Sunday, June 12, 2011

ઉનાળા સામે વિષ્ણુ ભગવાનને વાંધા અરજી


| હાસ્યમેવ જયતે |                                                          | અભિયાન તા. ૦૪ જુન ૨૦૧૧ |

માનનીય વિષ્ણુ સાહેબ,
                                                                  
સ્વર્ગના મેન્યુઅલમાં લખ્યા મુજબ આપના તાબામાં સમગ્ર પૃથ્વીનું સંચાલન આવે છે, એવું અમે ગોર મહારાજો પાસે કથામાં સાંભળ્યું છે. આથી જ તમારી ઉનાળા અંગેની ભેદભાવભરી નીતિ અંગે આ વાંધા અરજી તમને સંબોધીને લખી છે. તમને જાણ તો હશે જ કે તમારી આ વહાલા-દવલાં નીતિને કારણે ગુજરાત અને એમાંય અમદાવાદનાં લોકો સિમલા, મસુરી, કાશ્મીર, સિક્કિમ, ઉટીથી લઈને સ્વીત્ઝર્લેન્ડ સુધી હવા ખાવા જાય છે અને ત્યાંની અર્થવ્યવસ્થા મજબુત કરે છે. આપશ્રીનાં વહીવટમાં લોકોને ઠંડી હવા જેવી મૂળભૂત વસ્તુ ખાવા માટે રૂપિયા ખર્ચવા પડે છે જે ઘણી દુખદ વાત છે.

ઉનાળો આવે એટલે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પાણીનો વપરાશ વધી જાય છે અને આથી પાણીની અછતની સમસ્યા સર્જાય છે. છાપાઓ રોજ નામ બદલીને જુદાજુદા વિસ્તારમાં પાણીની સમસ્યાઓ અને ધાંધીયા અંગે સમાચારો છાપે છે. આના કારણે પાલિકામાં કામ કરતાં અમારા નિર્દોષ કર્મચારીબંધુઓની નાલેશી થાય છે. તેમ છતાં અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં અમદાવાદનાં મેયર અને મ્યુનિસિપલ કમિશ્નર સાહેબના બંગલા સામે જ ફુવારારૂપે નળ અમથો વહેતો રહે છે. અમારા મે. મેયર અને મે. કમિશ્નર સાહેબ સવાર સાંજ જતાં આવતાં એ જોવે જ છે, જેથી એમને શહેરમાં પાણીની સમસ્યા દેખાતી નથી. પણ આશા રાખીએ કે તમને તો ઉપરથી બધું દેખાતું જ હશે પ્રભુ.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે વિદ્યાર્થીઓ સિવાયનાં અન્ય લોકોને લાભ આપવા સુવાક્યો પણ લખ્યા છે. આઈન્સ્ટાઈને કહ્યા મુજબ જીનિયસ વ્યક્તિ ૯૯% પરસેવાથી અને ૧% પ્રેરણાથી બને છે. આ સુવાક્ય મુજબ અમદાવાદના ૯૯% લોકો ઉનાળામાં જીનિયસ બની જાય છે. કારણ કે તેઓ ઉનાળામાં સદાય પરસેવામય રહે છે. વિજ્ઞાનમાં ભણ્યા હતાં એ કારણોસર શરીરમાં પરસેવો થાય છે અને પરસેવા વાટે શરીરમાંથી મીઠું બહાર નીકળે છે. એમાંય ખાસ કરીને બગલની આસપાસના વિસ્તારોમાં આ મીઠું જામી જાય એટલે કપડા પર સફેદ કિનારીઓ પડી જાય છે. આમ છતાં અમુક લોકો ન્હાતા કે ધોતાં ન હોવાથી બુશકોટ પર મીઠાના થર જામી જાય છે. આમ ઉનાળામાં આવાં લોકો પાસે ઉભા હોઈએ તો મીઠાના અગરમાં ઉભા હોવાનો આભાસ પણ થાય છે.

પરસેવો થાય એટલે મનુષ્ય ગંધાય છે. અમારા સરકારી કર્મચારીઓના બાળકો જાહેરખબરો જોઈને અત્તરના ફુવારાઓ પણ લઇ આવે છે, પણ નાહ્યા વગર ફુવારા મારે છે એટલે મરેલા ઉંદર પર અત્તર છાંટ્યું હોય એવી વાસ એકંદરે આવે છે. અને જાહેરાતોમાં તો રૂપાળી અને ટૂંકા કપડા પહેરેલી છોકરીઓ આવાં ફૂવારીયા છોકરાઓને ચોંટી પડતી હોય છે. પરંતુ અમારા ‘ક’ શાખાવાળા મુકેશભાઈના આકાશને આઠ આઠ ડબ્બા ખાલી કરવા છતાં હજુ સુધી કોઈ છોકરી મળી નથી, તે તમારા ચોપડામાં લખાયા મુજબ જ હશે ને ? તો આપશ્રી ને ઉનાળાને થોડો ઓછો ગરમ રાખવા અથવા તો પછી ગંધરહિત પરસેવો શોધાય એવી વૈજ્ઞાનિકોને પ્રેરણા આપવા ખાસ દરખાસ્ત છે. અને આવું ન થઇ શકતું હોય તો તમારા સમગ્ર દુનિયાને સારી રીતે ચલાવવાનાં ખોટા દાવાને પાછો ખેંચી લો પ્રભુ.

