Wednesday, February 26, 2014

દેશી ઉપાયો

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૩-૦૨-૨૦૧૪ | અધીર અમદાવાદી | 

  • મધને લીંબુ સવારે પીવાથી ચરબી ઓગળી જાય છે. 
  • ‘સોળ ઔંસ’ ચાના પાણીમાં બે ચમચી મધ અને ત્રણ ચમચી તજનો પાવડર મેળવીને કોલસ્ટરોલના દર્દીને પિવડાવવાથી બે કલાકમાં દસ ટકા કોલસ્ટરોલ ઘટે છે.
  • રોજ સવારે ઊઠી ‘નરણા કોઠે’ મૂળા ખાવાથી ‘થોડા દિવસોમાં’ કમળો મટે છે. 
  • નિયમિત જમ્યા પહેલા લાલ પાકું ટામેટું કાપી તેની પર ‘સિંધાલુ મીઠું’ અને કાળા મરીનો ભુક્કો નાંખી આદુ સાથે લઈ બાદમાં ભોજન કરવાથી મોઢાના ચાંદા સાજા થઈ જાય છે. 
  • લવિંગ બાળીને એની રાખ મધ સાથે ચાટવાથી ઉધરસ મટે છે.

ઇન્ટરનેટ સુલભ થયું ત્યારથી અમુક લોકોએ રોગ અને એના દેશી ઉપાયનો ફેલાવો કરવાનો જાણે ભેખ લીધો હોય એમ લાગે છે. રોજ સવાર પડે અને આપણા મેઇલ-બૉક્સમાં ઉપર મુજબના ઉપાયના ગુણગાન ગાતી મેઇલ આવીને પડે છે. સાચું-ખોટું સાચે જ રામ જાણે, પણ નવરા અને આપત્તિગ્રસ્ત આ બે પ્રકારના લોકો આવી ઈ-મેઇલમાં ખાસ ટીંગાય છે. તો ઘણાં પોતે જલકમલવત્ રહી, આમાં દર્શાવેલા એક્સ્પેરીમેન્ટસ કર્યા વગર બીજા જરૂર કરશે તેવી શ્રદ્ધા સહિત, બારોબાર આવા ઈ-મેઇલ બીજા પચ્ચીસ-પચાસ જણને ફોરવર્ડ કરે છે. આ ઈ-મેઇલ વાંચીને કેટલાય ધંધે લાગી જાય છે. કોઈક જાતે પ્રયોગ કરે છે. અમુક લોકો પોતાના પ્રભાવક્ષેત્રમાં આવતા અન્ય લોકોને પણ આ ઉપાય અજમાવવા મજબૂર કરે છે.


સાયન્સ દ્વારા વર્ષોથી થયેલા સંશોધનને આધારે દવાઓ બને છે. પણ આપણે એ છોડીને કોઈએ ઈ-મેઇલ પર ઉપર જણાવ્યું એવા દર્દ મટાડવાના ઉપાય કે કોઈ ઘરેલું નુસખા બતાવ્યા હોય તેના પર વિશ્વાસ કરી અખતરા કરીએ છીએ. અંતે કેસ બગડે ત્યારે ફરી જે ડોક્ટરો પર વિશ્વાસ નહોતો એમની પાસે જઈએ છીએ. આ દેશી ઉપાયોનું કવિ જલન માતરી કહી ગયા એવું છે, કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?’ તોયે તમે તાણ કરો તો આવા દેશી ઉપાયની તરફેણમાં કાયદાની ભાષામાં હિઅર-સે’, કે જે કોર્ટ માન્ય નથી રાખતી, એવા પુરાવા રજૂ કરવામાં આવે. હિઅર-સે મતલબ બીજી વ્યક્તિએ ત્રીજી વ્યક્તિને કહેતા સાંભળી હોય તેવી વાત. જેમ કે ..

