Tuesday, December 31, 2013

N.R.I.ની ડાયરી

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૯-૧૨-૨૦૧૩ | અધીર અમદાવાદી | 



યુ નો વોટ? ધીસ ટાઈમ ઇન્ડિયા આવી ને આઈ એમ કાઈન્ડ ઓફ પીસ્ડ ઓફ. એક તો થ્રી વિક ઓફ લેવા માટે બોસે બે વિક મોર વર્ક કરાઈવું. સ્મિથ કહે કે લુક મી. સેમ (સમ્રાટ હોય કે સમર્થ, એવરીબડી હેઝ બીકમ સેમ ઇન અમેરિકા યુ નો), યુ વોન હોલીડે? ગેટ ધીસ થીંગ ડન બિફોર લીવીંગ એલ્સ, કેન્સલ યોર ટીકીટસ. હાળાને ના પડાય નહી, કારણ કે અમેરિકામાં આજકાલ રિસેશન છે, યુ સિ, પિંક સ્લીપ પકડાવી દે તો ઇન્ડિયાની ટીકીટ કઢાવવી પડે. પરમેનન્ટ.
 
ઇન્ડિયા ફ્લાય કરીને આવો એટલે વેરી લોંગ જર્ની. એમાંય ચિલ્ડ્રન સાથે ટ્રાવેલ કરવું એટલે હેડેક થઈ જાય. આઈ પેડને પીએસપી બધું બાય કરી આઈપું છે તોયે ઘડીએ ઘડીએ પૂછે ‘ડેડ હાઉ મચ મોર ટાઈમ વિલ ઇટ ટેક’. એમને ટાઈમ જોતાં આવડે છે. એન્ડ આઈ હેડ ટોલ્ડ ધેમ કે વી વિલ રીચ મુંબઈ બાય ૬ લોકલ ટાઈમ. બટ નો. હેડ તો મારું જ ખાવાનું. સીમા, (એમની મોમ) જલસાથી હેડફોન લગાઈને સીટિંગ સીટિંગ ઊંઘે, બટ એને ડીસ્ટર્બ નહી કરે, એકલા ડેડ જ હેન્ડમાં આવે. વોશરૂમ જવા માટે પણ ડેડ જોઈએ. એમ કહે કે ‘ડેડ ઈટ્સ સો શેકિંગ, આઈ મ સ્કેર્ડ’. હાળા, આઈસ સ્કેટીન કરતાં કદી શેક નથી થતાં. પાછાં પેલી એર હોસ્ટેસ ફ્રીમાં આલે એ ઇટ ના કરે ઘરખોયા. અમેરિકાથી બાય કરેલા પેકેટ જ પુરા કરે.

એન્ડ ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા. એરપોર્ટ પર ઉતરો એટલે હોચપોચ ચાલુ. નો બડી હેઝ સેન્સ. સમ ઇડીયટ સ્ટેપ્ડ ઓન સીમાઝ ફૂટ. એન્ડ બાય ગોડ, શી મેડ હેલુઆ લોટ ઓફ ક્રાય. બટ અહીંયા હું કેર્સ. સોરી કહીને ચાલતો થઈ ગિયો. ને ટ્રોલી ના મળે. હાફ માઈલ ચાલી ને ગેટ પાસે ગયો ત્યારે બે ટ્રોલી મલી. એન્ડ એરપોર્ટ. બાય ગોડ. ઇટ વોઝ સો સ્ટિન્કીંગ કે આઈ વોઝ ફીલ લાઈક વોમીટીંગ. બટ મેં રોઈકી રાઈખું. આઈ ટેલ યુ, ઇન્ડિયા વિલ નેવર ચેન્જ. ત્યાંથી નીકઈળા ત્યારે સ્નો ફોલ ચાલુ થઈ ગિયો હતો. એન્ડ હીયર. ઇટ વોઝ સો હ્યુમીડ. એમાં સામાનમાં સ્પેસ નોતી એટલે લેધર જેકેટ ચડાવેલું. એટલે અંદર બધું વેટ. એટલી વાટ લાગી ગયેલી. પણ પરેશ પીકઅપ માટે આવેલો ભાડેથી મોટી ગાડી લઈને. એમાં બેસીને મેં સીટ બેલ્ટ બાંધ્યો તો ડ્રાઈવર હસે. આઈ ટેલ યુ, ધીઝ ગાઈઝ આર મેડ! મેં કીધું લેટ્સ ગેટ આઉટ ઓફ હીયર.

અને ઘેર પહોંચ્યા તો. કાકા અને કાકી વેલકમ કરવા ઊભા હતાં. કિડ્ઝને તો પે’લા જ સમજાવેલા હતાં કે ઇન્ડિયામાં યુ હેવ ટુ પગે લાગ એવરીબડી. પછી જોયું તો ખબર પડી કે કામવાળી બાઈને પણ આમણે પગેલાગ કરી દીધું તું! પછી કાકી કહે કે તમે બધાં નાહી-ધોઈ લો એટલે જમી લઈએ. ને કીડ્ઝો વાઈડ આઈઝ કરીને જોયા કરે. કહે, ડેડ આ બાથરૂમમાં તો શાવરમાં હોટ વોટર નોટ ખમિંગ. મેં જઈને જોયું તો શાવરમાં હોટ વોટર કનેક્શન જ નોટ ધેર. કિડ્ઝને માંડ સમજાવ્યા કે અહિં ડોલમાં ગરમ પાણી કાઢીને નહાવાનું. બેઠાં બેઠાં. ધે વેર કાઈન્ડ ઓફ ‘ડેડ, હાઉ કેન આઈ ડુ ધેટ બેઠા બેઠા?’ મેં માંડ સમજાવ્યું કે અહી બેઠાં બેઠાંની ફેશન છે. ઈટ્સ ઇન થીંગ. ત્યારે માંડ બાથ કઈરું.

પછી ડેઈલી કંઈને કંઈ ચાઈલા કરે. સીમા લવ્સ શોપિંગ. કિડ્ઝને ઘેર છોડી એ જતી રહે. એને કંપની આપું તો હું બોર થાઉં, ને ઘેર રહું તો કીડ્ઝો બ્રેઈન ચાટી જાય. કંપની આપો તો બીજું રિસ્ક. એને કશું કોસ્ટલી લેવું હોય તો મારી પાસે યેસ કહેવડાવે. ‘મને તો આ પણ પસંદ છે, બટ ધીસ વન ઇઝ રીઅલી નાઈસ શું કે છે?’ એવું કહીને ઈમોશનલ કરી નાખે. એટલે આપડે હા જ પાડવાની હોય. એમાં ખિસા ખાલી થાય. એમાં કલાકોના કલાકો શોપિંગમાં, કોલ્ડ્રીંકને ચા પીને કાઢવાના. તોયે એટ ધ એન્ડ ઓફ ધ ડે, ‘મારે જેવો ટરકોઈઝ  જોઈતો હતો એવો તો ના મઈલો’ એવું કહે. આઈ ટેલ યુ, આમની સાથે શોપિંગ કરવા જનારને એવોર્ડ આપવો જોઈએ. યેહ, “મિસ્ટર કુલ હેડ” કે એવો કંઇક. એન્ડ યુ નો, દર વર્ષે એ એવોર્ડ મને જ મલે!