ઉનાળામાં ગરમી થાય, પરસેવો થાય અને પાણીનાં અભાવે નાહવાનું રખડી પડે છે એટલે લોકોને ખણ આવે છે. એમાં વળી આજનો યુવાન આટલી ગરમી પડતી હોવા છતાં જીન્સનાં જાડા પાટલુન પહેરે છે, પછી એક હાથમાં મોબાઈલ રાખી બીજા હાથથી ખણવામાં પ્રવૃત્ત થાય છે. એવું કહેવાય છે કે ડાબા હાથમાં ખણ આવે તો ધન પ્રાપ્તિ થાય છે. પગમાં ખણ આવે તો પ્રવાસ યોગ થાય છે. પણ ઉનાળામાં આખા શરીરે ખણ આવવાથી પાવડર અને મલમનો ખર્ચો થાય છે. પહેલાના વખતમાં તો લોકો ખિસ્સામાં કાંસકા રાખતા હતાં, જેનો ઉપયોગ ખણવા માટે પણ થતો, પણ હવે યુવાનો ખિસામાં કાંસકાને બદલે મોબાઈલ રાખે છે, પણ મોબાઈલ જોઈએ એવા ધારદાર હોતા નથી તેથી ખણની સમસ્યા દિવસે દિવસે વધુને વધુ વિકટ થતી જાય છે.

જાહેર ખબરોમાં સીનેતારિકાઓ અને મોડલ ટૂંકા કપડા પહેરીને ઉનાળામાં પણ ખુશ રહેતી દર્શાવવામાં આવે છે. પણ હકીકતમાં તો એ લોકો શુટીંગ પૂરું થાય કે દોડીને વાતાનુકુલિત વાનમાં ભરાઈ જાય છે. આમ જનતા તો સિગ્નલ ઉપર હેલ્મેટની અંદરનો પરસેવો લુછતા લુછતા જાહેરાતના પાટીયાઓ પર આ છોકરીઓના ફોટા જોયા કરે છે. પણ મહદઅંશે પુરુષો ગંજી અને ચડ્ડી પહેરીને ઉનાળા સામે લડત આપે છે. આ ઉપરાંત અમુક લોકો ગંજીમાં પણ ગરમી લાગતી હોવાથી ગંજીમાં કાણા મુકાવે છે. આવાં ચડ્ડી બનિયાન ધારીઓનો ત્રાસ ઉનાળામાં એમના ઘરથી લઈને પાનના ગલ્લા સુધી વિસ્તરે છે જે ઉનાળાના ત્રાસમાં મિશ્ર થઇ મહાત્રાસ બને છે.

ઉનાળા આવે એટલે જૂની સોસાયટીઓમાં અમુક લોકો મોટર મૂકી પાણી ખેંચે છે. એ પાણી પોતાના આંગણામાં સવાર સાંજ છાંટી ઠંડક કરે છે. પછી આ છાંટેલા પાણી સામે ફોલ્ડિંગ ખુરશી નાખી, આ પાણીથી થયેલી ઠંડક ખાય છે. તો અમુક લોકોનો અડધો દિવસ બારીઓ પર ખસની ટટ્ટી લટકાવવામાં અને એનાં પર પાણી છાંટવામાં પસાર થાય છે. વાહન લાવ્યા હોય પણ વાપરતા ન હોય તેવાં લોકો ઉનાળાની ગરમીથી વાહનને બચાવવા આખો દિવસ છાયડા શોધી વાહનની જગ્યા બદલ બદલ કરી સમય પસાર કરે છે. ઓફિસોમાં પણ પટાવાળાઓનો સમય પાણી પીવડાવવામાં જ ખર્ચાઈ જાય છે, જેના લીધે ફાઈલો એક ટેબલથી બીજા ટેબલ સુધી સમયસર પહોંચતી નથી અને એનો દોષનો ટોપલો કર્મચારીગણ ઉપર ઢોળવામાં આવે છે. આમ ઉનાળામાં ઘણાં બધાનો સમય વ્યય થાય છે, જે રાષ્ટ્ર માટે પણ બગાડરૂપ છે.

