Monday, September 02, 2013

પોટ-હોલ્સ અચ્છે હૈ !

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૧-૦૯-૨૦૧૩ | અધીર અમદાવાદી |

એવું કહેવાય છે કે દરેક પ્રોબ્લેમમાં એક તક છુપાયેલી હોય છે. એવું જ કંઇક વરસાદમાં ધોવાયેલા શહેરના રસ્તા માટે પણ કહી શકાય. આમ તો એકાદ વરસાદમાં શહેરના રસ્તા પરથી કપચી સાથે મુનસીટાપલીની આબરુ બહાર આવી જતી હોય છે. પણ આસ્તિકો જેમ કહે છે ને કે ભગવાન જે કરે તે સારા માટે, એ સડકો પરના પોટ હોલ્સ માટે પણ અમને સાચું લાગે છે.

એવું મનાય છે કે વરસાદ પડે એટલે રસ્તા ધોવાય. આમાં ધોવાણ સાવ આપણા કપડાં ધોવાય એવું પણ નથી હોતું. કપડાં ધોવાય તો કંઈ પહેલી વખત ધોવા નાખોને એમાં કાણાં નથી પડી જતાં. રોડમાં એવું થાય છે. અને કાયમ એવું થાય છે. કારણ કે કોન્ટ્રાક્ટરોને પણ પેટ હોય છે. એમનાં છોકરાને પણ બંગડીવાળી કારમાં ફરવાના ખ્વાબ હોય છે. એટલેસ્તો પહેલાં વરસાદમાં ઓમ પુરીના ગાલ જેવા થયા પછી બીજા કે ત્રીજા વરસાદે તો અડધો રોડ સરકારની આબરુના કાંકરા બની રોડ પર રખડતો હોય છે. આ રીતે ઉદભવતા ખાડાનું કોઈ ચોક્કસ માપ નીકળતું ન હોઈ એ ખાડા પાંચ કરોડનો ડામર ખાઈ જાય કે પચીસ કરોડનો એ એન્જીનીયરોની હિંમત પર આધાર રાખે છે!

દુઃખ સતાવે તો કોઈ એવું વિચારે કે મનુષ્ય અવતાર જ દુઃખથી ભરેલો છે. પણ ભગવાનનો એટલો તો પાડ માનવો જ રહ્યો કે એણે આપણને માણસ બનાવ્યા, કૂતરાનો અવતાર ન આપ્યો. આમ પોઝીટીવ થીન્કીંગ કરો તો રોડ પર પોટ-હોલ્સ હોવાથી રોડ છે એ વાત સિદ્ધ થાય છે. બીજું કે ભગવાનનો પાડ માનો કે આ પોટ-હોલ્સ જ છે, અમદાવાદની જેમ વીસ પચ્ચીસ ફૂટ ઊંડા કે જેના એકના સમારકામ કરવાના પંચાવન લાખ એસ્ટીમેટ હોય એવા ભૂવા નથી પડ્યા. અથવા યુપી-બિહાર વિષે જે વાયકાઓ સાંભળવા મળે છે એમ રોડ ખાલી પેપર પર તો નથી બન્યા ને? કારણ કે પોટ-હોલ્સ સાચા રોડ ઉપર પડે, રોડના નકશા કે એસ્ટીમેટ ઉપર નહી!

પોટ હોલ્સ એ બ્લેક હોલ્સ કરતાં સારા છે. બ્લેક હોલ અકલ્પ્ય ગુરુત્વાકર્ષણ બળને કારણે અતિ ભારે થઇ ગયેલ પદાર્થરૂપી સંરચના છે, જે પ્રકાશના કિરણો અને અન્ય વિકિરણોને હડપ કરી જાય છે. બ્લેક હોલમાં પ્રકાશની ગતિ શૂન્ય થઇ જાય છે અને સમય થંભી જાય છે. બ્લેક હોલ નરી આંખે કે ટેલિસ્કોપથી જોઈ શકાતા નથી. એ અનુભૂતિનો વિષય છે. જ્યારે પોટ હોલ્સ તો નરી આંખે જોઈ શકાય છે. એ કોઈને હાડકા ભાંગી નાખે કે જીવ લઈ લે, પણ કોઈને અજગરની જેમ ફિઝીકલી હડપ નથી કરી જતાં. પોટ હોલ્સમાં હાડકા તોડનાર સ્કૂલ કોલેજ કે ઓફિસમાં રજા પામે છે, અને એને જાત સાથે વાતચીતની અદભૂત તક મળે છે.

