Sunday, June 26, 2011

ગૌરી ગાયની ડાયરી


| અભિયાન | હાસ્યમેવ જયતે | ૧૮-૦૬-૨૦૧૧ |
મારું નામ ગૌરી કાઉ છે. હું રૂડા અંકલના ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહું છું. એમણે મને ડોરમીટરીમાં એક સીટિંગ સ્પેસ આપી છે. લગભગ સાડા સાત ફૂટ બાય સાડા ત્રણ ફૂટની સ્પેસ એક કાઉ દીઠ આપી છે. અમે ટોટલ ચાર કાઉ છીએ. એક બફેલો પણ છે. આ બફેલો રૂડા અંકલની ફેવરીટ છે. બફેલોને ડીલક્ષ સ્પેસ મળી છે, એટલે એ થોડીક ઇગો પણ કરે છે. અમારી સાથે ચેટ પણ નથી કરતી. પાછું એની સ્પેસના માથે છાપરું છે અને એનાં પર ઘાસ નાખ્યું છે, એટલે એને ગરમી પણ ઓછી લાગે. અમારે તો ખાલી છાપરું છે. અમને સ્પેસ આપી એનાં બદલામાં અંકલ અમારું મિલ્ક કાઢી લે છે. અમારું કાઉઝોનું આમ તો ઘણું એક્સપ્લોઇટેશન થાય છે. પણ શું કરીએ ? વિ આર હેલ્પલેસ. કોઈ એનજીઓ પણ અમને મદદ કરતી નથી. એક વાર છાપું ખાતા પહેલા વાંચ્યું હતું, એમાં લખ્યું હતું કે સરકારમાં એક ગૌ સંવર્ધન ખાતું પણ છે, પણ એવું કહે છે કે એ ખાતામાં ઓફિસરોનું પોસ્ટિંગ પનીશમેન્ટ માટે જ થાય છે, એટલે એ લોકો ખીજાઈને અમારા વેલ્ફેર માટે કાઇ કરતા નથી.

તમને એમ થશે કે ગૌરી કાઉ થઈને આટલું સારું ઈંગ્લીશ કઈ રીતે બોલે છે ? પણ એ તો બહુ સિમ્પલ છે. મારા લેન્ડ લોર્ડ રૂડા અંકલ અને લેન્ડ લેડી જીવી આન્ટીને બે ડોટરો છે. એકનું નામ જીની અને બીજીનું ટીની. બેઉ ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ટાઈ પહેરીને જાય છે. એટલે એ ભણે અને જોર જોરથી સ્પેલિંગ અને એનાં અર્થ બોલે એ અમે અહિ ઉભા ઉભા સાંભળીએ. એટલું જ નહિ. અમને દિવસે બજારમાં ફરવાની છૂટ આપી છે રૂડા અંકલે. ઇન ફેક્ટ, અમારે આમારું એક ટંકનું ખાવાનું તો આમેય બારોબાર જ ગોઠવવાનું હોય છે, એટલે અમે માર્કેટમાં ફરતાં જ હોઈએ છે, યુ નો, વન્ડરીંગ. એટલે એમ રસ્તા પર જતાં આવતાં છોકરા છોકરીઓને મોબાઈલ પર વાતો કરતા સાંભળીએ છીએ. હવે ખબર પડી ? તમે મોબાઈલ પર વાત કરતા હોવ ત્યારે કાઉઝ તમને કેમ તાકી રહે છે ? અરે ડોગ્ઝો પણ આવું જ કરે છે. અમારી સોસાયટીનો મોતી ડોગ તો હજુ ૯ મહિનાનો છે પણ મારાથી પણ સારું ઈંગ્લીશ બોલે છે, બોલો !

મારા લેન્ડ લોર્ડ રૂડા અંકલ આમ તો બહુ સારા માણસ છે. એ આખો દિવસ એમની બાઈક પર ફર્યા કરે છે. એમના બાઈકમાં સાઈડ પર એ કાયમ લાકડી બાંધી રાખે છે. એક બે વાર તો એમને ટ્રાફિક પોલીસે પોલીસવાળા સમજી ને એમનેમ જવા દીધાં હતાં, એટલે પછી તો એમણે બાઈકની પાછળ અંગ્રેજીમાં ‘પી’ એવું પણ લખી દીધું છે. પહેલા તો અમને ખબર ના પડી કે ‘પી’ એટલે શું ? કારણ કે રૂડા અંકલ ને બીડી અને છાશ સિવાય કશું પીવાની આદત નથી. અને આમેય સમાજમાં એ બહુ આબરૂદાર અને પાંચમાં પુછાય એવાં માણસ છે. અરે એમનું ઘર શોધતા શોધતા કોઈ આવે તો ક્યાંય પૂછવું જ ના પડે, સીધા રૂડા અંકલના ઘરે પહોંચી જાય એટલા એ ફેમસ છે. અને એટલે જ એમનાં ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવું એ અમારા કાઉઝોમાં સ્ટેટસ સિમ્બલ છે.

હવે દિવસ ઉગે એટલે દૂધ દોહીને રૂડા અંકલ અમને છુટા મૂકી દે છે. એમાં ગંગાને કાળી પાલડી તરફ જાય છે અને હું ને જમના બેઉ ધીમે ધીમે ચાલતા સીજી રોડ પર પહોંચીએ જઈએ છીએ. ધીમે ધીમે એટલા માટે કે અમારે શું ઉતાવળ હોય ? અમે તો ચાર રસ્તો ક્રોસ કરીએ ત્યારે પણ નિરાંત જ રાખીએ છીએ. અમારે થોડું સિગ્નલ લીલું થાય એટલે રોડ ક્રોસ કરવાનો હોય ? પણ અમે ધીમે ધીમે જઈએ એટલે આ માણસોને બહુ ખીજાય અને ખીજાઈને જોસ જોસથી હોર્ન વગાડે, અમારા તો કાન જ ફૂટી જાય. અને કોક વાર તો પોલીસ દાદા પણ દંડો ઉલાળતા આવી જાય અમારી તરફ એટલે અમારે પછી હરી કરવી પડે છે.

