Sunday, September 29, 2013

કાગડાઓના પ્રતિક ઉપવાસ

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૯-૦૯-૨૦૧૩ | અધીર અમદાવાદી |

(વાયા એ.એન.એન.) 
ગઈકાલે સમસ્ત ગુજરાતી કાગડા સમાજે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી જઈ સમાજની એકતાનું પ્રદર્શન કર્યું હતું. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કાગડાઓએ એક થઈ આ ઉપવાસમાં ભાગ લીધો હતો. શ્રાદ્ધપક્ષમાં આ ઉપવાસને કારણે અમુક પિતૃઓ ભોજનથી વંચિત રહી ગયા હતા. જોકે આવું પિતૃઓની સૂચના મુજબ જ થયું હોવાનો ખુલાસો કાગ સમાજે કર્યો હતો. ઉપવાસ દરમિયાન ઠૂંઠા ઝાડ પર બેસી કાગડાઓની જમાત જોરશોરથી કા કા કરતી જોવા મળી હતી. અમુક કાગડાઓ પોતાની ચાંચ સાફ કરતા પણ જોવા મળ્યા હતા. અમુક યુથ કાગડાઓએ આવેશમાં આવી જઈ ડીશ એન્ટેના ઉપર ચાંચો અથડાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. અમુકે રસોડાની બાલ્કનીમાં અડ્ડો જમાવી દીધો હતો, પણ જ્યારે એમને જેવું સુક્કી પૂરી અને શાક નાખવામાં આવ્યું ત્યારે નાખેલ વાસની ગુણવત્તા ચકાસી ખાધા વગર ઉડી ગયા હતા.અત્રે જાણવા જેવું છે કે હજુ પણ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં ભાદરવા મહિનામાં શ્રાદ્ધપક્ષ ઉજવાય છે. સરાધીયા તરીકે જાણીતા આ પર્વમાં દિવંગત પિતૃઓને ભાવતા ભોજન અર્પણ કરવાનો મહિમા છે. આ ભોજન વાયા કાગડા થઈ પિતૃઓ સુધી પહોંચે છે એવી માન્યતા છે. જોકે દિવસે દિવસે શ્રાદ્ધની શ્રદ્ધામાં કમી આવતી જણાય છે. અમુક ઘરોમાં શ્રાદ્ધના ભોજનના નામે માત્ર દૂધ ગરમ કરી એમાં ભાત નાખી પિતૃઓને આપવામાં આવે છે. સામાન્ય રીતે સવારના ભોજનમાં શ્રાદ્ધનું ખાવાનું બનતું હોવાથી સમયના અભાવે ઘણી વાર આવું થતું હોય છે. જો ઘરમાં કોઈ ગળ્યું ખાવાનું શોખીન હોય તો જ આવામાં પિતૃઓ સારું જમવા પામે છે. પાછલી અવસ્થામાં બાંકડે બેસી ચવાણું ફાક્યું હોય એવા પિતૃઓ આ ભોજનથી વધું નારાજ થાય એ સ્વાભાવિક છે.

કાગડા સમાજના પ્રમુખ કાક ભટ્ટે આ અંગે જણાવતા કહ્યું હતું કે: અમારું મૃતકો સાથે ડાયરેક્ટ ડાયલિંગ છે. શું ખાધું? ભોજન કેવું હતું? ખાવાથી અમને પેટમાં તકલીફ થઈ કે કેમ? જેવી અનેક બાબતોનો રિપોર્ટ શ્રાદ્ધ પૂરા થતાં અમારે ઉપર મોકલવાનો હોય છે. સ્વર્ગસ્થ પિતૃઓ તો બારેમાસ જલસા જ કરતા હોય છે, એટલે એ લોકો તો ખાલી નોંધ જ લે છે, પણ નર્કસ્થ પિતૃઓને અહીં અમને જે ભોજન અપાય તેવું અને તેટલું જ ભોજન આ દિવસોમાં નર્કમાં આપવામાં આવે છે. અહીં અપકર્મ કરીને નર્કમાં સજા કાપતા પિતૃઓ આમ એક પૂરી પર બાસુંદી કે દૂધપાકનાં ચાર ટીપાં સાથે એકાદું ભજિયું અને કોરા ભાત જોઈ નારાજ થઈ જાય છે. આમેય છેલ્લા કેટલાય વખતથી પિતૃઓ નર્કસ્થ થવાના કિસ્સાઓ પણ વધ્યા છે. એટલે નર્કમાં વિરોધનો જુવાળ વધી રહ્યો છે, અને અમને ઉપરથી સૂચના આપવામાં આવી છે કે હવે આ પ્રકારનું કાચું કોરું ભોજન સ્વીકારવું નહી.

‘તો કેવું ભોજન કાગવાસમાં પીરસાવવું જોઈએ?’ એ મુજબના પ્રશ્ર્નનો જવાબ આપતા સમાજના યુવાન પ્રવક્તા કાગ ભૂષણે જણાવ્યું કે: ૧૯૮૨માં એશિયાડ ગેમ્સ વખતે દેશમાં ટીવીનું આગમન અને તે પછી ટીવી પર રવિવારે ફિલ્મ, રામાયણ મહાભારત જેવી સિરિયલોને કારણે બહારનું ખાવાનું ચલણ લોકોમાં વધ્યું હતું. આમ લોકો પિઝા, બર્ગર, દાબેલી, વડાપાઉં, અને જાત જાતનાં ડેઝર્ટ ખાતા થઈ ગયા છે. આમ છતાં કાગવાસમાં એ જ જૂનવાણી દૂધપાકના નામે પાણીદાર દૂધ રેડવામાં આવે છે. એટલે વડીલોએ શ્રાદ્ધમાં ફાસ્ટફૂડ આઇટમ્સની માંગણી કરી છે. સૌરાષ્ટ્રના દાદાઓએ ગાંઠિયાની અને સુરતી લાલાકાકાઓએ તો છાંટોપાણી સાથે લોચાની માંગણી કરી છે. બહારનું ખાવાના ચટાકા ધરાવતા અમુક મુરબ્બીઓએ કાગવાસમાં ઘરનું ખાવાને બદલે પિઝા હટ કે ગોરધન થાળના ગિફ્ટ વાઉચર મળવા જોઈએ એવી લાગણી પણ વ્યક્ત કરી હતી. તો અમુકે તો કાગવાસ નાખ્યા પછી, બનારસી ૧૨૦ના પાન પણ મુકાવા જોઈએ તેવી રજૂઆત કરી છે.

માગણીઓ અહીં અટકતી નથી, વધુ ઉમેરતા કાગ ભૂષણે જણાવ્યું હતું. સરકારી કર્મચારી યુનિયન જેવા એક આગેવાન કાકાએ સમસ્ત પિતૃઓ વતી એક આવેદન પત્ર તૈયાર કર્યું છે જે મુજબ શ્રાદ્ધપક્ષ હવે વરસમાં બે વખત ઉજવવાનો રહેશે. શ્રાદ્ધપક્ષનું મેન્યુ ઠરાવની તારીખ પછી એટલે કે નવા મરનાર મરતાં પહેલાં નક્કી કરી શકશે. જોકે આકસ્મિક કે મેન્યુ નક્કી કર્યાં વગર અવસાન પામનાર માટે પાછળથી આઇટમ્સ નક્કી કરવાનો મોકો આપવો એવું પણ ઠરાવવાની દરખાસ્ત છે. એકંદરે માર્કેટમાં કમર્શિયલ ધોરણે જમવા મળતી થાળીમાં હોય એટલી આઇટમ્સ કાગવાસમાં નાખવાની રહેશે. પણ આ આઇટમ્સ અમેરિકાની જેમ વીકેન્ડ પર આખા વીક માટે બનાવી ફ્રોઝન કરેલી કે વાસી નહીં ચલાવી લેવામાં આવે. આ ઉપરાંત ભોજન ગુણવત્તા નિયંત્રણ કમિટી રચવામાં આવે જેવા સ્વર્ગમાં ટ્રેનિંગ પામેલા કાગડાઓને સ્થાન આપવામાં આવે. પિતૃઓને ડાયાબિટીસ હોય તો પણ મર્યાં પછી એમને મોળું ખવડાવવાની વૃત્તિની પણ પિતૃ સમાજે આકરી ટીકા કરી વખોડી નાખે છે.

