Thursday, February 20, 2014

ઘુવડ જોયું ને તમે યાદ આવ્યા

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૬-૦૨-૨૦૧૪ | અધીર અમદાવાદી | 



એન્ટારટીકાનાં બર્ફિલા પવનોમાં
સહરાની ધગધગતી રેત પર
આફ્રિકન જંગલી જંગલોમાં
બુર્જે ખલીફાની ટોચ પર
ને મુંબઈની પરસેવાનુંમાં લોકલ ટ્રેઈન્સમાં
મને યાદ આવે
મોરિશિયસનાં
આસમાની પાણી
જેવી તારી આંખો !!!!
--
કવિ આમાં કોઈને ક્યાં ક્યાં યાદ કરી શકાય તે કાવ્યાત્મક રીતે કહે છે. આ લખનાર કવિ પણ અમે જ છીએ. આમાં જાણવા જેવું એ છે કે કવિ આમાંથી મુંબઈની લોકલ ટ્રેઇન સિવાય ક્યાંય ગયા નથી. ન ભવિષ્યમાં સહરા કે એન્ટારટીકા જવાની એ કોઈ ખેવના ધરાવે છે. આ તો બસ મન થયું એ લખી નાખ્યું. આમાં કવિ કશું કહેવા નથી માંગતા. પણ જો તમે આ જ કવિતા કોઈ નામી મેગેઝીનમાં વાંચો તો ઓળઘોળ થઈ જાવ એવું પણ બને. 

કોઈ કવિએ લીલું પાન જોઈને લખી નાખ્યું હતું કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’. અહિં સવાલ એ થાય કે લીલા પાન અને પ્રેમિકામાં શું સમાનતા હશે? લીલું પાન જોઈને કોઈ યાદ આવે એમ જ પીળું પાન જોઈને કોક યાદ ના આવે? માની લો કે કોઈ કવિની પ્રેમિકા ખાતાં-પીતાં ઘરની હોય તો રસોડામાં અનાજ ભરવાના પીપડાં જોઈને કવિને પ્રેમિકા યાદ આવતી હશે કે નહી? એવી જ રીતે સામેવાળી પાર્ટીને મમરાનો થેલો જોયોને તમે યાદ આવ્યાંએવું સ્ફુરી શકે ને? જોકે આ મમરાના  થેલાની ઉપમા કવિ માટે નહીં જ હોય કારણકે કવિ મમરાના થેલા જેટલા તંદુરસ્ત હોય તે વાત માની શકાય એવી નથી. અને જો એ તંદુરસ્ત હોય તો એવું ચોક્કસ માની લેવું કે કવિતા એમનું અર્થોપાર્જન માટેનું મુખ્ય કાર્ય તો નહીં જ હોય.

જ્યારે અર્થોપાર્જન કરતાં અર્થવિસર્જન વધુ થતું હોય ત્યારે રૂપિયાની તંગી પડે છે. આવા સમયે રૂપિયા ઉછીના જરૂર પડે અને ત્યારે સગાં યાદ આવે છે. એવી જ રીતે મુસીબતમાં દોસ્ત યાદ આવે છે. નાના હતા અને વાગે ત્યારે મમ્મી યાદ આવતી હતી. ઘડપણમાં ભગવાન યાદ આવે છે પણ યુવાનીમાં છોકરાને છોકરી અને છોકરીને છોકરો યાદ આવે એવા ચાન્સ વધારે છે. કવિઓની વાત કરીએ તો એમને ઝાડમાં, પાનમાં, ખેતરમાં, ચાસમાં, ઝાકળમાં ને ઘાસમાં પ્રેમિકા દેખાતી હોય છે. આ કવિની પ્રેયસી કોકવાર રૂબરૂ જોવા મળે તો ખબર પડે કે કેમ કવિ આ ઝાડ-પાન ને ઘાસમાં કોકને શોધે છે! પણ કવિ છે. કવિ અને પ્રેમીને બધી છૂટ હોય છે.

