મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૨-૦૧-૨૦૧૧ | અધીર અમદાવાદી |
પેટ્રોલનો ભાવવધારો માત્ર મધ્યમ
અને એનાથી ઉપરના વર્ગને જ અસર
કરશે તેવું લાગતા સરકારે પોતાની સમગ્ર
શક્તિ કામે લગાડી ગરીબો પાસેથી કસ્તુરી
છીનવી લીધી છે. ડુંગળીને રોટલો ખાઈ ઓટલા પર સુઈ રહેતા
અત્યંત ગરીબ લોકો હવે ડુંગળી છોડી મરચાં પર આવી ગયાં છે એટલે ટૂંક સમયમાં મરચાં પણ મહામુલા થઇ
જશે. ડુંગળીના ભાવે એક વખત એન.ડી.એ. સરકારને હલાવી નાખી હતી એ હિસાબે એન.ડી.એવાળા પેટ્રોલ પછી બેક-ટુ-બેક ડુંગળી
દુર્લભ થતાં ફરી ગેલમાં આવી ગયાં છે, અને ક્યારે પેટ્રોલ અને ડુંગળીના ભાવથી યુપીએ સરકારનાં મ્હોમાંથી સત્તા નામની પુરી પડે અને
આપણે ઝીલી લઈએ, એ લાગમાં લાળ પાડી રહ્યા છે. જોકે સરકારે કોમન વેલ્થ, આદર્શ, ૨જી જેવી અનેકવિધ
કલ્યાણકારી યોજનાઓ થકી
લોકોને માલામાલ કરી દીધાં હોવાથી ધાર્યો હોબાળો નથી થઇ શક્યો અને પ્રજા પણ ‘હજુ રાંધણ ગેસનાં તો નથી વધ્યા ને ’ એ
વિચારી હંગામી ધોરણે ખુશ થઇ ક્રિસમસ માનવી રહી છે.
સંસ્કૃતમાં કહેવાય છે કે उपमा कालिदासस्य। અને આ કાલિદાસના પગલે ચાલતા, ખાસ
કરીને કવિઓ, ઉપમાઓના ઉપયોગ
બાબતે સર્જનાત્મક રહ્યા છે. પણ ડુંગળીને કસ્તુરીની કહીને આવા લોકોએ કસ્તુરીનું અવમૂલ્યન કરી નાખ્યું
છે. ક્યાં 'યોજનગંધિકા' (એક યોજન દૂર સુધી
જેની સુગંધ પહોચે તેવી)
તરીકે ઓળખાતી કસ્તુરી અને ક્યાં
વાસ મારતી ડુંગળી ! અમારી જગ્યાએ ખીચડીની 'ટ્યુબ લાઈટ' હંસા હોય તો એ પણ તરત કહે 'ચલ ચલ કુછભી મત બોલ' ! ઉપમાનો આવો જ જાણીતો લોચો (સુરતી
લોચો નહિ !) સિંગદાણાને કાઠિયાવાડનાં
કાજુ તરીકે ઓળખાવી કોકે માર્યો છે, જાણે
કાઠિયાવાડનાં લોકોએ કાજુ જોયા જ ન હોય ! અને આમ જ આ કાલિદાસનાં વંશજો મંડયા રહેશે તો કોક હિમેશ રેશમિયાને બિસ્મિલ્લા
ખાન અને નરેશ કનોડિયાને ગુજરાતનો રજનીકાંત પણ કહેશે ! અગાઉ પણ મિથુન ચક્રવર્તી ને
લોકો ગરીબોનો અમિતાભ કહેતા જ હતાં અને ગોવિંદા આવ્યો એટલે એને ગરીબ નિર્માતાઓના મિથુનનું લેબલ લાગ્યું હતું.
અને આપણાં ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે જુઓ તો ગુજરાતના ઘણા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને એમના ટેકેદારોએ જે તે સમયે છોટે સરદાર તરીકે પ્રોજેક્ટ કર્યા
હતાં જ ને
!