એન્ડ ઇન્ડિયા બે વરસે આવો એટલે એવરીબડી કોલ્સ અપ ને કહે અમારા ત્યાં આવો. પણ એમ કો કે કાલે આવીએ છીએ મોર્નિંગમાં તો કે ‘હાંજે આવો શાંતિથી બેહાય’. બટ વ્હેર ઇઝ શાંતિ? ને ઘેર જાવ એટલે ઘરનો એવરી મેમ્બર હાથમાં મોબાઈલ લઈને રમતો હોય. ઈટ્સ સો ફની. અહીના રામલા પણ મોબાઈલ લઈને ફરે. ઇન્ડિયા હેઝ પ્રોગ્રેસ્ડ સો મચ. ઘેર કામ પતે એટલે રામલાને મિસ્ડ કોલ આપે એટલે પેલો આવી જાય. બટ, રામલાનું કામ તો એવું જ હોં કે. અમે ચારેય જણા ટીશ્યુ કાઢીને ડીશમાંથી ડીટરજન્ટ લુછીએ ત્યાં સુધી કાકી ને પરેશની વાઈફ જોયા કરે. પાછું ઓલ્ડ પર્સન્સને ત્યાં જમવા જઈએ તો પૂરી બનાવે, સાથે શીખંડ કે બાસુંદી એવી સ્વીટ. આઈ લાઈક સ્વીટ્સ, બટ સીમા ઇઝ સો એલર્જિક ટુ ડેરી ફૂડ. એનું સ્ટમક અપસેટ થઈ જાય. જો યંગ પીપલને ઘેર જાવ તો ઈડલી સંભારને પાવભાજી એવું ખવડાવે. બટ ઈટ્સ સો મચ સ્પાઈસી. આઈ હર્ડ કે ઇન્ડિયામાં ઓનિયનના પ્રાઈઝ બહુ રાઈઝ થાય તે આ ચીલીના પ્રાઈઝ કેમ રાઈઝ નથી થતાં? આઈ ખાન્ઠ અન્ડરસ્ટેન્ડ ઢેટ. ઓકે વી હેવ સમ ગેસ્ટ્સ, ફરી રાઈટ કરીશ ડાયરી. સમ અધર ટાઈમ.

Sunday, December 22, 2013

૪૦ પછી ચાલ્યા વગર નહિ ચાલે ...


| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૨-૧૨-૨૦૧૩ | અધીર અમદાવાદી |

મુંબઈગરાને શિયાળાનો અનુભવ કરવા મુંબઈ બહાર જવું પડે. પણ ગુજરાતમાં શિયાળો આવે એટલે જાણે રણશિંગુ ફૂંકાયું હોય અને માભોમની હાકલ પડી હોય એમ લોકો શરીરની રક્ષા કાજે ઉત્સાહથી ઘરની બહાર નીકળી પડે છે. ચાલતા જ. અહિં તો ‘રન ફોર યુનીટી’માં પણ બધાં રનવાને બદલે વોકે. એમાંય મિડલ એજ પુરુષોમાં આવી વોક્વાની હાકલ વધારે પડે. મિડલ કલાસથી ઉપરના ક્લાસમાં પણ ઝાઝી પડે. વરસમાં એક વાર નહી, ચાર-પાંચ વાર પડે. એમાં ડોક્ટરો સૂત્ર આપે કે ‘ચાલીસ પછી ચાલ્યા વગર નહી ચાલે’. ચાલીસીમાં પહોંચતા જયારે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એને સંલગ્ન રોગો જયારે ડોકિયા કરવા લાગ્યા હોય ત્યારે સવારે ઉઠવાની આળસ અને ચાલવાનો કંટાળાનો ભારે મને ત્યાગ કરવો પડે છે.  
 
 ચાલવા માટે બગીચામાં જવાનો રીવાજ પરાપૂર્વથી ચાલતો આવ્યો છે. ‘જોગર્સ પાર્ક’ નામની એક હિન્દી ફિલ્મ બની એ પછી તો ભીખાભાઈ અમથાભાઈ મુનસીટાપલી ગાર્ડન પણ બી.એ. જોગર્સ પાર્ક બની ગયા છે. પણ નામ બદલવાથી બગીચાની તકદીર બદલાતી નથી. અહિં તો એજ કોર્પોરેટરના નામની તકતી લાગેલા બાંકડા હોય, ઘાસચાર કૌભાંડની યાદ અપાવતું પીળું ઘાસ હોય, અને બાળકોને રમવા માટેના તૂટેલ ફૂટેલ સાધનો હોય, અને તોયે એ કહેવાય પાછો જોગર્સ પાર્ક. ને હરામ બરાબર જો એમાં કોઈ જોગિંગ કરતું જોવા મળે તો! મોટે ભાગે એમાં ચાલનાર જ હોય. એટલે જ આવા બગીચાઓને જોગર્સ પાર્કને બદલે વોકર્સ પાર્ક કહેવા વધું યોગ્ય છે. તમે એમ કહેશો કે ‘ના, અમે તો ઘણા લોકોને દોડતા જોઈએ છીએ’. તો એ વિચારજો કે ખરેખર એ કેટલું દોડે છે. મોટેભાગે તો તમે જો સામસામેની દિશામાં ચાલતાં હોવ તો બે વાર તમને ક્રોસ થાય તો તમે ઈમ્પ્રેસ થઈ જાવ છો. પછી તો તમે પોતે જ નીકળી ગયા હોવ, એટલે પેલા એક રાઉન્ડ દોડ્નારને અમથું જ સર્ટીફીકેટ મળી જાય ને!

ચાલનારામાં ચાલતાં ચાલતાં ઈતર પ્રવૃત્તિ કરવાનો શોખ જોવા મળે છે. ચાલતી વખતે હાથની એક્સરસાઈઝ કરવાનો રીવાજ ઘણો પ્રચલિત છે. આમાં ચપટી યોગ કરવો, હાથ ઊંચાનીચા કરવા, મુઠીઓ વાળી કાંડાને ક્લોકવાઈઝ અને એન્ટી ક્લોકવાઈઝ ફેરવવા અને તાળી પાડવી જેવી ક્રિયાઓ મુખ્ય છે. પાછાં તાળી યોગ કરનાર બે પ્રકારના મનુષ્યો બગીચામાં જોવા મળે. એક કે જે ચાલતા ચાલતા તાળી પાડતાં હોય છે અને બીજાં કે જે તાળી પાડતાં પાડતાં ચાલતા હોય છે. આગળ દર્શાવેલ બે ક્રિયામાં શાબ્દિક ફેર ખાસ નહી લાગે તમને. પણ તાત્વિક ફેર ઘણો છે. જેમ કે ચાલતાં ચાલતાં તાળી પાડનાર માટે મુખ્ય ક્રિયા ચાલવાની છે, અને તાળી એ ગૌણ ક્રિયા છે. જયારે તાળી પાડતાં પાડતાં ચાલનાર માટે તાળી મુખ્ય ક્રિયા છે અને ચાલવું ગૌણ. આમ બીજાં પ્રકારના મનુષ્યો ઝડપથી ચાલનાર અન્ય ઉત્સાહીઓને શક્ય એટલાં નડતા જોવા મળે છે.

મોર્નિંગ વોક કરનાર લોકોમાં અમુક એકલવીર હોય છે. ‘તારી જો હાક સુણીને કોઈના આવે રે તો એકલો જાને રે ...’ એ એમણે આત્મસાત કર્યું હોય છે. ‘ઉઠો, બ્રશ કરો અને ચાલવા માંડો’ એ એમનો મોર્નિંગ-મંત્ર હોય છે. કોઈની કંપનીના એ ગુલામ નથી હોતાં. આવા લોકો વરસમાં સરેરાશ વધુ દિવસ ચાલે છે. એકલવીર બધી ઉમરના જોવા મળે, પણ એમાં યુવાન વયના વધુ હોય. એકલવીરને સ્લીપર પહેરીને પણ ચાલી નાખે, મોજા ભીનાં હોય તો એકલા બુટ પહેરી ને ચાલે અને ક્યારેક સીધું ઓફિસ જવાનું હોય તો ઓફિસ શુઝ પહેરીને પણ ચાલે. પણ ચાલે ખરા. એટલે જ આવા લોકો ઈર્ષ્યાને પાત્ર ઠરે છે. આવા લોકોએ ચાલવા આવતી વખતે એમનાં સ્પોર્ટ્સ શુઝ પર કાળું ટપકું કરવું જોઈએ જેથી બાંક્ડામાં બેસી પગથી હવામાં પેડલ બોટ ચલાવનારની નજર ન લાગે!

