Wednesday, June 01, 2011

પિયરગત પત્નીને પત્રઅભિયાન  ૨૧-૦૫-૨૦૧૧

પ્રિય સુજાતા,

તું પિયર ગઈ એ વાતને આજે આઠ દિવસ ચૌદ કલાક અને અઢાર મિનીટ થઇ. તો પણ કેમ હજુ મને એવું લાગે છે કે તું જાણે કાલે જ ગઈ હોય ? સાચે જ હું માની શકતો નથી કે, તું નથી, ક્યાંય નથી આસપાસ. ને છતાંય કેમ આટલો ફફડેલો રહું છું ? તને ખબર છે, તું ગઈ એનાં બીજા દિવસે જ ઓફિસમાં બધાં પાર્ટી માંગતા હતાં પણ મેં તો ચોખ્ખું કહી દીધું આઈ લવ સુજાતા, અને એ તો ખાલી ચાર વીક માટે ગઈ છે, એટલામાં થોડી પાર્ટી હોય ? તું જ કહે. પણ મારા ઓફિસ બડીઝ એમ છોડે ? કહે રાહુલની વાઈફ એક વીક માટે ગઈ હતી તો પણ એણે મોટ્ટી પાર્ટી આપી હતી તો તમારા વાઈફ તો મહિના માટે ગયા છે. મેં બહુ કોશિશ કરી પણ બધાં એ મને પીઝા પાર્ટીના   ખર્ચામાં તો ઉતાર્યો જ.

અભિયાન
તને શું કહું ઓ મારી માઝમ રાતની સ્ટારલી. રાત રાત ભર મને તારી યાદ સતાવે છે. તારી યાદમાં હું એવો ખોવાઈ જાઉં છું કે કદીક ભીંત પર આમથી તેમ ફરતી ગરોળીને અનિમેષ નયને જોયા કરું છું. બારીની બહાર પાન લીલું જોઉં તો પેલા પત્તાની ભાત વાળા ગ્રીન ડ્રેસ માટે થયેલો ઝગડો યાદ આવે છે, અને એ પછી હું અજાણે જ ગાલ પંપાળી લઉં છું. ક્યાંક ડાળ પર કાબર  બોલે તો તું યાદ આવે છે, એટલે એનાં કર્કશ અવાજનાં કારણે નહિ, પણ તને પક્ષીઓ બહુ ગમે છે ને એટલે. ને સવારે જ્યારે પાણી ભરવા માટલી મુકું અને માટલી છલકાઈ જાય તો પણ તું જ યાદ આવે છે, કેમ પાણીના બગાડ પર તે મને કેટલા લેક્ચર આપ્યા છે નહિ? અને સવારે જ્યારે દાઢી કરતાં લોહી નીકળે તો, એક વાર તું ભાખરી શેકતી હતી ત્યારે મને તવેથો વાગ્યો અને દાઢી પરથી લોહી નીકળ્યું’તુ એ પ્રસંગ યાદ આવે છે. સાચું કહું ડિયર, તારા ગયા પછી બે રાત સુધી તો મને ઊંઘ જ નહોતી આવી, પણ પછી યાદ આવ્યું એટલે બામની શીશી પથારીની બાજુમાં ખુલ્લી મુકીને સુઈ ગયો, તે પછી છેક ઊંઘ આવી ! 

પણ જ્યારથી તું ગઈ છે, ત્યારથી જાણે મારી તો દુનિયા જ ખોવાઈ ગઈ હોય એવું લાગે છે. અને ઘરની ચીજવસ્તુઓ પણ મને કંપની આપવા ખોવાઈ જાય છે. જોને તું ગઈ તે દિવસથી રીમોટ નથી મળતો. આ સિવાય કબાટની ચાવીઓ, ગેસનું લાઈટર, ઈલેક્ટ્રીસિટી બિલ, મારો નાઈટ ડ્રેસ, મોજા અને તારા પપ્પાએ આપેલી એકમાત્ર ભેટ એવી પેન પણ ખોવાઈ ગઈ છે. લાઈટર ના મળ્યું એટલે દીવાસળીની પેટી શોધી તો એ પણ ખોવાઈ ગઈ. પહેલા તો ગેસ સળગાવવાની તકલીફ હતી, એમાં હવે કાન સાફ કરવાની તકલીફનો ઉમેરો થયો છે. પણ તને તો ખબર છે ને કે મારી ઓફિસનો સ્ટાફ કેટલો કોઓપરેટીવ છે ? અરે, એટલો કોઓપરેટીવ કે એ લોકોની આખી કોઓપરેટીવ સોસાયટી ઉભી થઇ શકે એમ છે ! એમાં આ જડતું નથી વાળી વાત મેં ઓફિસમાં કરી તો અમારી રીસેપ્શનીસ્ટ રૂપાલી તો તરત જ શોધવામાં મદદ કરવા ઘરે આવવા મેક અપ કરીને તૈયાર થઇ ગઈ, પણ તું ચિંતા ન કરીશ મેં એને જાતે જ ના પાડી દીધી, એ તારી જાણ અને રેકોર્ડ સારું.

એક વાત કહું ? તું ગઈ ત્યારથી હું ઘણું જ મનોમંથન કરવા લાગ્યો છું. નવરો પડી ગયો ને એટલે! મને એવો વિચાર આવે છે કે આ પત્નીઓ પિયર શું કામ જતી હશે ? મતલબ ડીલીવરી, ભાભીનો ખોળો ભરવા, એમ.એ. કે એલ.એલ.બી.ની પરિક્ષા આપવા, પપ્પાએ નવું ઘર લીધું છે, અને એવાં બધાં કારણો તો ઠીક છે, પણ શું આ સિવાય કોઈ બીજો વિકલ્પ ન હોઈ શકે ? મતલબ આ બધાં તો એક મહિનાથી છ મહિના વાળા વિકલ્પો છે, આનાથી લાંબી રજા ના હોઈ શકે ? એક વરસ, બે વરસ, એવું બધું. આ તો ખાલી વિચારો કરું છું, બકાવવાના. મને તો તારાથી દૂર થવું બિલકુલ ગમતું નથી. મને વિચાર આવે છે કે ભગવાન રામ વનવાસ ગયા, તો સીતાજી સાથે થયા, પણ લક્ષ્મણની સાથે ઉર્મિલાજી ન ગયા. આમાં ઘણાં ઉર્મિલાજીનો ત્યાગ જુએ છે તો ઘણાં લક્ષ્મણની ઈર્ષ્યા કરે છે, ચૌદ વરસ. માય ગોડ, ચૌદ વરસ તો બહુ કહેવાય. પણ આ મહિના અને ચૌદ વરસ વચ્ચેની કોઈક ફિગર ચાલે, નહિ ?

ડિયર તને વિશ્વાસ નહિ થાય પણ તારા ગયા પછી તેં આપેલા ટાઈમટેબલ પ્રમાણે અક્ષરસઃ જીવું છું. સવારે સાડા છ વાગ્યે એલાર્મ વાગે એટલે ઉઠી જાઉં છું, જોકે પછી દસ મિનીટ પછી ફરી પાછો સુઈ જાઉં છું. કેમ ? તેં તો ખાલી સાડા છ એ ઉઠી જવાનું કહેલું ને ? તારી એ પછીની સૂચના પ્રમાણે પાછો સાડા સાતે ઉઠી દૂધ ગરમ કરવા લાગુ છું. પણ બ્રશ કરવાના સમય અને દુધ ઉકળવાના સમય વચ્ચેનું નાજુક સંતુલન મોટે ભાગે ખોરવાઈ જવાથી દૂધ પ્લેટફોર્મ પર ઉભરાઈ જાય છે. જાપાનમાં ધરતીકંપ થાય તો સુનામિ ભારતના કિનારા પર ક્યારે ત્રાટકશે તેની ચેતવણી આપણને ગણતરીના સમયમાં મળી જાય છે, પરંતુ આ દુધના ઉભરાવા વિષે ચેતવણી આપતું કોઈ યંત્ર બજારમાં મળતું નથી. અરે, મેં ગુગલ પર સર્ચ કરીને પણ જોયું. આ ઘણી અફસોસની વાત છે. પણ છોડ એ બધું, દૂધ રોજ ઉભરાઈ જાય છે, પણ શાસ્ત્રોમાં કહ્યું છે કે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવો નહિ, એ વાત જીવનમાં ઉતારી હું અન્ય કામમાં પ્રવૃત્ત થાઉં છું. યાર, કેટલા કામ હોય છે ઘરમાં !

આમ તો એ વાતથી મને ઘણી તકલીફ પડે છે, પણ જેમ તેમ ફવડાવી દીધું છે. હા, કામવાળીની વાત કરું છું. એ તો તારી સૂચના મુજબ તારા ગયા પછી આવતી નથી. પણ તને એ જાણીને આનંદ થશે કે તેં નોટમાં લખેલી બધી સુચના પહેલા દિવસે જ ત્રણ વાર વાંચી ગયો ’તો, અને એમાં લખ્યા મુજબ ઘરમાં કચરો ન થાય એ માટે ખારી સીંગ અને પડવાળી ખારી બિસ્કીટ બધી ફેંકી દીધી છે. ચાનો કપ છાપા ઉપર જ મુકું છું એટલે ટેબલ પર કુંડાળા ન પડે, અને હા, ચા ના કુચા તારી સૂચના મુજબ પ્લાસ્ટીકની કોથળીમાં ભેગા કરું છું એટલે સિંક ભરાઈ ના જાય. મારા માટે કેટલું બધું વિચારે છે તું નહિ ? અને ડિયર, તને ઓફિસનું કામ ઘરે લાવું એની નફરત હતી ને ? એ કારણથી જ આજકાલ ઓફિસનું કામ ઘેર નથી લાવતો, અને ઓફિસમાં જ થોડું વધારે રોકાઈને પૂરું કરવા પ્રયત્ન કરું છું, આમેય ઓફિસમાં બધાને આજકાલ રોકાવું પડે એટલું કામ હોય છે. અને હા તને કાયમ સવાલ થતો ને કે સાંજે કારમાંથી ઉતર્યા પછી ઘરમાં આવતા મને વાર કેમ થાય છે ? હવે નથી થતી, કારણ કે મારે મોબાઈલનું રીસન્ટ કોલ લીસ્ટ ને એસ.એમ.એસ. ડીલીટ કરવા નથી પડતાં.

ડિયર તે કપડા જાતે ધોવાની કેમ ના પાડી હતી તે મને ગઈકાલે ઓફિસથી પાછો આવ્યો પછી સમજાયું. વોશિંગ મશીનમાં કપડા ધોવામાં કઈ ધાડ મારવાની નથી, એવું હું અત્યાર સુધી દ્રઢપણે માનતો હતો. સવારે બધાં કપડા વોશિંગ મશીનમાં નાખી મેં મશીન ચાલુ કર્યું. ત્યાં એટલામાં પેલા રાહુલનો ફોન આવ્યો, પછી બોસનો આવ્યો, એટલામાં કચરો લેવાવાળો વાળો આવ્યો, એટલામાં લેન્ડ લાઈન પર નીમુ માસીનો ફોન આવ્યો, પછી તો એટલો કંટાળો આવ્યો કે ન પૂછો વાત. બસ એમ જ ઓફિસ નીકળી ગયો, સાંજે પાછો આવ્યો ત્યારે ઘરમાંથી કઈક ઘરરરર ઘરરરર અવાજ આવતો હતો, એ વોશિંગ મશીનનો જ હતો. યેસ, યુ ગેસ્ડ રાઈટ. કપડા ગોળ ગોળ ફરીને ગૂંચળું થઇ ગયા હતાં અને અમદાવાદની બેતાલીસ ડીગ્રી ગરમીમાં પાણી તો ક્યાં સુધી રહે? બે દિવસથી રોજ બે કલાક મથું છું ત્યારે શર્ટ અને પેન્ટ છુટા પડ્યા છે. આમેય એ ખાખી પેન્ટ તને નહોતું ગમતું, ને ચોક્ડા વાળું શર્ટ મને.

તારા ગયા પછી બેત્રણ દિવસ તો નાસ્તો જાતે બનાવ્યો. હા બનાવ્યો જ. ખાધો નહિ. તને ખબર છે ને શહેરમાં પાણી બચાવવા અંગે સરકાર અને એનજીઓ કેટલી મહેનત કરે છે ? આ પાણી બચાવોની જાહેરખબરો વાંચીને સીધો જ હું કિચનમાં ગયો હોઈશ, ને બે મિનીટ વાળા નુડલ બનાવ્યા તો નુડલનાં પ્રમાણમાં પાણી ઓછું પડ્યું. પછી તો એ દિવસે લુગદીમાંથી ચમચો જ માંડ બહાર નીકળ્યો. પછી બીજા દિવસે પાણી વધારે નાખ્યું, તો નુડલ સૂપ હોય એવું કઈક બન્યું. પછી ઓફિસ જતાં બાજુ વાળા કેતકી ભાભીને પૂછી લીધું, તો એ કહે કે એના કરતાં તમે રોજ અમારા ઘેર નાસ્તો કરવા આવો. આમેય આજે ઈડલી સંભાર છે. પણ એમ હું કંઈ  જાઉં ? તેં એની મનાઈ તો પહેલા જ કરેલી છે ને. જોયું મને બધ્ધું કેવું યાદ છે ? અને એ પછી ત્રીજા દિવસે નોન-સ્ટીક પર બ્રેડ શેકવા મુક્યા. પણ પછી ટીવી પર કઈક જોવામાં એવો મશગુલ થઇ ગયો કે બળવાની વાસ આવી ત્યારે છેક મારું ધ્યાન પેલા સમર વિઅરની મોડલો પરથી હટ્યું. પણ ત્યાં સુધી તો ઘણું મોડું થઇ ગયું હતું. ઓફિસ જવાનું.

સખી, આ તો ફક્ત ચાર દિવસનો અહેવાલ છે, મહિનો કઈ રીતે કપાશે એ વિચારી હું ખુબ વ્યથિત થઇ જાઉં છું. એટલે હું અહિ જલસા કરું છું એવા ખોટા ભ્રમમાં તું રહીશ નહિ, અને ખાસ તો એવું વિચારી ઉતાવળે પાછી ના આવી જતી. ખરેખર તો આ પોપટ અડધો પડધો ભૂખ્યો રહે છે. સવારે પાણી જતું રહે છે એટલે ફીજમાં બધી બોટલ ખાલી હોય છે, એટલે પોપટ અમુક વખત તરસ્યો પણ રહે છે. વધુમાં પોપટ ઘરથી ઓફિસ સુધી જ ઉડે છે એટલું જ, પણ ઓફિસ અને ઘરકામમાં કોઈ આંબા લીમડાની ડાળે બેસવાનો ચાન્સ જ નથી મળતો. આ તો બધું તારી જાણ સારું. તો મારા આ પ્રેમપત્રને રૂબરૂ મળ્યા તુલ્ય સમજજે અને પપ્પાને ત્યાં ઠરીને રહેજે.

એજ તારો વ્હાલો પોપટ 

9 comments:

 1. Adhir bhai ,

  just great.!! ROTFL

  ReplyDelete
 2. પોપટે તો ભુક્કા કાઢી નાખ્યા યાર. . . અધીરેશ્વર મહારાજ. . જય હો. .

  ReplyDelete
 3. હા હા હા... ખુબ સરસ...


  પણ અમને આ એલ.એલ.બી.ની પરિક્ષા આપવા, વાળી લાઈન સાથે તકલીફ છે...

  ReplyDelete
 4. શ્રી અધીરભાઈ....ગુજરાતી હાસ્ય લેખક નંબર - ૧

  ReplyDelete
 5. અરે,,, સખીપત્નિઓ....તમે પણ આવો સારો લેટર લખો,
  નહીતર વિચારો.!!
  બહુ જ Good છે~

  ReplyDelete
 6. પોપટ ભૂખ્યો નથી , પોપટ તરસ્યો નથી .પોપટ આંબાની ડાળ , પોપટ સરોવરની પાળ ..પોપટ ફેસબુક પર ...:પ્

  ReplyDelete
 7. વાહ દોસ્ત.. ખુબ સરસ.... :)

  ReplyDelete