મુંબઈ સમાચાર, વરાઇટી સપ્લીમેન્ટ
૨૯-૦૫-૨૦૧૧
આજે કબૂતરની ડાયરીનું એક પાનું હાથમાં આવ્યું છે. બોસ, હવે તમે એમ ના કે’તા કે કબૂતર ડાયરી લખે ? લખે. ડાયરી અને આત્મકથા મહાપુરુષો જ લખે એવું થોડું જરૂરી છે ? બધાં લખે, છપાય અમુક લોકોની જ. આ અમુકમાં જેલ ગયું હોય એવાં અને વિદેશ પ્રવાસ કર્યા હોય એવાં ટોચનાં સ્થાને આવે. આજ કાલ હવે જેલ જનારાને ડાયરી લખવાનો સમય મળતો નથી, કારણ કે જેલમાં બેસીને જ ઘણાં વહીવટો થઇ શકે છે. રહ્યા વિદેશ પ્રવાસવાળા, એ લોકો ડાયરી ન લખે તો આપણને કઈ રીતે ખબર પડે કે વિદેશમાં પોલીસ કેટલી સારી છે ? અને બીજાં દેશોમાં કેટલી ચોખ્ખાઈ છે ? તો આજે આમ પક્ષી કબુતરની ડાયરીના એક પાનાનો ભાવાનુવાદ અહીં રજુ કરું છું. આખી ડાયરીનો અનુવાદ થઇ જશે એટલે તમને બધાને ચોક્કસ ‘ઘૂઘૂ ની આત્મકથા’નાં વિમોચન પ્રસંગે બોલાવીશ. હવે ઘૂઘૂ કોણ ? એ ન પૂછતાં, એ છે આપણું હીરો કબુતર છે ! તો વાંચો !
એપ્રિલ મહિનો છે, કદાચ ત્રીજી તારીખ હશે. ગઈ કાલે રાતે શું થયું કે આખી રાત માણસોએ રસ્તા પર નાચી નાચી અને બોમ્બ ફોડી ફોડીને અમને ઊંઘવા જ નથી દીધાં. બે વાર તો ડાળી પરથી પગ છૂટી ગયા. ને બીકનાં માર્યા પરસેવો છૂટી ગયો તે નફામાં. પછી મોડી રાતે બધાં જંપી ગયા. સવાર તો રોજની જેમ જ થઇ. ડાળી ઉપર બેઠા-બેઠા જ પ્રાત:કર્મ પતાવ્યું. ઝાડ નીચેથી કોક કશુંક બોલ્યું હોય તેવું લાગ્યું પણ ખરું. ને ત્યાંથી ઊડીને હું મેઈન રોડ પરના લાઈટના થાંભલા પર પહોંચી ગયો. ત્યાં ઘુઘો, ઘેઘુ, ઘોઘુ, ઘેઘી એ બધા પહેલેથી જ બેઠા’તા (અમને ‘ઘ’ ‘ઘૂઊઊઉ’ એવું બધું જ બોલતા આવડે એટલે અમારા બધાના નામ ‘ઘ’ પરથી પડે છે !). નીચે કોક રીટાયર્ડ કાકો આવી દાણા નાખે તેની રાહ જોતાં બેઠા’તા. ને ત્યાં જ પેલો કાકો ઠચૂક ઠચૂક ચાલતો આવ્યો. એને થેલીમાં દાણા કાઢવા હાથ નાખ્યો, પણ કાકો એટલો ધીમો હતો કે ચાર વાર થેલીમાં હાથ નાખે ત્યારે એક મૂઠી દાણા નીકળે. કાકો આમ દસ મીનીટ મથ્યો હશે ત્યારે માંડ દસ જણાં ખાય તેટલા દાણા નાખ્યા હશે. પછી અમે બધાં તૂટી પડ્યા.
દાણા ખાવામાં પેલા ઘોઘુએ કાયમની જેમ દાદાગીરી ચાલુ કરી અને અમને બધાને પાંખોથી ધક્કા મારવાના ચાલુ કર્યા. તમે તો કબૂતરને શાંતિનું પ્રતિક માનતા હશો, પણ અમારા ઘોઘુ અને બીજાઓને લડતાં જુઓ તો ખબર પડે કે આ શાંતિના દૂત કેવા હોય છે. અમારામાં ઈર્ષ્યા પણ બહુ હોય છે. હું બીજી બાજુ જ્યાં પેલી ઘુઘી ચણતી’તી એની બાજુમાં જઇ ચણવા લાગ્યો. તો ઘોઘુ પણ ત્યાં પહોંચી ને ચણવાનું છોડીને ઘુઘીને ઈમ્પ્રેસ કરવા એની આજુબાજુ ‘ઘુઘી ઘુઘી ઘુઘી’ કરીને ડોકું ફુલાવીને ગોળ ગોળ ફરવા લાગ્યો. પણ ઘુઘી એમ કાઈ ઘોઘુને ભાવ આપે એવી નથી. છેવટે ઘુઘી ખાઈને જતી રહીને ને ઘોઘુ એની પાછળ બીજી જ ફ્લાઈટ લઈને ચાલ્યો ગયો.