મોર્નિંગ વોકર્સનો બીજો વર્ગ કંપની સીકર્સનો હોય છે. જેમને કંપની વગર ચાલવાનું નથી ફાવતું. કંપનીને લીધે કદાચ ખાડા પાડવાના મોકા મળી જતાં હશે એટલે. સવારે વોકિંગ બડીનો મિસ્સ કોલ આવે એટલે તૈયાર થવાનું, એમાં બડી જો ગાબડું પાડે તો કંપની એક્ટ મુજબ આપોઆપ રજા જાહેર થઈ જાય. ઘેર બીજું કોઈ યાદ દેવડાવે કે ઉઠાડે તો પણ રજા એટલે રજા. કંપની એક્ટ હેઠળ ચાલવા જનાર એકલા જાય તો કદાચ પેનલ્ટી ભરવી પડતી હશે. એ બગીચામાં પહોંચીને પણ કંપની આવે એની રાહ જોતાં બાંકડા ગરમ કરે છે. દોસ્ત કે બહેનપણી આવે પછી કેમ મોડું થયું એની ચર્ચામાં ચાલવાનો નિર્ધારિત સમય ટૂંકો થાય છે એની લેશમાત્ર ચિંતા પણ અહિં કોણ કરે છે?

કંપનીમાં ચાલનાર ઘણીવાર પતિ ને પત્ની પણ હોઈ શકે છે. જોકે બેઉ જણા ચાલવામાં રસ ધરાવતા હોય એ ઘટના વિરલ ગણી શકાય. એટલે જ બગીચામાં કોઈ કપલને ચાલતું જુઓ તો એ પતિ-પત્ની હશે એવું માની લેવાની ભૂલ કરવી નહી. મહદઅંશે સ્ત્રીઓને એવો આભાસ હોય છે કે એમને કદી ચાલવાની જરૂર નથી. આમ છતાં જો બેઉ ચાલતા જોવા મળે તો બેઉ એક ઝડપે ચાલે એવું જરૂરી નથી. અહીં ફરીથી સ્ત્રીઓને એવો આભાસ થાય છે કે ડોક્ટરોએ ખાલી પુરુષોને જ ઝડપી ચાલવાનું કહ્યું છે અને સ્ત્રીઓએ તો ડોલતા ડોલતા કે ટહેલતા ટહેલતા જ ચાલવું જોઈએ એવી સ્પષ્ટ સૂચના આપી હશે.

ચાલવું કે ન ચાલવું, કોની સાથે ચાલવું અને કેવી રીતે ચાલવું એ દરેકનો અંગત પ્રશ્ન છે. પણ ચાલવાથી થતાં ફાયદા દરેક ધર્મ, ચિકિત્સા પદ્ધતિ અને ઇવન હિન્દી ફિલ્મી ગીતોમાં પણ ગવાયા છે. તો હે નર શ્રેષ્ઠ અને નારી શ્રેષ્ઠ, ચલે ચલો .... કાલ સવારથી જ. હા, ખબર છે કમુરતાં શરું થઈ ગયા છે. તોયે ચાલો. n




Saturday, December 21, 2013

ભારત અમેરિકાને મિસાઈલ ટેકનોલોજી નહી વેચે

અમેરિકા ખાતે ભારતીય રાજદુત દેવયાની સાથે દુર્વ્યવહાર બાદ ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. અને હજુ આકરાં પગલા ભરવા સરકાર પ્રતિબદ્ધ છે એ સાબિત કરવા સરકારના વિવિધ મંત્રાલયોએ નીચે મુજબની જાહેરાતો કરી છે. આ જાહેરાતો વાંચીને અમેરિકા ચોંકી ઉઠ્યું છે અને તાત્કાલિક અસરથી આખા મામલાને દબાવી દેવા કામે લાગી ગયું છે.

રમત ગમત મંત્રાલય: ભારત અમેરિકા સાથે ક્રિકેટ નહી રમે. આ ઉપરાંત થપ્પો, સાત તાલી, આઈસ પાઈસ, લખોટી, જેવી રમતોનો પણ બહિષ્કાર કરવામાં આવશે.

વાણીજ્ય મંત્રાલય : ભારતમાં અમેરિકન બ્રાન્ડની આઇટમ્સ પર પ્રતિબંધ લાદશે. હવે અમેરિકન મકાઈ ભૂતકાળ બનશે. પિઝા, બર્ગર અને સેન્ડવીચ વેચતી અમેરિકન કંપનીઓને બ્રેડ કે બ્રેડ પ્રોડક્ટ્સ પર હવે સ્લાઇસ/પીસ દીઠ ૧૦૦ રૂપિયા સરકારી ટેક્સ ચૂકવવો પડશે. અડબંગ દળે આ જાહેરાતને આવકારી છે.

સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય : ભારત અમેરિકાને મિસાઈલ ટેકનોલોજી નહી વેચે. શિવકાશી ફટાકડા એસોશિયેશને આ જાહેરાતનું ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું.

શિક્ષણ મંત્રાલય : ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકા જતાં રોકવા અમેરિકન યુનિવર્સીટીને ટક્કર મારે એવી સંસ્થાઓ ઊભી કરાશે. શરૂઆત એમ.આઈ.ટી. સ્થાપી કરવામાં આવશે. ગુજરાતની મણિભઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીની નવી કોલેજ માટેની અરજીનો ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક નિકાલ.

પ્રવાસન મંત્રાલય : અમેરિકન ટુરીસ્ટને અન્ય ટુરીસ્ટ જેવી ઘટિયા સર્વિસ આપવાનું ચાલુ રાખવામાં આવશે. અમદાવાદ રિક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશને આ જાહેરાતને વધાવી છે.

સંરક્ષણ મંત્રાલય : અમેરિકા હાલી ઊઠે એવી ચેતવણી પાકિસ્તાનને આપવામાં આવશે. પાકિસ્તાને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

કાયદો અને ન્યાય મંત્રાલય : કાનુન કે હાથ બહોત લંબે હે એ અમેરિકા યાદ રાખે. અમેરિકન હોય કે ઓસ્ટ્રેલિયન કાયદો કાયદાનું કામ કરશે.

કૃષિ મંત્રાલય : ભારતીય કૃષિ પ્રોડક્ટ્સ જેવી કે તમાકુ, સોપારી, ચરસ, ગાંજો, વગેરેને અમેરિકામાં એક્સપોર્ટ કરવા ખેડૂતો માટે આકર્ષક યોજનાઓ. ચરોતર અને રાજસ્થાનમાં સરકારની આ યોજનાને બેનરો લગાવી વધાવી.

શહેરી વિકાસ મંત્રાલય : ઉત્તરપ્રદેશના બે અલ્પ વિકસિત શહેરોના નામ બદલીને ન્યુયોર્ક અને વોશિંગટન કરી દેવામાં આવશે. ખાયાવતીનો નામ બદલવા સામે વિરોધ.

આરોગ્ય મંત્રાલય : ભારતના કોઈ પણ નેતા કે સેલીબ્રીટી મેડીકલ ટ્રીટમેન્ટ માટે અમેરિકા નહી જાય. એક ચોક્કસ પક્ષના કાર્યકરો ચિંતામાં.

Sunday, December 15, 2013

સોમવાર નામનું સુનામી મોજું

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૧૫-૧૨-૨૦૧૩ | અધીર અમદાવાદી |

સોમવાર એટલે મહાદેવજીનો વાર. મહાદેવજી સૌના પ્રિય ભગવાન કારણ કે એ ખુબ જલ્દી પ્રસન્ન થાય. મહાદેવજીને રીઝવવા ઘણાં લોકો શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ રાખે. અમુક આખો મહિનો ઉપવાસ રાખે. પુરુષો દાઢી ન કરે. સ્ત્રીઓમાં સોળ સોમવારનું વ્રત રાખવાનો પણ રીવાજ છે. આવું બધું કરવાથી દેવાધિદેવ પ્રસન્ન થાય એવું મનાય છે. પણ ઓફિસમાં સોમવારે ગમે એટલું કામ કરો દિવસના અંતે બોસ પ્રસન્ન થાય એવી કોઈ ગેરંટી નથી. ઓફિસના સોમવાર અમુક તમુક મહિના અથવા સોળ એવા કોઈ આંકડાને મોહતાજ નથી. આસ્તિકો એમ કહે કે સઘળું ભગવાન ઉપર છોડી દો. નોકરિયાત માણસ સોમવાર સવારે ઓફિસમાં કાર્ડ સ્વાઈપ કરે એટલે એ બોસને આધીન થઈ જાય છે. આમ છતાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના સમયે આ બોસાધિન થઈ કરેલા અનેક કામ બોસને દેખાતાં નથી. 


