Sunday, June 23, 2013

માણસ ગંધાય માણસ ખાઉં

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૩-૦૬-૨૦૧૩ | અધીર અમદાવાદી |


ચોમાસામાં સરકારી સહાયની જેમ વરસાદ એકાદ ઝાપટું નાખી જતો રહે એટલે પાછળ મુસીબતો શરું થાય. શરૂઆત ગંદકીથી થાય. શહેરના રસ્તા ઉપર ખાડા પડે. કપડાં પર કાદવ કીચડ ઉડે અને ડ્રાય ક્લીન કરાવવા પડે. રાત્રે ઘરમાં પાંખોવાળા જીવડાં ઘૂસી આવે. પણ ખરી મુસીબત તો આ એક ઝાપટા પછી વરસાદ ચાલ્યો જાય એટલે શરુ થાય. ઠંડક ઓસરતી જાય અને બફારો પ્રસરતો જાય. સૂરજની અવરજવર ચાલુ હોય એટલે પરસેવો થાય.

નાના હતાં ત્યારે રાક્ષસની વાર્તા વાંચવાની મઝા આવતી હતી. મઝા એટલે આવતી કે વાર્તામાં છેલ્લે રાક્ષસ મરી જતો. મોટા થયા પછી હવે રાક્ષસોના સમાચાર વાંચીએ છીએ. એમનાં કાળા કૃત્યો અને કૌભાંડો વિષે વાંચીએ છીએ. પણ વાસ્તવિકતામાં રાક્ષસ વાર્તાની જેમ પોપટની ડોક મરડવા જેટલી આસાનીથી મરતા નથી. જોકે આ તો આડવાત થઈ. મૂળ વાત એ છે કે રાક્ષસની વાર્તામાં રાક્ષસ ‘માણસ ગંધાય માણસ ખાઉં’ આ ડાયલોગ છૂટથી મારતા. આ ડાયલોગમાં પરસેવાથી ગંધાતા માણસોથી ત્રાસેલો રાક્ષસ એમને ખાઈ જવાની વાત કરતો હશે એવું અમને નાના હતાં ત્યારે લાગતું હતું. એટલે જ અમે બરોબર સાબુ ચોળીને ન્હાતા પણ હતાં!

પણ આ ત્રાસજનક પરસેવાના કેટલાંક લોકો માર્કેટિંગ કરી ગયા છે. કોઈકે ખરું નથી જ કહ્યું કે ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય’. અમને નથી લાગતું આજકાલની સિધ્ધિઓ લારીઓ ખેંચી કે સાયકલ ચલાવી પરસેવો પાડતાં હોય એમને જઈને પરણતી હોય! આજકાલ સિદ્ધિ-છોકરી હોય કે સિદ્ધિ-અચીવમેન્ટ એને પરસેવા સાથે નહાવા નિચોવાનો સંબંધ નથી રહ્યો. હવે તો સેટિંગ કરો અને કરોડો કમાવ. ફિક્સિંગ કરો અને કરોડો કમાવ. કોઈના ગેરકાયદેસર ધંધાને કાયદેસર કરી આપો, કરોડો કમાવ. નેતા બનો, કરોડો કમાવ. સરકારી નોકરી કરો કરોડો કમાવ. આમાં પરસેવો પાડવાની જરૂર જ નથી. બધું સેવન સ્ટાર હોટલમાં ગોઠવાય. કાર એસી હોય. એસી ઘર, એસી જીમ, એસી ઓફિસ, એસી બાથરૂમ, એસી પૂજારૂમ, અરે સરકારી સેવાકેન્દ્રો પણ એસી હોય છે ત્યાં સિદ્ધિ પરસેવા ભીનાં કંથને શોધે ક્યાંથી ?