માગણીઓમાં આ વખતે સ્ત્રીઓ પણ પાછળ રહી નહોતી. નર્કસ્થ સ્ત્રી સમાજનાં પ્રમુખ વનલતાબહેને સ્ત્રીહિતમાં શ્રાદ્ધમાં ફેરફારો કરવાની વાત કરી હતી. "અમારા ધ્યાનમાં આવ્યું છે કે એક જ તિથિ પર જયારે પુરુષ અને સ્ત્રીનું શ્રાદ્ધ આવે તેવા સંજોગોમાં પુરુષોને ગમતાં ભોજન મૂકવાની ભેદભાવવાળી નીતિ હજુ ૨૧મી સદીમાં પ્રવર્તે છે, જે ઘણી દુ:ખદ બાબત છે. તો આવા એક જ દિવસમાં બે શ્રાદ્ધ હોય તેવા સંજોગોમાં સ્ત્રીઓને પસંદ આઇટમ્સ જેવી કે મરચાનાં ભજીયાં, પાણીપૂરી, અને પિઝા જ કરવામાં આવે. આ ઉપરાંત ઉપર સૂચવવામાં આવેલી કમિટીઓમાં સ્ત્રીઓ માટે ઓછામાં ઓછાં ૩૩% અનામત રાખવામાં આવે".

આ બધા વચ્ચે વિચારવા જેવું એ છે કે અહીં પૃથ્વી પર તીખું, તળેલું, ગળ્યું ખાઈ ડાયાબિટીસ, કોલેસ્ટરોલને કારણે હેરાન થઈ ઉપર પહોંચેલા આપણા વડીલો અને પિતૃઓએ નર્કમાં પણ પોતાનો ટેસ્ટ અને આદતો જાળવી રાખ્યા છે. અહીં ભલે એક જ ઘરમાં રહી જુદી જુદી પાર્ટીઓને મત આપતાં હોય, પણ ડોહા-ડોહીઓ શ્રાદ્ધપક્ષના હક બાબતે એકમત થઈ ગયાં છે. કાગડાઓની પ્રતિક હડતાળથી હચમચી ગયેલા લોકો ખરેખર પિતૃભોજનમાં ફેરફારો લાવશે કે કેમ, તે તો આવનાર સમય જ બતાવશે.

Thursday, September 26, 2013

આ વર્ષે સુરતમાં ફ્લાયઓવર પર ગરબા રમાશે

 આ વર્ષે સુરતમાં ફ્લાયઓવર પર ગરબા રમાશે
અધીર અમદાવાદી | September 26, 2013, 12:49 PM IST
અમદાવાદ :

સપ્ટેમ્બર પુરો થવા આવ્યો અને જ્યાં નવરાત્રી આડે હવે માંડ દસ દા’ડા પણ બાકી નથી રહ્યા ત્યારે વરસાદ ચાલુ રહેતા નવરાત્રીનો ઉત્સાહ હવાઈ જશે એવું કોઈ માનતું હોય તો એ ખોટું છે. જો નવરાત્રી દરમિયાન પણ આવો વરસાદ ચાલુ રહે તો આયોજકો અને ખેલૌયાઓ શું કરશે, એની ચિંતા અસ્થાને છે.

નવરાત્રીમાં વરસાદ પડે તો શું?  એ પ્રશ્ન ઉપર આયોજકોએ એડવાન્સડ પ્લાનીંગ કરી લીધું છે. સૌથી પહેલા તો ગુજરાતના બધાં જ ઇન-ડોર સ્ટેડીયમ, હોલ બુક થઇ ગયાં છે. હવે બાકી રહેલા આઉટ ડોર ગરબા સ્થળોએ વોટર પ્રૂફ મંડપો અને ડોમ ઉભા કરવામાં આવશે. આ બંને સંજોગોમાં એકવાર ગરબા સ્થળે પહોંચ્યા પછી પબ્લિક કોઈ પણ તકલીફ વગર ગરબા ખેલી શકશે. હાઈવે ઉપર આવેલા ગરબા હોલ પર વરસાદમાં ગરબા રમવા આવવા માટે પૂર્વ નિર્ધારિત સ્થળોએથી મીની-બસોમાં ગરબા સ્થળે લઇ જવા અને પાછા મુકવાની કોમ્પ્લીમેન્ટરી સર્વિસ પણ આપવાનું અમુક આયોજકો વિચારી રહ્યા છે.

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવામાં વિના વિઘ્ને ગરબા કરી શકાય એ માટે ફ્લાયોવરો બુક કરાવાશે એવું એક અગ્રણી ગરબા આયોજક જણાવે છે.

વરસાદી નવરાત્રીના આયોજનમાં સુરતના આયોજકો પણ પાછળ નહીં રહે. સુરતમાં પુરની સ્થિતિમાં ફ્લાયઓવર પર સુરતીઓ કાર છોડી આવે છે. આથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવામાં વિના વિઘ્ને ગરબા કરી શકાય એ માટે ફ્લાયોવરો બુક કરાવાશે એવું એક અગ્રણી ગરબા આયોજક જણાવે છે. ફ્લાયઓવર સુધી પહોંચવા માટે હોડીઓ ભાડે કરવા માટે પ્રાઈવેટ પાર્ટીઓ અને ફાયર બ્રિગેડ સાથે વાટાઘાટો ચાલુ છે એવું પણ જાણવા મળે છે.


 
Image courtesy : Desh Gujarat

આ સિવાયના ખુલ્લા સ્થળોએ ગાયકો અને ઢોલીઓ માટેના સ્ટેજ કવર કરવામાં આવશે, જેથી તેઓ ખલેલ વગર ગાઈ-વગાડી શકે. જોકે ખેલૈયાઓએ વરસાદમાં ગરબા કરવા પડશે. આમ છતાં ખેલૈયાઓ વરસાદમાં બમણા ઉત્સાહથી ગરબા કરશે તેવું જણાય છે. અમુક ઉંમરલાયક ભાઈઓએ તો ડાયરેક્ટ રેઇનકોટમાં જ ગરબામાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે. બાકીના અમુકે સ્મીવિંગ કોશ્યુમ પહેરીને ગરબા કરવાનો નિર્ધાર જાહેર કર્યો છે. જોકે જ્યાં ટ્રેડિશનલ ડ્રેસ ફરજીયાત છે તેવી જગ્યાએ ખેલૈયાઓ રેઇનકોટ ઝભ્ભા અથવા તો નાયલોનના કપડા પહેરી ગરબા કરશે. ‘વરસાદમાં આ  ડ્રેસ અરુચિકર ન લાગે તે માટે કમર પર દુપટ્ટા બાંધવામાં આવશે’ એવું કનોડિયા ડાંસ કલાસીસના સંચાલક નરેશભાઈએ જણાવ્યું છે.