જો અમે વહેલી સવારે નીકળ્યા હોઈએ કે પછી શ્રાવણ મહિનો હોય તો અમે સૌથી પહેલા લો ગાર્ડન પાસે વહેલી સવારે ચાલવાવાળા જ્યાં ઘાસ નાખતા હોય ત્યાં પહોંચી જઈએ. ત્યાં અમારા રૂડા અંકલનો જ એક ઓળખીતો ઘાસ સપ્લાય કરે છે. એટલે અમને ઘાસ ખાવામાં પ્રાયોરીટી મળે છે. લોકો રૂપિયા આપીને ઘાસ નખાવે એટલે હું અને જમના તૂટી પડીએ. રૂડા અંકલ પાછાં બીજી કાઉઝોને ભગાડી પણ મુકે, છે ને રૂડા અંકલ બહુ જબરા ? આ સિક્રેટ વાત છે, કોઈ ને કહેતા નહિ ! પછી ખાઈ પી ને અમે સીજી રોડ પર શોપિંગ કરવા આવતાં લોકોને જોવા માટે પહોંચી જઈએ. એમાં પાછા ઘણી વાર તો ફોરેનર અને એન.આર.આઈ. લોકો પણ આવે. ગંગા કાળીને તો અમારી એટલી ઈર્ષ્યા આવે, પણ શું થાય, અમે બેઉ જણા દોઢ દોઢ લીટર દૂધ વધારે આપીએ છીએ એટલે અમને સીજી રોડ એલોટ કર્યો છે !

અમદાવાદમાં અમને ઘણું સારું ફાવી ગયું છે. અહીનાં રોડ બહુ સારા નથી અને મ્યુનિસિપાલિટી અને પોલીસ દાદાની દયાથી રોડની આજુબાજુ ઘણાં ફેરિયાઓ બેસે છે, વાહનો પણ બહુ બધાં પાર્ક થાય છે. એટલે એકંદરે અમદાવાદમાં કોઈ બહુ ફાસ્ટ વાહન ચલાવી નથી શકતું, અને અમે સાવ ધીમે ધીમે જઈએ કે રોડની વચ્ચે બેસી જઈએ તો પણ અમને કોઈ અથડાતું નથી. આ ઉપરાંત શહેરમાં જાતજાતના ખોદકામ થાય એટલે માટીના ઢગલા ખડકાય પછી એની આજુબાજુમાં જગા શોધીને અમારે બેસી જવાનું. અને આમેય ચોમાસામાં તો અમારી ડોરમીટરીમાં આમેય બધી માખીઓ થાય છે કે અમે બહાર જ રહેવાનું પસંદ કરીએ છીએ. ચોમાસામાં ઘાસ પણ સારું ઉગે, એમાં જો શ્રાવણ મહિનો હોય તો લોકો પુણ્ય કરવા આખું ગામ ઘાસ ઘાસ કરી મુકે, અમારે એઠવાડમાં મ્હો પણ નાખવું ના પડે. પણ કોકવાર ઘાસ ખાઈને કંટાળી જઈએ છીએ. એટલે કોક શાક કે ફ્રુટવાળાની લારીમાં મ્હો મારી લઈએ છીએ. પણ એમાં કાકડી ખાવા જતાં અમારે કોક વાર શાકવાળાની લાકડી પણ ખાવી પડે છે.

પણ અમને કાયમ કઈ ઘાસ ખાવા મળતું નથી. શ્રાવણ મહિનો કે અધિક મહિનો જાય એટલે બધાનો 
પુણ્યનો ક્વોટા પુરો થઇ જાય એટલે પછી મહિના સુધી અમને કોઈ ઘાસ ન નાખે. અમારે પછી સોસાયટીઓમાં ફરીને કોઈએ રોટલી કે એવું નાખ્યું હોય તે ખાવું પડે. એવું મળે તોયે સારું, પણ મોટે ભાગે તો અમારે પ્લાસ્ટીકની કોથળીઓમાં ફેંકી દીધેલો એઠવાડ ખાવો પડે છે. કોકવાર પ્લાસ્ટિક પણ ભેગું પેટમાં જતું રહે છે. અને એનાથી પણ ખરાબ નસીબ હોય તો કોક નવા સવા કુકિંગ ક્લાસ ભરીને આવેલી હોમમેકરનાં હાથે બનેલી અને ફેંકી દીધેલી આઈટમો ખાવા મળે. અમને તો જોઈને જ ખબર પડી જાય કે સવા ઈંચ લાંબા અમારા દાંતથી પણ આ પીઝા તૂટશે નહિ, એટલે અમે જોઈ સુંઘીને ચાલવા માંડીએ છીએ. ને અમે જતા હોઈએ એટલે પેલી ફટાકડીનો હસબંડ બોલે બોલે ને બોલે જ, કે ‘જોયું, ગાય પણ સુંઘીને ચાલી ગઈ’. જો કે પછી શું થાય છે એ જોવા અમે કોઈ દિવસ ઉભા નથી રહેતા, આપડે શું એ બધી પારકી પંચાત !

તમને થશે કે શહેરમાં ઢોર ત્રાસ અંકુશ નિવારણ ખાતું છે એ શું કરે છે ? અમને પણ એક્ઝટલી એવું જ થાય છે. એ લોકો ટ્રેક્ટર લઈને નીકળે એટલે અમારો જીવ નીકળી જાય, કે હમણાં પકડી જશે, પણ અમદાવાદ શહેરના લોક તો ઠીક પણ પાલિકાનાં કર્મચારીઓ પણ ભલા દિલના છે. કોક વીવીઆઈપી પસાર થવાના હોય એ સિવાય અમને એ લોકો તંગ કરતા નથી. એમાં રૂડા અંકલના વહેવારો પણ કામ કરે છે. એવું કહેવાય છે કે આવતી ફરા એમને કોર્પોરેશનની ટીકીટ આપવાના છે. એ જે હોય તે, પણ અમે બે ફેરા એ ઢોર ત્રાસ વાળાના ટ્રેક્ટરમાં આંટો મારી આવ્યા છીએ. એક રાત તો ડબ્બામાં પૂરી દીધાં હતાં, ડબ્બો એટલે એ કાઇ બંધ ડબ્બો ના હોય, એવું ‘કે એને લોકો. પણ એના કરતા અમારી રૂડા અંકલ ની ડોરમીટરી સારી, રાતે મોડા સુધી અમે ચારેવ જણીઓ આરામથી ગપ્પા મારીએ.
 