કેટલાક નવરા વૈજ્ઞાનિકોએ હવે પરસેવો બહાર ફેંકી દેતાં વસ્ત્રોનું નિર્માણ કર્યું છે. એમનો દાવો છે કે આ વસ્ત્રો ચામડીની જેમ પરસેવો બહાર ફેંકી દેશે. એટલે હવે ફૂટબોલ કે ક્રિકેટની મેચ પછી ટી-શર્ટ નીચોવતા ખેલાડીઓ નહીં જોવા મળે. હાસ્તો, આવા વસ્ત્રો મજૂરી કરનારને પોસાય એવું જણાતું નથી. ક્રિકેટર્સ, ફૂટબોલ પ્લેયર્સ અને એથલેટ્સને પોસાય કદાચ. આ શોધનાર વૈજ્ઞાનિકો મેડ ઇન ચાઈના હોઈ તેઓ પોતે બીજાનાં પરસેવાની ગંધથી ત્રાસી અને આ શોધ કરવાં પ્રેરાયા હશે તેવી ધારણા અમે કરી છે.

આ પરસેવાની વાસનો ઉપાય છે ડીઓડરન્ટ. ઘરમાંથી બહાર નીકળીએ ત્યારે ચંપલ-બુટ પહેરીએ એટલું સહજ અમેરિકામાં યુવાનોમાં ડીઓ છાંટવાનું છે. પણ આપણે ત્યાં પચાસ રૂપિયાના ડીઓનો ખર્ચો પાડવાને બદલે યુથ પાન-મસાલા ખાય છે. એટલે પરસેવાની ગંધ ઉપરાંત તમાકુની ગંધ આવે. આવો એક માવા-બાજ સ્ટૂલ પર ચઢીને લાઈટનો બલ્બ બદલતો હતો ત્યાં એકાએક  નીચે પટકાયો અને બેભાન થઇ ગયો. લોકો ભેગા થઇ ગયા. કોઈ એ પાણી છાંટ્યું, કોઈએ ડુંગળી સુંઘાડી, કોઈ એ હવા નાખી. છેવટે એ ભાનમાં આવ્યો એટલે લોકો એ પૂછ્યું કે "શું થયું હતું?" તો પેલો કહે "કંઈ નથી થયું.... બાંય પર મોઢું લૂછતાં બગલ સુંઘાઈ ગઈ!" અમને લાગે છે તોફાનીઓને વિખેરવા ટીયર ગેસ છોડવાને બદલે પોલીસ ખાતામાં આવી પાંચ-દસ ખતનાક બગલો ભરતી કરી હોય તો આખું ગામ ખાલી કરાવવું હોય તો પણ વાંધો ન આવે!

જાહેરાત કંપનીઓ તો ડીઓ છાંટવાથી છોકરીઓ ભાવ આપે કે પાછળ પડે એવા થીમની જાહેરાતો કરે છે. એમાં ભારતીય સ્ત્રીઓની જે ઉચ્ચ છબી હતી એ તો ખરાબ થાય જ છે ને બિચારા છોકરાં, પચાસ સો રૂપિયાનું ડબલ ફૂસ ફૂસ લગાડીને ફરે અને તોયે સાંજ સુધી માત્ર લેણદારો, ભિખારીઓ અને શેરીના કૂતરા જ પાછળ પડે ત્યારે હતાશ થઈ જાય છે. આમેય મરેલા ઉંદર પર અત્તર છાંટો તો કેવી ગંધ આવે? આવી ગંધ નહાયા વગર, ધોયા વગરના કપડાં પહેરી ડીઓ છાંટનારમાંથી આવે છે.