સરદાર પછી બાપુની વાત કરીએ તો હમણાં જ સમાચાર હતાં કે સાઉથ આફ્રિકામાં
ગાંધીજીએ ડુંગળી ક્લબ ચાલુ કરી હતી અને બાપુ એમાં પ્રેસિડેન્ટ હતાં. અમને લાગે છે કે આ અજાણી વાત જાહેરમાં
આવતાં કેટલાય કહેવાતા અને સાચા ગાંધીવાદીઓ ડુંગળીના રવાડે ચઢી
જશે. ગાંધીજીએ તો ડુંગળીનો પ્રયોગ કર્યો
હતો, પણ બાપુનો એ વર્ષો પહેલાનો પ્રયોગ અત્યારે ડુંગળીના ભાવવધારામાં ઉમેરો કરશે તેવી શંકા
જો આ લખનારને હોય તો એ અસ્થાને નથી. બાકી નિર્વ્યસની બાપુનું નામ સોડાશોપ સાથે, તો પેન્સીલના નાનાં ટુકડાને પણ છેલ્લા લીટા સુધી
ઉપયોગ કરનાર બાપુનું નામ
મોંઘી પેન સાથે, અને
હવે ડુંગળીને પણ બાપુ
સાથે જોડવામાં આવતાં આ સમાચાર કોઈ ડુંગળી એસોસિયેશન દ્વારા ખોદી કઢાયા હશે તેવી સહજ શંકા ગમે તેને થાય !
અને
છેલ્લે ડુંગળીમાં આવેલ તેજીના તોફાનનાં કેટલાક પોસિબલ સાઈડ ઈફેક્ટસ જોઈએ.
- ડુંગળીના વધેલા ભાવ ગુજરાતી ભાષામાં અમુક ફેરફાર લાવશે. ‘તારી સાસુ કાંદા ખાય’ ગાળ તરીકે વપરાતો આ શબ્દ પ્રયોગ ભવિષ્યમાં કોમ્પ્લીમેન્ટ તરીકે ઉપયોગ થશે.
- ગઈકાલ સુધી જે પ્રેમિકા ‘હટ, તારા મોઢામાંથી ડુંગળીની વાસ આવે છે’ એમ કહેતી હશે તે હવે ‘તારામાં ડુંગળી ખાવાની તો હેસિયત નથી’ તેવા ટોણા મારશે.
- ‘ડુંગળીનાં વેપારીએ પત્નીને મોંઘુ એરક્રાફ્ટ ભેટમાં આપ્યું’ એવા સમાચાર પહેલા પાનાં પર છપાશે. અને કેટલીય પત્નીઓ આ વાંચી પોતાના પતિઓને કોમ્પ્યુટરનો ધંધો છોડી ડુંગળીના વેપારમાં જોડાવા દબાણ કરશે.
- ડુંગળી પાકિસ્તાનથી આયાત થશે એટલે ભારત પાકિસ્તાન સંબંધો સુધરશે અને ભારતનાં કૃષિમંત્રીને નિશાને-પાકિસ્તાન જેવો કોઈ સર્વોચ્ચ એવોર્ડ એનાયત થશે.
- પાકિસ્તાન ભારતને ડુંગળી વેચી કમાયેલ રૂપિયા ત્રાસવાદને પ્રોત્સાહન આપવા વાપરે છે અને આ માટે આપણા કૃષિમંત્રી જવાબદાર છે એવો આક્ષેપ વિરોધ પક્ષો કરશે.
- દેશમાં ડુંગળી ઓછી ખવાશે એટલે મોઢું નહિ ગંધાય, અને મોઢું નહિ ગંધાય એટલે વધારે ચુંબનો લેવાશે. (ટૂંકમાં છોકરીઓ છોકરાઓને ‘મોઢું ગંધાય છે’ કરીને ભગાડી નહી મુકે.). અને ચુંબન તો પ્રેમનું પ્રવેશદ્વાર હોવાથી એના એક્સ્ટ્રા સાઈડ ઈફેક્ટસ આવશે. આમ થવાથી છેવટે અમુક દળ, સેના કે પરિષદો ‘ડુંગળીના ભાવ ભારતીય સંસ્કૃતિને ખતમ કરી દેશે’ એ મુદ્દે રસ્તા પર આવી જશે !