ઘણાં લોકો અમને પૂછે કે લાલુ પ્રસાદ વિષે તમારે શું કહેવું છે ? મારી ઉમર હજુ છ વરસની છે, એટલે મને ખાસ ખબર નથી, પણ મારા ભૂરી આન્ટી કહેતા’તા કે બિહાર કરીને એક રાજ્યમાં અમારા માટેનું ઘાસ કોઈક  માણસ ખાઈ ગયો હતો. કોઈ માને નહિ એવી વાત છે ને ? માણસ ઘાસ કઈ રીતે ખાય ? બધા ભૂરી આંટીને મેડ કહીને મજાક  ઉડાડતા હતાં. પણ એકવાર અમે બારી પાસે ઉભા ઉભા ટીવી જોતા હતાં ત્યારે એ માણસને અમે જોયો. અને ટીવી પર પણ ઘાસચારા કૌભાંડને એવું બધું કાઇ બોલતા હતાં. પછી અમને ખાતરી થઇ ગઈ કે આ માણસે ઘાસ ખાધું જ હશે. કઈ રીતે ? અરે એનાં માથાના વાળ તો જુઓ. અને તોયે વિશ્વાસનાં આવતો હોય તો એનાં કાનના વાળ જુઓ. આવાં વાળ ઘાસ ખાતો હોય એના જ હોય. અને એમ છતાં વિશ્વાસ ન પડે તો એને સાંભળો. ચોક્કસ ખાતરી થઇ જ જશે.

તો આમ અમારો દિવસ આનંદમાં જાય છે. રાતે ક્યારેક સમય મળે તો ટીની પાસે મારી ડાયરી લખાવું છું. ટીની બહુ પ્રેમાળ છે, આખા ઘરમાં એક એ જ છે જે રાતે મારા ઘેર પાછાં ફરવાની રાહ જોતી હોય છે, અને હું આવું એટલે તરત જ આવીને હાથ ફેરવી જાય છે. આગળ જતાં ડાયરી પબ્લીશ કરવાનો વિચાર છે, કોઈ સારો પબ્લીશર ધ્યાનમાં હોય તો કે’જો, આપણે રાઈટ્સ વેચવા છે.

પુરી એક અંધેરીને દિગ્ગી રાજા !


| મુંબઈ સમાચાર | વરાયટી સપ્લીમેન્ટ | ૨૬-૦૬-૨૦૧૧ !

વિતર્ક વાંક્દેખાને અત્યારે દલપત રામનું આ કથાકાવ્ય યાદ આવ્યું એનાં એક કરતાં વધારે કારણ છે. અમે એને પૂછ્યું, અને એણે ખુલાસો કર્યો. આજકાલ કોંગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંઘ જાતજાતનાં સ્ટેટમેન્ટ કરીને લોકોનું ખાસું મનોરંજન કરે છે. તાજેતરમાં અણ્ણા હજારેએ જ્યારે ફરી ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી ત્યારે આ દિગ્ગી રાજાએ એક ખુબ જ સુંદર નિવેદન કર્યું. એમણે કહ્યું કે અણ્ણાની જગ્યાએ અરવિંદ કેજરીવાલ જેવા યુવાને ઉપવાસ કરવા જોઈએ. એક્ઝટલી એટલે વાંકદેખાને અંધેરી નગરીનાં ગંડુ રાજા યાદ આવ્યા. અંધેરી નગરીમાં શૂળી પર ચઢાવવાનાં હતાં મુલ્લાજીને પણ શૂળીના માપના પ્રમાણમાં મુલ્લાજી પાતળા પડતાં એની જગ્યા એ ખાઈ પીને તગડા થયેલા પેલા શિષ્યને શુળીએ ચઢાવવા હુકમ ગંડુ રાજા કરે છે. બસ ગંડુ રાજા, દિગ્ગી રાજા. એમાં પાછુ આજકાલ દેશી દારુ અને દૂધ સરખા ભાવે મળે છે, એટલે ટકે શેર દૂધ ટકે શેર દારુ પણ જોડાઈ જાય.

પણ અણ્ણાને બદલે જે અરવિંદ કેજરીવાલને શુળીએ, આઈ મીન, ઉપવાસે બેસાડવાના મનસુબા દિગ્ગી રાજા ધરાવે છે એ અરવિંદ કેજરીવાલ આઈ.આઈ.ટી. ખડગપુરનાં મીકેનીકલ ઈજનેર છે, મેગ્સેસે એવોર્ડ વિજેતા છે, અને ઈન્ડીયન રેવેન્યુ સર્વિસમાં જોડાઈ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી વહેલા સેવાનિવૃત થયેલા છે. એટલે સાવ અણ્ણા કે બાબાની માફક ભાવુક થઈને એ અણ્ણાને બદલે ઉપવાસ પર બેસી જાય એવી શક્યતા નથી. પણ મૂળ વાત આમાં ફેરબદલની છે. શું ઘરડાં અણ્ણાની દિગ્ગીને દયા આવી હશે ? શું યુવાન કેજરીવાલની એમને ઇર્ષ્યા આવી હશે ? કે પછી કેજરીવાલ લાઈમલાઈટમાં આવે એવું દિગ્ગી રાજા ઈચ્છે છે ?