પરસેવાથી બચવા જેને એસી નથી પોસાતું એવા મધ્યમ વર્ગમાં અને એમાંય ખાસ કરીને પુરુષ વર્ગમાં ગંજી પહેરવાનો રીવાજ છે. ગંજીમાં કુલ ચાર મોટા કાણા પહેલેથી આપલા હોય છે. એક ગળા, બે હાથ માટે અને એક કાણું નીચેની તરફ હવા ઉજાસ માટે. પછી કપડાં સૂકવતા અને ગંજીના અતિશય ઉપયોગથી એમાં વધારાના કાણા પડે છે. જે ઠંડકમાં વધારો કરે. પાછું ગંજી હોય કોટન જ. કદી નાયલોન, જીન્સ કે પેરેશુટ મટીરીયલના ગંજી ન આવે. કોટન ગંજીની ખૂબી એ કે એ પરસેવો શોષી લે. પછી પરસેવાગ્રસ્ત માનવ ઠંડી હવા ખાવા લલચાય છે. એ બાલ્કની કે પેસેજમાં આંટા મારી પરસેવો સૂકવે એટલે ગંજી ડ્રાય પરસેવામય બને. આ માનવ ઘરમાં પાછો ફરે કે ઉપર શર્ટ ચઢાવી અડોસ પડોસમાં જાય તો ખુશ્બુ ગંજી કિ ફેલાવતો ફરે છે. જોકે બફારામાં જ્યાં સૌ કોઈ ગંધાતું હોય, અને એમાં જે મુંબઈની લોકલ ટ્રેનમાં ફરેલું હોય તેને આવી ખુશ્બુ ખાસ વિચલિત કરી શકતી નથી.

આમ તો બીકથી પણ પરસેવો છૂટે. પરીક્ષા આપતાં ઘણાને પરસેવો છૂટે. સીબીઆઈ કે પોલીસ તપાસ આવે એટલે પરસેવો છૂટે. છોકરાને છોકરીને પ્રપોઝ કરતાં હથેળીમાં પરસેવો વળી જાય છે. જમવાનું તીખું બન્યું હોય તો પપ્પા નેપકીન વડે ટાલ લૂછતાં લૂછતાં જમતા એ તો અમને પાકું યાદ છે. જોકે ગુજરાતીઓ કંઈ પરસેવાને ગાંઠે એવા નથી. ગુજરાતીઓનું ચાલે તો એ પરસેવામાંથી મીઠું પકવે !

Sunday, June 16, 2013

લાફિંગ ક્લબનું મેનું

 | મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૬-૦૬-૨૦૧૩ | અધીર અમદાવાદી |

એક અભ્યાસ અનુસાર ચાર વરસનું બાળક દિવસમાં ૩૦૦ વખત હસે છે. પણ જેમ જેમ માણસ ઉમરલાયક થતો જાય છે એમ એમ આ હસવું ઘટીને દિવસમાં ૨૦ વખત કરતાં પણ ઓછું થઈ જાય છે. ધ્યાનથી જોશો તો આપણી આજુબાજુ દિવેલીયા ડાચાંવાળા જ દેખાશે. એટલે લાફ્ટર યોગાની જરૂર પડે છે. સવાર સવારમાં લોકો બગીચામાં હસવા માટે જાય છે. ત્યાં જઈ તાલબધ્ધ રીતે હાહાહાહા (ચાર વખત હા) એવા ત્રણ રીપીટેશન કરી પાછાં દિવેલીયા અવતારમાં પાછા ફરે છે. પણ જો આ લાફ્ટર ક્લબ્સના સંચાલક સવારના છાપાની થોડી હેડલાઈન્સ પણ જો આ પ્રોગ્રામમાં વાંચે તો એ લોકો કુદરતી રીતે હસી શકે. જેમ કે;

લીડર : સરકારના આભાર સાથે આપણે આપણી ક્લબની આજની દૈનિક પ્રવૃત્તિ ચાલુ કરીએ ...
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા

લીડર : સરકાર લોકોને મફતના ભાવે ઘર આપશે  
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા  
લીડર : ડીઝલનો ભાવવધારો પાછો ખેંચાશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા  
લીડર : સૌ કોલેજ જતાં વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવામાં આવશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા  
લીડર : અમદાવાદનાં રસ્તા પર રખડતી ગાયો જોવા નહિ મળે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા  
લીડર : કરપ્ટ નેતાઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા  
લીડર : પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા  
લીડર : પેટ્રોલ ત્રીસ રૂપિયે લીટર મળશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા  
લીડર : ગુજરાતને ગેસ મોંઘો મળે છે  
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા  
લીડર : ગુજરાતને ગેસ સસ્તો મળે છે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા  
લીડર : આજે દિગ્વિજય કશું નથી બોલ્યા
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા  
લીડર : મમતા દીદી છેલ્લા છ મહિનાથી રીસાયા નથી
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા   
લીડર : રાહુલ બાબા આજે પોતાને ઘેર જમશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા  
લીડર : અમદાવાદ હવે સિંગાપોર બની જશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા 
લીડર : દેશમાંથી ભ્રષ્ટ્રાચાર જડમૂળથી નાબુદ થશે
લીડર : સ્વીસ બેન્કમાંથી બ્લેક મની પાછાં લાવવામાં આવશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા 
લીડર : કોલગેટ કૌભાંડ નથી
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા 
લીડર : સલમાન ખાન લગન કરશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા 
લીડર : રાહુલ ગાંધી દેશના પ્રધાન મંત્રી બનશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા 
લીડર : ક્રિકેટ ઇઝ જેન્ટલમેન્સ ગેમ
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા 
લીડર : ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણ હેઠળ
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા 
લીડર : ડોલર સામે રૂપિયાનો ભાવ ૩૦ રૂપિયા થશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા 
લીડર : સરકારનો પારદર્શક વહીવટ
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા 
લીડર : હવે પત્નીઓ મહિનામાં એક દિવસ ચૂપ રહેશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા 
લીડર : ભારે વરસાદ છતાં ક્યાંય પાણી ન ભરાયા
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા
લીડર : ગરીબી દૂર થશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા
લીડર : દાઉદને પકડીને ભારત લાવવામાં આવશે
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા
લીડર : ચીને ભારતમાં ઘૂસણખોરી નથી કરી
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા
લીડર : મનમોહન સિંહ બોલ્યા કે ....
સૌ : હાહાહાહા હાહાહાહા હાહાહાહા હાહાહાહા હાહાહાહા હાહાહાહા
 

Tuesday, June 11, 2013

લક્ઝરી કોને કહેવાય ?



 | મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦-૦૬-૨૦૧૩ | અધીર અમદાવાદી |



દ્રશ્ય-૧ : એણે એની પહેલી આંગળી બાયોમેટ્રિક સ્કેનર પર મૂકી અને લીફ્ટનો દરવાજો ખુલી ગયો. એણે કાર લીફ્ટમાં લીધી. લીફ્ટ બાવીસમાં માળે આવેલા એનાં એપાર્ટમેન્ટ પહોંચી ઊભી રહી ગઈ. દરવાજો ખુલ્યો એટલે કાર એણે એનાં પર્સનલ પાર્કિંગમાં મૂકી. ફરી એનાં ફ્લેટના દરવાજા પર સેકન્ડ લેવલ સિક્યોરીટી માટે ફિંગર સ્કેન કરી. ક્લિક અવાજ સાથે એપાર્ટમેન્ટનો દરવાજો ખુલ્યો. અંદર એસી પહેલેથી જ ચાલુ થઈ ગયું હતું. એને ગમતી વાઈલ્ડ લૈલેકની મંદ ખુશ્બુ એ બાથરૂમમાં ગઈ ત્યાં સુધી આવતી હતી. સેન્ટ્રલ એરકન્ડીશન્ડ ફલેટનો આ ફાયદો. એનાં પ્રવેશથી લાઈટ થોડીક બ્રાઈટ થઈ. નળ નીચે હાથ ધરી એણે ફીણનુમા પાણીને ફીલ કર્યું. કપડાં ઉતારી એ શાવર લેવા લાગી. આખો દિવસનો કોર્પોરેટી થાક ઉતારવા શાવર પેનલમાં ૩૯ ડીગ્રી પર સેટ કરેલા વોર્મ પાણીનાં બે ઈંચ જાડા ધાધુડાથી એણે પીઠ પર મસાજ કર્યો. પાણી ગરમ ઠંડાની ઓલ્ટરનેટ શાવર સાઈકલ હવે એને રીલેક્સ કરી ચૂકી હતી. શરીર લૂછી એન્ટીસ્કીડ ફલોરીંગ પર એ પગ જમાવતી બહાર ચેન્જ એરિયામાં આવી વોર્ડરોબ ખોલ્યું. મિરરમાં એને એક ફ્રેશ છોકરી દેખાઈ. એણે એક ફ્લોરલ વનપીસ સિલેક્ટ કર્યો. ફ્રેશ થઈ એ લાઉન્જમાં આવી.
આગળ વર્ણન કર્યું એ દ્રશ્યની વાસ્તવિકતા કંઇક આવી હતી.