અમુક ઉંમરલાયક ભાઈઓએ તો ડાયરેક્ટ રેઇનકોટમાં જ ગરબામાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે.

માર્કેટમાં મહિલાઓ માટે ખાસ કરીને આભલા અને કચ્છી ભરત ગૂંથણવાળા પ્લાસ્ટિકના ચણીયાચોળી પણ મળવા લાગ્યા છે. અમદાવાદ લો ગાર્ડન ખાતે આવેલા ચણિયાચોળી બજારમાં આવા પ્લાસ્ટિકિયા ચણીયાચોળી ખરીદવા છત્રી લઈને લોકો ધસી ગયેલા જણાય છે. ખાસ ચાઈના ઓર્ડર આપી બનાવેલા રેઈન-ચોળી અને રેઈન-ચણિયા ઉપર બહેનોએ રાતોરાત ભરતકામના બુટ્ટા, આભલા વગેરે ફેવીક્વિકથી ચોંટાડી તૈયાર કરેલા જોવાં મળે છે. રેઈન-ચણિયા-ચોળી આમ દેખાવમાં અન્ય ચણીયાચોળીથી ખાસ અલગ દેખાતા નથી. અહીં ખરીદી કરતાં સેટેલાઇટના શેફાલીબહેને જણાવ્યું કે ‘રેઈન ચણિયા-ચોળીનો કન્સેપ્ટ  ખરેખર કુલ છે’. જોકે આ ચણિયા-ચોળી પહેર્યા પછી અંદરથી કેટલાં ‘કુલ’ લાગે છે, એ તો સમય જ બતાવશે!

આત્મશ્ર્લાઘા

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૨-૦૯-૨૦૧૩ | અધીર અમદાવાદી |
પોતાના વખાણ કરવા એ કળા છે. એવું મનાય છે કે અમારા નાગરોમાં ભગવાને ભારોભાર કળાઓ ભરી છે, એમાં એક આ પોતાના વખાણ કરવાની કળા પણ આવી ગઈ. પોતાના વખાણ એ જ વ્યક્તિ કરી શકે જે પોતાની જાતને અનહદ પ્રેમ કરતી હોય. આને સંસ્કૃતમાં ‘સ્વાનુરાગ’ અને ઇંગ્લિશમાં ‘નાર્સીસીઝ્મ’ કહેવાય છે. નાગરોના જીન્સ પર સંશોધન થાય તો કદાચ સ્વાનુરાગને લગતી ડી.એન.એ. ચેઈન મળી પણ આવે. આ કારણથી જ આત્મ-પ્રશંસાની બાબતમાં અમે સ્વાવલંબી છીએ. કોઈના ભરોસે રહેવું અમને પરવડતું નથી. અમારી જ વાત કરું તો અમે બે માસ્ટર્સ સિવિલ એન્જિનિયરિંગમાં અને એક મેનેજમેન્ટમાં કર્યું છે, અને પી.એચડી. પતવામાં છે, પણ એ બાબતનું અમને જરાય અભિમાન નથી. બાકી ભણવાનું છોડી મુંબઈ નાસી જવાનું હાસ્યલેખકોમાં સામાન્ય છે અને એ આત્મકથાઓમાં લખાઈ ચૂક્યું છે!

ઘણા લોકો પોતાની જાતને માનવાચક શબ્દોથી નવાજતા હોય છે. જેમ કે આ લખનાર. અમે એકલા હોવા છતાં લેખમાં અમારો ઉલ્લેખ ‘અમે અમે’ તરીકે જ કરીએ છીએ. ફોન ઉપર ‘રમણ ભ’ઈ બોલું છું’ કે ‘બચુ ભાઈ આવે તો કહેજો’ કે ‘બાબભ’ઈ આવ્યા હતા’ એવું પણ લોકો બોલતા હોય છે. સ્વ. રાસબિહારી દેસાઈ પણ પોતાને રાસભાઈ કહેતા હતા. ઘણાં વર્ષો પહેલાં એક કાર્યક્રમમાં રાસભાઈ સમયસર પહોંચી ગયા. પહોંચીને એ તો એન્ટ્રન્સ પાસે બિલ્લા લગાડેલા આયોજકો ઊભા હતા ત્યાં જઈ ઊભા રહી ગયા. હાજર આયોજકોમાંથી કોઈએ કદાચ એમને ઓળખ્યા નહીં, ગમે તેમ પણ તેઓ અંદર અંદર વાત કરતા હતા કે ‘રાસબિહારીભાઈ હજું આવ્યા નહીં’. એ સાંભળી રાસભાઇએ જાહેર કર્યું કે ‘રાસભાઈ આવી ગયા છે’. એટલે ત્યાં ઊભા હતા એમણે પૂછ્યું કે ‘ક્યાં છે રાસભાઈ?’, ત્યારે એમણે ચોખવટ કરી કે ‘હું જ રાસભાઈ છું’. આમાં વાત વખાણની નહીં, પણ પોતાને માન આપવાની છે. રાસભાઈ નાગર હતા.

બક્ષી અટક જનરલી નાગરોમાં હોય. પણ ગુજરાતી સાહિત્યમાં ચંદ્રકાંત બક્ષી નામના જે લેખક થઈ ગયા તે વાણિયા હતા. એમનો આઈ કેપિટલ હતો, બીજા બધાના આઈની ફોન્ટ સાઈઝ જો બાર હોય તો બક્ષીના આઈની સાઈઝ છત્રીસની હતી એવું કહી શકાય. કોઈએ એવું પણ નોંધ્યું છે કે બક્ષી પોતાને ભગવાન બક્ષી નથી કહેતા એટલું સારું છે. વિનોદ ભટ્ટ લખે છે કે બક્ષી સાથે હોય ત્યારે બોલવાનું ઓછું અને સાંભળવાનું વધારે હોય. શાહરૂખ ખાને તો બચ્ચન દાદાના ફેન્સને ખુશ કરવા કહ્યું હતું કે ‘જહાં મેરી હાઈટ ખતમ હોતી હૈ, વહાં સે આપકી હાઈટ શુરૂ હોતી હે’, પણ બક્ષી પોતે એવું માનતા કે બીજા બધા સાહિત્યકારોને એક ઉપર એક ગોઠવ્યા હોય એ જેટલે પહોંચે ત્યાંથી એમની ઊંચાઈ શરૂ થાય છે. આવું બક્ષીએ કીધું નથી, પણ બક્ષી વિષે આવું કશું ભળતું-સળતું લખી દીધું હોય તો બક્ષીને ઓળખનારા સાચું માની લે તેવી સો ટકા શક્યતા છે.

બીજાનાં વખાણ કરવા એ કોઈ મોટી વાત નથી. કોઈ પોતાની નમ્રતા દેખાડવા પણ બીજાનાં વખાણ કરે. કોઈ અહો રૂપમ અહો ધ્વનિના ધોરણે કરે. તો કોઈ રૂપિયા લઈને, જેમ મોટા સ્ટારની ફિલ્મોના વખાણ થાય છે એમ વખાણ કરે. કોઈ વખાણ કરવા માટે આખું સોશિયલ નેટવર્કિંગ સેલ ઊભું કરે. હમણાં જ દિલ્હીના સત્તાધારી પક્ષના અમુક નેતાઓ, કે જેમને સારા કામ કરી ફોલોઅર ઊભા કરવાનો સ્કોપ છે, તેઓના ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ફોલો કરનાર ઇટલી અને ચીલીમાં સૌથી વધુ હતા એવા સમાચાર બહાર આવ્યા હતા.

