Wednesday, February 12, 2014

જયારે ઠંડી પુરબહાર ખીલે છે

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૧૯-૦૧-૨૦૧૪ રવિવાર


આપણે ત્યાં ગુજરાતમાં ઠંડી પડે એટલે છાપાની ભાષામાં ઠંડીનો પારો ગગડે છે. આમ તો પારાના સ્વભાવમાં ગગડવાનું જ લખાયેલું છે. અમુક છાપાં ગાત્રો ગાળી નાખે તેવી ઠંડી પાડે છે. આમાં કેટલાયને ગાત્રો એટલે શું એય ખબર નહી હોય. જોકે આમ ગાત્રો ગાળી નાખે એવી ઠંડી અવારનવાર  પડતી હોવા છતાં કદી આ જ છાપાઓમાં ‘ઠંડીથી ૩૨ જણના ગાત્રો ગળી ગયા’ અને ‘ગળેલા ગાત્રોની તાત્કાલિક સારવાર માટે ૧૮ જણા સિવિલમાં દાખલ’ જેવા પૂરક સમાચારો કદી જોવા નથી મળ્યા. અમુક અખબાર આવી ઠંડીને હાડ થીજાવી નાખતી ઠંડી પણ જાહેર કરે છે. હવે પ્રશ્ન એ થાય કે હાડકામાં થીજાવી નાખવા જેવું બાકી શું છે? અમારી જાણકારી મુજબ હાડકા મહદઅંશે સોલીડ જ હોય છે, લીક્વીડ નહી!

જોકે ન્યુઝમાં ઠંડીના આંકડા વાંચી અમુકને ઠંડીનું લખલખું આવી જાય છે અને ઘરમાં પણ હાથમોજા પહેરીને ફરવા લાગે છે. ક્યારેક જમવા બેસે કે અમુક જરૂરી શારીરિક ક્રિયાઓ કર્યા પછી અચાનક ભાન થાય છે કે ‘હાઈલા, મોજા કાઢવાના તો રહી જ ગયા’. ઠંડીની અસર વૃધ્ધો પર વધારે થાય છે. આ માન્યતા ખોટી છે. અમારા અપ્રસિદ્ધ સંશોધન મુજબ ભારતીય સ્ત્રી માત્ર પરણે એટલે એનાં હોર્મોનમાં કોઈક ફેરફાર થવાથી એને ઠંડી વધું લાગવા લાગે છે. પરણેલી સ્ત્રીને અચાનક સ્કાર્ફ ગમવા લાગે છે એને લાંબી બાંયના સ્વેટર પહેરવાથી એને પિયરમાં હોય તેવી અનુભૂતિ થાય છે. આ પહેરવેશ સાથે પૂર્વાશ્રમમાં આ જ સ્ત્રી કોલેજ ગઈ હોત તો ‘સાવ જોકર જેવી દેખાય છે’ એવું સાંભળવા પામી હોત. જોકે પરણેલી સ્ત્રીને આવું કહેવાની કોઈ જલ્દી હિંમત કરતું નથી, પતિ તો કદી નહીં! 

ઠંડીમાં દૈહિક રીતે જોઈએ તો શરીર ધ્રુજવા લાગે અને દાઢી પણ કકડે છે. ઠંડી પડે એટલે નહાવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જે કોઈ નોધતું નથી. આવામાં બાથરૂમનું વેન્ટીલેટર જો મોટું હોય તો નહાવાની ક્રિયા અધિક સ્ફૂર્તિમાં થાય છે. ઠંડી ઉડાડવા અમુક લોકો હાથ પર ફૂંકો મારી બિરબલની ખીચડીવાળી વાર્તાની યાદ અપાવે છે. અમુક પોતાના હાથ એકબીજાં સાથે ઘસી ચકમક ઝરાવવાની કોશિશ પણ કરતાં હોય છે. તો ઘણાં કામગરા માણસો ઠંડીમાં ખિસામાં હાથ નાખી ફરતાં જોવા મળે છે. ઠંડીમાં કોઈને ચાદર પ્રમાણે પગ લાંબા કરવાની કહેવત યાદ દેવડાવી નથી પડતી કારણ કે ઠંડીમાં લોકો ટૂંટિયું વાળીને ચાદરની અંદર પગ રાખવાના સંનિષ્ઠ પ્રયાસો ઊંઘમાં પણ કરે છે. પગ વાળી અને ઢીંચણ દાઢીને અડે એ રીતે છાતી સરસા ચાંપ્યા બાદ બીડીની ઝૂડી પર દોરો વીંટતા હોવ એમ બન્ને હાથ સામસામે ભીડાવીને થતાં આ ‘ટુંટિયાસન’ની લોકપ્રિયતા બાવા આદમથી લઇને આમ આદમી સુધી બરકરાર રહી છે. 