સોમવારનો સ અને સ્ટ્રેસનો સ, બેઉમાં સ આવે. સુનામીમાં સ આવે. સ્ત્રીમાં પણ સ આવે. સાસુ, સસરા, સાળા અને સાળીમાં પણ સ આવે. સ અક્ષર જ કદાચ જોખમી છે. સોમવારે સૌથી વધારે હાર્ટ એટેક આવે છે એવું મેડીકલ રીસર્ચ કહે છે. વિદેશમાં તો વિકેન્ડ બે દિવસનો હોય. ત્યાં કોઈ શનિ-રવિમાં કામ ન કરે. શુક્રવાર રાતથી પાર્ટી ચાલુ થઈ જાય. સોમવારે એનો હેન્ગઓવર હોય. માથું પકડાયેલું હોય. એમાં કેટલાયને રજા પાડવી પડે. આમ અન્ય લોકો રજા પર જાય એટલે જે સોમવારે નોકરી પર આવ્યું હોય એનો વારો નીકળી જાય. જો વિકેન્ડ શનિ-રવિને બદલે રવિ-સોમનો કરી નાખવામાં આવે તો કેટલાં જીવ બધાં બચી જાય? એક તો માણસ મૂળભૂત રીતે આળસુ હોય, એમાં રવિવારે આરામ કર્યો હોય. એટલે એકબાજુ અઠવાડિયામાં પુરા કરવાના કામ સામે મોઢું ફાડીને ઊભા હોય અને બીજી તરફ રવિવારે ચઢેલી આળસ પગ ખેંચતી હોય. ગધેડા ઉપર સો કિલોની ચાર થેલીઓ મૂકી દીધી હોય અને જેમ એ ખોડંગાતો ખોડંગાતો ચાલે, એમ સોમવારે અમુકનું શરીર અને મગજ ચાલતું હોય છે. એને ખુરશી ચટકા ભરે છે. કોમ્પ્યુટર પર બેસે, એટલે કે બેસે ખુરશીમાં પણ કોમ્પ્યુટર ઓન કરી કી-બોર્ડ પર હાથ જમાવે તો આંગળીઓ થીજી ગઈ હોય એવું લાગે છે. મગજમાં પણ લોહીનું ભ્રમણ ઓછુ થતું હોય એવું પણ લાગે. ઓફિસમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હોય એમ ગૂંગળામણ થાય. ભારતમાં ચા અને અમેરિકામાં હોય એને કોફી પીવાની અદમ્ય ઈચ્છા થાય. અને પટાવાળો કપ મૂકી જાય ને ચા ગળામાં ઉતરે પછી પરિભ્રમણ ચાલુ થાય.


Source : Web
સોમવાર જતો રહે એટલે મંગળવાર આવે. પણ મંગળવારે લોકો વધુ ખુશ હોય છે એવું પણ નથી. મંગવારે પણ એજ દિવેલીયા ડાચાં લઈને માણસો ઓફિસમાં જાય છે. મંગળવાર જાય એટલે બુધવાર આવે. બુધવારે અડધું અઠવાડિયું પતી ગયું એનો આનંદ કેટલાંક આનંદી કાગડાઓ અને કાગડીઓ ઉઠાવતા હોય છે. પણ મોટા ભાગના શુક્રવારે વિક પૂરું થવાની ખુશાલીમાં લંચ પછી કામ કરવાનું બંધ કરી દે છે. પણ વચ્ચે ગુરુવારે આવું કશું નથી થતું, માટે ગુરુવારે લોકોએ દુઃખી હોવું જોઈએ. પણ લોકો ગુરુવારે સવિશેષ દુઃખી નથી હોતાં, જે બતાવે છે કે માત્ર સોમવાર સાથે જ સિન્ડ્રેલા જેવું ઓરમાયું વર્તન કરવામાં આવે છે. રીતસરનો પૂર્વગ્રહ ઊભો કરવામાં આવ્યો છે સોમવાર માટે. અમારા મતે આ પૂર્વગ્રહ માટે સોશિયલ મીડિયા જવાબદાર છે.

સોમવારે સોમવારની નિંદા કરવાનો રીવાજ સોશિયલ મીડિયા પર અતિ-પ્રચલિત છે. સોમવારે ઓફિસ આવી, ઓફિસનું ઈન્ટરનેટ વાપરી, ઓફિસ ટાઈમમાં, ચાલુ નોકરીએ, ફેસબુક પર લોગ થઈ સોમવારને અમુક લોકો ગાળો દે છે. આ નિંદા કરનારને સોમવારનો પણ પગાર મળે છે એ ભૂલી જાય છે. એટલું જ નહી એ હકથી લે છે. કોઈએ સોમવારના વિરોધ કરવા ‘અમે હવે સોમવારનો પગાર નહી લઈએ’ એવું કહ્યું હોવાનું જાણમાં નથી. પણ ફેસબુક પર તો લોકો જાણે સોમવાર વિલન હોય તેમ, ગુગલ કરીને, જ્યાં-ત્યાંથી સોમવાર વિરુદ્ધ લખાણ શોધી બળાપો કાઢે છે. ઘણા ‘આજે સોમવાર છે’ ને ટૂંકામાં ટૂંકી હોરર સ્ટોરી કહે છે. કોક એવો સવાલ કરે છે કે શુક્રવારથી સોમવાર કેમ આટલો નજીક છે અને સોમવારથી શુક્રવાર કેમ આટલો દૂર છે? અમુક તો Monday ને Moanday કહે. પણ અમે જો બોસ હોઈએ તો મંગળવારને પણ સોમવાર-૨ જાહેર કરી દઈએ. છો બખાળા કરતાં લોકો.

અમેરિકા ઉપર આપત્તિ આવે અને એ આપત્તિમાં પોલીસ, ફાયરબ્રિગેડ અને ત્યાનો હીરો બધાને ઉગારી લે એવા થીમની અનેક ફિલ્મો બની છે. આમ છતાં હજુ સોમવાર નામની રીકરીંગ આપત્તિની ત્યાંની ફિલ્મોમાં નોંધ નથી લેવાઈ એ બતાવે છે કે અમેરિકન ફિલ્મ પ્રોડ્યુસર્સ પણ કેટલી બીબાઢાળ ફિલ્મો બનાવે છે. ખરેખર તો જેમ સુનામીનું મોજું આવે અને બીચ પરના લોકો ભયાવહ થઈ દોડવા લાગે એમ સોમવાર નામના સુનામી મોજાથી બચવા લોકો મુઠીઓ વાળીને દોડતા થઈ જાય છે. અલબત્ત માનસિક રીતે જ. આવી કોઈ ફિલ્મ હોલીવુડમાં બનવી જોઈએ.

છતાં ઘણા એવા પણ જોયા છે કે જે સોમવાર અંગે કોઈ કકળાટ નથી કરતાં. જેમ કે ગલ્ફ કન્ટ્રીઝના લોકો કે જ્યાં શુક્રવારે રજા હોય છે. ઇન્ડિયામાં પણ અમુક એવા છે જેમને વીકલી ઓફ રવિવારે નથી હોતો. આમાં બોસ પ્રકારના લોકો પણ આવે કે જેમણે કામ કરવાનું નહી, કરાવવાનું હોય છે. કેટલાંક બેકાર પણ હોય છે. અમુક ખેતી કરતાં હશે. ડોક્ટરોને સોમવારે વધારે પેશન્ટ હોય, રવિવારના પેટ પકડીને બેઠાં હોય એવા. લીસ્ટમાં સરકારી કર્મચારીઓને પણ મૂકી શકાય. આ સિવાય થોડાં કુંવારા હોય. આ લોકોને કદી સોમવાર નથી નડતો. જોકે પરણેલાઓમાં પણ ઘણા એવા હોય છે કે જે સોમવારની રાહ જોતાં હોય છે!  

