Friday, February 21, 2014

અગલે જનમ મુજે પાનીપુરીવાલા હી કીજો

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૨૬-૦૧-૨૦૧૪ રવિવાર
 
 

ગુજરાતી સ્ત્રીઓના જીન્સમાં કશુંક એવું છે કે જે એમને પાણીપૂરીની લારી તરફ ખેંચે છે. આવું રીસર્ચ ગુજરાત યુનિવર્સીટીમાં થયું હોવું જોઈતું હતું. પણ એવું થયું નથી. આમ છતાં પાણીપૂરીની લારી કે ખુમચા કરનાર ભૈયાજીઓને આ રીસર્ચના તથ્યોની જાણકારી છે. એટલે જ કોઈપણ વિસ્તારના શાકમાર્કેટની આસપાસ પાણીપૂરીની લારીઓ અને એની આજુબાજુ લગ્ન પ્રસંગે થતાં મીની ગરબાની જેમ કુંડાળું કરીને ઉભેલી મહિલાઓ નજર આવશે. એટલે જ અમે કવિ ‘ખલીલ ધનતેજવી’ની ક્ષમાયાચના સાથે કહ્યું છે કે,

“શાકમાર્કેટ જઈ જે પાણીપૂરી ખાતી નથી,
તે સ્ત્રી ગમે તે હોય ગુજરાતી નથી” 
 
‘ચારો તરફ ગોપીયાં બીચ મે કન્હૈયા’ એ દરેક દિલફેંક કોલેજિયનનું સપનું હોય છે, આ સપનું કોલેજીયનને પાણી-પૂરીવાળા ભૈયાના જીવનમાં સાકાર થતું દેખાય છે. પાણીપૂરીની લારી પાસે સર્જાતું મોહક દ્રશ્ય જોઈને કદાચ એ ભગવાનને મનમાં વિનવતો પણ હોય કે પ્રભુ, અગલે જનમ મોહે (પાનીપૂરીવાલા) ભૈયા હિ કીજો. પણ વિધિની વક્રતા એ છે કે અનેક હસીનાઓથી ઘેરાયેલો હોવા છતાં એ બધાનો પ્યારો ભૈયો જ રહે છે. છતાં ભાઈબીજ પર એની સગી બહેન સિવાય આ સ્વાદની બહેનો એને કદી ઘેર જમવા બોલાવતી નથી તે ભૈયાના જીવનની કરુણતા દર્શાવે છે. એટલે જ કદાચ એવું કહેવાય છે કે જે માણસ વારેઘડીએ ગર્લફ્રેન્ડ બદલતો રહે છે એ નેક્સ્ટ જનમમાં પાણી-પૂરીવાળો ભૈયો બને છે. જો આવું હોય તો આવતાં જન્મમાં તમને સલમાન ‘ભૈયા’ના હાથની પાણી પૂરી ખાવા મળે એવા ચાન્સ ખરા.

પાણીપૂરી ખાનાર બે પ્રકારના હોય છે. બિન્ધાસ્ત પાણીપૂરી ખાનાર અને સાવચેતીપૂર્વક ખાનારા. બિન્ધાસ્ત ખાનારને પાણી-પૂરી સાથે ઋક્ષ-મધુ (રીંછ-મધ) જેવો સંબંધ હોય છે. પાણીપૂરીની ખુશ્બુ આવ્યા પછી એની હાલત મધ ભાળી ગયેલા રીંછ જેવી થઇ જાય છે. છેવટે એ દસ કે વીસ રૂપિયાની પાણીપૂરી મોઢામાં ઓરીને રસ્તે પડે છે. જયારે ચેતતા નર-નારી પાણીપૂરીવાળાનું કુળ કયું? એનાં ઘરમાં નહાવા-ધોવાની સગવડ છે કે નહીં? અને જો છે તો કેવી છે? તેવી માહિતી માગતા નથી એ ગનીમત છે.
 
