કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૬-૦૭-૨૦૧૫
થોડા વર્ષો પહેલા એક ડોક્ટર મિત્ર સાથે એમનાં માતુશ્રીનાં પેન્શન પેપર્સ માટે ગાંધીનગર સચિવાલયની કોઈ ઓફિસમાં જવાનું થયું હતું. જેમનું કામ હતું એ ક્લાર્ક સાથે અમારા મિત્રને સામાન્ય ઓળખાણ હતી, એટલે કામ ઝડપથી પતી ગયું. છુટા પડતી વખતે પેલા ક્લાર્કભાઈ એ સ્વભાવ વિરુદ્ધ જઈને, કોઈ અગમ્ય કારણસર, વિવેક કર્યો કે ‘ડોક્ટર સાહેબ, તમે તો મોટી સેવા કરો છો એટલે અમે તમને સાહેબ કહીએ એ બરોબર છે, પણ તમે આમ મને સાહેબ કહો છો એ બરોબર નથી.’ સાંભળીને અમારા મિત્રે એના ખભા ઉપર હાથ મુકીને કહ્યું ‘સાહેબ! ખોટું ન લગાડતા, પણ અમે તો ગામડેથી આવીએ છીએ એટલે અમારા માટે તો સચિવાલયનું કૂતરુંય અમારું સાહેબ !’
પેલા ભાઈ પહેલી ધારના સરકારી કર્મચારી હતા, અને વાત ડી.એ.ના જી.આર. કે પગારપંચ અંગે નહોતી એટલે એમને ખાસ ટપ્પી પડી હોય એવું જણાયું નહિ, પણ આખી વાતમાં અમને એટલું સમજાયું કે કોઈ આપણને ‘સાહેબ’ કહે તો બહુ હરખાઈ ન જવું. સાલું કોણ કઈ મજબૂરીને કારણે આપણને સાહેબ કહે છે એની આપણને શી ખબર પડે?
તાજેતરમાં જ કોઈએ રાઈટ ટુ ઇન્ફોર્મેશન નીચે સરકારમાં અરજી કરીને પૂછ્યું કે સરકારી કર્મચારી કે અધિકારીને ‘સાહેબ’ કહેવું ફરજીયાત છે કે નહિ? તો જવાબ મળ્યો કે સરકાર તરફથી પગાર મેળવતા તમામ સરકારી કર્મચારી કે અધિકારી પ્રજાના સેવક ગણાય એટલે એમને સાહેબ કહેવું ફરજીયાત નથી. અમેરિકામાં એવું જ છે, તમે તમારા બોસને સ્મિથ કે એન્ડ્રુ કહીને બોલાવી શકો. અમેરિકાનાં પ્રેસિડેન્ટને બરાક કહી શકાય. આપણે ત્યાં એ હિસાબે કોઈ અધિકારીનું નામ મગનલાલ હોય તો તમે એમને સીધું જ ‘મગનલાલ આપડું ટેન્ડર પાસ કરજો’ એવું કહી શકો, ઓફકોર્સ તમારા પોતાના જોખમે.
મોટે ભાગે લોકો હોદ્દાની રુએ સાહેબ બનતા હોય છે. સ્કૂલના ટીચર અને કોલેજના પ્રોફેસરોને તો વિદ્યાર્થીને પટાવાળા તો ઠીક, ઘરમાં પત્ની પણ સાહેબ કહેતી જોવા મળે છે. આમ તો તમારા હાથ નીચે એક માણસ કામ કરતો હોય તો તમે બાકાયદા એના સાહેબ બનો છો. સાહેબપ્રથા અંગ્રેજોના જમાનાથી ચાલી આવે છે. પહેલાંના જમાનામાં ગોરા લોકોને સાહેબ કહેવામાં આવતા. પછી શેઠ, અધિકારી અને માલિક વર્ગ એ બહુમાન ભોગવતો થયો. પછી તો જેમ રાજવીઓ માટે વપરાતું ‘મહારાજ’નું સંબોધન આજે રસોઈ કરનારા અને કર્મકાંડ કરનારા માટે વપરાતું થઇ ગયું છે એમ જ ઘરધણી એ ઘરમાં કામ માટે આવતા રામલા, ધોબી, માળી અને કૂક માટે આપોઆપ ‘સાહેબ’ની પદવી ઉપર આવી જાય છે.
