Wednesday, September 20, 2017

બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાની શું લૂમ મઝા આવે?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૦-૦૯-૨૦૧૭

Pakistani Bullet Train
બુલેટ ટ્રેન હવે હાથવેંતમાં છે. પછી તો અમદાવાદથી ટ્રેન ઉપડે- કે ડાબા હાથમાં તમાકુ લઈ, એમાં સ્ટીલની ડબ્બીમાં રહેલા ચુનામાં બોળેલી જમણા હાથની પહેલી આંગળી હથેળીની દક્ષિણ-પશ્ચિમથી શરુ કરી ઉત્તર-પૂર્વ દિશામાં ઘસી, અડોશ-પડોશમાં બેઠેલા લોકો સાથે જુના જમાનામાં કેવા અમદાવાદથી મુંબઈ પહોંચતા કેવા દસ કલાક થતા હતા- તેની લાંબી વાતો કરતાં કરતાં, મિશ્રણ ઉર્ફે ફાકી ડાબા હાથના મધ્યભાગમાં તૈયાર થાય એટલે જમણા હાથની પહેલી બે આંગળીઓ જાણે તબલા પર થાપ આપતા હોય એમ ફટકારી, હથેળીમાં રહેલી ઝીણી રજ ઉડાડી, જમણા હાથની ચપટીમાં લઈ, મ્હો પહોળું કરી, નીચેના હોઠ અને દાંત વચ્ચેના પોલાણમાં ધરબી, અને પછી થૂંકવાળા હાથ પેન્ટ પર લુછી અને બે હાથ વડે તાલી પાડો, અને વાતને અનુસંધાનથી આગળ વધારો- તેટલામાં તો મુંબઈના જીર્ણ મકાનો, નાળાઓ અને ભીડ દેખાવા લાગે. જસ્ટ ચપટી વગાડો એટલામાં અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી પાછા અમદાવાદ!

આમ છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લાવવામાં અનેક વિટંબણાઓ આવશે, જેમ કે: યોજનાનો દૂરની દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો દ્વારા વિરોધ, રાજકીય વિરોધ, ખર્ચ, ટેકનીકલી ચેલેન્જીંગ પ્રોજેક્ટ વગેરે. પરંતુ અમારા મતે સૌથી મોટી સમસ્યા પાસ હોલ્ડર્સ એસોસિયેશનને કન્ટ્રોલ કરવાનું રહેશે. રાત પડે પુષ્પાના હાથની ખિચડી ખાધા વગર જેમને ઊંઘ નથી આવતી એવા પતિદેવો બુલેટ ટ્રેન ચાલુ થતા અમદાવાદ-મુંબઈ વચ્ચે અપડાઉન કરવા કુદી પડશે. સ્વાભાવિક છે કે બુલેટ ટ્રેનના કંઈ પાસ ન હોય અને એ બધા સ્ટેશને ઉભી પણ ન રહે. એમાં પાસ હોલ્ડરો આરબના ઊંટ જેવા હોય છે. એકવાર જો બુલેટ ટ્રેનમાં આ પાસ હોલ્ડર ઘુસ્યા, તો પછી બારીઓમાંથી રૂમાલ, છાપા, અને માત્ર ગેન્ગના નામને આધારે સીટોનું રીઝર્વેશન શરુ થઇ જશે અને એ પણ રેલવેને રૂપિયો આપ્યા વગર! જોકે સામે પાસ હોલ્ડર્સ કોચમાં ચાલતું હોય છે એવું પેસેન્જરોને ભજન-કીર્તન અને ગીત-ગઝલના ગ્રુપથી લઈને રમી-તીનપત્તીની બેઠકો ઉપરાંત વારેતહેવારે કથાનો પણ લાભ મળતો થશે એની ખાતરી રાખજો.

આપણે ત્યાં સુપર ફાસ્ટ ટ્રેનો શરુ થાય એ પછી પરંપરાગત રીતે ‘તંબૂરાવાદને સ્ટોપેજ આપો’ અને ‘તબલાસણને સ્પેશીયલ કોચ આપો’ની માંગ સાથે આંદોલનો શરુ થતા હોય છે. આમાં ને આમાં કેટલીય સુપરફાસ્ટ ટ્રેનો, જેની ટીકીટ પર સપ્લીમેન્ટરી ચાર્જ પણ લેવાતો હોય છે, એ લોકલ ટ્રેનો બનીને રહી ગઈ છે. ચૂંટણીમાં ઉમેદવારો પણ રૂટમાં આવતા દરેક ગામને સ્ટોપેજ અપાવવાનું વચન વહેંચતા ફરે છે. હાઈસ્પીડ ટ્રેન બે રાજ્યોના મેટ્રો શહેરોને જોડશે એટલે રાજકીય પક્ષો પાસે પણ સત્તા મેળવવાના હેતુથી સ્ટોપેજના મુદ્દે આંતરરાજ્ય વિગ્રહ ઉભો કરવા માટે પણ દારૂગોળો મળી રહેશે. જોકે ટ્રેનમાં ધારાસભ્યો અને સંસદસભ્યો માટેનો સ્પેશીયલ ક્વોટા અને મફત મુસાફરી બાબતે સૌ એકમત થઇ જશે એ વિષયમાં બેમત નથી.