ઠંડી પડે એટલે માણસ જ નહી શેરીના કૂતરા પણ ઠરી જાય છે. પથ્થર, રોડ કે ઓટલા ઠંડા લાગે એટલે આ કૂતરાં ગરમાવો શોધતાં શોધતાં કારની નીચે ઘૂસી જાય છે. મોટેભાગે રીમોટથી કાર ખોલો એનાં ટકટક અવાજથી, અને અમુક આળસુ કે સ્લો કૂતરા કારનો દરવાજો બંધ કરો એટલે કાર નીચેથી, નિસાસા નાખતાં અથવા મનમાં ગાળો દેતાં બહાર નીકળી અન્ય કાર અથવા હુંફાળી જગ્યા તરફ પ્રયાણ કરે છે. કાર ઉપરાંત કૂતરાની ફેવરીટ જગ્યા પગલુછણિયુ છે. જો રાત્રે ડોરમેટ ઘરમાં પાછું મૂકવામાં આળસ કરી હોય તો રાત્રે અચૂક એને મેટ્રેસ બનાવી લાલીયો કે ટોમી સુઈ જાય છે. ઇચ્છા થાય  તો આ ડોરમેટને એ સ્લીપિંગ બેગ તરીકે સાથે કેરી પણ કરી જાય, જે સવારે બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં રખડતું જોવા મળે છે. 
જે રીતે ઠંડી માણસો અને પ્રાણીઓને નિશાન બનાવી રહી છે એ જોતાં એ સમય દૂર નથી કે અમદાવાદ જેવા શહેરમાં બરફ પડે. આવું થશે તો ઘણી જ રોચક પરીસ્થિત સર્જાશે. અમદાવાદમાં સ્નો પડે તો અમદાવાદીઓ કડકડતી ઠંડીમાં ડીશ લઈને બહાર ઊભા રહે અને બરફમાં શરબત નાખી બરફગોળા ખાય એ નક્કી છે. અને જો સ્નોને બદલે કરાં પડે તો અમદાવાદના રસિકજનો સીધાં કાચના ગ્લાસમાં ઝીલી ફ્લેટની બાલ્કનીમાં જ પાર્ટી કરવા લાગે. એમાં અમદાવાદી હોય એટલે બરફ પહેલાં નાખે. કરાં ઉંચાઈથી પડે એમાં ડ્રિન્ક્સ છલકાઈ જાય તો યાર? 

અમદાવાદમાં બરફ ભલે ન પડે, પણ ઠંડી લોકોને ઉત્તરાયણની ભાષામાં કહીએ તો ‘લપેટ’માં જરૂર લે છે. શાલ-સ્વેટરની લપેટમાં. આવામાં વાંદરાટોપી પહેરીને ફરતા લોકોને ખરા અર્થમાં ‘આઇડેન્ટીટી ક્રાઈસીસ’ થઇ જાય છે. ક્યારેક આમ શાલ-મફલર લપેટી, ઉપર સ્વેટર-વાંદરા ટોપી પહેરીને, વહેલી સવારે સાસરે પહોંચેલો જમાઈ સાસુના હાથે રામલા તરીકે પોંખાઈ જાય છે. આ જ કારણથી વાંદરાટોપી બદનામ છે. અણ્ણા ટોપી અણ્ણા હજારેના કારણે મશહુર છે, જયારે વાંદરા ઉઘાડા માથે ફરતા હોવા છતાં એમની ટોપી ખુબ લોકસત્કાર પામી છે. આ જોતાં વાંદરાઓ પોલીટીક્સમાં ઝંપલાવવું જોઈએ. આમ પણ મોટી ઉંમર સુધી ગુલાંટ મારવામાં તેઓ મહારત ધરાવે છે. કમસેકમ આપણા ખડ્ડુસ બુઢીયાઓ કરતા વાંદરાં સારું કામ કરી શકશે એવી અમને શ્રધ્ધા છે.



 



2 comments:

  1. 'અમદાવાદી હોય એટલે બરફ પહેલાં નાખે. કરાં ઉંચાઈથી પડે એમાં ડ્રિન્ક્સ છલકાઈ જાય તો યાર? ' - અફલાતુન
    જોડી ભેગી થઇ ને રંગ લાવી રહી છે :)

    ReplyDelete
  2. Hahah maja aavi gai..."અમદાવાદમાં સ્નો પડે તો અમદાવાદીઓ કડકડતી ઠંડીમાં ડીશ લઈને બહાર ઊભા રહે અને બરફમાં શરબત નાખી બરફગોળા ખાય એ નક્કી છે. અને જો સ્નોને બદલે કરાં પડે તો અમદાવાદના રસિકજનો સીધાં કાચના ગ્લાસમાં ઝીલી ફ્લેટની બાલ્કનીમાં જ પાર્ટી કરવા લાગે. એમાં અમદાવાદી હોય એટલે બરફ પહેલાં નાખે. કરાં ઉંચાઈથી પડે એમાં ડ્રિન્ક્સ છલકાઈ જાય તો યાર? "

    ReplyDelete