વિતર્ક કહે છે કે દિગ્ગીએ ઓસામાના દુખદ અવસાન પછી અમેરિકાએ એની દફન વિધિ કઈ રીતે કરવી જોઈએ તે અંગે અમેરિકાને જાહેર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આથી વિતર્ક સહિત ઘણાંને તો એ ઓસામા તરફી હોવાનું પણ લાગ્યું હતું. વિપક્ષોને આમાં મુસ્લિમ તુષ્ટિકરણ દેખાયું હતું. લોકોને અને વાંકદેખાને ભલે જે લાગે, પણ અમને તો આમાં દિગ્ગીનો કરુણાભાવ જ દેખાય છે. ઓસામા પાકિસ્તાનમાં લશ્કરી છાવણી નજીક પાંચમા નંબરની પત્ની સાથે પણ એ શાંતિથી જીવતો હતો. અને, પાંચ વખત લગ્ન કરનારને મારવાની શી જરૂર ? વળી એનાં રક્ષણમાં બ્લેક કેટ કમાન્ડો પણ નહોતા. એ મનોરંજન માટે ખોટા ખર્ચા કરવા મલ્ટીપ્લેક્સમાં જતો નહોતો, થિયેટરમાં ન બતાવી શકાય એવી અમુક ફિલ્મો ઘરમાં જ એ જોતો હતો. અરે બીજું તો ઠીક, ઘરના કમ્પાઉન્ડમાં જ શાકભાજી ઉગાડતો હતો, અને એણે ગાય અને મરઘીઓ પણ પાળી હતી. આમ ઓસામા એકંદરે શાંતિપૂર્ણ જીવન વ્યતિત કરતો હતો. અમેરિકન કમાન્ડો ઉતરી આવ્યા ત્યારે એણે એમનો સામનો પણ નહોતો કર્યો. આવાં માણસને મૃત્યુ પછી પણ યોગ્ય સન્માન મળવું જોઈએ, એવું દિગ્વિજય સિંઘનું માનવું હશે. હશે ! તો એમાં આટલો બધો હોબાળો કરવાની શું જરૂર છે ?

દિગ્ગી પર વિતર્કને બહુ ગુસ્સો આવે છે કારણ કે એણે બાબા રામદેવને ‘ફ્રોડ’ કહે તો દગાખોર કહ્યા છે. હવે શું કહેવું આ વાંકદેખાને ? ચાર ચાર મંત્રીઓ એરપોર્ટ પર બાબાને સમજાવવા ગયાં પણ બાબા ન માન્યા. અરે, બાબા પાસેથી એ લોકોએ અમુક તમુક સમયે ઉપવાસ પાછાં ખેંચી લેશે એવો કાગળ પણ લીધો હતો, પણ પછી એમાંથી પણ બાબા ફરી ગયાં. ના છુટકે, ‘કપિ’લ સિબ્બલે એ કાગળ જાહેર કરવો પડ્યો અને પોલીસ કાર્યવાહી કરવી પડી. એમાં દિગ્ગીનો શું દોષ ? અને પોલીસ તો એનું કામ કરે જ ને, યુપી હોય કે દિલ્હી !

પણ વિતર્કને અમે તર્કમાં હરાવી શકીએ એમ નથી. એણે તરત જ દિગ્ગી વિરુદ્ધ ચોથો આરોપ મુક્યો. રાહુલ ગાંધી એક આદર્શ પ્રાઈમ મીનીસ્ટર બની શકે છે, એ મતલબનું વિધાન કરીને ભૂતકાળમાં દિગ્ગીએ રાહુલ માટે અહોભાવ વ્યક્ત કર્યો હતો. જોકે આમ કહીને એક વખત તો દિગ્ગીએ ડૉ. મનમોહન સિંહને ખુરશીમાંથી અડધાં ઉભા જ કરી દીધા હતાં. પણ એમાં શું થઇ ગયું ? ડૉ. સિંઘ ઘણાં ખેલદિલ ઇન્સાન છે, એ નાઈટ વોચમેનની જેમ વખત સાચવી લે પછી ગમે ત્યારે આઉટ થવા તૈયાર જ છે. પણ દિગ્ગીનાં આ ભક્તિભાવથી અમને તો હનુમાનજી યાદ આવી ગયાં. ખાલી ફેર એટલો છે કે હનુમાનજી રામ માટે લંકામાં આગ લગાડી આવ્યા હતાં, અને દિગ્ગી, યુપીએને લગાડી રહ્યા છે ! 

પણ દિગ્ગી રાજાની બીજી બધી વાતો જવા દો તો આ ફેરબદલ વાળી વાત આપણને ઘણી ગમી ગઈ છે. આપણે તો ફિદા થઇ ગયાં દિગ્ગીના આ ઇમેજીનેશન પર. ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’ એ નામનું ગુજરાતી નાટક આવ્યું હતું, અને પછી ફિલ્મ પણ બની હતી. કાગડાના માળામાં કોયલ ઈંડા મુકે છે, અને કોયલના બદલે કાગડો બચ્ચાં પણ ઉછેરે છે. ક્રિકેટમાં ખેલાડી દોડી ન શકે તો એનાં બદલે રનરની વ્યવસ્થા હોય છે. મહાભારતમાં પણ ભીમ અને શકુનિ વચ્ચે એક ખાસ કરાર હતાં, જેમાં ભીમના બદલે અમુક કાર્યો શકુનિ કરતાં હતાં. અને ભારતમાં તો આતંકવાદીઓ પાકિસ્તાન વતી ઘણાં કામ કરે છે. તો પછી અણ્ણાને બદલે કેજરીવાલ ઉપવાસ કરે તો કેવું ? અરે, સુપર્બ બોસ ! પછી તો કાનીમોળીને બદલે એનો માળી, રાજા વતી એની પ્રજા, અને કલમાડી વતી કોક કબાડી જેલમાં જઈ શકશે ! શું કહ્યું ? આ તુક્કા છે ? અરે, આપણો દેશ આમ કોકના ‘વતી’ જ તો ચાલે છે.