આ એલોપથીની દવાઓ તો ખવાય જ નહિ
કેમ?’
એમાં દર્દના મૂળ સુધી નથી જતા.
એવું તને કોણે કીધું?’
મારા મામાએ
મારી જાણકારી મુજબ તારા મામા કે એમની સાત પેઢીમાં કોઈ ડૉક્ટર નથી. અને ભવિષ્યમાં પણ થાય એવું મને લાગતું નથી!
સારું હવે. એમની ઝેરોક્સની દુકાન છે, અને એ તમને ખબર છે.
ઠીક! તો પછી મામા કોની દવા ખાવાનું કહે છે?’
જુઓ, મામીના પાડોશીના વેવાઈને અમુક પડીકી ફાકવાથી એક અઠવાડિયામાં ડાયાબીટીસ મટી ગયો હતો’.
તે તને આ મામીના પાડોશીના વેવાઈએ કીધું હશે નહિ?’
ના, હું તો એમને ઓળખતી જ નથી
વેવાઈ નહિ તો મામીના પાડોશી ને તો તું મળી હોઈશ એમ ને? શું નામ એમનું?’
ના, એ તો મામીના જુના પાડોશીની વાત છે, ત્યારે તો મામા-મામીના લગ્ન પણ નહોતા થયા’.
ઓહ, પણ  મામા-મામીને એમની સાથે બહુ સારા સંબંધ હશે નહિ?’
ના એવું પણ નથી, મામી લોકો તો કદાચ એક વરસ જ એ સોસાયટીમાં રહ્યા હતા’.
તો મામીને એમના આ એક્સ પાડોશીનાં આ નામ વગરના વેવાઈને ડાયાબીટીસ એક અઠવાડિયામાં મટ્યો એની આધારભૂત માહિતી કઈ રીતે મળી હશે?’
અલા, તમે બહુ લપ કરો છો, આપણે ડાયાબીટીસ મટાડવાથી કામ છે કે મામી એમના પાડોશીના વેવાઈને ઓળખે છે કે નહિ તેની સાથે?’
પણ વેવાઈને એક અઠવાડિયામાં ડાયાબીટીસ મટ્યો હોય તો એ ખરેખર રેકૉર્ડ કહેવાય.
હશે, રેકૉર્ડ હોય તો આપણે શું?’
આપણને કેમ કશું નહિ? આવી અઠવાડિયામાં ડાયાબીટીસ મટાડી દે એવી જાદુઈ પડીકી મળતી હોય તો આપણે એ પડીકીની એજન્સી લઈએ. દેશ વિદેશમાં વેચીએ. એવી પડીકીની પેટન્ટ કરાવીએ. રાતોરાત અબજપતિ થઈ જશું!
આપણને અબજપતિ થવામાં રસ નથી, ડાયાબીટીસ મટાડવામાં રસ છે’.
તને નહિ હોય, પણ મને છે. આવી જાદુઈ પડીકી હોય તો ડાયાબીટીસ ગયો તેલ લેવા, આપણે આ પડીકીનાં રાઈટ્સ લઈ લઈએ’.
જવા દો તમે, ટીકડીઓ ખાધે રાખો
એ ગુમનામ પડીકીઓ કરતા આ ટીકડીઓ સારી
ભલે એમ રાખો, પણ પછી હેરાન થાવ તો મને ના કહેતા
સારું નહિ કહું. પણ એ વેવાઈનું નામ સરનામું મળે તો તપાસ કરજે!
--
વાત ત્યાં પૂરી થઈ. એ દિવસે આ ટીકડી ચાહકનાં જમવામાં પણ ભલીવાર ન આવ્યો. એટલે જમવાનું ઓછું ખવાયું. આમ પડીકીથી તો નહિ તો પડીકીની ચર્ચાથી ડાયાબીટીસ એક દિવસ તો માપમાં રહ્યો!

આ દેશી ઉપાયની એક ખાસિયત એ છે કે એમાં એવી ખરાબ સ્વાદ ધરાવતી વસ્તુઓ ખાવાની કે ચાટવાની હોય છે કે એ ખાધા પછી તમને તમારું દર્દ ઉપચાર કરતાં સારું લાગવા માંડે છે. બાકી જો એમ મધ અને લીંબુનું પાણી પીવાથી ખરેખર ફેટ બળતી હોત તો અત્યારે દુનિયામાં મધ અને લીંબુની અછત સર્જાઈ ગઈ હોત. અને વર્લ્ડ ઓબેસિટી કૅપિટલ ગણાતાં અમેરિકાએ આરબોના તેલના કૂવા છોડી આફ્રિકાના જંગલોમાં મધપુડા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત! અને અમે પણ નોકરી અને લખવાનું છોડી મધ-ઉછેર કેન્દ્ર શરુ કરી દીધું હોત! અને હા, આ લેખ વાંચી કોઈ દેશી ઉપાયવાળાને ગુસ્સો આવ્યો હોય તો બે ગ્લાસ ઠંડું પાણી, એ પણ જે લાગુ પડતો હોય એ કોઠે, પી લે. રાહત રહેશે. સાચ્ચે!

