| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | ૧૯-૦૬-૨૦૧૧ |
દિલ્હીમાં બાબા રામદેવના સમર્થકો પર અડધી રાત્રે પોલીસ કાર્યવાહી થવાથી દેશમાં ખળભળાટ થઇ ગયો છે. વધારાનો ખળભળાટ બાબાએ સંપત્તિ જાહેર કરી એનાથી થયો છે. પરિણામે ઘણાં ઘરોમાં પત્નીઓ પતિઓને મહેણાં મારવા લાગી કે ‘જુઓ આ બાબાને. કેટલા કરોડ ભેગાં કર્યા, અને એક તમે છો રોજ બગીચામાં જઈને અમથી અમથી ફૂંકો મારો છો’. એમાં પાછું અણ્ણાએ ઉપવાસ કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ તાપણું સળગાવ્યું, અને બાબા રામદેવજીએ બળતામાં ઘી હોમ્યું, દિલ્હી પોલીસે ટીયરગેસના ટોટા ફોડ્યા અને આમ બરોબરનું સળગ્યું છે. અણ્ણા હજારે પણ હવે ખીલ્યા છે, એમણે રાજઘાટ પરનાં પ્રતિક ઉપવાસ પછી જાહેર કર્યું કે ‘દેશને હજી સાચી આઝાદી મળી નથી’. લ્યો કરો વાત. દેશને આઝાદી નથી મળી એવું તમને કેમ લાગ્યું ? અંગ્રેજોની જેમ પોલીસે અત્યાચાર કર્યો એટલે ? બાબાએ મંચ પરથી કૂદકો માર્યો એટલે શું તમને જલિયાંવાલા બાગ યાદ આવ્યો ?
અણ્ણા કહે આઝાદી નથી એટલે શું આપણે માની લેવાનું ? ન મનાય ને ભાઈ એમ. અહિ તો બધું આઝાદ છે. બહાર રસ્તા પર નીકળો. પાન ખાવ. પછી ચાલો થોડું. અને પછી મારો પિચકારી કોકની દીવાલ પર કે કોઈ ખૂણામાં. વધારે આગળ જાવ, પેશાબ લાગે તો ઊભા રહી જાવ રોડ સાઈડ પર, કરો પેશાબ. અને હળવા થયાં પછી રોડ ક્રોસ કરવો હોય તો ઝિબ્રા ક્રૉસિંગ પર શું કામ જવાનું ? ગમે ત્યાંથી રોડ ક્રોસ કરો, સબ ભૂમિ ગોપાલ કી ! સાચે જ ! સબ ભૂમિ ગોપાલ કી છે એટલે જ સાચવવાનું ગાયોથી ! હાસ્તો આઝાદી એકલી માણસો માટે થોડી છે ? બધા માટે છે. ગાયો અને કૂતરાં પણ આઝાદ હોય. અને એ ન હોય તો વરઘોડા જતા હોય ને ? વરઘોડામાં ફટાકડા ફોડવાની આઝાદી. ફોડો તમે ત્યારે ! બસ,કોઈ મંત્રીની સભામાં ફટાકડા ન ફોડો ત્યાં સુધી વાપરો આઝાદીને રોકડા રૂપિયાની જેમ ! એમ અણ્ણા કહે એટલે થોડું માની લેવાય છે કે આઝાદી નથી ?
અરે, આઝાદી પહેલાની વાત કરીએ તો અંગ્રેજોની નીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો. હવે અંગ્રેજ રાજ નથી, હવે તો ભાગ પાડીને સંપીને ખાવાની રાજનીતિ છે. અત્યારે જુઓ તો સ્વતંત્ર ભારતમાં બધાં સંપીને રહે છે. ગુજરાતમાં પોલીસ અને બુટલેગરો સંપીને રહે છે. બિહારમાં સમતા અને ભાજપ સંપીને રાજ કરે છે. કેન્દ્રમાં સીબીઆઈ અને રાજકારણીઓ સંપીને કામ કરે છે, બસ રાજકારણીઓ ઈશારો કરે ત્યાં અને ત્યારે જ કાર્યવાહી કરે છે. અને યુપીમાં તો ગણ્યા ગણાય નહિ, પણ ચૂંટણીનાં પરિણામ આવે પછી વીણ્યા વીણાય એટલા ભિન્ન ભિન્ન વિચારસરણી ધરાવતાં લોકો સંપીને રાજ કરે છે ! અરે ભાઉ, કલમાડીનાં વહીવટમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ તો ઘરનાં પણ ન કરી શકે એટલો સંપીને પ્રસંગ પાર પાડ્યો હતો કે નહિ ? તો પછી ? આથી વધારે આઝાદી શું હોય ? અણ્ણાને આ કશી સમજ નથી પડતી લાગતી.