દ્રશ્ય-૨ : એપાર્ટમેન્ટનાં ગેટમાં પ્રવેશી તો સામે છોકરાઓ ક્રિકેટ રમતાં હતાં. એમને બચાવતી એ પાર્કિંગ શોધવા લાગી. કાર પાર્કિંગમાં આડાંઅવળાં પાર્ક થયેલા ટુ-વ્હીલરો વચ્ચે કાર ઘુસાડી અડધાં જ ખુલતા ડોરમાંથી આડી થઈને એ બહાર નીકળી. સામાન ભેગો કરી એ લીફ્ટ સુધી પહોંચી. ત્યાં ઉપરના કોઈ માળે લીફ્ટનું ટુક ટુક સંભળાતું હતું. કોક બેવકૂફ લીફ્ટની જાળી ખુલ્લી રાખી મહેમાન સાથે નિરાંતે ગપ્પા મારતું હશે. પાંચ મીનીટે લીફ્ટ આવી. જાળી ગુસ્સામાં પછાડીને બંધ કરી એણે ચોથા માળનું બટન દબાવ્યું. ભુઉંવ્વ્વ્વ એવા અવાજ સાથે શરું થઈ લીફ્ટ એક ઈંચ ઉપર ચઢી ઊભી રહી ગઈ. એણે પાછુ ગ્રાઉન્ડનું બટન દબાવ્યું. જાળી ફરી ફિક્સ કરી એટલે લીફ્ટ ઉપડી. ઉપર જઈ એણે પીળાં કલરનું તાળું ખોલ્યું. ભેજથી પોપડા ખરેલી દીવાલની તીવ્ર વાસ એનાં નસકોરામાં ઘૂસી ગઈ. એ વોશબેસીન તરફ ગઈ. અપેક્ષિત રીતે પાણી નહોતું આવતું. એણે બાલ્કનીમાં જઈ વોચમેનને બુમ મારી પાણી ખલાસ થઈ ગયું છે એની જાણ કરી. પાણી આવે ત્યાં સુધી થાક ઉતારવા પથારીમાં પડી સામે દીવાલ પર દોડાદોડ કરતી ગરોળીને તાકી રહી. 
-
જાહેરાત અને હકીકતમાં દ્રશ્ય ૧ અને ૨ જેટલો ફેર. આ જોતાં વિચાર આવે કે ખરેખર ‘લક્ઝરી’ કોને કહેવાય? અમુક અપવાદને બાદ કરતાં લક્ઝરી શબ્દનો એડ એજન્સીઓ, સૌરાષ્ટ્ર સાઈડના ટ્રાવેલ ઓપરેટરો અને બિલ્ડરોએ કચરો કરી નાખ્યો છે.

આજકાલ રેડિયો પર એક જાહેરાત આવે છે, ‘વન બેડરૂમ સ્પેસિયસ અને લક્ઝુરીયસ એપાર્ટમેન્ટસ’. આમાં કેટલી સ્પેસ હશે? શું બેડરૂમમાં બેડ મૂક્યા પછી કબ્બડી રમાય એટલી જગા બચતી હશે? અને લક્ઝુરીયસ શું હશે? દ્રશ્ય-૧માં જણાવ્યું એવું કંઇક? નહિ? તો પછી આ બિલ્ડરિયાઓ લક્ઝરી કોને કહે છે? ચકચકતી ટાઈલ્સને? પ્લેટફોર્મ પર ગ્રેનાઈટને? કે પછી બાલ્કનીમાં લાઈટને? સળિયા રિસાયકલ કરેલા વાપરે. કપચી ‘સેમી’ વાપરે. રેતી વધારે નાખે. બારીઓ એલ્યુમિનિયમની (૫૦% જ ખુલે). દરવાજા ભૂસું ભરેલાં ફૂલીને ફાળકો થાય એવા. અને અમદાવાદમાં તો પ્રોપર્ટી હજુ સુપર બિલ્ટ-અપ એરિયાને (સીડી, પાર્કિંગ, ક્લબ હાઉસ બધું ફ્લેટના એરિયામાં ગણાય એવું) આધારે વેચાય છે. અમુક ટકા ગેરકાયદેસર બાંધકામ ફ્રીમાં અને બિલ્ડીંગ યુઝ પરમિશન મળે તો તમે નસીબદાર. આવી લક્ઝુરીયસ પ્રોપર્ટી ખરીદો અને ચોમાસામાં દીવાલોમાંથી ભેજ ફૂટે તો કવિની જેમ એ દીવાલને ટેરવા અડાડી ભીનાં થવાનો આનંદ લેવા સિવાય તમે કશું ન કરી શકો!  