Friday, February 21, 2014

અગલે જનમ મુજે પાનીપુરીવાલા હી કીજો

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૨૬-૦૧-૨૦૧૪ રવિવાર
 
 

ગુજરાતી સ્ત્રીઓના જીન્સમાં કશુંક એવું છે કે જે એમને પાણીપૂરીની લારી તરફ ખેંચે છે. આવું રીસર્ચ ગુજરાત યુનિવર્સીટીમાં થયું હોવું જોઈતું હતું. પણ એવું થયું નથી. આમ છતાં પાણીપૂરીની લારી કે ખુમચા કરનાર ભૈયાજીઓને આ રીસર્ચના તથ્યોની જાણકારી છે. એટલે જ કોઈપણ વિસ્તારના શાકમાર્કેટની આસપાસ પાણીપૂરીની લારીઓ અને એની આજુબાજુ લગ્ન પ્રસંગે થતાં મીની ગરબાની જેમ કુંડાળું કરીને ઉભેલી મહિલાઓ નજર આવશે. એટલે જ અમે કવિ ‘ખલીલ ધનતેજવી’ની ક્ષમાયાચના સાથે કહ્યું છે કે,

“શાકમાર્કેટ જઈ જે પાણીપૂરી ખાતી નથી,
તે સ્ત્રી ગમે તે હોય ગુજરાતી નથી” 
 
‘ચારો તરફ ગોપીયાં બીચ મે કન્હૈયા’ એ દરેક દિલફેંક કોલેજિયનનું સપનું હોય છે, આ સપનું કોલેજીયનને પાણી-પૂરીવાળા ભૈયાના જીવનમાં સાકાર થતું દેખાય છે. પાણીપૂરીની લારી પાસે સર્જાતું મોહક દ્રશ્ય જોઈને કદાચ એ ભગવાનને મનમાં વિનવતો પણ હોય કે પ્રભુ, અગલે જનમ મોહે (પાનીપૂરીવાલા) ભૈયા હિ કીજો. પણ વિધિની વક્રતા એ છે કે અનેક હસીનાઓથી ઘેરાયેલો હોવા છતાં એ બધાનો પ્યારો ભૈયો જ રહે છે. છતાં ભાઈબીજ પર એની સગી બહેન સિવાય આ સ્વાદની બહેનો એને કદી ઘેર જમવા બોલાવતી નથી તે ભૈયાના જીવનની કરુણતા દર્શાવે છે. એટલે જ કદાચ એવું કહેવાય છે કે જે માણસ વારેઘડીએ ગર્લફ્રેન્ડ બદલતો રહે છે એ નેક્સ્ટ જનમમાં પાણી-પૂરીવાળો ભૈયો બને છે. જો આવું હોય તો આવતાં જન્મમાં તમને સલમાન ‘ભૈયા’ના હાથની પાણી પૂરી ખાવા મળે એવા ચાન્સ ખરા.

પાણીપૂરી ખાનાર બે પ્રકારના હોય છે. બિન્ધાસ્ત પાણીપૂરી ખાનાર અને સાવચેતીપૂર્વક ખાનારા. બિન્ધાસ્ત ખાનારને પાણી-પૂરી સાથે ઋક્ષ-મધુ (રીંછ-મધ) જેવો સંબંધ હોય છે. પાણીપૂરીની ખુશ્બુ આવ્યા પછી એની હાલત મધ ભાળી ગયેલા રીંછ જેવી થઇ જાય છે. છેવટે એ દસ કે વીસ રૂપિયાની પાણીપૂરી મોઢામાં ઓરીને રસ્તે પડે છે. જયારે ચેતતા નર-નારી પાણીપૂરીવાળાનું કુળ કયું? એનાં ઘરમાં નહાવા-ધોવાની સગવડ છે કે નહીં? અને જો છે તો કેવી છે? તેવી માહિતી માગતા નથી એ ગનીમત છે.
 