આ બધું કરવા રૂપિયા ઢીલા કરવા પડે છે. પણ પોતાની જાતને હવા ભરવામાં રૂપિયો પણ ખર્ચવો પડતો નથી. પોતાના વખાણ કરવામાં કેટલી બધી સરળતા છે! પોતે જાતે એ એક એવી વ્યકિત છે જેને તમે જન્મથી ઓળખો છો. જોકે આગળના વિધાન બાબતે અમુક વિદ્વાનો વિવાદ કરી શકે છે. એમ કહીને કે જાતને ઓળખવામાં તો આખી જિંદગી જતી રહે છે. પણ આ તો સામાન્ય માણસની વાત છે, એમાં વિદ્વાનોને વચ્ચે લાવવાની જરૂર નથી. સામાન્ય માણસ પોતાની જાતને તો ઓળખતો જ હોય છે. એને જ ખબર હોય છે કે આ ભાઈને આઈસક્રીમ ઓફર કરો તો ના નથી પાડી શકતા’ અથવા તો આ ભાઇ તો જુગારી છે’.

પાવર ઓફ માઈન્ડ અને પોઝિટિવ થિન્કિંગની ફિલોસોફીમાં પણ પોતાને સુંદર, સ્વસ્થ, સબળ, સક્ષમ, સર્વશક્તિમાન કલ્પવાનું કહ્યું છે. એમ કહે છે કે તમે જ તમારી નજરમાં મહાન નહીં હોવ તો દુનિયા થોડી તમને મહાન ગણવાની છે? તો સવાલ એ થાય કે પોતાને પોતાની નજરમાં મહાન દેખાડવા શું કરવું જોઈએ? સૌથી પહેલાં પોતાની આવડતનું લિસ્ટ બનાવો. જેમ કે હું સારો એકાઉન્ટન્ટ છું’, કે મારું જી.કે. બહુ સારું’. આવું કંઈ ન જડે તો ડરવાનું નહીં. આપણી ઘણી છૂપી ખાસિયતો હોય છે જે વિષે આપણે ખણખોદ કરી શકાય. જેમ કે તમે સારા ઘૂસણખોર હોઈ શકો છો. આવું હોય તો તમે તમારી જાતને સ્ટ્રેટેજીસ્ટ તરીકે પ્રોજેક્ટ કરો. અને તમને ગોસિપ કરવાની કુ-ટેવ હોય તો કમ્યુનિકેશન ડિસેમિનેશન એક્સપર્ટ છું એવું કહી શકો.

જ્ઞાતિના ફંક્શનોમાં સફળ ઉદ્યોગપતિ કે કરોડપતિને અતિથિવિશેષ તરીકે બોલાવ્યા હોય છે. એમનો બાયોડેટા એડવાન્સમાં મગાવ્યો હોય, એમાંથી ટૂંકું કરી આ વિશિષ્ઠ પ્રતિભાનો પરિચય કરાવવામાં આવે. પણ જો આપણે પોતાનો પરિચય કરાવવો હોય, એટલે કે પોતાના વખાણ કરવા હોય, તો પોતાનો બાયોડેટા મગાવવો પડતો નથી. એમાં તો જે ન કર્યું હોય એ પણ આપણને યાદ હોય. સાઉથની કોઈ યન્ના યુનિવર્સિટીમાંથી ડિગ્રી ખરીદી હોય તે પણ યાદ હોય, ભલે જાહેરમાં કહીએ નહીં. કવિ સંમેલનોમાં જાવ તો પણ આ જ હાલ હોય. સંચાલક કવિના કવિત્વ વિષે ખૂબ હવા ભરે પણ આપણને કાર્યક્રમના અંતે ખબર પડે કે આ કવિની કવિતા કરતાં સંચાલકનું માર્કેટિંગ મહાન હતું. પણ વખાણ કરવાની સ્પેશિયલ ટ્રેનિંગ ન લીધી હોય એવા સંચાલકના હવાલે ચડવા કરતાં પોતાની જાતે વખાણ કરવા બહેતર રહે.

પોતાના વખાણ કરે એનાં માટે ‘આત્મશ્ર્લાઘા’ એવો નેગેટિવ શબ્દ ગુજરાતીમાં પ્રયોજાય છે. પણ આત્મશ્ર્લાઘા કરનારને ઘણીખરી આ ખબર હોતી નથી. બીજા કોઈ એને જાણ કરે કે ઉતારી પાડે ત્યારે ભાન પડે કે આઈ-ટોક વધારે પડતી થઈ ગઈ. ગુજરાતીમાં એક કહેવત પ્રચલિત છે કે આઈ હંમેશા કેપિટલ હોય’. કદાચ એટલે જ ગુજરાતીઓમાં ગેરસમજ ન થાય એ હેતુથી એપલની પ્રોડક્ટ્સમાં સ્મોલ આઈનો ઉપયોગ કરવામાં આવે છે. અધીર અમદાવાદી અંગ્રેજીમાં લખો તો એમાં બે આઈ આવે. પણ સ્મોલ હોં!

Wednesday, September 25, 2013

રૂપિયાને ગબડતો અટકાવવા સરકારના નક્કર પગલા



રૂપિયાને વધુ ગબડતો અટકાવવા સરકારના નક્કર પગલા. 
હવે સરકાર રૂપિયાના સિક્કા પર ગુંદર લગાડી ફેરવશે.
રૂપિયાને ગબડતો અટકાવવાના એક પગલા રૂપે રૂપિયાના સિક્કા હવે ગુંદર લગાડીને ફરતાં કરવામાં આવશે એથી જ્યાં ત્યાંથી છટકીને ગબડે નહી. જોકે આ ગુંદર ટપાલ ટીકીટ અને પોસ્ટ ખાતાના કવરોમાં વપરાય છે એવો સરકારી કવોલીટીનો હોય તો કોઈ અર્થ સરે નહી. આથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તે હેતુથી ભ્રષ્ટ ન હોય એવા, ફરજનિષ્ઠ, ગણ્યા-ગાંઠ્યા, આઈએએસ-આઈપીએસ ઓફિસરો, કે જે સરકારને અન્ય રીતે નડતરરૂપ હતાં એમને ગુંદરની ગુણવત્તા નિયમનનું કામ સોંપવામાં આવશે. નાણામંત્રાલયના સ્ત્રોતો દ્વારા જાણવા મળ્યું છે કે આ ઉપરાંત તકેદારીના પગલારૂપે ડોલર, પાઉન્ડ અને યુરોની નોટો ઉપર ટેલ્કમ પાઉડર છાંટવામાં આવશે જેથી રૂપિયા સામે એ આસાનીથી સરકે.

