Sunday, July 12, 2015

હવાઈ ગયો છું !

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૨-૦૭-૨૦૧૫ | અધીર અમદાવાદી |

હમણાં જ સોનેરી તડકો ગજવામાં ભર્યો,
તમે ગયા ને બે ઘડીમાં હવાઈ ગયો છું.
સડકો,  કોમનવેલ્થ કે પછી હો ભુવામાં,
હું  દેશનો  પૈસો છું, ને ખવાઈ ગયો છું !

--

વરસાદ મોઢું દેખાડીને જતો રહે એટલે પાછળ ખાખરા, પાપડ, ચવાણા, મમરા, પાણીપુરી, વેફર્સ, ખારી બિસ્કીટ અને સિંગચણા હવાઈ જાય છે. કોમ્પ્યુટરમાં ભેજ લાગવાથી કેપેસીટર ફૂલી જાય છે. ફટાકડાં અને ગોદડાં પણ હવાઈ જતાં હોય છે. ચોમાસામાં લગ્ન કરનારે ફટાકડાં હવાઈ જાય એ માટે તૈયારી રાખવી જ રહી. ચોમાસામાં લગ્ન કરનાર અનેક આપત્તિઓ સામે લડીને લગ્ન કરે છે. અને લગ્નથી મોટી આપત્તિ હજુ કોઈ શોધાઈ નથી. લગ્ન કરીને જેટલા શહીદ થયા હશે એટલાં કુદરતના કોપને કારણે મર્યા નહિ જ હોય. પણ આજે વાત નાસ્તા હવાઈ જાય એની કરવાની છે.


દરિયા કિનારે રહેનાર માટે આ અનુભવ નવો નથી, પણ અમદાવાદ જેવા સૂકાં વાતાવરણમાં રહેનારને ગરમી અને બફારા વચ્ચે ચોમાસાનાં આગમને હવાઈ જવાની તકલીફ અસહ્ય લાગે છે. દુનિયામાં રોજ હજારો નવા સંશોધન થાય છે. ઈસ્ત્રી ન કરવા પડે તેવા રિન્કલ ફ્રી કપડાં શોધાય છે. માણસ વગર ચાલી શકે તેવા ડ્રોન પ્લેન શોધાય છે. પણ હવાઈ ન જાય તેવા પાપડ નથી શોધાતાં, આ ભારતીય વૈજ્ઞાનિકોનો સ્થાનિક સમસ્યાઓ પ્રત્યેનો અભાવ દર્શાવે છે. એટલે જ પાપડને હવાઈ જતાં બચાવવા માટે આપણે પહેલાં અમેરિકનોને પાપડ ખાતાં કરવા પડે. તો કદાચ ત્યાના વૈજ્ઞાનિકો આ સમસ્યા હાથ પર લે.

હવાઈ જવામાં અસરગ્રસ્ત પદાર્થમાં હવા લાગી જાય છે. બિસ્કીટ, વેફર્સ, ખાખરા, પાપડ સૂકાં પદાર્થ છે અને હવામાંનાં ભેજને એ આકર્ષે છે. ચોમાસામાં ને દરિયાકિનારે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ ભેજ વસ્તુમાં ઘુસવાથી પદાર્થ ફૂલે છે એવું વિજ્ઞાનમાં કહ્યું છે. જે પદાર્થમાં પહેલેથી ભીનાશ હોય, જેમ કે ફ્રુટ, એ હવાઈ જતું નથી. આ સાંભળીને લાગણીભીનાં વ્યક્તિઓ જોકે ખુશ થવાની જરૂર નથી.

જયારે વસ્તુ સુકી હોય ત્યારે એ બરડ હોય છે, અને તોડો તો અવાજ આવે છે. જેમ કે વેફર્સ, મઠીયા, પાપડ. આ અવાજની પણ એક મઝા છે. ખાસ કરીને ભચડ ભચડ ચાવવાથી જો આજુબાજુ બેઠેલાં લોકોને ત્રાસ થતો હોય ત્યારે તો ખાસ. પણ વસ્તુ હવાઈ જાય પછી વીંટો વાળી નાખો તો પણ એ તુટતી નથી. અવાજનાં તો સપનાં જ જોવાનાં, સાંભળવાના !

હોટલોમાં ગયા હોવ, તો પાપડના હવાઈ જવાનાં કિસ્સામાં ‘એ ભાઈ એ તુમારા પાપડ હવા ગયેલા હે વાપસ લે જાવ’ કહી બીજો મંગાવી શકાય છે. પણ ઘરમાં હવાયેલ પાપડ બદલી આપવાનો રીવાજ હજુ શરું નથી થયો. ઘરમાં પાપડ હવાઈ જાય તો એનો કોળીયો બનાવી શાક સાથે ખાઈ જવામાં આવે છે, અથવા છોડી દેવામાં આવે છે.