અને દસ રૂપિયાના રીચાર્જ જેવી નાની નાની આઝાદી તો કેટલી બધી છે આપણે ત્યાં. તમે કોઇ દિવસ રેસ્ટોરન્ટમાં ગયાં નહિ હોવ, એટલે તમને ક્યાંથી ખબર હોય ? જાહેર જગ્યાઓમાં મોટે મોટેથી વાતો કરવાની અહિ આઝાદી છે. અરે હોટલોમાં છોકરાઓને રખડતા મુકીને ગપ્પા મારવાની આઝાદી છે. અને તમે તો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ ક્યાંથી જોઈ હોય ? અરે ત્યાં, મોબાઈલ ફોન પર જોશ જોશથી વાતો કરવાની આઝાદી છે. અને તમે લાઈનમાં તો ઉભા રહ્યા હશો ને ? તો તમને ખબર જ હશે કે આપણે ત્યાં લાઈનમાં ઘૂસ મારવાની આઝાદી છે !
આટલું જ નહિ આપણા ત્યાં જુઠ્ઠું બોલવાની સૌથી મોટી આઝાદી છે. રાજ કપૂર તો બોબીમાં ઝૂઠ બોલે કૌઆ કાટે કહીને છૂટી ગયા પણ સ્વતંત્ર ભારતનાં કાગડાઓ કંઈ ઝૂઠ બોલનારને કરડવા દોડે છે કે નહિ તે કોણ જુએ છે ? અરે, એમ જો કાગડાઓ કરડવા જાય તો ઇન્ડિયામાં કાગડાઓને ખાવાનો ટાઈમ ન મળે કરડવામાંથી ! પેલો રાહુલ અમદાવાદમાં બેઠો હોય ને ફોન પર વાત કરે કે ‘મેં અભી સુરતમે હું, કલ આકે આપકા કામ પહેલે કરતા હું’. નીતેશ ‘આજે ઓવર ટાઈમ છે, મોડું થશે’ એવું કોક બારમાંથી મોબાઈલ પર ઘરવાળીને જણાવે. અને પ્રધાન કે અધિકારીએ સગાવ્હાલાઓનાં નામે ફ્રેન્ચાઈઝી લીધી હોય કે કંપનીમાં ભાગીદારી હોય તો પણ ‘મારે તો કાંય લેવા દેવા નથી’ એવું બિન્દાસ કહી શકે છે. બીજા તો ઠીક ગુજરાતના હોંશિયાર સનદી અધિકારીઓને પોતાનાં કરોડોનાં બંગલા માત્ર બે-ચાર લાખના લાગે છે. એસી આઝાદી કહાં ? અમારા વિતર્ક વાંક્દેખાને તો આવાં જુઠ્ઠા લોકોને પકડીને દંડા મારવાની ઈચ્છા થાય છે, પણ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી પણ ખરાબ નથી કે એમ ગમે તેને દંડા મારો તમે.
અણ્ણાજી અમારા દલપત રામની વાત યાદ કરો. એમણે અંગ્રેજ શાસનની તરફેણમાં કહ્યું હતું કે ‘દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન’. અત્યારે સાવ આવી પરિસ્થિતિ તો નથી ને ? ભાઉ અહિ આઝાદી જ આઝાદી જ છે. મંત્રીઓને દલા તરવાડીની જેમ દેશ નામની વાડીમાંથી રીંગણાં તોડવાની તો આઝાદી છે જ ને ઉપરથી જોખમાં કોથમીર મરચાં એવું બધું પણ સગા વ્હાલાઓ માટે લેવાની આઝાદી છે. અને, બચારા વાડીના રખેવાળ કહો કે માલિક કહો, એ વશરામ સિંહને તો કોઈ પૂછતું જ નથી ! એટલે ડબકાં ખાવાનો પણ ડર નથી. હવે તમે જ કહો કે સાચી આઝાદી છે કે નહિ ??? ■
આવી રીતે આઝાદ થવું તો પોતાના પર જ depend કરેછે, અન્ના ને આવું ના આવડ્યું !
ReplyDeleteઆવી રીતે આઝાદ થવું તો પોતાના પર જ depend કરેછે, અન્ના ને આવું ના આવડ્યું !
ReplyDelete