Thursday, December 12, 2013

મુનસીટાપલીના પાયાના સિદ્ધાંતો (વર્કસ મેન્યુઅલમાંથી સાભાર)

by adhir amdvadi

1. વરસાદ શરું થાય પછી ખોદકામ શરું કરવા.

2. એક જગ્યાએ ખોદકામ શરું કરી એને અધૂરું મૂકી નવી જગ્યાએ ખોદવું.

3. જે ખોદયા વગર પડ્યા હોય તેવા સ્વયંભૂ ખાડાઓ અને ભૂવાઓ જનતાના દર્શન માટે ઓછામાં ઓછાં મહિના સુધી ભરવા નહી.

4. જે વિસ્તારમાં પાણી ભરાતા હોય ત્યાંની વરસાદી ગટર રસ્તા-ડામરના કામ વખતે ઢાંકી દેવી અને પાણી ભરાઈ જાય પછી એક મજુરને ત્રિકમ લઈ એ આખા વિસ્તારની ગટરો ખોદવા મોકલવો.

5. વરસાદ બંધ થાય પછી ઝાડ વાવવા. પછી ચોમાસામાં ટેન્કરથી પાણી છાંટવું. આ બધું ટ્રાફિક સૌથી વધારે હોય ત્યારે કરવું.


6. મધ્યકાલીન યુગમાં નખાયેલ પાણીની ઐતિહાસિક પાઈપ લાઈનો ઝાડા, ઉલટી, ટાઈફોઈડ અને કમળાના કેસ પછી પણ બદલવી નહી.

7. બમ્પ બનાવો પણ બમ્પનું સાઈનબોર્ડ કદી ના બનાવો.

8. શહેરના દરેક બમ્પની ઊંચાઈ અને પહોળાઈમાં શક્ય એટલું વૈવિધ્ય રાખો.

9. જાહેર રસ્તા ઉપર કોઇપણ તોડફોડ, રીપેર કરવું હોય અને એ એક કલાકનું જ હોય તો એ પીક અવર્સમાં જ કરવું, બપોરે કદી નહી.

10. શિયાળામાં સવારે છ વાગે અને ઉનાળામાં સવારે સાત વાગે સ્ટ્રીટ લાઈટ બંધ કરવી.

11. આ સિધ્ધાંત હંમેશા યાદ રાખો : ‘ઘોડો ભાગી જાય પછી જ તબેલાને તાળું મારવું’.

12. અઠવાડિયે એક નવા પ્રોજેક્ટની ઘોષણા કરો અને મહિને એક પ્રોજેક્ટ લોકાર્પણ કરો. શરું કરેલા ચારમાંથી એક જ પ્રોજેક્ટ પુરો કરવાનો રેશિયો જાળવી રાખો.

13. પાઈપો અને થાંભલાઓ જરૂરીયાત કરતાં છ મહિના આગાઉ રસ્તા પર લાવી મુકાવો. કોન્ટ્રાક્ટરને આ માટે એડવાન્સ રૂપિયા આપો.

14. શહેરમાં માણસ અને પ્રાણીઓનો રેશિયો મેઇન્ટેન કરો. જો માણસોની વસ્તી વધે તો એટલાં જ પ્રમાણમાં કૂતરા અને રખડતી ગાયોની વ્યવસ્થા કરો.

15. શહેરનો રસ્તો પાથરણા, ગલ્લા, લારીઓ, દેરીઓ, યુઝ્ડ કાર વેચવાવાળા, કાર એસેસરીઝવાળા, ગાયો અને ટ્રાવેલ્સવાળાઓ માટે છે. આ પછી જે રસ્તો બચે એ વેહિકલ અને પ્રોપર્ટી ટેક્સ ભરતી પબ્લિકને વાપરવા દેવો.

16. ફૂટપાથ અને ડીવાઈડર જુનાં તોડી નવા કરવાથી લોકો બીજી સમસ્યાઓ ભૂલી જાય છે.

17. હેલ્પલાઈન નંબર પ્રજાને જાણ ન થઈ જાય એની ચોકસાઈ રાખવી.

18. ભંગાર રસ્તા વધુ ભંગાર થાય તેની રાહ જુઓ. નવા રસ્તા પર ડામર નાખી વધુ નવા કરો.

19. નવો રોડ બનાવી દીધાં પછી પાઈપ લાઈન માટે ખોદકામ કરવું.

20. થયેલા ખોદકામ પર માટી-કચરો વાળી હાલતા થવું. વરસાદથી રસ્તો બેસી જાય પછી ફરી એમાં ઢેખાળા ભરી સંતોષ માનવો.
-*-*-*-

Tuesday, December 10, 2013

અમેરિકામાં આપણો પંકીલ ઉર્ફે પકો

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૮-૧૨-૨૦૧૩ | અધીર અમદાવાદી |

અમેરિકામાં જન્મીને ત્યાં ભણતા હોય એવા સ્ટુડન્ટ્સ તો અમેરિકન રહેણીકરણીથી ટેવાયલ હોય છે પણ જે માસ્ટર્સ કરવા ૨૧-૨૨ વરસની ઉંમરે ગયા હોય તેવા છોકરાંને અમેરિકામાં શરૂઆતમાં થોડી તકલીફ પડે છે. મા-બાપનો એકનો એક છોકરો હોય. અમદાવાદ જેવા શહેરમાં જ ભણ્યો અને મોટો થયો હોય એટલે મિત્રો સાથે આબુ કે દમણની ‘ટ્રીપ મારી હોય’ એ સિવાય ખાસ ફરેલ ન હોય. એવો પકો જયારે ૨૮ કલાકની કુલ મુસાફરી પછી અમેરિકાના એરપોર્ટ પર ઉતરે છે ત્યારે દિગ્મૂઢ બની જાય. કારણ કે મિડલ ક્લાસનો હોય એટલે ઇન્ડિયામાં પણ ભાગ્યે જ એણે બાય એર મુસાફરી કરી હોય.

ચન્દ્ર હોય કે વિદેશની ધરતી, સામાન્ય રીતે બધે જ પહેલો પગ મૂક્યા પછી બીજો પગ મૂકવાનો રીવાજ છે. એટલે અમેરિકાના એરોબ્રિજ પર પકો પહેલો પગ અને પછી બીજો પગ મૂકી અંતે સૌ જતાં હોય એ દિશામાં જઈ ઈમિગ્રેશનની લાઈનમાં ઊભો રહી જાય. પણ થોડી વાર પછી એને ખબર પડે કે એ ટેવ મુજબ લાઈનમાં ઊભો નથી રહ્યો, ઘૂસ્યો છે, એટલે થોડો ખાસિયાણો પડી જાય. પણ ‘ડગલું ભર્યું કે ન હટવું ન હટવું’ એવું ગુજરાતીની ચોપડીમાં ભણેલું અમેરિકામાં સાર્થક કરતો હોય એમ એ લાઈનમાં લાગેલો જ રહે છે. વારો આવતાં ઈમિગ્રેશન ઓફિસરે પૂછેલા પ્રશ્નોના પોતાને સમજ પડે એવા જવાબ આપી એ અમેરિકામાં એન્ટ્રીનો સિક્કો મરાવી સામાન ભેગો કરવા લાગે છે. જે યુનિવર્સીટીમાં જવાનું હોય ત્યાંનો વિધાર્થી એને પીકઅપ કરવા આવ્યો હોય એને ફોન કરવા માટે છુટા કોઈન શોધવાથી એની ટેમ્પરરી વિટંબણાઓની શરૂઆત થાય. કોઈન તો આસાનીથી મળી જાય પણ સામેવાળો ફોન ન ઉચકે તો તેના વોઇસમેલની સૂચનાઓ સમજવા બે વાર સિક્કા નાખવા પડે. પણ છેવટે લેવાવાળા જોડે ભરતમિલાપ થઈ જાય એટલે રામ રાજયને પ્રજા સુખી એમ આપણો પકો ગદગદિત થઈ જાય!

