Wednesday, November 15, 2017

હેડફોન્સની આંટીઘૂંટી

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૫-૧૧-૨૦૧૭

ઔરંગઝેબ સવારે મોર્નિંગ વોકમાં નીકળે ત્યારે બગીચામાં મોબાઈલના કર્કશ સ્પીકર્સ પર જુના ગીતો કે ભજનો વગાડતા કાકા-કાકીઓ એને સામે મળતા. યુવાનો અને ભાભીઓમાં એટલું તો દાક્ષિણ્ય જોવા મળતું કે તેઓ હેડફોન્સ લગાડીને સંગીત સાંભળતા. પરંતુ તેઓ એ સંગીતના તાલ સાથે ડોકું હલાવતા રહેતા એમાં ઘણીવાર ગેરસમજ થતી, ખાસ કરીને ભાભીઓને લીધે. રાજ્યમાં હેડફોન્સ પહેરીને રસ્તે જતા લોકોને રથ કે ઘોડાના ડાબલા સંભળાતા નહીં એટલે એ અથડાઈ જતા અને જે ક્ષણભરમાં મારામારીમાં ફેરવાઈ જતું. આ બધાથી કંટાળીને ઔરંગઝેબે સંગીત પર પ્રતિબંધ મૂકી દીધો. આવું તમે ઇતિહાસમાં તમે નહીં ભણ્યા હોવ. તમે માત્ર એટલું જ વાંચ્યું હશે કે ઔરંગઝેબ સંગીતનો ઔરંગઝેબ હતો. પણ આજના દોરમાં જે રીતે ઐતિહાસિક તથ્યો સાથે ચેડા કરીને ફિલ્મો બનાવવામાં આવે છે એ જોતાં ભવિષ્યમાં સંજય લીલા ભણસાલી કે આસુતોષ ગોવારીકર ‘ઔરંગઝેબ-દિલરસબાનું બેગમ’નામની ફિલ્મ બનાવે એમાં આવું બધું જોવા મળે તો નવાઈ નહિ. અત્યાર સુધી આપણને ઈતિહાસ પણ તોડીમરોડીને ભણાવવામાં આવતો હતો એટલે પણ વિવાદો તો રહેવાના. કદાચ આ સમસ્યાનો અંત ત્યારે જ આવશે જયારે અમારા લખેલા લેખ ગુજરાતી અને ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં છપાવા લાગશે. પર વો દિન કહાં ? 
 
આપણે આપણા તથ્યો સાથે આગળ વધીએ. આપણે જોયું કે ઔરંગઝેબના સંગીતદ્વેષ પાછળ જે હેડફોન જવાબદાર હતા એ હેડફોન્સ અત્યારે પાણી-પૂરી સાથે મફત મળતી મસાલા પૂરીની જેમ મોબાઈલ સાથે મફત મળે છે. અહીં જ્યાં અખબારોની મફત ગીફ્ટ માટે આખું અમદાવાદ સવારમાં હાથમાં કાતર પકડતું હોય, ત્યાં મફત મળતું હોય તો ‘હશે, કાલે પેટ સાફ આવશે’ એમ કહીને અમદાવાદીઓ દીવેલ પણ પી લે એવી જૂની છાપ પણ હોય, ત્યારે ‘મુફત કે મૂળે કી કેલે જૈસી મજા’ એ કહેવત મુજબ મફત મળતા હેડફોનનો ઉપાડ પણ ઘણો છે. એમાં ખોટું કંઈ નથી. એમ તો સસ્તું મળે એ માટે અમેરિકન્સ થેન્ક્સ ગીવીંગ પર બ્લેક ફ્રાઈડે સેલ માટે ગુરુવારે રાતના ઠંડીમાં સ્લીપિંગ બેગમાં ઘૂસીને જાણીતાં સ્ટોર્સની બહાર લાઈન લગાવી દે છે. આપણે જોવા નથી ગયા, બાકી ચાઈનામાં પણ આવું જ થતું હશે. ટૂંકમાં અમદાવાદીઓને બદનામ કરવાની જરૂર નથી.

હેડફોન્સના વાયરની લંબાઈ બાબતે ઉત્પાદનકર્તાઓ એકમત નથી. અમુક એટલા લાંબા બનાવે છે કે એનો ઉપયોગ દોરડા કૂદવાની કસરત કરવામાં પણ થઈ શકે. અને અમુક કંજુસીયાઓ એટલા ટૂંકા બનાવે છે કે પેન્ટના ખીસામાં ફોન મુક્યો હોય તો ઈયર પ્લગ કાન સુધી પહોંચાડવા માટે પેન્ટ છાતી સુધી ખેંચીને પહેરવું પડે. લાંબા ટૂંકા એવા આ વાયરો વાળા આ હેડફોનને વાપર્યા બાદ મુકવા માટે બે પદ્ધતિ પ્રચલિત છે. એક, ઉત્તરાયણમાં ધાબા ઉપર દોરી બચાવવાનું અભિયાન કરતાં કાકા જેવા લોકોની જેમ વાયરોનો પદ્ધતિસર લચ્છો બનાવીને મુકવા. બે, હેડફોનનો જ્યાં જગ્યા મળે ત્યાં ઘા કરી દેવો .

