Wednesday, February 05, 2014

આજકાલ વહેલાં ઉઠવાનું આઉટ ઓફ ફેશન છે

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૨-૦૨-૨૦૧૪ | અધીર અમદાવાદી | 


બેન્જામિન ફેંક્લીને “અર્લી ટુ બેડ અર્લી ટુ રાઈઝ, મેક્સ અ મેન હેલ્થી વેલ્ધી એન્ડ વાઈઝ” કહ્યું છે. આ કેચફ્રેઝ ‘મેન’ માટે લખાયું છે એટલે સ્વાભાવિક છે તેનો વિરોધ થાય. જો ફેંકલીને ‘... મેક્સ અ વુમન હેલ્થી વેલ્ધી એન્ડ વાઈઝ’ લખ્યું હોત તો એનો બમણો વિરોધ થયો હોત. આ વિરોધ થવાના બે કારણો પૈકી એક તો સમજી શકાય એવું  છે ને બીજું કારણ એ છે કે સ્ત્રીઓ જન્મથી જ ‘વાઈઝ’ હોય છે. એનાં માટે એમણે સવારે વહેલાં ઉઠવાની જરૂર નથી. છતાંયે ભારતમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વહેલાં ઊઠે છે એ પણ હકીકત છે. 

ગુજરાતીમાં પણ “રાતે વહેલાં સુઈને વહેલાં ઊઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર” એવું કહેવાયું છે. એક જમાનામાં દરેક મમ્મીઓને મોંઢે આ અવશ્ય સાંભળવા મળતું હતું. મમ્મીઓ ચૂકી ગઈ હોય તો ટીચર પાસે સાંભળવા મળતું. આ કવિતામાં કવિએ સવારે અકારણ વહેલાં ઉઠવાનો મહિમા ગાયો છે. સૌથી પહેલાં તો વહેલાં ઉઠનારને કવિએ વીરચક્ર એનાયત કર્યો છે. આ સાથે અમે સહમત છીએ. વહેલાં ઉઠનારની વીરતાને બિરદાવવી જ રહી. જે જમાનામાં આ સૂત્ર અતિપ્રચલિત હતું એ જમાનામાં સરકારી કે બેન્કની નોકરીમાં સવારે સાડા-દસે કે અગિયારે પહોંચવાનું રહેતું. આ સમય જાળવવા ઘરકામમાં હાથ પણ ન અડાડે તેવા પુરુષો સવારે પાંચ વાગ્યે ઉઠી જતાં. ઉઠીને ચાની માંગણીઓ કરી ઘરના મહિલાવર્ગને આતંકિત કરવાની પ્રથા એ સમયે પણ બહુપ્રચલિત હતી.
બીજી લીટીમાં કવિ વહેલાં ઉઠવાથી થતાં ફાયદાનું માર્કેટિંગ કરી ગયા છે. વહેલાં ઉઠીને માણસ કદાચ સવારે જોગિંગ માટે જાય, જીમમાં એક્સરસાઈઝ કરવા જાય, કે ઘેર બેસી કસરત કરે એમાં એની શારીરિક તાકાત વધતી હશે. વહેલાં ઉઠીને મળતાં સમયનો સદુપયોગ કરીને કોઈ સારું વાંચન કરે, અભ્યાસ કરે તો જ્ઞાન-સમૃદ્ધ થાય. અને વહેલાં ઉઠીને કમાવા માટે ઉદ્યમ કરે તો ધન-સમૃદ્ધ થાય. પણ ઘણા વહેલાં ઉઠીને પહેલું કામ બીડી કે સિગરેટ તાણવાનું કરે છે. આવા લોકો બે કલાક મોડા ઊઠે તો એમનાં ફેફસામાં પેલો જાહેરાતમાં આવે છે એવો ટાર બોલે તો ડામર ઓછો ચોંટે. અમુક વહેલાં ઊઠે એટલે ભૂખ્યા થઈ જાય. રાતે આઠ વાગ્યે ખાધું હોય એ વાતને દસ કલાક પસાર થઈ ગયા હોય ત્યારે ભૂખ લાગે એ સ્વાભાવિક છે. એટલે ઘરમાં પડેલા સુલભ-નાસ્તાઓ જેવા કે ચવાણા, ચેવડા ઉપર હાથ અજમાવે છે. જેનાથી બુદ્ધિ કે બળ વધતું નથી પણ કાળક્રમે ‘એસિડીટીમાં રહે શરીર’ જરૂર સિદ્ધ થાય છે.
આજકાલ વહેલાં ઉઠવાનું આઉટ ઓફ ફેશન છે. લોકો જેમનું અનુકરણ કરતાં હોય છે તેવા ફિલ્મ-સ્ટાર્સને અમે ટ્વીટર ઉપર ફોલો કરીએ છીએ. ઘણાં સ્ટાર્સની ટ્વિટ આવવાની શરૂઆત જ સવારે અગિયાર બાર-વાગ્યાથી થાય છે. જેમ કે ‘હવે હું ઉઠી. જીમ જઉં કે ન જઉં?’ જેવા પ્રશ્નો પૂછી એ લોકોને મુંઝવી નાખે છે. ફેન્સ પણ પાછાં સલાહ આપે. તો કોઈ સ્ટાર બપોરે બાર વાગ્યે ‘હજુ ઊંઘ આવે છે. આઈ લવ માય બેડ’ એવું લખી ઓફિસમાં અડધાં દિવસનું કામ કરી ચુકેલ લોકોમાં પોતાની જાત અને વ્યવસાય માટે ધિક્કાર પેદા કરે છે. 