અમુક લોકોને ધરાર સાહેબ બનાવવામાં આવતા હોય છે. લેખની શરૂઆતમાં જોયું એ પ્રમાણે ઘણીવાર કામ કઢાવવા માટે લોકો ઓછી લાયકાતવાળી વ્યક્તિને પણ સાહેબ કહેતા હોય છે. આમ કરતી વખતે એ લોકો ‘ગરજે ગધેડાને બાપ કહેવો’ એ કહેવતને નહિ પણ સભાન પણે ‘શિયાળ, કાગડો અને પૂરી’ વાળી વાર્તાને અનુસરતા હોય છે.
ઘણાંની લાયકાત પટાવાળા જેટલી હોવા છતાં સાહેબ બનવાનો શોખ ધરાવતાં હોય છે. આવા લોકો મનોમન એક સલ્તનત બનાવતા હોય છે અને પોતાને એનાં શહેનશાહ તરીકે પ્રસ્થાપિત કરતાં હોય છે. આટલેથી ન અટકતા એમના સંપર્કમાં આવનાર તમામ લોકો ઉપર એ લોકો પોતાની સત્તા બેસાડવાનું ચુકતા નથી. કૂતરા જેવા પ્રાણીઓમાં આવું સામાન્ય છે. આને ટેરીટરી માર્કિંગ કહે છે. બીજા ટોમી, જીમી કે રામલાલે એ વિસ્તારમાં પ્રવેશવું હોય તો એણે મોટે અવાજે ભસી ને કે પછી અમુક રીતે પૂછડી સંતાડી ને પોતે રાજા છે કે રૈયત એની જાહેરાત કરવી પડે! રૈયત તરીકે આવનાર ને આમાં ખાસ કંઈ કમાવાનું હોતુ નથી, પણ રજાપાટમાં દાખલ થનારે એ લાલિયા કે કાળીયા સાથે શાહરુખની જેમ વાનખેડેવાળી થાય એનાં માટે તૈયાર રહેવું પડે છે.
ભૂલેચૂકે આવું કોઈ ખાં સાહેબીનું ખોખુ તમને ભટકાય ત્યારે સતર્ક રહેજો નહીં તો એ પોતાની ખાં સાહેબીથી તમને ડીપ્રેશનમાં લાવી દેશે. આમાં તો તમારે પહેલી ફૂંક મારવી પડે નહીતર ગધેડું ગોળી ગળાવી જાય બોસ! પણ આવો કોઈ દાગીનો મળે, અને ‘ભેજા ફ્રાય’ના ધોરણે બે ઘડી ગમ્મત કરવી હોય તો એની રૈયત, અથવા બની શકે તો એના દરબારનું રત્ન બની જજો અને પછી જુઓ પેલો કેવો ખીલે છે! અમે તો જોકે એડવાન્સ કોર્સ કરેલો છે એટલે અમે તો થોડા આગળ વધીને પૂજાની થાળી, આરતી અને ઘંટડી પણ સાથે જ રાખીએ છીએ અને આવા પ.પૂ.ધ.ધુ.ના સ્થાનકમાં દાખલ થતા પહેલા ઉંબરા ઉપર હાથ દઈ અને પછી હવામાં લટકતો કાલ્પનિક ઘંટ પણ વગાડી લઈએ છીએ!
આમ જુઓ તો ‘સાહેબ’ બનવું એ દિલ બહેલાવવા માટેનો ખયાલ માત્ર છે, બાકી બધાનો સાહેબ એક જ છે – ઈશ્વર!
મસ્કા ફન
બોસની આગળ અને ખાલી રીક્ષાની પાછળ કદી ચાલવું નહિ.