ઉનાળાની ઋતુમાં અમદાવાદમાં ગરમી ખુબ થતી હોવાથી લોકો રાત્રે રસ્તા પર આવી જાય છે. જાહેર બગીચાઓ તો હવે ગણ્યા ગાંઠ્યા રહ્યા હોવાથી સાબરમતિનાં પુલો ઉપર લોકો ભીડ કરે છે. એ પછી બીજું કાઇ ન સૂઝતા અંધારામાં નદીના પાણી તરફ તાકી રહે છે. આ લોકોને નદીમાં તાકતાં જોઈ ત્યાંથી પસાર થતાં વાહનચાલકો ‘કોઈએ ભુશ્કો માર્યો કે શું ?’ એ કુતુહલથી વાહનો ઉભા કરી દે છે, અને એ લોકો પણ જોવામાં જોડાઈ જાય છે. પણ કોઈ કૂદ્યું ન હોવાથી અંતે નિરાશ થઇ ફરી પાછાં પોતાના રસ્તે પડે છે. આ ઉપરાંત ઉનાળામાં ‘દિવસે દીવાલો તપી જાય છે એટલે રાતે ડબ્બલ ગરમી મારે છે’ એવું કહીને ઘણાં લોકો રાત્રે ધાબા પર સુઈ જાય છે. પણ તકનો લાભ લઇ તસ્કરો ઘરમાં હાથફેરો કરી જાય છે. આમાં પણ સરકારી કર્મચારીઓ અને વેપારી વર્ગને સૌથી વધારે સહન કરવાનું આવે છે, કારણ કે અમુક ચોક્કસ કારણોસર મોટા પ્રમાણમાં રોકડ અને ઘરેણાં ચોરાવા છતાં આવા લોકો ખુબ નાની રકમની ફરિયાદ કરી શકે છે. અને આ કારણસર પોલીસ કર્મીઓ એમની ફરિયાદ પર પૂરતું ધ્યાન નથી આપતાં એવી ફરિયાદો પણ ઉઠે છે. 

એવું કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એટલે જ્યાં રવિ જ્યાં વધારે પહોંચતો હોય, ત્યાં તો કવિ પહોંચ્યા વગર કઈ રીતે રહે ? ભૂતકાળમાં કવિ ઉમાશંકર જોષીએ ઉનાળાને જટાળો જોગી કહી ઉનાળાની ટીઆરપી વધારી હોવાનો કિસ્સો દફતરે નોધાયેલો છે જ. ઠંડી જ્યાં વધારે પડે છે તે અમેરિકાના પ્રકૃતિપ્રેમી હેન્રી બેસ્ટન આઉટર મોસ્ટમાં ઉનાળા ઉપર ઓળઘોળ થાય તે વાતની નોંધ ભારતમાં શું કામ લેવાવી જોઈએ ? બેસ્ટનની પ્રેમિકા એલિઝાબેથે ‘પુસ્તક પૂરું કર તો લગ્ન કરું’ એ શરત મૂકી હતી ત્યારે આઉટર મોસ્ટ લખાઈ હતી. આવાં ડરપોક માણસની વાતો પર ધ્યાન પર ન લેવાય. આમ છતાં જ્યારે ઉનાળામાં, ખાસ કરીને વૈશાખ માસમાં, ગરમ પવન બહુ ફૂંકાય છે, ત્યારે અમુક કવિઓ પોતાના ઘરમાં બેસીને કે કોઈ અન્ય ઠંડા સ્થળે બેસીને આ ગરમ પવનને વૈશાખી વાયરા કહી ઉનાળાને હવા ભરવાનું જઘન્ય કૃત્ય કરે છે. એક તો કવિઓ આ ગરમ લુ ને વાયરા કહી આપણી આંખોમાં ધૂળ નાખે છે અને ઉપરથી આ વૈશાખી વાયરાઓ વાય એટલે ઘરમાં ધૂળ ભરાઈ જાય છે. અને એ સાફ કરવા ના છુટકે પુરુષવર્ગે જોતરાવું પડે છે. તો આ અંગે કવિઓ કેમ મૌન રહે છે?

પ્રભુ, ઉનાળામાં ઉનાળા વિષે વાતો કરવાનું મહાત્મ્ય એકાએક વધી જાય છે. હજુ બે મહિના પહેલા તો બુઢીયા  ટોપી પહેરીને ફરતાં લોકો એકાએક ઉનાળા વિષે ઉછળી ઉછળીને વાતો કરવા લાગે છે. ચૌરે અને ચૌટે, છાપે અને ચેનલે, પાનનાં ગલ્લે અને બેસણાંમાં, ફોન પર ને રૂબરૂમાં બધે જ મોકો જોઈને લોકો ‘કેટલી ગરમી પડે છે’ એવાં બખાળા કાઢે છે. એટલે એક તો ઉનાળો સહન કરવાનો અને ઉપરથી ગરમીના આંકડાની ઉતરેલી માહિતીની આદાનપ્રદાન કરવાની. અત્યારે તો હાલત એ છે કે લગ્ન વિષયક મુલાકાતમાં પણ છોકરા છોકરીઓ એકબીજાને મળે ત્યારે ‘તમારે ત્યાં કેટલી ગરમી પડે છે’ એ વાત કરવા મંડી પડે છે, અને આ ગરમીની વાતો ચાલતી હોય ત્યાં જ અચાનક જ બેમાંથી એકના પપ્પા ‘સમય સમાપ્તિ કી ઘોષણા’ કરે એટલે ચુપચાપ એકબીજાના નામ અને એકબીજાના શહેરમાં પડતી ગરમીના આંકડા, ફક્ત આ બે માહિતીના આધારે પરણી જાય છે.

