Saturday, December 21, 2013

ભારત અમેરિકાને મિસાઈલ ટેકનોલોજી નહી વેચે

અમેરિકા ખાતે ભારતીય રાજદુત દેવયાની સાથે દુર્વ્યવહાર બાદ ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. અને હજુ આકરાં પગલા ભરવા સરકાર પ્રતિબદ્ધ છે એ સાબિત કરવા સરકારના વિવિધ મંત્રાલયોએ નીચે મુજબની જાહેરાતો કરી છે. આ જાહેરાતો વાંચીને અમેરિકા ચોંકી ઉઠ્યું છે અને તાત્કાલિક અસરથી આખા મામલાને દબાવી દેવા કામે લાગી ગયું છે.

રમત ગમત મંત્રાલય: ભારત અમેરિકા સાથે ક્રિકેટ નહી રમે. આ ઉપરાંત થપ્પો, સાત તાલી, આઈસ પાઈસ, લખોટી, જેવી રમતોનો પણ બહિષ્કાર કરવામાં આવશે.

વાણીજ્ય મંત્રાલય : ભારતમાં અમેરિકન બ્રાન્ડની આઇટમ્સ પર પ્રતિબંધ લાદશે. હવે અમેરિકન મકાઈ ભૂતકાળ બનશે. પિઝા, બર્ગર અને સેન્ડવીચ વેચતી અમેરિકન કંપનીઓને બ્રેડ કે બ્રેડ પ્રોડક્ટ્સ પર હવે સ્લાઇસ/પીસ દીઠ ૧૦૦ રૂપિયા સરકારી ટેક્સ ચૂકવવો પડશે. અડબંગ દળે આ જાહેરાતને આવકારી છે.

સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય : ભારત અમેરિકાને મિસાઈલ ટેકનોલોજી નહી વેચે. શિવકાશી ફટાકડા એસોશિયેશને આ જાહેરાતનું ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું.

શિક્ષણ મંત્રાલય : ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકા જતાં રોકવા અમેરિકન યુનિવર્સીટીને ટક્કર મારે એવી સંસ્થાઓ ઊભી કરાશે. શરૂઆત એમ.આઈ.ટી. સ્થાપી કરવામાં આવશે. ગુજરાતની મણિભઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીની નવી કોલેજ માટેની અરજીનો ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક નિકાલ.

પ્રવાસન મંત્રાલય : અમેરિકન ટુરીસ્ટને અન્ય ટુરીસ્ટ જેવી ઘટિયા સર્વિસ આપવાનું ચાલુ રાખવામાં આવશે. અમદાવાદ રિક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશને આ જાહેરાતને વધાવી છે.

સંરક્ષણ મંત્રાલય : અમેરિકા હાલી ઊઠે એવી ચેતવણી પાકિસ્તાનને આપવામાં આવશે. પાકિસ્તાને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

કાયદો અને ન્યાય મંત્રાલય : કાનુન કે હાથ બહોત લંબે હે એ અમેરિકા યાદ રાખે. અમેરિકન હોય કે ઓસ્ટ્રેલિયન કાયદો કાયદાનું કામ કરશે.

કૃષિ મંત્રાલય : ભારતીય કૃષિ પ્રોડક્ટ્સ જેવી કે તમાકુ, સોપારી, ચરસ, ગાંજો, વગેરેને અમેરિકામાં એક્સપોર્ટ કરવા ખેડૂતો માટે આકર્ષક યોજનાઓ. ચરોતર અને રાજસ્થાનમાં સરકારની આ યોજનાને બેનરો લગાવી વધાવી.

શહેરી વિકાસ મંત્રાલય : ઉત્તરપ્રદેશના બે અલ્પ વિકસિત શહેરોના નામ બદલીને ન્યુયોર્ક અને વોશિંગટન કરી દેવામાં આવશે. ખાયાવતીનો નામ બદલવા સામે વિરોધ.

આરોગ્ય મંત્રાલય : ભારતના કોઈ પણ નેતા કે સેલીબ્રીટી મેડીકલ ટ્રીટમેન્ટ માટે અમેરિકા નહી જાય. એક ચોક્કસ પક્ષના કાર્યકરો ચિંતામાં.

1 comment:

  1. જેમની ટ્રીટમેન્ટ ચાલુ હોય એને શું? એમને માટે યુવાકોન્ગ્રેસ દેખાવો કરશે? એ જાણવા જોતા રહો ANN ના સમાચાર।.........

    ReplyDelete