Sunday, July 26, 2015

હમ બોલેગા તો બોલોગે કે બોલતા હૈ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૬-૦૭-૨૦૧૫ | અધીર અમદાવાદી |

બાળક નાનું હોય ત્યારે કાલુઘેલું બોલતાં શીખે છે ત્યાંથી લઈને ઝીંદગીના અંત સમયે લકવા કે ચોકઠાંને કારણે માણસ બોલતાં થોથવાય ત્યાં સુધી એ બોલ-બોલ કરે છે. જન્મ થાય ત્યારે બધા બાળકો એક જ ભાષામાં અને સ્ટાઈલથી રડે છે પણ પછી એનામાં જે સંસ્કાર રેડવામાં આવે તે આગળ જતાં શ્લોક કે ગાળ થઈ બહાર આવે છે.

બાળક બોલતાં શીખે ત્યારે કાલુઘેલું બોલે એ સમજી શકાય, પણ એની મમ્મી, દાદા અને અન્ય પરિવારજનો તીતી અને કાગો બોલે ત્યારે ભલભલાનું મગજ હટે. ભલે કોઈ એમ કહેતું હોય કે બાળક સાથે બાળક બની જવું જોઈએ. એમાં બાળકને મઝા આવતી હશે કે કેમ એ રામ જાણે, પણ તમે મહેમાન તરીકે કોઈનાં ઘેર ગયા હોવ ત્યારે તમારી સામે દાદા ઘેલીયતનું પ્રદર્શન કરે ત્યારે તમારી પાસે ફેક સ્માઈલ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી.

કાયમ ઊંચા અવાજે વાત કરનાર વ્યક્તિ જયારે ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો હોય ત્યારે એનો ટોન નીચો થઈ જાય છે. મમ્મીને જમવાની ક્વોલીટી વિષે જોરશોરથી લેકચર આપનાર પાંચ મિનીટ પછી ગર્લફ્રેન્ડની કુકિંગની અણઆવડતની વાત સાંભળીને ખોટું ખોટું હસે છે. કિટી પાર્ટીમાં થર્ડ પાર્ટી વિશે થતી વાતો ધીમા અવાજે થાય છે. ખાનગી વાત ને કાનાફૂસી ધીમાં અવાજે જ થાય છે. લાઈબ્રેરી અને ચાલુ કલાસે થતી વાત સિસકારામાં થાય છે. પણ જે વાત ખુંખારીને ન કહી શકાય તે વાતની વિશ્વસનીયતા ઓછી હોય છે. બીજું કોઈ ન સાંભળી જાય એ માટે ધીમાં અવાજે કાનમાં કરવામાં આવતી વાત વોટ્સેપ પર ફરતાં જૂનાં ભંગાર જોકની જેમ ઘેરઘેર ફરતી થઈ જાય છે.

ઘર પાસે સવારે આવતો શાકભાજીવાળો રાડો પાડીને શાક વેચે છે. ભલે ઓછું ભણેલો હોય, એને ખબર છે કે બોલે એનાં ભીંડા, ટામેટા, કોબી, કારેલા, કંકોડા, બટાકા વગેરે વેચાય છે. એની બુમો ફ્લેટમાં ત્રીજા ચોથા માળ સુધી પહોંચે છે. અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં “અસલી બચુભાઈ રેડીમેડવાળા”ની અનેક દુકાનો છે. ત્યાંના અસલી બચુભાઈનો અવાજ ઘરાકને આવકારવા અને આઈટમ કઢાવવા સુચના આપી આપીને ઘોઘરો થઈ ગયો હતો. અસલી બચુભાઈ એ રીતે ઓળખાતાં હતાં. એમનો અવાજ સરખો થઈ જાત તો કદાચ ઘરાકી પર અવળી અસર પડત!

જોકે રાડો કે ઘાંટા પાડવા શાકવાળા માટે જરૂરી હશે પણ બીજે એનો ઉપયોગ કરવાથી સમસ્યાનું સમાધાન થવાને બદલે વધે છે. અંગ્રેજીમાં કહ્યું છે કે "૧૦% ક્ન્ફ્લીકટસ આર ડ્યુ ટુ ડીફરન્સ ઇન ઓપિનિયન, ૯૦% આર ડ્યુ ટુ રોંગ ટોન ઓફ વોઈસ”. તો કોઈએ કહ્યું છે “ડોન્ટ રેઈઝ યોર વોઈસ ઈમ્પ્રુવ ક્વોલીટી ઓફ આર્ગ્યુમેન્ટ”. ટૂંકમાં સામેનાં વ્યક્તિની શ્રવણક્ષમતામાં કચાશ હોય તો જ ઊંચા અવાજે વાત કરવી. પણ શેઠની શિખામણ ઝાંપા સુધી. જો તમારે ભોગેજોગે બ્રોડબેન્ડ, મોબાઈલ નેટવર્ક, કે ક્રેડીટ કાર્ડ બીલ કે સર્વિસ અંગે ફરિયાદ કરવા કોલસેન્ટરમાં ફોન જોડાવાનું થાય તો અંગ્રેજી, ગુજરાતી અને દુનિયાની બીજી ગમે તે ભાષામાં મેળવેલ જ્ઞાન કામમાં આવતું નથી. આપોઆપ માતૃભાષામાં રાડો પડી જ જાય છે! આ અમારો જાત અનુભવ છે.