પોતાનું એપાર્ટમેન્ટ મળે ત્યાં સુધી કોક સિનીયરે ખાલી કરેલા પણ લીઝ પૂરું ન થયું હોય એવા એપાર્ટમેન્ટમાં બે-ચાર દિવસ ટેમ્પરરી કાઢવાના આવે. એમાં સામાન આખો અનપેક થાય નહી અને ઘરમાં પકા જેવા બીજાં નવા-નિશાળીયાઓ હોય એટલે શરૂઆતમાં દૈનિક ક્રિયાઓ અને ખાવા પીવામાં અગવડ પડે. આવા સમયે મેગીના પડીકાં કામમાં આવે. પણ રૂમીઝ પકા જેવા જ નવા નિશાળિયા હોય જેમણે જિંદગીમાં શેક્યો પાપડ પણ ભાંગ્યો ન હોય. અમુક તો એટલાં અનાડી હોય કે મેગી બનાવતા પણ ન આવડે. પાણી ક્યાં ઓછું પડે અથવા વધુ વખત સગડી પર રહી જાય, એટલે પછી મેગી છે કે ખીચું એ જ ખબર ન પડે. બીજી વાર અક્કલ આવે એટલે પછી વધારે પાણી નાખે. આ વખતે પાણી એટલું વધારે પડે કે મેગી નુડલ સૂપ જેવી બની જાય. ત્રીજી વખત બનાવે ત્યારે છેક સાચું માપ ખબર પડે. પણ જે વીરો ઘરમાં શાકનાં કલર જોઈને રીજેક્ટ કરતો હોય કે ‘આવું પીળાં કલરનું શાક? નથી ખાવું હું બહાર ખાઈ લઈશ’ એ બે દિવસમાં જ પીળાં, લીલા, લાલ, સફેદ અને બળી જાય તો કાળા કલરના શાક બ્રેડ સાથે ખાતો થઈ જાય!
 
પણ ગુજરાતી ચન્દ્ર પર જાય તો પણ બે-ચાર દિવસમાં ખીચડી બનાવીને ખાતો થઈ જાય તો આ તો અમેરિકા. અઠવાડિયામાં તો નાની-મોટી વાતોમાં પ્રાવીણ્ય આવી જાય. ખાસ કરીને કાગળના ઉપયોગમાં. જેમ કે હેન્ડરરચિફને બદલે ટીસ્યુ પેપર અને કિચનમાં ગાભાને બદલે ટીસ્યુ રોલ વાપરતા એ શીખી જાય. વેન્ડિંગ મશીનમાંથી એ કુતુહલ ખાતર પણ નોટ સરકાવી વેફરના પડીકાં કે કોલ્ડ્રીંક બહાર કાઢે. સ્વાભાવિક રીતે પછી એને પહેલો વિચાર એ આવે કે ઇન્ડિયામાં આવું મશીન મુક્યું હોય તો એનાં શું હાલ થાય? ડોલરની નોટના બદલે મશીનમાંથી રોજ નોટની સાઈઝના કેટલાં કાગળ નીકળે?

ખરી મઝા લોન્ડ્રી કરવામાં થાય. સ્ટુડન્ટ્સ સામાન્ય રીતે અઠવાડિયે એક વખત પબ્લિક લોન્ડ્રીમાં સિક્કા નાખી એ કપડાં ધોવે અને પછી વધુ બીજાં સિક્કા નાખી કપડાં ડ્રાય કરે. આપણા જેવાને એમાં ડબલ આઘાત લાગે. ધોવાના ને સુકવવાના જુદાં! એમાં લીક્વીડ ડીટરજન્ટ વોશિંગ પાવડર કરતાં મોંઘો પડે એટલે ભાઇ પાવડર નાખીને કપડાં ધોવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરી જુવે. અને ડ્રાયરના ડોલર બચાવવા કપડાં ડ્રાય કર્યાં વગર રૂમ પર લઈ જાય એમાં રૂમ ધોબીઘાટ જેવો થઈ જાય. તો કોક વખત મશીનમાં કપડાં ઓવરલોડ ઠાંસે તેમાં મશીન અટવાય. કપડાં સુકાય પછી નવો નિશાળીયો ઉછીની લીધેલ કે સેકન્ડ હેન્ડ ખરીદેલી ઈસ્ત્રીથી કપડાં ઈસ્ત્રી કરે. પણ નવું નવ દહાડા એ કહેવત અમેરિકામાં પણ એટલી જ લાગુ પડે છે એ સાબિત કરવા ખૂબ જ જલ્દી જ લઘરવઘર ફરતો થઈ જાય. એટલે અમેરિકામાં ઈસ્ત્રી-ટાઇટ કપડામાં કોઈ કોલેજીયન ફરતો દેખાય તો એ દેશમાં ફ્રેશ એન્ટ્રી છે એમ સમજવું!

આ દરમિયાનમાં એનાં યુનિવર્સીટીના આંટાફેરા ચાલુ થાય. યુનિવર્સીટીમાં એને આઘાત પર આઘાત મળે. ‘વ્હોટ કેન આઈ ડુ ફોર યુ ટુ ડે?’ એવું સોનેરી વાળવાળી છોકરી પૂછે એમાં પકો નર્વસ થઈ જાય. પછી હિંમત કરીને રજિસ્ટ્રેશન માટે આવ્યો છું એવું સમજાવે. બોલવામાં વચ્ચે એકાદ બે ગુજરાતી અને હિન્દી શબ્દ પણ આવી જાય. પણ પપ્પાએ કચકચ કરીને બર્થ સર્ટીફીકેટથી માંડીને ડીગ્રી સર્ટીફીકેટ સુધીના ઝેરોક્સના દસ દસ સેટ આપ્યા હોય એમાનું એકેય પેપર પેલી માંગે નહી! એને જે જોઈએ એ જાતે ફોટોકોપી કાઢી લે અને પાછું ફોટો પાડી ને પાંચ મીનીટમાં તો ફોટા સાથેનું આઇડેન્ટિટી કાર્ડ પકડાવી દે. એકપણ ધક્કો ખવડાવ્યા વગર! આપણા જેવાનું તો હૈયું ભરાઈ આવે કોઈ ધક્કો ન ખવડાવે તો. બસ આવું મહિનો દહાડો ચાલે, કોક ટેમ્પરરી નોકરી મળી જાય અને ભાઈ જોતજોતામાં ગ્રેજ્યુએટ થઈ અમેરિકન બની જાય.  


Friday, December 06, 2013

બ ને બદલે ભ



લોકોને ગુજરાતી ભાષા બોલતાં નથી આવડતી બરોબર. ઘણાં લોકો બ્રાહ્મણ માટે બામણ અને અમુક બામણનું અપભ્રંશ કરીને ભામણ પણ કરી નાખે છે. અંગ્રેજી શબ્દોમાં પણ બોલવામાં તો વ્યાપક પ્રમાણમાં બ નો ભ કરાય છે  જેમ કે બ્રશનો ભ્રશ, બ્રેડની ભ્રેડ, બ્લુનું  ભ્લુ અને બ્રેક મારવાને બદલે લોકો ભ્રેક મારે છે. ને ગુજરાતી ગાળની સૃષ્ટિમાં તો બ ને બદલે ભ બોલવાની પરંપરા રહી છે. એ ક્યાંથી શરુ થઈ અને કેમ શરુ થઈ,  એ અંગે કોઈ સંશોધન થયાનું અમારી જાણમાં નથી અને ન અમને એ જાણવાની કોઈ ઈચ્છા છે. જોકે અમારા સ્વભાવમાં ભારોભાર કુતૂહલ ભરેલું હોવાથી અમને એ પ્રશ્ન જરૂર થયો કે આ બનો ભ માત્ર એક જ ગાળ પુરતો જ કેમ સીમિત રહ્યો હશે? ધારોકે કોઈ પ્રદેશમાં ‘બ’ને બદલે ‘ભ’ ભધા એટલે કે બધાં શભ્દો એટલે કે શબ્દોમાં ભોલતા એટલે કે બોલતા હોય તો કયા શબ્દો કઈ રીતે બોલાય? આ અંગે અમે થોડું વિચાર મંથન કર્યું છે.    




