સૌરાષ્ટ્ર સાઈડ પર જવા માટે ટ્રેઈનનો ઉપયોગ ઓછો થાય છે. મોટે ભાગે કહેવાતી ‘લક્ઝરી’ બસો ચાલે છે. આમાં એસી અને નોન-એસી બધી લક્ઝરી જ કહેવાય. સીટો પાછળ નમે એ લક્ઝરી! પણ આમ સીટ પાછળ નમાવો એટલે પાછળ બેઠેલ વ્યક્તિની લક્ઝરી છીનવાઈ જાય એ અલગ વાત છે. એસી હોય તો ઘણીવાર એટલું તેજ હોય કે પડદાથી એ રોકવું પડે. નોન-એસીમાં તો કોક પાછલી સીટ પર બીડી સળગાવે સળગાવે ને સળગાવે જ! એમાં લકઝરીમાં લક્ઝરી એટલે થ્રી-સ્ટાર હોટલનાં ભાવની ઓર્ડીનરી ચા મળે એવી સેટિંગ હોટલ પર આ લક્ઝરી કાફલો વિરામ લે. હા, ચલાવે એટલી સ્પીડથી કે આપણે જાણે રોલર-કોસ્ટરમાં બેઠાં હોઈએ એવું ચોક્કસ ફીલ થાય!

સાબુમાં પણ લકઝરી સાબુની જાહેરાત આવે છે. એમાં સાબુ કંઈ જાતે શરીર પર ઘસાતો નથી, આપણે હાથમાં લઈને જ ઘસવો પડે છે. સાબુમાં હજુ કેટલા દિવસ ચાલશે એવું કોઈ ઈન્ડીકેટર પણ નથી આવતું. નથી એમાં સ્લીપ પ્રોટેક્શન હોતું. સ્લીપ પ્રોટેક્શન બોલે તો સાબુ હાથમાંથી સરકી ન જાય તેવી પ્રોપર્ટી. મોઢા પર સાબુ ચોળ્યા પછી સાબુ ક્યાં મૂક્યો છે એ શોધવા માટે સુગમતા પડે એવી રીમોટ સાબુ સર્ચ સગવડ પણ નથી આવતી. એક જ સાબુ બધી જાતના પાણી માટે બન્યા હોય છે. લીલવાળું, બોરનું, મ્યુનીસીપાલીટીનું, કૂવાનું આ બધા પાણીમાં એક જ સાબુથી ન્હાવાનું. કદી સાંભળ્યું કે લીલવાળા કે કેમિકલયુક્ત પાણીમાં નહાવા માટેનો સ્પેશિયલ સાબુ હોય? તો પછી લક્ઝરી સાબુની સફ્ફાઈઓ શેની ઠોકતી હશે કંપનીઓ?

જે મેંગો પીપલને મળતું નથી એ તમને મળે તો એ લક્ઝરી કહેવાય. મેંગો પીપલ બસમાં ફરે. તમે કારમાં ફરો તે લક્ઝરી, જોકે અમુક તમુક બ્રાન્ડની કાર હોય તો જ. એમ તો પ્રેમ, લગ્ન અને બાળકો પણ લક્ઝરી જ છે ને આજકાલ?