આ ઉપરાંત રૂપિયાના નવા બનનાર સિક્કાઓ ચોરસ બનાવવાનું પણ નક્કી થયું છે જેથી કરીને હાથમાંથી છટકેલ રૂપિયો ગબડે નહી. અગાઉ પાંચ પૈસાનો સિક્કો  ચોરસ જ આવતો હતો જે હાથમાંથી છટકીને નીચે પડે તો ગબડતો નહોતો. આમ તો રૂપિયાના સિક્કામાં હવે પાણીનું પાઉચ પણ નથી આવતું અને નજીકના ભવિષ્યમાં એ પાવલીની જેમ કદાચ ચલણમાંથી નીકળી પણ જાય, એમ છતાં સરકાર પોતાની ફરજ અદા કરવામાં ક્યાંય પાછું વળીને જોશે નહી તેવું નાણામંત્રી ચિલ્લરગણમે જણાવ્યું હતું. અત્રે જણાવવું જરૂરી છે કે એસએમએસ પર વહેતા થયેલા રૂપિયાને બચાવવાના ઉપાયો જેવા કે ‘રૂપિયાને રાખડી બાંધવી’ પણ સરકાર અજમાવી રહી છે, તેવું અંદરના સુત્રો જણાવે છે.
Cartoon Courtesy : Surendra (The Hindu dtd. June 21, 2013)

આ વચ્ચે ઘાટલોડિયા સિનીયર સિટીઝન્સ ક્લબે ૬૫નો થતાં રૂપિયાનું સિનીયર સીટીઝન ક્લબમાં ભાવવાહી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભીખાભાઈ મુનસીટાપલી ગાર્ડન ખાતે યોજાયેલ સમારંભમાં બોલતાં ક્લબના પ્રેસિડેન્ટ શ્રી અનિલભાઈ દંતાણીએ જણાવ્યું કે: ‘રૂપિયો સિનીયર સિટીઝન્સ ક્લબમાં આવતાં એ ઘણા ઉત્સાહિત છે. સામાન્યરીતે માણસ સિનીયર સિટીઝન બને એટલે એ સન્માન ગુમાવી દે છે એવી આપણા સમાજની માનસિકતા છે. પણ અમારી ક્લબ સિનીયર સિટીઝન્સ પણ ગરિમાપૂર્ણ જીવન જીવી શકે એવા પ્રયત્નો કરે છે, અને એવા બધાં જ પ્રયત્નો રૂપિયાની આબરુ માટે પણ કરવામાં આવશે’.

આ ઉપરાંત નાણા મંત્રાલયે ફાઈનાન્સિયલ એક્સપર્ટ શ્રી અધીર અમદાવાદીની અધ્યક્ષતામાં એક સમિતિ રચી હતી જેમણે નીચે મુજબના નક્કર પગલાઓ ઘડી કાઢ્યા છે. રાજ્ય સરકારે પણ આ અંગે મને-કમને સહયોગ જાહેર કર્યો છે.

૧. લોકોના ખિસ્સા અને પાકીટ સરકારી સીવણ સંસ્થામાં મફત સાંધી આપવામાં આવશે જેથી રૂપિયો પડી ન જાય.
૨. લેવડ દેવડ વખતે રૂપિયો હાથમાંથી છટકે નહી તે માટે સરકારનું શ્રમ મંત્રાલય ખાસ તાલીમ કાર્યક્રમો ઘડી કાઢશે.
૩. જમીન પર બેઠેલ ભિખારીના પાત્રમાં ફેંકેલો રૂપિયો વધું ગબડે નહી એ માટે ભિખારીઓને બેસવા માટે ખાસ ખુરશી આપવામાં આવશે.
૪. રૂપિયાને પડતો ઝીલી લેવા માટે યુવાનોને તૈયાર કરવા પાર્થિવ પટેલ ગુજરાતમાં કેચિંગ એકેડેમી ખોલશે જે માટે કેન્દ્ર અલગ ભંડોળ ફાળવશે. નેશનલ લેવલે ધોની ધૂરા સંભાળશે.
૫. રૂપિયાને ગબડતો અટકાવવા ઢાળવાળા રસ્તાઓ ઉપર પોલીસ સઘન પેટ્રોલિંગ કરશે અને ફાયરબ્રિગેડ પણ તહેનાત કરાશે. મુનિસીટાપલી પણ ઠેરઠેર બમ્પ ઊભા કરશે. આ અંગે JnNURM યોજના અંતર્ગત ફંડ પણ પૂરું પાડવામાં આવશે.
૬. નિર્મલ બાબાને કન્સલ્ટ કરી રૂપિયા પર ક્રિપા આવે તે માટે અધિકારીઓને ખાનગી રાહે સૂચના. 
૭. શેર-બજારમાં તેજી-મંદી લાવનાર કેટલાક ગુજરાતી સટોડિયાઓને રૂપિયો ઉગારવા જોતરવામાં આવશે. અમદાવાદ અને મુંબઈથી છ સટોડિયા દિલ્હી ભણી રવાના.
૮. ‘મેં આજભી ફેંકે હુએ પેસે નહી ઉઠાતા’ ને રૂપિયા સંબંધિત બેસ્ટ ડાયલોગનો અને ‘હોલ થીંગ ઇઝ ધેટ કે ભૈયા સબસે બડા રૂપૈયા’ ને નાણા-મંત્રાલય તરફથી બેસ્ટ સોંગનો એવોર્ડ એનાયત કરવામાં આવશે.
૯. ટેક્સટાઈલ મિનિસ્ટ્રી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે એક્સપોર્ટ ક્વોલીટીના ગંજી બનાવવાનો પ્લાન્ટ નાખશે. આ ગંજીનું નામ ‘રૂપિયો’ રાખવામાં આવશે અને એક ગંજીની એક્સપોર્ટ કિંમત એક ડોલર રાખવામાં આવશે. આમ એક ડોલર બરાબર એક ‘રૂપિયો’ શક્ય બનશે.
૧૦.  બ્રેકવાળા એન્ટી સ્કીડ રૂપિયા શોધવા સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ સંશોધન કરાવશે. 
by adhir amdavadi 

Tuesday, September 17, 2013

અલા, આવું તે હોતું હશે ?

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૫-૦૯-૨૦૧૩| અધીર અમદાવાદી |

બી.એ. પાસ મીનીસ્ટર વીરપ્પા મોઈલીએ પેટ્રોલનો વપરાશ ઘટાડવા રાત્રે આઠ પછી પેટ્રોલ પંપ બંધ રાખવાનું સૂચન કર્યું અને પાછું પણ ખેંચી લીધું. થોડા સમય પહેલા ફાઇનાન્સ મીનીસ્ટરે સોનું ન ખરીદવા અને પહેરવાની હિમાયત કરી હતી. વિદેશી વસ્તુઓ ન ખરીદવાની બુમો તો આઝાદી પહેલેથી પડે છે. આમાં બધો ભાર પ્રજા નામની કુંવારી કન્યાની કેડ પર નાખવામાં આવી રહ્યો છે. જોકે આવા અનુભવોથી આ પ્રજા નામની કુંવારી કન્યાની કેડ જિમ ગયા વગર મજબૂત થઈ રહી છે. અહિં સોનું ન ખરીદવાની સલાહ આપવી સહેલી છે. પણ સવારમાં મંદિર દર્શન કરવા જતાં પણ દસ તોલાના દાગીના ઠઠાડીને જતી માજીઓને સમજાવવી મુશ્કેલ છે. અને આ બપ્પી લહેરી જેવા શોખીન ને કોણ સમજાવે? બપ્પીદા જિમમાં જાય તો ઇન્સ્ટ્રક્ટર એને એમ કહે છે કે ‘તમે સોનાનું વજન રોજ ઊચકો જ છો, માટે તમારે વેઈટ લીફટીંગ કરવાની જરૂર નથી’. અને આપણે ચેઇન સ્નેચર ભાઈઓના જીવન નિર્વાહનું પણ વિચારવું તો રહ્યું જ! 