પાણીપૂરી ખાવા માટે બે મુખ્ય લાયકાત જરૂરી છે. એક તો મ્હોં પૂરતું પહોળું થતું હોવું જોઈએ અને બીજું સ્પીડ. અગાઉ જણાવ્યા અનુસાર પાણીપૂરી ઉપર ભારતમાં અમારા સિવાય કોઈએ ખાસ રીસર્ચ નથી કર્યું, એટલે ભારતીય સ્ત્રીઓના મ્હોં કેટલાં પહોળા થાય છે તે અંગે કોઈ આધારભૂત આંકડા મળતાં નથી. માત્ર આકાશ માર્ગે લંકા જતા શ્રી હનુમાનજીને ગળી જવા માટે રાક્ષસી સુરસાએ એનું મોઢું સોળ યોજન જેટલું પહોળું કર્યું હતું એવો રામાયણમાં ઉલ્લેખ મળે છે. આ કદાચ એવો રેકોર્ડ છે જે તોડવા માટે પાણી-પૂરીના ખુમચા પાસે છુટાછવાયા પ્રયત્નો થતા રહે છે. જયારે પુરુષોમાં એક વર્ગ અઠંગ માવાબાજોનો છે જેમના મોં ‘ઓરલ સબમ્યુક્સ ફાઈબ્રોસીસ’ના કારણે આસાનીથી ખુલતા ન હોઈ પાણીપૂરીના અલૌકિક સ્વાદથી વંચિત રહે છે.

બીજું, પાણીપૂરી ખાનારે ધાબુ ભરવા માટે એક પછી એક તગારું ચડાવતા મજુર જેવી સ્ફૂર્તિ દાખવવી જરૂરી છે. છતાં ભાવકો કહે છે કે એક સાથે ચાર-પાંચ જણને પાણીપૂરી સર્વ કરતા ભૈયાની સ્પીડને પહોચી વળવું ‘મુશ્કિલ હી નહિ નામુમકીન’ છે.

આજકાલ નવીનતાના નામે આઈસ્ક્રીમના ભજીયા, ચીઝ ઢેબરાં અને ચોકલેટ સેન્ડવીચ મળતા થઇ ગયા છે. ખાખરામાં પણ પાણીપૂરી, ઢોંસા અને ભાજીપાઉં ફ્લેવર મળે છે. પણ પાણીપૂરીમાં જોઈએ તેટલું વૈવિધ્ય આવ્યું નથી. આ સંજોગોમાં અમે અખિલ ગુજરાત પાણીપૂરી અનુરાગી મહિલા મંડળ વતી વ્હાલા ભૈયાઓને અપીલ કરીએ છીએ કે પાણીપૂરીમાં પણ ચોકલેટ, ચીઝ, ઢોકળા, ઢોંસા, ભાજીપાઉં અને અમારા જેવા ગળ્યાના શોખીન માટે શીખંડ અને બાસુદી ફ્લેવરની પાણીપૂરી પણ સત્વરે ચાલુ કરે.

એક સામાન્ય અવલોકન છે કે ‘બહાર’ જેવી પાણી પૂરી ઘરે બનતી નથી. લોકો ભલે શેકેલું જીરું, સફેદ મરચું, બાદીયાન વગેરે નાખી ચટાકેદાર બનાવવાની કોશિશ કરે છતાં એમાં ‘ભૈયાવાલી બાત’ નથી બનતી. અમુક ઝનૂની સાહસિકો પાણીમાં ભૈયાના પરસેવાવાળો ગમછો નાખવાનો નિષ્ફળ અખતરો પણ કરી ચૂક્યા છે. છતાં એક વાત સમજી લો કે તમે પાણીથી આખો હોજ ભરીને એમાં આખા ગામના ભૈયાજીઓને ડૂબકા મરાવશો તો પણ તમારે જોઈએ છે એવો સ્વાદ નહિ જ મળે. એટલે આ બધું છોડી અને માઈન્ડ બ્લોઇંગ ટેસ્ટવાળી પાણીપૂરી ઘરે બનાવવાની અમારી ટૂંકી અને ટચ રેસિપી નોંધી લો,
૧. ભૈયાજી સિવાયનું બધું જ બજારમાંથી તૈયાર લઈ આવો, 
૨. બનાવો 
૩. ખાવ. 

No comments:

Post a Comment