Sunday, June 19, 2011

એ હાલો હિલ સ્ટેશન જઈએ રે ....


|અભિયાન | હાસ્યમેવ જયતે | ૧૧-૦૬-૨૦૧૧ |
  
બે દિવસનો વીક-એન્ડ હોય કે વેકેશનની લાંબી રજા, ગુજરાતી પ્રજા ઘરમાં બેસી રહે એ વાતમાં માલ નથી. જોકે ગુજરાતનો ગુજરાતી જો વિકેન્ડ પર ફરવા જાય તો ક્યાં તો કોઈ જગ્યાએ દર્શન કરી હરિનું ચરણામૃત પીને  પાવન થાય કે નજીકના કોઈ સ્થળે વ્હીસ્કી પીને. એટલે જ કોઈકે નવું સુત્ર આપ્યું છે કે ‘દીવ, દમણ ને ગોવા, ગુજરાતીઓ જાય પીવા !’. એવું કહે છે કે રૂપિયા નામનો વાઈરસ ગુજરાતીઓને વધારે વળગે છે, અને જે ગુજરાતીને વળગે છે તેને પ્રવાસાઈટીસ નામનો રોગ થાય છે. આ રોગનો દર્દી વેકેશનમાં પ્રવાસ કરવા મજબુર થાય છે. જોકે આ સિવાય પણ ઉનાળાનું વેકેશન પડે એટલે સાચો ગુજરાતી પોતાની હેસિયત પ્રમાણે આબુથી લઈને અમેરિકા સુધી ફરવા જાય જાય અને જાય જ. એમાંય જો લીવ ટ્રાવેલ એલાવન્સ મળતું હોય, અને એ પણ જો ફરવા જાવ તો જ મળતું હોય, તો પછી ફરવા જવું એ પરિક્ષામાં પૂછાતા ફરજીયાત પ્રશ્ન જેટલું ફરજીયાત થઇ જાય !

પણ વેકેશન શરુ થાય એનાં એકાદ મહિના પૂર્વે વેકેશનની ચર્ચાની શરૂઆત ‘તમે આ વખતે ક્યાં જવાના ?’થી થઇ જાય. આમાં ખાસ નોંધવા જેવી વાત  ‘આ વખતે’ છે. જુના ગંજેરીની જેમ, ફરવા જનારાઓમાં જુના અનુભવીઓનો દબદબો હોય છે. એમની વાત  સાંભળો તો તમને થાય કે હાળું ફરવા તો આ લોકો જ જાય છે. ‘ગયે વખતે સિક્કિમ પતાવી દીધું, કાશ્મીર તો આગલા વર્ષે જ ગયા’તા, કેરાલા ચોથા વર્ષે ગયા’તા તે વચ્ચે ઉટી રહી ગયું’તુ, તે આ વખતે લઇ લીધું છે’. બેસતા વર્ષે જેમ ઉભા-ઉભા થપ્પો કરી આવવાનો રીવાજ છે એમ આવાં ભ્રમણવીરો દેશ-વિદેશના જોવાલાયક સ્થળોને ‘જોઈ નાખે છે’ અને આમ વેકેશનમાં પ્રવાસનો કોર્સ પુરો કરી નાખે છે. જોકે પ્રવાસ વર્ણનમાં તકલીફોનું વર્ણન આવે એ સાંભળીને એમ થાય કે આટલા રૂપિયા ખર્ચીને આવી તકલીફો વેઠવા જવાનું ? પણ, જેમ આગળ કીધું તેમ, વાઈરસ પોતાનું કામ કરે છે અને ગુજરાતી ગૃહસ્થ પ્રવાસ આયોજન કરી જ નાખે છે.

પણ પ્રવાસ શરુ થાય, અને આપણી આ બહેનો હિલ સ્ટેશન પર પહોંચે ત્યાં સુધીમાં તેમના સ્કાર્ફ બેગમાંથી નીકળીને મોટા પર્સમાં આવી ગયા હોય છે. અને ભાઈનો પડીકીનો ક્વોટા પુરો થઇ ગયો હોય, એટલે છેલ્લા સો કિલોમીટર બાકી હોય ત્યારથી જેટલા સ્ટેશન પર ગાડી ઉભી રહે, ત્યાં ભઈ ગલ્લાની શોધમાં આંટા મારી આવે, અને પછી ‘ખરી પ્રજા છે’ એવાં નિસાસા નાખતા ખાલી હાથે પાછા ફરે. પાછી ટ્રેઈનમાં ૩૬ કલાકની મુસાફરી કરી હોય તો ઢેબરાનાં ડૂચા અને ચવાણાનાં ફાકા મારી-મારીને કંટાળી ગયા હોય. એટલે હિલ-સ્ટેશન હોટલ કે રિસોર્ટ પર પહોંચે ત્યારે એકંદરે ગાભા જેવા ઢીલા થઇ ગયા હોય. એમાં ગ્રુપમાં કોક ઉત્સાહી હોય તે તો પાછો અડધો કલાકમાં જ દરવાજો ખખડાવે, ‘હાલો બોટિંગ કરવા નથ જાંઉં ?’. એક તો બે રાત ટ્રેઈનમાં સરખું ઊંઘ્યા ન હોય, ખાવામાં ભાખરી ના મળી હોય, પીવામાં ઘર જેવી આખા દુધની ચા ન મળી હોય, એવામાં કોક આવીને ધરાર ઉભા કરે ત્યારે એવી ખીજ ચઢે ને કે ‘તારે બોટિંગ કરવું હોય તો કર, લેકમાં ધુબાકા મારવા હોય તો એની પણ છૂટ છે, પણ મારી જાન છોડ યાર’. એમાં પાછું હનીમાંતો દરવાજો ખોલવાના હોશ ના હોય, એટલે દરવાજો ખોલવા પણ હનાએ ઉભા થવું પડ્યું હોય, એટલે ગુસ્સો આવે એ સ્વાભાવિક છે !

