈલમાં ફોટા પડાવશો તો વધુમાં વધુ પસ્તી અને ભંગારવાળાની લારીઓ પર તમારા ફોટા આગળ અગરબત્તીઓ થશે. આ તો અમારી ફરજ સમજીને ચેતવીએ છીએ. પછી અમને કહેતા નહિ.

ત્રીજું, વાઈરલ બાબાઓ સોશિયલ મીડિયા જેવા માધ્યમો કે જ્યાં કોઈ પણ ટ્રોલ-ટપ્પો આવીને ગમે તેવી સંભળાવી જાય એવી જગ્યાએ નવરેશની માફક પડ્યા પાથર્યા નથી રહેતા. માટે જો તમે બાબા તરીકે સ્થાપિત થવા માંગતા હોવ તો ફેસબુક પર નાખેલા ડેરા-તંબુ ઉઠાવી લો અને ફીઝીકલ પ્રોપર્ટી એટલે કે આશ્રમમાં ઇન્વેસ્ટ કરો. જરૂર પડે તો કોર્પોરેટ કંપનીઓની જેમ જગ્યા ભાડે રાખો. બીજું સ્વીકાર્ય માધ્યમ ટીવી છે. ટીવી ચેનલ પર તમારા કાર્યક્રમ વખતે લોકો ચેનલ બદલી શકે છે, પરંતુ તમને ગાળો દે તો તમને સંભળાશે નહીં. માટે એક પોતાની ટીવી ચેનલ શરુ કરી દો અથવા કોઈ ઉગતી ટીવી ચેનલના ઇન્વેસ્ટર બની જાવ. સાજા થનાર લોકો માથામાં ઝાડું મારવાથી, લાત મારવાથી કે પાણીનો ફુવારો મારવાથી પણ સાજા થાય છે અને ફી લીધા (દક્ષિણા એ ફી ના કહેવાય!) વગર કરેલા ઈલાજ માટે કોઈ કન્ઝ્યુમર કોર્ટમાં નથી જતું. માટે ઉઠો, જાગો અને બાબા બનવા માટે મંડી પડો !

--

મસ્કા ફન

સાસુ પણ એક કુદરતી આપત્તિ જ છે જે કોઈ વીમા કંપની કવર કરતી નથી.