પણ અમને એ વિચાર આવે છે કે મોઈલી અને ચિદમ્બરમના આવા બ્રિલિયન્ટ આઈડીયાને બીજી સમસ્યાઓના સમાધાન માટે કેમ ન વાપરી શકાય? આપણા હજારો કરોડો રૂપિયાનો વહીવટ કરતાં નેતાઓનું બોલેલું ફોક ન જવું જોઈએ. સિવાય કે એ જાતે બોલીને ફરી જાય! નેતાઓનાં કાર્યકાળમાં કરાતા ખર્ચા અને નિર્ણયોમાં વપરાતો સમય લોકોની જિંદગી કરતાં પણ કિંમતી હોય છે. એટલે જ તો મીનીસ્ટરનો કાફલો જતો હોય ત્યારે એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં અટવાઈ જાય તો ભલે, પણ નેતાને મોડું ન થવું જોઈએ. માટે અમે કહીએ છીએ કે મોઇલી અને ચિદના આઈડીયાને પગલે લોકલ નેતાઓના સહયોગમાં નવી નીતિઓ ઘડાવી જોઈએ.

પેટ્રોલ જેવી જ એક બીજી સમસ્યા છે રૂપિયો ગગડવાની. રૂપિયો ગગડવાથી અત્યારે ઘણા લોકોના હાંજા ગગડી ગયા છે. હવે તો આવામાં સરકાર તરફ કોઈ આશાભરી નજરે પણ જોતું નથી. એટલે સરકારે યેન કેન પ્રકારેણ, જોર જબરજસ્તી કરીને પણ રૂપિયાને સ્થિર કરવો જરૂરી છે. આ માટે સરકારે રૂપિયાના સિક્કાને  ચોરસ આકારમાં બનાવી શકે. પણ એનાથી પ્રજા રૂપિયા ખર્ચતા અટકે એમ નથી. માટે સરકારે ૧૦૦ રૂપિયાથી વધારે ખરીદી કરનારે પાન-કાર્ડની કોપી આપવી ફરજિયાત કરી દેવું જોઈએ. આમ ઝેરોક્સની દુકાનો પર લાઈનો લાગશે અને અમુક લાઈનમાં ઊભા રહેવાના કંટાળાને લીધે પણ રૂપિયા ખર્ચવાનું માંડી વાળશે. આ ઉપરાંત સરકારે ૨૦ રૂપિયાથી મોટી નોટો જ છાપવાનું બંધ કરી દેવું જોઈએ. નાની નોટો અને પરચૂરણ માણસ લઈ પણ કેટલું જઈ શકે? અને જ્યાં જાય ત્યાં માણસ ગણવામાંથી જ ઊચો ન આવે ને? આવું થાય તો ફિલ્મો પણ સો કરોડને બસો કરોડનો ધંધો કરવાનું ભૂલી જાય!


ડુંગળી એ દેશ માટે માથાના દુખાવારૂપ સમસ્યા છે. એકાદ સરકારનું પતન આ ડુંગળીના ભાવના ઉર્ધ્વગમનને કારણે થયું હતું તેવું પણ મનાય છે. ડુંગળીના ભાવ તોફાની છોકરાની જેમ સરકારનો હાથ છોડાવીને ભાગે છે. સરકાર પણ એ ઓરમાન છોકરો હોય એમ એને ભાગવા દે છે. પછી પબ્લિક યાદ કરાવે એટલે લોકલાજે એને સંભાળવા કોશિશ કરે છે. પણ સરકાર ડુંગળીના ભાવ કાબુમાં રાખવા ઘણા નવતર ઉપાયો કરી શકે છે. પંજાબી શાકમાં ડુંગળી ખાસ વપરાય છે. તો સરકારે પંજાબી શાક પર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. અલબત્ત પંજાબ સિવાય. પંજાબીઓ બિચારાં છો ખાતાં. હવે એમ ન કહેતા કે ગુજરાતીઓએ શું ગુનો કર્યો. કેમ ભાઈ? તમે ગુજરાતી છો તો ગુજરાતી શાક ખાવ ને. ટીંડોળા, કારેલા, કંકોડા અને ગલકાં. કે પછી કોબી અને ફૂલાવર. એકેયમાં ડુંગળી ન આવે. હા, આપણે ત્યાં શાકમાં ખાંડ નખાય, એટલે ખાંડના ભાવ જરૂર વધે!

આવી જ બીજી એક સમસ્યા ટ્રાફિકની છે. મોઇલી સાહેબના પેટ્રોલપંપ બંધ રાખવાના સૂચનથી પણ ચડિયાતાં ઉપાયો છે અમારી પાસે. જેમ કે કચરાવાળું પેટ્રોલ સપ્લાય કરવું. કેમ? મુનસીટાપલી તો ઘણી વખત કચરાવાળું, ડહોળું, રોગિષ્ઠ પાણી સપ્લાય કરે છે, અને આપણે પીવું પણ પડે છે. જખ મારીને! તો કચરાવાળું પેટ્રોલ સપ્લાય ન કરાય? પછી બધાં વાહનોને કીકો કે ધક્કા માર્યા કરે. ગેરેજવાળાને ત્યાં લાઈનો લાગે. એકંદરે લોકો કંટાળી જાય. લોકો પેટ્રોલપંપ પર માથાકૂટ કરે તો કહી દેવાનું કે જે છે એ આ છે, લેવું હોય તો લો નહિતર જાવ’. કેમ રેશનિંગની દુકાને જેવું અનાજ મળે તેવું લોકો લે છે જ ને? આમ લોકોનો સમય પેટ્રોલપંપથી લાવેલું પેટ્રોલ શુદ્ધ કરવામાં વીતી જાય એટલે રોડ ઉપર એ જ લોકો ફરે જે માથાકૂટ કરી શકે. 

ભારતમાં વસ્તી કંટ્રોલ કરવા માટે સરકાર અથાગ પ્રયત્નો કરે છે. જાહેરાતો આપે છે. જાહેર સ્થળો પર કૉન્ડોમ વેન્ડિંગ મશીનો મૂકે છે. પણ આ મશીનો પણ ચોરાઈ જાય છે. એકાદ બે નહી. આવા પુરા દસ હજાર મશીનો ચોરાઈ ગયા છે. રામજાણે એ ચોરીના મશીનો ક્યાં વેચાતાં હશે! પાછું મઝાની વાત એ છે કે જાતીય રોગો અને અનિચ્છિત સંતાન માટે ઇન્સ્યોરન્સ સમા કૉન્ડોમના મશીનનો ઇન્સ્યોરન્સ નહોતો લેવામાં આવ્યો. પણ મશીન વસ્તીની સાથે સાથે એઈડ્ઝ જેવા જાતીય રોગોની સમસ્યા સર્જાય છે. તો આ સમસ્યાનું સમાધાન પણ આપણા અભણ મીનીસ્ટરોએ આપવું જોઈએ (ભણેલાં પરધાનો પણ ક્યાં કંઈ ઉકાળે છે?). જેમ કે સેક્સ માટે સરકારી પરમિશન. આ નિયમ પરણિત લોકોને પણ લાગુ પાડવામાં આવે. કેમ ચોંકી ગયા? આવું તે હોતું હશે? આવા સવાલો થાય એ સ્વાભાવિક છે. પણ સરકારી ઘણી યોજનાઓની જાહેરાત વાંચીને અમને આવો જ આંચકો લાગે છે. પછી એ મફત અનાજ હોય કે કેશ ટ્રાન્સ્ફર. અલા, આવું તે હોતું હશે?’