પણ બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડતા હૈ ના દાવે, હિલ-સ્ટેશન ગયા હોવ તો બોટિંગ, હોર્સ રાઈડિંગ, સન-સેટ પોઈન્ટ, બોટનીકલ ગાર્ડન, ટાઈગર હિલ, મોલ રોડ, મ્યુઝીયમ અને એકાદ મંદિર પર જવું કમ્પલસરી થઇ પડે છે. આમાંનું કાઇ પણ બાકી રહી જાય તો સમાજમાં આબરુ જાય એ ડરે કે ગમે તેમ, પોતાની પ્રકૃતિને અનુકુળ આવે કે ન આવે, પ્રજા આટલું તો ફરે ફરે અને ફરે જ. ગ્રુપમાંના દુબળા પાતળા ઉત્સાહી નરે  હોટલના કાઉન્ટર પર મળતાં ફરફરિયામાંથી જોવા લાયક સ્થળોની માહિતી મેળવી રાખી હોય, એટલે હોટલના પેકેજમાં સવારે મળતાં બ્રેકફાસ્ટ પર જ આખા દિવસનો કાર્યક્રમ જાહેર કરી નાખે છે. આ સાંભળીને કે પછી ઠંડા બ્રેડ-ટોસ્ટનું બટકું મ્હોમાં આવી ગયું હોય એટલે, પણ ભઈને ઘર યાદ આવી જાય. બ્રેકફાસ્ટમાં ટોસ્ટ, ઢોંસા, ઉપમા, કોર્ન-ફ્લેક્સ  જેવી પેટમાં સમાઈ શકે તેવી વિવિધ વિરોધાભાસી વસ્તુઓ પેટમાં પધરાવી ટોપી, ગોગલ્સ ચઢાવી, રંગબેરંગી કપડા પહેરીને હોટલની બહાર નીકળો એટલે પહેલું આશ્ચર્ય મળે. જે વિશાળકાય ભાભીઓને કાયમ પંજાબી કે સાડીમાં જોયા હોય એ જીન્સ ટી-શર્ટ પહેરીને પ્રગટ થાય. અને જે ભાઈની ફરમાઈશ પર ભાભીએ પરાણે જીન્સ પહેર્યું હોય, એ પછી કેમેરામાં ફોટા ઝડપવા લાગી જાય.

પછી સંઘ આખો બોટિંગ કરવા જાય. પોતાની શારીરિક ક્ષમતાને સારી રીતે સમજતા અમુક સમજુ લોકો મોટી બોટમાં નાવિકને ભરોસે અને નાવિકના બાવડાના જોરે લેકમાં ચક્કર મારી છેવટે બાંકડા પર સેટલ થઇ જાય છે. પણ અમુક પગબળમાં માનનારા પેડલ બોટમાં લેક ખુંદવા નીકળી પડે છે. પણ, પવન અનુકુળ હોવાને લીધે જતાં આસાનીથી દૂર સુધી પહોંચી ગયા હોય, પણ પછી પાછાં આવતા ભૂલ ખબર પડે. જીન્સધારી ભાભીએ તો પહેલા જ રાજીનામું આપી દીધું હોય, અને પેડલ બોટ એકલાથી બહુ લાંબે સુધી ચાલે નહિ, એટલે એકંદરે લેકની વચ્ચોવચ્ચ આવા થાકેલ-હારેલ બોટાર્થીઓ સ્થિર થઈને ઉભા હોય છે. જોકે પછી પર્સમાંથી ક્રીમ વાળા બિસ્કીટ ખાઈ, એનર્જી ભેગી કરી જેમ તેમ કિનારે પહોંચ્યા પછી ‘અમે તો સમંદર  ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે’ જેવા ભાવ સાથે કિનારે બેઠેલા આગળ લેકમાં વચ્ચોવચ કેવી સરસ ઠંડક હતી એની વાતો કરે છે.  

આ પછી ખચ્ચર, ટટટુ કે ઘોડેસવારી જે કહો તેનો વારો આવે. જ્યાંથી ઘોડેસવારી શરુ થતી હોય ત્યાં સંઘ આખો સંઘ પહોંચે. ત્યાં, દેખાવથી પૈસાદાર, દુબળા પાતળા લોકો અને બાળકો હોય તેવા સવારીવાન્છુકોને ઘોડાવાળા ઘેરી વળે છે. હિલસ્ટેશન પર પાણીની તંગી હોય કે ગમે તે કારણે, ઘોડા અને ઘોડામાલિક બેઉ સરખા ગંધાતા હોય છે. ઉપરથી આખો વિસ્તાર ઘોડાની લાદથી ખદબદતો હોય. ફિલ્મોમાં તો હીરો ચાલુ ઘોડાએ ચઢી જતો હોય છે, પણ હિલસ્ટેશન પર તો ઘોડા પર બેસવા માટે પહેલા ઉંચી પાળી પર ચઢવું પડે છે અને એટલું કરવામાં જ અમુક કાકીઓના ઘૂંટણમાં દર્દ થવા માંડે. જેમતેમ કરીને ઘોડા પર બેસો અને ઘોડો ચાલવાનું જ્યાં શરુ કરે ત્યાં બેલેન્સનો મહિમા સમજાય. એમાં પાછો ઘોડો ખાઈની ધાર પર ચાલે એટલે પોતપોતાના ઇષ્ટદેવ યાદ આવે. પણ પછી, ઇષ્ટદેવ કદાચ કામમાં આવે કે ન આવે, ઘોડાકીપરને હિન્દીમાં વિનવણીઓ થાય ‘એ ભૈયા બરોબર પકડના બાજુમે ખીણ હે તો ક્યા હે હમકો ડર લગતા હય’. એ ખીણ પસાર થાય પછી ખબર પડે કે, ઘોડો જે ઉબડખાબડ રસ્તા પર પસાર થયો એ વખતે ઉંચા શ્વાસે બેસવાનાં કારણે, અને ઘોડા અને આપણા શરીર વચ્ચેના તાલમેલના આભાવે પગ અને પેટ વચ્ચેના શરીરના પૃષ્ઠભાગે દુખાવો શરુ થઇ ગયો છે. હવે, આવાં સમયે નીચે ઉતરીને ચાલી નાખવાના વિચાર આવે. પણ ત્યાં સુધીમાં અડધે રસ્તે પહોંચી ગયા હોવાથી ચાલવાનું શક્ય ન લાગતાં ઘોડેસવારી ચાલુ રાખવામાં આવે છે, પણ આ આખી ઘટમાળમાં ઘોડાને એટલો ફાયદો થાય છે કે બેસનાર પોતાનું વજન ઘોડાની પીઠ પરથી ઓછું કરી પેંગડામાં નાખેલા પગ પર ટ્રાન્સફર કરે છે ! વિચારી જોજો.