જોકે સેલિબ્રિટીઝને જોઈને પ્રશ્ન થાય જ કે શું ખરેખર વહેલાં સુવું અને વહેલું ઉઠવું જરૂરી છે? છાપું નાખનાર, ચાની કીટલીવાળા, રેગ-પીકર્સ, રેલવે સ્ટેશને બહારગામથી આવનાર ટ્રેઈન અને પેસેન્જરની રાહ જોનાર રીક્ષાવાળા વહેલાં ઊઠે છે. વહેલાં ઊઠવા છતાં તેઓ આખી જિંદગી સંઘર્ષ જ કરતાં રહે છે. સામે તારકભાઈ જેવા લેખક છે કે જે રાત્રે મોડે સુધી લખે અને સવારે મોડા ઊઠે છે. અમિતાભ બચ્ચન છે કે જે મોડે સુધી જાગે છે. 

જોકે અમિતાભ બચ્ચન અન્ય ફિલ્મ-સ્ટાર્સથી ક્યાંય જુદાં છે. જેમ સરકારી ઓફિસમાં મોડા આવનાર અને વહેલાં ઘેર જનાર સામસામે ભટકાઈ જતાં હોય છે, તેમ અમિતાભ જેવા રાતે ત્રણ-ચાર વાગ્યે સુઈ જાય અને જતાં પહેલાં ગુડ નાઈટ કે શબ્બા ખેર કરે તે સમયે કેટલાંક ઉત્સાહીઓ ઉઠીને બ્રશ કરતાં હોય છે. અમિતાભ તો ત્રણ-ચાર કલાક જ ઊંઘે છે. અને એટલી ઊંઘ એમને પૂરતી લાગે છે. ઊંઘતા પહેલાં એ બ્લોગ લખે છે અને દિવસ દરમિયાન શું કર્યું એનાં ફોટોગ્રાફ્સ પોસ્ટ કરે છે અને વિચારો લખે છે. પણ અમિતાભ મોડા સુઈને પણ વહેલાં ઉઠી કામ-ધંધે લાગી જાય છે. અમિતાભની સફળતા જોતાં રાતે મોડા સુવાથી પણ ફાયદો થતો હશે એવું ચોક્કસપણે માની શકાય. 

ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો ‘લાસ્ટ ઇન લાસ્ટ આઉટ’ સિદ્ધાંત ઉઠવામાં પણ લાગુ પડે છે. અ.બ. જેવા અપવાદને બાદ કરતાં જવલ્લે જ કોઈ મોડા સુનાર સવારે વહેલાં ઊઠે છે. આમ મોડા ઉઠનારને મોટેભાગે ઉઠ્યા પછી ખબર પડે છે કે પોતે મોડા છે. મોડા ઉઠનારને સૂર્યવંશી કહી ટોણો મારવામાં આવે છે. ખરું જોવા જાવ તો ઘરમાં આવા એકાદ બે મોડા ઉઠનાર હોય તો ઘરમાં સવારે અન્ય લોકોને નહાવા-ધોવામાં નડતા નથી. સૂર્યવંશી હોય એ કોલેજ કે ઓફિસ પહોંચવામાં મોડું થવાના ભયે પ્રાત:ક્રિયાઓ ઘણી સ્ફૂર્તિથી પતાવે છે. મોડું ઉઠનાર સૌથી પહેલા છાપું વાંચવા માટે જીદ નથી કરતું. મોડું ઉઠનાર પાસે કવચિત જ ઘરમાં વાદવિવાદ કરવાનો સમય હોય છે. મોડું ઉઠનારને એલાર્મના ગુલામ નથી થવું પડતું કારણ કે સવારે વહેલાં ઉઠનાર કોઈને કોઈ ઠોંસા મારીને જગાડવા તૈયાર જ હોય છે. મોડા ઉઠનાર કોક રીતે તો અન્યોને મદદરૂપ થાય છે.



                                                                               

3 comments:

  1. તદ્દન સાચી વાત લખી છે. મોડા ઉઠવાના તમારા અભિપ્રાય સાથે હું સહમત છું. આ જ સંદર્ભ માં જ્યોતીન્દ્ર દવેએ બે લેખ છે લખ્યા છે. "વહેલા ઉઠ્નારાઓ ના સામે" અને " મોડા ઉઠનારાઓ ના બચાવમાં" અચૂક વાંચવા જેવા છે.

    ReplyDelete
  2. વહેલા મોડાની ભાંજગડ કાં કરો, કહ્યું છે ને જાગ્યા ત્યારથી સવાર, એટલે જયારે ઉઠો તે જ સાચો સમય છે ઉઠવાનો, આમ તો મને ઇન્સોમીયા ની તકલીફ નથી પણ રાત્રે મોડો એટલે કે અગ્યાર બાર વાગે સુવું અને સવારે પાંચ વાગે ઉઠી જાઉં, દાતણ-પાણી પરવારીને એકાદ ઝોકું ખાઈ લેવાય તો નવ વાગે એકદમ ફ્રેશ થઈને ઉઠું છું, આમ મારી બે સ્વર પડે છે, પ્રોબ્લેમ ફક્ત એટલો જ કે પહેલા જાગું ત્યારે ચા તૈયાર ન હોય અને બીજી વાર જાગું ત્યારે એકદમ ટાઢી ચા પીવી પડે, એટલે સમજ ન પડે કે ક્યારે ઉઠવું જોઈએ, આપ કોઈ સુચન આપો, --- સુંદર લેખ પણ થોડી અનધિકાર ચેષ્ટા થઇ ગઈ, ક્ષમા કરશો।

    ReplyDelete