અમુક સ્થાપિત હિત ધરાવતા લોકો ઉનાળાના ફાયદામાં કેરી અને કોયલનો ઉલ્લેખ કરી લોકોને ગેરમાર્ગે દોરે છે. અરે, અમુક ઠંડા પીણાં વેચતી કંપનીઓ કેરી એટલે કે આમના નામે અવનવા સુત્રો આપી જાણીતી હિરોઈન થકી વેચાણવૃદ્ધિનું કામ કરાવી જાય છે. પણ પાયાનો સવાલ એ છે કે કેરી ઉનાળામાં જ કેમ પાકે ? તમે કેરી શિયાળામાં પકવો તો અમને એ અંગે કોઈ હરકત નથી. અને કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકી બચ્ચા પરભાર્યા મોટા કરતી કામચોર કોયલ જો બારેમાસ બોલે તો લોકોને શું ફેર પડે ? અને મીઠાશની વાત કરો તો હિન્દી ફિલ્મ ગાયિકા કે જેને લોકો કોકિલ કંઠી કહે છે તેનાં ગીતો બારેમાસ સંભળાય જ છે ને ? કોયલનાં ટહુકા ઉનાળામાં જ સાંભળવા મળે, તેમ કહી ઉનાળાનું અયોગ્ય માર્કેટિંગ કરતાં લેખકો અને પ્રકૃતિ પ્રેમીઓ સામે ગ્રાહક સુરક્ષામાં કેસ કરવા અમે વિચારણા કરીએ છીએ. આમ ઉનાળા જેવી કડક, કાતિલ અને કાળઝાળ ઋતુની કનડગત કોયલ અને કેરીની લાલચે કોઈ રીતે સહી નહી લેવાય તે અંગે ગંભીર નોંધ લેશો.

આ પત્ર લખી અમો સમગ્ર અમદાવાદીઓ વતી તમારી ભેદભાવભરી નીતિ સામે લેખિત વાંધો નોંધાવીએ છીએ. તો શક્ય હોય તેટલી ઝડપે આ ઋતુચક્રમાં ફેરફાર કરી અમદાવાદનું તાપમાન ૧૫ થી ૩૦ની વચ્ચે જ રહે તે અંગે ઘટતું કરવા અને દિન ૩૦માં કાર્યવાહીની વિગતો લેખિતમાં અત્રે પૂરી પાડવા તમને વિદિત કરવામાં આવે છે.

લી. અધીર અમદાવાદીના જય હિન્દ

6 comments:

 1. મને અત્યાર સુધીમા તમારા દરેક લેખમાથી સહુથી વધુ રમુજ વાળો આ લેખ લાગ્યો...બહુ જ મસ્ત.." મરેલા ઉંદર પર પરફ્યુમ છાટ્યુ " વાહ...બહુ જ ગમ્યુ..યાર

  ReplyDelete
 2. વાહ ! અધીરભાઈ !!
  મસ્ત લખ્યું છે !
  ઉનાળા ઉપર આટલું બધું તમારા મગજ માં ક્યાંથી આવ્યું?

  ReplyDelete
 3. aa arji no ukel ketla divse aavse e ange RTI ma koi ullekh jova malel nathi.

  ReplyDelete
 4. ગુજરાત માં ગરમી બહુ પડે છે પણ તમારો લેખ વાંચ્યા પછી એના બધા ફાયદા અને નુકસાન સમજાઈ ગયા. આવું જ્ઞાન વર્ધક સાહિત્ય પરોસતા રહો તો અમારી ભૂખ સંતોષાઈ જાય.

  ReplyDelete
 5. અધીરજી ભગવાનને વરસાદ માટે પ્રાર્થના કરવી પડે પણ વરસાદ ધીમે ધીમે આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનવાળાના કાળા કર્મોથી પડતા ભુવાનું સમારકામ થઇ શકે એવી કરવી વધુ જરૂરી છે . અમદાવાદ એટલે વરસાદમાં ભૂવાઓનું નગર .

  ReplyDelete
 6. amazing jordar
  pet dhukhi gayu

  thanks

  ReplyDelete