પાણીપૂરી ખાવા માટે બે મુખ્ય લાયકાત જરૂરી છે. એક તો મ્હોં પૂરતું પહોળું થતું હોવું જોઈએ અને બીજું સ્પીડ. અગાઉ જણાવ્યા અનુસાર પાણીપૂરી ઉપર ભારતમાં અમારા સિવાય કોઈએ ખાસ રીસર્ચ નથી કર્યું, એટલે ભારતીય સ્ત્રીઓના મ્હોં કેટલાં પહોળા થાય છે તે અંગે કોઈ આધારભૂત આંકડા મળતાં નથી. માત્ર આકાશ માર્ગે લંકા જતા શ્રી હનુમાનજીને ગળી જવા માટે રાક્ષસી સુરસાએ એનું મોઢું સોળ યોજન જેટલું પહોળું કર્યું હતું એવો રામાયણમાં ઉલ્લેખ મળે છે. આ કદાચ એવો રેકોર્ડ છે જે તોડવા માટે પાણી-પૂરીના ખુમચા પાસે છુટાછવાયા પ્રયત્નો થતા રહે છે. જયારે પુરુષોમાં એક વર્ગ અઠંગ માવાબાજોનો છે જેમના મોં ‘ઓરલ સબમ્યુક્સ ફાઈબ્રોસીસ’ના કારણે આસાનીથી ખુલતા ન હોઈ પાણીપૂરીના અલૌકિક સ્વાદથી વંચિત રહે છે.

બીજું, પાણીપૂરી ખાનારે ધાબુ ભરવા માટે એક પછી એક તગારું ચડાવતા મજુર જેવી સ્ફૂર્તિ દાખવવી જરૂરી છે. છતાં ભાવકો કહે છે કે એક સાથે ચાર-પાંચ જણને પાણીપૂરી સર્વ કરતા ભૈયાની સ્પીડને પહોચી વળવું ‘મુશ્કિલ હી નહિ નામુમકીન’ છે.

આજકાલ નવીનતાના નામે આઈસ્ક્રીમના ભજીયા, ચીઝ ઢેબરાં અને ચોકલેટ સેન્ડવીચ મળતા થઇ ગયા છે. ખાખરામાં પણ પાણીપૂરી, ઢોંસા અને ભાજીપાઉં ફ્લેવર મળે છે. પણ પાણીપૂરીમાં જોઈએ તેટલું વૈવિધ્ય આવ્યું નથી. આ સંજોગોમાં અમે અખિલ ગુજરાત પાણીપૂરી અનુરાગી મહિલા મંડળ વતી વ્હાલા ભૈયાઓને અપીલ કરીએ છીએ કે પાણીપૂરીમાં પણ ચોકલેટ, ચીઝ, ઢોકળા, ઢોંસા, ભાજીપાઉં અને અમારા જેવા ગળ્યાના શોખીન માટે શીખંડ અને બાસુદી ફ્લેવરની પાણીપૂરી પણ સત્વરે ચાલુ કરે.

એક સામાન્ય અવલોકન છે કે ‘બહાર’ જેવી પાણી પૂરી ઘરે બનતી નથી. લોકો ભલે શેકેલું જીરું, સફેદ મરચું, બાદીયાન વગેરે નાખી ચટાકેદાર બનાવવાની કોશિશ કરે છતાં એમાં ‘ભૈયાવાલી બાત’ નથી બનતી. અમુક ઝનૂની સાહસિકો પાણીમાં ભૈયાના પરસેવાવાળો ગમછો નાખવાનો નિષ્ફળ અખતરો પણ કરી ચૂક્યા છે. છતાં એક વાત સમજી લો કે તમે પાણીથી આખો હોજ ભરીને એમાં આખા ગામના ભૈયાજીઓને ડૂબકા મરાવશો તો પણ તમારે જોઈએ છે એવો સ્વાદ નહિ જ મળે. એટલે આ બધું છોડી અને માઈન્ડ બ્લોઇંગ ટેસ્ટવાળી પાણીપૂરી ઘરે બનાવવાની અમારી ટૂંકી અને ટચ રેસિપી નોંધી લો,
૧. ભૈયાજી સિવાયનું બધું જ બજારમાંથી તૈયાર લઈ આવો, 
૨. બનાવો 
૩. ખાવ. 