બાકી હેડફોન સંબંધિત સર્વસામાન્ય અનુભવ એવો છે કે કાયમ હેડફોન વાપરનાર જિંદગીના સરેરાશ ૭૮૩૪ કલાક વાયરોના ગૂંચળા ઉકેલવામાં કાઢી નાખે છે. આવું કોઈ અમેરિકન સંશોધન નથી. આ અમારો અંદાજ છે. અને એ પણ કન્ઝર્વેટીવ. હેડફોનના ગૂંચળા ઉકેલવાનો અઠંગ ખેલાડી જલેબીના ગૂંચળાને ઉકેલી, એની ચોપસ્ટીક બનાવીને એનાથી પપૈયાનો સંભારો ખાઈ શકે. માશુકાની કુંતલાકાર ઝુલ્ફો મહીં આંગળીઓ પસવારવા ઉત્સુક ફેસબુક કવિ હેડફોનના ગૂંચળા પરથી પ્રેરણા લઇ માશુકાની યાદમાં કવિતા ઘસી શકે. આફ્રિકન માશુકા ધરાવતા કવિઓ હેડફોન ઉપરાંત માંજાના ગૂંચળા પણ આસાનીથી ઉકેલી શકે. ખરેખર તો શેમ્પૂની જાહેરાતમાં આવતી કન્યા અંબોડો છોડે અને એના રેશમી વાળ છુટ્ટા થઇને ઘોડાના પૂંછડાની જેમ લહેરાવા માંડે એવા કેબલ સાથેના હેડફોન બનાવવા એ આજની તાકીદની જરૂરિયાત છે. જોકે મોબાઈલને વોટરપ્રૂફ બનાવવામાં હેડફોનનો જેક નડતો હોઈ હવે તો નવા મોંઘા ફોનમાં વાયર વગરના હેડફોન્સ આવે છે.હેડફોનને લઈને કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે. બહેરાશના પેશન્ટો વધી રહ્યા છે. પત્નીઓની ફરિયાદ છે કે એમના પતિ એમની વાત સાંભળતા નથી અને એથી પતિ-પત્ની વચ્ચે વૈમનસ્ય વધી રહ્યું છે. હેડફોન પહેરીને મોબાઈલ પર વાત કરનારા જોનારને મોટેભાગે સ્વગત બબડતા ગાંડા જેવા દીસે છે. આ કારણથી એન્ગેજમેન્ટ પણ તૂટી શકે છે. આ ઉપરાંત કાનમાં સંગીત વાગતું હોય ત્યારે બહારનું સંભળાતું નથી એટલે હેડફોન પહેરેલો વ્યક્તિ જોરથી બોલે છે. હેડફોન પહેરનાર સંગીત કે વાતચીતમાં એવા ખોવાઈ જાય છે કે એને સ્થળ, કાળ, દુનિયા, ટ્રાફિકની તમા નથી રહેતી. આમ હેડફોનધારકને આસ્તિક ગણી શકાય કારણ કે એ બધું ભગવાનને ભરોસે છોડી દે છે.

મોબાઈલમાં વપરાતા હેડફોન્સને હેન્ડ્સ ફ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે વાત કરતી વખતે માણસના હાથ ફ્રી રહે છે, એ ડ્રાઈવિંગ કરી શકે છે, રીમોટથી ટીવી ચેનલ બદલી શકે છે. સાઉથ ઇન્ડીયન ફિલ્મનો હીરો તો હેન્ડ્સફ્રી હોય તો હાથથી મારામારી અને વખત આવ્યે વાયરોનો ઉપયોગ વિલનને ગબડાવી પાડવા કે ગળું દબાવવા કરી શકે. હાથ ફ્રી રહે તો આપણા ગુજ્જુભાઈઓ મસાલો મસળતા જાય અને વાત કરતા જાય. ઢોલીડાને નવરાત્રીમાં ખણવાની પણ ફુરસદ નથી હોતી એના માટે આમ હેન્ડ્સ ફ્રી એ વરદાન છે, પરંતુ એ ઢોલ ટીચતો હોવાથી એકંદરે સામેવાળાને કશું સંભળાતું નથી. ટૂંકમાં હેડફોન વરદાન પણ છે અને પ્રોબ્લેમ પણ છે, એ તમે કેવી રીતે ઉપયોગ કરો તેના પર આધાર રાખે છે.

મસ્કા ફન


કોઈ પોતાના ગામના રીક્ષાવાળાને સારા નહી કહે.

No comments:

Post a Comment