શાકમાર્કેટમાં પાણીપુરીની લારીઓ ઊભી રાખવા ઉપર પ્રતિબંધ




શાકમાર્કેટ વિસ્તારમાં પાણીપુરીની લારીઓ ઊભી રાખવા ઉપર આજ મધરાતથી પ્રતિબંધ 
(વાયા અધીર ન્યુઝ નેટવર્ક)
--
અમદાવાદમાં તાત્કાલિક અસરથી આવે એ રીતે શાકમાર્કેટનાં ૫૦૦ મીટર અંતરમાં પાણીપુરીની લારીઓ ઊભી રાખવા પર પોલીસ કમિશ્નરે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ આજ રાત્રે બાર વાગ્યાથી અમલમાં મુકાશે. આ પ્રતિબંધના મધ્યમવર્ગીય સ્ત્રીઓમાં ઉગ્ર પ્રત્યાઘાત પડે તેમ હોઈ પોલીસ કમિશ્નરે એસઆરપીની વધારાની આઠ કંપનીઓ મંગાવી હોવાનું એક અખબારી યાદીમાં જણાવ્યું છે. આ તરફ રમીલાબેન કે જેઓ ઇસનપુર શાકમાર્કેટની રામલખન ભૈયાની સંતોષ પકોડી સેન્ટરની કાયમી ઘરાક છે તેણે ઉગ્ર વિરોધ કરતાં જણાવ્યું હતું કે ‘આ સ્ત્રીઓના સ્વતંત્રતાના અધિકાર પર તરાપ છે. સું અમારે એક કિલોમીટર ચાલીને પકોડી ખાવા જવાનું? રૂપલબેન કે જે પાંચ વર્ષ પહેલાં લગ્ન કરીને ઇસનપુરમાં આવ્યાં ત્યારથી રોજ શાકમાર્કેટની મુલાકાત લે છે, અને બે લીંબુ, મીઠો લીમડો ખરીદી પાણીપુરી ખાઈ ઘેર પાછાં જાય છે, એ આ સમાચારથી હતપ્રભ થઈ ગયા છે.  


યુનિ સમાજશાસ્ત્ર ફેકલ્ટીના એક અધ્યાપકે કરેલા એક રીસર્ચ મુજબ શાકમાર્કેટમાં આવી પાણીપુરી ખાતી સ્ત્રીઓમાં હ્રદયરોગનું પ્રમાણ પાણીપુરી ખાધા વગર પાછી જતી સ્ત્રીઓની સરખામણીમાં ૩૮.૭૬% ઓછું જોવા મળ્યું હતું. આના કારણો સમજાવતા પ્રોફેસર વનશ્રીબેન પરીખે જણાવ્યું હતું કે ‘સ્ત્રીઓ પાણીપુરી ખાવા જાય ત્યારે એકબીજાને પોતાના દુખની વાત કરી હળવી થઈ જાય છે. એમાં ક્યારેક સાસુ-સાસરિયાની બુરાઈ પણ આવી જાય. આ સંજોગોમાં એમનાં મનની વાત કહેવા મળતાં એમનાં મનનો બોજો હલકો થઈ જાય છે’. 

આ પ્રતિબંધ પાછળનાં કારણો અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, અમુક એવું માને છે કે પોલીસ કમિશનરના ખુદના પત્ની હાઈજેનીક પાણીપુરી પોસાતી હોવા છતાં અમુક ચોક્કસ ભૈયાના પરસેવાવાળા હાથની પાણીપુરી ખાવા રોજ ગુલબાઈ ટેકરાથી ઇસનપુર જાય છે. ડ્રાઈવરે ગાડીની લોગબુકમાં મેમસાબના નામે વીસ કિલોમીટરનાં ચક્કર બતાવ્યા એ જોઈ કમિશ્નર સાહેબને ચક્કર આવી ગયા હતાં. પાણીપુરીના પાણીમાં કશુંક ભેળવતા હોવાની શંકાએ ફોરેન્સિક લેબવાળા સેમ્પલ લઈ ગયા હતાં, પણ એમને કોઈ નશાયુકત તત્વ મળ્યું નહોતું. જોકે અમારા સુત્રોને મળેલી આધારભૂત માહિતી મુજબ પાણીપુરીમાં પોષક તત્વો ન હોઈ, અને તીખી પાણીપુરી ખાધાં પછી ઘેર જમવાનું બરોબર જમાતું ન હોવાથી સ્ત્રીઓમાં પોષણની ઉણપ રહે છે. મધ્યમવર્ગની સ્ત્રીઓ જયારે સરકારી દવાખાનામાં સારવાર માટે જાય ત્યારે તેમના વજનના આંકડા નોંધાય છે. આ આંકડાઓના આધારે કોઈ એનજીઓએ તાજેતરમાં ગુજરાતી સ્ત્રીઓનાં ઓછાં વજન અંગે દેશવ્યાપી ઉહાપોહ મચાવેલો હોઈ સરકાર ચોંકી ઉઠી સફાળા આ પ્રતિબંધ લાગુ કર્યો છે. બાકી ગુજરાતમાં તો એવું કહેવાય છે કે ‘શાકમાર્કેટમાં જઈ જે પાણીપુરી ખાતી નથી, તે સ્ત્રી કોઈ પણ હોય ગુજરાતી નથી’ એવામાં આ પ્રતિબંધ મહિલાઓની સ્વતંત્રતા પર તરાપ છે અને એનાં ઘેરા પ્રત્યાઘાત આવશે એ નક્કી છે.

Sunday, September 08, 2013

એન્ટીક ચડ્ડી

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૮-૦૯-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
ચીનના વૈભવી લાઇફ સ્ટાઇલ માટે જાણીતા ભ્રષ્ટ નેતા બો ઝિલાઈએ કોર્ટમાં પોતાના બચાવમાં કહ્યું કે એ ચડ્ડી પણ ૫૦ વરસ જૂની, એ પણ મમ્મીએ આપેલી પહેરે છે. આ સમાચારે વિશ્વભરમાં જુદા જુદા કારણસર ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાની એક યુનિવર્સિટીને તો આ ચડ્ડીમાં એટલો રસ પડ્યો છે કે ચડ્ડી હાસિલ કરવા અમેરિકા ચીન પર હુમલો કરે તો નવાઈ નહી લાગે. આમેય અમેરિકા કોઈ નવા ડખાની શોધમાં છે જ!

બોની આ એન્ટીક ચડ્ડી કેવી ટકાઉ છે! શું એ સ્ટેનલેસ સ્ટીલની બનેલી હશે? કારણ કે પચાસ વર્ષોમાં ધોવાય, સુકાવાય, ઘસાય તોયે ન ફાટે એવી ચડ્ડી તો અમે જોઈ કે પહેરી નથી. કે પછી એ ચડ્ડી પ્લાસ્ટિકની હશે? પ્લાસ્ટિક નોન-બાયોડીગ્રેડેબલ હોય છે, મતલબ આત્માની જેમ પ્લાસ્ટિકનો નાશ નથી થતો, એ રીસાયકલ થયા કરે છે. જોકે પ્લાસ્ટિક અલ્ટ્રાવાયોલેટ રેઝ સામે ૫૦ વર્ષ ટકી શકે નહી. મતલબ કે એણે ચડ્ડી તડકામાં તો સૂકવી નહીં જ હોય. ઘણા વસ્ત્રોમાં સૂચના લખેલી હોય છે કે તડકામાં ન સૂકવવા. એવું કદાચ આ ચડ્ડીના લેબલમાં લખ્યું હોય, જેને જોની મમ્મીએ સિરિયસલી લઈ લીધું હોય એવું બને.