Thursday, February 20, 2014

ઘુવડ જોયું ને તમે યાદ આવ્યા

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૬-૦૨-૨૦૧૪ | અધીર અમદાવાદી | 



એન્ટારટીકાનાં બર્ફિલા પવનોમાં
સહરાની ધગધગતી રેત પર
આફ્રિકન જંગલી જંગલોમાં
બુર્જે ખલીફાની ટોચ પર
ને મુંબઈની પરસેવાનુંમાં લોકલ ટ્રેઈન્સમાં
મને યાદ આવે
મોરિશિયસનાં
આસમાની પાણી
જેવી તારી આંખો !!!!
--
કવિ આમાં કોઈને ક્યાં ક્યાં યાદ કરી શકાય તે કાવ્યાત્મક રીતે કહે છે. આ લખનાર કવિ પણ અમે જ છીએ. આમાં જાણવા જેવું એ છે કે કવિ આમાંથી મુંબઈની લોકલ ટ્રેઇન સિવાય ક્યાંય ગયા નથી. ન ભવિષ્યમાં સહરા કે એન્ટારટીકા જવાની એ કોઈ ખેવના ધરાવે છે. આ તો બસ મન થયું એ લખી નાખ્યું. આમાં કવિ કશું કહેવા નથી માંગતા. પણ જો તમે આ જ કવિતા કોઈ નામી મેગેઝીનમાં વાંચો તો ઓળઘોળ થઈ જાવ એવું પણ બને. 

કોઈ કવિએ લીલું પાન જોઈને લખી નાખ્યું હતું કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’. અહિં સવાલ એ થાય કે લીલા પાન અને પ્રેમિકામાં શું સમાનતા હશે? લીલું પાન જોઈને કોઈ યાદ આવે એમ જ પીળું પાન જોઈને કોક યાદ ના આવે? માની લો કે કોઈ કવિની પ્રેમિકા ખાતાં-પીતાં ઘરની હોય તો રસોડામાં અનાજ ભરવાના પીપડાં જોઈને કવિને પ્રેમિકા યાદ આવતી હશે કે નહી? એવી જ રીતે સામેવાળી પાર્ટીને મમરાનો થેલો જોયોને તમે યાદ આવ્યાંએવું સ્ફુરી શકે ને? જોકે આ મમરાના  થેલાની ઉપમા કવિ માટે નહીં જ હોય કારણકે કવિ મમરાના થેલા જેટલા તંદુરસ્ત હોય તે વાત માની શકાય એવી નથી. અને જો એ તંદુરસ્ત હોય તો એવું ચોક્કસ માની લેવું કે કવિતા એમનું અર્થોપાર્જન માટેનું મુખ્ય કાર્ય તો નહીં જ હોય.

જ્યારે અર્થોપાર્જન કરતાં અર્થવિસર્જન વધુ થતું હોય ત્યારે રૂપિયાની તંગી પડે છે. આવા સમયે રૂપિયા ઉછીના જરૂર પડે અને ત્યારે સગાં યાદ આવે છે. એવી જ રીતે મુસીબતમાં દોસ્ત યાદ આવે છે. નાના હતા અને વાગે ત્યારે મમ્મી યાદ આવતી હતી. ઘડપણમાં ભગવાન યાદ આવે છે પણ યુવાનીમાં છોકરાને છોકરી અને છોકરીને છોકરો યાદ આવે એવા ચાન્સ વધારે છે. કવિઓની વાત કરીએ તો એમને ઝાડમાં, પાનમાં, ખેતરમાં, ચાસમાં, ઝાકળમાં ને ઘાસમાં પ્રેમિકા દેખાતી હોય છે. આ કવિની પ્રેયસી કોકવાર રૂબરૂ જોવા મળે તો ખબર પડે કે કેમ કવિ આ ઝાડ-પાન ને ઘાસમાં કોકને શોધે છે! પણ કવિ છે. કવિ અને પ્રેમીને બધી છૂટ હોય છે.