દરેક ધંધામાં આજે વિકાસની ભૂખ દેખાય છે. રેલવેના ફેરિયાઓ અને ભીખારીઓ એ પણ હાઈસ્પીડ ટ્રેઈનમાં પોતાના ધંધાના વિકાસની, સોરી ધંધાના વિસ્તારની સ્ટ્રેટેજી બનાવવાની રહેશે. આમાં વિરોધપક્ષોનો પણ ટેકો મળી રહેશે, કારણ કે આપણે ત્યાં દરેક મોટા પ્રોજેક્ટમાં ગરીબો, ખેડૂતો અને નાના વેપારીઓનું હિત સૌ પહેલું જોવાય છે. શક્ય છે કે રેલ્વે તરફથી ભીમ એપથી કેશલેસ ભીખ માગવાની શરતે ભીખ માંગવાના સ્પેશિયલ પરવાના કાઢવામાં આવે. આમ છતાં આ હાઈટેક પ્રોજેક્ટ હોઈ ફેરિયાઓ અને ભિખારીઓએ પોત પોતાની રીતે પણ હાથપગ મારવા પડશે, એ નક્કી છે. ફેરીયાઓએ પહેલાં તો ટ્રેનમાં ઘૂસવાની, અને ઘૂસ્યા બાદ માત્ર બે અઢી કલાક જેવા સમયમાં આખી ટ્રેન કવર કરવાની પ્રેક્ટીસ પાડવાની રહેશે. આ ઉપરાંત ટ્રેનમાં ફૂડ સર્વિસ ઉપલબ્ધ હોય તેવામાં બીજી કઈ આઈટમ ચાલશે તે અંગે આઇઆઇએમ જેવી સંસ્થાના હોનહાર વિધાર્થીઓ શક્યતાદર્શી અહેવાલ કરે તો એ ફેરિયાઓના જીવનમાં અજવાળું પથરાશે અને અંગ્રેજી છાપાઓ અને સોશિયલ મીડિયા પર તેમના ગુણગાન પણ ગવાશે.

બુલેટ ટ્રેનમાં ટૂંક સમયમાં મુંબઈ પહોંચાશે એ જ એક સમસ્યા છે ઘણા માટે. આપણે ત્યાં સિગ્નલ અને લાઈનને બાદ કરતાં કોઈ વાતની આપણી પ્રજાને ઉતાવળ નથી હોતી. ટોલબુથ પર ટીકીટ આપનારથી લઈને પાર્કિંગમાં ટુ-વ્હીલર પર બેસી કલાકો ગપ્પા મારતા નવજુવાનીયાઓને જુઓ, કોઈને ઉતાવળ નથી. તો પછી બુલેટ ટ્રેન દ્વારા વહેલા પહોંચીને ભૂલા પડવા જેવું જ થાય ને? અત્યારે તો ટ્રેનમાં અમદાવાદથી સાડા ત્રણ કલાક સફર કરી ને તમે સુરત ઉતરો ત્યાં સુધીમાં તો સહપ્રવાસી સાથે કેટલીય ઓળખાણો નીકળે અને ‘ફરીવાર આવો તો ચોક્કસ ઘેર આવજો’ એવા કોલ-કરાર પણ થઈ જાય! આમાં સાલું આપણે નવી મુંબઈમાં ઓફીસ સ્પેસ શું ભાવ પડે જેવી જાણવાજોગ માહિતીથી માંડીને અમદાવાદમાં ઢાલગરવાડ ક્યાં આવ્યું? લો ગાર્ડનના ચણિયાચોળીમાં કેટલું બાર્ગેઇનિન્ગ થાય છે? જેવી ક્રીટીકલ માહિતીની આદાનપ્રદાન કરીએ તે પહેલા તો મુકામ આવી જાય! પછી સામેવાળાના ડોહા અંગ્રેજો સાથે શિકાર કરવા ગયા ત્યારે વાંદરું કેવું પાછળ પડ્યું અને ભાગતી વખતે ધોતિયું કેવી રીતે કાંટામાં ભરાયું વગેરે વગેરે રસપ્રદ વાતો કરવાની જ રહી જાય! ને પછી ભલે બિસ્કીટ બનાવતી કંપનીનો ઝોનલ મેનેજર અને સ્ટાર્ટઅપ કંપનીનો સવા ત્રેવીસ વરસનો સીઈઓ સામસામે બેઠા હોય, પણ એમને આખો કમ્પાર્ટમેન્ટ સાંભળે એ રીતે મોટ્ટી મોટ્ટી વાતો કરવાનો સમય જ ન મળે! ધનતેજવી સાહેબના શબ્દોમાં કહીએ તો “બે જણા આવ્યા, મળ્યા, છુટા પડ્યા ઘટના વગર, જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજ્યા વગર”. હાઉ મીન! આવી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાની શું લૂમ મઝા આવે?

મસ્કા ફન
માશુકા: તમે મારી આંખોમાં જોતા જોતા સિંગ ભુજિયાના ફાકડા કેમ મારો છો?

કવિ: પ્રિયે, તારી આંખોના જામ સાથે બાઈટીંગ તો જોઈએ ને!

No comments:

Post a Comment