ને સાંજે આમ જ સન-સેટ પોઈન્ટ પતાવી પ્રજા પાછી મોલ રોડ પર આવે છે. હા, દરેક હિલ-સ્ટેશન પર એક મોલ રોડ હોય છે જ. પહેલા જતાં સર્વે કર્યો હોય એટલે સાઉથ ઇન્ડિયન, પંજાબી અને ગુજરાતી ખાવાનું ક્યાં મળે છે તે જાણી લીધું હોય. આપણા ભઈને જોબના કારણે કાયમ ફરવાનું થતું હોવાથી એ ગુજરાતી કે ખીચડી શાકની ફરમાઈશ કરે, તો બહેન, ‘આખું વરસ એ જ તો ખાઈએ છીએ, અમારું તો વિચારો’ એવી  લાગણીસભર દલીલ કરી દક્ષિણ ભારતના હિલસ્ટેશન પર પંજાબી ખાવાના તરફ ખેંચી જાય છે. છોકરાઓએ તો પહેલા જ પડીકા દાબ્યા હોવાથી એમને જમવા કરતાં રમકડા લેવામાં વધારે રસ હોઈ એ બજાર ભણી ખેંચે છે. અને છેવટે ધાર્યું ધણીનું તો કદી પણ નથી થતું, એ મુજબ આપણા આ ગરવા ગુજરાતી પંજાબી રેસ્ટોરન્ટમાં નેપાળી વેઈટરને મીડીયમ સ્પાઈસી વેજ જયપુરી સાથે તંદુરી રોટીનો ઓર્ડર આપી દે છે.  

આવી અનેકવિધ પ્રવૃતિઓ કરી તન, મન, અને ધનથી થાકી જવાય ત્યારે જેમ સન્યાસ લીધેલો માનવી સંસારમાં પાછો ફરે તેમ પ્રવાસસ્થ મનુષ્ય પોતાના ઘેર પાછો ફરે છે. ઘરની ચા પી, રોટલી-દાળ-ભાત-શાક ત્રણ દિવસ લાગલાગટ ખાય પછી એના નસકોરામાંથી પંજાબી/ઢોંસા/સંભારની વાસ જાય છે અને એનામાં પ્રવાસ વર્ણન કરવાનું જોમ આવે છે. અને પછી જે પ્રવૃત્તિઓ કરતી વખતે એનો જીવ નીકળી ગયો હતો, એ વિષે રસપ્રદ વાતો કરી, ભોગેજોગે સારા આવી ગયેલા ફોટા ફેસબુક પર મૂકી આ માનવી બીજાઓ માટે ઈર્ષ્યાપાત્ર બની રહે છે.  ■ 