માલ વેચનાર તો તરત બનેલો કડક માલ પ્લાસ્ટીકમાં પેક કરી વેચી મારે છે. એ વેચે ત્યારે એ હવાયેલો નથી હોતો. હોય તો ચેક નથી થઈ શકતું. પડીકું કે ડબ્બો ખુલે એથી માલ હવાઈ જાય છે. આમ થાય એટલે ઘરમાં ડબ્બા ખુલ્લાં રાખવા પર રાતોરાત પ્રતિબંધ લદાઈ જાય છે. તમે ડબ્બો હાથમાં લો એ સાથે જ ઘરનાં સુચના અને પ્રસારણ મંત્રી ફરમાન જારી કરે છે. ‘ડબ્બો બંધ કરજે પાછો, નહીંતર હવાઈ જશે’. વર્ષોથી એકનું એક વાક્ય, એકની એક વ્યક્તિને મોઢે સાંભળતા હોવા છતાં, પુરુષોને ડબ્બા ખુલ્લા છોડવામાં જાણે આનંદ આવતો હોય એમ એ ખુલ્લા કે અધખુલ્લા છોડી અન્ય નકામાં કામે વળગે છે.

બજારમાં કે લારી ઉપર તો હવાઈ જાય એવા નાસ્તા વેચવાનો રીવાજ જ નથી. બજારમાં ઈડલી, ઢોકળા, ખમણ અને બટાકા પૌવા લારી પર વેચાય છે. પણ લારી પર ત્યાંને ત્યાં ખાવા ચવાણું નહિ મળે. ચણા જોર ગરમ, ભેળ, ચણાની દાળ વગેરેમાં ચટણી નાખીને કે લીંબુ નીચોવીને જ અપાય છે, એટલે કોઈ હવાઈ ગયાની ફરિયાદ જ ન કરે. ભેલપૂરીવાળો એમબીએ ન થયેલો હોય તો શું થયું, એને એટલી સમજ તો હોય છે. જોકે આજકાલ ઘણાં એમબીએ થયેલાને ભેલપુરીવાળા જેટલી સમજ નથી હોતી. અમે તો કહીએ છીએ કે એમબીએનાં અભ્યાસક્રમમાં ભેલપૂરીનો કેસસ્ટડી ઉમેરવો જોઈએ. આ અમે લેખક તરીકે નહિ, પોતે એમબીએ છીએ એટલે કહીએ છીએ!

‘હવાયેલા નાસ્તાનું શું કરવું?’ એ ‘નાસ્તા હવાઈ જતાં રોકવા શું કરવું?” કરતાં પણ મોટી સમસ્યા છે. કારણ કે નાસ્તા હવાઈ જતાં રોકવા પુરતો પ્રયાસ નથી થતો એટલે નાસ્તા હવાઈ જાય છે, અને આમ હવાયેલા નાસ્તા કોઈ ખાતું નથી એટલે કાબર-કાગડાને હવાલે કરવા પડે છે. જોકે એ પહેલાં બિનઅગત્યનાં મહેમાનોને પધરાવવામાં આવે છે. હોંશિયાર મહેમાન ફાકડો માર્યા પછી, દિવસના કોઇપણ સમયે આવ્યા હોય તો પણ, ‘હમણાં જ ખાધું છે’ કહી વધેલા હવાયેલ નાસ્તાને વધુ હવાઈ જવા માટે છોડી દે છે. આ પછી હવાયેલા નાસ્તો ભટકાડવા ઘરનાં કામવાળાનો વારો આવે છે. જોકે એને પણ ખબર હોય છે કે આ પિયરીયા સિવાય કોઈને સારું ખવડાવે એ વાતમાં માલ નથી. અને એ સાચો જ પડે છે. પૂર્વઅનુભવોથી એ લઈ જવાનું ટાળે ત્યારે કાબર-કાગડાનો વારો આવે છે.

મહાભારતનો મહાન બાણાવાળી અર્જુન કાબા નામનાં એક સામાન્ય લુંટારા પાસે લુંટાઈ જાય છે. હવાઈ જવાને ક્રિકેટ અને ટેનિસમાં ફોર્મ કહે છે. અનુષ્કા મેચ જોવા ખાસ ઓસ્ટ્રેલીયા ગઈ ત્યારે વિરાટ કોહલી હવાઈ ગયો હતો તેવા આક્ષેપો સોશિયલ મીડિયા ઉપર થયા હતાં. અગાઉ વર્લ્ડ કપ રમતાં સહેવાગ પર મમ્મીનો ફોન આવ્યો એમાં એ હવાઈ ગયો હતો. પાપડ હવાઈ જાય એ માટે જેમ ભેજ જવાબદાર છે, તેમ ખેલાડીઓ હવાઈ જાય એનાં માટે જવાબદાર પરિબળો આસાનીથી શોધી શકાય છે.

હવાઈ જવું એક રૂપક છે. પાપડની જેમ માણસ પણ કડક હોય છે. પાપડ સ્વમાનનું પ્રતિક છે. કડક માણસ પણ ક્યારેક હવાઈ જાય છે. અમુક લગ્ન પછી હવાઈ જાય છે. અમુક સરકારી નોકરી કરવામાં હવાઈ જાય છે. અમુક રૂપિયાનાં પ્રલોભનમાં હવાઈ જાય છે. અમુક બાળકોની લાગણીમાં હવાઈ જાય છે. અમુક ડર કે ધમકીથી હવાઈ જાય છે. હવામાન ગમે તેવું હોય, એવામાં હવાઈ ન જવું એ મહત્વનું છે. અંદરથી છલોછલ હોય એ હવાતા નથી.

No comments:

Post a Comment