કવિને તો દાઢી કરતાં પણ કોઈની યાદ આવે. પણ આમ દાઢી કરતાં લોહી નીકળે ને એ વખતે જો કોઈને યાદ કરવા જઈએ તો એટલી વારમાં લોહી દદડે અને કપડાં બગડે. કપડાં બગડે એટલે મમ્મી લઢે. એટલે જ દાઢી કરતાં લોહી નીકળે તો સૌથી પહેલાં તો ડેટોલથી ઘા સાફ કરીને ઉપર દવા ચોપડવી જોઈએ. બીજું કે જે બ્લેડ વાપરવાથી આમ લોહી નીકળતું હોય તે બ્લેડ જ બદલી નાખવી જોઈએ. સારી બ્લેડ ખરીદો તો લોહી ના નીકળે. આમાં પાલવનો પ્રયોગ લૂછવા માટે બિલકુલ કરવો નહી. કારણ કે આજકાલ સાડીઓ પ્રસંગે જ પહેરાય છે એટલે સામાન્ય રીતે મોંઘી જ હોય છે. એવી સાડીનો ઉપયોગ લોહી ખાળવા કોઈ કરે તે અમારી અમદાવાદી બુદ્ધિમાં તો ઊતરતું જ નથી. પણ આ બધાં કરતાં સૌથી સારું એ કે દાઢી જ કરવી નહી. દાઢી વધારવી. કોઈ પણ કલરની દાઢી. આજકાલ દાઢીનો જમાનો છે ભાઈ!
 
કાર્ટૂન બાય : શ્રી મહેન્દ્ર શાહ
બીજાં એક આદરણીય કવિને પ્રવાસે નીકળતાં પહેલાં પત્ર લખવાની પ્યાસ સળવળી ઊઠે છે’. કદાચ એમણે આ મોબાઈલ, ફેસબુક અને વોટ્સેપ નહી હોય એ જમાનામાં આ લખ્યું હશે. હવે તો યાદ આવે એટલે ફટ્ટ દઈને ફોન ઘુમાવી શકાય છે. પત્ર લખો, પોસ્ટ ઓફિસ જાવ, ટીકીટ ખરીદો, પોસ્ટ કરો, પત્ર પહોંચે અને પેલી વાંચે અને જવાબ આપે એટલો ટાઈમ કોને છે? આજકાલ તો ઇ-મેઇલ કર્યો હોય તો પાછળને પાછળ ફોન કરીને ઇ-મેઇલ જોયો?’ એવું પૂછવાનો રિવાજ છે.

આમ મોટે ભાગે કવિઓ દ્વારા પ્રેમિકાને જ યાદ કરવામાં આવે છે. પણ અમને તો બાઈકને કીક મારતાં પણ ઘણા યાદ આવે છે. એમાં બાઈક સ્ટાર્ટ ન થતું હોય ને ખીજાઈને જ્યારે અમે કીક મારીએ ત્યારે અમને દુશ્મનો અચૂક યાદ આવે છે. લગ્ન માટે સજેલી નવવધૂને જોઈને બપ્પી લહેરી યાદ આવે છે. ઘોડો જોઇને કલ્કી કોચલીન નામની એક એક્ટ્રેસ યાદ આવે છે. અને ગધેડા જોઇને અમને અમુક મૂર્ખાઓ યાદ આવે છે. કારણ કે જ્યાં ન પહોંચે સૂરજ ત્યાં પહોંચે મૂરખ. એવી જ રીતે ઘુવડ જોઇને અમને અમારા એક એક્સ-બોસ યાદ આવે છે. એમનું તો મોઢું જ નહિ સ્વભાવ પણ ઘુવડ જેવો હતો. હવે તમને સ્વાભાવિક રીતે એવો સવાલ થાય કે ઘુવડનો સ્વભાવ કેવો હોય તે અમને કઈ રીતે ખબર પડે? અમે તમારા આ સવાલને બિરદાવીએ છીએ! ધેટ્સ ઇટ!  