તમને થશે કે હું કેમ એ લોકોની પાછળ ન ગયો ? રાઈટ ? પણ એ સવાલનો જવાબ જોઈતો હોય તો તમારે કબૂતર બનવું પડે. અમારામાં લીવ-ઇન રીલેશનશીપ બહુ કોમન છે. આજકાલનું નહિ, વર્ષોથી. માણસો અમારી પાસેથી તો શીખ્યા આ બધું. એટલે હું અને ઘઘી આજકાલ સાથે રહીએ છીએ. પણ આજે ઘઘી એની કઝીનને મળવા ગેટ વે ગઈ છે, નહિતર અમે બેઉ સાથે જ ચણવા આવ્યા હોઈએ. મને પણ સાથે આવવા કીધું, પણ એની કઝીન બહુ બોલે છે, મને કંટાળો આવે. હવે આમ ઘઘીની ગેરહાજરીમાં હું ઘુઘીની પાછળ ચક્કર મારું અને ઘઘી પાછી આવે અને એને ખબર પડે તો અમારું બ્રેક-અપ જ થઇ જાય ને ?
અડધું પડધું ખાઈને હું ઉડીને અપાર્ટમેન્ટની પાળી પર એક્સરસાઈઝ કરવા પહોચી ગયો. પહેલા વોર્મઅપ માટે બેઉ પાંખો બન્ને બાજુ સંપૂર્ણ ફેલાવી દીધી. પછી થોડું પાળી પર દોડી લીધું. પછી ડોકી આગળ પાછળ લાબી ટૂંકી કરી લીધી. મારા રોજના રૂટીન પ્રમાણે ચાંચને પહેલા ડાબાં પંજા સુધી લઇ જઇ અડાડી અને એજ સ્થિતિમાં એક મીનીટ રાખી, અને એજ પ્રમાણે જમણાં પંજાની એકસરસાઈઝ કરી. પછી આખી પાળી પર ચાર વાર ફરી પણ લીધું. છેવટે એક વેધર શેડ પર જઇ પતરાનાં અવાજ સાથે એરોબિક્સ પણ કરી લીધું. પતરાંનાં ઢાળ પર ચઢવામાં પગ સરકી જાય એટલે ટ્રેડમિલ પરચાલતા હોઈએ એવું લાગે, એટલે મેં મફતમાં ટ્રેડમિલ પણ કરી લીધું. આમ, આવી બધી કસરતના લીધે જ તો આ બે વરસની ઉંમરે પણ હું આટલો ફીટ છું !
હું કસરત કરતો હોઉં ત્યારે રોજ એક કાકા ગંજી-લેંઘો પહેરી અને નાના ટેણીયાને તેડીને ‘જો તીતી’ એમ કહી મને જોવા બાલ્કનીમાં આવી જાય છે ! પણ ડફોળ કાકાને હજુ સુધી એ ખબર નથી કે મારું નામ ‘તીતી’ નહિ પણ ‘ઘૂઘૂ ’ છે ! હશે, વ્હોટ ઇઝ ધેર ઇન નેઈમ. પણ આ કાકાઓ કાયમ નાના છોકરાઓને ગાય, કુકુ, ચકી, કબુ, તીતી એવું બતાવીને પોતાનો અને ટેણીયાનો ટાઈમ પાસ કરે છે. એમને કોણ સમજાવે કે અમારા નામમાં પણ ખાસી વેરાઇટી હોય છે. અને એટલે જ તો ઘઘી મારા નામથી તો ઈમ્પ્રેસ થઇ હતી. અમારી આખી કોમ્યુનીટીમાં મારું નામ યુનિક છે, અને માણસોને પણ એ ગમી જાય છે. એટલે જ તો એક કવિએ મને પ્રતિક તરીકે રાખી ‘કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ’ કાવ્ય લખ્યું હતું, જે તમે સ્કૂલમાં ભણ્યા પણ હશો. ચાલો, તો અત્યારે વિરમું છું. વધુ ફરી ક્યારેક સમય મળે એટલે લખીશ.
~ અધીર અમદાવાદી
અધીરભાઈ, આ સ્ટોરી હજુ આગળ ધપાવજો..
ReplyDeleteથોડા શબ્દો કામ આવે તો...
ઘડપણ, ઘઉં, ઘડા, ઘંટી, ઘંટડી, ઘણા, ઘણી, ઘડો, ઘમ-ઘમ, ઘા, ઘરડા, ઘરડી, ઘસરકો, ઘરધણી, ઘી, ઘાય, ઘાટ, ઘાણ, ઘટી, ઘુવડ, ઘોડો, ઘોડી, ઘંટમાળ, ઘંટનાદ, ઘંટીચોર,
તમારો પશુ-પક્ષી પ્રેમ...નીખરતો જાય છે...કટાક્ષો માટે માન જાત હવે કટાયેલ કીટલી જેવા લાગતા હશે..કા....!
ReplyDeleteવાહ અધીરભાઇ વાહ. . શું મસ્ત શબ્દ નો કલા છે તમારી પાસે. . એક સરળભાષામાં ઘણૂં જ ઉતમ આલેખન. .
ReplyDeleteસુંદર અવલોકન અને આલેખન
ReplyDelete