  • સૌથી પહેલાં બનેવી ભનેવી બની જાય.
  • પછી બા ને ભા કહે બધાં.
  • કોઈના ઘેર ભાભો આવે અને કોઈના ઘેર ભેભી.
  • પણ ભાભી તો ભાભી જ રહે.
  • મારો વહાલો બકો પછી ભકો બની જાય.
  • સચિન કેટલાં રને આઉટ થયો એવું પૂછો તો એનો જવાભ આવે ભાણું.
  • પછી તો કોઈની અટક બસુ હોય તો એ ભસુ થઈ જાય.
  • અને પત્તામાં કોઈ હાથમાં આવેલી ભાજી હારી જાય એવું પણ ભને.
  • ફાયરબ્રિગેડ પછી ભમ્ભાખાના તરીકે ઓળખાય.
  • પછી લોકો ભીએ અને ભીકોમ થાય.
  • હોટલમાં જમો એટલે વેઈટર ભીલ આપે.
  • કવિનું તખલ્લુસ ભેચેન હોય.
  • ઘેર મહેમાન આવે તો એને આવો અને ભેસો કહેવામાં આવે.
  • રીવરફ્રન્ટ પર જઈને પછી લોકો સ્પીડ ભોટમાં ભેસે.
  • જમરુખની એક ફિલ્મનું નામ પછી ભાજીગર હોય.
  • અને શોલેની ભસન્તી તો આખો દાડો ભકભક કરે.
  • હવે તમે પણ લાગી જાવ. આ લીસ્ટ લામ્ભુ કરવા. મને ખભર છે તમે છાના નથી રહેવાનાં !

કેન્દ્ર સરકારના કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા વર્જીનીટી એલાવાન્સની જાહેરાત

by Adhir Amdavadi

પ્રખ્યાત  ટૉક શૉ કૉફિ વિથ કરણમાં સુપરસ્ટાર સલમાન ખાને હું વર્જિન છું એમ કહીને સૌને ચૌંકાવી દીધા, સાથે જ ન્યૂઝ પેપર્સની હેડલાઇન્સમાં પણ સ્થાન મેળવ્યુ. સલમાન ખાનનાં નિવેદનથી સરકાર સફાળી જાગી હતી, કેન્દ્ર સરકારના કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા વર્જીનીટી એલાવાન્સની જાહેરાત કરવામાં આવી હતી. સલમાનનાં નિવેદન બાદ કેટલાક લોકોના રિએક્શન વાંચો અધીર અમદાવાદીની કલમે....
  • આ સમાચાર સાંભળીને ઐશ્વર્યા ‘વ્હોટ અ ...’ કરીને કોઈ ગાળ બોલી હતી એવું નજરે જોનાર સાક્ષીએ કહ્યું હતું.
  • આમ છતાં અભિષેકના લગ્ન જીવનમાં આ સમાચાર સાંભળી નવેસરથી બહાર આવી છે.
  • મહમ્મદ અઝહરુદ્દીને આ સમાચાર સાંભળીને પશ્ચાતવર્તી ઈફેક્ટથી પાર્ટી આપી હતી.
  • સલમાનને પગલે પગલે કેટરિનાએ પણ સ્પેન ગયા સુધી વર્જીન હોવાનો દાવો કર્યો. જોકે રણબીરે આ બાબતે સુચક મૌન ધારણ કર્યું છે. નીતુ સિંઘે આ વિષયે કશું કીધું નથી અને રિશી કપૂરે ‘આઈ એમ પ્રાઉડ ઓફ માય સન’ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું.
  • સની લીઓને પણ કીધું કે ‘હું તો કે દાડાની કહું છું કે હું પણ વર્જીન જ છું પણ મારું ક્યાં કોઈ સાંભળે છે.’
  • રાખી સાવંતે તો પોતે કદી કિસ પણ નથી ‘આપી’ તેવું જાહેર કર્યું છે.
  • અક્ષય કુમારે પોતાના આગવા અંદાજમાં જણાવ્યું હતું કે ‘પંજાબી ન કભી વર-જીન હોતે હૈ ન કભી વર-રમ હોતે હૈ, પંજાબી બડે વરસેટાઈલ હોતે હે’.
  • વર્જીનીટી ઈશ્યુથી કંટાળેલી મહિલા મંડળોએ સલમાન ખાન વર્જીન હોય તો એવું પ્રુવ કરવા માંગ કરી છે.








  • અમુક જુથે લોકસભામાં વર્જીન ઉમેદવારો માટે રિઝર્વેશનની માંગણી કરી હતી.
  • ડમ્બ શરાડ હંસાએ પ્રફુલને પૂછ્યું કે ‘પ્રફુલ વોટ ઇઝ વરજીન?’ જેના જવાબમાં જીનીયસ પ્રફુલે જણાવ્યું કે ‘વર-જીન હંસાઆઆ..... વર રાજા કિ શેરવાની સિલાઈ કરકે દરજીને વાપસ ના દી હો ઓર વર રાજા જીન્સ પહેનકે શાદી કરને જાયે તો ઉસે વર-જીન કહતે હૈ, વર-જીન્સ, વર-જીન ... ત્યોઉં ત્યોઉં ત્યોઉં ....
  • કેન્દ્ર સરકારના કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા વર્જીન એલાવાન્સની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લગ્ન લાયક ઉમર વટાવી ચુકેલા ઢાંઢાઓને સરકાર દ્વારા વસ્તી કન્ટ્રોલ કરવાના પ્રયાસ માં મદદરૂપ થવા માટે વર્જીન ભથ્થું આપવામાં આવશે. જોકે ઢાંઢીઓ માટે કોઈ યોજના જાહેર ન કરવામાં આવતાં બંગાળના મુખ્યમંત્રી ભમતાએ કેન્દ્ર સરકારને આડા હાથે લીધી હતી જેને ખાયાવતીએ પણ ટેકો જાહેર કર્યો હતો અને સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવા ચીમકી પણ આપી હતી. જોકે વિરોધ પક્ષોએ આ જાહેરાતને ચૂંટણી લક્ષી ગણાવી ઇલેક્શન કમિશનને ફરિયાદ કરશે તેવું જણાવ્યું હતું.
 

Monday, December 02, 2013

અમેરિકામાં વેજીટેરીયન ભૂખ્યો મરે

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૧-૧૨-૨૦૧૩ | અધીર અમદાવાદી |


વર્લ્ડ ટુર પર જઈને પણ જે પેરિસમાં પાતરા અને વેનિસમાં વેઢમી શોધે એ ગુજરાતી. એટલે જ અમેરિકામાં ફરવા જઈએ એટલે આપણને ફૂડ સંબંધિત તકલીફ પડે. એમાં વેજીટેરિયન હોય એમની તો દશા જ બેસી જાય. ગુજરાતી બંધુઓ તો વેજીટેરીયન જ હોય ને પાછાં? એકવાર અમેરિકન એરલાઈનમાં અમે વેજીટેરીયન ફૂડ લખાવ્યું હતું તો ભાત અને બાફેલી ફણસી ખાવા મળી હતી. તો અમેરિકામાં અભ્યાસ દરમિયાન એક સબ્જેક્ટનું ફાઈનલ પ્રેઝન્ટેશન અને ડીનર અમારા પ્રોફેસરે એમનાં ઘેર ગોઠવ્યું હતું, જેમાં પ્રોફેસરે પોતે બાર્બેક્યુ રાંધ્યું હતું. અમારા જેવા બે-ચાર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ગ્રુપમાં હોવાથી વેજીટેરીયન આઇટમ્સ (બોલે તો બ્રેડ અને બાફેલા શાકભાજી!) પણ હતી. પણ ખરું આશ્ચર્ય ત્યારે થયું જયારે અમે વેજીટેરીયન છીએ એવું જાણવા મળ્યું એટલે ‘ડુ યુ ઇટ ચિકન?’, અને ‘ડુ યુ ઇટ સી ફૂડ?’ જેવા પ્રશ્નો અમેરિકન મિત્રોએ પૂછ્યા. એમને એવું કે ચિકન કે ફીશ એ વેજીટેરીયન છે. એટલે જ તો અમને આ પોઠીયા જેવા અમેરિકન સહપાઠીઓ ને લઈને એવો પ્રશ્ન થયો છે કે ‘આ લોકોએ આટલી પ્રગતિ કેવી રીતે કરી હશે?’