Wednesday, February 12, 2014

જયારે ઠંડી પુરબહાર ખીલે છે

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૧૯-૦૧-૨૦૧૪ રવિવાર


આપણે ત્યાં ગુજરાતમાં ઠંડી પડે એટલે છાપાની ભાષામાં ઠંડીનો પારો ગગડે છે. આમ તો પારાના સ્વભાવમાં ગગડવાનું જ લખાયેલું છે. અમુક છાપાં ગાત્રો ગાળી નાખે તેવી ઠંડી પાડે છે. આમાં કેટલાયને ગાત્રો એટલે શું એય ખબર નહી હોય. જોકે આમ ગાત્રો ગાળી નાખે એવી ઠંડી અવારનવાર  પડતી હોવા છતાં કદી આ જ છાપાઓમાં ‘ઠંડીથી ૩૨ જણના ગાત્રો ગળી ગયા’ અને ‘ગળેલા ગાત્રોની તાત્કાલિક સારવાર માટે ૧૮ જણા સિવિલમાં દાખલ’ જેવા પૂરક સમાચારો કદી જોવા નથી મળ્યા. અમુક અખબાર આવી ઠંડીને હાડ થીજાવી નાખતી ઠંડી પણ જાહેર કરે છે. હવે પ્રશ્ન એ થાય કે હાડકામાં થીજાવી નાખવા જેવું બાકી શું છે? અમારી જાણકારી મુજબ હાડકા મહદઅંશે સોલીડ જ હોય છે, લીક્વીડ નહી!

જોકે ન્યુઝમાં ઠંડીના આંકડા વાંચી અમુકને ઠંડીનું લખલખું આવી જાય છે અને ઘરમાં પણ હાથમોજા પહેરીને ફરવા લાગે છે. ક્યારેક જમવા બેસે કે અમુક જરૂરી શારીરિક ક્રિયાઓ કર્યા પછી અચાનક ભાન થાય છે કે ‘હાઈલા, મોજા કાઢવાના તો રહી જ ગયા’. ઠંડીની અસર વૃધ્ધો પર વધારે થાય છે. આ માન્યતા ખોટી છે. અમારા અપ્રસિદ્ધ સંશોધન મુજબ ભારતીય સ્ત્રી માત્ર પરણે એટલે એનાં હોર્મોનમાં કોઈક ફેરફાર થવાથી એને ઠંડી વધું લાગવા લાગે છે. પરણેલી સ્ત્રીને અચાનક સ્કાર્ફ ગમવા લાગે છે એને લાંબી બાંયના સ્વેટર પહેરવાથી એને પિયરમાં હોય તેવી અનુભૂતિ થાય છે. આ પહેરવેશ સાથે પૂર્વાશ્રમમાં આ જ સ્ત્રી કોલેજ ગઈ હોત તો ‘સાવ જોકર જેવી દેખાય છે’ એવું સાંભળવા પામી હોત. જોકે પરણેલી સ્ત્રીને આવું કહેવાની કોઈ જલ્દી હિંમત કરતું નથી, પતિ તો કદી નહીં! 

ઠંડીમાં દૈહિક રીતે જોઈએ તો શરીર ધ્રુજવા લાગે અને દાઢી પણ કકડે છે. ઠંડી પડે એટલે નહાવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જે કોઈ નોધતું નથી. આવામાં બાથરૂમનું વેન્ટીલેટર જો મોટું હોય તો નહાવાની ક્રિયા અધિક સ્ફૂર્તિમાં થાય છે. ઠંડી ઉડાડવા અમુક લોકો હાથ પર ફૂંકો મારી બિરબલની ખીચડીવાળી વાર્તાની યાદ અપાવે છે. અમુક પોતાના હાથ એકબીજાં સાથે ઘસી ચકમક ઝરાવવાની કોશિશ પણ કરતાં હોય છે. તો ઘણાં કામગરા માણસો ઠંડીમાં ખિસામાં હાથ નાખી ફરતાં જોવા મળે છે. ઠંડીમાં કોઈને ચાદર પ્રમાણે પગ લાંબા કરવાની કહેવત યાદ દેવડાવી નથી પડતી કારણ કે ઠંડીમાં લોકો ટૂંટિયું વાળીને ચાદરની અંદર પગ રાખવાના સંનિષ્ઠ પ્રયાસો ઊંઘમાં પણ કરે છે. પગ વાળી અને ઢીંચણ દાઢીને અડે એ રીતે છાતી સરસા ચાંપ્યા બાદ બીડીની ઝૂડી પર દોરો વીંટતા હોવ એમ બન્ને હાથ સામસામે ભીડાવીને થતાં આ ‘ટુંટિયાસન’ની લોકપ્રિયતા બાવા આદમથી લઇને આમ આદમી સુધી બરકરાર રહી છે. 