કવિને તો દાઢી કરતાં પણ કોઈની યાદ આવે. પણ આમ દાઢી કરતાં લોહી નીકળે ને એ વખતે જો કોઈને યાદ કરવા જઈએ તો એટલી વારમાં લોહી દદડે અને કપડાં બગડે. કપડાં બગડે એટલે મમ્મી લઢે. એટલે જ દાઢી કરતાં લોહી નીકળે તો સૌથી પહેલાં તો ડેટોલથી ઘા સાફ કરીને ઉપર દવા ચોપડવી જોઈએ. બીજું કે જે બ્લેડ વાપરવાથી આમ લોહી નીકળતું હોય તે બ્લેડ જ બદલી નાખવી જોઈએ. સારી બ્લેડ ખરીદો તો લોહી ના નીકળે. આમાં પાલવનો પ્રયોગ લૂછવા માટે બિલકુલ કરવો નહી. કારણ કે આજકાલ સાડીઓ પ્રસંગે જ પહેરાય છે એટલે સામાન્ય રીતે મોંઘી જ હોય છે. એવી સાડીનો ઉપયોગ લોહી ખાળવા કોઈ કરે તે અમારી અમદાવાદી બુદ્ધિમાં તો ઊતરતું જ નથી. પણ આ બધાં કરતાં સૌથી સારું એ કે દાઢી જ કરવી નહી. દાઢી વધારવી. કોઈ પણ કલરની દાઢી. આજકાલ દાઢીનો જમાનો છે ભાઈ!
 
કાર્ટૂન બાય : શ્રી મહેન્દ્ર શાહ
બીજાં એક આદરણીય કવિને પ્રવાસે નીકળતાં પહેલાં પત્ર લખવાની પ્યાસ સળવળી ઊઠે છે’. કદાચ એમણે આ મોબાઈલ, ફેસબુક અને વોટ્સેપ નહી હોય એ જમાનામાં આ લખ્યું હશે. હવે તો યાદ આવે એટલે ફટ્ટ દઈને ફોન ઘુમાવી શકાય છે. પત્ર લખો, પોસ્ટ ઓફિસ જાવ, ટીકીટ ખરીદો, પોસ્ટ કરો, પત્ર પહોંચે અને પેલી વાંચે અને જવાબ આપે એટલો ટાઈમ કોને છે? આજકાલ તો ઇ-મેઇલ કર્યો હોય તો પાછળને પાછળ ફોન કરીને ઇ-મેઇલ જોયો?’ એવું પૂછવાનો રિવાજ છે.

આમ મોટે ભાગે કવિઓ દ્વારા પ્રેમિકાને જ યાદ કરવામાં આવે છે. પણ અમને તો બાઈકને કીક મારતાં પણ ઘણા યાદ આવે છે. એમાં બાઈક સ્ટાર્ટ ન થતું હોય ને ખીજાઈને જ્યારે અમે કીક મારીએ ત્યારે અમને દુશ્મનો અચૂક યાદ આવે છે. લગ્ન માટે સજેલી નવવધૂને જોઈને બપ્પી લહેરી યાદ આવે છે. ઘોડો જોઇને કલ્કી કોચલીન નામની એક એક્ટ્રેસ યાદ આવે છે. અને ગધેડા જોઇને અમને અમુક મૂર્ખાઓ યાદ આવે છે. કારણ કે જ્યાં ન પહોંચે સૂરજ ત્યાં પહોંચે મૂરખ. એવી જ રીતે ઘુવડ જોઇને અમને અમારા એક એક્સ-બોસ યાદ આવે છે. એમનું તો મોઢું જ નહિ સ્વભાવ પણ ઘુવડ જેવો હતો. હવે તમને સ્વાભાવિક રીતે એવો સવાલ થાય કે ઘુવડનો સ્વભાવ કેવો હોય તે અમને કઈ રીતે ખબર પડે? અમે તમારા આ સવાલને બિરદાવીએ છીએ! ધેટ્સ ઇટ!  

2 comments: