Sunday, June 26, 2011

ગૌરી ગાયની ડાયરી


| અભિયાન | હાસ્યમેવ જયતે | ૧૮-૦૬-૨૦૧૧ |
મારું નામ ગૌરી કાઉ છે. હું રૂડા અંકલના ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહું છું. એમણે મને ડોરમીટરીમાં એક સીટિંગ સ્પેસ આપી છે. લગભગ સાડા સાત ફૂટ બાય સાડા ત્રણ ફૂટની સ્પેસ એક કાઉ દીઠ આપી છે. અમે ટોટલ ચાર કાઉ છીએ. એક બફેલો પણ છે. આ બફેલો રૂડા અંકલની ફેવરીટ છે. બફેલોને ડીલક્ષ સ્પેસ મળી છે, એટલે એ થોડીક ઇગો પણ કરે છે. અમારી સાથે ચેટ પણ નથી કરતી. પાછું એની સ્પેસના માથે છાપરું છે અને એનાં પર ઘાસ નાખ્યું છે, એટલે એને ગરમી પણ ઓછી લાગે. અમારે તો ખાલી છાપરું છે. અમને સ્પેસ આપી એનાં બદલામાં અંકલ અમારું મિલ્ક કાઢી લે છે. અમારું કાઉઝોનું આમ તો ઘણું એક્સપ્લોઇટેશન થાય છે. પણ શું કરીએ ? વિ આર હેલ્પલેસ. કોઈ એનજીઓ પણ અમને મદદ કરતી નથી. એક વાર છાપું ખાતા પહેલા વાંચ્યું હતું, એમાં લખ્યું હતું કે સરકારમાં એક ગૌ સંવર્ધન ખાતું પણ છે, પણ એવું કહે છે કે એ ખાતામાં ઓફિસરોનું પોસ્ટિંગ પનીશમેન્ટ માટે જ થાય છે, એટલે એ લોકો ખીજાઈને અમારા વેલ્ફેર માટે કાઇ કરતા નથી.

તમને એમ થશે કે ગૌરી કાઉ થઈને આટલું સારું ઈંગ્લીશ કઈ રીતે બોલે છે ? પણ એ તો બહુ સિમ્પલ છે. મારા લેન્ડ લોર્ડ રૂડા અંકલ અને લેન્ડ લેડી જીવી આન્ટીને બે ડોટરો છે. એકનું નામ જીની અને બીજીનું ટીની. બેઉ ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ટાઈ પહેરીને જાય છે. એટલે એ ભણે અને જોર જોરથી સ્પેલિંગ અને એનાં અર્થ બોલે એ અમે અહિ ઉભા ઉભા સાંભળીએ. એટલું જ નહિ. અમને દિવસે બજારમાં ફરવાની છૂટ આપી છે રૂડા અંકલે. ઇન ફેક્ટ, અમારે આમારું એક ટંકનું ખાવાનું તો આમેય બારોબાર જ ગોઠવવાનું હોય છે, એટલે અમે માર્કેટમાં ફરતાં જ હોઈએ છે, યુ નો, વન્ડરીંગ. એટલે એમ રસ્તા પર જતાં આવતાં છોકરા છોકરીઓને મોબાઈલ પર વાતો કરતા સાંભળીએ છીએ. હવે ખબર પડી ? તમે મોબાઈલ પર વાત કરતા હોવ ત્યારે કાઉઝ તમને કેમ તાકી રહે છે ? અરે ડોગ્ઝો પણ આવું જ કરે છે. અમારી સોસાયટીનો મોતી ડોગ તો હજુ ૯ મહિનાનો છે પણ મારાથી પણ સારું ઈંગ્લીશ બોલે છે, બોલો !

મારા લેન્ડ લોર્ડ રૂડા અંકલ આમ તો બહુ સારા માણસ છે. એ આખો દિવસ એમની બાઈક પર ફર્યા કરે છે. એમના બાઈકમાં સાઈડ પર એ કાયમ લાકડી બાંધી રાખે છે. એક બે વાર તો એમને ટ્રાફિક પોલીસે પોલીસવાળા સમજી ને એમનેમ જવા દીધાં હતાં, એટલે પછી તો એમણે બાઈકની પાછળ અંગ્રેજીમાં ‘પી’ એવું પણ લખી દીધું છે. પહેલા તો અમને ખબર ના પડી કે ‘પી’ એટલે શું ? કારણ કે રૂડા અંકલ ને બીડી અને છાશ સિવાય કશું પીવાની આદત નથી. અને આમેય સમાજમાં એ બહુ આબરૂદાર અને પાંચમાં પુછાય એવાં માણસ છે. અરે એમનું ઘર શોધતા શોધતા કોઈ આવે તો ક્યાંય પૂછવું જ ના પડે, સીધા રૂડા અંકલના ઘરે પહોંચી જાય એટલા એ ફેમસ છે. અને એટલે જ એમનાં ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવું એ અમારા કાઉઝોમાં સ્ટેટસ સિમ્બલ છે.

હવે દિવસ ઉગે એટલે દૂધ દોહીને રૂડા અંકલ અમને છુટા મૂકી દે છે. એમાં ગંગાને કાળી પાલડી તરફ જાય છે અને હું ને જમના બેઉ ધીમે ધીમે ચાલતા સીજી રોડ પર પહોંચીએ જઈએ છીએ. ધીમે ધીમે એટલા માટે કે અમારે શું ઉતાવળ હોય ? અમે તો ચાર રસ્તો ક્રોસ કરીએ ત્યારે પણ નિરાંત જ રાખીએ છીએ. અમારે થોડું સિગ્નલ લીલું થાય એટલે રોડ ક્રોસ કરવાનો હોય ? પણ અમે ધીમે ધીમે જઈએ એટલે આ માણસોને બહુ ખીજાય અને ખીજાઈને જોસ જોસથી હોર્ન વગાડે, અમારા તો કાન જ ફૂટી જાય. અને કોક વાર તો પોલીસ દાદા પણ દંડો ઉલાળતા આવી જાય અમારી તરફ એટલે અમારે પછી હરી કરવી પડે છે.

જો અમે વહેલી સવારે નીકળ્યા હોઈએ કે પછી શ્રાવણ મહિનો હોય તો અમે સૌથી પહેલા લો ગાર્ડન પાસે વહેલી સવારે ચાલવાવાળા જ્યાં ઘાસ નાખતા હોય ત્યાં પહોંચી જઈએ. ત્યાં અમારા રૂડા અંકલનો જ એક ઓળખીતો ઘાસ સપ્લાય કરે છે. એટલે અમને ઘાસ ખાવામાં પ્રાયોરીટી મળે છે. લોકો રૂપિયા આપીને ઘાસ નખાવે એટલે હું અને જમના તૂટી પડીએ. રૂડા અંકલ પાછાં બીજી કાઉઝોને ભગાડી પણ મુકે, છે ને રૂડા અંકલ બહુ જબરા ? આ સિક્રેટ વાત છે, કોઈ ને કહેતા નહિ ! પછી ખાઈ પી ને અમે સીજી રોડ પર શોપિંગ કરવા આવતાં લોકોને જોવા માટે પહોંચી જઈએ. એમાં પાછા ઘણી વાર તો ફોરેનર અને એન.આર.આઈ. લોકો પણ આવે. ગંગા કાળીને તો અમારી એટલી ઈર્ષ્યા આવે, પણ શું થાય, અમે બેઉ જણા દોઢ દોઢ લીટર દૂધ વધારે આપીએ છીએ એટલે અમને સીજી રોડ એલોટ કર્યો છે !

અમદાવાદમાં અમને ઘણું સારું ફાવી ગયું છે. અહીનાં રોડ બહુ સારા નથી અને મ્યુનિસિપાલિટી અને પોલીસ દાદાની દયાથી રોડની આજુબાજુ ઘણાં ફેરિયાઓ બેસે છે, વાહનો પણ બહુ બધાં પાર્ક થાય છે. એટલે એકંદરે અમદાવાદમાં કોઈ બહુ ફાસ્ટ વાહન ચલાવી નથી શકતું, અને અમે સાવ ધીમે ધીમે જઈએ કે રોડની વચ્ચે બેસી જઈએ તો પણ અમને કોઈ અથડાતું નથી. આ ઉપરાંત શહેરમાં જાતજાતના ખોદકામ થાય એટલે માટીના ઢગલા ખડકાય પછી એની આજુબાજુમાં જગા શોધીને અમારે બેસી જવાનું. અને આમેય ચોમાસામાં તો અમારી ડોરમીટરીમાં આમેય બધી માખીઓ થાય છે કે અમે બહાર જ રહેવાનું પસંદ કરીએ છીએ. ચોમાસામાં ઘાસ પણ સારું ઉગે, એમાં જો શ્રાવણ મહિનો હોય તો લોકો પુણ્ય કરવા આખું ગામ ઘાસ ઘાસ કરી મુકે, અમારે એઠવાડમાં મ્હો પણ નાખવું ના પડે. પણ કોકવાર ઘાસ ખાઈને કંટાળી જઈએ છીએ. એટલે કોક શાક કે ફ્રુટવાળાની લારીમાં મ્હો મારી લઈએ છીએ. પણ એમાં કાકડી ખાવા જતાં અમારે કોક વાર શાકવાળાની લાકડી પણ ખાવી પડે છે.

પણ અમને કાયમ કઈ ઘાસ ખાવા મળતું નથી. શ્રાવણ મહિનો કે અધિક મહિનો જાય એટલે બધાનો 
પુણ્યનો ક્વોટા પુરો થઇ જાય એટલે પછી મહિના સુધી અમને કોઈ ઘાસ ન નાખે. અમારે પછી સોસાયટીઓમાં ફરીને કોઈએ રોટલી કે એવું નાખ્યું હોય તે ખાવું પડે. એવું મળે તોયે સારું, પણ મોટે ભાગે તો અમારે પ્લાસ્ટીકની કોથળીઓમાં ફેંકી દીધેલો એઠવાડ ખાવો પડે છે. કોકવાર પ્લાસ્ટિક પણ ભેગું પેટમાં જતું રહે છે. અને એનાથી પણ ખરાબ નસીબ હોય તો કોક નવા સવા કુકિંગ ક્લાસ ભરીને આવેલી હોમમેકરનાં હાથે બનેલી અને ફેંકી દીધેલી આઈટમો ખાવા મળે. અમને તો જોઈને જ ખબર પડી જાય કે સવા ઈંચ લાંબા અમારા દાંતથી પણ આ પીઝા તૂટશે નહિ, એટલે અમે જોઈ સુંઘીને ચાલવા માંડીએ છીએ. ને અમે જતા હોઈએ એટલે પેલી ફટાકડીનો હસબંડ બોલે બોલે ને બોલે જ, કે ‘જોયું, ગાય પણ સુંઘીને ચાલી ગઈ’. જો કે પછી શું થાય છે એ જોવા અમે કોઈ દિવસ ઉભા નથી રહેતા, આપડે શું એ બધી પારકી પંચાત !

તમને થશે કે શહેરમાં ઢોર ત્રાસ અંકુશ નિવારણ ખાતું છે એ શું કરે છે ? અમને પણ એક્ઝટલી એવું જ થાય છે. એ લોકો ટ્રેક્ટર લઈને નીકળે એટલે અમારો જીવ નીકળી જાય, કે હમણાં પકડી જશે, પણ અમદાવાદ શહેરના લોક તો ઠીક પણ પાલિકાનાં કર્મચારીઓ પણ ભલા દિલના છે. કોક વીવીઆઈપી પસાર થવાના હોય એ સિવાય અમને એ લોકો તંગ કરતા નથી. એમાં રૂડા અંકલના વહેવારો પણ કામ કરે છે. એવું કહેવાય છે કે આવતી ફરા એમને કોર્પોરેશનની ટીકીટ આપવાના છે. એ જે હોય તે, પણ અમે બે ફેરા એ ઢોર ત્રાસ વાળાના ટ્રેક્ટરમાં આંટો મારી આવ્યા છીએ. એક રાત તો ડબ્બામાં પૂરી દીધાં હતાં, ડબ્બો એટલે એ કાઇ બંધ ડબ્બો ના હોય, એવું ‘કે એને લોકો. પણ એના કરતા અમારી રૂડા અંકલ ની ડોરમીટરી સારી, રાતે મોડા સુધી અમે ચારેવ જણીઓ આરામથી ગપ્પા મારીએ.
 
ઘણાં લોકો અમને પૂછે કે લાલુ પ્રસાદ વિષે તમારે શું કહેવું છે ? મારી ઉમર હજુ છ વરસની છે, એટલે મને ખાસ ખબર નથી, પણ મારા ભૂરી આન્ટી કહેતા’તા કે બિહાર કરીને એક રાજ્યમાં અમારા માટેનું ઘાસ કોઈક  માણસ ખાઈ ગયો હતો. કોઈ માને નહિ એવી વાત છે ને ? માણસ ઘાસ કઈ રીતે ખાય ? બધા ભૂરી આંટીને મેડ કહીને મજાક  ઉડાડતા હતાં. પણ એકવાર અમે બારી પાસે ઉભા ઉભા ટીવી જોતા હતાં ત્યારે એ માણસને અમે જોયો. અને ટીવી પર પણ ઘાસચારા કૌભાંડને એવું બધું કાઇ બોલતા હતાં. પછી અમને ખાતરી થઇ ગઈ કે આ માણસે ઘાસ ખાધું જ હશે. કઈ રીતે ? અરે એનાં માથાના વાળ તો જુઓ. અને તોયે વિશ્વાસનાં આવતો હોય તો એનાં કાનના વાળ જુઓ. આવાં વાળ ઘાસ ખાતો હોય એના જ હોય. અને એમ છતાં વિશ્વાસ ન પડે તો એને સાંભળો. ચોક્કસ ખાતરી થઇ જ જશે.

તો આમ અમારો દિવસ આનંદમાં જાય છે. રાતે ક્યારેક સમય મળે તો ટીની પાસે મારી ડાયરી લખાવું છું. ટીની બહુ પ્રેમાળ છે, આખા ઘરમાં એક એ જ છે જે રાતે મારા ઘેર પાછાં ફરવાની રાહ જોતી હોય છે, અને હું આવું એટલે તરત જ આવીને હાથ ફેરવી જાય છે. આગળ જતાં ડાયરી પબ્લીશ કરવાનો વિચાર છે, કોઈ સારો પબ્લીશર ધ્યાનમાં હોય તો કે’જો, આપણે રાઈટ્સ વેચવા છે.

2 comments:

  1. મસ્ત અધીરભાઇ

    ReplyDelete
  2. ખુબજ ગૂડ છે... ! વાહ...! મજો મજો થઇ ગયો સવાર સવારમાં..! આભાર..

    ReplyDelete