પોલીટીશયન અને રેડિયો જોકી બેઉ બોલવા માટે સર્જાયા છે. આરજેને એકનાએક ગીતો અને બિલ્ડર્સની જાહેરાતો વચ્ચે મળતી ચંદ મીનીટોમાં શહેર, રાજ્ય, દેશ અને દુનિયાની પંચાત ઠોકવાની હોય છે. અહીં પ્રેઝન્સ ઓફ માઈન્ડ ખુબ જરૂરી છે. એટલે આલિયા ભટ્ટ રેડીયોમાં ન ચાલે. એ મહિનો શો કરે તો છ મહિના એ અંગે ખુલાસા કરતાં વિડીયો બહાર પાડવામાં જાય!

રાજા ભોજ ઘણીવાર દરબારમાં અડધાં શ્લોક બોલતાં અને બીજું કોઈ ન કરી શકે ત્યારે કાલિદાસ એ શ્લોકની પાદપૂર્તિ કરતાં. ઘણાં બોલવામાં રાજા ભોજ જેવા હોય છે. અડધું વાક્ય બોલીને છોડી દે. આપણને એમ હોય કે હમણાં આ પૂરું કરશે, એટલે આપણે રાહ જોઇને બેઠા હોઈએ. પણ બાકીનું અડધાં માટે આપણે કાલિદાસ બનવાનું હોય. વાક્ય અધૂરું છોડનાર આત્મવિશ્વાસનાં અભાવે પણ એવું કરતો હોય છે. જોકે અતિશય આત્મવિશ્વાસ પણ ખરાબ.

એક જમાનામાં અતિશય શરમાળ અને અંગ્રેજી ઓછું જાણનાર નવજોત સિંહ સિદ્ધુ હવે પોતાની આત્મવિશ્વાસથી છલકાતી કોમેન્ટરીથી પ્રખ્યાત અને કુખ્યાત છે. સિદ્ધુની ટીકા અમને પસંદ નથી કારણ કે જયારે મેચમાં આપણી ધોલાઈ થતી હોય અથવા તો મેચમાં ભલીવાર ન હોય ત્યારે સિદ્ધુને સાંભળવાથી ટીવી સામે ટકી શકાય છે. સિદ્ધુની વાક્પટુતાના એક-બે ઉદાહરણ જોઈએ: “વિકેટ્સ આર લાઈક વાઇવ્સ, યુ નેવર નો વિચ વે ધે વિલ ટર્ન”, “ધેટ બોલ વેન્ટ સો હાઈ ઈટ કુડ હેવ ગોટ એન એરહોસ્ટેસ ડાઉન વિથ ઇટ.” જોકે રેડિયો કરતાં ટીવી કોમેન્ટેટર્સનું કામ થોડું સરળ હોય છે. દર્શકો જે જોવાનું હોય એ જોઈ લેતાં હોય છે, અને મોટાભાગનાંને ‘બેટ્સમેને શું કરવું જોઈતું હતું’ તે કોઈ ભૂતપૂર્વ બોલર-ટર્ન્ડ કોમેન્ટેટર પાસે સાંભળવામાં રસ નથી હોતો. છતાં પેલો ફરજના ભાગ રૂપે બોલ્યે રાખે છે, એ પણ એકનાંએક ટોનમાં.

સિદ્ધુની જેમ જ ઘણાં બુલેટ ટ્રેનની ગતિથી બોલતાં હોય છે. આવા લોકો પ્રોફેસર તરીકે ન ચાલે. એક કલાકનું લેકચર અડધો કલાકમાં પૂરું કરી નાખે અને છ મહિનાનો કોર્સ ત્રણ મહિનામાં. આમાં પાછું ઝડપથી બોલતાં વ્યક્તિઓ એવું નથી કે પોતાનો ક્વોટા પૂરો કરીને ચૂપ થઈ જાય. એમને કુદરતની બક્ષીસ હોય કે કેમ, પણ જેમ ચેઈનસ્મોકર એક સિગારેટમાંથી બીજી સિગારેટ સળગાવે, તેમ એક ટોપિક પૂરો થાય એટલે એ ટોપિકમાંથી જ કોઈ મુદ્દો ઉઠાવી બીજી વાત શરુ કરી દે છે. આમાં આપણો રોલ ટીવી સામે રીમોટ વગર બેઠેલા દર્શક જેવો હોય, ન એમને મ્યુટ કરી શકો, ન ચેનલ ચેન્જ કરી શકો.

આથી વિરુદ્ધ કેટલાક ધીમી ગતિના સમાચાર આપતાં હોય એમ બોલતાં હોય છે. અહીં વાજપાઈજીનો દાખલો એટલે ન અપાય કે વાજપાઈજીનું વક્તવ્ય એમનાં વચ્ચે વચ્ચે આવતાં લાંબા પૉઝ છતાં સાંભળવા લાયક રહેતું. બાકી ધીમી ગતિમાં જ્યારે પુનરોક્તિ ભળે ત્યારે તમે એમનાં પ્રવચનમાંથી ઊભા થઈને આંટો મારીને પાછા આવી જાવ તો પણ કંઈ ગુમાવ્યું ન હોય. દાર્જીલીંગની પહાડોમાં ચાલતી ટ્રેઈનમાંથી તમે નીચે ઉતરી, એકીપાણી કરી, જેમ આરામથી પાછા ચડી શકો છો એમ જ.

જોકે બોલવાની બાબતમાં અમને સૌથી વધુ ગમતી પ્રજાતિ સ્ત્રીઓની છે. અનેક સર્વે મુજબ પુરુષ કરતાં વધારે બોલતી હોવાં છતાં આ સન્નારીઓનો ફેવરીટ ડાયલોગ હોય છે ‘હું ક્યાં કંઈ બોલી જ છું?’ મહાભારત પત્યા પછી કોઈએ કદાચ કોઈ દ્રૌપદીનો ઇન્ટરવ્યુ લીધો હોત તો જરૂર અમારી આ વાતને પુષ્ટિ મળત !  

No comments:

Post a Comment