પોટ-હોલ્સને લીધે લોકો વાહન ધીમે હાંકે છે. એટલે વધારે સ્પીડે હાંકવાથી થતાં અકસ્માતો ઓછાં થાય છે. અમદાવાદની જ વાત કરું તો ચોમાસા પહેલાં અઠવાડિયે એક ના લેખે કોક નબીરો મોંઘી કારો અથડાવી, મોકો મળે તો, ભાગી જતો હતો. પણ હવે એને ૧૦૦-૧૫૦ની ઝડપે ચલાવવાનો મોકો જ નથી મળતો. ઉપરાંત ઓછી સ્પીડને લીધે લોકો મોડા ઘેર પહોંચે છે. મોડા ઘેર પહોંચવાના ઘણા ફાયદા છે. સામાન્ય રીતે માણસ પરણે એટલે કચકચ ચાલુ થઈ જાય છે. એક અભ્યાસ એવું કહે છે કે સ્ત્રી દિવસમાં ૭૦૦૦ શબ્દ બોલે છે અને પુરુષ ૨૦૦૦. આમાં તકલીફ પાછી એ છે કે પુરુષનો ક્વોટા પુરો થઈ જાય પછી સ્ત્રી બોલવાનું શરું કરે. પછી પતિના ભાગે બાઘાચાકાની જેમ અવાચક ઊભા રહેવાનો વારો આવે. આવામાં ખાડાને લીધે ઘેર મોડાં પહોંચતા પતિને ભાગે ઓછું સાંભળવાનું આવે, તે આ ખાડાઓની મહેરબાની જ ગણાયને?

વરસાદને લીધે જે પોટ-હોલ્સ સર્જાય છે તે કોન્ટ્રાક્ટરોને તો રૂપિયાનો વરસાદ તો કરાવે જ છે પણ બીજાં ઘણા માટે ગુડલક બનીને આવે છે. જેમ કે ટાયર ટ્યુબ્સ કંપનીઓને. ચોમાસાની સિઝનમાં ઘણી ટાયર-ટ્યુબની કંપનીઓ એટલે જ રોડ-કોન્ટ્રાક્ટર્સને ગિફ્ટ્સ મોકલાવે છે. તો જમ્પર રીપેરીંગ સર્વિસવાળા પણ રોજ સવારે પોટ-હોલ્સના ફોટાની આરતી ઉતારી કામ શરું કરે છે. પોટ-હોલ્સના અન્ય બેનીફીશીયરી ઓર્થોપેડીક ડોક્ટર્સ છે. ચોમાસાની સિઝનમાં ફીશીયનો અને ઓર્થોપેડિક ડોક્ટરો એટલે જ કદી રજા પાડતા નથી.

આમ પોટ-હોલ્સ વિષે વધુ વિચારતાં અમને વિશ્વાસ થઈ ગયો છે કે પોટ-હોલ્સ અચ્છે હે. અમારું તો માનવું છે કે સરકારે પોટ-હોલ્સમાં વાહન ચલાવવામાં જે થ્રીલ મળે છે તેને થ્રીલ-રાઈડ ગણી આવા પોટ-હોલ્સ ગ્રસ્ત રસ્તાઓ પર એમ્યુઝમેન્ટ પાર્કસની જેમ ખાસ એન્ટરટેઈન્મેન્ટ ટેક્સ નાખવો જોઈએ. જે રાજ્ય સરકારો વધુ ઉત્સાહી છે, તેઓ આવા રસ્તાઓ થકી ‘પોટ-હોલ્સ ટુરીઝમ’ પણ વિકસાવી શકે. અમેરિકા જેવા દેશ કે જ્યાંના રસ્તાઓ કેટ વિન્સલેટના ગાલ જેવા લીસ્સા હોવાને લીધે ત્યાં જે લોકો કરી નથી શકતાં તે ટ્રેકિંગ કે થન્ડર રાઈડ માટે પછી ભારતના રસ્તાઓ ઉપયોગ કરી શકે.  

ફિલોસોફરો જે લોકોને સમજાવી સમજાવીને થાક્યા તે ‘વર્તમાનમાં જીવો’ એ વાત પોટ-હોલ્સ વાળા રસ્તા પર ડ્રાઈવિંગ કરતાં લોકો આપોઆપ સિદ્ધ કરે છે, કારણ કે ખરબચડા રસ્તા ઉપર વિચારો કરતાં કરતાં ડ્રાઈવિંગ કરવું લગભગ અશક્ય છે. આમ છતાં હમણાં જ અમારો એક દોસ્ત બાઈક સાથે એક ખાડાની ઊંડાઈ ન પામી શકવાને કારણે ઉછળીને પડ્યો અને પગ તોડી બેઠો. હવે ઘેર બેઠોબેઠો ફેસબુક પર કોર્પોરેશનને ગાળો ભાંડવાનું કામ કરે છે. પણ એને પૂછો કે ‘શું ગાળો દેવી યોગ્ય છે?’ તો કહેશે કે ‘આ તો હું એક જાતની અવેરનેસ જ કરું છું, તંત્રને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડું છું’. હવે એને કેમ કરી સમજાવવો કે ઊંઘતા કુંભકર્ણને જગાડવો રામાયણમાં શક્ય બન્યું હતું, પણ જે પહેલેથી જાગતું હોય એને કેમ કરી જગાડાય?

 

 

 

No comments:

Post a Comment