અધીર અમદાવાદી 


tags : abhiyan adhir amdavadi hasya humour gujarati

હરખ હવે તુ હિંદુસ્તાન

| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | ૧૯-૦૬-૨૦૧૧ | 

દિલ્હીમાં બાબા રામદેવના સમર્થકો પર અડધી રાત્રે પોલીસ કાર્યવાહી થવાથી દેશમાં ખળભળાટ થઇ ગયો છે. વધારાનો ખળભળાટ બાબાએ સંપત્તિ જાહેર કરી એનાથી થયો છે. પરિણામે ઘણાં ઘરોમાં પત્નીઓ પતિઓને મહેણાં મારવા લાગી કે જુઓ બાબાને. કેટલા કરોડ ભેગાં કર્યા, અને એક તમે છો રો બગીચામાં જઈને અમથી અમથી ફૂંકો મારો છો. એમાં પાછું અણ્ણાએ ઉપવાસ કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ તાપણું  સળગાવ્યું, અને બાબા રામદેવજીએ બળતામાં ઘી હોમ્યું, દિલ્હી પોલીસે ટીયરગેસના ટોટા ફોડ્યા અને આમ બરોબરનું સળગ્યું છે. અણ્ણા હજારે પણ હવે ખીલ્યા છે,  એમણે રાજઘાટ પરનાં પ્રતિક ઉપવાસ પછી જાહેર કર્યું કે દેશને હજી સાચી આઝાદી મળી નથી. લ્યો કરો વાત. દેશને આઝાદી નથી મળી એવું તમને કેમ લાગ્યું ? અંગ્રેજોની જેમ પોલીસે અત્યાચાર કર્યો એટલે ? બાબાએ મંચ પરથી કૂદકો માર્યો એટલે શું તમને જલિયાંવાલા બાગ યાદ આવ્યો ?
અણ્ણા કહે આઝાદી નથી એટલે શું આપણે માની લેવાનું ? ન મનાય ને ભાઈ એમ. અહિ તો બધું આઝાદ છે. બહાર રસ્તા પર નીકળો. પાન ખાવ. પછી ચાલો થોડું. અને પછી મારો પિચકારી કોકની દીવાલ પર કે કોઈ ખૂણામાં. વધારે આગળ જાવ, પેશાબ લાગે તો ઊભા રહી જાવ રોડ સાઈડ પર, કરો પેશાબ. અને હળવા થયાં પછી રોડ ક્રોસ કરવો હોય તો ઝિબ્રા ક્રૉસિંગ પર શું કામ જવાનું ? ગમે ત્યાંથી રોડ ક્રોસ કરો, સબ ભૂમિ ગોપાલ કી ! સાચે ! સબ ભૂમિ ગોપાલ કી છે એટલે સાચવવાનું ગાયોથી ! હાસ્તો આઝાદી એકલી માણસો માટે થોડી છે ? બધા માટે છે. ગાયો અને કૂતરાં પણ આઝાદ હોય. અને એ ન હોય તો વરઘોડા જતા હોય ને ? વરઘોડામાં ફટાકડા ફોડવાની આઝાદી. ફોડો તમે ત્યારે ! બસ,કોઈ મંત્રીની સભામાં ફટાકડા ન ફોડો ત્યાં સુધી વાપરો આઝાદીને રોકડા રૂપિયાની જેમ ! એમ અણ્ણા કહે એટલે થોડું માની લેવાય છે કે આઝાદી નથી ?
અરે, આઝાદી પહેલાની વાત કરીએ તો અંગ્રેજોની નીતિ હતી ભાગલા પાડો અને રા કરો. હવે અંગ્રે રા નથી, હવે તો ભાગ પાડીને સંપીને ખાવાની રાજનીતિ છે. અત્યારે જુઓ તો સ્વતંત્ર ભારતમાં બધાં સંપીને રહે છે. ગુજરાતમાં પોલીસ અને બુટલેગરો સંપીને રહે છે. બિહારમાં સમતા અને ભાજપ સંપીને રા કરે છે. કેન્દ્રમાં સીબીઆઈ અને રાજકારણીઓ સંપીને કામ કરે છે, બસ રાજકારણીઓ ઈશારો કરે ત્યાં અને ત્યારે કાર્યવાહી કરે છે. અને યુપીમાં તો ગણ્યા ગણાય નહિ, પણ ચૂંટણીનાં પરિણામ આવે પછી વીણ્યા વીણાય એટલા ભિન્ન ભિન્ન વિચારસરણી ધરાવતાં લોકો સંપીને રા કરે છે ! અરે ભાઉ, કલમાડીનાં વહીવટમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ તો ઘરનાં પણ ન કરી શકે એટલો સંપીને પ્રસંગ પાર પાડ્યો હતો કે નહિ ? તો પછી ? આથી વધારે આઝાદી શું હોય ? અણ્ણાને આ કશી સમજ નથી પડતી લાગતી.
અને દસ રૂપિયાના રીચાર્જ જેવી નાની નાની આઝાદી તો કેટલી બધી છે આપણે ત્યાં. તમે કોઇ દિવસ રેસ્ટોરન્ટમાં ગયાં નહિ હોવ, એટલે તમને ક્યાંથી ખબર હોય ? જાહેર જગ્યાઓમાં મોટે મોટેથી વાતો કરવાની અહિ આઝાદી છે. અરે હોટલોમાં છોકરાઓને રખડતા મુકીને ગપ્પા મારવાની આઝાદી છે. અને તમે તો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ ક્યાંથી જોઈ હોય ? અરે ત્યાં, મોબાઈલ ફોન પર જોશ જોશથી વાતો કરવાની  આઝાદી છે. અને તમે લાઈનમાં તો ઉભા રહ્યા હશો ને ? તો તમને ખબર જ હશે કે આપણે ત્યાં લાઈનમાં ઘૂસ મારવાની આઝાદી છે !
આટલું નહિ આપણા ત્યાં જુઠ્ઠું બોલવાની સૌથી મોટી આઝાદી છે. રા કપૂર તો બોબીમાં ઝૂઠ બોલે કૌઆ કાટે કહીને છૂટી ગયા  પણ સ્વતંત્ર ભારતનાં કાગડાઓ કંઈ ઝૂઠ બોલનારને કરડવા દોડે છે કે નહિ તે કોણ જુએ છે ? અરે, એમ જો કાગડાઓ કરડવા જાય તો ઇન્ડિયામાં કાગડાઓને ખાવાનો ટાઈમ ન મળે કરડવામાંથી ! પેલો રાહુલ અમદાવાદમાં બેઠો હોય ને ફોન પર વાત કરે કે મેં અભી સુરતમે હું, કલ આકે આપકા કામ પહેલે કરતા હું. નીતેશ આજે ઓવર ટાઈમ છે, મોડું થશે એવું કોક બારમાંથી મોબાઈલ પર ઘરવાળીને જણાવે. અને પ્રધાન કે અધિકારીએ સગાવ્હાલાઓનાં  નામે ફ્રેન્ચાઈઝી લીધી હોય કે કંપનીમાં ભાગીદારી હોય તો પણ મારે તો કાંય લેવા દેવા નથી એવું બિન્દાસ કહી શકે છે. બીજા તો ઠીક ગુજરાતના હોંશિયાર સનદી અધિકારીઓને પોતાનાં કરોડોનાં બંગલા માત્ર બે-ચાર લાખના લાગે છે. એસી આઝાદી કહાં ? અમારા વિતર્ક વાંક્દેખાને તો આવાં જુઠ્ઠા લોકોને પકડીને દંડા મારવાની ઈચ્છા થાય છે, પણ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી પણ ખરાબ નથી કે એમ ગમે તેને દંડા મારો તમે.
અણ્ણાજી અમારા દલપત રામની વાત યાદ કરો. એમણે અંગ્રે શાસનની તરફેણમાં કહ્યું હતું કે દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન. અત્યારે સાવ આવી પરિસ્થિતિ તો નથી ને ? ભાઉ અહિ આઝાદી આઝાદી છે. મંત્રીઓને દલા તરવાડીની જેમ દેશ નામની વાડીમાંથી રીંગણાં તોડવાની તો આઝાદી છે જ ને ઉપરથી જોખમાં કોથમીર મરચાં એવું બધું પણ સગા વ્હાલાઓ માટે લેવાની આઝાદી છે. અને, બચારા વાડીના રખેવાળ કહો કે માલિક કહો, વશરામ સિંહને તો કોઈ પૂછતું નથી ! એટલે ડબકાં  ખાવાનો પણ ડર નથી. હવે તમે કહો કે સાચી આઝાદી છે કે નહિ ???