આ ચડ્ડીની ક્વૉલિટી સંબંધિત ઘણા પ્રશ્નો અમને થાય છે. આમેય અમારાંમાં કુતૂહલ ભારોભાર ભર્યું છે. જેમ કે આ ચડ્ડી કયા કલરની હશે? જો રંગીન હોય તો એનો રંગ આટલાં વર્ષોમાં ગયો હશે કે નહી? જો એનો એટલે કે ચડ્ડીનો રંગ ગયો હોય તો પચાસ વર્ષોમાં આ કંજુસીયા બોએ ચડ્ડીને રંગ કરાવ્યો હશે કે નહી? ચડ્ડી નાડાવાળી હશે કે ઇલાસ્ટીકવાળી? જો ઇલાસ્ટીકવાળી હોય તો આટલાં વર્ષોમાં એનું ઇલાસ્ટીક એનું એ જ હશે કે એ પણ બદલાવ્યું હશે? આ સિવાય શું ચડ્ડીમાં થાગડથીગડ કરવામાં આવ્યાં હશે કે નહી? અને જો થીગડા, રંગ અને ઇલાસ્ટીક/નાડું બદલવામાં આવ્યાં હોય તો પેલાં શીપ ઑફ થીસિસજેવો પ્રશ્ન અહિં પણ થાય કે આને મૂળ ચડ્ડી કહેવાય કે નહી? અમને લાગે છે આ નિર્ણય કોર્ટ પર જ છોડવો જોઈએ.

જોકે આ સમાચાર અમને એટલાં રસપ્રદ લાગ્યા કે અમે અમારી ફેસબુક વોલ પર શેર કર્યાં, તો લોકોને પણ બેહદ આશ્ચર્ય થયું. બધાનો સુર એક જ હતો કે કોઇપણ ચાઈનીઝ વસ્તુ ૫૦ વરસ ચાલે જ કઈ રીતે? સામાન્ય રીતે ચાઈનીઝ માલ માટે એમ કહેવાય છે કે ચલે તો ચાંદ તક નહી તો રાત તક. ચાંદ સુધી તો કોઈએ જઈને જોયું નથી કે એટલે રાતવાળી વાત સાચી માનવાનું મન થાય. આમ જુઓ તો મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ પણ કંઈ ઠેકાણાંવાળી હોય એવું જરૂરી નથી, એટલે જ તો છેક ગાંધીજીના જમાનામાં સ્વદેશીની ચળવળો કરવી પડતી હતી. પણ ચાઈનીઝ માલ યુઝ એન્ડ થ્રો પ્રકારનો હોય છે. એવામાં આ ચડ્ડીએ નવો ચીલો ચાતર્યો હોય એવું લાગે છે. ઘણાને આ ચડ્ડી ચીલો ચાતરેએ શબ્દરચના નહી મગજમાં ઊતરે. પણ એ અમારો પ્રશ્ન નથી.

ચડ્ડી સંબંધિત ચર્ચામાં ભાગ લેનારમાં અમુક એવું માને છે કે કદાચ બોની આ ચડ્ડી ચાઈનીઝ હશે જ નહી. કારણ કે ચીનમાં ચીનની દીવાલ સિવાય કોઈ વસ્તુ ટકાઉ હોય એવું કોઈની જાણમાં નથી. આ સંબંધે અમુક રેશનાલીસ્ટ વિચારસરણી ધરાવનારા એવું માને છે કે બો રોજ ચડ્ડી નહી પહેરતો હોય. મતલબ રોજ આ ચર્ચાસ્પદ ચડ્ડી નહી પહેરતો હોય, ખાલી શુભપ્રસંગે કે વારે-તહેવારે પહેરતો હશે. કદાચ લકી ચડ્ડી હોય એટલે પણ એ ગુડલક માટે પહેરતો હોય અને એટલે જ એ કોર્ટમાં પણ એજ ચડ્ડી પહેરીને આવ્યો હોય. તો પછી ચાલી શકે પચાસ વરસ. બો શોખીન માણસ હતો, એટલે ભલે પચાસ વરસ જૂની હોય, એની ચડ્ડી ઈમ્પોર્ટેડ પણ હોઈ શકે. જોકે ૧૯૬૦માં ખરીદેલી ચડ્ડીની વાત છે એટલે એ વખતે ચાઇના ક્યાંથી ઈમ્પોર્ટ કરતું હશે તે પણ કોકે વિચારવું પડે.

જોકે કારણ ગમે તે હોય, પચાસ વર્ષ ચાલી એ ચડ્ડીની છાનબીન થવી જ જોઈએ. ચીન સરકારે પણ ભ્રષ્ટ્રાચારના આરોપો બાજુ પર મૂકી ચડ્ડી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કારણ કે મનોજ કુમારના કહેવા મુજબ માણસની ત્રણ મૂળભૂત જરૂરિયાત રોટી, કપડાં ઓર મકાનપૈકી કપડાં એક છે. ભારતમાં તો ફૂડ સિક્યોરિટી બિલઅને ભૂતપૂર્વ પ્રધાનમન્ત્રીઓના નામની આવાસ યોજનાઓથી રોટી અને મકાનનો પ્રશ્ન તો આગામી ઇલેક્શન સુધીમાં ઉકેલાઈ ગયો હશે, એટલે રહ્યો પ્રશ્ન કપડાનો, જેના ઉકેલ તરફ જોની પચાસ વર્ષ જૂની ચડ્ડીએ દિશાનિર્દેશ કર્યો છે. જો પચાસ વર્ષ ચાલે એવા કપડાં શોધાય, તો આપણી વસ્ત્ર સમસ્યા પણ દૂર થઈ જાય અને ભારતમાં વગર ભાજપની સરકારે રામરાજ્ય આવી જાય!

ખરેખર તો ચીન સરકારે આ પચાસ વરસ જૂની ચડ્ડીને મ્યુઝિયમમાં મૂકવી જોઈએ. વર્લ્ડ હેરિટેજ સંસ્થાને અગ્નિ અને ચક્રની શોધની જેમ આ ચડ્ડીની શોધને ઉત્ક્રાંતિનું એક સીમાચિહ્ન જાહેર કરવું જોઈએ. ભારત સરકારની ટેક્સ્ટાઇલ મિનિસ્ટ્રી બીજું કશું ન કરી શકે તો પણ એક પ્રતિનીધિમંડળ આ ચડ્ડીની મુલાકાતે મોકલવું જોઈએ. ભારતીય વૈજ્ઞાનિકોને આ ચડ્ડીના અભ્યાસ કરવા માટે ચીન ધકેલવા જોઈએ. એટલું જ નહી, ચીન સાથે આવી ચડ્ડીઓ થકી વસ્ત્રો બનાવવાની ટેક્નોલૉજીના કરાર કરવા જોઈએ. જો ચીન એની ટેવ મુજબ વાંકું ચાલે તો આપણા જાસૂસો મોકલી આ ચડ્ડીના રહસ્યોની ચોરી પણ કરાવતા અચકાવું ન જોઈએ. જોકે અમારા સદા અગ્રેસર જાસૂસ ચડ્ડીના લેબલ સુધી પહોંચી ગયા છે અને ચેક કરતાં એ રજનીકાંત બ્રાંડની હોવાનું જાણવામાં આવ્યું છે. વાત પૂરી.