ઠંડી પડે એટલે માણસ જ નહી શેરીના કૂતરા પણ ઠરી જાય છે. પથ્થર, રોડ કે ઓટલા ઠંડા લાગે એટલે આ કૂતરાં ગરમાવો શોધતાં શોધતાં કારની નીચે ઘૂસી જાય છે. મોટેભાગે રીમોટથી કાર ખોલો એનાં ટકટક અવાજથી, અને અમુક આળસુ કે સ્લો કૂતરા કારનો દરવાજો બંધ કરો એટલે કાર નીચેથી, નિસાસા નાખતાં અથવા મનમાં ગાળો દેતાં બહાર નીકળી અન્ય કાર અથવા હુંફાળી જગ્યા તરફ પ્રયાણ કરે છે. કાર ઉપરાંત કૂતરાની ફેવરીટ જગ્યા પગલુછણિયુ છે. જો રાત્રે ડોરમેટ ઘરમાં પાછું મૂકવામાં આળસ કરી હોય તો રાત્રે અચૂક એને મેટ્રેસ બનાવી લાલીયો કે ટોમી સુઈ જાય છે. ઇચ્છા થાય  તો આ ડોરમેટને એ સ્લીપિંગ બેગ તરીકે સાથે કેરી પણ કરી જાય, જે સવારે બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં રખડતું જોવા મળે છે. 
જે રીતે ઠંડી માણસો અને પ્રાણીઓને નિશાન બનાવી રહી છે એ જોતાં એ સમય દૂર નથી કે અમદાવાદ જેવા શહેરમાં બરફ પડે. આવું થશે તો ઘણી જ રોચક પરીસ્થિત સર્જાશે. અમદાવાદમાં સ્નો પડે તો અમદાવાદીઓ કડકડતી ઠંડીમાં ડીશ લઈને બહાર ઊભા રહે અને બરફમાં શરબત નાખી બરફગોળા ખાય એ નક્કી છે. અને જો સ્નોને બદલે કરાં પડે તો અમદાવાદના રસિકજનો સીધાં કાચના ગ્લાસમાં ઝીલી ફ્લેટની બાલ્કનીમાં જ પાર્ટી કરવા લાગે. એમાં અમદાવાદી હોય એટલે બરફ પહેલાં નાખે. કરાં ઉંચાઈથી પડે એમાં ડ્રિન્ક્સ છલકાઈ જાય તો યાર? 

અમદાવાદમાં બરફ ભલે ન પડે, પણ ઠંડી લોકોને ઉત્તરાયણની ભાષામાં કહીએ તો ‘લપેટ’માં જરૂર લે છે. શાલ-સ્વેટરની લપેટમાં. આવામાં વાંદરાટોપી પહેરીને ફરતા લોકોને ખરા અર્થમાં ‘આઇડેન્ટીટી ક્રાઈસીસ’ થઇ જાય છે. ક્યારેક આમ શાલ-મફલર લપેટી, ઉપર સ્વેટર-વાંદરા ટોપી પહેરીને, વહેલી સવારે સાસરે પહોંચેલો જમાઈ સાસુના હાથે રામલા તરીકે પોંખાઈ જાય છે. આ જ કારણથી વાંદરાટોપી બદનામ છે. અણ્ણા ટોપી અણ્ણા હજારેના કારણે મશહુર છે, જયારે વાંદરા ઉઘાડા માથે ફરતા હોવા છતાં એમની ટોપી ખુબ લોકસત્કાર પામી છે. આ જોતાં વાંદરાઓ પોલીટીક્સમાં ઝંપલાવવું જોઈએ. આમ પણ મોટી ઉંમર સુધી ગુલાંટ મારવામાં તેઓ મહારત ધરાવે છે. કમસેકમ આપણા ખડ્ડુસ બુઢીયાઓ કરતા વાંદરાં સારું કામ કરી શકશે એવી અમને શ્રધ્ધા છે.