જોકે આ પણ એક લેસન હતો. આપણે જેને નોન-વેજ ગણતા હોઈએ તેને ત્યાંના લોકો વેજ પણ ગણી શકે. એકંદરે એવું લાગ્યું કે બીફ અને પીગનાં માંસને ત્યાંના લોકો નોનવેજ ચોક્કસ ગણે છે, બાકીની આઇટમ્સ માટે સાવચેત રહેવું સારું. એટલે જ અમેરિકામાં પહેલાં અઠવાડિયામાં જો ભોગેજોગે બહાર ખાવાનું હોય અને એ પણ જાતે ઓર્ડર કરવાનું હોય, અને એમાંય જો તમે ચુસ્ત શાકાહારી હોવ તો ભૂખ્યા રહેવાની શક્યતા ઘણી. સૌથી મોટી સમસ્યા તો ઓર્ડર લેનારી શું કહે છે તે સમજવાની થાય. એ માત્ર ‘યુ વોન્ટ ટુ ઇટ હીયર ઓર ટુ ગો?’ એટલે કે ‘અહિં ખાશો કે પેક કરી આપું’ એટલી સામાન્ય વાત પહેલીવાર સાંભળો તો ‘બોલી તો અંગ્રેજીમાં જ પણ કંઈ સમજ ન પડી’ એવું થાય. છેવટે બઘવાઇ જઈ એનો જવાબ ન આપી શકીએ. અથવા તો નાના છોકરા કરે એમ, પેલી છેલ્લે બોલી એ (ટુ ગો) ભૂલમાં બોલી નાખીએ તો હાથમાં પેક કરેલી સેન્ડવીચની કેરી બેગ આવી જાય!

અઠવાડિયું દસ દિવસ કોઈ ગુજરાતી પરિવાર સાથે રહો તો તમને ‘ઇન્ડિયન ગ્રોસરી’ સ્ટોર જવાનો લાભ મળે. મતલબ કે ખાસ ઈન્ડીયન આઇટમ્સ મળતી હોય તેવો સ્ટોર. ત્યાં નકરા ઇન્ડિયન્સ ને એમાંય ગુજરાતીઓ ઉભરાતા જોવા મળે. ભૂરિયાને જોઈને કંટાળ્યા હોવ તો અહિં તમને ઇન્ડિયન્સને જોઈ કંટાળવાનો બ્રાંડ ન્યુ ચાન્સ મળે. એ લોકો ત્યાંથી ગ્લુકોઝ બિસ્કીટ, કોપરેલ, રાજગરાનો લોટ જેવું ખરીદે એ જોવાની મઝા આવે. અમેરિકન સુપર સ્ટોર્સમાં ન મળતી હોય અથવા જે નો અમેરિકન ટેસ્ટ ન ગમતો હોય તેવી આઈટમો આપણા લોકો અહિંથી ખરીદે. જોકે એવી આઇટમ્સનાં ભાવને ૬૩ વડે ગુણી ઇન્ડિયાના ભાવમાંથી બાદ કરતાં વધેલી રકમ વિષે વિચારતા આપણો જીવ અવશ્ય બળે. આવા સમયે ‘ભણેલું તેલ લેવા જાય, આપડે પણ આવો સ્ટોર ખોલવો’ એવા વિચાર પણ ક્યારેક આવી જાય!
ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરની આસપાસમાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી આવે. એમાં કોકમાં સાઉથ ઇન્ડિયન કુક હોય તો કોકમાં નોર્થ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન કુક પંજાબી પણ બનાવે અને નોર્થ ઇન્ડિયન ઢોસા. એટલે એવું નથી કે ન કરી શકાય. પણ એકંદરે ટેસ્ટ એવો જ હોય. જોકે બધાં એ હોંશે હોંશે ખાય. ઘણા તો ચાર-પાંચ વરસથી ઇન્ડિયા ન ગયા હોય એવામાં એમને સાઉથ ઇન્ડિયન ટેસ્ટનું પંજાબી અને નોર્થ ઈન્ડીયન ટેસ્ટના ઢોંસામાં વાંધો ન હોય તો આપણે કોણ છીએ એ અંગે વિરોધ નોંધાવનારા? ઈન્ડીયન ગ્રોસરી સ્ટોર્સ અને રેસ્ટોરન્ટની ખાસિયત એ કે ૨૦-૨૫ ડોલરથી ઓછાં બિલ માટે ક્રેડિટ કાર્ડ પર એક્સ્ટ્રા ચાર્જ કરે. બાકી અમેરિકન જોઇન્ટ પર અમે ૭૨ સેન્ટ માટે પણ ક્રેડિટ કાર્ડ ઘસાવેલું છે. પણ આપણા લોકો આવા એક્સ્ટ્રા ચાર્જ વસુલે એટલે ત્યાં કેશમાં વ્યવહારો થાય. કદાચ ત્યાં પણ અપૂનવાલે બ્લેકના અને વ્હાઈટના કરતાં હોય તો નવાઈ નહી!

ન્યુયોર્કમાં અમે ‘ચીપોત્લે’ જેવા મહરાષ્ટ્રીયન લાગતા નામવાળી રેસ્ટોરન્ટમાં ખાધું હતું. એમાં બરીતોનાં નામે રોટલીની અંદર ભાત અને એનાં ઉપર ચીઝ, સલાડ અને તમે કહો એવા સોસ નાખીને રોલ કરીને આપી દે. પછી આપણે એ રોટલી-ભાતનાં રોલને ડૂચા મારીને ખાઈએ એટલે આપણને ત્યાં લાવનાર મોજથી આપણને તાકી રહે! ત્યાં જ મામુન્સનું ફલાફલ પણ ખાધું. ફલાફલ ઇન્ડિયામાં પણ મળે છે. પણ ન્યુયોર્કનું આ પ્રખ્યાત. ફલાફલ એટલે રોટલાના ખિસામાં સલાડ, ભજીયા અને સોસ. સબ વેમાં તો કાયદેસર બ્રેડ પહોળા કરી અંદર કોબી-ડુંગળી-કાકડી ભરી આપે. ક્યાંય આપણે ત્યાં જેવું સ્પાઈસી ન મળે. સરકારી શાળાઓમાં મળતાં ભોજન જેવું ફિક્કું. એક જગ્યાએ બેક્ડ પોટેટો ખાધો. એમાં મોટી સાઈઝના શેકેલા બટાકામાં તમે કહો એ ભરી આપે. વેજીટેરીયન હોવ એટલે ચીઝ અને બીજાં એકાદ બે સોસ નાખીને ખાવાના. એકંદરે આખો દહાડો ખા ખા કરો તો છેવટે ભૂખ્યાના ભૂખ્યા. હા, સીસીઝમાં પિઝા ખાવાની મઝા આવી ગઈ, ખાસ કરીને એનાં સ્વીટ પિઝા! હાસ્તો, ગુજરાતી બચ્ચાને ગળપણ વગર મઝા ન આવે!

અમેરિકન વર્ક કલ્ચરને લીધે ત્યાં ઇન્ડિયન્સમાં રોજ રસોઈ કરવાનો રીવાજ નથી, યંગ કપલ્સમાં તો ખાસ. વિકેન્ડમાં એકાદ આઇટમ બનાવી દે, જેમ કે આલુ મટર. પછી આલુ મટર સપ્તાહ ઉજવાય. એક દિવસ રોટલી સાથે, બીજાં દિવસે બ્રેડ સાથે, ત્રીજા દિવસે થેપલા સાથે, ચોથા દિવસે મેગી સાથે ને પાંચમાં દિવસે ‘આ તો ઉપર સેવ ભભરાવીને પણ ખાઈ શકાય છે’ એવી ખબર પડે. પછી તો શનિવાર આવી જાય અને આખું અઠવાડિયું ઘરનું જ ખાધું હોય એટલે પછી હુતોહુતી બહાર જ ખાવા જાય ને ?